ક્ષમાપના

જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે

મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર :

અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો

તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો નાનો હશે અથવા મોટો હશે; પણ તમારા મન ઉપર તેની ઘેરી છાપ રહી ગઇ છે.

આ વ્યક્તિ કદાચ તમારી નજીકની જ કોઇ વ્યક્તિ હશે. કદાચ તમારા માતાપિતાએ તમને અન્યાય કર્યો હશે.

કદાચ તમારા પતિએ તમને દગો દીધો હશે. કદાચ તમારાં સંતાનો તમને તરછોડીને જતાં રહ્યાં હશે.

કદાચ તમારાં ભાઇબહેને તમારી સાથે અબોલા લીધા હશે. કદાચ તમે તમારી જાત ઉપર પણ રોષે ભરાયા હો તેવું બની શકે છે.

આ બધો ગુસ્સો જે તમારી અંદર પડ્યો છે તેને સપાટી ઉપર લાવો. તમારા હૃદયના ધબકારા વધી જશે, તમારો ચહેરો લાલઘૂમ બની જશે.

જો કોઇ ચમત્કાર થાય અને આ અંદરનો ગુસ્સો પળમાત્રમાં ઓગળી જાય તો તમને કેવું લાગે? તમે કેવા હળવાફુલ બની જાઓ?

અમેરિકાના કોલિન ટિપ્પીંગ નામના લેખકે ‘રેડિકલ ફરગીવનેસ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના આધારે અમેરિકામાં ‘રેડિકલ ફરગીવનેસ’ની સેંકડો ક્લિનિકો ખૂલી ગઇ છે.

આ ક્લિનિકોમાં રેડિકલ ફરગીવનેસનો છ સપ્તાહનો કોર્સ ચાલે છે. આ કોર્સમાં ભાગ લેનારાઓ ભૂતકાળના તમામ બોજાઓમાંથી મુક્ત થઇને વર્તમાનમાં જીવતાં શીખે છે.

રેડિકલ ફરગીવનેસની થિયરીના પ્રચારકો કહે છે કે “‘તમારો અપરાધ કરનારને ક્ષમા ન કરીને તમે તમારા ભૂતકાળના કેદી બનીને રહી જાઓ છો. તમારી આ જૂની ફરિયાદો તમારી જિંદગીને આગળ વધવામાં અંતરાયરૂપ બને છે.

તમે કોઇને માફ નથી કરતાં ત્યારે તમારી જાતનો અંકુશ તે વ્યક્તિના હાથમાં આવી જાય છે, જેણે તમારો અપરાધ કર્યો છે.

જેવા સાથે તેવા થવાની, અપરાધીને સજા કરવાની અને તેને દેખાડી દેવાની ભાવના તમારા હૃદયમાં સતત વૃદ્ધિ પામ્યા કરે છે અને તમે આ ભાવનાના ગુલામ બની જાઓ છો.

તમારો વર્તમાન કાયમ ભૂતકાળની આ કડવી યાદોથી ખરડાયેલો રહે છે. તમારો અપરાધ કરનાર વ્યક્તિ ક્ષમા માંગે કે ન માંગે; તેને ક્ષમા આપી દેવાથી તમે તે પીડાદાયક ભૂતકાળમાંથી કાયમ માટે મુક્ત થઇ જશો.’’

વિખ્યાત ચિંતક નોર્મન કઝીન્સે કહ્યું છે કે, કોઇને માફ કરવા માટે ભારે બહાદુરીની જરૂર પડે છે. આ વાત આપણને ભગવાન શ્રી મહાવીરના જીવનમાંથી સચોટ રીતે જાણવા મળે છે.

ભગવાન મહાવીર જ્યારે સાધના કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે બાજુના જંગલમાં એક ભયંકર ઝેરી સર્પ છે, જેની દૃષ્ટિમાં પણ તાલપુટ વિષ છે. પૂર્વભવમાં આ સર્પ ચંડકૌશિક નામનો સંન્યાસી હતો પણ પોતાના ક્રોધને કારણે સર્પ બન્યો હતો.

ભગવાન તેનો ઉદ્ધાર કરવા જંગલમાં ગયા ત્યારે ચંડકૌશિકના આત્માએ તેમને બાળીને ખાખ કરી નાંખવાની કોશિષ કરી; પણ ભગવાનની અચિંત્ય શક્તિને કારણે તે ભગવાનને મારી ન શક્યો.

આટલો જ ઘન્ય અપરાધ કરનાર સર્પ ઉપર પણ ભગવાનને ગુસ્સો ન આવ્યો. તેમણે કરૂણાથી કહ્યું “બુજ્ઝ, બુજ્ઝ, ચંડકોશિયા.’ આ વચનથી ચંડકૌશિકને પોતાનો પૂર્વભવ યાદ આવી ગયો અને તેને ભારે પશ્ચાતાપ થયો.

