શ્રી મૃગાપુત્ર લોઢિયા
શ્રી વીરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા મૃગ નામના ગામના ઉધાનમાં સમવસર્યા.
પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષણીય અનાદિ લઈ પાછા ફરતા ફરતા ગામમાં એક અંધ અને વૃદ્ધ કોઢીઆને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણી રહી હતી, અને તે પગલે પગલે દુઃખી થતો હતો. એવા દુઃખના ઘર રૂપ તેને જોઈને ગૌતમ સ્વામીએ (શ્રી ઇન્દ્રભૂતિ) પ્રભુની પાસે આવીને પૂછ્યું કે,
હે ભગવન્! આજે મેં એક એવા મહા દુ:ખી પુરુષને જોયો છે કે, તેના જેવો વિશ્વમાં કોઈક જ દુ:ખી હશે !”
પ્રભુ બોલ્યા, હે ગૌતમ ! એને કાંઈ મોટું દુઃખ નથી. આજ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણી છે, તેનો પ્રથમ પુત્ર લોઢિયાના જેવી આકૃતિવાળો છે, તેના દુ:ખની આગળ આનું દુ:ખ કાંઈ જ નથી. એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકા રહિત છે. તેના દેહમાંથી દુર્ગધી રૂધિર અને પરૂ શ્રવ્યા કરે છે, તે જન્મ લીધા પછી સદા ભૂમિગૃહમાં જ રહે છે.”
આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ કર્મના વિપાકની ભયંકરતાને જોવાની ઇચ્છાએ રાજાને ઘેર ગયા.
રાજપત્ની મૃગાવતી ગણધર મહારાજને અચાનક આવેલા જોઈ બોલી, હે ભગવાન ! તમારું દુર્લભ આગમન અકસ્માત કેમ થયું છે ?”
ગણધર ભગવંત બોલ્યા મૃગાવતી ! પ્રભુના વચનથી તમારા પુત્રને જોવા માટે આવ્યો છું. રાણીએ તરત જ પોતાના સુંદર આકૃતિવાળા પુત્રો બતાવ્યા, એટલે ગણધર બોલ્યા હે રાજપત્ની ! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખ્યો છે તે બતાવ.”
મૃગાવતી બોલી કે, “ભગવાન ! મુખે વસ્ત્ર બાંધો અને ક્ષણ વાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુર્ગધ નીકળી જાય તેમ કરું.”
પછી ક્ષણ વારે મૃગાવતી ગૌતમ સ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. ગૌતમ સ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જોયો.
તે પગના અંગૂઠા હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો જન્મથી નપુંસક, બધિર અને મૂગો હતો, દુસ્સહ વેદના ભોગવતો હતો, જન્મથી માંડીને શરીરની અંદરથી આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી રુધિર તથા પરૂ આવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાન પાપ હોય તેવા તે લોઢકાકૃતિ પુત્રને જોઈ ગણધર બહાર નીકળ્યા. અને પ્રભુની પાસે આવીને પૂછ્યું કે,
“હે સ્વામી ! આ જીવ ક્યા કર્મથી નારકીના જેવું દુ:ખ ભોગવે છે ?”
પ્રભુ બોલ્યા “શતતાર નામના નગરમાં ધનપતિ નામના રાજાને અકખાઈ રાઠોડ (રાષ્ટ્રકૂટ) નામે એક સેવક હતો. તે પાંચસો ગામનો અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો હતો, અને કાન, નેત્ર વગેરે છેદીને લોકોને હેરાન કરતો હતો.
એક વખતે તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે – શ્વાસ, ખાંસી, જવર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરષ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર દ્વેષ, નેત્રપીડા, ખૂજલી, કર્ણ વ્યાધિ, જલોદર અને કોઢ,
કહ્યું છે કે “દુષ્ટ, દુર્જન, પાપી, ક્રૂર કર્મ કરનાર અને અનાચારમાં પ્રવર્તનારને તે જ ભવમાં પાપ ફળે છે. તે રાઠોડે ક્રોધ અને લોભને વશ થઈ અનેક પાપો કર્યો. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો એવી રીતે અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી, મરણ પામીને પહેલી નરકે ગયો. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતીના પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર રોગના છિદ્ર દ્વારા અંદર પેસી પરૂ અને રૂધિરપણાને પામીને પાછો બહાર નીકળે છે, આવા મહા દુ:ખ વડે બત્રીશ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામીને આજ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય સમીપે સિંહ થશે. ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે. ત્યાંથી સર્પળિયા (નોળિયા)પણાને પામી બીજી નરકે જશે. એમ એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે. પછી મચ્છપણુ પામશે. પછી સ્થળચર જીવોમાં આવશે. પછી ખેચરપક્ષી જાતિમાં ઊપજશે. પછી ચતુરિંદ્રિય, ત્રેઇદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે. પછી પૃથ્વી વગેરે પાંચે થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભમી અકામનિર્જરાએ લઘુકર્મી થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્ર પણે ઊપજશે. ત્યાં સાધુના સંગથી ધર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.
આ પ્રમાણે શ્રી વીર પ્રભુએ ગૌતમ સ્વામીને લોઢકનો સંબંધ કહ્યો.
આ કથા વાંચીને સૌ મહાનુભાવો ચરાચર જીવોની હિંસા કરવાથી દૂર રહે અને સતત જીવદયા’ અહિંસા ધર્મના આચરણમાં રક્ત બને
જૈન શાસનના ચમકતા હીરાઓ