પોતાને કોઈ નમાવી ન શકે, હરાવી ન શકે તેવુ માનનાર વ્યક્તિ ના અંત માટે એક બિલાડી નિમિત્ત બની.

મહાન યોદ્ધો ચંગીઝખાન જેનો સમય ઇ. સ. 1162 થી 1227 સુધીનો. તે અણનમ વિજેતા અને કાબેલ વ્યૂહ રચનાકાર હતો.

તેણે જાપાનના સમુદ્રથી કેસ્પિયન સમુદ્ર સુધીના વિસ્તારનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેનું આધિપત્ય પોલેન્ડ, વિયેતનામ, સીરિયા, કોરિયા, સેન્ટ્રલ એશિયા અને ચાઇના સુધી ફેલાયેલું હતું.

તેણે ઇતિહાસમાં અન્ય કોઈ વ્યક્તિ કરતા બમણી કરતાં વધુ જમીન પર વિજય મેળવ્યો હતો.

તેનું મૃત્યુ અજબ રીતે થયું કહેવાય છે. તે જલ્દી કોઈના પર વિશ્વાસ ન મૂકે. સાવચેતી ખાતર આખી રાત તે લગભગ જાગતો બેસી રહે.

કહેવાય છે એક વખત યુદ્ધની છાવણી માં રાતે ટેન્ટ માં તે બેઠો હતો. મોડી રાત્રે બિલાડીએ ટેન્ટનો એક છેડો ઊંચો કર્યો. તેને થયું કોઈ હુમલો કરવા માંગે છે. તે દોડી ને ટેન્ટ માંથી નીકળવા ગયો તો ટેન્ટ નું દોરડું તેના પગમાં આવ્યું ને પડી ગયો ને ટેન્ટ બાંધવા ખોડેલો ખીલો તેના ગળામાં પેસી ગયો ને કરુણ રીતે મૃત્યુ પામ્યો. તેનું મૃત્યુ 18 ઓગષ્ટ 1227 માં 65 વર્ષે થયું હતું.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
“દર્શન” અને “ન્યાય”

જૈન શાસ્ત્રોમાં વિસ્તારથી સમજાવેલા “દર્શન” અને “ન્યાય” ના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા જેવા છે. જો તેનું હાર્દ સમજાય જાય તો આંખો ઉઘડી જશે, મતભેદ મિટી જશે અને તમારું દર્શન ન્યાયપૂર્ણ થઈ જાય તેવી પુરી શક્યતા છે.

“દર્શન” એટલે જગત, તેમાં રહેલા પદાર્થો, તેની ઉત્પત્તિ, વિનાશ, આત્માની બંધનાવસ્થા, એના કારણો, આત્માની મુક્તિ એટલે શું, તેના ઉપાયો, પાપ, પુણ્યની સાચી સમજ, અહંકાર માંથી નિરાકાર કેવી રીતે થવું અને વ્યવહારમાં વિનય – વિવેક કેમ જાળવવા તે સમજવું.

ગુરુ ભગવંતોએ દર્શનશાસ્ત્ર માટેના સિદ્ધાંતો ઘડ્યા, તેનું નિશ્ચિત માળખું રચ્યું. આ માળખું તે દર્શન. દર્શનના સાત પ્રકારો છે અને અનેક પેટા વિભાગો છે.

હવે “દર્શન” ના સિદ્ધાંતો જે તે સમયે ઘડાયા પછી તુરંત કે કાળક્રમે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ માં બદલાવ તો થવાનો જ. દરેકના વિચારો, સિદ્ધાંતો અને દર્શનનું અર્થઘટન એક બીજાથી જુદુ પડવાનું જ.

દરેક પક્ષકાર પોત પોતાની વાત રજૂ કરી પોતે શું જુએ છે (પોતાનું દર્શન), સમજે છે કે વિચારે છે તે જણાવી પોતાના સિદ્ધાંતો ને સાચા ઠેરવવા પ્રયાસ કરે ને સામેવાળા ના, બીજાના વિચારો, સિદ્ધાંતો માં ક્યાં ક્યાં ખામીઓ છે તે દર્શાવે. આ ખંડન-મંડન ની પ્રક્રિયાને ગુરુ ભગવંતોએ નામ આપ્યું “ન્યાય”. કેવી અદ્ભૂત વાત !

આ પ્રક્રિયા પ્રમાણિક પણે કરાય તો પ્રેમ, સમજૂતી, સહકાર અને સમન્વય વધે છે.

જૈન ધર્મ માં ન્યાયનો પાયો નાખ્યો સિદ્ધસેન દિવાકારસૂરીએ.

યશોવિજયજીએ તો ન્યાયના 100 ગ્રંથો લખ્યા છે.

જૈન ધર્મ ની આ ઘણી મોટી ઉપલબ્ધી છે કે જ્યારે તમે એકબીજાના સિદ્ધાંતો કે વિચારો થી અલગ મત રાખો તેને નામ આપ્યું “ન્યાય”.

હજુ એક વધુ મોટું ઉદાહરણ જુઓ. જૈન શાસ્ત્રો પ્રમાણે “ટીકા” નો અર્થ થાય છે વિવેચન. જેમ કે હરીભદ્રસસૂરીજી ના કોઈ ગ્રંથ ઉપર એક આચાર્ય “ટીકા” લખે મતલબ criticism નહીં પરંતુ તે ગ્રંથનું વિસ્તારથી વિવેચન.

ફક્ત “દર્શન”, “ન્યાય” અને “ટીકા” પર શાસ્ત્રોએ કહેલો ભાવાર્થ સમજાય જાય તો મન, વચન અને કાયાથી થતા અનેક કર્મો બંધાય નહીં.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
ઋષભદેવ, અજિતનાથ, અભિનંદનસ્વામી, સુમતીનાથ અને અનંતનાથની જન્મભૂમિ અયોધ્યા.

અયોધ્યાથી વીશ કોશ દૂર સાવતથી ગામ માં સંભવનાથનો જન્મ.

આજે અયોધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનથી 12 માઈલ પર સહેત મહેત નો કિલ્લો છે તેને જ આ તીર્થ માનવામાં આવે છે.

હસ્તીનાપુરમાં શાંતિનાથ, કુંથુંનાથ, અરનાથ નો જન્મ. મલ્લિનાથ અહીં સમોસર્યા હતા. ઋષભદેવ નું વર્ષીતપ નું પારણું અહીં થયું હતું. તે ઉપરાંત પાંચ પાંડવો અને પાંચ ચક્રવર્તી અહીં થયા.

મલ્લિનાથનું જન્મ કલ્યાણક મિથીલા અને તે સીતા નું પિયર પણ ખરું.

મુઝફ્ફર જિલ્લામાં આવેલ બસાડપટ્ટી ને જૂનું વૈશાલી કહેવાય છે. અહીં અનેક જૈન મંદિરો ભગ્ન અવસ્થામાં હજુ છે.

રાજગૃહી તે જ હાલનું રાજગીર. અહીંની પાંચ તીર્થમાળાઓમાં ખંડેર હાલતમાં અનેક જૈન મંદિરો છે.

ભાગલપુરથી 16 કોશ મંદારહિલ સ્ટેશન છે ત્યાં એક નાનો પહાડ છે તેજ મંદારગીરી જ્યાં વાસુપુજ્યસ્વામી નિર્વાણ પામ્યા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
ભારતીય સંસ્કૃતિ નો ફેલાવો કેટલો વ્યાપક હતો તથા અહીંના ઋષિ – બૌધ મુનિઓ અને શ્રેષ્ઠીઓ નો પ્રભાવ વિશ્વના દરેક ખૂણે પહોંચ્યો હતો તેનો ખાલી અહેસાસ કે અંદાજ મેળવતા પણ દંગ રહી જવાય તેમ છે.

થાઈલેન્ડ નું પ્રાચીન નામ શ્યામ દેશ જેના પરથી સિયામ થયું.

અંગકોરવાટ દીર્ઘાઓ ના ચિત્રો જુઓ કે બેંગકોક થી ઉત્તરે 930 કી. મી. પર લવપુરી જે રામના પુત્ર ના નામ થી બન્યું.

બેંગકોક થી જ 70 કી. મી. દૂર અયોધ્યા નામનું નગર છે.

થાઈલેન્ડ ની થાઇ ભાષાના 13000 શબ્દો માં 5000 સંસ્કૃત શબ્દો આજે પણ છે. ત્યાંનું મુખ્ય નાટક રામાયણ છે. તેઓ સીતાને સીદા, દશરથને તસરથ, રાવણ ને તસ્કંધ (દસસ્કંધ), જટાયુ ને સહાયું, અયોધ્યા ને અયુથિયા કહે છે.

લાઓસ નું મૂળનામ લવદેશ હતું. આજે પણ કાલ ગણના માટે ત્યા ત્રણ સંવત પ્રચલિત છે જે ભારત ની દેન છે.

સત્તરમી સદી સુધી વિયેતનામ ચંપાદેશ થી ઓળખાતો, હિન્દૂ રાજ્ય ગણાતું ને ભાષા સંસ્કૃત હતી.

રશિયા ઋષિય શબ્દનું રૂપ મનાય છે. સાઈબીરીઆ નું મૂળ નામ શિબિર મનાય છે. ત્યાં તેનો ઉચ્ચાર પણ શિબિર થાય છે. માં સરસ્વતી ની ખુબજ પ્રાચીન પ્રતિમા ત્યાં છે. રુસ ના અનેક શહેરો ના નામ સંસ્કૃત ભાષા પર છે.

પાકિસ્તાનમાં આવેલ શાહ કી ઢેરી નું નામ તક્ષશિલા હતું. ઈરાન માં વસતા પર્શિયન પારસિક ઝોરીઓસ્ટ્રીયન મુલતઃ ભારતીય અને વેદિક હતા. ઈરાન માં ઘણા સંસ્કૃત શબ્દો વપરાય છે.

કશ્યપ ને હવે કોસ્પીયન સમુદ્ર કહે છે. એવુંજ ગાંધાર જેની રાજકુમારી ગાંધારી ધૃતરાષ્ટ્ર ની પત્ની.

મોસ્કો નું નામ મોક્ષપુરી હતું
અંગકોરવાટ તે યશોધરપુર, પનોમપેનહ તે શંભુપુરી, કંબોડીયા તે કમ્બુજ, ઈરાન તે કૈંકેય દેશ, તિબેટ તે ત્રિવિષટપ, મ્યામાં તે બ્રહ્મદેશ, મલેશિયા તે મલયદીપ, સિલોન તે સિંહલ, અઝરબેજાન તે અત્રીપટ્ટાન,

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
આઇઆઇટી, કાનપુર ની એક વેબસાઈટ આપણને જ્ઞાન ના મહાસાગરમાં ડૂબકી મરાવે છે.

આજના વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્ર ની સહાયથી જે જ્ઞાન ઘણા વર્ષો થી ધરબાયેલું છે તેને તેઓએ અનેક ભાષામાં આપણી પાસે મૂક્યું છે.

આ વેબ સાઇટ પર આપણે જઈએ તો આંખો આશ્ચર્ય થી નમ: થઈ જય તેમ છે. એ સાઈટ છે:

https://www.gitasupersite.iitk.ac.in/

શ્રીમદ્ ભગવતગીતા, ગીતા, ઉપનિષદ, વાલ્મિકી રામાયણ, રામચરીતમાનસ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર, વેદાંત, શંકર, ઉપર વિસ્તૃત વર્ણન, શ્લોક ની અનેક ભાષામાં અર્થ, સમજ અને ઓડીઓ સાથે મળે છે.

કુશળતાપૂર્વક અનેક ભાષામાં દરેક શ્લોકો આલેખ્યાં છે.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે વિવિધ વિદ્વાનો દ્વારા દરેક શ્લોક પર ટીકા પણ પૂરી પાડવામાં આવી છે.

ધારોકે તમે હિન્દી અનુવાદ પર ક્લિક કરો અને તમિલ ભાષા પસંદ કરો છો તો આપમેળે તમિલ ભાષામાં બધું અનુવાદિત થઈ જાય છે.

અને હા ઓડિયો છે એટલેકે દરેક શ્લોક તમે સાંભળી પણ શકો છો.

એક વખત અનુભવ કરવા જેવો ખરો. હા લખાણ એડિટ પણ થઈ શકે છે.

જૈન સાહિત્ય ને સ્કેન કરી નેટ પર મુકવાનું ઉત્તમ કામ ઘણા મોટા પાયે થાય છે. આજે હજારો અમૂલ્ય પ્રાચીન જૈન ગ્રંથો અને પુસ્તકો સ્કેન થઈ નેટ ઉપર મુકાયા છે અને વાંચી શકાય છે.

જૈન શાસ્ત્ર ના ઘણા અમૂલ્ય ગ્રંથો સંસ્કૃત, માગધી, અર્ધ માગધી અને પાલી ભાષામાં છે જે નવી પેઢી ને અર્થ સહિત સમજવા સરળ બને તે માટે ભાષાંતર કે અર્થ અને ઓડિઓ સહિત આપણા શાસ્ત્રો સામાન્ય લોક સુધી પહોંચે તે માટે આવી કોઈ પહેલ આપણા અણમોલ જૈન સાહિત્ય પર ક્યાંક ને ક્યાંક થતી જ હશે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
ભગવાન મહાવીર એક માત્ર એવા મહાન આત્મા હતા જેમણે સ્પષ્ટ રીતે કહ્યું:

“મારી પાસેથી કોઈ એવી ઉમ્મીદ ન રાખે કે હું એમની વાત સાંભળીશ, ખુશ કરીશ, અથવા હું કોઈ ચમત્કાર બનાવીશ!

હું એ છું જેણે પોતે દુઃખ ભોગવ્યું, અને પોતે જ તેમાંથી મુક્ત થયો છું.

તે જ રીતે દરેકે પોતાના કર્મને કે દુઃખને ફક્ત પોતેજ ભોગવવાનું ને દૂર કરવાનું રહેશે.

હું તમને આવું એટલે કહી શકું છું કારણ કે હું તે પથ પર ચાલ્યો છું.

હવે તમારે તે પથ પર જાતે જ ચાલવું પડશે.

હું માર્ગદર્શક છું, કોઈ મોક્ષ દાતા નથી!”

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
વીરપ્રભુનો શાસ્ત્રો માં બતાવેલો સમુદાય:

*ચૌદ હજાર સાધુઓ
*છત્રીસ હજાર સાધ્વીઓ
*એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવક
*ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકા
*સાતસો કેવળજ્ઞાની સાધુઓ
*ચૌદસો કેવળજ્ઞાની સાધ્વીજી
*પાંચસો મન:પર્યાવજ્ઞાની સાધુ (એવા સાધુ જે તમારા મનની વાત જાણી લે)
*તેરસો સાધુ અવધિજ્ઞાની
*ત્રણસો સાધુ શ્રુતકેવલી ( શ્રુતકેવલી એટલે એવા સાધુ જે દેશના આપે ત્યારે કેવળજ્ઞાની જેવી લબ્ધી ધરાવતા થઈ જાય)
*સાતસો સાધુ વૈક્રિયલબ્ધીધર (દેવ જેવી રીધ્ધિ ધરાવનાર)
*ચારસો વાદી ( કોઈને પણ વાદમાં હરાવી દે તેવા)
*આઠસો સાધુ જે અનુત્તર વિમાનમાં જવાના.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
એક આચાર્ય મહારાજ ના વ્યાખ્યાન માં સાંભળેલું:

દરેક સંખ્યા ને બે પ્રકારનું મૂલ્ય હોય.

(A). સાંકેતિક મૂલ્ય, જેમકે 2 ના આંકડા નું સાંકેતિક મૂલ્ય 2 કહેવાય.

(B). સ્થાનિક મૂલ્ય, જેમકે આ જ 2 નો આંકડો જ્યાં સાત મીંડા પડ્યા હોય તેની આગળ જઈને બેસી જાય તો એ જ 2 ની સંખ્યાનું મૂલ્ય બે કરોડ થઈ જશે.

અનુભવે સમજાય છે કે જે લોકોની પ્રતિષ્ઠા માં, કીર્તિ માં, શાખ માં વધારો થયો છે અને જેમને અનેક લોકો અનુસરે છે તેઓ એ આગવું સ્થાન હાંસલ કર્યું છે. તેઓ એવી ઊંચાઈએ પહોંચ્યા છે કે લોકો તેમને પૂજવા લાગે છે

બિંદી નગણ્ય કિંમતની પણ મસ્તક પર સ્થાન લે અને ઝાંઝર કિંમતી ને ચાંદીના પણ સ્થાન લે પગમાં.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
પન્યાસપદ, ગણિપદ, ઉપાધ્યાયપદ અને આચાર્યપદ:

મુમુક્ષુ ની દીક્ષા થાય એટલે સંસાર નો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરી મોક્ષ સાધના તરફ નું શુભ પ્રયાણ.

દીક્ષા લઈને સાધુ કે સાધ્વી બને ત્યારે જૈન પરંપરા અનુસાર તેમણે નીચેના પાંચ મહાવ્રત રાખવા પડે છે:

1. પ્રાણાતિપાત વિરમણ ( અહિંસા)
2. અદ્દતાદાન વિરમણ ( ચોરી નો ત્યાગ)
3. અપરિગ્રહ
4. મૃષાવાદ ( સત્ય નું આચરણ)
5. બ્રહ્મચર્ય પાલન.

વિશિષ્ટ અધ્યયન, સાધના અને ઉપાસના કરી વ્યક્તિત્વ નિર્મળ અને ગંભીર બનેલ હોય, આગમોનું અધ્યયન હોય, ભગવતી સૂત્ર નું જ્ઞાન હોય, ત્યારે સાધુને પન્યાસપદ કે ગણિપદ મળે છે.

સાધુ, સાધ્વી ને અભ્યાસ કરાવવામાં સક્ષમ હોય, આગમો અને મૂળભૂત જૈન શાસ્ત્રોનું તલસ્પર્શી અધ્યયન કરેલ હોય તેઓને ઉપાધ્યાય પદ મળે.

સમસ્ત સંઘ, સમુદાય, અને શાસન ના યોગક્ષેમ ની જવાબદારી જેમના શીરે છે તેઓ આચાર્યપદ શોભાવે છે. તેઓ આગમો નું ઊંડું ને તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે તથા ષડદર્શન ના સંપૂર્ણ અભ્યાસી હોય છે. તેમનામાં ધૈર્ય, ગંભીરતા અને પ્રવચન શૈલી માં ઉચ્ચતમ નિપુણતા હોય છે તથા મંત્રવિદ્યા સિદ્ધિ મેળવેલ હોય છે. આચાર્ય છત્રીસ ગુણ ના ધારક હોય છે. ( 5 ઇન્દ્રિય, 9 બ્રહ્મચર્ય ની વાડ, 4 કષાય પર કાબુ, 5 મહાવ્રત, 5 આચાર, 5 સમિતિ ને 3 ગુપ્તિનું પાલન એમ કુલ 36 ગુણ).

નમન કરીએ બપ્પભટ્ટસૂરીજી ને જેઓ 11 વર્ષની ઉંમરે અને પાદલિપ્તસસૂરીજીને જેઓ 10 વર્ષ ની ઉંમરે આચાર્ય પદે આરૂઢ થાય હતા. કેવા જ્ઞાનના મહાસાગર હશે એ મહાન વિભૂતિઓ.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જ્ઞાન ના પ્રકાશ માં મેં જાણ્યું કે હું તો ઘણું બધું નથી જાણતો જે જાણવું જરૂરી હતું. હું શું નથી જાણતો તે જાણવા પ્રયત્ન કર્યો તો જાણ થઈ કે આપણે શું નથી જાણતા તે જાણવા માટે આપણે ઘણું જાણવું પડે છે.

જ્યારે આપણે જાણી લઈએ કે આપણે શું નથી જાણતા ત્યારે આપણે એવુ જણાવવા માંગીએ છીએ કે હું તો બધું જાણું જ છું અથવા આપણું અજાણ્યાપણું છુપાવવા આપણે જાણી જોઈને એવું જણાવીએ છીએ કે હું તો જણાવતો જ આવ્યો છું કે હું તો જાણતો જ હતો જ્યારે હકીકતમાં આપણે જાણતાં હોઈએ કે આપણે જાણતાં જ નથી.

આપણને જ્યારે જાણ થઈ જાય કે આપણે શું જાણીએ છીએ અને શું નથી જાણતાં ત્યારે જાણી લઈએ કે હવે આપણને પાપ અને પુણ્ય ની જાણ થવાની શરૂઆત થઈ છે ને આપણે હવે કશું જણાવવાની જરૂર નથી ને આપણા જણાવ્યા વગર આપણને અને બધા ને બધું નિર્મળ જણાશે.

જાણતા અજાણતા કાંઈક વધારે જણાવી દીધું હોય તો તેટલું નથી જણાવ્યું તેમ જાણીશું.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વિધર્મીઓએ સં 1171 મા ભિન્નમાલ (જેનું પહેલાનું નામ શ્રીમાલનગર હતું ને ગુજરાત નું પાટનગર પણ હતું) તે ભાંગ્યું. ત્યાંથી વેપારીઓ, બ્રાહ્મણો, વિ. પલ્લીવાલ (પાલી) આવી ગયા. આથી પાલી ની સમૃદ્ધિ નો ડંકો વાગવા લાગ્યો.

ભિન્નમાલ- શ્રીમાલનાગર થી જેઓ નીકળ્યા તે શ્રીમાલી – શ્રીમાળી કહેવાયા.

તે વખતે ભિન્નમાલ અને પાટણ એ ગુજરાત ના પ્રદેશ માં ગણાતા હતા.

સં 1207 મા કુમારપાળે ચંદ્રાવતી થઈ, અજમેર પર હુમલો કરી વળતા મેડતા, પાલી, સપાલદક્ષ માં પોતાનું રાજ્ય સ્થાપ્યું. પલ્લીવાલ – પાલી કુમારપાલ દ્વારા કબ્જે કરાયું સમજો લૂંટાયું. ત્યાંથી જે નીકળ્યા તે પલ્લીવાલ કે પાલીવાલ કહેવાયા. આ પાલી પર પ્રથમ હુમલો હતો.

બીજી વખત શાહબુદ્દીન ઘોરી એ સં 1234 માં પાલી ભાંગ્યું.

ફરી એક વખત કુતૂબદીન ઐબકે સ. 1254 માં પાલી તોડ્યું. છેલ્લા બંને વખતે વિધર્મીઓએ એવો કાળો કેર વર્તાવ્યો કે બ્રાહ્મણ, વૈશ્ય, જૈન, મહાજન ને વેપારીઓએ પાલી નો સદાને માટે ત્યાગ કર્યો ને પાલી નું પાણી હરામ કર્યું. એવી વાયકા છે કે આજે પણ પલ્લીવાલ કે પાલીવાલ પાલી નું પાણી નહીં પીવે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
સમ+આય+ઇક, સામયિક એટલે સમતા ધારણ કરવી, આત્મા ને સમત્વના ભાવ માં લાવવો. સામયિક એ તો ભગવાનની દેશનાનો સાર છે.

તેના ચાર પ્રકાર છે:

૧. શ્રુત સામયિક જે જિનવાણી સાંભળતા કરાય.
૨. સમયકત્વ સામયિક જે મિથ્યાત્વ દૂર કરવા કરાય.
૩. દેશવિરતી સામયિક ૪૮ મિનિટ માં થાય.
૪. સર્વવિરતી સામયિક જે સાધુ ભગવંતો માટે છે.

ઉપકરણો:

1. કટાસણું ઉનનું હોય અને તેનાથી શક્તિનો સંચાર થાય અને ક્ષેત્ર મર્યાદિત થાય. તેને સિદ્ધ શીલાનો ટુકડો માનવાનો છે.

2. મુહપત્તિ સંયમ, વિવેક અને અહિંસાનું પ્રતીક છે. મુખ માંથી નીકળતો વાયુ અચિત અને હવા નો વાયુ સચિત છે તેથી જીવ ની વિરાધના થી બચવા તે રખાય છે. થુંક ના ઉડે અને અવિવેક થી પણ બચી શકાય છે.

3. ચરવળો ભૂમિ પ્રમાજન માટે છે.

4. સ્થાપનાચાર્ય ત્યારે મુકવાના જો ગુરુ સમક્ષ સામયિક ન થઈ શકે.

5. નવકારવાળી અને ઘડિયાળ પણ રખાય છે.

સામયિક 48 મિનિટનું કેમ?

ચિત્ત ચંચળ હોય છે. રાગ દ્વેષમાં જ ડૂબેલું રહે છે. આપણું મન ભૌતિક વસ્તુઓમાં એવું લાગેલું હોય છે કે આપણા થી પલે પલે નવા કર્મ બંધાઈ જતા હોય છે. આપણે થોડી વાર માટે પણ મનને સ્થિર રાખી શકતા નથી. છતાં જૈનશાસ્ત્રો કહે છે ગમે તેવી ચંચળતા જાગ્રત થતી હોય તો પણ વ્યક્તિ ધારે તો 48 મિનિટ સુધી તો સ્થિતપ્રજ્ઞ રહી શકે છે. માટે સામયિક 48 મિનિટ નું હોય છે.

સામયિક માં આવતા સૂત્રો ની વાત અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ચંપાનગરીને શતાનીક રાજાએ જીતી લીધી તો રાજા દધિવાહન ની રાણી ધારીણી એ જીભ કચરીને જીવ આપી દીધો. કુંવરી વસુમતી ધનાવહ શેઠ ને સોંપાઈ. તે તેમને બહુ વહાલી. તેમણે નામ રાખ્યું ચંદના.

એક વખત ધનાવહ શેઠ બહારથી આવ્યા ને ચંદના તેમના પગ ધોવરાવતી હતી. તેના લાંબા વાળ પાણીમાં પડતા હતા તેથી ધનાવહ શેઠે પકડી રાખ્યા હતા. તેજ વખતે મુલાશેઠાણી ત્યાં આવી ચડી ને ચંદના પર શંકા કરી વહેમાઈ.

ધનાવાહ શેઠ ધંધાર્થે પ્રવાસે નીકળ્યા તો મુલાશેઠાણીએ ચંદનાના માથે મૂંડો કરાવી, પગમાં બેડી નાખી, નીચે ઓરડીમાં પુરી દીધી. ત્રણ દિવસથી ખાવાનું નહીં આપેલું.

શેઠ પરત આવ્યા ને ચંદનાની હાલત જોઇ ખૂબ દુઃખી થયા. બેડી તોડાવવા લુહાર ને બોલાવવા ગયા.

આ બાજુ તે જ ગામમાં મહાવીરપ્રભુ ની ઉગ્ર તપશ્ચર્યા પાંચ માસ ને પચીસ દિવસ થી ચાલે. તેમણે નવ પ્રણ લીધેલા જે બધાજ એક સાથે પુરા થાય તો જ તે વ્યક્તિના હાથે પારણું કરવાનું નક્કી કરેલું. એ પ્રતિજ્ઞાઓ હતી:

૧. માથે મુંડન હોય
૨. પગમાં બેડી હોય
૩. અંધારી કોટડી માં હોય
૪. વહોરાવતી વખતે એક પગ ઉમરામાં ને એક બહાર હોય
૫. આંખમાં આંસુ ની ધાર હોય
૬. અઠ્ઠમ તપ હોય ને નવકાર નો જાપ મુખે હોય
૭. જન્મે રાજપુત્રી પણ હવે દાસી હોય
૮. બાકુડા બાજુમાં પડ્યા હોય
૯. ગોચરી ટાણું પૂર્ણ થવામાં હોય

પ્રભુ ગોચરી વહોરવા પધારેલા જોઈ ચંદના બધું દુઃખ ભૂલી જઈ આનંદમાં આવી ગઈ. પ્રભુએ જોયું બધી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં છે પણ ચંદનાની આંખમાં આંસુ નથી. પ્રભુ પ્રતિજ્ઞા માં અડગ છે અને પાછા ફરવા ડગ માંડે છે. પછી શું થયું તે આશ્ચર્ય થી ભરપૂર છે.

ચંદના ચિત્કાર કરે છે કહો પ્રભુ શુ ઓછું આવ્યું.

આ આખી વાત નીચેનાં એક સુંદર ગીત માં વણી લીધેલી છે. સાંભળશો તો આંખ નમઃ થયા વગર નહીં રહે તે ચોક્કસ છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

એક સાવ સાધારણ કુટુંબના ભાઈ તેમની પત્ની સાથે આચાર્ય મહારાજ ને મળવા આવ્યા.

વંદન કર્યા, શાતા પૂછી ને રજા લઈ નીચે બેઠા.

કપડાં સાવ સાદા, બેને મંગળસૂત્ર સિવાય કોઈ ઘરેણું પહેરેલું નહીં. ભાઈના કાંડે ઘડિયાળ પણ નહીં.

આચાર્ય મહારાજ પાસે ઘણા સાધર્મિક કુટુંબો કાંઈક મદદ ની જરૂર હોય ત્યારે મળવા જતા હોય છે.

મહારાજજીએ કહ્યું બોલો કેમ આવવું થયું?

ભાઈ બોલ્યા ઘરમાં છ જણ છીએ જેમાંથી ત્રણ જણા રોજ આયંબીલ અને બાકીના ત્રણ જણા રોજ એકાસણા કરીએ છીએ.

ગુરુદેવ ધ્યાનથી સાંભળી રહ્યા કે છ જણના કુટુંબ નું પૂરું થવામાં તકલીફ હોય તે સ્વભાવીક છે

બેને પણ ઉમેર્યું કે સાહેબજી બહુ કરકસરથી રહીએ છીએ.

સાહેબજી એ કહ્યું હા તો જ આ મોંઘવારીમાં બે છેડા પુરા થાય. મહારાજજી ની ધીરજ હવે ખૂટતી જતી હતી. મન મદદ કરવા અનુમોદના કરવા આતુર બન્યું. તેમને કેટલાય સુખી સંપન્ન શ્રાવકોએ કહી જ રાખેલું કે સાહેબજી કોઈ સાધર્મિક ને ગુપ્ત દાન કરવું હોય તો અમને લાભ આપશો.

ભાઈએ ઉમેર્યું, સાહેબ જી, મહિને રૂ. 16000 ઘરમાં આવેછે.

હવે ગુરુદેવ થી ન રહેવાયું. તેઓએ કહ્યું ભાઈ હવે તમે મુખ્ય મુદ્દા પર એવો તો સારું જેથી આપણા બધાનો સમય બચે.

એ ભાઈ કહે સાહેબ આ વાત ક્યાંય બહાર જવી ન જોઈએ. બેને ઉમેર્યું સાહેબજી, અમારું નામ ક્યાંય ન આવે તે જોજો.

હવે ગુરુદેવ ખરેખરા અકળાયા ને બોલ્યા મેં બધું સાંભળી લીધું ને સમજી પણ લીધું, હવે બોલો કેવી મદદ ની જરૂર છે તે કહો. શક્ય હશે તે મારાથી પૂરતી મદદ કરાવીશ. તમે નિશ્ચિન્ત રહો.

ભાઈ કહે મહારાજજી મેં પહેલા કહયુ, મહિને રૂ. 16000 ઘરમાં આવે છે.

બેને ઉમેર્યું સાહેબજી ખર્ચો મહિને માંડ રૂ. 12000 નો થાય છે. દર મહિને રૂ. 4000 ચોખ્ખા બચે છે. અમારા ઘરના છ એ જણ ની ભાવના છે રૂ. 3000 તમે કહો તે સાધર્મિક કુટુંબને મોકલવા અને અમારું નામ ક્યાય ન આવે તેવું ગોઠવી આપો એટલીજ વિનંતી છે.

એટલું બોલતા બંને ની આંખમાં આંસુ હતા. સાથે આચાર્ય મહારાજ ની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વરસાદ માં એક સંત મસ્તી થી ચાલતા જતા હતા. રસ્તામા વરસાદ ના પાણી માં આનંદના આવેશમાં આવી તેમણે પગથી એક મોટી ઝાલક મારી જે પાછળ આવી રહેલ નવપરણિત સ્ત્રીને ઉડી ને તેના કિંમતી કપડાં ડહોળા ને ગંદા થઈ ગયા.

તે સ્ત્રી નો પતિ સાથે જ હતો તે ગુસ્સે ભરાયો. તેણે સંત ને ગાંડો કહી માર મારી તેજ ગંદા પાણીમાં પછાડી દીધા. સંતે કોઈ પ્રતિભાવ ન આપ્યો ને મસ્ત બનીને હસતા હસતા ઉભા થઇ જતાં રહ્યાં.

હસતું હસતું યુગલ દંપતિ પણ ઘરે પહોંચ્યું. વરસાદને કારણે સીડીના પગથિયાં ભીના હતા ને યુવાનનો પગ લપસ્યો ને તે સીડી થી છેક નીચે પડયો અને ભારે ઇજાગ્રસ્ત થઈ ગયો.

કેટલાક યુવાનો આ જોઈને ગુસ્સે ભરાયા ને સંતની પાસે જઈને ધમકાવવા લાગ્યા કે તમે શ્રાપ આપ્યો હશે તેથી યુવાન ઈજા પામ્યો.

સંતે કહ્યું કે હું શપથથી કહું છું મેં આ યુવકને શ્રાપ આપ્યો નથી.

પછી સંતે યુવાનોને પૂછ્યું મારા પાણી ઉડાડવાથી કપડાં તો સ્ત્રી ના બગડ્યા હતા તો તે યુવાને મને કેમ પાણીમાં ફેંક્યો હશે?

યુવાનો બોલ્યા કે તમને મારનાર યુવાન તે સ્ત્રીનો પતિ, શુભચિંતક અને રક્ષણહાર હતો અને તે સહન ન કરી શક્યો કે કોઈ તેની પ્યારી વ્યક્તિને દુઃખ પહોંચાડે.

સંતે કહ્યું: હવે સાંભળો, હું પણ મારા ભગવાનનો સૌથી પ્યારો સેવક છું અને તેઓ મને પ્રેમ આપનાર અને રક્ષા કરનાર છે તેવું માનીને ચાલુ છું.

તે યુવાન તેની વ્હાલી પત્નીનું દુઃખ સહન કરી શકતો ન હોય તો, મારો ભગવાન જે મને પ્રેમ કરે છે તેથી તેને પણ મારુ દુઃખ જોવાયું નહીં હોય ને તેણે કદાચ આ યુવાન ને સુધરવા તક આપી હોય.

આ દ્રષ્ટાંત પ્રતીક રૂપે જ છે. કારણકે ભગવાન સજા કે સિરપાવ આપતા જ નથી.

સંત ના નિજાનંદ માંથી યુવાને કશું ક શીખવાનું હતું. સંતનું કૃત્ય કર્મ બંધાય તેવું તીવ્ર નહોતું પરંતુ યુવાન નું કૃત્ય જરૂર કર્મ ઉપાર્જન કરાવે તેવું ગણાય.

એક આચાર્ય ભગવંતે વ્યાખ્યાનમાં સમજાવેલું કે તમે બસ કંડકટર જોડે, ટ્રેન માં બાજુના મુસાફરની જોડે, પડોશી જોડે કે સત્પુરુષ જોડે વિવાદ માં જાવ તો દરેક વખતે બંધાતા કર્મો ની તીવ્રતા અલગ હોય. આપણું દરેક કૃત્ય કર્મ ને આધીન છે અને દરેક કર્મ ની તીવ્રતા પહેલેથી તય છે. આમાં ભગવાનનો રોલ નહીં જડે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

એમનું નામ નાથુશા, ધાનેરા પાસેના ગામ વડગામડા માં રહે. પોતે ચુસ્ત જૈન, ધર્મ પરાયણ અને નૌકારશી વગર દાતણ મોઢામાં ન લે.