કોઇ આપણો જીવ લેવા આપણી ઉપર હુમલો કરે તેને સજા કરવામાં જેટલી બહાદુરીની જરૂર પડે છે, તેના કરતાં વધુ બહાદુરી તેને માફ કરવા માટે જોઇએ.
જ્યારે આપણે કોઇ વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ અને તે ગુસ્સો આપણા મનમાં સંઘરી રાખીએ છીએ ત્યારે હકીકતમાં આપણે તે વ્યક્તિને નહીં પણ આપણી જાતને જ સજા કરતા હોઇએ છીએ.

આપણા ગુસ્સાને કારણે તે વ્યક્તિને તો કાંઇ નુકસાન નથી થતું પણ આપણને દિવસરાત તેનું નુકસાન થયા કરે છે.

આ ગુસ્સો આપણા મનને અને તનને પણ ઇજા પહોંચાડ્યા કરે છે.

આજે જેટલા પણ મનોરોગો જોવા મળે છે, તેના મૂળમાં આ સંઘરી રાખવામાં આવેલો રોષ છે. જે ક્ષણે આપણે આ ગુસ્સાથી મુક્ત થઇએ છીએ ત્યારે આપણે આપણી જાતે જ સાજા થઇ જઇએ છીએ.

આ કારણે ક્ષમાપના એક પ્રકારની સંજીવની છે, જેના સ્પર્શથી આપણે સાજા થઇએ છીએ.

કોઇ પણ વ્યક્તિ સાથેની શત્રુતા આપણા માટે કારાવાસની ગરજ સારે છે. જ્યાં સુધી આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે ધિક્કારભાવ હોય ત્યાં સુધી આપણે આ કારાવાસમાં જ સબડ્યા કરીએ છીએ.

જે ક્ષણે આપણે તે વ્યક્તિને માફ કરી દઇએ છીએ તે ક્ષણે આપણો જેલમાંથી છૂટકારો થાય છે. આ રીતે ક્ષમાપના સૃજનાત્મક શક્તિ છે.

આપણે જે વ્યક્તિનો અપરાધ કર્યો હોય છે તેના તરફથી આપણને સતત એવો ભય સતાવ્યા કરે છે કે તે આપણી ઉપર બદલો વાળવા માટે વળતો હુમલો કરશે. આ કારણે આપણે સતત અજ્ઞાત ભયથી પીડાયા કરીએ છીએ.

આજકાલ હતાશા અને ડિપ્રેશન જેવી જે બીમારીઓ પેદા થાય છે તેની પાછળ આવા વેરનો ઇતિહાસ હોય છે.

આ રોષ અને ભયગ્રંથિમાંથી મુક્ત થવાનો એકમાત્ર ઇલાજ ક્ષમાપના છે. આપણે જેનો અપરાધ કર્યો છે તેની ક્ષમા માંગી લેવાથી આપણે ભયમુક્ત થઇ જઇએ છીએ.

જેણે આપણો અપરાધ કર્યો હોય છે તેને માફ કરી દેવાથી આપણે રોષમુક્ત થઇ જઇએ છીએ.

જૈન ધર્મમાં ક્ષમાપનાને અત્યંત સાહજિક બનાવી દેવામાં આવી છે. આ કારણે આબાલવૃદ્ધ કોઇને ક્ષમા માંગવામાં અને ક્ષમા આપવામાં સંકોચ નડતો નથી.

ક્ષમાપના કરવા માટે જબરદસ્ત આત્મવિશ્વાસની જરૂર પડે છે. જેમને પોતાની જાતમાં શ્રદ્ધા હોય છે, તેઓ જ માફી માંગી શકે છે અને માફી આપી શકે છે.

જેમાં ક્ષમાપનાનો તહેવાર ઉજવાતો હોય તેવો જગતભરમાં એકમાત્ર જૈન ધર્મ છે.

જૈન ધર્મમાં ‘મિચ્છા મિ દુક્કડં’ મહામંત્ર માનવામાં આવ્યો છે.

સાચા જૈનો જેટલી સાહજીકતાથી ક્ષમાપના કરી શકે છે, એટલી સાહજીકતાથી ક્ષમાપના દુનિયાની કોઇ પ્રજા કરી શકતી નથી.

ક્ષમાપનાથી મોક્ષની પ્રાપ્તિ તો થાય જ છે, પણ તેને કારણે નિર્મળ અને સ્વચ્છ બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે

==============================

બીજાનુ દુ:ખ જોઇને આપણી આંખોથી આંસુ ટપકે તો એ પક્ષાલ જ છે

બીજાનુ દુ:ખ જોઇને આપણુ હૈયુ હચમચી જાય ને તેની મદદ કરીએ તો એ અષ્ટ પ્રકારી પૂજા જ છે

Leave a comment

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2025. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi