શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા
આપણે ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી શત્રુંજયની યાત્રા કરીએ.
અરિહંત સ્વરૂપને ઓળખી એનાથી ભાવિત બની એના રૂપમ ખોવાઈ જવાનો તદરૂપ બનાવાનો અવસર શત્રુંજય ગિરિરાજની યાત્રાના માધ્યમથી મળે છે. તેથી આપણે બીજું બધું ભૂલી જઈને કેવળ યાત્રામય બનીને ભાવથી શત્રુંજયની યાત્રાનો પારંભ કરીએ.
- ધર્મશાળામાંથી નીકળીને રસ્તામાં આવતા જિનમંદિરોએ “નમો જિણાણં” બોલતા બોલતા આપણે જય તળેટીએ આવ્યા.
- અહીં સ્તુતિ –ચૈત્યવંદન વગેરે કરીએ.
- સામે લાઈનબંધ અગિયાર દેરીઓમાં ઋષભદેવ વગેરે તીર્થકરોનાં પગલાં સમક્ષ નમો જિણાણં.
- ડાબી બાજુ ઓટલા ઉપરની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં.
- જમણી બાજુ ઓટલા ઉપરની દેરીમાં શ્રીપુંડરિક સ્વામીનાં ચરણપાદુકાએ નમો સિદ્ધાણં
હવે આપણે ઉપર ચઢવાની શરૂઆત કરીએ. - ડાબી બાજુએ શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
- ડાબી બાજુની દેરીમાં અજિતનાથ ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુની દેરીમાં શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુની દેરીમાં શાંતિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુશ્રી સરસ્વતી દેવીને “દેવી,સરસ્વતી જ્ઞાન આપો” કહીને નમન
- જમણી બાજુની દેરીમાં શ્રી ધર્મનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુની દેરીમાં શ્રી કુંથુનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- જમણી બાજુની દેરીમાં શ્રી નેમિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- ડાબી બાજુ આવેલા બાબુના દેરાસરમાં જલમંદિરે નમો જિણાણં
- જલમંદિરની સામે શ્રી ગૌતમસ્વામીને નમો જિણાણં
- પાછા ફરતાં સહસ્ત્રકૂટ- રત્ન મંદિર વગેરે સ્થળે નમો જિણાણં
- ધનવસહીના મંદિરમાં મૂળનાયક આદિનાથને નમો જિણાણં
- ધનવસહીના મંદિરની ભમતીમાં પુંડરિક સ્વામીને અને તીર્થંકરોને નમો જિણાણં
- ધનવસહીના મંદિરના બહારના ભાગમાં રાયણ ચરણપાદુકાએ નમો જિણાણં
હવે આપણે ધનવસહીના મંદિરમાંથી શત્રુંજય ઉપર જવાના રસ્તા પર આવ્યા. - ધનવસહીના મંદિરની સામે સમવસણ મંદિરે નમો જિણાણં
હવે થોડા આગળ ચાલીએ, આપણે હવે પહેલે વિસામે આવ્યા.
પછી થોડા આગળ ચાલીને
ધોળી પરબના બીજા વિસામે આવ્યા. - ત્યાં જમણી તરફ ભરત મહારાજા ચરણપાદુકાએ નમો જિણાણં
હવે થોડા આગળ ચાલીએ આપણે ઈચ્છાકુંડ પાસે આવ્યા. - ત્યાંથી થોડુંક ચઢતાં, જમણી બાજુની દેરીમાં આદીશ્વર અને નેમિનાથના
ચરણપાદુકાએ નમો જિણાણં - બાજુમાં નેમિનાથના ગણધર વરદત્તના ચરણપાદુકાએ નમો નમો જિણાણં
હવે થોડા ઉપર ચઢીને આપણે લીલીપરબ પાસે ત્રીજા વિસામે આવ્યા. - ત્યાં બાજુમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
હવે આપણે થોડા ઉપર ચઢીને કુમારકુંડ પાસે આવ્યા.
ત્યાંથી થોડુંક આગળ ચાલીને આપણે હિંગળાજના હડા પાસે આવ્યા.
ત્યાં ચઢાણ કઠીન છે. ચઢવામાં ઉત્સાહ વધે એ માટે આ વિષે એક દુહો પ્રચલિત બન્યો છે.
આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો
ફૂટ્યો પાપનો ઘડો,બાંધ્યો પુણ્યનો પડો
થોડુંક આગળ ચાલીને આપણે પરબની પાસે ચોથા વિસામે આવ્યા. - ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
થોડું ચાલીને આપણે છાલા કુંડ અને પરબ પાસે આવ્યા.આ પાંચમો વિસામો છે. - છાલાકુંડની સામે ચાર શાશ્વત જિનનાં ચરણપાદુકાએ નમો જિણાણં
- થોડું આગળ જતાં કિલ્લેબંધીવાળા ભાગમાં શ્રીપૂજયની ટૂંકમાં આવેલી દેરીમાં
પદ્માવતી દેવીના મસ્તકે રહેલા શ્રી પાર્શ્વપ્રભુને નમો જિણાણં - અને પદ્માવતી દેવીને ‘રક્ષ મામ્ દેવી, પદ્મે’ કહીને પ્રણામ.
- બીજી દેરીમાં માણીભદ્ર વીરને પ્રણામ.
- ત્યાં આવેલા કુંડને ફરતી દેરીઓમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના અને આદિનાથના
ચરણપાદુકાએ નમો જિણાણં
શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં
(કુંડની ચારે બાજુ એક-એક એમ ચાર દેરીઓ છે. તેમાં અનુક્રમે ગોડીજી પાર્શ્વનાથના,
આદિનાથના, ગૌતમસ્વામીના અને ધર્મસુરીશ્વરજીના પગલાં છે.)
અહીંથી આગળ ચાલીને ચઢાણ જ્યાં પૂરું થાય છે. ત્યાં આપણે આવ્યા.
ત્યાંથી આગળ જતાં જમણી બાજુ ચોતરા ઉપર - દ્રવિડ,વારિખિલ્લ, અઈમુત્તા, અને નારદજીની મૂર્તિને નમો જિણાણં
થોડુંક આગળ ચાલીને આપણે હીરાકુંડ પાસે આવ્યા.ત્યાંથી
થોડુંક આગળ ચાલીને આપણે બાવળકુંડ પાસે આવ્યા.
ત્યાંથી જરાક આગળ જતા જમણી બાજુ - ક્રમશ: રામ,ભારત, થાવચ્ચાપુત્ર, શુકપરિવ્રાજક અને શેલક આચાર્યની મૂર્તિઓને
નમો જિણાણં
ત્યાંથી થોડું આગળ જતાં- - સુકોશલ મુનિની મૂર્તિને નમો જિણાણં
ત્યાંથી થોડું આગળ જતાં ડાબી બાજુ - નમિ-વિનમિના ચરણપાદુકાએ નમો જિણાણં
થોડું આગળ ચાલીને આપણે વડલાવાળા છઠ્ઠા વિસામા પાસે આવ્યા. - ત્યાં દેરીમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
- બાજુમાં રહેલી હનુમાનજીની મૂર્તિને નમો જિણાણં
ત્યાંથી આદિનાથની ટૂક તરફ આપણે ચાલીએ.
થોડું આગળ જતાં જમણી તરફ પર્વતમાં કોતરેલી - જાલિ-મયાલિ-ઉવયાલિની મૂર્તિને નમો સિદ્ધાણં. ત્યાંથી આગળ ચાલીને આપણે રામપોળ પાસે આવ્યા.
- રામપોળમાં પ્રવેશતાં સામે પાંચ શિખરના મંદિરે નમો જિણાણં
- તેની બાજુમાં આવેલા ત્રણ શિખરના મંદિરે નમો જિણાણં
હવે આપણે સગાળપોળમાં આવ્યા.પછી વાઘણપોળમાં આવ્યા.પછી
વિમલવસહિમાં આવ્યા. આમાં પ્રવેશતાં જ બંને બાજુએ પંક્તિબંધ મંદિરો
દેખાય છે. તેમાં ડાબી બાજુએ સર્વ પ્રથમ શ્રીશાંતિનાથનું મંદિર છે ત્યાં
નમો જિણાણં.. હવે આપણે - શ્રી શાંતિનાથના મંદિર પ્રભુજી સમક્ષ સ્તુતિ – ચૈત્યવંદન કરીએ.
ત્યારબાદ બહાર નીકળતાં ડાબી તરફ અનુક્રમે - ચક્રેશ્વરી, વાઘેશ્વરી અને પદ્માવતી દેવીને પ્રણામ.
હવે આપણે વિમલવસહિના બીજા મંદિરોમાં ક્રમશઃ વંદન કરીએ.
અહીં બંને બાજુએ મંદિરોની શ્રેણી છે.
તેમાં પહેલાં ડાબી બાજુની શ્રેણીનાં મંદિરોને ક્રમશઃ વંદન કરીએ. - નેમિનાથની ચોરીના મંદિરમાં ૧૭૦ જિનપટે નમો જિણાણં
પછી પુણ્ય-પાપની બારી આવે છે. પછી - શ્રી વિમલનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી આરસના મંદિરે નમો જિણાણં
- શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી જગતશેઠના મંદિરે નમો જિણાણં
- શ્રી શાંતિનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી કુમારપાળના મંદિરે નમો જિણાણં
હવે આપણે વિમલવસહિના જમણી બાજુના મંદિરે વંદન કરીએ. - પંચ તીર્થીના મંદિરે (નરશી કેશવજી નિર્મિત)
- શ્રી પુંડરીકસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી કવડયક્ષના મંદિરે પ્રણામ.
- શ્રી મહાવીરસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી અમીઝરાપાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી આદિનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી મહાવીર સ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં .(આમાં સો થાંભલા છે.)
- શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી ધનેશ્વરસૂરિના મંદિરે મત્થએણ વદામિ.
- શ્રી શ્રેયાંસનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
- શ્રી ઋષભદેવના મંદિરે નમો જિણાણં
હવે હાથીપોળમાં આવ્યા પછી આપણે રતનપોળમાં આવ્યા.
રતનપોળમાં પેસતાં જ સામે શ્રી આદિનાથ દાદાનોદરબાર દેખાય છે.
હવે આપણે શ્રી આદિનાથ દાદાને નમો જિણાણં કહીને ત્રણ પ્રદિક્ષણા આપીએ
પ્રદિક્ષણામાં આવતાં મંદિરોને વંદના કરતા જઈશું.
પહેલી પ્રદિક્ષણા
- સહસ્ત્રકૂટના મંદિરે નમો જિણાણં
- મૂળ મંદિરના બહારના ગોખલાઓમાં નમો જિણાણં
- રાયણપગલાં વગેરે ચરણપાદુકાએ નમો જિણાણં
- ૧૪૫૨ ગણધર ભગવંતના પગલાના મંદિરે,તીર્થંકરોના અને
ગણધરોના ચરણપાદુકાએ નમો જિણાણં - શ્રીસીમંધરસ્વામીના મંદિરે નમો જિણાણં
- શ્રી આત્મારામજી મહારાજ(શ્રી વિજયાનંદસુરીશ્વરજી)ની મૂર્તિને મત્થએણ વંદામિ.
(મંદિરની બહાર જમણી બાજુ આરસના ગોખલામાં બિરાજમાન આ મૂર્તિ પંચધાતુની બનેલી છે.)
બીજી પ્રદિક્ષણા
- નવા આદીશ્વરના મંદિરે નમો જિણાણં
- ત્યાં દેરીઓમાં આવેલાં ચરણપાદુકાએ નમો જિણાણં
- ત્યાં આશાધરની અને સમરાશાની સજોડે મૂર્તિઓને પ્રણામ.
- સમવસરણના મંદિરે નમો જિણાણં
- સમેતશિખરના મંદિરે નમો જિણાણં
- શ્રી સીમંધરસ્વામીના મંદિરની ઉપર શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં
- શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથને નમો જિણાણં
ત્રીજી પ્રદિક્ષણા
- પાંચ ભાઈઓ દ્વારા નિર્મિત મંદિરે નમો જિણાણં
- પુંડરીકસ્વામી મંદિરની બાજુની ભીંતે આવેલા મંદિરે નમો જિણાણં
- બજરીયાના મંદિરે નમો જિણાણં
- વિહરમાન જિનમંદિરે નમો જિણાણં
- અષ્ટાપદમંદિરે નમો જિણાણં અને ગુરુમૂર્તિને મત્થએણ વંદામિ.
- નમિ- વિનમિ ભારત-બાહુબલીની મૂર્તિને નમો જિણાણં
- વિજયશેઠ-વિજયા શેઠાણીની મૂર્તિને પ્રણામ.
- ચૌદરતનના મંદિરે નમો જિણાણં
- નવી ટૂંકમાંની પ્રતિમાઓને નમો જિણાણં
- બહાર આવી આગળ જતા ગોખલામાં તીર્થંકરની ૨૪ માતાને પ્રણામ.
- ગંધારિયાના દહેરાસરે નમો જિણાણં
- પુંડરિક સ્વામીના મંદિરે નમો જિણાણં
અહીં ત્રણ પ્રદિક્ષણા પૂર્ણ થઇ. હવે આપણે ક્રમશ: રાયણ પગલા, શ્રી
પુંડરિકસ્વામી અને શ્રી આદિનાથ સમક્ષ ચૈત્યવંદન કરીએ.
નવ ટૂંકો
શ્રી શત્રુંજયના પર્વતનું બીજું શિખર ટૂકોના સંખ્યાબંધ જિનમંદિરોથી સુશોભિત બન્યું અને કુંતાસરની ઉંડી ખાઈનું પુરાણ કરીને એના ઉપર શ્રી મોતીશા શેઠની વિશાળ નવી ટૂંકની રચના થઈ. આમ નવ ટૂંકો અસ્તિત્વમાં આવી. મોગલકાળનો સમય જોકે ધ્વંસ અને વિધ્વંસનો આવ્યો પણ આ ત્રણસો-ચારસો વર્ષનો સમય શ્રી શત્રુંજ્ય તીર્થને માંટે વધુ ને વધુ વિકાસના પ્રસંગો પણ લઈને જ આવ્યો હતો. આ વાતની પ્રતીતિ નવ ટૂંકોની સ્થાપનાનો સમયગાળો કરાવે છે. શ્રી શત્રુંજ્ય પહાડના બીજા શિખર ઉપર સૌથી પહેલાં વિ.સં. 1675ની સાલમાં ખરતરવસહી નામે સવા સોમાની ટૂંકના ગગનચૂંબી ચતુર્મુખ જિનપ્રસાદની રચના થઈ હતી, જે ટૂંકોની યાત્રાના ક્રમમાં બીજી ટૂંક ગણાય છે, અને સૌથી છેલ્લે, વિ.સં. 1921ની સાલમાં (સવા સોમાંની ટૂંક પછી 246 વર્ષે) શેઠ નરશી કેશવજી નાયકની ટૂંકની સ્થાપના થઈ હતી. ટૂંકોની યાત્રાના ક્રમ પ્રમાણે આ ટૂંક પહેલી આવે છે.
9 ટૂંકની વિગત
- ખરતરવસહી-સવા-સોમાની (ચૌમુખજીની) ટૂંક, (બીજી ટૂંક) વિ.સં.1675-ઈ.સન્ 1619
- છીપાવસહીની ટૂંક, વિ.સં. 1794 (ત્રીજી ટૂંક) ઈ.સન્ 1738
- પ્રેમવસહી-પ્રેમચંદ મોદીની ટૂંક, 1843 (સાતમી ટૂંક) ઈ.સન્ 1787
- હેમવસહી-હેમાભાઈ શેઠની ટૂંક, વિ.સં. 1886 (છઠ્ઠી ટૂંક) ઈ.સન્ 1830
- ઉજમફઈની ટૂંક, વિ.સં. 1889 (પાંચમી ટૂંક) ઈ.સન્ 1833
- સાકરવસહી-સાકરચંદ પ્રેમચંદની ટૂંક, વિ.સં. 1893 (ચોથી ટૂંક) ઈ.સન્ 1837
- બાલાવસહી-બાલાભાઈની ટૂંક, વિ.સં. 1893 (આઠમી ટૂંક) ઈ.સન્ 1837
- મોતીશાની ટૂંક, વિ.સં. 1893 (નવમી ટૂંક) ઈ.સન્ 1837
- નરશી કેશવજીની ટૂંક, વિ.સં. 1921 (પહેલી ટૂંક) ઈ.સન્ 1865
હવે નવે ટૂંકોની વાત માંડીને કરીએ.
હનુમાન દ્વારને રસ્તે જતા પહેલા ચૌમુખજીની ટૂંક આવે છે જયાં કચ્છના શેઠ નરશી કેશવજીનાં સ્મરણાર્થે બંધાવેલ કુંડ દ્રષ્ટિગોચર થાય છે.
૧. કેશવજી નાયક ટૂંક
ખરતરવસહીમાં પ્રવેશતા જમણી બાજુ નરશી કેશવજીએ વિ.સં. 1921 (ઇ.સ.1865)માં બંધાવેલ મંદિર આવે છે. તે પછી અભિનંદન સ્વામીનું માંળ–મજલાવાળુ મંદિર આવે છે.
આ ટૂંકમાં પ્રવેશતા શાંતિનાથ ભગવાન અને મરુદેવી માતાના પ્રાચીન સ્થાનો પણ આવે છે. શાંતિનાથ ભગવાનનું વર્તમાન મંદિર તો ચૌદમાં શતકનું છે અને મરુદેવીનુ મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાછલા કાળનું છે પણ બંને સ્થળોનો ઉલ્લેખ સોલંકી કાલીન સાહિત્યમાં મળતો હોઇ એ મંદિર અસલમાં વિશેષ પ્રાચીન હોવા જોઇએ.
ત્યારબાદ આ ટૂંકમાં પ્રમાણમાં આઘુનિક એવા મંદિરો છે, જેમાં શેઠ નરશી નાથાનું વિ.સં. 1893(ઇસવીસન 1837)માં બંધાવેલ ચંદ્રપ્રભુનુ મંદિર, શેઠ દેવશી પુનશી સામતનુ ચોવીસીવાળુ ઘર્મનાથનું મંદિર, ત્યારબાદ કુંથુનાથ, અજિતનાથ ને ચંદ્રપ્રભના નાના મંદિર, તે પછી મુર્શિદાબાદના બાબુ ઈંદ્રચંદ નહાલચંદનુ મંદિર.
વિ.સં. 1891(ઇસવીસન 1835)માં કરાવેલ આદીશ્વરદેવનું મંદિર, તે પછી ચૌમુખજીનું દેવાલય અને નજીકમાં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદ ગુલેચ્છાનુ વિ.સં. 1895(ઇસવીસન 1839)માં કરાવેલ સુમતિનાથનું મંદિર, બાબુ પ્રતાપસિંહ દુગ્ગડનુ વિ.સં. 1891(ઇ.સન 1835)માં બનાવેલુ સંભવનાથનું મંદિર અને બાજુમાં આદિશ્વરદેવનુ મંદિર છે.
૨. સવા સોમાની(ખરતરવસહી) ચૌમુખજીની ટૂંક
અહીંથી આગળ ચૌમુખજીની ટૂંકમાં પ્રવેશતા આદિશ્વરદેવ ભગવાનનું ઉત્તંગ ચતુર્મુખ મંદિર નજરે પડે છે. જેને અમદાવાદના ખતરગચ્છ શિવજી સોમજીએ વિ.સં. 1675(ઇસવીસન્ 1619)માં બંધાવેલું (ચિત્ર 8) પોતાની ઊંચાઈ અને આયોજનની રમણીયતાથી અનોખી ભાત પાડતા આ મંદિરની ગણતરી સત્તરમાં સૈકાના ઉત્તમ દેવભવનોમાં થાય છે. આ દેરાસરની છત તથા દિવાલો ઉપર અતિ સુંદર ચિત્રકામ કરવામાં આવેલ છે જે ખરેખર અદભૂત છે. વિ.સં. 1695(ઇસવીસન 1639)માં પ્રસ્તુત શ્રેષ્ઠીઓએ કરાવેલ પુંડરિક સ્વામીનુ મંદિર તે જ સાલમાં બનેલ ખીમજી સોમજીનુ પાર્શ્વનાથનુ મંદિર, તે પછી અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદજી વિ.સં. 1784(ઇ.સન 1728)માં કરાવેલ સીમંધરસ્વામીનુ મંદિર, ને શેઠ સુંદરદાસ રતનજીએ કરાવેલ બે શાંતિનાથના મંદિરો છે. તેની બાજુમાં જ અમદાવાદના ભણશાલી કમળશી સેનનુ બંધાવેલ અજિતનાથનુ મંદિર છે. મુખ્ય ચતુર્મુખ મંદિરની ફરતે આ બઘા મંદિરોની ગોઠવણી સામંજસ્યના સિદ્ધાંત પર થયેલી હોવાથી આખુય આયોજન સમતોલ જણાય છે.
આ ટૂંકનાં મુખ્ય જિનાલયનું શિખર આશરે 15 કિમી દુરથી દ્રશ્યમાન થાય છે.
૩. છીપાવસહી ટૂંક
ખરતરવસહી ટૂંકની બાજુમાં ડુંગરાવનાં ઢોળાવ પર છીપાવસહી ટૂંક આવેલી છે. તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરો છે. તેમાં છીપાવસહી નામનું પૂર્વાભિમૂખ મંદિર મુખ્ય છે. તેની વિ.સં. 1791(ઇ.સ. 1735)માં ભાવસારોએ પુન:પ્રતિષ્ઠા કરાવી છે પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલુ છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતુ હતું, તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. છીપાવસહી એ શત્રુંજય પરના ઉત્તમ મંદિર પૈકીનુ એક છે. આ જિનાલયમાં પ્રાચીન અદ્ભુત ચિત્રકામ જોવા લાયક છે. છીપાવસહી પાછળ રહેલું મંદિર મોટે ભાગે તો સંઘવી પેથડના સમયનું હશે. ચૈત્યપરિપાટીઓમાં તેનો ટોટરા વિહાર તરીકે પરિચય આપ્યો છે, જયારે ગઢની રાંગને અડીને આવેલુ શ્રેયાંસનાથનુ મંદિર ખરતરગચ્છીય શ્રાવકોએ વિ.સં. 1377(ઇ.સન 1321)માં ફરીને બનાવ્યુ છે, અને મઘ્યકાળમાં તે મોલ્હાવસહી નામે ઓળખાતું હતું. શ્રેયાંસનાથનું આ મંદિર પહેલા પણ ત્યાં હતું.
૪. સાકરવસહીની ટૂંક
શ્રેયાસનાથનાં મંદિરની પાછળના ભાગમાં આવેલ કોટની અંદર સાકરવસહીની ટૂંક છે, જે અમદાવાદનાં શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. 1893(ઇ.સ. 1837)માં બંઘાવી છે. અહીં મુખ્ય મંદિર ચિંતામણી પાર્શ્વનાથનું છે, તેની સામે પુંડરિકસ્વામીનું દેરાસર છે. બાજુમાં શેઠ લલ્લુભાઇ જમનાદાસનુ પદ્મપ્રભસ્વામીનું વિ.સં. 1893(ઇસવીસન્-1837)નું તેમજ શેઠ મગનલાલ કરમચંદનુ પણ એ જ મિતિનું પદ્મપ્રભનું મંદિર આવેલુ છે.
પ્રસ્તુત ટૂંકની પાછળ પાંચ પાંડવોનું કહેવાતુ મંદિર છે. શાહ દલીચંદ કીકાભાઇએ તેમાં વિ.સં. 1421(ઇસવીસન્-1365)માં પાચ પાંડવોની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢનાં મંત્રી પીથડ-પેથડશાહનું કરાવેલુ છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા. મંદિરના મંડોવર પર અને શિખરમાં કોતરણી છે, મંદિર દક્ષિણાભિમુખ છે. આ મંદિરની પાછળ અને ચૌમુખ ટૂંકમાં જેનુ બારુ પડે છે, તે સહસ્ત્રકૂટનુ મંદિર સુરતનાં મૂળચંદ મયાભાઇ બાવચંદે વિ.સં. 1860(ઇ.સ. 1804)માં બંધાવેલું છે.
૫. ઉજમફઇની ટૂંક
આગળ વઘતા ઉજમફઇની ટૂંક આવે છે. અમદાવાદનાં નગરશેઠ પ્રેમાભાઇનાં ફઇ ઉજમફઇએ ત્યાં નંદીશ્વરદ્વીપની મનોહર રચના કરાવી છે. તેના પ્રવેશમાં લાલિત્યયુક્ત સ્તંભાવલી છે અને મૂળ ચૈત્યની ભીતમાં સુંદર કોતરણીવાળી જાળીઓ ભરી છે. આ સ્થળેથી આદીશ્વરની ટૂંકનુ ભવ્ય દર્શન થાય છે.
૬. હીમાવસહીની ટૂંક
આગળ વઘતા હીમાવસહી આવે છે. અમદાવાદ નિવાસી અકબરમાન્ય શેઠ શાંતિદાસના વંશજ નગરશેઠ હીમાભાઇ વખતચંદે વિ.સં. 1886(ઇસવીસન્ 1830)માં આ મંદિર બંઘાવી પ્રતિષ્ઠા કરાવેલ.
આ સમૂહમાં મુખ્ય મંદિર અજિતનાથનું છે સાથે પુંડરીક સ્વામીનુ મંદિર પણ છે, અને ચૌમુખજી પણ છે. જ્યારે બીજા ચૌમુખ મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સં. 1888(ઇ.સન 1832)માં બઘાવ્યુ છે. ટૂંકની બહાર જીજીબાઇના નામથી ઓળખાતો કુંડ છે.
૭. પ્રેમાવસહીની ટૂંક
નીચે ઉતરતા પ્રેમાવસહીની ટૂંક આવે છે. અમદાવાદના શેઠ પ્રેમચંદ લવજી મોદીએ તે વિ.સં. 1843(ઇસવીસન્ 1787)માં સ્થાપી છે. ટૂંકનુ આદિનાથનુ મુખ્ય મંદિર તેમજ પુંડરીકસ્વામીનુ મંદિર તેમનુ કરાવેલ છે: જ્યારે આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ દેરાસર સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદ ધુસનુ કરાવેલ છે.
આ મંદિરની સામે આરસનું બીજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથનું મંદિર પ્રેમચંદ ઝવેરચંદ ધુસએ બંધાવેલ છે. આ ટૂંકમાં પાલનપુરના મોદી શેઠનું અજિતનાથનુ મંદિર, મહુવાના નીમાં શ્રાવકોનુ ચંદ્રપ્રભનુ મંદિર તથા રાઘનપુરના શેઠ લાલચંદે બંધાવેલ ચંદ્રપ્રભનુ બીજુ મંદિર પણ છે. કોટ બહાર કુંડ અને ખોડીયાર માતાનું સ્થાનક છે.
મોદીની ટૂંકથી નીચે પોણોસો જેટલા પગથીયા ઉતરતા ખડક પર કંડારેલ અદ્દભુત આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે, આની ઊંચાઈ 18 ફૂટ અને પહોળાઈ 14.6 ફૂટ છે. આની પુન:પ્રતિષ્ઠા વિ.સં. 1686(ઇ.સ. 1630)માં ઘરમદાસ શેઠે કરાવી છે. આ પ્રતિમાનો જિનપ્રભસૂરિએ પાંડવકારિત આદિનાથ તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ ‘સ્વયંભુ આદિનાથ’ ‘અદભુત આદિનાથ’ વગેરે શબ્દોથી ઉલ્લેખ કરેલો હોઇ, તે પ્રાચીન છે. આ ભગવાન શ્રી અદબદજી ભગવાન તરીકે પણ જાણીતા છે.
૮. બાલાવસહીની ટૂંક
અહીંથી નીચે જતા ઘોઘાના શેઠ દીપચંદ કલ્યાણજી ઉર્ફે બાલાભાઇ એ કરાવેલ બાલાવસહીનો મંદિર-સમૂહ આવે છે તેમાં બાલાભાઇ શેઠે વિ.સં. 1893(ઇ.સ. 1837)માં કરાવેલ આદિનાથ તથા પુંડરીકસ્વામીના મંદિરો, પછી મુંબઈવાળા ફતેહચંદ ખુશાલચંદના ઘર્મપત્ની ઉજમબાઇ એ વિ.સં. 1908(ઇ.સ.1852)માં કરાવેલ ચૌમુખજીનું મંદિર, કપડવંજના મીઠાભાઇ ગુલાબચંદે વિ.સં.1916(ઇ.સ.1860)માં બંધાવેલ વાસુપુજ્યના મંદિર સિવાય ઇલોરવાળા માંનચંદ વીરચંદ અને પુનાના શાહ લખમીચંદ હીરાચંદે પણ તેમાં મંદિરો કરાવેલ છે.
૯. શેઠ મોતીશાની ટૂંક
શત્રુંજયના બે શિખર વચ્ચાળેના ગાળામાં અગાઉ નિર્દેશિત મોતીશા શેઠની ટૂંક આવેલ છે, તેની પ્રતિષ્ઠા મોતીશા શેઠના પુત્ર ખીમચંદભાઇ એ વિ.સં. 1893(ઇ.સ.1837)માં કરાવેલ, આમાં મુખ્ય મંદિર તથા પુંડરીકસ્વામીનુ મંદિર મોતીશા શેઠનુ છે: જ્યારે પહેલું ઘર્મનાથનુ અમદાવાદના શેઠ હઠીસિંગનુ અને બીજુ અમરચંદ દમણીનુ છે. તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામ-સામાં ચૌમુખ મંદિરો છે: જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઇતાએ અને બીજુ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે કરાવ્યુ છે. આ સિવાય પણ અહી બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મુજબ છે :
1 ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઇ
2 આદિશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઇ
3 પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પ્રેમજી રંગજી
4 પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ
5 સહસ્ત્રકૂટનું મંદિર મુંબઇવાળા શેઠ જેઠાશા નવલશા
6 સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ
7 સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદ
8 મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ
9 ગણઘર ચરણપાદુકાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ
આ ટૂંકની બહાર વાપી-કુંડ છે. કુંડને છેડે કુંતાસરદેવીની મૂર્તિ છે .
શત્રુંજયની સાથે નવનો આંકડો અનેક રીતે જોડાયેલો છે, જેમાં આ નવ ટૂંક પણ શત્રુંજય ની યશકલગીમાં ઉમેરો કરે છે.
ઘેટીપાગ યાત્રા પરિચય
એક દિવસમાં બે યાત્રા કરનારા મહાનુભાવો બીજી યાત્રા ઘેટી પાગથી કરે છે. બીજી યાત્રા કરનારા યાત્રાળુઓ એક યાત્રા કર્યા પછી સગાળપોળથી બહાર નીકળીને કુંતાસર ચોકમાં આવે છે. ત્યાંથી ડાબી બાજુના રસ્તે ઘેટી પાગ તરફ જાય છે. થોડા આગળ જતા કુંતાસરની બારી (અથવા ઘેટીની બારી) આવે છે.
તેમાંથી બહાર નીકળીને નીચે ઉતરતાં લગભગ અર્ઘા રસ્તે ડાબી બાજુ એક દેરી અને પરબ આવે છે. ત્યાંથી ઘણું ઉતર્યા પછી ઘેટી પાગની દેરી આવે છે.
શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી આંબડ વિ.સં. 1213માં શત્રુંજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં બીજી યાત્રાનું પહેલું ચૈત્યવંદન કરવાનું હોય છે.
ઘેટી પગલાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂંક વગેરે અનેક મંદિરો છે.
સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે. ત્યાં બઘાં દેરાસરોના દર્શન કરીને પાછા ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. ઉપર ચઢીને દાદાની ટૂંકમાં ફરીથી પહેલાંની જેમ શ્રી શાંતિનાથજી આદિની સમક્ષ ચાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. પછી નીચે ઉતરતાં બે યાત્રા પૂર્ણ થાય છે.
સૂચના- ઘેટીપાગની નીચે આદપુર ગામ છે ત્યાં એક મંદિર છે. તેમાં નવાણું ઇંચની શ્રી આદીનાથની મોટી પ્રતિમા છે. શક્ય હોય તો ત્યાં અવશ્ય દર્શન કરવા જોઇએ.
શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલા આત્માઓ
મનુષ્યલોકના દરેક સ્થાનથી જેટલા અનંતજીવો મોક્ષમાં ગયા છે તેનાથી અનંતગણા જીવો શત્રુંજય તીર્થના દરેક સ્થાનથી મોક્ષમાં ગયા છે. મનુષ્યલોકના શત્રુંજય સિવાયના સ્થાનમાં એકીસાથે એક, બે, ત્રણ વગેરે અલ્પ સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે જ્યારે શત્રુંજય ગિરિરાજ ઉપર એકીસાથે કરોડોની સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે.
| પાંચ પાંડવો | 20 કરોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા છે, |
| આદીનાથના તીર્થમાં | |
| અજિતસેનમુનિ | 17 |
| બાહુબલિના પુત્ર સોમયશા | 13 |
| દ્રાવિડ વારિખિલ્લજી | 10 |
| શાંબ- પ્રદ્યુમ્ન | 8.5 |
| પુંડરીક ગણધર | 5 |
| ભરતમુની | 5 |
| રામ-ભરત | 3 |
| નમિ-વિનમિ | 2 |
| શાંતિનાથ જિનના સાધુઓ | 1,52,55,777 |
| કદંબગણધર | 1 |
| સારમુનિ | 1 |
| સાગરમુનિ | 1 |
| નારદમુનિ | 91,00,000 |
| આદિત્યશા (ભારત ચક્રવર્તીના પુત્ર) | 1,00,000 |
| વસુદેવની સ્ત્રીઓ | 35,000 |
| દમિતારિમુનિ | 14,000 |
| અજિતજિનના સાધુઓ | 10,000 |
| શ્રીનંદિષેણસૂરિ | 7,000 |
| વૈદર્ભી | 4,400 |
| બાહુબલિ | 1,008 |
| થાવચ્ચાપુત્ર | 1,000 |
| સંપ્રતિજિનના થાવચ્ચા ગણધર | 1,000 |
| શુક્રપરિવ્રાજક (શુ્ક્રસૂરિ) | 1,000 |
| કાલિકમુનિ | 1,000 |
| ભરતચક્રવર્તી | 1,000 |
| સુભદ્રમુનિ | 700 |
| શૈલકાચાર્ય | 500 |
શત્રુંજય ઉદ્ધાર
ઇતિહાસયુગ પહેલા (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજય ના નીચે મુજબ બાર ઉદ્ધારો થયા છે.
ઉદ્ધાર – 1 ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવર્તીએ કર્યો.
ઉદ્ધાર – 2- સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલ આઠમાં રાજા શ્રી દંડવીર્યે કર્યો.
ઉદ્ધાર – 3- શ્રી તીર્થંકર દેવ ના ઉપદેશથી ઈશાન ઇંદ્રે (દંડવીર્યના પછી સો સાગરોપ જેટલો કાળ ગયા બાદ) કર્યો.
ઉદ્ધાર – 4- ત્રીજા ઉદ્ધાર પછી કરોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇંદ્રે કર્યો.
ઉદ્ધાર – 5- ચોથા ઉદ્ધાર પછી દસ કરોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોક ના ઇંદ્રે કર્યો.
ઉદ્ધાર – 6- પાંચમા ઉદ્ધાર પછી લાખ કરોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના ઇંદ્રોએ કર્યો.
ઉદ્ધાર – 7- શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવર્તીએ કર્યો.
ઉદ્ધાર – 8- શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં વ્યંતરેન્દ્રોએ કર્યો.
ઉદ્ધાર – 9- શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો.
ઉદ્ધાર – 10- શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો.
ઉદ્ધાર – 11- શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પોતાના લઘુ બંધુ શ્રી લક્ષ્મણજી સાથે રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો.
ઉદ્ધાર – 12- શ્રી અરિષ્ઠનેમિનાથના શાસનમાં પાંચ પાંડવોએ કર્યો.
ઇતિહાસ-યુગમાં થયેલ ચાર ઉદ્ધારોની યાદી આ પ્રમાણે છે.
1) શ્રી મહાવીરદેવના શાસનમાં વિ.સં. 108 વર્ષમાં મધુમતી નિવાસી જાવડ શ્રેષ્ઠીએ, આચાર્યશ્રી વજ્રસ્વામીના સાનિધ્યમાં કર્યો.(તેરમો ઉદ્ધાર)
2) વિ.સં. 1211માં (મતાંતરે સં. 1213માં) ઉદયનમંત્રીના પુત્ર બાહડમંત્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં કર્યો.(ચૌદમો ઉદ્ધાર).
3) પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે(સમરશાએ) વિ.સં. 1371માં, આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં કર્યો.(પંદરમો ઉદ્ધાર).
4) વિ.સં. 1587 મહાન મંત્રવિધ્યા વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજીના સાનિધ્યમાં ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કરમાશાએ કર્યો.