રોજ સવારે ઘરના ઓટલે બેસે, નૌકારશી કરી દાતણ કરતા જાય અને જે આવે જાય તેને ખબર અંતર પૂછે.

મહંમદ કરીને એક ભાઈ રોજ બંદૂક ખભે ભરાવીને ત્યાંથી નીકળે. મહંમદ ખેતરના રખોપાનું કામ કરે તેથી બંદૂક જોડે જ હોય.

વારંવાર નાથુશા મહમદ ને ટોકે કે સાલા બંદૂક છોડ ને બીજો ધંધો કરને, પાપી છું, અલ્લાહ ને શુ જવાબ આપીશ, ધરમ કર, આવા કામ છોડ.

એવું રોજ ચાલે. મહંમદ નો રસ્તો આજ તેથી તેણે અહીથી જ જવું પડે ને નાથુશા નું ભાષણ સાંભળવું પડે.

એક દિવસ વાત વધી ગઈ. નાથુશા કહે મોટો બંધુકવાળો નીકળ્યો. મહંમદે સામે ખૂબ બોલાચાલી કરી ઉગ્રતાથી કહ્યું ચાલ એક કામ કરીએ હું બંદૂક છોડી દઉં છું તું આ ઘર છોડી દે. બોલ છે મંજુર? માણસો ભેગા થઈ ગયા.

બધા વચ્ચે અપમાન થતું જોઈ નાથુશા ઘરમાં ગયા. મહંમદ કહે કા ગભરાઈ ગયા ને.

ત્યાંતો નાથુશા ચંપલ પહેરી બહાર આવ્યા ને કહે લે ઘર શુ, ગામ શુ, અન્ન-જળ પણ છોડું છું જા. ત્યાંથી નીકળી, ડુઆ ગામ થઈ ધાનેરા પહોંચ્યા. અજાણ્યું ગામ ને કોઈ આળખે નહીં. ગામ ના છેવાડે ખૂણામાં કાઉસગગ મુદ્રા માં ઉભા રહી ગયા.

ગામ લોકો દર્શન, વંદન કરે. મહંમદ ને ખબર પડી. તે આવ્યો ને માફી માંગી ભાઈ ભૂલ થઈ ગઈ, પાછા આવો. થરાદ સ્ટેટ ના રાજવી દોલતસિંહજી એ મનાવ્યાં. પાંચ વીઘા જમીન ગોચર માં આપવાનું જાહેર કર્યું પણ નાથુશા અડગ રહ્યા.

બોતેરમાં ઉપવાસે દેહ છોડ્યો પણ વચન ના મૂક્યું.

નાથુશા ની યાદ માં ધાનેરામાં સ્મૃતિ મંદિર બન્યું છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ધર્મદાસગણીએ પોતાના પુત્રને પ્રતિબોધવા માટે પ્રાકૃત ભાષામાં 544 ગાથા થી અનુપમ ગ્રંથ “ઉપદેશમાળા” નું સર્જન કર્યું.

તેમાં દલીલો છે, ઉદાહરણો છે, દ્રષ્ટાંતો છે, જીવન, આચાર, વિચાર અને વાણી નું મહત્વ સવિસ્તારથી સમજાવ્યું છે.

તેમણે સમજાવવા પ્રયત્ન કર્યો કે દેહ ના બાહરી રૂપ કરતા મન ના સૌંદર્ય પર વધુ ધ્યાન જરૂરી છે.

તેઓ ઉમેરે છે કે મન નું સૌંદર્ય વાણી દ્વારા પ્રગટ થાય છે.

આ ગ્રંથ દ્વારા તેઓ એ સંદેશો પણ મોકલી રહ્યા હતા કે મનનું સૌંદર્ય વધારો તો વાણી માં મીઠાશ આપોઆપ આવશે ને જેટલું મન નું સૌંદર્ય ઉત્તમોત્તમ તેટલું જીવન અનુપમ.

કાગડા ને બધા હટ હટ કરે ને કોયલ ને સાંભળવા ઉભા રહી જાય.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

બાહડ મંત્રી પાટણ થી સિધ્ધાંચલ સંઘ લઈ આવ્યા. તેઓ શત્રુંજય ઉપર આદિનાથદાદા નું દેરાસર બાંધવામાં લાખો ખર્ચવાના હતા.

થોડા આગેવાન જૈન શ્રાવકોએ કહ્યું અમોને પણ લાભ આપો. સવારે બોલી બોલાઇ ને લાખો રૂપિયા લખાવાયા.

ટીમાણા ગામનો ભીમા કુંડલીયા ખુણા માંથી ઉભો થયો ને બોલ્યો મારે પણ લખાવવા છે. તેણે કહ્યું મારે ઘી નો ધંધો છે ને ઘેર ઘેર ફરી ઘી વેચુ છું. સાત રૂપિયા મારી બચત છે જે બધી લખી લો.

આ હતી ભીમા કુંડલીયાની મહાનતા.

સભામાં ચડભણાટ થઈ ગયો. બાહડ મંત્રી બધું જોઇ રહ્યા હતા.

તેઓ ઉભા થયા ને જાહેર કર્યું ભીમાએ પોતાની સર્વસ્વ મૂડી આપી દીધી છે. જ્યારે મેં અને તમે બધાએ મૂડીનો નાનો એવો હિસ્સો જ નોંધાવ્યો છે.

માટે હું મારું પહેલું આવતું નામ જતું કરું છું ને દાતાઓની યાદીમાં ભીમા કુંડલીયા નું નામ સર્વ પ્રથમ લખાશે. .જે હકીકત બની ને રહી.

આ હતી બાહડ શેઠ ની મહાનતા

આશ્ચર્ય ની વાત હવે આવે છે.

ભીમો ઘેર જઈને પત્નીને વાત કરે છે કે બધા રૂપિયા શત્રુંજય પર દેરું બને છે તેમાં આપી આવ્યો.

પત્ની ગાય ને દોહવા બેઠી હતી. વળી આ વાત થી ગુસ્સામાં હતી. બાઇ નો ગુસ્સો જોઇ ગાય ખીલો ઉખાડીને ભાગી.

ભીમો દોડીને ગાય ને પકડી લાવ્યો ને ખીલો તેજ જગ્યાએ જરા જોરથી ઠોકવા લાગ્યો કે જેથી ફરી નીકળે નહી.

ખીલો વધુ ઊંડે જતા કશુંક અથડાયું ને જોયું તો સોનામોહરોનો ચરુ મળ્યો.

આ હતી સારા કર્મોની સાર્થકતા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વસ્તુપાલ અને તેજપાલ દેલવાડાના દેરા બનાવી રહ્યા હતા. સંચાલન અને દેખરેખ અનુપમાંદેવી એ સંભાળ્યું હતું.

એમાં અનુપમાંદેવી સખત બીમાર પડ્યા.

આ બાજુ હાડ ગાળી દે તેવી ઠંડીમાં હાથ ઠુઠવાઈ જવાના કારણે કારીગરોને હાથમાં ટાકણું સ્થિર રહેતું નહોતું. સાંજે બહુ વહેલું કામ બંધ કરવું પડતું હતું.

અનુપમાદેવી સતત ચિંતિત હતા.

તેમણે ઉપાય કર્યો. ચોગાન માં મોટુ તાપણું રખાવ્યું જેથી કારીગરો ટાઢ ચડે ત્યારે તાપી શકે અને હવા માં ગરમાવો પણ આવે તેમજ કારીગરો હૂંફ મેળવે.

હજુ જોઇએ તેવી ઝડપ કામમાં નહોતી આવતી. અનુપમાદેવી ને લાગતું હતું તેમની પાસે વધુ સમય નથી.

તેમણે મુખ્ય સલાટ તેમજ મુખ્ય કારીગરોને બોલાવ્યા ને એક અભૂતપૂર્વ દરખાસ્ત મૂકી.

જે કારીગર આરસ માંથી જેટલી કરચ કાઢે તેને તેની ભારોભાર ચાંદી આપીશ.

કારીગરોને ચાંદી ની લાલચ નહીં પણ શેઠાણી ની ઉત્કૃષ્ટ ભાવના અસર કરી ગઈ અને તેઓએ રાત દિવસ કામ કરીને દેલવાડા ના દેરા સમય પહેલા બાંધી આપ્યા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

આજે જેનો સુરજ તપતો હોય, સિદ્ધિના શિખરે તે બિરાજમાન હોય , તેમની વાહ વાહ બોલતી હોય અને અનેક લોકો તેમને અનુસરતા હોય, તેમની આજ્ઞા માં હોય છતાં તેમની હાજરી ના હોય ત્યારે પરિસ્થિતિ ઘણીવાર વિચિત્ર વળાંક લઈ લે છે.

ક્લીકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સં 1229 માં દેહ છોડી ગયા ને પછી છ માસમા જ કુમારપાલ મહારાજા મૃત્યુ પામ્યા.

કુમારપાલ ના અવસાન બાદ તેના મોટાભાઈ મહિપાલ નો પુત્ર અજયપાલ (શાસન નો સમય ગાળો સં 1229 થી 1232) ગાદીએ બેઠો.

વિધિની વક્રતા જુઓ.

કુમારપાલ શિવધર્મ થી જૈન ધર્મ પર વધુ વળેલ તે અજયપાલને પસંદ નહીં. કુમારપાલે બંધાવેલા કે જીર્ણોધ્ધાર કરેલા પાટણ સહિત અનેક જૈન મંદિરો નો તેણે વિધ્વંશ કર્યો.

તારંગા તીર્થ સહિત અનેક તીર્થ નો નાશ કરવા પ્રયત્નો કર્યા પણ શેઠ આભડ ની કુનેહ અને યુક્તિથી ઘણા તીર્થો અને ધર્મ ગ્રંથો બચી ગયા.

કુમારપાલ ના સમયમાં કપર્દી નામનો મંત્રી કુમારપાલનો ખાસ પ્રીતિપાત્ર.

જ્યારે કુમારપાલ નું અવસાન થઈ ગયું તો અજયપાલે મંત્રી કપર્દી ને મહાત્મય બનાવવા છે તેમ કહી કપટ થી બોલાવી ને ઉકળતા તેલ ની કડાઈ માં નાખી મારી નાખ્યો. મંત્રી વાહડ ને પણ મારી નાખ્યો.

હેમચંદ્રાચાર્ય ના અવસાન પછીની બીના પણ દુઃખદ જ છે.

તેમના મુખ્ય શિષયો હતા રામચંદ્રસુરી, બાલચંદ્રસૂરિ, ગુણચંદ્રસૂરિ, મહેન્દ્રસુરી વિ.

રામચંદ્રસૂરી જાતના બારોટ પણ દીક્ષા લઈ મહાન જ્ઞાની બન્યા ને 100 પુસ્તકો લખ્યા. બાલચંદ્રસૂરી કાયમ રામચંદ્રસૂરિ ની ઈર્ષા કરે. રામચંદ્રસૂરી એક આંખે દેખતા નહોતા.

હેમચંદ્રાચાર્ય એ પોતાના મૃત્યુ સમયે પોતાની પાટ રામચંદ્રસૂરી ને આપી. બાલચંદ્રસૂરી ને તે ન ગમ્યું.

જેવો અજયપાલ ગાદીએ આવ્યો તો બાલચંદ્રસૂરીએ અજયપાલને મળી પોતાને પાટ મળે તેમ કરવા કહ્યું.

અજયપાલે રામચંદ્રસૂરી ને કહ્યું પાટ બાલચંદ્રસુરી ને આપી દો કે સજા ભોગવો. અંતે તેણે રામચંદ્રસૂરી ને તાંબાની ઉકળતી પાટ પર સુવડાવી મારી નાખ્યા.

હવે કુમારપાલ પછી રાજા બનેલા અજયપાલ નો અંત જુઓ. તેને તેના જ અંગરક્ષક વેજલે શાસનના ત્રીજા જ વર્ષે કતલ કરી નાખ્યો.

કુમારપાળ રાજા અને ક્લીકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ના અવસાનના એક થી ત્રણ જ વર્ષમાં તેમના જ વર્તુળની વ્યક્તિઓ અધર્મ ના કામોમાં નિમિત્ત બને, ખૂન ખરાબા કરે, અગણિત જૈન મંદિરો ને ગ્રંથો ને ક્ષતિ પહોંચાડે તેને સમય ની બલિહારી જ ગણવી રહી. આવા વરવા બનાવો બનવા પાછળ કોની ચૂક થઈ ગઈ ગણાઈ હશે?

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ભૂતકાળ માં અનેક જૈન મહાત્માઓ થઇ ગયા જેમણે ઉત્તમ અને અદભુત કૃતિઓનું સર્જન વિશિષ્ટ રીતે કરી ઇતિહાસ રચ્યો.

એકના એક અક્ષરો અલગ અલગ રીતે અનેક વખત ગોઠવી રત્નશેખરસૂરિજીએ નવખંડપાર્શ્વસ્તોત્ર રચ્યું છે.

તેમણે ‘ન – વ – ખં – ડ’ અક્ષરોનું ઝૂમખું વિભિન્ન રીતે પચીસ (૨૫) વખત પ્રયોજયું છે અને દરેક વખતે સંદર્ભ અલગ હોય.

જેમ કે ક્યાંક नवखंडपार्श्वनाथ તો ક્યાંક नवखं ड़यन्ते તો ક્યાંક नवखंडलायते પ્રયોજયું છે.

જિનમાણિકયગણીએ તો તેમણે રચેલા સરસ્વતીસ્તોત્ર માં ‘સ – ર – સ્વ – તી’ એ અક્ષરો અલગ અલગ સંદર્ભે બત્રીસ (૩૨) વખત પ્રયોજયા છે.

તેમણે જ એક બીજી કૃતિમાં ‘સારંગ’ શબ્દ સાઈઠ (૬૦) વખત પ્રયોજયો છે અને દરેક વખતે અર્થ બદલાયા કરે.

સોમવિજયસૂરીજીનાં રચેલા અભિનંદનસ્તોત્રમાં ‘સંવર’ શબ્દ એકસો આઠ (૧૦૮) વખત આવે છે.

હેમવિમલસૂરીજીના એક સ્તોત્રમાં ‘કમલ’ શબ્દ એકસો અઠીયાવીસ (૧૨૮) વખત આવે છે.

આશ્ચર્ય ની વાત હવે આવે છે. હર્ષકુલગણીએ રચેલ કમલપંચશતિકામાં ‘કમલ’ શબ્દ એકલો કે સમૂહમાં પાંચસો બાર (૫૧૨) વખત પ્રયોજાયો છે.

क થી લઈને म સુધીના એક પણ અક્ષર વાપર્યા વગર ‘પંચવર્ગપરિહાર’ સ્તોત્ર રચાયું છે.

ફક્ત म અને न એમ બેજ વર્ણ વાપરીને પણ સ્તુતિ બની છે.

આવી બીજી અનેક અદ્ભૂત રચનાઓની વાત અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

હેમહંસગણીએ એક જ વર્ણ લઈને સરસ સ્ત્રોત બનાવ્યું છે.

એક જ વર્ણ લેવો એટલે લખાણમાં ક્યાંય કાના માત્ર નો ઉપયોગ ન કરવો.

તેમની રચના માંથી એક કડી ઉદાહરણ રૂપે આપી છે. (કડી લખવામાં ભૂલ હોય ક્ષમા યાચના):

अमल तम कमल कल नयन कर चरणकं

सकलकल धवल कर वदनमपगतमलम।

भरतवर भरतधर कनकम पद्मरहरं

प्रथम मन वरत भवनमत श नंदनधरम ।।

સોમતિલકસૂરીજી એ સર્વજ્ઞસ્તોત્ર રચ્યું છે જેમાં દરેક શ્લોક ની અંતિમ પંક્તિ सदानवसुराजितम एव છે, પણ અર્થ ક્યાંય પુનરાવર્તિત થતો નથી.

શિવસૂંદરગણીએ તો કમાલ કરી છે. તેમણે રચેલા પાર્શ્વસ્તોત્ર માં પંક્તિઓ, શ્લોકાર્ધ અને એક ઠેકાણે તો આખો શ્લોક છતો અને ઊંધો વાંચી શકો અને તે પણ શાર્દુલ વિક્રીડિત જેવા મોટો છંદ માં અને અર્થ પાછો બંને વખતે જુદો જુદો થાય.

સાધુરાજગણીએ એવું સ્તોત્ર રચ્યું હતું કે જેમાં ખાવાની વાનગીઓના નામ ગૂંથાયા હોય વળી એ શબ્દોના સાચા અર્થ ભક્તિ માં ડુબાડતા હોય.

આવી રીતે સગા ના નામોથી પણ સ્તોત્ર બનેલા છે પણ પ્રયોજન ભક્તિ નું છે.

હજુ થોડું વિવરણ અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

સંધાન કાવ્યો એટલે એકજ શ્લોકથી એક કરતાં વધારે ભગવંતોની, તત્વોની સ્તુતિ થાય. સહજમંડનગણીએ 10 શ્લોકનું આદિનાથ સ્તવન રચ્યું છે.

અહીં દરેક શ્લોક થી આદિનાથદાદા ની સ્તુતિ થાય છે સાથે સાથે અર્થ બદલતા જઈએતો એક શ્લોકથી ક્રમશઃ એક એક દિકપાલ ની પણ સ્તુતિ થાય છે.

રત્નશેખરસૂરિજીએ પાર્શ્વનાથનવગ્રહ સ્તવન પણ આ રીતે રચ્યું છે.

તેમણે જ 24 ભગવાનની એક એવી સ્તુતિ રચી છે જે સંસ્કૃતમાં, મહારાષ્ટ્રી પ્રાકૃતમાં કે શોરસેની પ્રાકૃતમાં પણ વાંચી શકાય.

વર્ધમાનક્ષરસ્ત્રોતો તેને કહેવાય જેમાં દરેક પંક્તિમાં અક્ષરો ક્રમશઃ વધતા જાય. દા.ત. પહેલી લીટી નું પદ્ય 1 અક્ષર નું, બીજી પંક્તિ નું પદ્ય 2 અક્ષરનું એમ 33 અક્ષર સુધી ક્રમશઃ અક્ષર વધતા જાય એવા સ્ત્રોત પણ મળી આવે છે.

સમસ્યાપૂર્તિ એ પણ સ્તવનનો એક પ્રકાર છે. દા. ત. હેમહંસગણીએ ભક્તમારસ્ત્રોતની ચાર કડી નું એક ઝૂમખું લીધું, તેમાંથી પહેલી ત્રણ કડી બદલી ને નવી ત્રણ કડી મૂકી ને ચોથી કડીનો અર્થ પહેલી ત્રણ કડી જોડે મેળ માં આવી જાય. એવું તેમણે 12 થી 20 મી કડી (9 કડી * દરેકમાં ચાર લાઇન = 36 શ્લોક) સુધી કરીને નવું સ્તવન બનાવ્યું છે.

થોડુ વધુ વિવરણ અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================
જૈન શાસ્ત્રો ના સાર અને નિચોડ રૂપ નીચે જણાવેલા નવતત્વો ઉપર ગ્રંથો ના ગ્રંથો ભરાય તો પણ લખાણ ઓછું પડે તેમ છે.

હજારો વર્ષ પહેલાં જ્ઞાની ભગવંતો એ ઝીણવટ થી આ નવતત્વો સમજાવ્યા છે. તેમાંથી અંશભાર પણ તેમની વાત જીવનમાં ઉતરી જાય તો પણ કલ્યાણ ના માર્ગે પ્રયાણ શરૂ થઈ જાય તેમ તેઓ એ સમજાવ્યું છે.

1. જીવ
જેનામાં ચેતના છે અને આત્મા છે તે જીવ. જીવ ના 563 ભેદ કહ્યા છે.

2. અજીવ
જેનામાં ચેતના નથી, આત્મા નથી, જડ છે તે અજીવ છે. અજીવ 560 પ્રકાર ના છે.

3. પુણ્યતત્વ
મન, વચન અને કાયાથી 9 પ્રકારે બંધાય અને તેનાથી 42 પ્રકારના સુફળ પ્રાપ્ત થાય.

4. પાપતત્વ
મન, વચન અને કાયાથી જ થાય. 18 પ્રકારના પાપ બંધાય અને તેનાથી 82 પ્રકારના કુફળ ભોગવવા પડે.

5. આશ્રવતત્વ
કર્મોને વહી આવવાના દ્વાર. આવા 42 આશ્રવ છે કે દ્વાર છે જેના થકી કર્મો બંધાઈ જાય છે. (42 દ્વાર એટલે 5 ઇન્દ્રિયો, 4 કષાયો, 5 અવ્રતો, 3 યોગો, 25 ક્રિયાઓ)

6.સંવરતત્વ
એટલે રોકવું, જે દ્વારથી કર્મો આવે તે દ્વાર ને જાણે પુરી દેવા. 57 પ્રકારે પાપ કર્મ રોકી શકાય. (5 સમિતિ, 3 ગુપ્તિ, 10 યતિધર્મ, 12 ભાવના, 22 પરિહરો, 5 ચરિત્ર)

7. નિર્જરાતત્વ
એટલે જે કર્મો થઈ ગયા છે તેની નિર્જરા, ખપાવવા. તે 12 પ્રકારે થાય, 6 બાહ્યતપ થી ને 6 અભ્યનતર તપ થી

8. બંધતત્વ
આશ્રવ અને નિર્જરા વચ્ચેની સ્થિતિ છે જેમાં આત્મા અને કર્મ બંધાઈને રહે છે. બંધતત્વ 4 પ્રકારના છે.

9. મોક્ષતત્વ
ત્યારે ઉદ્ભભવે જ્યારે તમામ પ્રકારના કર્મનો ક્ષય થાય. દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ નું જિન આજ્ઞા મુજબ પાલન થાય ત્યારે મોક્ષ તરફ ગતિ થાય.

નં. 3 પુણ્યતત્વ અને નં. 4 પાપતત્વ એ બાકીના સાતેય તત્વોના પરિણામસ્વરૂપ પણ છે

હજારો વર્ષ પહેલાં આટલી ઝીણવટ અને બારીકીથી અને તેના પેટા વિભાગો અને પેટા પ્રકારો પાડીને આખી વાત સામાન્ય માનવી ને પણ સમજાય તેમ જેમણે મૂકી તેઓ જ્ઞાનના કેવા મહાસાગર હશે?

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વનરાજ ચાવડાએ સં 802 માં પાટણ વસાવ્યું. તેના મંત્રી ચંપા શાહે ચાંપાનેર વસાવ્યું તથા પાવાગઢ ઉપર કિલ્લો બાંધ્યો.

જૂનાગઢ ના રા’માંડલિક ને મારવા મહંમદે તેના પુત્ર અહમદ ને મોકલ્યો જેણે સં 1525 થી સં 1527 સુધીમાં જૂનાગઢ ઉપરાંત ચાંપાનેર ને લૂંટીને તે બંને ગઢ તોડ્યા તેથી તે મહંમદ બેગઢો કે બેગડો કહેવાયો.

બેગડાના પુત્ર અહમદે તે બે ગઢ ઉપરાંત દ્વારકા, શત્રુંજય, ગિરનાર જેવા અનેક તીર્થધામોને ઘણીજ ક્ષતિ પહોંચાડી.

જ્યારે વિધાર્મીઓનો હુમલો થાય ત્યારે જાનની પરવા કર્યા વગર જૈનો તીર્થંકરોની મૂર્તિઓ સલામત રહે તે માટે દેરાસર માંથી કાઢી લઈ જમીનમાં દાટી દેતા. આવી અનેક મૂર્તિઓ અનેક સ્થળેથી ભુતકાળમાં મળી આવ્યાના અનેક ઉદાહરણ મોજુદ છે.

ચાંપાનેર ના જૈનોએ પણ દેરાસરજી ની મૂર્તિઓ બચાવી લઈને જમીનમાં દાટી દીધી હતી.

છેક સં 1889 માં મહા વદ 11 એ આ દિવ્ય મૂર્તિઓ જમીન માંથી મળી આવી.

આ મૂર્તિઓ સં 1896 ના મહા સુદ 13 એ વડોદરામાં મામાની પોળ ના દેરાસર માં પધરાવવામાં આવી જે આજે જીરાવલા પાર્શ્વનાથ તથા કલ્યાણ પાર્શ્વનાથ ના નામથી પૂજાય છે.

ચંપા શાહે ચાંપાનેર વસાવ્યું તે અરસામાં આ દિવ્ય પ્રતિમાંઓ ની અંજનશલાકા થઈ હોય તેમ માનીએ તો એ પ્રતિમાંઓ લગભગ 1200 થી 1250 વર્ષ ની પ્રાચીન કહેવાય.

એવું કહેવાય છે જો દિલથી આ મૂર્તિઓના દર્શન અને વંદન કરાય તો અનેક કર્મ બંધનો નો ચૂરો થાય છે અને સર્વ મંગલકામના પૂર્ણ થાય છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વૈશાલી નગરીના રાજા ચેટક ને સાત પુત્રીઓ હતી:

1. પ્રભાવતી જે વિતતીય નગર ( મોહન જો દેરો) ના રાજા ઉદાયનને પરણી હતી. પુત્ર અભિચી હતો.

2. પદ્માવતી જે ચંપાપતિ દધિવાહનને પરણી હતી. તેમને વસુમતી નામે પુત્રી જેનો ઉછેર ધનાવહશેઠે ચંદનાં તરીકે કર્યો હતો. આ એજ ચંદના જેણે પ્રભુને પારણા કરાવ્યા હતા.

3. મૃગાવતી જે કૌશમ્બિ ના રાજા શતાનીકને પરણી હતી. પુત્ર ઉદયન હતો.

4. શિવા જે ઉજ્જૈનીના રાજા પ્રદ્યોતનને પરણી હતી.

5. જ્યેષ્ઠા જે કુંડગ્રામ ના અધિપતિ નંદિવર્ધન ને પરણી હતી. નંદિવર્ધન મહાવીર સ્વામી ના ભાઈ હતા.

6. સુજયેષ્ઠા. માહિતી નથી મળતી

7. ચેલ્લાણા ને મગધ નો રાજા શ્રેણિક (બિંબિસાર) અપહરણ કરીને લઈ જઈ પરણ્યો હતો. તેને 3 પુત્રો, કોણીક, હલ્લ અને વિહલ્લ હતા.

ઉપરની સાતે પુત્રીના પિતા ચેટક ના બહેન ત્રિશલા સિદ્ધાર્થ ને પરણ્યાં હતા. તેમને બે પુત્રો થયાં, નંદિવર્ધન અને મહાવીર.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

મનુષ્યલોક 45 લાખ યોજનનો વ્યાસ ધરાવે છે. તેમાં 15 કર્મભૂમિ, 5 ભરતક્ષેત્ર, 5 ઐરાવતક્ષેત્ર, 5 મહાવિદેહક્ષેત્ર છે. મેરુ પર્વત પણ અઢી દ્વીપ માં 5 છે.

5 ભરતક્ષેત્ર માંથી એકજ ભરતે, સોરઠ દેશે ગિરિરાજ શત્રુંજય દુનિયા આખીમા અજોડ છે.

કરોડોની માનવ વસ્તીમાં બહુ ઓછા માનવ સમૂહને અને તેમાં પણ જે જૈન આચાર-વિચાર માં પરોવાયા તેઓને જ તેનું પવિત્ર સાનિધ્ય મળ્યું.

કોઈની પાસે હજાર જીભ વાળું મુખ હોય, પોતે જ્ઞાનનો ભંડાર હોય તો પણ શત્રુંજયનો મહિમા નહી કરી શકે કારણકે સમય મર્યાદા આવી જશે.

આ તીર્થ વિશ્વ વંદનીય છે કેમકે ત્યાંથી દરેક જીવોને અભયદાન આપવાનો મંત્ર હરેક પળે અવિરતપણે ફૂંકાયા કરે છે.

અહીંના વૃક્ષો, ઝાડ, પાંદડા, દરેક પગથિયું, દરેક શીલા અને હવાનો એક એક કણ પવિત્રતાની ઝાંખી કરાવે છે.

કોઈ પણ એક સ્થાને કરોડો પુણ્ય આત્માઓના પગલાં થયા હોય તેવી આ એકજ ભૂમિ છે.

અહીં બધું અસાધારણ અને અસામાન્ય ભાસે છે, નત મસ્તક થઈ જવાશે.

અહીં પહોંચતાજ ગર્વ ગળાઇ જશે, અહંકાર અર્હમમાં ફેરવાઈ જશે, વેરવૃત્તિ વિનયમાં પલટશે, લોભ લુલો થઈ જશે, દંભ દોટ મૂકી ભાગશે, મનનો મેલ માત થઈ જશે, પાપી જીવડો પવિત્રતા ના પાવન વાતાવરણમાં પાંખો લગાવી ઉડાન ભરવા વ્યાકુળ બનશે, મન મોર બની જશે, હૈયું હિલોળે ચડશે, દિલ દિલરૂબાના તાર ઝણઝણાવશે, આત્મા પુકારશે આતો મારો પારસમણિ જેને સ્પર્શતા પાપો પીછેહટ કરશે ને પુણ્ય ને પામવાની પળ હર પગલે તમને પ્રેરણા આપશે.

જ્ઞાનવિમલસૂરીજી કહે છે શત્રુંજય તીર્થ પર પગ મુક્તા જ પાપ ની દયા ખાવી પડે કેમકે તેણે ભાગવું પડે છે. તેમના જ શબ્દોમાં:

“બાપલડા પાતિકડા તમે શું કરશો હવે રહીને?

શ્રી સિધ્ધાચાલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને.”

(પાતિકડા એટલે પાપ)

પૃથ્વી ના દરેક ભાગમાં કરોડો મનુષ્યો વસતા હતા, વસે છે અને ભવિષ્યમાં પણ વસતા હશે. પણ શત્રુંજય નું સાનિધ્ય મળવું અતિ દુર્લભ છે. તે ભારત દેશનો પારસમણિ છે.

શ્રી શત્રુંજય વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વિ. સં 1912 ની એ સાલ હતી. બપોરે એક મુનિરાજ શત્રુંજય ના પગથિયાં ભાવપૂર્વક ઉતરી રહ્યા હતા. મનમાં નવકારમંત્રનો જાપ ચાલુ હતો. તેમની ઝડપ એવી હતી કે જાણે દોડી રહયા હોય.

રસ્તામાં જે ભાવિકો મળે તેમના વંદન સ્વીકારતા જતા હતા.

અચાનક મુનિરાજના પગ થંભી ગયા. તેમની નજર એક ઝાડી માં પડી.

એક ભાવિક ભક્ત લગભગ અર્ધ બેહોશી માં ત્યાં સુતા સુતા ધલવલતા હતા.

આજથી 160 વર્ષ પહેલાંની આ વાત. ત્યારે ગિરિરાજ ની જાત્રા સરળ નહોતી. રસ્તામાં વિસામાં ની સારી વ્યવસ્થા નહીં. ચડવા ને ઉતારવા માટે પગદંડી જેવા રસ્તા. પશુ નો ભય પણ ખરો.

ગિરિરાજ ની જાત્રા કરી નીચે ઉતરો ત્યારે સગવડો વાળી ધર્મશાળાઓ પણ ઓછી. ઘણા ભાગ્યશાળીઓ તો નીચે આવી પોતે રસોઈ બનાવે પછી વાપરી શકે.

આ શ્રાવક ભૂખ, તરસ, તાપ અને થાકથી ત્રસ્ત થઈ ગયેલ. મુનિ ને થયું એ ભાવિક નીચે કેવી રીતે પહોંચશે અને વાપરશે ક્યારે.

તેમણે વ્યવસ્થા કરી ને મદદ તો પહોંચાડી દીધી. પણ મનમાં એક સ્ફુરણા જાગી.

મુનિશ્રીએ એક ધનિક બંગાળી બાબુજી શ્રીમાન નાહર જેઓ તેમને મળવા આવ્યા હતા તેમને આખી બીના જણાવી.

તેમના સહયોગથી ને મુનિશ્રી ના સુચનથી બીજા જ દિવસ થી જે યાત્રિકો ગિરિરાજની જાત્રા કરી નીચે આવે તેમના માટે સેવ-મમરા નું ભાતું શરૂ થયું.

આમ સૌ પ્રથમ યાત્રિકો માટે ભાતા ની શરૂઆત થઈ 162 વર્ષ પહેલાં.

પછીથી સૂચન થયું કે સેવ મમરાથી પેટ ના ભરાય તો ઢેબરાં પણ પીરસાવા શરૂ થયા.

હવે જુઓ કોઈ શુભ કાર્ય થતું હોય તો ચારે દિશા માંથી મદદગાર આવી મળે જ.

એક વખત અમદાવાદ ના શ્રેષ્ઠી ગર્ભ શ્રીમંત શેઠ શ્રી હેમાભાઈ ગિરિરાજની યાત્રા કરી નીચે આવી ભાતું વાપરવા બેઠા.

શેઠશ્રીને ઢેબરુ ચવડ લાગ્યું ને તેમનાથી ચવાયું નહીં. તેમણે એ પણ જોયું કે ભાતા માં મીઠાઈ પીરસાતી જ નથી.

ત્યારથી બધા જ યાત્રાળુ ઓ જે ગિરિરાજ ની પાવન યાત્રા કરીને નીચે ઉતરે તેમને બુંદીનો લાડવો ને સેવ પીરસાવાની શરૂઆત થઈ ને ઢેબરુ તથા મમરા બંધ થયા.

એ મુનિરાજ નું નામ શ્રી કમલવિજયજી. તેમની દેરી ગિરિરાજ તરફ જતા રસ્તામાં આવે છે.

ગિરિરાજ શત્રુંજય ની થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ગિરિરાજ તીર્થ પર પૂજા અર્ચના કરવાથી શત્રુ (કર્મ બંધાવતા નિમિતો તે આપણા શત્રુ) ઉપર જય થાય છે તેથી તે શત્રુંજય કહેવાયો. શુક્રરાજા ના વખતથી નામ શત્રુંજય શરૂ થયું કહેવાય છે.

પ્રાચીન કાળમાં ગિરિરાજ શત્રુંજય ની તળેટીઓ અલગ હતી. એ સાથે અત્યારે પાંચ તળેટીઓ ગણાય છે.

1. વડનગર
2. વળા (વલ્લભીપુર)
3. ઘેટીની પાગ
4. વિજય તળેટી
5. જય તળેટી

વર્ષો પહેલા વડનગર ને તળેટી ગણતા. પછી વળા થી પણ તળેટી ગણાઈ. કાળક્રમે ત્રીજી તળેટી આદપુર ઘેટી અને ચોથી ને પાંચમી તળેટી પાલીતાણા માં પ્રચલિત થઈ.

રણશી દેવરાજ ની ધર્મશાળાની બાજુમાં રૂમ છે તેમાં દેરી અને પગલાં છે તેને જૂની તળેટી કહેવાય છે.

જય તળેટીથી રામપોળ સુધીમાં 3303 પગથિયાં થાય. રામપોળ થી શ્રી દાદા ના દરબાર સુધીમાં બીજા 198 પગથિયાં છે.

રામપોળ સુધીનો રસ્તો સવા બે માઈલ નો છે.

ગિરિરાજ વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ભૂતકાળમાં વર્ષો સુધી ગિરિરાજ શત્રુંજયજી જાત્રા કરવા માટે કોઈ પધ્ધતિસરના પગથિયાં નહોતા.

વાંકી ચુકી પહોળી પગદંડી કે ક્યાંક ક્યાંક મોટા પથ્થરો પાથરેલા તેના પરથી ઉપર ચડવાનું.

અશક્ત ને ઉંમરલાયક ભાવિકો માટે જાત્રા કઠિન ગણાતી. વિસામાં માટે પણ કોઈ નિશ્ચિત જગ્યા નહીં.

પેઢી પાસે એવી મોટી નાણાકીય જોગવાઈ નહોતી થતી કે આ માટે જંગી રકમ ફાળવી શકે.

વળી તીર્થના રખોપા અને સંરક્ષણનો મોટો ખર્ચ તો લોકલ ઓથોરીટી ને પેઢી ચૂકવતી જ હતી.

જોકે રખોપાનો ખર્ચ કાઢવા માટે આગમોદ્ધારક આનંદસાગર સૂરીજીએ ભારે જહેમત ઉઠાવી તે જમાનામાં માતબર એવી રૂ. અગિયાર લાખ ની ટીપ કરાવી તેના વ્યાજ માંથી આ રખોપાનું ખર્ચ ચૂકવાય તેવું તો ગોઠવી આપેલું.

પરંતુ પહોળા પગથિયાં વાળા નવા રસ્તા બનાવી શકાય તેવી જોગવાઈ થતી નહોતી.

આ વાત આજથી 70-75 વર્ષ પહેલાંની છે.

પછી ભારત આઝાદ થયું, રજવાડાઓ વિલીન થઈ ગયા. શ્રી સરદાર પટેલ ના અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ના પ્રયત્નોથી રખોપાની ચૂકવાતી રકમ નો ખર્ચ બંધ થયો.

હવે અલગ રાખેલી રકમ રૂ. અગિયાર લાખ નું પ્રયોજન રહ્યું નહીં. ત્યારે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો.

તે અલગ મુકેલી રકમ માંથી નવા પહોળા પગથીયાઓ, પરબો, વિસામાના સ્થાન વિ. બનાવવાનો નિર્ણય લેવાયો અને તેનો બહુ ઝડપથી અમલ થઈ ગયો.

આ સમગ્ર કાર્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ની સલાહ અને દેખરેખ માં થયું હતું.

ગિરિરાજ વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

શત્રુંજય તીર્થની જાત્રાએ જઈએ ત્યારે આપણને બધાને ખબર છે કે હનુમાનધારાથી દાદા ના દરબાર માં જવાના અને નવટૂંક જવાના એમ બે રસ્તા પડે. લગભગ મોટા ભાગના યાત્રીઓ નવટુંક ના વિરાટ સંકુલ ના દર્શને જતા નથી ને સીધા દાદા ના દરબારે દોડી જાય છે.

ઘણાને સમયનો અભાવ હોય છે. પરંતુ એવો પણ મોટો વર્ગ છે જેઓને જાણ જ નથી કે આ નવ ટૂંકો કેટલો ઉજ્જવળ ઇતિહાસ સમાવી ને બની છે. દરેક ટૂંક પાછળ ઐતિહાસિક ને જૈન ધર્મ પ્રતિ સમર્પણ ની ભાવના નો અખૂટ મહાસાગર ધરબાયેલો છે.

દરેક ટૂંકના ઐતિહાસિક અને ધર્મની લાગણીઓ સાથે જોડાયેલા પ્રસંગો વિશે લખવા બેસીએતો પાર ન આવે તેવી અદભુત કહાનીઓ છુપાઈને પડી છે.

પહેલી ટૂંક કર્માશા એ સં 1587 મા બનાવી

બીજી ટૂંક સવાસોમાં એ સં 1675 મા બનાવી

ત્રીજી છીપા વસહીટૂંક સં 1794 મા બની.

ચોથી ટૂંક પ્રેમચંદ મોદીએ સં 1843 માં બનાવી.

પાંચમી ટૂંક હેમાભાઈ શેઠે સં 1886 માં બનાવી.

છઠ્ઠી ટૂંક ઉજમબાઈ એ સં 1889 મા બનાવી.

સાતમી ટૂંક બાલાભાઈ એ, આઠમી ટૂંક મોતિશા શેઠે અને નવમી ટૂંક સાકરચંદ શેઠે એમ ત્રણેય ટૂંકો સં 1893 માં બની.

પહેલી ટૂંક અને છેલ્લી નવમી ટૂંક બની તેમાં 306 વર્ષ નો ગાળો છે.

નવ માંથી પાંચ ટૂંક અમદાવાદ ના શ્રેષ્ઠીઓ એ બનાવી.

સં 1886 થી 1893 ના સાતજ વર્ષના ગાળામાં પાંચમી થી નવમી એમ પાંચ ટૂંકો બની હતી.

એક જુના રેકર્ડ પ્રમાણે આ નવ ટૂંકો માં જ કે જ્યાં જાત્રાળુઓ ભાગ્યે જ જાય છે ત્યાં 105 જિનાલય છે, 815 દેરીઓ છે, 11000 થી વધુ આરસની અને 650 થી વધુ ધાતુની પ્રતિમાંઓ ને 9000 જેટલા પગલાં છે.

ભલે આપણે સીધા દાદા ના દરબારમાં જઈએ પણ વળતા તો નવ ટૂંકે થઈને નીચે આવીએ તો આ વેરાન થતી જઇ રહેલી પવિત્ર ભૂમિ ફરી નંદનવન બને.

આ ટૂંકો વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વિ. સં. 1525 થી 1527 સુધીમાં મહંમદ બેગડાનો પુત્ર એહમદ ગિરનાર, દ્વારકા, ચાંપાનેર, શત્રુંજય વિ. તીર્થધામો ને તોડી ચુક્યો હતો.

ત્યારથી શત્રુંજય ના કેટલાય દેરા લગભગ 50 વર્ષથી ક્ષતિગ્રસ્ત હાલતમાં હતા.

તોલાશાહ દોશી ચિતોડગઢ નો કાપડનો મોટો વેપારી ને મેવાડના સાંગા રાણા (સં 1565 થી 1585) નો મિત્ર.

તોલાશાહ નો છઠ્ઠા નંબર નો દીકરો કર્માશાહ.

ગુજરાતમાંથી પિતાથી રિસાઈને સુલતાન બહાદુરશાહ ચિતોડ જતો રહેલો ને તોલાશાહે આશરો આપેલો. કર્માશાહે આ બહાદુરશાહ જોડે દોસ્તી કરેલી.

બહાદુરશાહ અમદાવાદ પરત ફર્યો ત્યારે કર્માશાહે વાટ ખર્ચીના રૂ એક લાખ બહાદુરશાહ ને આપ્યા હતા.

પછી બહાદુરશાહ ગુજરાતનો સુલતાન બન્યો. કર્માશાહે તક ઝડપી ને તેને મળી શત્રુંજય તીર્થ નો જીર્ણોધ્ધાર વિના અવરોધે થાય તેવી બાયેંધરી મેળવી.

આપણા જૈન શ્રેષ્ઠીઓની કેવી દુરંદેશી !

ઉદયન મંત્રી ના પુત્ર બાહડે સ. 1211 માં શત્રુંજય નો ચૌદમો જીર્ણોધ્ધાર કરાવી જે મંદિર તૈયાર કરાવેલું તેજ દેરાસર કર્માશાહે રહેવા દઈ તેમાં સંપૂર્ણ સુધારા કરવા કામ શરૂ કરાવી મંદિરનો જીર્ણોધ્ધાર કરી સં 1587 ના વૈશાખ સુદ છઠ્ઠે પ્રતિષ્ઠા કરી.

આ સોળમો મોટો જીર્ણોધ્ધાર હતો જેની પ્રેરણા આપેલી રત્નસિંહસૂરીજીએ.

આ મૂળ ટૂંક પણ કહેવાય છે.

(વચ્ચે 15 મો જીર્ણોધ્ધાર સિદ્ધસેનસૂરીના ઉપદેશથી સમરાશા એ સં 1371 માં કરાવી દીધેલ.)

હાલ આપણે જે દેદીપ્યમાન મૂર્તિના દર્શન કરીએ છીએ તે કર્માશાહે ભરાવેલી છે.

બીજી આપણા જૈન શ્રેષ્ઠીઓની દિલદારીની વાત.

આ મૂર્તિ કર્માશાહે ભરાવી જેના આજે આપણે દર્શન ને વંદન કરીએ છીઍ તે મૂર્તિ વસ્તુપાળે મંગાવેલ ને આપેલ આરસની શીલા માંથી બની છે.

કર્માશાહે સવા કરોડ દ્રવ્ય વાપર્યું હતું.

આજે પણ તેજ દિવસે વૈશાખ વદ છઠ્ઠ ના રોજ છેલ્લા પાંચસો વરસથી મૂળનાયક અને બીજા શીખરોને ધજા ચડે છે.

આ તારાદેવી અને તોલાશાહ ના દીકરા કર્માશાહ ની ધર્મ પરાયણતાં, રાજકીય દુરંદેશી ને કુનેહની કહાની છે જેનાથી ગિરિરાજ શત્રુંજય નો જીર્ણોધ્ધાર તો થયો, શત્રુંજય ની સલામતી પણ મેળવાઈ.

તેથી જ આજે આપણે તેજ તીર્થના ને કર્માશાહે ભરાવેલી મુળનાયક દાદા ની મૂર્તિના દર્શન કરી શકીએ છીએ.

આ પહેલી ટૂંક નો સુવર્ણઅક્ષરે અંકાયેલ ઇતિહાસ છે.

બીજી ટૂંકો ની વાત અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

શત્રુંજય તીર્થ ઉપરની બીજા નંબર ની ટૂંક પાછળ છુપાયેલી અદભુત સાધર્મિક ભક્તિની કહાની:

વંથલી સોરઠ નું પ્રમુખ શહેર છે.

ત્યાં 400 વર્ષ પહેલાં સવચંદ શેઠ મોટો વેપાર કરીને અઢળક કમાયા. પણ ચીકણા કર્મ ઉદયમાં આવતા બધું ગુમાવી બેઠા. ઉઘરાણી આવી નહીં. સાવ નિર્ધન થવાની ને આબરૂ જવાની વેળા હતી.

પોતાની શાખ બચાવવા સવચંદશેઠે કોઈ ઓળખાણ વગર 400 વર્ષ પહેલાં અમદાવાદ ના પ્રતિષ્ઠિત વેપારી શ્રી સોમચંદશેઠ પર મોટી રકમની હૂંડી લખી મોકલી આપી.

સવચંદશેઠ માટે આ જીવન મરણ નો પ્રશ્ન હતો.

સોમચંદશેઠ ને હૂંડી મળી. તેમનો સવચંદશેઠ જોડે ધંધાનો કોઈ સંબંધ નહોતો. તેથી હૂંડી સ્વીકારવાનો પ્રશ્ન જ નહોતો.

ત્યાં સોમચંદશેઠ ની નજર સવચંદશેઠે હૂંડી પર કરેલી સહી પર પડી. જાણે પાણીનું ટીપું પડ્યું હોય તેમ સહી નો એક અક્ષર થોડો ધોવાઇ ને ઝાંખો થયો હતો.

સોમચંદશેઠ ને સમજતા વાર ન લાગી કે આંસુ નું ટીપું અહીં પડેલું છે. તેમણે હૂંડી સ્વીકારી લીધી. સાધર્મિકની આબરૂ જળવાઈ ગઈ.

પછી તો સવચંદશેઠ ખૂબ કમાયા. અમદાવાદ આવી સોમચંદશેઠ ને મળ્યા ને બન્ને ભેટ્યા. બંનેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહે તેમ હર્ષ ના આંસુ વહ્યા.

તેઓના મળવામાં એક ઉત્તમ કામનું નિમિત્ત ઉભું થયું.

તેઓ બંનેએ મળીને શત્રુંજય ગિરિરાજ પર સં 1675 માં એક ટૂંક બાંધી ને જુના મંદિરનો જીર્ણોધ્ધાર પણ કર્યો જે આજે સવાસોમાની ટૂંક તારીખે ઓળખાય છે. (સવાસોમા એટલે સવચંદ અને સોમચંદ)

કુલ નવટુંકો માં આ બીજી ટૂંક છે. તે ચૌમુખીજીની ટૂંક પણ કહેવાય છે. બધી ટૂંકો માં આ સૌથી ઊંચી ટૂંક છે. ફક્ત અહીજ આપણને ઋષભદેવ ના માતા મરુદેવી, પાંચ પાંડવો, માતા કુંતી અને દ્રૌપદી ની પણ મૂર્તિઓ ના દર્શન નો લાભ મળે છે.

બીજી ટૂંકો વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

185 વર્ષ પહેલાંની સં 1889 ના આ વાત છે.

લગ્નવિધિ સંપન્ન થઈ ગઈ ને કન્યાની વિદાયની ઘડીઓ ગણાતી હતી. વિદાય ની મુહૂર્ત ની વેળા ઢૂંકડી આવતી જતી હતી.

માં જડાવબાએ કહ્યું દીકરી તું વહુ તરીકે સારી રીતે વિનય વિવેકથી રહીશ તો બે કુળ નું નામ ઉજાળીશ, પિયારીયાનું ને સાસરિયાનું.

પિતા વખતચંદ શેઠે કહ્યું દીકરી, તને નવ ગાડા ભરીને કરિયાવર આપ્યો છે. કોઈ વસ્તુની ખોટ નહીં રહે. હીરા, માણેક ને ઝવેરાતો પણ અઢળક મૂક્યા છે.

માં-બાપ ની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા.

દીકરી દોડીને પિતાને ભેટી ને બોલી બાપુ મારે આણા માં ગાડા ભરીને કઈ નથી જોઈતું. મનેતો એવું કૈંક જોઈએ છે જેથી બધા મને કાયમ માટે યાદ કરે. તો મને…. દીકરી બોલતા અચકાતી હતી. મોઢામાંથી શબ્દો બહાર નહોતા આવતા.

માં જડાવબાઈએ કહ્યું જે હોય તે કહી દે, અમારાથી કઈ કરવાનું કે આપવાનું રહી ગયું તો નથીને?

દીકરી કહે મને બધું મળ્યું છે પણ..

વખતચંદશેઠ કહે બોલ દીકરી શુ જોઈએ છે તે બોલ.

દીકરી બોલી બાપુ મારે આણા માં તમે જિનમંદિર બંધાવશો તેવું વચન જોઈએ છે.

માં કહે બોલ તારી સાસરીમાં બંધાવવું છે ને. દીકરી કહે ના. વખતચંદ કહે તો અહીં આપણા ગામમાં એમ કહેને.

દીકરી કહે સાસરે કે પિયર માં બંધાવોતો તે ગામના જ લોકોને લાભ મળે. મારેતો ગિરિરાજ શત્રુંજય પર દેરું બને તેવી ભાવના છે જેથી હજારો લોકોને લાભ મળે ને બધા મને કાયમ યાદ કરે તે પણ બને.

હા મારા કરિયાવર ના નવે નવ ગાડા ભલે મને ન આપતા. એટલું બોલતા દિકરી આંસુ ધારે રડી પડી. વખતચંદશેઠ અને જડાવબાઇ ના આંસુનો બંધ પણ છૂટી પડ્યો. વિદાય આપવા આવેલ સૌની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

દીકરીનું નામ ઉજમ જેના નામ પરથી ગિરિરાજ શત્રુંજય પર છઠ્ઠી ટૂંક ઉજમવસહી નામે ટૂંક બની.

આજે જ્યારે દીકરીને પરણાવવાની હોય ત્યારે મહિનાઓ અગાઉથી આણામાં આપવાની વસ્તુઓની ખરીદી શરૂ થાય, લગ્ન પછી પણ પરણી ને આવેલી વહુ ગર્વથી કહે આતો મારા આણા ની લાવેલી ચીજ છે ત્યારે એકવાર તો ઉજમબાઈ ના ઉત્તમ વિચારો ને તેમનું ધર્મ પ્રત્યેનું સમર્પણ યાદ આવ્યા વગર ન રહે. તેઓ ઉજમફોઈ તરીકે પણ જાણીતા છે.

બીજી ટૂંકો વિશે થોડી વધુ વાતો અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જેકસન બ્રાઉન”ની 55 સુંદર વાતાે
PLZ VACHJO MAST. CHE

1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. કોઈને મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1. I am the BEST
2. I can do it
3. GOD is always with me
4. I am a WINNER
5. Today is my DAY

35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે….

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

મુંબઇ ના શાહ સોદાગર મોતીશા (સં 1838 થી 1892). પિતા અમીચંદ, માતા રુપાબેન. વતન ખંભાત. પત્ની નું નામ દિવાળીબેન. પુત્ર ખીમચંદ.

અનેક દેશોમાં મોતીશા નો વેપાર ફેલાયેલો. તેમના પોતાના 40 વહાણનો કાફલો.

પાલીતાણા માં ધર્મશાળા બંધાવી હતી. મુંબઇ માં ભાયખલા માં દેરાસર, ગોડીજીનું દેરાસર, પાયધૂની નું દેરાસર.. લિસ્ટ ઘણું મોટું બને. ગવર્નર ને મળી મુંબઈ માં વસ્તી ઘટાડવા કુતરાઓની અંગ્રેજો દવારા થતી હત્યા બંધ કરાવી.

તેમનું સૌથી મોટું કાર્ય તે પાલીતાણા માં શત્રુંજય પર્વત પર કુંતાસરની ખીણ પુરાવી ત્યાં ટૂંક બનાવી જે મોતીશાહ ની ટૂંક તરીકે આપણે જાણીએ છીએ.

હકીકત કાંઈક આમ બની હતી:

તેમનું એક ઘણું મોટું જહાજ લાખોનો માલ લઈ ચીન ગયું હતું. વળતા લાખોનો માલ ભરી લાવવાનું હતું. રસ્તામાં સમુદ્રી તોફાનો અને ચાંચિયાઓનો ડર. તેમણે મનમાં ધાર્યું જો જહાજ સહી સલામત પરત આવેતો શત્રુંજય પર દેરાસર બનાવવું. જહાજ પરત આવ્યું.

મોતીશા અમદાવાદ ના શેઠ હેમાભાઈ ને લઈ શત્રુંજય ગયા, જગ્યા નક્કી કરી જે બે પર્વત વચ્ચે ની કૂંતાસર ની ખીણ હતી જેમાં નીચે તળાવ હતું.

બે પર્વત જોડાઈને રસ્તો બને તો બીજી દેરીઓની જાત્રા પણ સરળ બને.

વિચાર કરતા અચરજ પામી જવાય કે બે પર્વત ની વચ્ચે મોટી સળંગ ખીણ, નીચે તળાવ તે આખી ખીણ ની જગ્યા પુરી ડુંગર ઉપર બીજા મંદિરો ની લગોલગ જગ્યા સમથળ કરવા હજારો ફૂટ પુરાણ કરી ને પછી ત્યાં ડુંગર ઉપર નવી બનાવેલી જગ્યા પર ટૂંક બનાવવાની.

1100 કુશળ કારીગરો ને 3000 મજૂરોની ફોજ કામે લગાવી. તળાવ ને પુરી આખી ખીણ ભરવાનું ભગીરથ કાર્ય રામજી નામના આર્કિટેક ના માર્ગદર્શન માં પૂરું થયું.

હવે નવમી ટૂંક તૈયાર થઈ રહી હતી. છેક રાજસ્થાનથી મકરાણા નો આરસ વાપરવામાં આવ્યો હતો.

અચાનક મોતીશા એ ફક્ત 54 વર્ષની ઉંમરે પર્યુષણ પર્વ દરમ્યાન સં 1892 માં મુંબઇ ખાતે દેહ છોડ્યો.

તેમના પત્ની દિવાળીબેન અને પુત્ર ખીમચંદે કહ્યું શરૂ કરેલું શુભ કાર્ય પૂરું થશે.

આ નવમી ટૂંક મોતીશા ટૂંક ની પ્રતિષ્ઠા શત્રુંજય પર તેમના પુત્ર ખીમચંદે સં 1893 માં કરી.

પ્રતિષ્ઠા થઈ ત્યારે આકાશમાંથી અમીઝરણા થયેલા. એકઠા થયેલા ભાવિકો ગઈ ઉઠેલા:

લાવે લાવે મોતીશા શેઠ નવણ જળ લાવે છે.

નવરાવે મરુદેવા નંદ નવણ જળ લાવે છે.

આ પંક્તિઓ ઘણા દેરાસરોમાં પ્રાતઃકાળે ગવાય છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

900 વર્ષ પહેલાંનો સમય.

એક નાની જોયેલી વાત માંથી જ્ઞાની અને પુણ્યશાળી આત્માઓ કેટલું મહાન અને શુભ કાર્ય કરી જાય છે તેનું આ ઉદાહરણ છે.

ઉદયન એ સિદ્ધરાજ નો વિશ્વાસુ સુબો ને પછી મંત્રી બન્યો. શ્રીમાળી વંશ ને મારવાડમાં જાલોર અને રામસેન વચ્ચે આવેલ વાઘરા ગામમાં જન્મ.

તેઓ શત્રુંજય ની જાત્રાએ ગયા. 900 વર્ષ પહેલા શત્રુંજય ના દેરાઓમાં પથ્થરો સાથે લાકડું ખુબ જ પ્રમાણમાં વાપરવામાં આવેલ. કારણ સમજાય કે આજથી 900 વર્ષ પહેલાં પથ્થરો કરતા લાકડું ડુંગર પર ચડાવવું સરળ રહે.

ઉદયન મંત્રી શત્રુંજય ડુંગર ચડી ઉપર આવ્યા ને દાદાના દર્શન કરતા હતા ત્યાં તેમણે એક ઉંદરને સળગતી વાટ પકડીને જતા જોયો. તેમને ફાળ પડી ને ભય લાગ્યો કે આવું બન્યા કરે તો આગ તો નહીં લાગી જાયને.

તેમણે ત્યાંજ મનમાં નિશ્ચય કર્યો શત્રુંજય મંદિર ના બાંધકામ માંથી લાકડું હટાવી પૂરું પથ્થરોનું કરાવીશ.

પણ પરત જતા ઉદયન મંત્રીએ રસ્તામાંજ વઢવાણ પાસે સં 1208 માં દેહ છોડી દીધો.

પિતાશ્રી ઉદયન મંત્રીની ઈચ્છા અનુસાર તેમના પુત્ર બાહડે ત્રણ જ વર્ષમાં સં 1211 માં શત્રુંજય તીર્થનો ચૌદમો જીર્ણોધ્ધાર કર્યો ને ત્યારથી ત્યાં લાકડાની જગ્યાએ પથ્થરો લગાવાયા.

એવું કહી શકાય કે આ ચૌદમાં જીર્ણોધ્ધાર ની પાછળ એક ઉંદર નિમિત્ત બન્યો.

હાલનો દાદાનો દરબાર જે આપણે દર્શન કરીએ છીએ તે બાહડ મંત્રી એટલેકે ઉદયન ના પુત્રે સં 1211 માં બનાવેલ તે જ છે.

15 મો ઉદ્ધાર સમરાશા એ સં 1371 માં કરાવ્યો ત્યારે પણ મુખ્ય દેરામાં ફેરફાર ન કરાયો હતો.

16 માં ઉદ્ધાર સં 1893 માં પણ મુખ્ય દેરું તેજ રાખીને મૂળનાયક આદીનાથદાદા ની નવી મૂર્તિ મોતીશા એ ભરાવી. આ પ્રતિમા વસ્તુપાળે મોકલેલ આરસ ની શિલામાંથી બની છે.

ઉદયન મંત્રી એ નર ઉદા માં (હાલ તેને અમદાવાદ નું નરોડા કહે છે) પણ દેરાસર બંધાવ્યું હતું.

આ ઉદયન મંત્રીની ગરીબ હતા ત્યારની ઈમાનદારીની વાત પણ જાણીએ. કમાવા માટે પુત્રો સાથે મારવાડ થી અમદાવાદ આવ્યા. લાછી છીપણે ભાઈ માની પોતાનું જૂનું ઘર રહેવા આપ્યું. ઉદયને ઘીનો વેપાર શરૂ કર્યો ને કમાયા તો તે જ ઘર ખરીદી લઈ તોડી નવું બનાવવા ગયા તો ઢગલો સોના મોહરો ના ચરુ મળી આવ્યા. ઘર પોતે ખરીદી લીધેલું છતાં લાછી છીપણ ને કહેવા ગયા ચરુ પર મારો હક નથી બેન તું લઈ જા. લાછીએ ના પાડી.

ક્લીકલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ની ખંભાત માં દીક્ષા સં 1150 માં થઈ ત્યારે તેઓ હાજર હતા. તેમણે જ કુમારપાલને રાજા બનવામાં સહાય કરી હતી.

એવું કહેવાય કે ગરીબાઈ વખતે પણ પ્રામાણિકતા ન છોડી ને શુદ્ધ આચરણ ને ધર્મ ના પ્રતાપે પોતે ને તેમના પુત્રો ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે નામ લખાવી ગયા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની પદ્ધતિ

શ્રી ન​વકાર મંત્ર તો આપણે સૌ બોલતા હોઇએ છીએ પણ શું આપણને શ્રી નવકાર ​બોલ​વાની સાચી પદ્ધતિ ખબર છે?

શ્રી ન​વકાર મંત્ર કઇ રીતે બોલ​વો?
જેમ ફાવે તેમ બોલીએ તો ધ્વનીના નિશ્ચિત આંદોલનો ઉભા થતા નથી. ષડચક્રો કુંડલીની આદિ ઉપર તેની અસર પડતી નથી.

આપણે ત્યાં શ્રી ન​વકાર મંત્ર બોલ​વાની આરોહ – સમ – અવરોહ ની પદ્ધતિ છે – લય છે, તે રીતે બોલવાથી:
▪મોહ ના સંસ્કારો હાલી ઉઠે છે.
▪અનાદિ સંસ્કારોની પ્રબળતા મંદ પડે છે.
▪આધુનિક વિજ્ઞાન પણ જુદા-જુદા ધ્વનિથી થતી અસરોની વિવિધતા સ્વીકારે છે.

આરોહ – સમ – અવરોહ એટલે શું?
↗ આરોહ: ધ્વની ઉંચો જાય.
➡ સમ: ધ્વની સમાન ચાલે.
↘ અવરોહ: ધ્વની નીચે ઉતરે.

નમો અરિહંતાણં
↗ નમો
➡ અરિ
↘ હંતાણં

નમો સિદ્ધાણં
↗ નમો
➡ સિ
↘ દ્ધાણં

નમો આયરિયાણં
↗ નમો
➡ આ
↘ યરિયાણં

નમો ઉવજ્ઝા​યાણં
↗ નમો
➡ ઉવ
↘ જ્ઝા​યાણં

નમો લોએ સ​વ્વસાહૂણં
↗ નમો લોએ
➡ સવ્વ
↘ સાહૂણં

એસો પંચ નમુક્કારો
↗ એસો પંચ નમુક્કારો

સ​વ્વ પાવપ્પણાસણો
➡ સ​વ્વ પાવપ્પણાસણો

મંગલાણં ચ સ​વ્વેસિં
↘ મંગલાણં ચ સ​વ્વેસિં

પઢમં હ​વઇ મંગલં
➡ પઢમં હ​વઇ મંગલં

શ્રી ન​વકાર મંત્રના છેલ્લા ચાર પદ અનુષ્ટુપ છંદમાં છે.
આ રીતે શ્રી ન​વકાર મંત્ર બોલ​વાથી સાધકોને ખુબ જ લાભદાયી નીવડશે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગમ્બર ના ફાંટા વિશે થોડી વાતો:

મહાવીરસ્વામી નું શાસન પ્રવર્તમાન થયું તે પહેલાં જૈન મુનિઓ વિવિધ રંગના વસ્ત્રો પહેરતા.

એકરૂપતા લાવવા માટે અને રાગ પરસ્તી રોકવા માટે પ્રભુએ ઠરાવ્યુ કે જૈન સાધુ સાધ્વીઓએ ફક્ત શ્વેત વસ્ત્રો જ પહેરવા. રંગીન કપડાં પ્રતિબંધિત કર્યા. આથી શ્વેત વસ્ત્રધારી સાધુ સાધ્વીઓ શ્વેતાંબરી કહેવાય છે.

મહાવીરસ્વામી ના નિર્વાણ બાદ છસો વર્ષ સુધી આ પ્રમાણે વ્યવસ્થા ચાલી.

પરંતુ એક વખત પ્રભુના નિર્વાણ ના 606 માં વર્ષે કાંઈક એવું બન્યું કે આ વ્યવસ્થા માં બદલાવ થયો.

આચાર્ય કૃષ્ણઋષિ પાસે શિવભૂતિજી ની દીક્ષા થઈ. ત્યાંના રાજાએ રત્ન કંબલ વહોરાવી.

ગુરુ મહારાજે કહ્યું એ રત્ન કંબલ વાપરવી નહીં. પરંતુ શિવભૂતિ મુની માન્યા નહીં ને વાપરવા દેવાની જીદ પકડી.

ગુરુએ તે કંબલ મંગાવી તેના નાના નાના ટુકડા કરી બધા મુનિઓમાં વહેંચી દીધા તથા સાધુ શિવભૂતિ ને બોલાવી ઠપકો આપ્યો કે સાધુ બન્યા પછી મોહ ન રાખીએ.

ગુરુ ના વલણથી સાધુ શિવભૂતિ બહુ નારાજ થયા ને કહ્યું કંબલ નહી તો હવે કોઈ વસ્ત્ર નહીં. તેમણે બોટિક નામનો નવો મત ચલાવ્યો. બીજા બે સાધુ પણ તેમની જોડે જોડાયા ને તેઓ ત્રણેયે બધા વસ્ત્રોનો સંપૂર્ણ ત્યાગ કરી દિગમ્બર અવસ્થા અપનાવી.

ત્યારથી એટલે કે વીર સંવત 606 થી જૈન સંઘ શ્વેતાંબર અને દિગમ્બર એમ બે ભાગમાં વહેંચાઈ ગયો.

શ્વેતાંબર શ્વેત વસ્ત્ર ધારી ને દિગમ્બર જે વસ્ત્ર વિહીન.

દિગમ્બર પંથમાં સ્ત્રી ને દીક્ષા ન મળે. ગોચરી વાપરવા માટે ફક્ત ખોબાનો ઉપયોગ થાય. મૂર્તિ વંદન કરે પણ પૂજા આંગી માં ન માને. પ્રતિમા ઉપર ચક્ષુટીકા, કેડે કંદોરો, અંગરચના, આભૂષણો વિ. માં પણ બંને પંથ માં ફરક દેખાય .

શ્વેતામ્બરી જે સફેદ વસ્ત્ર ધારણ કરનારા સાધ્વી ને સાધુ ભગવંતો હોય છે તે પંથ માં પણ ત્રણ ફાંટા છે:

મૂર્તિપૂજક, સ્થાનકવાસી ને તેરાપંથી.

આ ત્રણે પંથ ના સાધ્વી ને સાધુ ભગવંતો કહેવાય તો શ્વેતાંબરીજ કારણ કે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે.

મૂર્તિપૂજક પંથ ના અનુયાયીઓ મૂર્તિ પૂજા માં માને, જિનમંદિરો બનાવે, બધા 45 આગમોમાં માને, પ્રભુ ને આંગી, ઉત્સવો, પર્વો પર વધુ ભાર અપાય.

સ્થાનકવાસી પંથ લોકાશા ગુરુજી થી 15 માં સૈકા માં બન્યો. મૂર્તિપૂજાની ઉપેક્ષા માં માને. તેમના મત મુજબ 32 આગમો જ મૂળ રૂપે છે. ઈ. સ. 1636 થી તેઓ ના સાધુ સાધ્વીજીએ લવજી મહારાજ ના કહેવાથી મોઢે મુહપત્તિ બાંધવાનું શરૂ કર્યું.

તેરાપંથી સમુદાય વિ. સં 1817 માં સંગઠન અને આચાર શુદ્ધિ પર વધુ ભાર આપવા ભિક્ષુસ્વામી દ્વારા બન્યો. દિગંબરોની વીસ માંથી 13 વાત અપનાવી તેથી તેરાપંથી કહેવાયા. મૂર્તિ પૂજા માં ન માને પણ ત્યાગીઓ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે.

પ્રથમ અને છેલ્લા 24 માં પ્રભુ સિવાયના બધા તીર્થંકર વસ્ત્રધારી હતા. મલ્લિનાથ અને નેમિનાથ સિવાયના બધા તીર્થંકર સાંસારિક જીવનમાં પરણિત હતા.

પંથ ભલે ગમે તે હોય મૂળરૂપ જૈન તત્વજ્ઞાન અને વિચારધારા બધા ફાંટામાં એક જ છે કે અહિંસા માં અગ્રેસર રહેવું, પ્રાણી માત્ર પર પ્રેમ, સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકચારિત્ર ની સર્વોત્તમ સ્થિતિનું લક્ષ્ય અને ચાર કષાય ને કાપવા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જ્યારે કોઈ વ્યક્તિ સત્તાના સિંહાસને હોય, પ્રતિષ્ઠિત હોય ને સિદ્ધિ ના શિખરે હોય ત્યારે તેણે લીધેલું દુરંદેશી ભરેલું કોઈ એક પગલું પણ બહોળા સમુદાય ને વર્ષો સુધી વરદાનરૂપ સાબિત થાય છે ને જૈન તીર્થોને સલામતી પણ મળી રહે છે.

એક સમયે દિલ્હીમાં અલ્તમશ શમસુદ્દીન નું રાજ (સં 1266 થી 1293 સુધી)

સુલતાનની માતા કુશીદાબેગમ મક્કા શરીફ ની જાત્રાએ જવા નીકળ્યા.

આજનું ખંભાત તે સમયે મોટું આંતરરાષ્ટ્રીય બંદર ને ત્યાંથી દેશ પરદેશ દરિયાઈ માર્ગે મુસાફરી થાય.

કુશીદાબેગમ ખંભાત બંદરે પહોંચે ત્યાં રસ્તામાં તેમનો થોડો કિંમતી સામાન ગુમ થઈ ગયો. બેગમે ફરિયાદ નોંધાવી.

વસ્તુપાળ મહામાત્યને આ વાતની જાણ થઈ. અહીં તેમને મોટી તક દેખાઈ. તુરંત પોતાના ચુનંદા માણસો કામે લગાડી બેગમનો સામાન શોધી તેમને પરત કરાવ્યો. બેગમને પડેલી તકલીફ બદલ રૂબરૂ જઈ દિલગીરી વ્યક્ત કરી. વળી બેગમનો પરત આવવાનો પૂરો પ્રોગ્રામ જાણી લીધો.

જ્યારે કુશીદાબેગમ મક્કા થી પરત ખંભાત આવ્યા ત્યારે વસ્તુપાળે તેમનું બહુમાન કર્યું, અનેક ભેટ સોગાદો તેમને અને સુલતાન માટે આપી. બેગમ દિલ્હી સલામત પહોંચી જાય તેની પૂરી વ્યવસ્થા અંગત રસ લઈ રૂબરૂ મળી કરી આપી.

બેગમ અત્યંત ખુશ થઈ ગઇ. વસ્તુપાળ ને ધર્મ નો ભાઈ બનાવી દિલ્હી આવવા આગ્રહ ભર્યું નિમંત્રણ આપ્યું.

વસ્તુપાળ બહુ દૂર નું વિચારી શકતા. આ આમંત્રણ માં પણ તેમને અનેક શુભ તકો દેખાઈ.

તેઓ દિલ્હી ગયા. સુલતાનને અને બેગમને મળ્યા, અનેક ભેટ – સોગાદો તો હોય જ.

બેગમે વસ્તુપાળની મહેમાનગતિ ની ને કાળજી ની બધી વાત સુલતાનને કરેલ હતી.

સુલતાને વસ્તુપાળ નો ખૂબ જ આદર સત્કાર કર્યો. જવાબમાં વસ્તુપાળે કહ્યું આ તો ભાઈ ની બેન પ્રત્યે ફરજ હતી. બેગમ સાહેબા મારા મહેમાન હતા.

સુલતાન અત્યંત ખુશ થયા. તુરંત વસ્તુપાળે વાત મૂકી કે સુલતાન ગુજરાત પ્રદેશ પર રહેમ નજર રાખે ને ધર્મ સ્થાનો ની રક્ષા કરવામાં સહયોગ કરે. સુલતાને વચન આપ્યું. પૂરા ગુજરાત ની ને જૈન તીર્થોની સલામતી માટે તેમની આ એક મોટી જીત હતી.

આ હતી આપણા જૈન શ્રેષ્ઠીઓની દૂરંદેશીતા, મુત્સદીગીરી, ચાતુર્ય અને ડહાપણ ની પરાકાષ્ઠા.

આથી પુરા ગુજરાતની સમૃદ્ધિ વધી, જૈન તીર્થો વિધર્મીઓના હુમલા સામે સલામત બન્યા ને વેપાર ધંધા ના વિકાસ ને ગતિ મળી.

આ મહામાનવ વસ્તુપાળ સં 1297-98 માં શત્રુંજય સંઘ લઈ ને નીકળ્યા હતા ત્યારે રસ્તામાં લીંબડી પાસે અંકેવાળીયા ગામે દેહ છોડી દીધો. તેમના ભાઈ તેજપાળ હાલના શંખેશ્વર નજીક ના ચંદુર ગામે ગુજરી ગયા હતા.

બંને ભાઈઓએ કુલ 63 યુધ્ધ માં વિજય મેળવ્યો હતો.

તેઓએ 1304 જિનપ્રસાદ બનાવડાવ્યા ને 3300 જીનપ્રસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો. 12 વખત શત્રુંજય સંઘ લઈને ગયા. યાદી નો અંત ન આવે તેટલી લાંબી છે. આબુ દેલવાડા ના દેરા ને કોણ ભૂલી શકે?

તદઉપરાંત રાજ ની મહામાત્ય તરીકે ની મોટી જવાબદારી કુશળતા પૂર્વક નિભાવી.

આ બધું કરીને બંને ભાઈઓ ઇતિહાસ માં પોતાનું નામ અમર કરી ગયા.

તેમની સફળતાનું રહસ્ય એ પણ હતું કે વસ્તુપાળ અને તેજપાલ ઊંચા આસને બેઠા હતા, યુદ્ધો કરવા પડતા હતા છતાં ધર્મ ને ન વિસર્યા ને બીજા ઊંચા આસને બેઠેલા મહારથીઓનો પ્રેમ અને વિશ્વાસ અને સહકાર મેળવવાની તરકીબો પણ કુશળતાપૂર્વક અજમાવવાનું ન ભૂલ્યા.

800 વર્ષ પહેલાં ધોળકા થી દિલ્હી સુલતાનને મળવા પહોંચતા વસ્તુપાળે કેટલી તકલીફો વેઠી હશે. પરંતુ વસ્તુપાલની સુલતાન સાથેની દિલ્હી ખાતે થયેલી આ એક મુલાકાતે અગણિત લાભ ગુજરાત ને થયો ને ધર્મ સ્થાનો રક્ષણ પામ્યા. તેની શુભ અસર સદીઓ સુધી રહી

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જૈન શાસ્ત્રો માં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર નો વારંવાર ઉલ્લેખ થાય છે.

આ પાયાના સિદ્ધાંતો ગણાય છે અને અનેક દળદાર ગ્રંથો આ ત્રણ વિષય પર જ્ઞાનીઓએ લખ્યા છે.

સમ્યગદર્શન પર શાસ્ત્રો એ નિર્દેશિત કરેલી માહિતી ને ખૂબ જ ટૂંક માં ભગવંતો આ પ્રમાણે વર્ણવે છે:

સમ્યગદર્શન એટલે જગતનું, જગત્પતિનું ને જાતનું પૂર્ણ દર્શન.

સમ્યગદર્શન એટલે સ્વ ના દોષોનું અને અન્યના ગુણોનું પૂર્ણ દર્શન

કેવી અદભુત વાત. આટલું સમજમાં આવી જાય તો પણ બેડો પાર.

પાપોમાં જાગતો રહે તે સમકિતી,

પાપોથી ભાગતો રહે તે દેશવિરતી અને

ધર્મ પૂરબહારમાં કરતો રહે તે સર્વવિરતી

જેણે સમ્યગદર્શન જાણ્યું તેના ચિતમાં ત્રણ ચિંતનો હોય:

જગત્પતિ પરમાત્મા જ મારુ ધ્યેય

પ્રાણી માત્ર મારા પ્રેય

મારો આત્મા જ મારો શ્રેય

(પ્રેય એટલે ચાહવા લાયક ને શ્રેય એટલે કલ્યાણ કરવા લાયક)

જેનામાં સમ્યગદર્શન પ્રવેશ્યું હોય તેની આંખમાં ત્રણ પ્રકારના આંસુ હોય:

ગરીબની દરિદ્રતા જોઈને દુઃખના,

પોતાના પાપ યાદ કરીને પશ્ચાતાપના ને

બીજાના સુકૃત્યો જોઈને હર્ષના.

આવી વ્યક્તિ સહુનો મિત્ર, જાતનો શુદ્ધ અને ગુણીજનોનો ભક્ત હોય.

સમ્યગ દ્રષ્ટિ સાંપડી તો સમજો વાણી માં વિનય અને વિવેક આવી જશે, શબ્દો સાકર જેવા હશે, જીભ જાદુનું કામ કરશે, મન મોરલી બનશે ને દુઃખો દુમ દબાવી ભાગશે કારણ દરેક સ્થિતિ માં તે સમતા ધારણ કરશે.

આવી સ્થિતિ એ જીવ પાપો (અવજ્ઞા) કરે જ નહીં ને કરવા પડે તો અસુખ કે ઉદ્વેગ અનુભવે. આથી કર્મ બંધ અલ્પ નડે ને કર્મો બંધાય તો પણ જલ્દી ખપાઈ જાય તેવા હોય, પાપાનુબંધના તો કડાકા બોલી જાય, પુણ્યાનુંબંધો મજબૂત બને ને જગત નિરાલુ ભાશે.

સમકિતી જીવ ના ત્રણ બાહ્ય ચિન્હ હોય:

તે જીવ દેવ, ગુરુ ને સાધર્મિક નો પરમ ભક્ત હોય

જિનવાણી ના શ્રવણ નો રાગી હોય

ચારિત્ર ધર્મ નો ગાઢ લગાવ હોય

સમકિત જીવ ની કાયા સાંસારિક પાપોમાં રગદોળાતી હોય તો પણ મન રાગી ના હોય, અલિપ્તતાના ભાવ હોય, હૈયે તત્વત્રયી ને રત્નત્રયી હોય.

સમ્યગદર્શન નું ઇંગલિશ conscious bitting છે, એટલે કે ખોટું કરતા, ખોટું બોલતા, ખોટું જોતા કે ખોટું થયુ તે જાણતાં જીવ પશ્ચાતાપ કરવા વ્યાકુળ બને છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

પાંચમો આરો, છઠ્ઠો આરો એવું સાંભળીએ છીએ.

જૈન શાસ્ત્રો મુજબ આરા વિશે થોડું વિવરણ જોઈએ:

કાળને બે ચક્ર માં 20 કોડા કોડી સાગરોપામમાં વહેંચવામાં આવ્યો.

એક ચક્ર તે અવસર્પિણી કાળ જેમાં 10 કોડા કોડી માં વહેંચાયેલા છ આરા હોય અને

બીજું ચક્ર તે ઉત્સર્પિણી કાળ જેમાં પણ 10 કોડા કોડી માં વહેંચાયેલા છ આરા હોય.

આમ એક કાળ એટલે કુલ 20 કોડા કોડી થયું ને દરેક ચક્ર ના છ છ આરા હોય..

દરેક ચક્ર માં જે છ છ આરા હોય તે આ પ્રમાણે છે:

પહેલો આરો સુખ જ સુખ હોય ને 4 કોડા કોડી સાગરોપમ નો

બીજો આરો સુખ નો હોય ને 3 કોડા કોડી સાગરોપમ નો

ત્રીજો આરો સુખ દુઃખ નો હોય ને 2 કોડા કોડી નો હોય

ચોથો આરો દુઃખ સુખ નો હોય ને 1 કોડા કોડી માં 42000 વર્ષ ઓછા નો હોય

પાંચમો આરો દુઃખ નો હોય ને 21000 વર્ષ નો હોય

છઠ્ઠો આરો પણ 21000 વર્ષ નો હોય ને દુઃખ જ દુઃખ હોય.

આમ અવસર્પિણી ચક્ર માં કુલ 10 કોડા કોડી અને તે જ રીતે ઉત્સર્પીણી ચક્ર માં પણ ઉપર મુજબ કુલ 10 કોડા કોડી એમ કુલ 20 કોડા કોડી સાગરોપમ થાય.

અવસર્પિણી ના છ આરા ના પ્રથમ ચક્ર માં જે 10 કોડા કોડી સાગરોપમ નો ગાળો છે તેમાં જેમ જેમ આરો આગળ વધે તેમ તેમ સુખ ઘટતું જાય છે ને દુઃખ વધતું જાય છે.

પહેલા ચક્ર ના છ આરા અને 10 સાગરોપમ પતે એટલે બીજું ઉપસર્પીણી ચક્ર છ આરા નું ને 10 સાગરોપમ નું શરૂ થાય.

તેમાં ધીરે ધીરે સુખ વધતું જાય. બીજું આ ચક્ર ની શરૂઆત છઠ્ઠો આરો, પાંચમો આરો…એ રીતે થાય. દુઃખ ક્રમશઃ ઘટતું જાય ને સુખ વધતું જાય.

હવે સાગરોપમ નો અર્થ પણ સમજવો જરૂરી છે.

એક યોજન લાંબા, પહોળા અને ઊંડા કૂવામાં મનુષ્યના સાત દિવસ માં જે વાળ ઉગે તેના ટુકડા કરી ને તે કૂવો ઠાંસી ઠાંસી ને વાળ થી ભરી દેવાનો. પછી દર સો વર્ષે વાળ નો એકજ ટુકડો બહાર કાઢવાનો. જ્યારે બધા વાળ નીકળી જાય ત્યારે એક પલ્યોપમ થાય. આવા 10 કોડા કોડી પલ્યોપમ થાય ત્યારે 1 સાગરોપમ થાય. આવા 10 કોડા કોડી સાગરોપમ થાય ત્યારે 1 અવસર્પિણી ચક્ર બને અને આજ ગણતરી પ્રમાણે વર્ષો વહે ત્યારે ઉત્પસર્પિણી કાળ થાય.

હાલ અવસર્પિણી કાળ ચક્ર નો પાંચમો આરો ચાલે છે.

તે 21000 હજાર વર્ષનો છે જેમાંથી 2545 વર્ષ અત્યારે વીતી ચુક્યા છે અને બીજા 18455 વર્ષ પસાર થશે એટલે પાંચમો આરો પૂરો થઈને છઠ્ઠો આરો શરૂ થશે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

વૈદિક સમયમાં યજ્ઞકર્મનો પ્રભાવ હતો. અશ્વમેઘયજ્ઞ નું અનુષ્ઠાન રાજા અને મહારાજાઓ તે સમયમાં બહુજ યોજતા. યજ્ઞ અને કાંડોમાં જ ધર્મ વધુ અનુભવાતો. કર્મ અને તેના ફળ વિશે બહુ વિચારાતું નહીં. તેથીજ તો સંભવતઃ યજ્ઞોમાં પશુહિંસા પણ થતી.

ત્યારબાદ ઉપનિષદો આવ્યા જેમાં યજ્ઞકાર્ય ને બદલે જ્ઞાનમાર્ગ પર વધુ ઝોક રહ્યો. પંડિતો ને કર્મકાંડીઓની, મંત્રોની, સંસ્કૃત ભાષાની બોલબાલા વધી. પરંતુ કર્મ, પુણ્ય, પાપ, હિંસા ની વિશદ છણાવટ, અહિંસા વિ. પર ઓછું ધ્યાન જણાયું.

દરમ્યાનમાં જૈન પરંપરા વેગ પકડતી ગઈ. તેમાં યજ્ઞકાર્ય કરતા જ્ઞાનમાર્ગ ને તો પ્રાધાન્ય અપાયું સાથે સાથે ક્રિયા ને મહત્વ આપી કર્મ, ફળ, આચરણ, સદાચાર, અહિંસા જેવા મૂળભૂત સિદ્ધાંતો ની રજુઆત વૈજ્ઞાનિક રીતે થઈ. પ્રાકૃત ભાષા લોકભોગ્ય ને સરળ હતી તેથી તે ચલણ માં લેવાઈ.

જૈન એ કોઈ અલગ પંથ કે સંપ્રદાય નહીં એક જીવન જીવવાની રીત કે વિચારધારા છે તે રીતે તેનું સંવર્ધન વિચારાયું. જૈન મુનિ ભગવંતોએ મંત્રોની શક્તિનું પ્રાધાન્ય ઓછું આંકયું. ઈશ્વરના અસ્તિત્વ પર પણ સવાલ કરવામાં આવ્યા. તેઓએ સમજાવ્યું કે સુફળ કે કુફળ ઈશ્વર, દેવતાઓ કે મંત્રોથી ન મળે.

તેમનો મૂળ મંત્ર હતો કે દરેક ફળ સારું કે નરસું કર્મને આધિન જ છે ને તેમાં કોઈ બીજું તમારા સિવાય જવાબદાર નહીં હોય.

વૈદિક અને ઉપનિષદ યુગ માં જ્ઞાન અને તપશ્ચર્યા ની વાત તો છે પણ બીજાને દુઃખ ન થાય, બીજા જીવોને ઓળખો, મારો નહીં તેમની આટલી ઊંડાણથી કાળજી લેવાની વાત જૈન ગ્રંથો દ્વારા પ્રસારવામાં આવી.

વળી તેઓના સંપ્રદાય માં અનુષ્ઠાનો સામુહિક રીતે ને પુરોહિતો, પંડિતો કે કર્મકાંડીઓ દ્વારા કરવાના હતા. જ્યારે જૈન આચાર માં તમે વ્યક્તિગત રીતે તપશ્ચર્યા, અહિંસા પાલન કે જ્ઞાનસાધના કરી શકો તે પ્રમાણે વૈજ્ઞાનિક રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી.

બધા પંથ પણ મુખ્ય વ્યક્તિ ના નામથી પ્રચલયા જેમકે પ્રભુ જીસસ થી ક્રિશ્ચિયન, શિવજી થી શૈવધર્મ, વિષ્ણુભગવાન થી વૈષ્ણવ ધર્મ, અલ્લાહ થી, પયગંબર સાહેબથી એ રીતે. જ્યારે જૈન વિચારસરણી માં રાગ, દ્વેષ, મોહ, માયા અને અજ્ઞાન થી છુટકારો મેળવે તેને જિન અને જીનેશ્વરો દ્વારા ઉપદિષ્ટ હોય તે જૈન આચાર વિચાર ને અનુસરનાર કહેવાયા.

અહીં જૈન શાસ્ત્રોમાં અનેક સિદ્ધાંતો, કર્મ પદ્ધતિ, સપ્તભંગી, નિક્ષેપ, સંયમ, તપ, જીવ રક્ષા, અભયદાન, પરિગ્રહ, વિ. સૂક્ષ્મરીતે, વૈજ્ઞાનિક કસોટી માં પણ ખરા સાબિત થાય તે રીતે સમજાવવામાં આવ્યા છે.

જૈન વિચારધારામાં વ્યક્તિ ને કોઈ મહત્વ નથી અપાયું. ખુદ મહાવીર સ્વામીએ કહ્યું છે કે તેઓ દુઃખ હર્તા કે સુખ આપનાર નથી, તેઓ ફક્ત પથદર્શક બન્યા છે.

આ સિદ્ધાંતો પ્રાયઃ સૌથી પ્રાચીન આચારંગ સૂત્ર માં ને આગમોમાં સરળતાથી આલેખાયા. નયવાદ, સયાદવાદ, અનેકાંતવાદ અભયદાન અને સમભાવના સિદ્ધાંતો એ નાના માણસથી લઈને મોટા મોટા ભૂપતિઓને પણ આકર્ષ્યા.

જૈન વિચારસરણી માં એવી પ્રચંડ તાકાત છે કે તે પુરા વિશ્વ માં શાંતિ ને સમભાવ સ્થાયી કરી દરેક જીવ માત્રને અભયદાન અર્પી શકે છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જામનગર માં પડાણા ગામની વહુ રાખી ના પરણ્યાના 8 દિવસમાં તેનો પતિ દરિયાપાર કમાવા ગયો. તે બે વરસ માં પરત થવાનો હતો.

રાખીએ 3 વરસ જોઈ. પછી રોજ 2 વરસ સુધી દરિયા કિનારે રાહ જોવા જાય. પછી સાસુએ દરિયે જવાની ના પાડી તો ઘેર રાહ જુએ.

પછી ખબર પડી કે તે જે વહાણ માં હતો તે બધા 40 જણનું ચાંચિયાઓ એ અપહરણ કરી સોનપુર બંદરના એક ટાપુ પર બંદી રાખ્યા છે તેમાં રાખી નો પતિ પણ છે. જે રૂ 4000 આપે તેને છોડશુ તેમ લૂંટારુઓ કહે છે.

રાખી પોતાના ઘરેણાં વેચી 3000 મેળવે છે. બાકીના રૂ 1000 ઉઘરાવીને રૂ 4000 ભેગા કરી સાસુ જોડે વહાણમાં બેસી દરીયાપાર સોનપુર જાય છે.

ત્યાં હાલારનો વેપારી રસુલ શેઠ મળી જાય છે.

રાખી તેના પગમાં પડી એક નાના વહાણનું પોતાના પતિને ટાપુઓમાં ફરી શોધવા મેળવી આપવા કહે છે.

રસુલ શેઠે સાસુ વહુની પરાક્રમ ભરી કહાની સાંભળી વહાણ કરી આપ્યું સાથે નોકર હાસીમ ને પણ મોકલ્યો કે ફરી લો બધા ટાપુ પર. જોખમ કરો છો. ક્યાંક રાખી તને પણ પકડી લેશે તેવી મને બીક છે તેમ હાસિમે કહ્યું પણ રાખી મક્કમ હતી.

હાસીમ હાલારી હતો તેથી ગુજરાતી અને ચાંચિયાઓની એમ બંને ભાષા જાણે.

તેઓ બધા અંદરના ટાપુઓમાં ફરી બંદીઓની શોધ મા લાગી ગયા.

છેલ્લે થાકીને પરત થતા હતા ત્યાં એક ટાપુ પર બંધકો મળ્યા. હાસિમ રાખી ને એકલી લઈ ત્યાં ગયો.

હાસિમે રાસુલશેઠ ની ઓળખાણ આપી ચાંચિયાઓને બધી વાત કરી. રાખી ની વફાદારી ને બહાદુરી ની વાત સાંભળી લૂંટારા ખુશ થયા ને રાખીને કહ્યું આ 40 જાણ માંથી તારા પતિને ઓળખ. બધાને ઊંધા ઉભા રાખ્યા હતા જેથી તેઓ રાખી ને જોઈ ના શકે.

બધા ભૂખ, તરસ થી હાડપિંજર થઈ ગયેલા. રાખી ઓળખી ના શકી. બંધકો બીકના માર્યા કશું બોલી શકતા નહીં.

પતિનું નામ જમનાદાસ. રાખી એ બુમ પાડી મારા પતિદેવ જમનાદાસ અહીં છે? એક હાડપિંજર જેવી વ્યક્તિ આગળ આવી. રાખી ઓળખી ગઈ.

રૂ 4000 નો ઢગલો ચાંચિયાઓ પાસે કર્યો તો તેમણે રકમ લેવાની ના પાડી ને કહ્યું, રાખી હવે તેમની બેન છે.

રાખીએ કહ્યું જો હું તમારી બેન છું તો આ બાકીના 39 જણ પણ મારા દેશના છે ને મારા ભાઈઓ છે. તેમને પણ છોડી દો. રાખી ખોળો
પાથરી ધ્રુસ્કે ને ધ્રુસકે રડવા લાગી.

હાસમે ચાંચિયાઓને રાખીની બહાદુરીની બધી વાત સમજાવી. કહ્યું લગ્નના 8 દિવસથી જ તે પતિ ને ઓળખે છે. સાસુ જોડે એટલે દૂર સુધી નીકળી છે. રોજ વર્ષોથી પતિની રાહ જુએ છે.

ચાંચિયાઓ પણ પીગળી ગયા ને બધા બંધકોને સહી સલામત છોડી દીધા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

આચાર્ય મહારાજે શ્રોતાઓને પૂછ્યું, પાંચ છીદ્રો વાળો ઘડો તમને કોઈ પાણીથી ભરવાનું કહે અને તે ખાલી ન થવો જોઈએ તો કેવી રીતે ભરશો?

કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યું.

બધાનો જવાબ હતો ઘડો ભરાતો જાય ને ખાલી પણ થતો જાય. અને અંતે તો ખાલી જ રહે.

ગુરુ ભગવંત કહે ના ભરેલો જ રહેવો જોઈએ.

બધા એ કહ્યું ગુરુજી એ કેવી રીતે થાય?

ગુરુજી એ મંદ મંદ સ્મિત કરતા કહ્યું અરે ગુણીજનો, આ તો અખંડ ઘડા ને ભરવા કરતા પણ સહેલું છે.

અખંડ ઘડો તો ભરાયો કે નહીં તે જોવું પડે, ભરાયા પછી ઉંચકવો પડે, સંભાળીને રાખવો પડે ને વળી રોજ રોજ ભરવો પણ પડે.

શ્રોતાઓ વધુ મુંજાયા. ગુરુજી આપ જ કહો આ કેવી રીતે થાય.

અરે ભાગ્યશાળીઓ, આચાર્ય સાહેબ બોલ્યા, પાંચ છિદ્રો વાળો ઘડો પાણી માં જ રહેવા દોને ભાઈ. તે હંમેશા ભરાયેલો જ રહેશે.

સભા મંડપ તાળીઓ ના ગડગડાટ થી ગુંજી ઉઠ્યો.

ગુરુજી હસીને બોલ્યા, ના ક્યાંય અથડાવું, ના કૂટાવુ, ના વારે વારે ડૂબકી ખાવી સમજો જનમ જનમ ના ફેરા ટળ્યા.

આચાર્ય મહારાજે કહ્યું આજ રીતે હે સુજ્ઞજનો, તમારી પાંચેય ઇન્દ્રિયો ને ધર્મ માં ડુબાડી દો, પાંચેય ઇંદ્રિયોથી જિન આજ્ઞા માં તરબોળ થઈ જાવ ને પછી જુઓ તમે કેવા હળવા ફૂલ રહો છો, મસ્ત રહો છો ને કાયમ ભરેલા રહો છો. કશી વસ્તુની ખોટ નહીં રહે.

તેમણે ઉમેર્યું, એ ભોળા માનવ, તું મારુ માન, તારું માન, અપમાન, અભિમાન, સ્વમાન, સન્માન, ગુમાન, અરે ઈમાન, અરે સારી કમાન એ શક્તિમાન ને સોંપી દે કારણ કે એ:

तन की जाने, मन की जाने,
जाने चित की सारी चोरी ।

उस प्रभु से क्या छिपावे
जिसके हाथ सब की डोरी॥

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

“ધર્મનો આપણે કેટલો સગવડિયો ઉપયોગ કરીએ છીએ તેનું આ દ્રષ્ટાંત છે.

એક દર્દીની અને ડોક્ટરની રમૂજી વાત જાણવા જેવી છે.

પેટના દર્દ વાળા એક સજ્જન ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસીને તે ભાઈને હલકો ખોરાક ખાવાની સલાહ આપી અને કહ્યું કે હલકો ખોરાક લેશો ને સારું રહેશે.

હલકા ખોરાકમાં શું લેવું ડોક્ટર સાહેબ? દર્દીએ પૂછ્યું.

ડોક્ટરે કંઈક કહેવા માટે કહ્યુ મગ કે એવું કંઈક ચાલે. મગ હલકા છે મગ ખાવ.

આ શબ્દ મગને પેલા ભાઈએ પકડી લીધો ને મગ શબ્દ ની આસપાસ મન ઘૂમવા લાગ્યું, મગ દેખાવા લાગ્યા, મગ ખવાય એમ મનમાં રટણ ચાલ્યું.

થોડો વિચાર કરીને તેમણે કહ્યું સારુ સાહેબ મગ ખાઇશ પણ મગની દાળ ચાલે?

ડોક્ટરે કહ્યુ ચાલે.

પેલા ભાઈએ આગળ પૂછ્યું, ડોકટર સાહેબ, પ્રવાહી દાળ ખાવી કે છૂટી દાળ પણ ખવાય?

ડોક્ટર કહે છુટ્ટી દાળમાં ખાસ કંઈ વાંધો નહીં.

વળી પેલાભાઈએ એ પૂછ્યું, સાહેબ ફોતરાવાળી કે ફોતરાવગરની દાળ ખવાય?

ડોક્ટર શુ બોલે? તેમને કંટાળો આવતો હતો પણ આ ભાઈ ને કંઈક જવાબ તો આપવો જ પડે એટલે ડોક્ટર કહે ગમે તે લઈ શકાય.

પેલો દર્દી કહે પણ સાહેબ હજી એક વાત પૂછું?

ડોક્ટર કહે પૂછો.

દર્દી એ પૂછયું, સાહેબ મગની દાળ નો શીરો પણ ખાઈ શકાયને? અને મગની દાળની કચોરી પણ ચાલે ને?

ડોકટર શું બોલે? તેમણે મગ ખાવા પર ભાર નહોતો મૂક્યો પણ હલકો ખોરાક ખાવા પર ભાર મૂક્યો હતો. ઓછું ખાય તો પેટને આરામ મળે તેથી મગ ખાવા કહ્યું હતું.

પણ આના બદલે મગની દાળનો શીરો જ થાળી ભરીને ખાય તો મગ ને પકડી રાખીને પછી છટકબારી શોધવા કરતાં ત્યાગ શેના માટે છે અને જીભના સ્વાદને જીતવાની જરૂર શા માટે છે તે સમજી લેવું જોઇએ.”

પૂ. વિનુકાકા ના જન્મ દિવસે તેમની બુક “અહિંસા ધર્મ” માંથી સાભાર.

વિનિત આઈ. એ. એસ. ની પરીક્ષામાં ગુજરાત માંથી પાસ થયો. આ પરીક્ષા ઘણી અઘરી ગણાય છે.

બીજા દિવસે ન્યૂઝપેપરમાં તેના ફોટા સાથે તેના વિશે સારું સારું લખવામાં આવ્યું.

ટીવી વાળાએ તેનું લીધેલું ઇન્ટરવ્યૂ પ્રસારિત થયું. ટીવી વાળાએ વિનિત ને તેની સફળતાનું રહસ્ય પૂછ્યું.

વિનિતે કહ્યું એક પ્રસંગ હું જરૂર વર્ણવીશ જ્યારે મારી જિંદગીએ નવો વળાંક લીધો.

ત્યારે હું નવમા ધોરણમાં હતો. મે મમ્મીને કહ્યું હું મારા મિત્રને ત્યાં વાંચવા જાઉં છું કારણકે આવતીકાલે કોમ્પ્યુટરનું પેપર છે.

આ પછી દોઢ કલાકે મમ્મીને ખબર પડી કે હું તો તે દોસ્ત સાથે ગ્રાઉન્ડ માં ક્રિકેટ રમવા જતો રહયો છું ને ભણવા કે વાંચવા બેઠો જ નથી.

થોડીજ વારમાં મમ્મી ક્રિકેટના ગ્રાઉન્ડ પર આવી અને મને વઢીને ઘેર લઈ ગઈ.

હું ખૂબ ગુસ્સે થઈ ગયો ને કહ્યું મારી બેટિંગ તો પૂરી થવા દે પણ મમ્મી ન માની.

ઘેર જઈને હું મમ્મી ઉપર વધારે ગુસ્સે થયો. ઘણીવાર સુધી અમે બંનેએ વાત ના કરી.

સાંજે મને જમવા બેસાડ્યો ત્યારે પણ હું ચૂપચાપ હતો.

અંતે રાત્રે મેં કહ્યું મમ્મી મને કોમ્પ્યુટર માં બધુ આવડે છે તો થોડું ક્રિકેટ રમવા ગયો તો એમાં ખોટું શુ થઈ ગયું કે તું ગ્રાઉન્ડમાં આવીને મને લઈ ગઈ. મારા દોસ્તારોને કેવું લાગ્યું હશે.

આ સાંભળી મમ્મી વધારે ઉદાસ દેખાઈ. એની આંખમાં મને આંસુ દેખાયા.

પછી મમ્મી મારી પાસે આવી ને બોલી, તું ક્રિકેટ રમવા ગયો તેની સામે મને કોઈ વાંધો નથી પરંતુ તે ભણવા ને વાંચવા જાઉં છે તેવું કહીને ગયો ને પછી મને કહ્યા વગર કે પૂછ્યા વગર ક્રિકેટ રમવા જતો રહ્યો તેની સામે મને વાંધો છે.

તે ખોટું કર્યું, ભણવાની જગ્યાએ રમવા ગયો અને ગુસ્સા સાથે મારી સાથે દલીલો પણ કરી તેનું મને દુઃખ છે. મારી મમ્મી રડી પડી ને રડતા રડતા બોલી વાંક માં હોય ને દલીલો કરે તેનો કદી દિ ના વળે.

ત્યારથી મેં સામે બોલવાનું બંધ કર્યું તો સફળતા સામે આવી. દલીલો બંધ કરીતો બધાના દિલ માં જગ્યા મળી ને શિસ્ત ને લીધે સારા માર્ક્સ ને સારા સંસ્કાર આવ્યા એજ મારી સફળતાનું રહસ્ય છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

હે પ્રેમચંદ, ચોવીઆરની વેળું થૈ કે નૈ મને કેને.

પ્રેમચંદે કહ્યું બા હજુ વાર છે. તમે શું દર થોડી થોડી વારે અથરા થાવ છો.

બા બોલ્યા, પ્રેમા, હું મારો ચોવીયર ને પચકાણ ના છોડું. મોટા કાંટા ને ડંકા વાળી ઘડિયાળ હોય તો હું તમને બધાને શુ કામ પૂછ પૂછ કરું લો બોલો. હા બોલ પેમાં, હવે વેળા થૈ?

હા બા, પ્રેમચંદે પાણી નો પાલો ભરી આપ્યો ને બાએ પાણી વાપરી ચોવીઆર વાળ્યો.

ફક્ત આટલી નાની વાત પરથી કાંઈક એવું બન્યું કે માતૃભક્તિ નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ દુનિયાભરમાં છવાઈ ગયું.

બા ને મોટા કાંટા ને ડંકા વાળી ઘડિયાળ હોય તો ચોવીઆર ને પચ્ચખાણ ની સરળતા માટે દાનવીર કિકાભાઈ ને પિતાજી સર પ્રેમચંદ રાયચંદે ઘર ની સામે મોટો ટાવર બનાવડાવી દીધો જે આજે મુંબઇ યુનીવર્સીટીના રાજાબાઈ ટાવર તરીકે માતૃભક્તિ અને માતૃવાત્સલ્ય ની મિશાલ આપતો અડીખમ ઉભો છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

દુનિયાભર માંથી મળતાં માન-સન્માન કરતા માનો તુકારો વધુ મીઠો હોય છે.

ભાવનગરના લોકપ્રિય દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લેતા.

તેમના સમયમાં તેઓ હિન્દુસ્તાનના ઘણા સન્માનિત મહાપુરુષ હતા.

ગાંધીજી ને તેઓ બંનેએ રાજકોટ માં અભ્યાસ કરેલો ને એકબીજાની ખૂબ કરીબ પણ ખરા. ગાંધીજીથી તેઓ સાત વર્ષ ઉંમરમાં મોટા.

1923 નો સત્યાગ્રહ હિંસા ના કારણોસર ગાંધીજીએ પરત લીધો તેમાં પ્રભાશંકરભાઈ નો મોટો ફાળો.

બીજી ગોળમેજી પરિષદ ઇંગ્લેન્ડ માં ભરાઈ ત્યારે ગાંધીજી જોડે તેઓ પણ સભ્ય તરીકે જોડાયા હતા.

KCIE નો બ્રિટિશ સરકારનો મોટો એવોર્ડ મેળવનાર તેવા સર પ્રભાશંકર પટ્ટણી ની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા કારણ તેમની માતાનું અવસાન થયું હતું.

બધાએ તેમને શાંત થઈ રુદન રોકવા કહ્યું તો બોલ્યા મને હવે ” તું ” કહીને ને ” પભો ” કહી ને બોલાવવા વાળુ કોઈ ના રહ્યું તેનું મને રડવું આવેછે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

* સંપર્ક અને જોડાણ *

એક યુવાને વ્યથા ઠાલવતા આચાર્ય મહારાજને કહ્યું, પોતે પુરી રીતે આખા કુટુંબની જોડે સંપર્ક માં રહે છે પણ જાણે એવું લાગે છે કૈંક ખૂટે છે. તેણે ઉમેર્યું, સાહેબજી, ધંધાને લઈને દેશ, વિદેશ માં ફરવું પડે છે ને સમય નો અભાવ હોય છતાં બધાનું ધ્યાન રાખું છું પણ બધાની ફરિયાદો ચાલુ જ હોય છે. મન થાય છે કે વિદેશમાં કાયમ માટે રહેવા જતો રહુ.

ગુરુ ભગવંત થોડું હસ્યા ને બોલ્યા બહુ ઊંચી પદવી પર હશો. યુવાને સાહેબજીને પદવી, પોતાની નીચે કેટલા માણસો, વિ. વિગતે જણાવ્યું.

સાહેબજી એ પૂછ્યું, ઘરે કોણ છે?

ભાઈએ કહ્યું, પિતાજી નું અવસાન થઈ ગયું છે. મારે બે ભાઈઓ ને એક બહેન છે. બધા એક જ શહેરમાં અલગ અલગ જગ્યાએ પોત પોતાના ઘરમાં સુખી છે. માતા મન થાય તેના ઘેર રહે છે. બધા તેને માનથી રાખે છે.

ચહેરા પર સ્મિત સાથે ગુરુજી બોલ્યા બધા સુખી છો. સરસ.

પછીથી તેમણે પૂછ્યું શું તમે તમારા માતા સાથે વાત કરો છો?

શુ વાત કરો છો ગુરુજી, બીજે રહેવા ગઈ હોય તો અઠવાડિયે તો વાત થાય જ. તેનો પણ ફોન આવે.

ગુરુજી એ આગળ પૂછ્યું. શું તમારા ભાઈઓ અને બહેનો વારંવાર મળતા હો છો? તમે એક સાથે બધા જ કુટુંબ તરીકે ક્યારે છેલ્લે મળ્યા?”

ભાઈએ જણાવ્યું દિવાળી ને સંવાત્સરીએ તો અચૂક એકબીજાના ઘેર જઈએ. હા બધાનું મળવાનું પૂરું થતા મહિનો લાગી જાય પણ જઈએ જરૂર.

હા, ત્રણ વરસ પહેલાં પિતાજી ગુજરી ગયા ત્યારે બધાએ ભેગા મળી જાત્રા કરી હતી ને ખર્ચો મે કર્યો હતો. ભાઈએ ખુંલાસો કર્યો.

બહુ સરસ, તમે બધા એક સાથે છેલ્લે ત્રણ વરસ પહેલાં પિતાજીના અવસાન પ્રસંગે ભેગા થયા હતા.

યુવાનના કપાળે પરસેવો દેખાતો હતો.

તમે તમારા માતા સાથે કેટલો સમય ગાળો છો, તેની બાજુમાં બેસીને? ગુરુજી એ પૂછ્યું.

સાહેબજી, મમ્મી અમારા ઘેર હોય તેને સવારમાં જય જીનેન્દ્ર કહેવાનું, સાંજે આવીને કેમ જમી કે નહીં તે પૂછીએ. પણ તેને લગભગ ચોવીયાર હોય.

સરસ, હા શું તમે નાસ્તો અથવા લંચ કે રાત્રિભોજન એકસાથે મળી કરો છો?

શું તમે માતાજી ને પૂછો કે તે કેમ છે? શું તમે પૂછ્યું કે તમારા પિતાના મૃત્યુ પછી તેના દિવસો કેવા પસાર થઈ રહ્યા છે?

યુવાનની પાસે જવાબમાં અનેક દલીલો હતી, તથ્ય નહોતું.

આચાર્ય મહારાજે કહ્યું, ભાઈ તું સંપર્ક માં કદાચ હોઈશ પણ જોડાણમા છે કે નહીં તે જો.

Contact અને connection એટલેકે સંપર્ક વસ્તુ અલગ છે અને જોડાણ અલગ છે.

તમે તમારા કુટુંબીઓ સાથે ‘સંપર્ક’ કરો છો પરંતુ સાથે ‘કનેક્શન’ મા પણ રહો.. તમે તેમની સાથે જોડાયેલા રહો. કનેક્શન હૃદય અને હૃદય વચ્ચે હોય છે. ભેગા બેઠા, સાથે ભોજન લેવું. એકબીજાની સંભાળ રાખવી અને એકબીજા સાથે થોડો સમય પસાર કરવો તે જરૂરી છે

તમે ભાઈઓ અને બહેનો દરેક સાથે સંપર્ક માં છો પણ જોડાણ માં છો કે નહીં તે તપાસો.

યુવાન તેની આંખો લૂછી રહ્યો હતો ને બોલ્યો, ગુરુજી, એક ઉત્તમ પાઠ શીખવવા બદલ આભાર. હું તો બધાની ફરિયાદ લઈને આવ્યો તો પણ ગુનેગાર તો હુંજ નીકળ્યો.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

કંદમૂળ ત્યાગ શા માટે?

જૈન શાસ્ત્રો પ્રમાણે દરેક જીવ કર્મને આધીન છે.

જેમ વેપારીના સરવૈયામાં દર વર્ષે પૂરાંતો આગળ ખેંચાતી રહે તેમ દરેક ને પાપ ને પુણ્ય નો હિસાબ જન્મો જન્મ આગળ ખેંચાતો જાય છે.

પણ એક જબરો તફાવત સમજવો જરૂરી છે.

વેપારીના ચોપડા તો ધંધો બંધ થાય કે વેપારી અવસાન પામે ત્યારે બંધ થઇ જાય ને માલ મિલકત વારસદારોને જાય.

કર્મની વીટંબણા ન્યારી છે. તેના ચોપડા ક્યારેય બંધ થતાં નથી કે નથી તેમાં લખાયેલું બીજાના નામે ટ્રાન્સફર થઈ શકતું.

બે પ્રકારના પાપ આપણે કરીએ છીએ. એક ના છૂટકે કરવા જ પડે, ને બીજા આપણે હોંશથી કે ના કરીએ તો ચાલે છતાં કરીએ છીએ.

હરેક વનસ્પતિનો ભોજનમાં ઉપયોગ થાય ત્યારે તેમાં જીવ હોવાથી પાપ તો લાગે જ છે પણ “પ્રત્યેક વનસ્પતિકાય” એટલેકે તેમાં અનંતા જીવો નથી. વળી શાક ખાવુ તો પડે જ.

આ ના છૂટકે કરવું પડતું પાપ. પણ તિથિઓ સાચવી લેવાય તો ઘણું.

પરંતુ અમુક શાકભાજી કંદમૂળ ગણાય છે અને એ અનંતકાય વનસ્પતિ છે એટલે કે તેના એક ટુકડામાં અસંખ્ય લેયર હોય છે, પડ હોય છે અને દરેક પડ માં અનંતા-અનંત ગણા જીવો ની હત્યા કંદમૂળ ખાતા થાય છે.

આ પાપ જાણી જોઈને કર્યું કહેવાય.

એવું સમજો હજારો નંગ ટીંડોરા ખાવ ને જે પાપ લાગે તેથી વધુ પાપ એક બટેટુ ખાવાથી લાગે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

શત્રુંજય તીર્થની જાત્રા જય તળેટીથી શરૂ થાય. થોડા પગથિયાં ચડો ત્યાં ડાબે ગોવિંદજીએ બનાવેલું ધર્મનાથ દાદા નું જિનાલય આવે.

આગળ જતા જમણી બાજુ સરસ્વતી દેવીની દેરીમાં અતિ પ્રાચીન મૂર્તિ ના દર્શન થાય.

પછી બાબુ નું દેરાસર આવે. અશક્ત અને વૃદ્ધો છેક દાદાના દરબાર સુધી ન જઈ શકે તો અહીં બાબુ ના દેરે યાત્રા નો લાભ મળે તે માટે સં 1950 માં આ જિનાલય બન્યું. ત્યાંથી જમણી બાજુ જતા સમવસરણ મંદિર આવે છે. અહીં પહેલો વિસામો આવે.

તરતજ ધોળી પરબ આવે ને ત્યાં ઉકાળેલું પાણી પણ મળે.

અહીં ભરત ચક્રવર્તી ના પગલાં ના દર્શન થાય. તેઓ ઋષભદેવ ના પ્રથમ પુત્ર અને અવસર્પિણીકાળ ના પ્રથમ ચક્રવર્તી. ગિરિરાજ નો સૌથી પહેલો છ’રી પાલિત સંઘ તેઓએ કાઢ્યો હતો.

તેઓ રાજા હતા ત્યારે એકવાર અરિસાભુવન માં શણગાર સજી રહ્યા હતા. અચાનક તેમની આંગળી માંથી એક રત્નજડિત વીંટી નીકળી નીચે પડી ગઈ તો તેમને પોતાની આંગળી ખૂબ કદરૂપી લાગી. બધી વીંટી ને પછી બધા આભૂષણો ઉતારતા ગયા તો તેઓને પોતાની કાયા અરીસા માં જોઈને ચોંકી ઉઠ્યા. વૈરાગ્ય જાગી ગયો, ઘાતી કર્મો ખપાવી કેવલજ્ઞાન પામ્યા ને પછી અઘાતી કર્મો કાપી મોક્ષે ગયા ને સિદ્ધ થઈ ગયા તેમના આ પગલાં છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

હાલની જય તળેટીથી ગિરિરાજ શત્રુંજય ની જાત્રા શરૂ કરી બાબુના દેરાસર થઈ ભરત મહારાજા ના પગલાં સુધી ની વાત આગળ જોઇ ગયા.

આગળ હવે સીધા ચાલવાનો રસ્તો છે ત્યાં સં 1861 માં બનેલ ઇચ્છાકુંડ આવે. પછી થોડું ચાલો, થોડું ચઢો ને પછી લીલી પરબ ને પછી કુમારકુંડ જે કુમારપાળ મહારાજાએ બનાવ્યો છે તે આવે.

હવે સીધુ ચઢાણ પૂરું કરતા હિંગળાજ નો હડો આવે.

સિંધુ નદી પાર કરી શત્રુંજય ની જાત્રાએ આવતા યાત્રિકોને હિંગુલ રાક્ષસ હેરાન કરતો.

અંબિકાદેવીએ કરાંચીના જંગલોમાં હિંગુલ રાક્ષસ ને વશ કર્યો તો તેની અજીજીથી તેઓ પોતે હિંગલાજમાતા તરીકે ઓળખાયા. તેમની મૂર્તિ ના અહીં દર્શન થશે.

આગળ જતાં ક્લીકુંડ પાર્શ્વનાથ ના પગલાં, વિસામાનો ઓટલો, પુજ્યની ટૂંક, પદ્માવતીમાતાની દેરી તથા મણિભદ્રાદાદા ની દેરી ના દર્શન, દ્રવિડ, વારીખલ્લ, ઐમુત્તા ને નારદજીની મૂર્તિના દર્શન, રામ, ભરત, નમી- વિનમી ની પ્રતિમાના દર્શન કરી હનુમાનધારા એ પહોંચશો. અહીં ડાબે વડલા નીચે પાણીની પરબ ને જમણે હનુમાનજીની મૂર્તિ ના દર્શન થાય.

હનુમાનધારા થી બે રસ્તા થી દાદાના દરબારમાં પહોંચાય. ડાબે રસ્તેથી સીધા દાદાના દરબારમાં જવાય ને જમણે રસ્તેથી ચઢો તો નવ ટૂંકે થઈ ને દાદાના દરબારમાં જવાય.

એક અચરજ ની વાત તરફ ધ્યાન આપીએ. જો વાતાવરણ ધુમ્મસવાળુ ન હોય તો થોડા ઉપર ચડતા જ ગિરિરાજ શત્રુંજય ના ડુંગર પરથી જ ડાબી બાજુ દૂર દૂર તળાજાના ડુંગરના દર્શન થાય છે.

થોડા આગળ જતાં રામપોળ આવે. ડાબી બાજુ પાપ કરાવે તે દહીંવાળા ને જમણી બાજુ મોટી પાણીની પરબ. આગળ જાવ ત્યાં જમણી બાજુ પાંચ શીખરનું વિમલનાથનું ને ત્રણ શીખરનું સુમતીનાથનું જિનાલય.

બહાર આવતા મોતીશા ની ટૂંક નો દરવાજો દેખાય. આગળ ડાબી બાજુ ડોલીવાળાના વિસામાંનું સ્થાન. જમણી બાજુ ઘેટીની પાગ જવાનો રસ્તો દેખાય. થોડા ઉપર ચડો તો સગાળપોળ ને આ. ક. ની પેઢી. થોડા આગળ ગયા ત્યાં વાઘણપોળ. હજુ આગળ જતાં નેમનાથ ની ચોરીનું દેરાસર, પછી પાપ-પુણ્યની બારી, આગળ ડાબે 11 ને જમણે 13 જિનાલય, હાથીપોળ જ્યાં જમણે ફુલવાળા બેસે છે ને ડાબે સ્નાનાગાર છે.

હવે આવે રતનપોળ જ્યાંરે આપણે દાદાના દરબાર માં પહોંચી ગયા કહેવાયીએ.

હા, નવટુંક ના રસ્તે જવાના બદલે સીધા દાદાના દરબાર તરફ જતા આ પવિત્ર સ્થાનો આવે છે.

આ દરેક સ્થાનો અનોખો ઐતિહાસિક ઇતિહાસ સંઘરીને બન્યા છે તેની વાત અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

સેંકડો વર્ષ પહેલાં ની વાત.

આચાર્ય ધર્મઘોષસુરીશ્વરજી અને તેમના શિષ્યોની ઝીણવટભરી આચાર અને વિધિની દિનચર્યા એક વણકર નજીકથી નિહાળી રહ્યો હતો.

તેને થયું આ મહાત્માઓ કેટલા પુણ્ય કરે છે ને હું અભાગીઓ પાપમા જ રચ્યો પચ્યો છું.

ગયો ગુરુજી પાસે ને તેમના પગમાં પડી રડતા રડતા કહ્યું પ્રભુ તમે કરો છો તેવું બધું કરવાની મારામાં શક્તિ પણ નથી ને હવે મને આવડે પણ નહીં. પરંતુ મને કાંઈક એવી સરળ વસ્તુ બતાવો તે હું કરૂ ને પાપ કાપુ.

વણકર જ્ઞાતિના એ ભાઈની દિલની સરળતા જોઇ ગુરુજી એ વિચાર્યું કોઈ રસ્તો તો કાઢું.

તેમણે આ ભાઈને ગંઠસી પચ્ચકખાણ કરવાની પ્રેરણા કરી.

ભાઈ મૂંઝાયા ને કહે પ્રભુ તેમાં મારે શું કરવાનું જેથી મારા પાપ કપાય.

ગુરુજી એ કહ્યું, ખાસ કશું નથી કરવાનું. તું કાઈ પણ ખાય કે પીએ કે તરતજ તારા ખેસ ના છેડે ગાંઠ મારી દેવાની ને જ્યારે ફરી ખાવું કે પીવું હોય ત્યારે એ ગાંઠ છોડવાની ને પછી જ ખાવું પીવું ને પાછી તરત ગાંઠ બાંધી દેવાની.

હા, ભૂલે ચુકે પણ ગાંઠ છોડ્યા વગર તારે કશું ખાવું પીવું નહીં.

વણકર ને તો થયું બહુ સહેલી પ્રતિજ્ઞા છે ને જલ્દી પુણ્યશાળી બની જઈશ.

ઘણા દિવસો સુધી આ બરાબર ચાલ્યું. પણ એક દિવસ ખેસ રેશમી હતો તો ગાંઠ એવી પડી ગઈ કે ખૂલીજ નહીં. ગુરુજીએ કહ્યું છે ગાંઠ ખોલીને જ ખવાય પિવાય. અંતે પ્રાણ છોડયા પણ પ્રતિજ્ઞા ન છોડી ને મરીને કપર્દીયક્ષ તરીકે ઉત્પન્ન થઈ ગિરિરાજ શત્રુંજય ના અધિષ્ઠાયક દેવ બન્યા.

વાઘણપોળથી આગળ શાંતિનાથદાદા ના જિનાલય ના દર્શન કરી ડાબી બાજુ નીચે ઉતરી ચકેશ્વરીમાતા ની પ્રતિમા જે કર્માશાએ ભરાવી છે તેના દર્શન થશે ને પછી આગળ આ કપર્દીયક્ષ ની દેરી આવેછે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ગિરિરાજ પર પુણ્ય-પાપ ની બારી

ગિરિરાજ શત્રુંજય ની જાત્રા કરવાનું આજે ઘણું સરળ છે. અનેક વાહનવ્યવહાર ના સાધનો, સગવડતા વાળી ધર્મશાળાઓ ને ચઢાણ માટે પહોળા પત્થર ના પગથિયાઓ છે.

આમ છતાં મોટાભાગનાને પાંચ વર્ષેય એક વાર ગિરિરાજ જવાતું નહીં હોય.

હવે વિચારો આઠસો વર્ષ પહેલાનો સમય.

આવી કોઈ સવલત હતી નહિ. વળી દૂરથી જનારને રસ્તામાં ચોર, લૂંટારાનો ભય પણ ખરો.

પણ પાટણના એક ભાગ્યશાળી ગિરિરાજ શત્રુંજય પર એવો અનન્ય ભક્તિભાવ ધરાવે કે દર વર્ષે કારતકી પૂનમે અને ચૈત્રી પૂનમે પાટણથી પાલીતાણા શત્રુંજય જવાનો નિયમ પાળે.

હજુ આગળ જાણતાં મન ગદગદ થઈ જશે. કારતક સુદ 13, 14 અને 15 નો ચોવીઆરો અઠ્ઠમ લેવાનો, ચૌદશ નું પ્રતિક્રમણ પણ નહીં ચુકવાનું.

ગિરિરાજ શત્રુંજય જલ્દી પહોંચાય તે માટે તેમણે એક રબારીની પવનવેગી સાંઢણી રોકી લીધેલી ને રબારીને લઈને જ નીકળવાનું. આ તેમનો નિયમ બની ગયેલો.

હવે એક વખત એવું બન્યું વરસાદ ખેંચાયેલો ને ગરમી સખત પડે. શેઠને ચોવીઆરો ઉપવાસ, 14 નું પ્રતિક્રમણ કર્યું. સાંઢણી પર સવાર થઈ રબારી જોડે શત્રુંજય જવા પવનવેગે રસ્તો કાપતા હતા,

વલ્લભીપુર આવતા તો ભૂખ, તરસ ને થાકથી લોથ થઈ ગયા. પણ ભાવ એવો કે પ્રવાસ રોક્યો નહીં.

શત્રુંજય ની વિજય તળેટી એ પહોંચતા જ અલ્પ સમયમા ત્રણેયે એટલેકે સાંઢણીએ, રબારીએ અને શેઠે પ્રાણ ત્યાગી દીધા.

કુટુંબીજનોને આ બનાવની ખબર પાટણમાં કા. વ. બીજ ના રોજ થઈ. તેઓ આ ભાગ્યશાળીને કાકાજી સાહેબ કહે. આ દિવસે આજે પણ તેમના પાટણના ઘર દેરાસર માં ઉત્સાહનો માહોલ હોય છે. વળી તેમના ઘર દેરાસરમાં ભીત ઉપર સાંઢણી પર બેઠેલા કાકાજી સાહેબનું રબારી સાથે નું ચિત્ર દોરેલું છે.

એ પુણ્યશાળી શેઠ નું નામ પ્રતાપદાસ ને પાટણની મણિયાતી પોળ ના રહેવાસી. પોતે બ્રહ્મચારી હતા.

ગિરિરાજ શત્રુંજય ની જાત્રાએ ઉપર ચઢતા વાઘણપોળથી કપર્દીયક્ષની દેરી પછી નેમનાથની ચોરી ના દેરાસર પછી સામે આપણને સાંઢણી પર બેઠેલા શેઠ અને તેની સાથે હાથમાં દોરડું લઈને બેઠેલો રબારી હોય તેવી પ્રતિમાના દર્શન થાય છે.

બાળકોને આકર્ષવા ને જાત્રાળુઓને એમની 800 વર્ષ પહેલાંની ગિરિરાજ પરની અનન્ય ભક્તિ ની જાણ થાય તે માટે વર્ષો પહેલા એક એવી પ્રથા શરૂ થઈ કે એ શત્રુંજય પર રહેલી એ સાંઢણી ની પ્રતિમાના બે પગ વચ્ચેથી જે નીકળી જાય તે ભાગ્યશાળી ગણાય.

સાંઢણી ના બે પગ વચ્ચેની જગ્યાને નામ અપાયું પુણ્ય-પાપ ની બારી.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ભાભી, હજુ ખાવાનું નથી બન્યું તે કેમ ચાલે. ભૂખ કકડીને લાગી હોય ને ઘેર આવીએ ત્યારે તમારા રાંધવાના કોઈ ઠેકાણા ના હોય.

વિક્રમશી ને કપડાં રંગવાનું કામ ને ભર બપોરે, ખરા તડકે પરસેવે રેબઝેબ થઈ ઘેર જમવા આવ્યો ને તેની ભાભીએ કહ્યું દિયરજી, હજુ જમવાનું બની રહ્યું છે.

હજુ વધુ વાર થઈ તો વિક્રમશી નો પિત્તો ગયો ને ગુસ્સામાં ઊકળી ઉઠ્યો ને ભાભીને કહેવા લાગ્યો કે કેટલું મહેનતનું કામ કરીને થાકીને આવ્યો છું ને તમને કાઈ અસર નથી. વિક્રમશી ભાભીને જોર જોર થી ધમકાવવા લાગ્યો.

ભાભીએ પણ હવે ધીરજ ખોઈ ને વિક્રમશીને કહ્યું બહુ મોટા કામગરા છો તો કેટલાય સમયથી વાઘણ ના ત્રાસથી ગિરિરાજ શત્રુંજય ની જાત્રાએ જાત્રાળુઓ જઈ શકતા નથી ને જે જાય તેની ઉપર વાઘણ હુમલા કરે છે ત્યાં તમારો પાવર બતાવો ને. આમ મારી ઉપર રોફ પાડવાની જરૂર નથી. ખાવાનું બનતા હજી વાર લાગશે. ગરમી હોય તો જ્યાં બતાવવાની છે ત્યાં બતાવો.

વિક્રમશીને ભાભીના વેણ હાડોહાડ લાગી ગયા. આ મેણું સહન ન થયું ને પોતાનો માનભંગ થતો લાગ્યો.

રંગારાનો ધંધો ને ઘરમાં લાકડાનો વજનદાર ધોકો હતો તે હાથમાં લીધો. ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો હતો.

ભાભીને કહે વાઘણ ને વશ કરી મારી ને રહીશ. ત્યાં ઉપર રહેલો ઘંટ વગાડુતો સમજજો વાઘણ મરી ગઈ છે.

પોતે ખૂબ તાકાતવર ને પડછંદ શરીર. વાઘણ ના રસ્તે શત્રુંજય પર વિક્રમશી પહોંચ્યો. વાઘણ સુતેલી જોઇ. સુતેલા પર ઘા ન કરાય, અન્યાય કહેવાય તેમ વિચારી લાત મારી વાઘણને જગાડી. જેવી વાઘણ વિક્રમશી તરફ ફરી તો તેના મસ્તક પર હથોડાના ઘા ની જેમ તાકાતથી ધોકો વીંઝાયો. વાઘણ ઢળી પડી.

વાઘણ મરી ગઈ છે તેમ માની વિક્રમશી ઘંટ વગાડવા આગળ વધ્યો. પણ આ શું, ઘવાયેલી વાઘણ ઉભી થઇ પાછળથી વિક્રમશી પર હુમલો કરી તેની પીઠ ફાડી નાખી ને પછી ઢળી પડી ને મૃત્યુ પામી.

વિક્રમશી પણ સખત ઘાયલ થયો પણ મહામહેનતે આગળ વધી ઘંટ સુધી પહોંચી, ઘંટનાદ કરી દેહ છોડ્યો.

ગામે ગામથી આવતા જાત્રાળુઓ ઉપર વાઘણનો ખોફ દૂર થયો ને વિક્રમશી ભાવસાર ઇતિહાસ માં અમર થઈ ગયો.

ગિરિરાજ શત્રુંજય ના શિખર ઉપર હાથીપોળ આવતા પહેલા તરતજ વિક્રમશીનો પાળીઓ તેની વીરતાની કહાણી સંભળાવતો આજે પણ ત્યાં ઉભો છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ગિરિરાજ પર જઇ દાદાના દરબાર માં દર્શન કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા ન આપીએ તો શુ ગુમાવીએ છીએ તેની આ વાત છે.

સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્ર રૂપી ત્રણ રત્નોને મેળવવા ત્રણ પ્રદક્ષિણા દેવાય છે.

શ્રી દાદાના દરબાર માંથી ડાબીબાજુથી બહાર નીકળી પ્રથમ પ્રદક્ષિણા શરૂ કરો તો સહસ્ત્રફુટ મંદિર માં 1024 જિનેશ્વરો ને વંદન થશે. આવુ જિનાલય વિશ્વ માં એકજ છે.

1024 જિનેશ્વર કેવી રીતે તેની ગણતરી પણ આપણા પૂજ્ય ગુરુભગવંતો એ કેટલી બારીકાઈથી કરી છે તે જાણીએ.

પાંચ ભરતક્ષેત્ર ને પાંચ ઐરાવતક્ષેત્ર, દરેક કાળે ચોવીસ તેથી 10*24=240 વર્તમાનકાળના, 240 ગત ચોવીશી ના ને 240 આવતી ચોવીશી ના ભગવાન તેથી કુલ 720 થાય.

પાંચ મહાવિદેહક્ષેત્ર, દરેક ના 32 વિભાગ માટે 32*5= 160 ભગવાન. વળી આ દરેક ક્ષેત્ર માં સદેહે વિચારતા 4*5=20 વિરહમાન ભગવાન

દરેક ભગવાનના 5 કલ્યાણક માટે 24*5=120 ભગવાન

4 શાશ્વતા જિન, ઋષભ, ચંદ્નાનન, વારીશેણ અને વર્ધમાન સ્વામી

(720+160+20 +120 +4=1024 ભગવાનને એક સાથે વંદન ને દર્શન થાય.)

હજી આગળ જતા રાયણ પગલાના દર્શન થઈ શકશે. પછી આગળ જતા કુલ 24 તીર્થંકરોના 1452 ગણધર હતા તેમને વંદન થશે જે વિશ્વમાં બીજે ક્યાંય નહીં થાય.

હજુ પ્રથમ પ્રદક્ષિણામાં આગળ જતાં ઐતિહાસિકવસ્તુપાળ તેજપાળે બનાવેલ સીમંધરસ્વામીના જીનાલયના દર્શન થશે.

અહીં એક વાત જાણવા માટે લઈએ કે ત્યાંના લેખ માં લખ્યા પ્રમાણે અહીં પ્રતિમા આદેશ્વરદાદા ની છે પણ કેમ તે કોઈને જાણ નથી પરંતુ આ પ્રતિમા સીમંધરસ્વામી તરીકે પૂજાય છે જેઓ મહાવિદેહક્ષેત્ર માં સદેહે વિચરી રહ્યા છે.

બીજી ને ત્રીજી પ્રદક્ષિણાની અદભુત વાત અવસરે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ગોપાચલ માઉન્ટેન ગ્વાલિયરમાં આવેલું છે. ગ્વાલિયરનો પ્રખ્યાત કિલ્લો પણ આ પર્વત પર છે.

આ પર્વત પર હજારો જૈન શિલ્પો છે, જે ઇ. સ. 1398 – 1536 વચ્ચે પર્વતોમાંથી કોતરવામાં આવ્યા છે.

સૌથી મોટી 42 ફૂટ ઊંચી પાર્શ્વનાથ ભગવાનની પદ્મસ્નાન પ્રતિમા ખૂબ જ પ્રતિભાવંત છે.

આવા ગોપાચલ માઉન્ટેન ના વારસા પર જૈન સમાજનું ખાસ ધ્યાન ગયું નથી કે ન તો સરકારે તેના મૂલ્યને સમજ્યુ છે.

મોટા ભાગની મૂર્તિઓ ભગ્ન અવસ્થામાં, તૂટેલી હાલતમાં નજર આવેછે.

Google પર gopachal mountain કરવાથીઘણી બધી મૂર્તિ ના ફોટોગ્રાફ્સ જોવા મળે છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

સમૃદ્ધિ જો મહેનતથી જ મળતી હોય તો મજૂરો માલદાર હોત.

સમૃદ્ધિ જો તાકાત થી મળતી હોય તો પહેલવાનોને સર્કસ માં જવું ના પડે.

તેજ રીતે સમૃદ્ધિ જો બુદ્ધિ થી કે અક્કલમંદી થી પ્રાપ્ત થતી હોત તો શિક્ષકો, પ્રસિદ્ધ લેખકો અને પંડિતો અમીર જ હોય.

માટે જ ગુરુ ભગવંતો વારંવાર સમજાવે છે કે શુભ આશયથી પુણ્ય કરો, કરતા રહો, કરવાનો ભાવ રાખો. સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિ લઈને તમારા આંગણે કાયમ રહેશે.

અહીં શુભ આશય નો અર્થ સમજવા માટે જ્ઞાની ભગવંતો એક નાનું ઉદાહરણ આપે છે.

પક્ષી ને ચણ નાખવાથી પુણ્ય થાય. પરંતુ શિકારી પણ પક્ષી ને ચણ નાખે. તેનો આશય પક્ષી ને હાની પહોંચાડવાનો છે તો તે પાપકર્મ જ ઉપાર્જન કરશે.

માટે કશું વધુ ના કરી શકીએ તો બધા માટે શુભભાવ સારા આશય થી રાખીએ તો બસ પુણ્યનું ભાથું બંધાતુ જશે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ઇતિહાસકારો ના મત મુજબ સિદ્ધરાજ અને કુમારપાળ ના સમયમાં જૈન શાસનને ત્રણ અલગ અલગ હેમચંદ્રસૂરી નામના સમર્થ મહાત્માઓ મળ્યા.

મલધારી આ. હેમચંદ્રાચાર્ય ઉંમરમાં સૌથી મોટા ને ભૂતકાળમાં મહાત્મા પ્રધુમન તરીકે ઓળખાતા હતા. તેમણે રા’ખેંગાર ને ગિરનાર – પાલીતાણા ના સંઘ ને લૂંટતા રોક્યો હતો. તેઓએ ગિરનાર તીર્થ નો કબજો અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. તેમનો સ્વર્ગવાસ પાટણમાં સં 1164 માં.

બીજા કલિકાલસર્વજ્ઞ અને દેવચંદ્રસુરીજીના પટ્ટધર આ. હેમચંદ્રાચાર્ય. તેમના વિશે સૌને જાણકારી છે. તેમનો સ્વર્ગવાસ સં 1229.

ત્રીજા વડગચ્છ ના આ. વિજયસિંહસૂરીજીના પટ્ટધર હેમચંદ્રાચાર્ય.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

ગુજરાત અને માળવા ને વર્ષોથી દુશ્મની ચાલે.

માળવામાં રાજા ભોજ નું રાજ અને ગુજરાત માં મૂળરાજ નું રાજ.

સં 1078 માં ભીમદેવ ગુજરાત ની ગાદીએ આવ્યો. તે વખતે મહમદ ગઝનવીએ હુમલો કરી પાટણ, ભિન્નમાલ, દેલવાડા, જૂનાગઢ, સોમનાથ પર લૂંટ ચલાવી.

ભીમદેવ ની પત્ની વાયકા મુજબ વારાંગના હતી પણ પતિવ્રતા બની હતી. તેનાથી ક્ષેમરાજ નો જન્મ. ક્ષેમરાજ ને દેવપ્રસાદ, દેવપ્રસાદને ત્રિભુવનપાલ નામનો પુત્ર થયો. ત્રિભુવનપાલ ને ત્રણ પુત્રો, મહિપાલ, કીર્તિપાલ અને કુમારપાલ અને બે પુત્રીઓ પ્રેમલદેવી અને દેવલદેવી. કુમારપાલની પત્નીનું નામ ભોપાલદેવી હતું.

કુમારપાલ સં.1199 માં કા. વદ 2 ને રવિવારે 50 વર્ષની ઉંમરે સિદ્ધરાજ પછી રાજા બન્યો.

કુમારપાલ હતો શિવધર્મી પણ કલીકાલસર્વજ્ઞ ના સત્સંગ માં જૈન ધર્મ પાળનારો બન્યો.

તે રોજ સવારમાં મંગલપાઠ, નવકારનો જાપ, વીતરાગ સ્તોત્ર, યોગશાસ્ત્ર ના પાઠ, જિન દર્શન, ચૈત્યવંદન, ચૈત્ય પરિપાટી, સાંજે ઘર દેરાસર માં આંગી, આરતી, મંગળ દીવો, પ્રભુસ્તુતિ, મંગલગાન, ગુણગાન ( જેને હવે ભાવના કહે છે), છેલ્લે મહાપુરુષોના જીવન ની વિચારણા કરીને નિંદ્રામાં જવાનો ક્રમ બનાવેલ હતો.

આજે પણ “આરતી ઉતારી રાજા કુમારપાલે” તેમ બોલી તેમને યાદ કરાય છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

શાસ્ત્રોમાં પાપ વિશે બહુ સરળ સમજૂતી આપવામાં આવી છે. સરળતા માટે પાપ ના ફક્ત બે પ્રકાર બતાવ્યા છે:

1. જે પાપ તમારી પાછળ પડેલ હોય અને વધતા ઓછા અંશે તમારે કર્યા વગર છૂટકો જ નથી.

દા. ત. તમારે કોઈ ને કોઈ વ્યવસાય તો કરવો જ પડશે. ખાવું, પીવુ, ઓઢવું, હરવુ, ફરવું, બોલવું, ચાલવું, સાંસારિક જવાબદારીઓ નિભાવવી, પરણવું, પરણાવવા વગેરે વગેરે.

અહીં ડગલે ને પગલે અમુક પ્રકાર ના પાપ તો થવાના જ છે ભલે તમે સંસાર માં હો કે ચારિત્ર લીધું હોય.

હા, જયણા પૂર્વક શાસ્ત્રોજ્ઞાનુસાર, વિવેકબુદ્ધિ અને શુભ આશયથી આચરણ થાય તો ભલે આવા પાપો તમારી પાછળ પડેલા હોય તેની તીવ્રતા ઓછી હશે.

2. જે પાપ ની પાછળ તમે પડ્યા હોય, તમારે કરવાની જરૂર નથી છતાં તમે તે કરતા જ જાવ છો.

આ પ્રકાર તીવ્ર કર્મો બંધાવે છે. દા. ત. કંદમૂળ ખાવા, રાત્રી ભોજન કરવું, જિન આજ્ઞા વિરુદ્ધ વર્તવું, જૂઠ બોલવું, આળ નાખવી, અનીતિ આચરવી, નિંદા કરવી, કોઈને ત્રાસ આપવો, કટુ વચન કહેવા, વિનય-વિવેક ચૂકવા, વગેરે. આ યાદી ઘણી લાંબી થઈ શકે.

ધર્માંનુરાગી બની આ પ્રકારના પાપ માંથી શક્ય તેટલું બચવાનું જ્ઞાની ભગવંતો સૂચવે છે. તેઓ કહે છે આ પ્રકારના પાપો ની ઉત્પત્તિ પ્રથમ દિમાગમાં થાય તેથી વિચાર સૌંદર્ય જતું રહે. વિચાર વાણી માં પ્રવેશે તેથી વાણી સૌંદર્ય જતું રહે, કામકાજ માં આવેતો ક્રિયા સૌંદર્ય જતું રહે અને છેલ્લે તે ગુણ સૌંદર્ય ને હાની પહોંચાડે. બીજા પ્રકારના પાપ માંથી કેટલું બચવું તે તમારા હાથમાં છે કારણ તમે તેની પાછળ પડેલા હોઈ શકો.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જગડુશાહ ત્રણ ભાઈઓ માં મોટા. કહેવાય છે કે કોઈ સામાન્ય સોનાના હાર માંથી તેમને એક વખત લક્ષ્મીવર્ધક મણિ મળ્યો અને તેમાં તે ધનવાન થતા ગયા.

તેમની પુત્રી પ્રીતિમતી બાળવિધવા હતી. પત્નીનું નામ યશોમતી. તેમને પુત્ર ન હતો.

જગડુશાહ નો મુનિમ વેપાર માટે દેશાવર ફરે. એક વખત તે મુનિમે આદૃપુર માં દરિયા કાંઠે એક અદભુત શીલા જોઇ. તે તેને રૂ. ત્રણ લાખ માં ખરીદી ભદ્રેશ્વર લઈ આવ્યો. તે તોડી તો તેમાંથી અઢળક રત્નો, સોનામોહરો મળી આવ્યા.

સં 1313, 1314 અને 1315 માં દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે 806 કરોડ મણ અનાજ ની ખેરાત કરી હતી.

તેઓ સં 1320 થી સં 1330 ના સમયમાં મૃત્યુ પામી અમર થઈ ગયા.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

પોતાને કોઈ નમાવી ન શકે, હરાવી ન શકે તેવુ માનનાર વ્યક્તિ ના અંત માટે એક બિલાડી નિમિત્ત બની.

મહાન યોદ્ધો ચંગીઝખાન જેનો સમય ઇ. સ. 1162 થી 1227 સુધીનો.

તે અણનમ વિજેતા અને કાબેલ વ્યૂહ રચનાકાર હતો.

તેણે જાપાનના સમુદ્રથી કેસ્પિયન સમુદ્ર સુધીના વિસ્તારનું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું હતું. તેનું આધિપત્ય પોલેન્ડ, વિયેતનામ, સીરિયા, કોરિયા, સેન્ટ્રલ એશિયા અને ચાઇના સુધી ફેલાયેલું હતું.

તેણે ઇતિહાસમાં અન્ય કોઈ વ્યક્તિ કરતા બમણી કરતાં વધુ જમીન પર વિજય મેળવ્યો હતો.

તેનું મૃત્યુ અજબ રીતે થયું કહેવાય છે. તે જલ્દી કોઈના પર વિશ્વાસ ન મૂકે. સાવચેતી ખાતર આખી રાત તે લગભગ જાગતો બેસી રહે.

કહેવાય છે એક વખત યુદ્ધની છાવણી માં રાતે ટેન્ટ માં તે બેઠો હતો. મોડી રાત્રે બિલાડીએ ટેન્ટનો એક છેડો ઊંચો કર્યો. તેને થયું કોઈ હુમલો કરવા માંગે છે. તે દોડી ને ટેન્ટ માંથી નીકળવા ગયો તો ટેન્ટ નું દોરડું તેના પગમાં આવ્યું ને પડી ગયો ને ટેન્ટ બાંધવા ખોડેલો ખીલો તેના ગળામાં પેસી ગયો ને કરુણ રીતે મૃત્યુ પામ્યો. તેનું મૃત્યુ 18 ઓગષ્ટ 1227 માં 65 વર્ષે થયું હતું.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

આનંદઘનજી એ બહુ થોડુંક લખ્યું છે. ગદ્ય સાહિત્ય તો મળતુ જ નથી. પદ્ય માં બે ઉત્તમ રચના જોઈએ:

1. આનંદઘન ચોવીસી જેમાં 24 તીર્થંકરો ના ગૂઢ રહસ્યો લીધા છે.

2. આનંદઘન પદ બહોતરી જેમાં પરમાત્માનો વિરહ, વ્યાકુળતા, વ્યથા, ભક્તિ ના 108 પદો મળે છે.

તેમની કૃતિઓ એટલી ગહન, ગંભીર અને કઠિન છે કે સામાન્ય માણસ ને જલ્દી ના સમજાય.

તેમનું અસલ નામ લાભાનંદ હતું. તેમના જન્મ સ્થાન, વિચરણ કે દેહાવસાન વિશે કોઈ માહિતી મળતી નથી. અનુમાન છે કે તેમનો સમયકાળ વિ. સં 1660 થી 1730 નો હશે. સત્યવિજય તેમના નાના ભાઈ હતા.

તેમની એક અદભુત રચના દિલ ડોલાવી દે તેવી છે:

क्या सोचे उठ जाग बावरे।
क्या अंजलि जल ज्यूँ आयु घटत है।
देत पहोरिया धरिए धाउरे।। –- क्या

અર્થાત એ ભોળા પ્રાણી જાગ, જેમ ખોબામાં ભરેલું પાણી વહી જાય તેમ આયુષ્ય ઘટતું જાય છે. પહેરેગીર (पहोरिया) ડંકા મારી જગાડે તેમ સંતો તને ઢંઢોળી રહ્યા છે.

इन्द्र, चंद नागिन्द मुनि चले, कौन राजपति कौन शाहू रे।
भमत भमत भव जलधि पायले
भगवंत भजन बिना भाऊ नाउ रे।।—— क्या

ઇન્દ્ર, ચંદ્ર, ધરણેન્દ્ર, મોટા મુનિવર ચાલ્યા ગયા તો ચક્રવર્તી કે રાજા મહારાજનો પણ શુ હિસાબ છે. સંસારમાં ભમતા ભમતા ભજન રૂપી નાવ મળી છે તો તરી લે.

कहा विलंब करे अब बाऊरे तरी भव जलनिधि पार पाऊंरे
आनंदघन चेतनमय मूरति, शुद्व निरंजन देव ध्याउ रे।। — क्या

હે મૂઢ, હવે વિલંબ ના કર, તું સ્વયં ભગવાન રૂપ છે, તુજ તારી નૌકાનો તારણહાર છે, એમ ધારી પ્રભુનું ધ્યાન ધર.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જૈન ધર્મમાં તપશ્ચર્યા બે પ્રકારે કરાય છે:

A. સરળ એક દિવસીય તપશ્ચર્યા.

તે નીચે પ્રમાણે 12 પ્રકારે થાય:
1. નૌકારશી જેમાં સૂર્યોદયના 48 મિનિટ પછી દાતણ પાણી થાય.
2. પોરસી જેમાં સૂર્યોદય પછી 3 કલાકે દાતણ પાણી થાય.
3. સાઢ પોરસી જેમાં સાડા ચાર કલાક પછી.
4. પરિમુઠ્ઠ જેમાં 6 કલાક પછી
5. અવઠઠ જેમાં સૂર્યોદય પછી 9 કલાકે દાતણ પાણી કરાય
6.બીયાસણું
7. એકાસણું
8. આયંબીલ
9. ઉપવાસ
10. પાણહાર જેમાં બીયાસણું, એકાસણું, આયંબીલ કે ઉપવાસ કર્યા હોય ત્યારે સાંજે પચ્ચખાણ લેવું.
11. ચઉવિહાર જેમાં સૂર્યાસ્ત પછી અન્ન પાણી નો ત્યાગ હોય.
12. તિવિહાર જેમાં સુર્યાસ્ત પછી પાણી ની છૂટ રખાય.

B. વિશિષ્ટ તપસ્યા જે એક દિવસ કરતા લાંબી ચાલે. તે 8 રીતે મુખ્યત્વે પ્રચલિત છે:

1. અઠ્ઠમ – ત્રણ ઉપવાસ
2. અઠ્ઠાઈ – આઠ ઉપવાસ
3. માસક્ષમણ – 30 ઉપવાસ
4. વર્ધમાનતપ- એક આયંબીલ એક ઉપવાસ, બે આયંબીલ એક ઉપવાસ, ત્રણ આયંબીલ એક ઉપવાસ….આમ વીસ દિવસ ની સતત તપશ્ચર્યા થી પાયો નખાય. છેવટે 100 આયંબીલ ને એક ઉપવાસ થાય.
5. નવપદ ની ઓળી ચૈત્ર અને આસો માસના 9×9 દિવસ સળંગ મળી કુલ 81 આયંબીલ થાય.
6. વરસીતપ માં ફાગણ વદ આઠમ થી વૈશાખ સુદ ત્રીજ સુધી એકાંતરે ઉપવાસ-બિયાસણું
7. વીસ સ્થાનક તપ માં અલગ અલગ દરેક પદ ના વીસ ઉપવાસ કરી વીસ સ્થાનોની આરાધના. 20 છઠ્ઠ પણ આવે છે.
8. ઉપધાન તપ 47, 35 તથા 28 દિવસ એમ ત્રણ તબક્કે થાય. એક દિવસ ઉપવાસ બીજા દિવસે નિવિ કે આયંબીલ. સાથે 20 માળા, 100 ખમાસણાં અને 100 લોંગગ્સ પૌષધ લઈ ને કરવાના.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

પાદલિપ્ત મુનિ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા અને અજોડ યાદશક્તિ ને લીધે 10 વર્ષની ઉંમરે આચાર્ય બન્યા હતા. તેઓ વિક્રમની બીજી કે ત્રીજી સદી માં થઈ ગયા તેવું અનુમાન છે.

તેમના નામ પરથી નાગાર્જુને પાદલિપ્તપુર વસાવ્યું જે પછી પાલીતાણા બન્યું તેવું કહેવાય છે.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

મહેસાણા, વિરમગામ અને અમદાવાદ ની વચ્ચે શેરીસા તીર્થ છે.

એવું કહેવાયછે કે ત્યાંની મૂર્તિઓ એકજ રાતમાં બનાવવામાં આવી હતી.

સં 1721 માં વિધર્મીઓના હાથે આ તીર્થ ખંડિત થઈ ગયુ.

છેક સં 2002 માં શેઠ સારાભાઈ ડાહ્યાભાઈએ તેનો જીર્ણોધ્ધાર કર્યો.

એક એવી પ્રચલિત માન્યતા છે કે સદીઓ પહેલા શેરીસા તીર્થની જાત્રાએ બહુ યાત્રાળુઓ આવતા તેથી શેરીઓ સાંકડી થઈ જતી. “શેરી- સાંકડી” જેના પરથી નજીકના બે ગામના નામ પડયા શેરીસા – કડી.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

જૈન શાસન ના ત્રણ આધાર સ્તંભ છે:
1. દેવ
2 ગુરુ
3. ધર્મ

◆દેવ માર્ગ સ્થાપે,
◆ગુરુ એ માર્ગ પર ચાલે
◆આપણે એને અનુસરીએ

જૈન શાસન પ્રતિષ્ઠિત થયું કારણકે માર્ગ સ્થાપનાર મળી ગયા, માર્ગ ઉપર ચાલનાર પણ છે અને તેને અનુસરનાર હજારો અનુયાયીઓ પણ છે. આ ત્રણેનો પવિત્ર સમન્વય થાય એટલે ધર્મ નું પ્રવર્તન થાય.

જ્ઞાનપિયાસી 

=====================================================================================================

કપાશી કુટુંબના પૂર્વજ સવશીભાને નીચે પ્રમાણે 15 પુત્રો હતા:

સીરાજભાઈ, ઘોઘરભાઈ, પોચાભાઈ, ગેબુવાભાઈ, ઢબુવાભાઈ, ગફલભાઈ, લટકાભાઈ, વીરચંદ, રાયચંદ, રૂપજીભાઈ, વાઘાભાઈ, દુદા ભાઈ, પ્રેમચંદ, પિતામ્બર, કરમચંદ.

તેમને કેટલી પુત્રીઓ હતી તેની માહિતી મળતી નથી.

પુત્રોમાંથી છઠ્ઠા નંબર ના પુત્ર ગફલભાઈ ને બે દીકરા નામે કુંવરજીભાઈ અને માનસંગભાઈ.

માનસંગભાઈને ત્રણ દીકરા નામે કસલાભાઈ, લધાભાઈ અને ભાઈચંદભાઈ

ભાઈચંદભા ને એકજ પુત્ર નામે વલ્લમભાઈ

વલ્લમભા કેરીયા ( ચુડા ની બાજુમાં) રહેતા હતા અને સં 1920 માં ચુડા રહેવા ગયા.

વલ્લમભા ને બે બેન હતા, કસ્તુરીબેન અને લધી બેન. વલ્લમભા ના પત્નીનું નામ મુળી બેન તે પારેખ કુટુંબની દીકરી હતા.

વલ્લમભાઈ ને બે પુત્ર નામે વાઘજીભાઈ અને માવજીભાઈ

માવજીભાઈ ને એકજ પુત્ર નામે જગજીવનદાસ

જગજીવનદાસ ને ચાર પુત્રો નામે રમણીકભાઈ, નગીનભાઈ, જશુભાઈ, વિનોદભાઈ અને બે પુત્રીઓ ગજરાબેન અને વિમળાબેન

અન્ય માહિતી:

નિવેદ, ખોળો ભરવાની વિધિ, દીકરાને નિશાળે મોકલે ત્યારેની વિધિ, કર ની વિધિનું લખાણ પણ ઉપલબ્ધ છે પણ અત્રે લખ્યું નથી.

આપણે શાખે સોઢા પરમાર હતા. ગોત્ર પારાશુર, ચંદ્રવંશી, શામવેદ, ધજા પીળી. કુળદેવી માતા અંબાજી તથા ચડવદેરી ચામુંડા પૂજાય છે.

કપાશી કુટુંબ મૂળ ભિન્નમાલ, રાજસ્થાન થી સ્થળાંતર કરીને નીકળ્યું.

તેઓ ત્યાંથી પાલનપુર આવ્યા.

પાલનપુર થઈ પાટણ માં સં 872 માં વસ્યાં.

ત્યાંથી કંપાસ ગામમાં સં 891 માં ગયા. કહેવાય છે ત્યારથી કપાશી અટક આવી.

ત્યાંથી કાસિન્દ્રા માં સં 1370 માં ગયા.

ત્યાંથી 1732 માં મોટાભાગ ના કપાશી ચુડા રહેવા ગયા. પણ વલ્લમભા સં 1920 માં ચુડા વસ્યા તેમ નોંધ છે.

ભાઈચંદભા એ સં 1900 માં ભાદરવા વદ તેરસે સંઘ લઈ જઈ ને પાલીતાણા ની જાત્રા કરી હતી. સંઘ ચોટીલેથી નીકળ્યો હતો.

સં 1948 માં કારતક વદ એકમ ના રોજ માવજીભા એ ચુડા મધ્યે ખાંડના ચુરમા થી દશા શ્રીમાળી ની નાત જમાડી. કુલ ખર્ચ થયો રૂ. અગિયાર. (બાપુજી ત્યારે ત્રણ વરસ ના હશે.)

બાપુજી ના જન્મ ના અરસામાં ચુડાનું ઘર માવજીભા એ રૂ. પાંચશો ખર્ચી બનાવેલ હતું. રવેશ નો ભાગ પછીથી બનાવેલ.

સં 1949 માં પોષ સુદ 11 એ વાઘજીભા ( બાપુજીના કાકા) નું કારજ કરી છત્રીયાળા માં ગલપાપડી (સુખડી) થી નાત જમાડી રૂ. નવશે ખર્ચ્યા.

ચુડામાં વાવ કરાવી, કૂવો કરાવ્યો તથા ગામથી આથમણી દિશામાં મહાદેવ નું દેરું કરાવ્યાનો પણ ઉલ્લેખ મળે છે.

જ્ઞાનપિયાસી 

 

મોતિશા શેઠ વિશે થોડી વાતો ઉપરના અનુસંધાને જે પહેલા આપણે વાંચી છે
——————————–
મુંબઇ ના શાહ સોદાગર મોતીશા (સં 1838 થી 1892). પિતા અમીચંદ, માતા રુપાબેન. વતન ખંભાત. પત્ની નું નામ દિવાળીબેન. પુત્ર ખીમચંદ.

અનેક દેશોમાં મોતીશા નો વેપાર ફેલાયેલો. તેમના પોતાના 40 વહાણનો કાફલો.

પાલીતાણા માં ધર્મશાળા બંધાવી હતી. મુંબઇ માં ભાયખલા માં દેરાસર, ગોડીજીનું દેરાસર, પાયધૂની નું દેરાસર.. લિસ્ટ ઘણું મોટું બને. ગવર્નર ને મળી મુંબઈ માં વસ્તી ઘટાડવા કુતરાઓની અંગ્રેજો દવારા થતી હત્યા બંધ કરાવી.

તેમનું સૌથી મોટું કાર્ય તે પાલીતાણા માં શત્રુંજય પર્વત પર કુંતાસરની ખીણ પુરાવી ત્યાં ટૂંક બનાવી જે મોતીશાહ ની ટૂંક તરીકે આપણે જાણીએ છીએ.

હકીકત કાંઈક આમ બની હતી:

તેમનું એક ઘણું મોટું જહાજ લાખોનો માલ લઈ ચીન ગયું હતું. વળતા લાખોનો માલ ભરી લાવવાનું હતું. રસ્તામાં સમુદ્રી તોફાનો અને ચાંચિયાઓનો ડર. તેમણે મનમાં ધાર્યું જો જહાજ સહી સલામત પરત આવેતો શત્રુંજય પર દેરાસર બનાવવું. જહાજ પરત આવ્યું.

મોતીશા અમદાવાદ ના શેઠ હેમાભાઈ ને લઈ શત્રુંજય ગયા, જગ્યા નક્કી કરી જે બે પર્વત વચ્ચે ની કૂંતાસર ની ખીણ હતી જેમાં નીચે તળાવ હતું.

બે પર્વત જોડાઈને રસ્તો બને તો બીજી દેરીઓની જાત્રા પણ સરળ બને.

વિચાર કરતા અચરજ પામી જવાય કે બે પર્વત ની વચ્ચે મોટી સળંગ ખીણ, નીચે તળાવ તે આખી ખીણ ની જગ્યા પુરી ડુંગર ઉપર બીજા મંદિરો ની લગોલગ જગ્યા સમથળ કરવા હજારો ફૂટ પુરાણ કરી ને પછી ત્યાં ડુંગર ઉપર નવી બનાવેલી જગ્યા પર ટૂંક બનાવવાની.

1100 કુશળ કારીગરો ને 3000 મજૂરોની ફોજ કામે લગાવી. તળાવ ને પુરી આખી ખીણ ભરવાનું ભગીરથ કાર્ય રામજી નામના આર્કિટેક ના માર્ગદર્શન માં પૂરું થયું.

હવે નવમી ટૂંક તૈયાર થઈ રહી હતી. છેક રાજસ્થાનથી મકરાણા નો આરસ વાપરવામાં આવ્યો હતો.

અચાનક મોતીશા એ ફક્ત 54 વર્ષની ઉંમરે પર્યુષણ પર્વ દરમ્યાન સં 1892 માં મુંબઇ ખાતે દેહ છોડ્યો.

તેમના પત્ની દિવાળીબેન અને પુત્ર ખીમચંદે કહ્યું શરૂ કરેલું શુભ કાર્ય પૂરું થશે.

આ નવમી ટૂંક મોતીશા ટૂંક ની પ્રતિષ્ઠા શત્રુંજય પર તેમના પુત્ર ખીમચંદે સં 1893 માં કરી.

પ્રતિષ્ઠા થઈ ત્યારે આકાશમાંથી અમીઝરણા થયેલા. એકઠા થયેલા ભાવિકો ગઈ ઉઠેલા:

લાવે લાવે મોતીશા શેઠ નવણ જળ લાવે છે.

નવરાવે મરુદેવા નંદ નવણ જળ લાવે છે.

આ પંક્તિઓ ઘણા દેરાસરોમાં પ્રાતઃકાળે ગવાય છે.

જ્ઞાનપિયાસી

=====

અયોધ્યાના રાજા રઘુ નો પુત્ર અજયપાળ જૈન ધર્મી હતો. તે દરિયાઈ માર્ગે શત્રુંજયની યાત્રાએ નીકળ્યોને દીવ બંદરે પહોંચતા ભયંકર બીમારીમાં સપડાયો ને દીવમાં પડાવ રાખી રહેવું પડયું. તેણે શાસનદેવની પ્રાર્થના ચાલુ કરી.

ત્યારે એવું બન્યું કે રત્નાસર નામનો શ્રાવક દેશ દેશાવર જહાજોથી વેપાર ખેડે ને મધદરિયે તેનું એક જહાજ વમળમાં એવું ફસાયું કે આગળજ ન જાય. કહે છે પદ્માવતિદેવીએ આકાશવાણીથી કહ્યું અહીં દરિયાના પેટાળમાં પાર્શ્વનાથની પ્રતિમા છે તે તું બહાર કાઢ પછી તારું જહાજ આગળ જશે.

આ પ્રમાણે પ્રતિમા મળી. આ પ્રતિમાને દેવ ધરણેન્દ્રએ અને પદ્માવતિદેવીએ સ્વયં પૂજેલી કહેવાય છે.

આ પ્રતિમાના પૂજન પછીના નવણ થી અજયપાલની બીમારી દૂર થઈ ગઈ. આ ખુશીમાં તેણે ત્યાં શહેર બાંધ્યું ને જિનાલય બનાવી આ મૂર્તિ પધરાવી.

ત્યાંના ઘંટ ઉપર સં 1034 ની સાલ કોતરેલી છે. સં 1323 તથા 1343 માં બીજી પ્રતિમાઓ પધરાવ્યાના ઉલ્લેખો ત્યાં છે.

આ તીર્થ ને સૌરાષ્ટ્ર નું શંખેશ્વર કહેવાય છે. મંદિરની આજુબાજુના વિસ્તારમાં ખોદકામ કરતા અનેક મૂર્તિઓ મળી આવી છે જે સાબિત કરેછે કે આ પ્રાચીન તીર્થ ભૂતકાળનો ભવ્ય વારસો ધરાવે છે.

આજે પણ અસાધ્ય રોગના દર્દીઓ આ દાદાના નવણ થી સાજા થાય છે તેવા ઘણા ઉદાહરણો છે. રોગ હરતા હોવાથી અઝાહરા પાર્શ્વનાથ કહેવાય છે.

આ તીર્થ જૂનાગઢ જિલ્લામાં ઉના પાસે આવેલું છે.

જ્ઞાનપિયાસી

====

રાજસ્થાનમાં સિરોહી આબુ રોડ થી 50 કી. મી. છે. ત્યાં નજીક છે પિંડવાડા અને 5 કી. મી. પર છે અજારી તીર્થ.

આ એજ પિંડવાડા છે જ્યાં મહાવીર સ્વામી સ્વયં વિચર્યા હતા.

અહી જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી એ સરસ્વતીદેવીની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા.

તેમના જ હાથથી પ્રતિષ્ઠિત થયેલી સરસ્વતીદેવીની મૂર્તિ આજે પણ ત્યાં છે અને દર્શન કરી શકવાનું આપણને સૌભાગ્ય સાંપડે છે.

આ તીર્થ સં 1202 માં બન્યું ને સં 1229 માં આચાર્ય હેમચંદ્રાચાર્યજી કાળધર્મ પામ્યા.

સંપ્રતિ મહારાજની ભરાવેલી અનેક પ્રાચીન પ્રતિમાઓ પણ અહીં છે.

ગામમાં બીજું પણ એક અતિ પ્રાચીન સરસ્વતીદેવીનું મનોહર મંદિર છે.

પ્રાચીનતમ તીર્થોના આ જિનાલયો છે.

જ્ઞાનપિયાસી

===

અરે આ બાળકે તો કમાલ કરી છે. એક ઉપર એક એમ 14 ગોળ લખોટીઓ એક બીજા પર ચડાવી ટેકા વગર ઉભી લાઈન કરી દીધી છે.

ઈ. સ. પૂર્વે 367 નો સમય હતો.

ચોથા શ્રુતકેવલી ગોવર્ધનસ્વામીએ ત્યાંથી પસાર થતા જોયુ બાળકો લખોટીઓથી રમી રહ્યા હતા ને આ બાળકનું કૌશલ્ય જોઈ ઉભા રહી ગયા.

ગુરુજી બોલ્યા, બાળક મને તારા ઘેર લઈ જા. પિતા સોમશર્માને મળી ગોવર્ધનસ્વામીએ કહ્યું આ સાધારણ બાળક નથી. મને સોંપી દો.

એમ જ થયું. આ બાળક તે વિદ્વાન ભદ્રબાહુસ્વામી બન્યા. શ્રુતકેવલી હતા. ચંદ્રગુપ્ત મૌર્યે ના ગુરુ હતા. જન્મ હાલના બાંગ્લા દેશના ગામ પુડવઃઘરમાં.

કુશાગ્ર બુદ્ધિને દિવ્ય તેજના ધની, અનેક ગ્રંથોની રચના કરી. આગમોમાં તેમનું યોગદાન સેંકડો વર્ષોથી અનન્ય ગણાય છે.

ઉજ્જૈનમાં 12 વર્ષનો દુષ્કાળ પડવાનો છે તે ઉપયોગ મૂકી જાણી સંઘ અને 12000 મુનીઓ સહિત દક્ષિણમાં શ્રવણબેલગોલા વિહાર કરી ગયા. ત્યાં આજે પણ તેમની ગુફા અને મંદિર મોજુદ છે.

દક્ષિણ ભારતમાં જૈન ધર્મના ફેલાવામાં ભદ્રબાહુસ્વામીનું યોગદાન અમૂલ્ય હતું.

જ્ઞાનપિયાસી.

 

======

મહા મંત્ર નવકાર ના પ્રથમ પાંચ પદ નમો થી શરૂ થાય છે. નમો એટલે નમસ્કાર. વિનય આવે તો જ નમાય.

સમ્યકદર્શનના 67 ભેદોમાં 10 વિનય ના પ્રકાર કહ્યા છે.

સમ્યકજ્ઞાન અને જ્ઞાનાચારના 8 આચારોમાં વિનય જ કેન્દ્ર સ્થાને છે.

સમ્યકચારિત્ર ના 70 ભેદોમાં 10 અંગ વિનયને અનુલક્ષીને છે.

સમ્યક તપ ના 6 અભ્યનતર ભેદોમાં વિનય જ કેન્દ્ર સ્થાને છે.

વિનય વગર કોઈ પણ અનુષ્ઠાન ફળ આપી શકતા નથી તે જિનવાણી છે.
વિવેક ની ઉણપ અને વિનયની ઉપેક્ષા જે પાપ કરાવે છે તે જો જાણીએ તો ભવ સુધરી જાય.

એક નાનો સરખો વિવેક દર્શાવવાથી મોટા લાભ થયાના અનેક ઉદાહરણો છે.

તેજ રીતે વિવેક ચૂક્યાં તો ચીકણા કર્મબંધ બાંધ્યાના પણ અનેક ઉદાહરણો મોજુદ છે.

જિનશાસનનું મૂળ જ વિનય છે.

જ્ઞાનપિયાસી

====

રાજસ્થાનમાં આવેલું બેડા ગામ અતિ પ્રાચીન ગણાય છે.

આ પવિત્ર ગામનો ઉલ્લેખ “પ્રાચીન તીર્થમાળા” માં પણ થયેલો છે.

ગામ પ્રસિધ્ધ થવા પાછળનું કારણ ત્યાંનું અતિ સુંદર જિનાલય છે.

કળા અને સ્થાપત્યના અદભુત સંગમ સાથે સેંકડો વર્ષો પહેલા દોરાયેલા ભીંતચિત્રોથી શોભતું આ જિનાલય દેવવિમાન સરખું ભાસે છે.

નવ ફણાવાળા શ્યામ પાર્શ્વનાથ ની પ્રતિમા અતિ પ્રાચીન ગણાય છે.

અહીં જુના ઉપાશ્રયમાં માં સરસ્વતીદેવીની અતિ પ્રાચીન પ્રતિમા છે.

અહી જ મહારાણા પ્રતાપે પોતાના મુશ્કેલ સમયમાં કિલ્લો બનાવી મહેલ બનાવી પોતાના પુત્ર રાણા શેખાને નિવાસ કરાવ્યો હતો.

જ્ઞાનપિયાસી

======

ધરણાશા ને રત્નશા બે ભાઈઓ ને મેવાડના રાણા કુંભાના પ્રીતિપાત્ર.

એકવાર ધરણાશાને સ્વપ્નમાં નલિનીગુલ્મ દેવવિમાન ના દર્શન થયા.

તેણે તુરંત આ. સોમસૂંદરસૂરિજી પાસે જઈ ફળ પૂછ્યું.

તેમની પ્રેરણા મળતા ધરણાશાએ 1444 થાંભલા વાળું વિશ્વ પ્રસિદ્ધ જિનાલય બનાવડાવ્યું. આશ્ચર્યની વાત એ છે કે એક પણ થાંભલો બીજા થાંભળાને મળતો આવતો નથી. કુલ 48000 ચો. ફૂટ માં આ પરિસર ફેલાયેલું છે.

જિનાલયનું અદભુત સર્જન કર્યું શિલ્પી દિપા સોમપુરાએ.

હવે તે વખતના રાજવીઓની જૈન ધર્મ પ્રત્યે આસ્થા જુઓ.

રાણા કુંભાએ જિનાલયની રચનાથી પ્રસન્ન થઇ અહીજ એક નગર વસાવી દીધું જે પહેલા રાણપુર ને પછી રાણકપુર તરીકે એક પવિત્ર યાત્રાધામ બની ગયું.

ઉદેપુરથી 90 કી. મી. ને જોધપુરથી રાણકપુરનું અંતર 160 કી. મી. છે.

જ્ઞાનપિયાસી

=====

પાલી જિલ્લામાં અતિ પ્રાચીન એવું મુંડારા ગામ છે.

ત્યાંના તીર્થમાં અને સાંડેરાવ તીર્થમાં 1575 વર્ષ પહેલાં એક વખત વિરલ પ્રસંગ બન્યો.

વીર સં 969 માં પ્રભુની પાટ પર ઓગણચાલીસમાં આચાર્યશ્રી યશોભદ્રસૂરીજીએ એકજ દિવસે એક જ સમયે ગામ મુંડારાના શ્રી શાંતિનાથ પ્રભુજીની તથા 25 કી. મી. દૂર સાંડેરાવ તીર્થમાં પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા સ્વહસ્તે કરી હતી ને સેંકડો લોકો તેના સાક્ષી બન્યા.

ઇતિહાસ કહેછે તેઓએ એકજ સમયે ને એકજ દિવસે બંને અલગ અલગ સ્થળે સ્વયં હાજર રહી બંને જિનાલાયની પ્રતિષ્ઠા કરાવી હતી.

રાણકપૂર ના ધરણવિહાર જિનાલયના મુખ્ય શિલ્પીકાર શ્રી દિપા સોમપુરા પણ આજ મુંડારા ગામના ને વંશ પરંપરાએ તેમની વર્તમાન પેઢી પણ એજ શુભકાર્ય કરી રહી છે.

જ્ઞાનપિયાસી

====

પૂજારી પાણી પીવડાવ.

શિકાર માં નીકળેલ ઉદેપુર ના રાણાજી મહાવીર સ્વામી ના જિનાલાયના પૂજારીને કહે છે. ધોમ ધખતો તાપ છે ને રાણા તરસથી ત્રસ્ત છે. રસ્તામાં આ જિનાલય આવતા રાણાનો કાફલો જિનાલય રોકાઈ ગયેલો.

પૂજારી ને રાણાની ઓળખ થઈ જાય છે. પાણી પીવડાવે છે. જોડે કેસર નું તિલક કરવા જતા વાટકીમાં એક વાળ જોઈને રાણા મઝાકમાં કહે છે, તારા ભગવાન ને મૂછો પણ છે? પૂજારીથી બોલાય જવાયું કે હા છે.

રાણાજી કહે અરે વાહ, ત્રીજા દિવસે પરત ફરતા હું જોવા આવીશ કે મૂછો કેવી છે.

ત્રીજા દિવસની સવાર પડી ને પૂજારી થરથર ધ્રૂજે, રાણાજી આવશે ને હું ખોટું બોલ્યો છું તેથી મને વાઢી નાખશે.

જ્યાં રાણાનો કાફલો આવતો દેખાયો પુજારીએ ભૈરવની મૂર્તિમાંથી તલવાર કાઢી પોતેજ મસ્તક ઉતારવા જાય છે ત્યાં શાસનદેવે પ્રગટ થઈ કહ્યું ગભરાઈશ નહીં, મૂર્તિને કપડું ઢાંકી રાણાને કહેજે જાતે કપડું હટાવી દર્શન કરે.

રાણાએ આવી પૂજારીને પૂછ્યું ક્યાછે તારા મૂછવાળા ભગવાન, બતાવ. પુજારીએ કંપતા કંપતા કહ્યું, મહારાજ જાતે જ જોઈ લો.

રાણાએ અંદર જઇ કપડું હટાવ્યું, દર્શન કરી બહાર આવી કહે તારા ભગવાનને તો મૂછો તો શુ, દાઢી પણ છે.

રાણા ગયા ત્યાં મૂર્તિમાંથી દાઢીમૂછ પણ ગાયબ થયા.

ત્યારથી અરવલ્લીની પહાડીઓમાં, જંગલમાં, 13 શિખરો વચ્ચે, રાણકપુરથી 24 કી.મી. દૂર આવેલું આ તીર્થ મૂછાલા મહાવીરથી પ્રખ્યાત છે.

તે કેટલું પ્રાચીન છે તે પણ કોઈ જાણતુ નથી તેટલું તે તીર્થ સદીઓ પુરાણું છે.

જ્ઞાનપિયાસી

====

100 નહીં, 108 નહીં પણ 99 વાર શ્રી શત્રુંજયની યાત્રા નું મહત્વ છે કારણકે આદિશ્વરદાદા 99 પૂર્વવાર અહીં પધાર્યા હતા.

દીક્ષાના દિવસથી તેમને 400 દિવસનું સળંગ નિર્જળા ઉપવાસનું તપ હતું.

આપણે તેટલું ના કરી શકીએ તે સ્વાભાવિક છે તેથી એક વર્ષનું તપ પ્રમાણરૂપ ગણાયું.

ગિરિરાજ પર ચડવાના છ રસ્તા ગણાય છે પરંતુ આદીશ્વર દાદા દર વખતે ઘેટીની પાગવાળા રસ્તેથી જ ગિરિરાજ પર પધાર્યા હતા.

એક વધુ સમાનતા એ હતી કે તેઓ જયારે જયારે શત્રુંજય પધાર્યા ત્યારે દર વખતે ફાગણ સુદ આઠમ જ હતી.

નેમિનાથ સિવાયના બાકીના ત્રેવીસ તીર્થંકર પ્રભુએ અહીં પગલાં કર્યા છે એટલેકે આ ત્રેવીસ પ્રભુજી શત્રુંજય તીર્થ પર પધાર્યા હતા.

અજિતનાથ અને શાંતિનાથ પ્રભુના તો ચાતુર્માસ અહીં શત્રુંજય તીર્થ પર થયા છે.

જ્ઞાનપિયાસી

===

ચુડાના એક અદ્ભુત કવિ શ્રી દિનકરરાય વૈદ્ય જે કબૂતરોનું ઘૂ..ઘૂ..ઘૂ..” કવિતાથી આખા ગુજરાતમાં જાણીતા છે. પિતા ચુડામાં જાણીતા વૈધ હતા. બીજા ભાઈ બેલીભાઈ ચુડાના પ્રખ્યાત જાદુગર.

21 સપ્ટેમ્બર 1910 ના રોજ દિનકારરાયનો જન્મ અને લગભગ નેવું વરસ જીવ્યા. લખાણ મીનપિયાસીના તખલ્લુસથી કર્યું. એમણે ચુડાની ધરતીને જ કર્મભૂમિ બનાવેલી.

એક કાવ્યમાં એમણે આ ધરતીને “હરિ ની હેત ભરી હથેળી” એવી ઉપમા આપી છે.

એ ઉર્મિઓના કવિ. પોતાની માતૃભૂમિ માટેનો કવિનો ઉમળકો જુઓ:

“ઝૂલ ઝાલાવાડ ઝૂલ
વૈશાખમાં વરવો તોય અષાઢમાં અનમોલ
ઝૂલ ઝાલાવાડ ઝૂલ”

એમનો પ્રથમ કાવ્યસંગ્રહ “વર્ષાજલ” જે એમની દિકરી વર્ષાના નામ ઉપરથી પ્રગટ થયો. કવિ એકાકી હતા. વિધુર હતા.

એમની એક કાવ્યરચના પાકિસ્તાનના ગુજરાતીના પાઠયપુસ્તકમાં સ્થાન પામી હતી. એમાં એમણે પોતાના નામની સાથે પોતાના ગામ ચુડાનું નામ પણ રાખવાનો આગ્રહ રાખેલો અને એ મુજબ થયેલું પણ ખરૂં.

કવિતાની સાથે એ નિયમિત ડાયરી પણ લખતા. એમાં પોતાના અનુભવો, ચિંતન, પક્ષીજગતની અવનવી વાતો એ નિજાનંદથી લખતા.

વ્હાલસોયી દિકરી વર્ષાને એમણે જે શિખામણો ડાયરીના માધ્યમથી આપી છે એ આપણા સાહિત્યની ઉત્તમ ઉપલબ્ધિ છે.

કબૂતરોનું ઘૂ ..ઘૂ. ઘૂ.. એ એમની અદ્ભૂત રચના છે. વિવિધ પક્ષીઓના અવાજને લયમાં પ્રયોજી એમણે એવા ચાબખા માર્મિક ફિલસુફની અદાથી કંડાર્યા છે કે હૃદયને ભેદી જાય.

એ કાવ્યનો છેલ્લો અંતરો એમની આ ખૂબીની અનોખી દેન જેવો છે.

“સમાનતાનો સમય થયો ત્યાં ઉંચું શું ને નીચું શું

ફુલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણીધરો શાં ફુ.. ફુ.. ફુ.. (fu fu fu)

થાં થાં થઇને થોભી જાતાં સમાજ કરશે થૂ.. થૂ. થૂ.

કબૂતરોનું ઘુ.. ઘુ.. ઘુ..

અને છેલ્લે આ અપ્રતિમ કંડિકા:

“પરમેશ્વર તો પહેલું પુછશે
કોઈનું સુખદુ:ખ પુછયું તું ?

દર્દભરી દુનિયામાં જઇને કોઈનું આંસુ લુછયું’તું ?

ગેંગેં ફેંફેં કરતાં કહેશો,
હેંહેંહેંહેં..! શું.. શું..શું…?

કબૂતરોનું ઘુ..ઘુ..ઘુ..

જ્ઞાનપિયાસી

=====

પ્રભુના શાસનને પામી 2500 વર્ષ પહેલા ઘણા ક્ષત્રિયો જિનશાસન ની આજ્ઞામાં આવી ગયા.

એમા રાજસ્થાનના રાજપૂતોનો પણ મોટો હિસ્સો હતો. ત્યાં જોધપુર થી 32 કી. મી. ના અંતરે ઉપકેશપટ્ટન નામનું નગર જેનું બીજું નામ ઓશિયા હતું. ત્યાંના જે રાજપૂતો જૈન વિચારસરણીમાં જોડાયા તેઓ ઓશવાલ કહેવાયા.

પૂર્વજ શ્રી જામરાવળ મહા શૂરવીર રાજસ્થાની રાજપૂત ને તેઓ સાથે ઇ.સ. 1535 માં અનેક લોકો નવાનગર, જામનગર આવીને સ્થાયી થયા.

શ્રી જામરાવલસાહેબ ના ભાઈશ્રી હરઘોલજીને બાવન ગામ ભેટમાં અપાયા તે આખો વિસ્તાર હરઘોલજી ના નામ પરથી હાલાર કહેવાયો ને ત્યાંના રહેવાસીઓને હાલારી કહેવાયા.

જ્ઞાનપિયાસી

====

મારી સ્વપ્ન યાત્રા . . .

કાલે સ્વપ્નમાં હું રસ્તા ઉપરથી જતો હતો . . .

ત્યાં એક દુકાનમાં વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો લિમિટેડ ઓફર લિમિટેડ ઓફર એવી રીતે…

જો આ ઓફરનો લાભ ન લીધો તો ચૂકી જશો…

એક ઉપર એક ફ્રી…!!!
બે ઉપર ત્રણ ફ્રી…!!!
જુનો માલ આપો નવો માલ એ પણ ફ્રી…!!!!

આવું આશ્ચર્યજનક સ્વપ્ન જોઈ હું જાગી ગયો . . .

અને એનો અર્થ સાંભળવા પ્રભુ પાસે ગયો…

***👇👆****

ત્યારે પ્રભુએ હસતાં હસતાં મને જવાબ આપ્યો એ જવાબ સાંભળી હું તો દંગ જ રહી ગયો

એમણે કહ્યું કે તુ જે રસ્તા ઉપર ચાલતો હતો એ રસ્તો ” મોક્ષ માર્ગ ” તરફ જતો હતો…

જે વેપારી જોરશોરથી બૂમ પાડતો હતો એ વેપારી બીજું કોઈ નહીં ” કર્મ સત્તા ” હતી….

લિમિટેડ ઓફર એટલે તને મળેલો “માનવ ભવ “….

અને એ ઓફર આ પ્રમાણે હતી કે ” ક્રોધને ” છોડો તો ” ક્ષમા ” ફ્રી..

“રાગ-દ્વેષ ” છોડો તો ” વૈરાગ્ય ” ફ્રી

અને.,

અનાદિ ના ” જૂના દોષો ” મને આપો
અને ” મોક્ષ ” માટેનુ ” નવુ પુરુષાર્થ ” ફ્રી…!!!!

અને જો મળેલા માનવ ભવ ની ઓફર ન સ્વીકારી તો . . . ” ચાર ગતિમાં ” ફરી પછડાવું પડશે…

સ્વપ્નનો આ અર્થ સાંભળી મળેલ માનવ ભવ નું મહાત્મ્ય મને સમજાઈ ગયું.

જ્ઞાનપિયાસી

====

લલિત વિસ્તારા ગ્રંથમાં લખ્યું છે કે નમોથ્થુણમ માં નમોડસ્તુ એ ઇચ્છાયોગ નો નમસ્કાર છે, નમો જિણાણમ જિઅભયાણમ એ શાસ્ત્રયોગનો નમસ્કાર છે અને ઇક્કોવિ નમુકકારો એ સામર્થ્ય યોગ નો નમસ્કાર છે.

આગળ જાણીએ:

જે નમતા રહે ને નમ્ર રહે તે નામ કમાય, પાપ કપાય,

વહેતા રહે, વહેવા દે ને વહાવી દે તેનું

કદી ના ખૂટે, ના વેડફાય, તરી જવાય ને પુણ્ય કમાય.

જ્ઞાનપિયાસી

===

તમિલ ગ્રંથ કુરલ ના પાંચ કે છ ભાગ જૈન મહાપુરુષોના લખેલા મનાય છે.

કન્નડ ભાષાનું આરંભીક સાહિત્ય જૈનો દ્વારા વિકસીત થયેલું ગણાય છે.

હેમકૂટ હંપી માં 32 જિનાલય હોવાના પ્રમાણ મળેલા છે.

હાલના પાકિસ્તાનમાં આવેલા શહેર શાહ કી ઢેરી નું જૂનું નામ તક્ષશિલા હતું.

ઈ. પૂર્વે 240 માં મૌર્ય સમ્રાટ અશોકે પાટલીપુત્ર માં એક ધર્મ પરિષદ યોજી હતી. વિશ્વના ઇતિહાસ માં આ પ્રથમ આટલી વિશાળ ધર્મ પરિષદ યોજાઈ હતી. અને તે પછી અનેક દેશોમાં બૌદ્ધ સાધુઓ પ્રચાર માટે વિચર્યા.

જ્ઞાનપિયાસી

====

શત્રુંજય તીર્થનો મહિમા અપરંપાર છે. આ તીર્થ શાશ્વત સ્વરૂપ ગણાય છે.

ઉજ્જૈનના શ્રી માણેકશા આગ્રામાં હેમવિમાલસૂરીજી દ્વારા શત્રુંજય તીર્થનો મહિમા સાંભળી શત્રુંજયની જાત્રાએ નીકળ્યા હતા ને રસ્તામાં વિઘ્નનોનો સામનો કરતા દેહ છોડ્યો.

હવે શાસન રક્ષક ઈન્દ્ર મણિભદ્રદેવ તરીકે આપણે તેમની ભક્તિ કરીએ છીએ.

ઉજ્જૈન માં તેમના મસ્તકની, મગરવાડા માં પિંડીની અને આગલોડમાં ધડ ની બહુજ શ્રદ્ધાથી ભક્તિ થાય છે.

કપાશી કુટુંબ વર્ષોથી શ્રી મણિભદ્રદાદા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી તેમની ભક્તિ કરે છે.

હરેક પ્રસંગે જ્યારે જ્યારે શ્રી દાદાને આપણે દિલથી પુકારીએ ને આપણા કામ વિના વિઘ્નએ પુરા થાય છે તેવા અનેક ઉદાહરણ મોજુદ છે.

જ્ઞાનપિયાસી

=====

જો ધર્મનું શરણ લીધું હોય તો તેના દિવ્ય તેજની ખુમારી કુટુંબમાં પ્રગટે છે.

જ્યારે આવું બને ત્યારે દીનતા, લીનતા, ક્ષીણતા, પીનતા અને હીનતા કુટુંબમાં પ્રવેશતી નથી.

દીનતા એટલે દારિદ્રય. જિનશાસન ની આજ્ઞાનુસાર ધર્મના પગલે ચાલનાર કદી દારિદ્રયમાં રહે નહીં.

લીનતા એટલે સુખ હોય તો પણ તેમાં લીન કે ઓતપ્રોત ન હોય. ધર્મ ભાવના ઉચ્ચ કોટીની હોય.

ક્ષીણતા એટલે પાપને ક્ષીણ કરવાની ભાવના બળવત્તર હોય અને નવા પાપ ન કરાય તેની કાળજી હોય.

પીનતા એટલે પાપ ની પળોમાં ન છૂટકે જવું પડે ત્યારે મન વ્યાકુળ હોય અને થઈ ગયેલા પાપોનો ભારે પશ્ચયાતાપ હર પળ સતાવ્યા કરતો હોય. તેની પીન ખુચ્યાં જ કરતી હોય.

હીનતા એટલે હીન વિચારો મગજમાં આવવા ન દે અને જૂના હીનતાના મગજમાં ભરેલા કચરાને દૂર કરી હંમેશા જૈનશાસન મળ્યું છે તેની ખુમારી રાખે.

જ્ઞાનપિયાસી

=====

સ્વર્ગસ્થ પિતા ઉદયનમંત્રીની ભાવના અનુસાર પુત્ર બાહડે શત્રુંજયનો સં 1211 માં ચૌદમો ઉદ્ધાર કરાવ્યો. લાકડું હટાવી પથ્થરો લાગી ગયા. એ બાવન હાથ ઊંચા પ્રાસાદ ને નંદિવર્ધન અને મંડપને મેઘનાદ નામ અપાયા છે.

આજ પ્રાસાદમાં બેસી તોલાશાના પુત્ર કર્માશાએ 500 વર્ષ પહેલાં આજની આદીશ્વરદાદાની અપ્રિતમ પ્રતિમા વસ્તુપાલે મોકલેલ આરસની શીલા માંથી બનાવી પધરાવી.

આ અનુપમ જિનાલયની બીજી અજાણી વાતો પણ મસ્તક નમાવી વંદન કરવી દે તેમ છે.

અહીં 1245 કુંભ, 21 સિંહના મોહરા ને 72 થાંભલા છે. 4 યોગીનીઓને 10 દિકપાલ છે. ફરતે ચારે બાજુ 1972 દેરીઓ, 4 ગવાક્ષ, 32 પૂતળીઓ, 32 તોરણો છે. 2973 પાષાણના અને 131 ધાતુના પ્રતિમાજીઓને અને 1500 પવિત્ર પગલાં ને નમન કરી શકાશે.

કેવી ધર્મ પ્રત્યેની અગાધ આસ્થા, ધગશ, ધૈર્ય, ધીરજ અને ધૂન સાથે ધન ના ઢગલા એ મહામાનવોએ કર્યા કે પછીના સેંકડો વર્ષો સુધી જિનશાસનનો જયજયકાર કરતો અહિંસાનો મંત્ર પુરા વિશ્વમાં ફૂંકાય કરશે.

જ્ઞાનપિયાસી

====

વ્યાખ્યાનમાં સાંભળ્યું:

જૈન ધર્મ ની વિચારસરણી ને આચારસંહિતા કદી પોતાનો કક્કો ખરો કરાવવા ને પોતાના સિદ્ધાંતો જ ખરા છે તેવું પ્રતિપાદન કરવા દબાણ, લોભ, લાલચ કે છૂટછાટ કે પ્રચાર ને માન્યતા આપતો નથી.

વિચાર ભિન્નતાના ને “ન્યાય” એવું નામ અપાયું છે.

ટીકાને પણ વિવેચનના અર્થ માં પ્રયોજવામાં આવે છે.

ગાંધીજી અને તેમના પૂત્ર હરિલાલ માં વિચાર ભિન્નતા થયેલી.

હરિલાલે માન્યું પોતાના ઉપર વિચારો ઠાલવવામાં કે ઠોકી બેસાડવામાં આવેછે, દબાણ કે હઠ અજમાવાય છે, સ્વાવતંત્રતા છીનવાઈ છે અને પોતાનું ધાર્યું થતું નથી.

નારાજગીમાં કહેવાય છે તેઓ ગાંધીજીના વિચારોથી સદંતર વિરુદ્ધ થઈ ઇસ્લામ ધર્મ તરફ વળીને વ્યસની પણ થઈ ગયા હતા.

તમારી વાત કે વિચાર યોગ્ય હોય તો પણ પ્રેમ પૂર્વક, ધીરજ અને સ્નેહથી, યોગ્ય સમયે, દબાણ લાવ્યા વગર ને જીદ કર્યા વગર લાગુ કરવા ની વાત સ્યાદ્રાદ ના સમાધિજનક સિદ્ધાંતો માં પણ કહેવાઇ છે. આ વાત સમજાય ત્યારે જ જોઈતા પરિણામ મળે તે નિશ્ચિત છે.

જ્ઞાનપિયાસી

=====

સંભવતઃ ગુજરાતી ભાષામાં સૌથી પ્રથમ મળી આવતી હસ્તપ્રતોમાં જૈન કૃતિ “ભરતેશ્વર બાહુબલિ રાસ” ને ગણવામાં આવે છે જેની રચના શાલિભદ્રસૂરીએ ઇ. સ. 1185 માં કરી હતી.

મધ્યકાળમાં (ઈ. સ. 1850 પહેલાનો સમય) લગભગ 1600 જૈન સાધુઓએ ગુજરાતી ભાષામાં જૈન કૃતિઓ રચી હતી. જિનહર્ષ નો શત્રુંજય મહાત્મ્યનો રાસ 8500 કડી માં છે.

તેમાં મુખ્યત્વે નોંધપાત્ર ગણાય તેવી 35 કૃતિ જિનહર્ષસૂરિ દ્વારા, 21 કૃતિ સમયસુંદરસૂરી દ્વારા જેઓ સાત ભાષાના જાણકાર હતા, 20 કૃતિ અમર વિજયજી દ્વારા રચાઈ છે. એમાની કોઈ કૃતિ મુદ્રિત મળતી નથી.

આ બધી રાસ આધારિત કૃતિઓ છે. રાસ એટલે મૂળભૂત રીતે સમૂહ નૃત્ય સાથે ગવાતી કૃતિ. લાંબી કથાનત્મક કૃતિ માટે રાસ શબ્દ વપરાય છે. આવી કૃતિ ઉપદેશનાત્મક કે વર્ણનાત્મક પણ હોય.

જ્યારે સઝઝાય એટલે સ્વાધ્યાય. તેમાં ધર્મ અને આત્મચિંતનને લગતી કે આચરવિચારને લગતી દ્રષ્ટાંત કથાઓનું નિરૂપણ હોય.

ગુજરાતી ભાષાના ઉદ્ધારમા સૌથી વધુ યોગદાન હેમચંદ્રાચાર્યનું છે.

જ્ઞાનપિયાસી

=====

વિ. સં. 1525 થી 1527 માં મહંમદ બેગડાના પુત્ર એહમદે શત્રુંજયના તીર્થધામો ક્ષતિગ્રસ્ત કર્યા.

પછી ઉદયન મંત્રી ના પુત્ર બાહડે સ. 1211 માં શત્રુંજય નો ચૌદમો જીર્ણોધ્ધાર કરાવી જે મંદિર તૈયાર કરાવેલું તે જિનાલય કર્માશાહે રહેવા દઈ તેમાં સંપૂર્ણ સુધારા કરાવી મંદિરનો જીર્ણોધ્ધાર કરી સં 1587 ના વૈશાખ મહિનામાં પ્રતિષ્ઠા કરાવી.

આ સોળમો મોટો જીર્ણોધ્ધાર હતો.

આ માટેની પ્રેરણા ગુરુવર શ્રી રત્નસિંહસૂરીજી એ કરેલી.

પ્રતિષ્ઠાના એ શુભ પ્રસંગે આ ગુરુવર શ્રી ભાવવિભોર થઈ એવા ઉત્સાહ અને ઉમંગનાં હિલોળે ચડ્યા કે તેઓએ આત્મનિંદા ગર્ભિત 25 સ્તુતિઓનું એક ભાવવાહી કાવ્ય સર્જી દીધું.

આ એજ રચના છે જેનો ગુજરાતીમાં અનુવાદ ભાવનગરના શામજી માસ્તરે કર્યો ને જે રત્નાકર પચ્ચીસી તરીકે જૈનો ભાવપૂર્વક બોલે છે.

મૂળ રૂપે આ રચના રત્નસૂંદરસૂરિજીએ 470 વર્ષ પહેલાં શત્રુંજય ના કર્માશા એ કરાવેલ સોળમા જીર્ણોદ્ધાર વખતે પ્રભુ સમક્ષ પ્રકાશી હતી.

અત્યારે તેનો ગુજરાતી અનુવાદ “મંદિર છો મુક્તિ તણા માંગલ્ય ક્રીડાના પ્રભુ” ગવાય છે.

જ્ઞાનપિયાસી

=====

ગાંધીજીએ 4 એપ્રિલ 1925 એ પગપાળા શત્રુંજય ની જાત્રા કરી હતી.

તેઓ હરિભદ્રસૂરી લિખિત ષડદર્શન સમુચ્ચય ગ્રંથથી બહુ પ્રભાવિત હતા.

કિશોરલાલ મશરુવાલનો ગ્રંથ બુદ્ધ અને મહાવીર પણ તેઓને પ્રિય હતો.

ચંપકરાય જૈનનું ધર્મની એકતા પરનું પુસ્તક પણ તેમને પસંદ હતું.

મહાન ફિલસૂફ, વિદ્વાન અને શતાવધાની શ્રીમદ રાજચંદ્ર ઉંમરમાં ફક્ત બેજ વર્ષ મોટા હતા પરંતુ ગાંધીજી તેમને આધ્યાત્મિક ગુરુ માને અને અનેક મૂંઝવણોમાં તેમનું માર્ગદર્શન લેતા અને પત્ર વ્યવહારથી સંપર્ક માં રહેતા.

જ્ઞાનપિયાસી

=========

વ્યાખ્યાનમાં સાંભળેલું:

સાત દુકાળ પડે તો પણ કહે છે વિરાટ લીંબડો લીલોછમ રહી શકે છે.

તેનું કારણ એ છે કે કાળમીંઢ પથ્થરને પણ વીંધીને તેના મૂળિયાં ધરતીના ઊંડાણમાં વહેતા પાણીના ઝરણાં સુધી પહોંચે છે.

આમ લીંબડો પોતાનો શીતળતા આપવાનો ગુણધર્મ અનેક પ્રતિકુળતામાં પણ છોડતો નથી.

વળી આટલો પરમાર્થ કરવા છતાં અહંકારશુન્ય રહે છે.

લીંબડો એકેન્દ્રિય જીવ છે છતાં તે જળ ને પણ પામે છે ને પોતાનો શીતળતા આપવાનો ધર્મને પણ નિભાવે છે.

જ્યારે માનવીને તો પાંચેય ઇન્દ્રિયો મળી છે તો ધર્મ કરવામાં વિઘ્ન કેવી રીતે આવે સિવાય કે ધર્મમાં રુચિ ના હોય અથવા ધર્મના મર્મના ઊંડાણ સુધી જાય નહીં.

જ્ઞાનપિયાસી

============

મનુ ને બે પુત્ર હતા, ઉતાનપાદ અને પ્રિયવ્રત.

પ્રિયવ્રત ને દશ પુત્રો હતા જેમાંથી એક પુત્રનું નામ અગ્રિનંધ્ર જેને નવ પુત્ર હતા.

આ નવ પુત્ર માંથી એક પુત્ર નું નામ નાભિ હતું.

નાભિને જે પુત્રો થયા તેમાંથી એક પુત્ર તે ઋષભદેવ થયા.

વૈવસ્વત મનુનો પુત્ર ઇશ્વાકુ જેની પાસઠમી પેઢીએ શ્રીરામ થાય તેમ મનાય છે.

શ્રી રામ નો જન્મ 5114 BC માં થયેલો મનાય છે.

રામ-રાવણ યુદ્ધ 5076 BC માં થયેલું ને 72 દિવસ ચાલેલું તેમ મનાય છે. ત્યારે શ્રી રામની ઉંમર 38 વર્ષની હશે.

જ્ઞાનપિયાસી

=======

વિક્રમદિત્યના વખતમાં સિદ્ધસેન નામના એક જ્ઞાની બ્રાહ્મણ ને કહે મને કોઈ તર્કમાં હરાવે તો તેનો ચેલો બનીશ.

ભૃગુકચ્છ (હાલનું ભરૂચ) માં તેમનો ભેટો વૃધ્ધવાદી નામના જૈન ગુરુ સાથે થયો ને વાદમાં હાર થવાથી તેમના શિષ્ય બન્યા.

પણ પોતે જન્મે બ્રાહ્મણ તેથી પ્રાકૃત ભાષા પર દ્વેષ અને ઘૃણા રાખે. એક વખત ગુસ્સામાં બોલી ગયા કે બધા જૈન ગ્રંથો પોતે સંસ્કૃતમાં લખવા માંડશે.

વૃધ્ધવાદી ગુરુએ સિદ્ધસેનને ઠપકો આપી કહ્યું:

बाल स्त्री मंद मूर्खाणां नृणां चारित्र कांक्षीणां।

अनुग्रहार्थे तत्वसै: सिद्धांत: प्राकृत कृत:।।

બાળક, સ્ત્રી, મંદ, મૂર્ખ, આદિ સર્વ ચારિત્રના આકાંક્ષીઓના ઉપકારાર્થે તત્વજ્ઞનોએ સિદ્ધાંતોને પ્રાકૃતમાં ઘડ્યા છે.

ગુરુ વૃધ્ધવાદીએ સિદ્ધસેનને 12 વર્ષના મૌનનું પ્રાયશ્ચિત આપ્યું અને સાથે દેશમાં પરિભ્રમણ કરવા આદેશ આપ્યો.

એ સિદ્ધસેન તે જ સિદ્ધસેન દિવાકરસૂરી એમ મનાય છે.

પરિભ્રમણમાં તેઓએ ઉજ્જૈન આવી વિક્રમદિત્યને જૈન બનાવ્યો હતો.

જ્ઞાનપિયાસી

======

આપણા અનેક પ્રાચીન ધર્મગ્રંથો કાળક્રમે લુપ્ત થઈ ગયા કે ધર્મ અસહિષ્ણુતાનો ભોગ બની સળગાવી દેવાયા.

મહાકવિ ધવલ દશમી શતાબ્દીમાં થયા હશે તેવુ અનુમાન છે. તેમનો એક અમૂલ્ય ગ્રંથ હરિવંશપુરાણ 122 પ્રકરણમાં 18000 શ્લોકમાં બનેલ છે. આ અમૂલ્ય ગ્રંથ કારંજા ભંડાર માંથી મળી આવેલ હતો. તેમાં મહાવીરસ્વામી અને નેમિનાથ ના ચારિત્રોનું વિગતે વર્ણન થયેલું છે. મહાભારતનું પણ વિગતે વર્ણન છે.

આ ગ્રંથમાંથી શાસ્ત્રના અભ્યાસુઓને અમૂલ્ય સામગ્રી મળી ને જૈન સમુદાયને જાણ થઈ કે તેમાં ઉલ્લેખાયેલા કે સંદર્ભમાં લેવાયેલા અનેક દુર્લભ ગ્રંથો હાલ અપ્રાપ્ય છે.

તેમાં ઉલ્લેખાયેલા મોટાભાગના નીચેના ગ્રંથોને આપણે ફક્ત નામથી જ જાણીએ છીએ:

-ધીરસેનનું સમત્તજુત
-દેવનંદિનું જૈનેન્દ્ર વ્યાકરણ
-વજ્રસૂરીનો નય પર ગ્રંથ
-મહસેનનું સુલોચના ચરીત્ર
-રવિષેણનું પદ્મચરિત્ર
-જડીલમુનીનું વરાંગચરિત્ર
-દિનકરસેનનું અનંગચરિત્ર
-પદ્મસેન ને અન્ધસેનનું અમિનિરાહમાં
-ધનદત્તનું ચંદ્રપ્રભા ચરિત
-સિંહનંદીનું અનુપ્રેક્ષા
-સિદ્ધસેનનું ભવિયવિનોદ
-રામનંદીએ આગમો ઉપર લખેલા અનેક ગ્રંથો
-ગોવિંદનું સનતકુમાર ચરિત
-શાલીભદ્રનું જીવઉદ્યોત અને ચઉમુહે પઉમચરિત
-વિદ્યસેન ના અનેક ગ્રંથો.

આ ગ્રંથોના નામ આપણને મહાકવિ ધવલના ગ્રંથ માંથી મળ્યા પણ ઉલ્લેખાયેલા એ ગ્રંથો હાલ તો લગભગ વિલુપ્ત છે.

જ્ઞાનપિયાસી

=======

શંખેશ્વર તીર્થની સ્થાપના બાવીસમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના સમયમાં થઈ છે.

તે કાળે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને નવમા પ્રતિવાસુદેવ જરાસંઘનું યુદ્ધ થયું. પ્રપંચથી જરાસંઘે જરાવિદ્યાનો ઉપયોગ કરી કૃષ્ણના સૈન્યને મૂર્છિત કર્યું. પણ કૃષ્ણ, બળદેવ અને અરિષ્ટ નેમિકુમાર ને પ્રચંડ પુણ્યોદયે અસર ના થઇ.

કૃષ્ણના અઠ્ઠમ તપના પ્રભાવે પદ્માવતીદેવીએ પાર્શ્વપ્રભુની મૂર્તિ કૃષ્ણને આપી જેના પક્ષાલનું જળ છાંટવાથી સૈન્યની મૂર્છા ટળી ને જરાસંઘનો પરાજય થયો.

શ્રીકૃષ્ણએ વિજયની ખુશાલી રૂપે જે જગ્યાએ ગગનભેદી શંખનાદ કર્યો તે સ્થાન શંખપુર કે શંખેશ્વર કહેવાયું ને પ્રભુ શંખેશ્વર પાર્શ્વનાથ કહેવાયા.

આ પવિત્ર તીર્થનું અગિયારમી સદી સુધીનું જિનાલય બનવાનું કે જીર્ણોધ્ધારનું કોઈ આધારભૂત લખાણ ઉપલબ્ધ નથી.

બારમી સદીના ઉત્તરાર્ધમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં સજ્જનશેઠે સં 1155 માં જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. તેરમી સદીના અંતમાં વસ્તુપાલ તેજપાલે સંઘ સાથે આવી જીર્ણોધ્ધાર કર્યો હતો.

ચૌદમી સદી ના ઉત્તરાર્ધમાં વિધર્મીઓએ તીર્થ તોડી પાડ્યું. પ્રતિમા વર્ષો સુધી અજ્ઞાત રહી ને છેક સત્તરમી સદીમાં વિજયશેખરસૂરીના હસ્તે નવા જિનાલયમાં સ્થાપિત થઈ. ફરીવાર અઢારમાં સૈકામાં અમદાવાદ ના સૂબાએ જિનાલય ક્ષતિગ્રસ્ત કર્યું.

છેલ્લે જ્યારે મૂર્તિ મળી તો ત્યાંના ઠાકોરે કબજો કર્યો ને સુવર્ણ મુદ્રા ના બદલામાં જ દર્શન કરવા દે.

એક વખત ઉપાધ્યાય ઉદયરત્નસૂરી સંઘ સાથે દર્શને પધાર્યા. ઠાકોરના સિપાઈઓએ સુવર્ણમુદ્રા વગર દર્શનની પરવાનગી ન આપી.

મુનિશ્રી જિનાલયની સામે અનશન પર બેસી ગયાને ત્યાંજ એક સ્તુતિ બનાવી દીધી:

પાસ કર શંખેશ્વરા
સાર કર સેવકા દેવકા
એવડી વાર લાગે?
કોડી કર જોડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માંગે

કહે છે સ્તુતિ પૂર્ણ થતાં જ જિનાલયના દરવાજા આપોઆપ ખુલી ગયા હતા.

આ તીર્થનો પાછલો નવસો વર્ષ પહેલાનો ઇતિહાસ મળતો નથી પરંતુ તીર્થ ઘણું પ્રાચીન છે. હાલ આપણે જે જિનાલય ના દર્શન કરીએ છીએ તે સં 1760 માં, ત્રણસો વર્ષ પહેલાં વિજયરત્નસૂરીજી ના આશીર્વાદ થી બન્યું છે.

જ્ઞાનપિયાસી

======

“આ જમાનાની ઘણી બહેનોને તેમાંય ખાસ કરીને મહાન વિશ્વ વિદ્યાલયની કહેવાતી ઉચ્ચ કેળવણી લીધેલી બહેનોને કઈ મેરુ તેરસ, કઈ મૌન એકાદશી, કઈ અમૃત આઠમ, કઈ દુબલી આઠમ તથા પાંચ પર્વ તિથિનો ખ્યાલ હોતો નથી.

હા, એટલું સાચુ જ છે કે શહેરમાં કેટલા સિનેમાગૃહો છે, તેમાં ક્યાં ક્યાં પિક્ચરો ચાલે છે, ને તેમાં કયાં ક્યાં હીરો-હિરોઇન પાઠ ભજવે છે તેની માહિતી હોય છે અને તેવી માહિતી માટે તેમને ગર્વ પણ હોય છે….

આપણી રહેણી કરણી, આપણી વેશ ભૂષા, આપણી ખાણી-પીણી ને આપણા વિચાર વર્તન ઉપર સિનેમાના મહા ઉધોગે જે અસર કરી છે તેના પરિણામો હજી ભવિષ્યની પ્રજાએ જોવાના બાકી છે.

દાન, શીલ, તપ, ભાવ એ ધર્મ ના સિદ્ધાંતો વિસરાતા જાય છે અને ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાયો આપણને વીંટળાઈ વળ્યાં છે.

પણ નગારા ના અવાજ માં આપણી તતુડીનો અવાજ કોણ સાંભળે?”

(નોંધ: પૂ. બાપુજી ભાવનગર થી પ્રકાશિત થતા ” જૈન ” નામના અંકમાં લેખો લખતા હતા. 60 થી 70 વર્ષ પહેલાં તેમણે લખેલા લેખમાંથી આ લખાણ જેમ નું તેમ લીધું છે.)

=======

કૌશમ્બીમાં શતાનિક નામના રાજાનું રાજ. રાણીનું નામ મૃગાવતિ જે વૈશાલી ના રાજા ચેતક ની પુત્રી ને ચેલણા ની બહેન.

ઉજ્જૈનીના ની રાજા ચંદ્રપ્રધોત જોડે કૌશામબીના રાજા શતાનીકને દુશ્મની.

કૌશાંમબીની રાણી મૃગાવતિનું રૂપ જોઈને રાજા ચંદ્રપ્રધોતનું મન બગડ્યું ને તેણે શતાનીકને સંદેશો મોકલ્યો કે મૃગાવતી મને સોપી દે અથવા યુદ્ધ માટે તૈયાર રહે. લશ્કર પણ ઘેરો ઘાલી ને બેસી ગયું.

એના આઘાતથી શતાનિક તુરંત મૃત્યુ પામ્યો. આથી મૃગાવતીએ કૌશાંબીના કિલ્લાના દરવાજા બંધ કરાવી દીધા.

પછી મૃગાવતીએ ચંદ્રપદ્યોતને ફસાવવા સંદેશો મોકલ્યો કે મારે નાનું બાળક છે ને હું સામ્રાજ્યનું રક્ષણ કરવા માંગું છું, પરંતુ કિલ્લા જૂના છે અને દુશ્મનો આક્રમણ કરી દેશે માટે મને મજબૂત ઇંટો મોકલો અને છ મહિના ચાલે એટલો અનાજનો જથ્થો આપો પછી હુ તમારી પાસે આવી જઈશ.

પ્રેમ આંધળો હોય છે ને ચંદ્રપ્રદ્યોતે માંગેલી વસ્તુઓ પુરી પાડી.

મૃગાવતીએ એ ઇટોથી કિલ્લો મજબૂત ને ઊંચો કરી લીધો. અનાજ પણ પર્યાપ્ત માત્રામાં હતું. તુરંત કોઈ ભય નહોતો તેથી કિલ્લાના દરવાજા ખોલી દીધા.

છ મહિના પુરા થવા છતાં મૃગાવતી ન આવી તો ચંદ્રપ્રદ્યોતે ફરી શહેરને ઘેરી લીધું.

ત્યાં ખબર આવી કે ભગવાન મહાવીર કોશામ્બી નગરની બહાર આવ્યા છે. તે પોતાના સેવકો ને ગ્રામજનો સાથે પ્રભુના દર્શને આવી.

રાજા ચંદ્રપ્રદ્યોત પણ ભગવાન મહાવીરનો મોટો ભક્તને તે પણ પ્રભુના દર્શને આવ્યો હતો.

મૃગાવતી ઊભી થઈને ભગવાન મહાવીરને કહ્યું, ચંદ્રપ્રદ્યોત મને પરવાનગી આપે તો હું હમણાંજ ચારિત્ર સ્વીકારી દીક્ષા લઈશ ને મારા પુત્ર ઉદયનને હું રાજા ચંદ્રપ્રદ્યોતને સોંપી દઈશ. આમ કહી તેણે પુત્ર ઉદયનને ચંદ્રપ્રદ્યોત ના ખોળામાં મૂકી દીધો.

પ્રભુની એક નજર પડતા ચંદ્રપ્રદ્યોતના ના બધા દુષ્ટ ઈરાદા શમી ગયા. તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને સ્વીકારી મહાન બનાવવાનું વચન આપ્યું. મૃગાવતીએ દીક્ષા લીધી.

આ રીતે મૃગાવતીએ પોતાનું શીલ સાચવ્યું, પુત્ર ને સંરક્ષણ અપાવ્યું ને કૌશામ્બીને યુદ્ધ ના ભયાનક સંહારમાંથી બચાવી ઇતિહાસમાં અમર થઈ ગઈ.

જ્ઞાનપિયાસી

======

રાજા ચેતક વૈશાલીનો શાસકને તેની પુત્રી ચેલણા રાજા શ્રેણીકને પરણી હતી. ચેલણા જૈન ધર્મની ચુસ્ત અનુયાયી જ્યારે શ્રેણીક બૌદ્ધવાદથી પુરી રીતે પ્રભાવિત હતો. તે રાણી ચેલણાની જૈન ધર્મ પરની ભક્તિ ને આસ્થાથી નાખુશ રહે.

શ્રેણિક માનતો જૈન સાધુઓ ધર્મનો ઢોંગ કરતા હોય છે. તે માને કે કોઈ પણ જૈન મુનિ સ્વ-સંયમ અને અહિંસાના સિદ્ધાંતોને સૂક્ષ્મ રીતે અનુસરી શકે તે શક્ય નથી.

એક દિવસ રાજા શ્રેણીક શિકાર પર હતા જ્યાં તેમણે ઊંડા કાઉસગગમાં જૈનસાધુ યમધરમુનિ ને ઉભેલા જોયા.

શ્રેણીકે તિરસ્કારથી પોતાના શિકારી શ્વાનો યમધરમુનિ પર છોડ્યા પરંતુ સાધુ શાંત રહ્યા. શ્વાન ભસી ભસી ને પરત આવ્યા. રાજા શ્રેણિક ને થયું કે શ્વાનો પર મુનિએ જાદુ કર્યો હશે.

હવે શ્રેણિક ક્રોધે ભરાયો ને સાધુ પર તીરમારો શરૂ કરાવ્યો. પરંતુ આ શું, કોઈ તીર સાધુને સ્પર્શતું નહોતું.

શ્રેણિક નો ગુસ્સો બેવડાયો ને તેણે આખરે યમધરમુનિની ગરદનની આસપાસ ત્યાં પડેલો એક મૃત સાપ મુકાવી દીધો.

શ્રેણિક રાજાએ સમગ્ર ઘટના પરત આવી ચેલણાને કહી. તે ખૂબ જ દુઃખી થઈ અને રાજાને પાછા યમધરમુનિના ધ્યાનના સ્થળે લઈ જવા જીદ કરી. તેણીએ કહ્યું મારા જૈન મુનિ કદી ઢોંગ કે દેખાડો ન કરે. બંને જણ મુનિરાજ ના તપશ્ચર્યાના સ્થળે ત્રણ દિવસ પછી ગયા.

મૃત સાપની ઉપરની કીડીઓ, અને અન્ય જંતુઓના કારણે સાધુનું શરીર લોહીલુહાણ થઈ ગયું હતું પણ સાધના કે ધ્યાનમાં કોઈ વિક્ષેપ નહોતો થયો.

મુનિની સહનશક્તિની ચરમ સીમા જોઈ શ્રેણિક દંગ રહી ગયો.

રાણીએ નરમાશથી સાધુના શરીરમાંથી કીડીઓ અને મૃત સાપ દૂર કરાવી ને ઘાવ સાફ કરાવી ચંદનનો લેપ કરાવ્યો.

થોડા સમય પછી, યમધરમુનિએ તેમની આંખો ખોલી.

શ્રેણિકરાજાએ મુનિને ખૂબ દુઃખ પહોંચાડ્યું હતું જ્યારે ચેલણા રાણીએ મુનિની પીડા દૂર કરાવી હતી પરંતુ મુનિએ કોઈ ભેદભાવ કર્યા વગર રાજા શ્રેણીક અને રાણી ચેલણા એમ બંનેને પ્રેમ નિતરતી આંખે આશીર્વાદ આપ્યા.

શ્રેણિક રાજા જૈન મુનિથી ખુબજ પ્રભાવિત થયો ને ચેલણાને કહ્યું મને ખાત્રી થઈ ગઈ છે કે જૈન સાધુઓ ઢોંગી હોતા નથી. પોતાનો અણગમો દૂર કરી તે કાયમ માટે જૈન ધર્મ નો અનુયાયી બની ગયો.

ચેલણા શ્રેણિક ની માનીતી રાણી ને તેણી શ્રેણીકને નમાવી, નચાવી કે નીચા દેખાડવાનું કામ કરવાની જગ્યાએ તીર્થંકર નામકર્મ બંધાવવામાં નિમિત્ત બની.

રાજા શ્રેણિક આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર બનવાના છે.

રાણી ચેલણાની જિનભક્તિ ના પ્રભાવે રાજા શ્રેણિક જૈન ધર્મનો ચાહક બની અનેક ધર્મકાર્યો કરી ગયો તેનો યશ ઇતિહાસકારો રાણી ચેલણાને વિશેષ આપે છે.

જ્ઞાનપિયાસી

=======

અવંતી નરેશ રાજા સંપ્રતિ ઝરૂખા માં બેઠા છે. સેવકો ચામર ઢાળી રહ્યા છે. આ સમયે જૈન મુનિઓ સાથે અનેક લોકો ઝરૂખા નીચે થી પસાર થાય છે.

સંપ્રતિરાજા ની નજર મુનિ સુહસ્તી પર પડીને કાંઈક યાદ આવવા લાગ્યું કે આ મહાત્માને ક્યાંરે હું મળ્યો છું. નીચે ઉતરીને જુએ છે તો રાજા સંપ્રતિ મૂર્છા ખાઈને પડે છે. પૂર્વ ભવ યાદ આવે છે કે હું ભૂખ્યો ભિખારી હતો ને આ મુનિરાજે મને દીક્ષા આપી, ખાવાનું આપ્યું ને મારા મૃત્યુ બાદ હું અહી છું.

મુનિ સુહસ્તી પલવારમાં બધું જાણી ગયા. ગુરુજીએ ભવિષ્યવાણી કરેલી કે આ ભિખારી જૈન શાસનનો ઝળહળતો સિતારો બનશે.

રાજા સંપ્રતિ સમ્રાટ અશોકનો પૌત્ર. તેઓ પેઢીઓથી બૌધ્ધધર્મી. પણ રાજા સંપ્રતિથી ચમત્કાર થયો ને તે જૈન ધર્મ તરફ વળ્યો ને હજારો નવા જિનાલય બનાવ્યા ને હજારો જિનાલયોનો નો જીર્ણોધ્ધાર કરાવ્યો.

ઈ. સ. પૂર્વે 190 માં સંપ્રતિરાજાનું મૃત્યુ થયું હતું. તેણે 53 વર્ષ રાજ કર્યું ને જૈન ધર્મ નો પુરા ભારતમાં ને ભારત બહાર પણ પ્રચાર કર્યો. માતાનું નામ કંચનમલા હતું.

આજે અનેક જિનાલય માં જતા આપણે સાંભળીએ કે આ પ્રતિમા સંપ્રતિ મહારાજે ભરાવેલી છે. મોટાભાગના જિનાલય વિધર્મીઓના હાથે તુટી ગયા. આજે વિરમગામ ને શત્રુંજય ના તેના બાંધેલા દેરા પૂર્ણપણે વિદ્યમાન છે.

જ્ઞાનપિયાસી

=============

એક ભિખારી કેટલાય દિવસોથી અર્ધ ભૂખ્યોને જેવા બે સાધુ મહારાજ ગોચરી વહોરી બહાર આવ્યા તો તે તેમની પાછળ પડી ગયો ને કરગરવા લાગ્યો કે મને ખાવાનું આપો.

મહાવીર પ્રભુ ના નિર્વાણને લગભગ 200 વર્ષ થઇ ગયા હતા. તેમની સાતમી પાટે આ. સ્થૂલિભદ્રસ્વામી બિરાજમાન હતા ને 99 વર્ષ ની ઉંમરે તેઓ કાળધર્મ પામતા બે ગુરુભાઈ નામે આર્યમહાગીરી અને આર્યસુહસ્તિ તેમની પાટે આવ્યા.

ચોમાસુ કોશામ્બિમાં ને ત્યાં ભયંકર દુષ્કાળ ચાલે. ગોચરી ના પણ ફાંફાં. બંને સાધુને ધનચંદે ગોચરીમાં પ્રેમથી મોદક પણ વહોરાવેલા.

મુનિરાજોએ ભિખારીને કહ્યું અમારા વડીલ ગુરુદેવ ની આજ્ઞા વગર અમે ગોચરીનો કોઈ ઉપયોગ ન કરી શકીએ. ભિખારી પીછો છોડતો નથી ને આંખમાં આસું સાથે આજીજી કરે જ જાય છે.

બંને મુનિશ્રીઓ ઉપાશ્રય આવીને મોટા મહારાજને ગોચરી બતાવતા હતા ત્યાં પેલો ભૂખ્યો માણસ છેક અંદર ઉપાશ્રયમાં આવીને ખાવાનું માંગવા લાગ્યો.

બંને મુનિઓએ તેને બહાર રહેવા કહ્યું ત્યાં જ ગુરુ મહારાજની નજર એ લઘરવઘર ગરીબ વ્યક્તિ પર ગઈ ને તેના કપાળની રેખાઓ જોઈ ચમકી ગયા.

અગાધ જ્ઞાનનો ઉપયોગ મૂકતા ગુરુજીએ જોયું કે આતો ઉચ્ચ આત્મા છે ને શ્રીસંઘ અને જૈન શાસનનો ઝળહળતો સિતારો બનવાનો છે. તેમણે તેને કહ્યું ભાઈ, તું સાધુ બની જા, તને ભરપેટ જમાડશું ને આ દુષ્કાળમાં તારે પેટ ભરવાની ચિંતા નહીં રહે.

ભિખારી વિચારે છે વાત તો ખોટી નથી. દીક્ષા લઇ લીધી ને શ્રમણ બન્યો. તેને ગુરુજીએ યાવજજીવનું સામયિક ઉચ્ચરાવ્યું ને પછી ગોચરીના ભરેલા પાત્રા સોંપી દીધા. તે બહુ દિવસથી ભૂખ્યો ને ભાન ભુલ્યો ને ખાતો જ ગયો ને સાધુઓ ગોચરી લાવી ને ખવડાવતા ગયા.

અતિ ખાવાથી અજીર્ણ થયુ ને તેજ રાત્રે દેહ છોડ્યો ને બીજા ભવમાં શાસ્ત્રો કહે છે તે ભિખારી ઉજ્જૈનીનો રાજા સંપ્રતિ તરીકે જન્મ્યો, અવંતી નરેશ કહેવાયો.

એક જ રાતનું ચારિત્ર, ગુરુ મહારાજનું શરણ ને તેમની શુભદ્રષ્ટિના પ્રતાપે જૈન શાસનને સંપ્રતિ મહારાજના રૂપમાં એક અમૂલ્ય રત્ન સાંપડ્યું.

જ્ઞાનપિયાસી

========

ઘી ના વેપારી પીથાશેઠ માંથી રાજના મંત્રી બનેલા પેથડશાએ સુવર્ણસિદ્ધિની કળાને તિલાંજલિ આપી દીધી ને પોતાની સંપૂર્ણ સંપત્તિ ને જાતને ધર્મ સમર્પિત કરી દીધી તે જોયું.

આ બનવા પાછળ નિમિત્ત હતું તેમનું વિમલમંત્રીના જિનાલયમાં દર્શને જવું.

નીતિમત્તા ને ધર્માનુસાર આચરણથી પછી પુત્ર ઝાંઝણશાએ પણ અઢળક ધન ઉપાર્જન કર્યું.

ઝાંઝણશાએ શત્રુંજયનો અનોખો સંઘ કાઢ્યો હતો. રાજા સારંગદેવ ની જોડે વાદવિવાદ થતા સમાજની ખુમારી જાળવવા એ જમાનામાં ઝાંઝણશાએ આખા ગુજરાતને પાંચ દિવસ સુધી પાંચ પકવાનના ભોજનથી જમાડયું હતું. આવો ઉત્સવ હજુ સુધી ફરીવાર કોઈએ નથી કર્યો.

હજી એક વાત, સંતાનોને માબાપ તરફથી ઉત્તરોતર મળતા ધાર્મિક સંસ્કારોને સારા આચરણની.

ઝાંઝણશા ની પુત્રી રુપલ સિદ્ધરાજ જયસિંહ ને ખુબજ વહાલી ને તેણીને પોતાની દીકરીની જેમ વહાલ કરે ને વાર તહેવારે પોતાના રાજમહેલે બોલાવી ખુબજ ભેટ સોગાદો આપે.

રુપલ પણ ધર્મપરાયણ ને ઉત્તમ આચાર વિચાર વાળી.

આ દીકરીનો કોઈ પ્રસંગ હતો ને મહારાજા સિદ્ધરાજ ઝાંઝણશાના આવાસે પધાર્યા.

રૂપલ પગે લાગી ને સિદ્ધરાજ ને વળગી ને કહે રાજાબાપુ મારા માટે શું લાવ્યા છો તે જલ્દી કહો. મહારાજા સિદ્ધરાજ જયસિંહ બોલ્યા બોલ દીકરી આજ તું માંગે તે તને આપીશ.

રુપલ બહુજ શાણી ને ઉત્તમકોટીના વિચારોવાળી. તેણીએ સિદ્ધરાજ પાસેથી જે માગ્યું તે જાણતા મન પુલકિત થઈ ઉઠશે.

રુપલ કહે મહારાજ, રાજાબાપુ, તમે જેટલા ગામના ધણી છો તે ગામ દીઠ થોડી થોડી સોનામહોરો મને આપો.

પિતા ઝાંઝણશા ખિજાયા ને કહે મહારાજા મારા માટે શું વિચારશે તે તો સમજ.

સિદ્ધરાજ જયસિંહ કહે મારી દીકરીની ઈચ્છા પૂરી થશે.

થોડા સમયમાં ઓગણીસ લાખ (19 લાખ) સોનામોહરો ઝાંઝણશાની હવેલીએ આવી.

ઇતિહાસ કહે છે ઝાંઝણશાએ પોતાનું પણ અઢળક ધન તેમાં ઉમેરી દેશમાં 700 જિનાલય બંધાવ્યા.

માતપિતા તરફથી સંતાનોને મળેલ ધર્મના ઉત્તમ સંસ્કારો નું આનાથી સારું બીજું કોઈ ઉદાહરણ હોઈ ના શકે.

જ્ઞાનપિયાસી

=========

▪તમારો સૌથી પ્રિય મિત્ર બીજી જ્ઞાતિનો હશે અને તમારો સૌથી મોટો શત્રુ તમારી જ જ્ઞાતિનો હશે.

▪દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે, બાકી પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપીને જતાં રહે છે….

▪લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે. પણ ટેકાની જરૂરીયાતવાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયામા કોઈ દુખી જ ન રહે…

▪વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું એ,
વાણીની પ્રથમ વિશેષતા છે…

▪હસતો ચેહરો અને રોતી આંખો જીવનની વાસ્તવિકતાનો સાચો પરિચય આપે છે

▪ગમો અણગમો એ તો આપણા મનનો છે. બાકી ઈશ્વર તો હંમેશા આપણાં લાયક જ આપે છે.

▪જયારે લખાણના ‘વખાણ’ થાય…ત્યારે, સમજવું કે-શબ્દો ‘આંખ’ થકી…’દીલ’ સુધી પહોંચ્યા છે

▪માત્ર ભીંતોથી ઘર ઠંડુ નથી થતુ …
ઘરમાં રહેનારમાં ભેજ હોવો જોઇએ.

▪જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ. જે તમારી સાથે થવું નહીં જોઈએ એ તમે બીજા સાથે ના કરો.

▪મતલબ બહુ વજનદાર છે વ્હાલાં
નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે

▪જિંદગી સાથે કોઈ ઝઘડો નથી, બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

▪મેં કોઈની પરવાહ કરી જ નથી એટલે જ આટલો મસ્ત છું,..
કેમ કે પરવાહ કરવાવાળા જ બહુ દુઃખી થાય છે

▪જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે જેના માટે લોકો કહેતા હતા “આ કામ તું નહિ કરી શકે ”

▪સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે !!

▪તમે કેટલા ધનવાન છો તે જાણવું હોય તો એવી વસ્તુઓ ગણવા માંડો, જે ધનથી ખરીદી નથી શકાતી અને તમારી પાસે છે !!

▪કામ કરવાવાળાની કદર કરો,
કાન ભરવાવાળાની નહીં.

▪દરેક પગથીએ ઈચ્છાની બલી ચઢે છે, ત્યારે જ કોઈ સફળતાની સીડી ચઢે છે !!

▪માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??
પણ, ક્યારેય એ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિં !??

▪પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય, એ જ જગતનો સૌથી સુખી માણસ છે…

▪”સુંદરતા મનની રાખજો સાહેબ”
“ફેસવોશથી મોઢા ચમકે છે દિલ નહી”

============

દેદાશાહ ચુસ્ત જૈન આચાર પાળનારા હતા ને ધર્મ પરાયણતાના આ ગુણો તેમના પુત્ર પીથા માં પણ ઊતરી આવેલ. ધર્મધ્યાન ને પૂજા પહેલા ને પછી વેપાર તેવું માને.

આ પીથાશેઠ ને ઘીનો વેપાર ને બાદશાહની એક દાસી પ્રભુની પૂજા ના સમયે જ રોજે રોજનું તાજું ઘી લેવા પીથા ની દુકાને આવે ને પીથાથી પ્રભુની સેવાપૂજા કરવા જવામાં વિલંબ થાય.

પૂજા શાંતિથી થાય તે માટે પીથાએ રાજમાં કહેવડાવ્યું કે હવેથી તાજું ઘી રાજમાં પોતે પહોંચતું કરશે, કોઈએ લેવા આવવાની જરૂર નથી.

હવે જુઓ ધર્મની રુચીનો પ્રભાવ. એજ પીથો માંડવગઢ નો મંત્રી પેથડશા બન્યો.

ઇતિહાસમાં પેથડશા તરીકે તેમનું નામ અમર થઈ ગયું તેમાં તેમની ધર્મપરાયણતાં ને સમર્પણતાંની પરાકાષ્ઠા જોવામાં આવી.

બન્યું એવું કે ગુરુની અનન્ય ભક્તિથી પેથડશાને સુવર્ણસિદ્ધિની કળા હાંસિલ થઈ. વિધિ ઘણી લાંબી પણ તેઓ લોખંડ ને સોનામાં તબદીલ કરી શકતા હતા.

એક વખત આબુ ના પહાડ પર પોતાની કળાથી લોહા માંથી સોનુ બનાવી લીધું ને તેની પાટો ઊંટો પર લાદીને માંડવગઢ પરત જતા હતા.

રસ્તામાં વિમલમંત્રીના જિનાલય માં દર્શન કરવા અંદર ગયા. દેવવિમાન જેવું જિનાલય ને પ્રભુની અલૌકિક પ્રતિમાના દર્શન કરતા પેથડશાના હૃદયનું જબરું પરિવર્તન થઈ ગયું ને પરિગ્રહતા છોડવા તૈયાર થયા.

પુત્ર ઝાંઝણ ને માંડવગઢથી બોલાવી પેથડશાએ કહ્યું સાંભળીલે દીકરા ઝાંઝણ, હવેથી હું આ સુવર્ણસિદ્ધિનો પ્રયોગ કરીશ નહિ. પુત્ર બોલ્યો ભલે બાપુ.

પેથડશાએ આગળ ઉમેર્યું, ઊંટ પર લાદેલું બધું સ્વર્ણ હવે ઘેર નહિ આવે પણ ધર્મ માં વપરાશે. પુત્ર ઝાંઝણ ની આંખમાં આંસુ હતા, તેણે ફરી કહ્યું, ભલે બાપુ.

પેથડશાશેઠને થયું સ્વર્ણ ગુમાવવાના કારણે પુત્ર ઝાંઝણ રડી પડ્યો છે.

હવે શેઠે છેલ્લું બાણ પણ છોડ્યું. સાંભળ દીકરા, આ વિદ્યા હવે હું કોઈને આપવાનો પણ નથી. તને કશું નહીં મળે.

ઝાંઝણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી પિતાને ભેટી પડી બોલ્યો, પિતાજી આપે જે ધર્મ ના સંસ્કાર બીજ રોપ્યા છે, જે સદાચાર ને સચ્ચાઈ ના પાઠ મને ભણાવ્યા છે તે અમૂલ્ય વારસાની તોલે આ સ્વર્ણસિધ્ધિ ની કળાની કોઈ વિસાત નથી.

પેથડશા ઉદારતાને સખાવત ની ઉમદા મિશાલ છોડી અમર થઈ ગયા. બધી સંપત્તિ ધર્મ કાર્યમાં ઉદારતાથી વાપરી.

પેથડશાની જેમ પુત્ર ઝાંઝણ પણ એથી સવાયો થયો હતો. ઝાંઝણશા વિશે થોડી અદભુત વાતો અવસરે.

જ્ઞાનપિયાસી

==========

કોઈ જૈન સાધુ જોડે માતાએ પોતાના બાળકની કરાવેલી એ એક મુલાકાતે ચમત્કાર સર્જ્યો ને એ બાળકે આગળ જતાં પુરા વિશ્વમાં નામના મેળવી.

બાળકના સંસ્કાર ઘડતર અને ઉત્થાનમાં બે પરિબળો અગત્યનો ભાગ ભજવે છે:

1. માતા દ્વારા બાળકમાં સંસ્કાર અને સ્નેહ નું સિંચન

2. બાળક માં રોપાયેલ ધર્મ પ્રત્યેનો લગાવ જે આગળ જતાં તેને ગલત રસ્તે જતા અચૂક રોકે.

જે બાળક મોટું થઈને સમાજમાં ઇજ્જત અને પ્રસિદ્ધિ સાથે આદરપૂર્વકનું સ્થાન મેળવે છે તેને સુખ, સગવડ ને સંસાધનો મળે કે ના મળે પણ સંસ્કાર, સ્નેહ અને સદાચાર ના ગુણો અચૂક મળ્યા હશે અને તેમાં મોટો ફાળો તેની માતા અને ધાર્મિક અસરનો જરૂર હશે.

આવા અનેક ઉદાહરણો મોજુદ છે.

મોહનદાસ ને મહાત્મા બનવામાં ને વિશ્વમાં નામના મેળવવામાં વિશેષ ફાળો તેમની માતા પૂતળીબાઈનો ને ધર્મના માધ્યમથી તેમને અપાયેલી એક સલાહનો જે આપનાર એક જૈન સાધુ હતા.

“સત્યના પ્રયોગો” માં ગાંધીજી લખે છે કે માતા પૂતળીબા નો ગેહરો પ્રભાવ તેમના પર પડેલ. તેમનામાં જિંદગીભર સાદાઈ ને સરલતા રહ્યા. રામ નામ લેવાનું બહુ નાની ઉંમરે શરૂ થયેલુ.

તેમના પોરબંદરના ઘેર અનેક જૈન સાધુ વહોરવા આવે ને પિતાજી કરમચંદ પ્રેમથી વહોરાવે.

સત્તર – અઢાર વર્ષની ઉંમરે ઈ. સ. 1887 માં તેઓ મેટ્રિક થયાને કૌટુંબીક મિત્ર માવજી દવે ની સલાહથી પિતાજી કરમચંદે મોહનને બેરિસ્ટર બનવા વિલાયત મોકલવાનું વિચાર્યું.

માતા પૂતળીબાઈએ ના પાડી કહ્યું, ત્યાં જાય એટલે દારૂ ને માંસ વગર ન ચાલે ને છોકરા વંઠી જાય. અહીં માતા પૂતળીબા ની ચિંતા મોહનના સંસ્કાર બગડે નહીં તે હતી.

હવે થયો જૈન સાધુ ભગવંતના મિલનથી અનોખો ચમત્કાર ને માતા પૂતળીબાઈ પીગળી ગયા.

જે ધર્મ કરી શકે તેની તોલે કોઈ ના આવે.

એક જૈન સાધુ બેચરજી મુનિ જોડે આ કુટુંબને પરિચય થયેલો. પૂતળીબા મોહનને લઈ અપાસરે તેમને મળવા ગયા.

મુનિ એ બધી વાત સાંભળી ને પછી કહ્યું, મોહન, તને થોડી બાધા લેવડાવું તો તું પાળીશ? મોહને હા કહી.

આ તેમના જીવનની સૌથી યાદગાર મુલાકાત બની રહી જેનાથી મોહન માંથી મહાત્મા બનવાનો પાયો નખાયો.

જૈન મુનિએ લેવડાવેલી એ ત્રણ પ્રતિજ્ઞાઓ આ હતી જે મોહને ને પછી મહાત્મા ગાંધીએ જિંદગીભર પાળી:

1. દારૂ નહીં પીવું
2. માંસાહાર નહીં કરું
3. ચારિત્ર્ય જાળવીશ

પછીનો ઇતિહાસ આપણી સામે છે.

જ્ઞાનપિયાસી

==============

પ્રભુ મહાવીર ના દીક્ષા પર્યાય ના તેર વર્ષે જાંભિક ગામ પાસે ઋજુવાલુકા નદીના કિનારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું હતું.

આ નદી આજે પણ વહેછે પરંતુ તેનું નામ હવે બરાકર છે. સુંદર જિનાલય પણ ત્યાં બન્યું છે જ્યાંથી ત્રણ માઈલ દૂર જાંભીક ગામ હાલ પણ મોજુદ છે.

આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થાનોનો ઉલકેખ છે:

गिरि आंगि कोशे बारे उपरिथी देव जुहारे । ऋजुवालुअ जम्भी गाम, वीरह जिन केवल ठाम ।।

(અહીં ઋજુવાલુકા અને જાંભીક ગામ નો ઉલ્લેખ છે)

કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ તે દિવસે વૈશાખ સુદ દશમ ને રવિવાર હતો. પ્રભુને ચોવીઆરો છઠ્ઠ હતો.

સમવસરણ રચાયું ને પ્રભુએ સંક્ષેપમાં દેશના આપી કારણ ગણધર પદ લાયક કોઈ વ્યક્તિ મળી નહોતી.

ત્યાંથી પ્રભુ બાર યોજનનો પ્રવાસ કરી અપાપાપુરી આવ્યા ને 11 ગણધરોને તેમની શંકાનું સમાધાન કરી દીક્ષા આપી. ઇન્દ્રભૂતિ ગૌતમ પ્રથમ ગણધર બન્યા. ચર્તુવિધ સંઘ ની સ્થાપના થઇ.

પ્રભુના કુલ 42 ચોમાસા માંથી 1 અસ્થિગામમાં, 2 ચંપામાં, 1 પુષ્ઠ ચંપામા, 12 વૈશાળીના વાણિજ્યગ્રામમાં, 14 ચોમાસા રાજગૃહિના નાલંદીપાડા માં, 6 મીથિલામાં, 2 ભદરિકપુરીમાં, 1 આલંભિકામાં, 1 અનાર્ય ભૂમિમાં, 1 શ્રાવસ્તીમાં અને અંતિમ ચોમાસુ અપાપાપુરી માં થયુ હતું જ્યાં તેમનું નિર્વાણ થયું. પાપ વગરની નગરી એટલે નામ અપાપાપુરી. પછીથી તેનું નામ પાવાપુરી થયું.

જ્ઞાનપિયાસી

===========

પાવાપુરીએ મહાવીર પ્રભુનું વિશ્વ વંદનીય નિર્વાણ કલ્યાણક છે.

પરંતુ પ્રભુનાં ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણક ના પૂજનીય સ્થળોની આપણને ઓછી માહીતી છે. આ પવિત્ર સ્થળો એ શ્રદ્ધાળુઓ ની ઓછી ભીડ હોય છે.

એક જમાનામાં જે લિચ્છવીઓની રાજધાની ગણાતું હતું તે લછવાડની નજીક મહાવીરપ્રભુના ત્રણ કલ્યાણક, ચ્યવન, જન્મ અને દીક્ષા ના આવેલા છે.

ત્યાંનું શિખરબંધી જિનાલય સં 1931 માં રાવ બહાદુર ધનપતસિંહે બંધાવ્યું છે.

લછવાડ થી 5 કિલોમીટરની દૂરી પર ક્ષત્રિયકુંડની તળેટી આવેલી છે. ક્ષત્રિયકુંડ તીર્થ પહાડ પર છે. આગળ જતાં ‘બહુવાર’ નામની નદી વારંવાર ઓળંગવી પડે છે.

આ પહાડ ની તળેટીમાં બે નાના જૈન મંદિરો છે. એક ચ્યવન અને બીજું દીક્ષા કલ્યાણકનું.

પ્રભુની દીક્ષા જ્ઞાતખંડવનમાં થઈ હતી.

આ સ્થાનને હાલ કુંડેઘાટ કહે છે.

બંને મંદિરમાં પ્રભુની પ્રાચીન ચરણ પાદુકાઓ છે.

તળેટીથી ઉપર ચઢાણ ચઢતાં વચ્ચે સાત પહાડીઓ વટાવવી પડે છે. આ ચઢાણ પછી પ્રભુની અપ્રિતમ પ્રતિમાના દર્શન થશે.

એવું કહેવાય છે કે આ પ્રતિમા રાજા નંદિવર્ધને ભરાવી છે.

આપણા શાસ્ત્રો આ સ્થાનને ક્ષત્રિયકુંડ કહે છે તેને અહીંના સ્થાનિક લોકો ‘જન્મસ્થાન’ કહે છે.

ક્ષત્રિયકુંડ થી બે ગાઉ દૂર બ્રાહ્મણકુંડ ગામ આવેલું છે જેને લોકો માહણકુંડ કહે છે. આ એ જગ્યા છે જ્યાં દેવાનંદાની કુક્ષિમાં પ્રભુનું ચ્યવન થયેલ.

દીક્ષા લીધા બાદ પ્રભુ જે જે ગામે વિચર્યા હતા તે કુમારગામ, મોરાક સંનિવેશ, કોલ્લાગ, સંનિવેશ વગેરે ગામોનાં નામો આજે પણ તેના તે જ છે

જ્ઞાનપિયાસી

=======

શત્રુંજય દાદાના દરબારમાં આવ્યા બાદ બે પ્રદક્ષિણા પુરી કરી ને હવે ત્રીજી પ્રદક્ષિણા શરૂ કરાય.

પ્રથમ પાંચ ભાઈ ના જિનાલય ના દર્શન થશે. આગળ જતા માકુભાઈ શેઠે બનાવેલ ત્રણ ગઢ વાળા આરસ ના મેરુ પર્વતના દર્શન થાય.

આગળ જતા રાવણ વીણા બજાવે ને મંદોદરી નૃત્ય કરે છે તેવા અષ્ટાપદજીના જિનાલય ના દર્શન થશે.

આગળ રાયણવૃક્ષ આવશે. આ વૃક્ષ શાશ્વત ગણાય છે કારણ એ વૃક્ષ ની નીચે જ આદિશ્વરદાદા સમોસર્યા હતા.

હજુ આગળ જતા રાયણપગલાં એ પહોંચાશે. ગિરિરાજ ઉપર તીર્થંકર પરમાત્માનું સમવસરણ આ જ રાયણવૃક્ષ નીચે રચાય છે. આ સ્થાનની પ્રતિષ્ઠા પણ કર્માશા એ કરાવી છે.

પાછળની ભમતીમાં નમી-વિનમી નું અદભુત શિલ્પ છે. ત્યાં દીવો કરીને જુઓ તો નમી-વિનમી ની તલવારમાં બંને બાજુ પ્રભુ નું પ્રતિબિંબ દેખાશે. ત્યાંજ ભરત-બાહુબલીની પ્રતિમા, બ્રહ્મચર્ય તપસ્વી વિજય શેઠ ને વિજયા શેઠાણીની પ્રતિમા ને ચૌદ રત્નના દેરાસર ના દર્શન થશે.

થોડા આગળ વધતા દાદા ની ટૂંક જેવી જ અલૌકિક નવી ટૂંક ને પછી રામજી શ્રાવકે બાંધેલ ચૌમુખજીના જીનાલયને દર્શન થશે.

એક વાત નોંધીએ કે પહેલી પ્રદક્ષિણા કરતા બીજી ને બીજી કરતા ત્રીજી પ્રદક્ષિણા વધુ લાંબી છે.

જ્યારે ગિરિરાજ ચઢતા હનુમાનધારાથી નવ ટૂંક થઈને ન જતા ને સીધા દાદાના દરબાર માં પહેલી ટૂંકે જતા રહેવાથી નવ ટૂંકો ના અનેક પવિત્ર સ્થાનોના દર્શન થી વંચિત રહી જવાશે. તેજ રીતે દાદા ના દરબારમાં દર્શન કરીને ત્રણ પ્રદક્ષિણા નહીં દેવાય તો પણ અનેક પવિત્ર સ્થળોના દર્શન વંદન ના લાભ થી વંચિત રહી જવાશે.

જ્ઞાનપિયાસી

========

શત્રુંજય પર બિરાજમાન શ્રી આદિશ્વરદાદાની પ્રતિમાની નાસીકા પછીથી મોતીની કેમ બની?

દાદાના દરબારમાં પહોંચી પહેલી પ્રદક્ષિણા આપણે પુરી કરી.

બીજી પ્રદક્ષિણા સીમંધરસ્વામીના જીનાલયની સામે આવેલા નવા આદિશ્વરદાદાના જીનાલયથી શરૂ થશે.

આ જીનાલયનો ઇતિહાસ રૂંવાડા ખડા કરીદે તેવો છે. આ જિનાલય બનાવ્યુતો વસ્તુપાળ તેજપાળે ને પ્રતિમાંઓ ભરાવી સુરતના તારાચંદ શેઠે અનાયાસે જ્યાં પૂર્વે અન્ય ભગવંતો બિરાજમાન હતા.

બન્યું કાંઈક એવું કે અઢારમાં સૈકામાં એક વખત વરસાદ ની સખત રમઝટ બોલી ને સાથે વીજળી ના કડાકા ને ભડાકા થયા.

વીજળીનો એક લિસોટો દાદાના શિખરને વીંધીને દાદાના બિંબની નાસીકા ને ઘસરકો કરીને જમીનમાં ઉતરી ગયો. આદિશ્વરદાદાનું બિંબ થોડું ક્ષતિગ્રસ્ત થયું. જૈન સમુદાયમાં હાહાકાર મચી ગયો.

ટ્રસ્ટીઓની તુરંત મિટિંગ થઈ ને નક્કી થયું દાદાની નવી પ્રતિમાનો ચડાવો બોલાવી નવું બિંબ ભરાવવું.

ક્ષતિગ્રસ્ત થયેલી અલૌકિક પ્રતિમા કર્માશાએ સં. 1587 માં ભરાવેલી. આ પ્રતિમા બનાવવાનો આરસ વસ્તુપાળે આપેલ હતો.

નવી પ્રતિમા ભરાવવા માટે લાખોની ઉછામણી થઈને આદેશ સુરતના તારાચંદશેઠ ને મળ્યો. તેઓએ વિધિપૂર્વક સુરતમાં નવા આદિશ્વરદાદા, બે કાઉસ્સગિયા પ્રભુ તથા ચરણ પાદુકા ખૂબ ભાવથી તૈયાર કરાવી ગિરિરાજ ઉપર લઈ પણ આવ્યા.

હવે ચમત્કાર થયો. કર્માશા એ સં 1587 માં ભરાવેલા શ્રી આદિશ્વરદાદા ની પ્રતિમા ખસેડવા શિલ્પીઓ ગભારામાં દાખલ થયા તો એવો જોરદાર અવાજ થયો કે બધા મુઠ્ઠી વાળીને બહાર ભાગી આવ્યા. “ના” “ના” ના અવાજો થી ગભારો ગાજી ઉઠ્યો. સંઘે વિચાર્યું બીજું કોઈ મુહૂર્ત જોઈશું.

દરમ્યાનમાં તારાચંદશેઠને અને પૂજારીજીને ચકકેશ્વરીદેવીએ રાત્રે સ્વપ્નમાં આવી આ કર્માશા એ ભરાવેલું બિંબ ખુબજ પ્રભાવવંતુ છે માટે ખસેડવાની ના કહી. સંઘને વાત કરવામાં આવી.

સંઘે ખુબજ જહેમત લઈ એ પ્રાચીન પ્રતિમાની ક્ષતિગ્રસ્ત નાસીકા ને અત્યંત કાળજીથી મોતીઓનો લેપ કરાવી ક્ષતિ દૂર કરી.

આજે આપણે જે મૂળનાયક શ્રી આદિશ્વરદાદા ની પ્રતિમાના દર્શન કરીએ છીએ તે બિંબ કર્માશા એ 487 વર્ષ પહેલાં ભરાવ્યું તે જ છે. નાસીકા પાછળથી મોતીઓના લેપ થી શણગારેલી છે.

આપણી લગભગ 20 પેઢી થી આ નયનરમ્ય ને અલૌકિક મૂર્તિના દર્શન નો લાભ આપણને મળી રહ્યો છે.

તારાચંદશેઠ ઉછામણી બોલી જે પ્રતિમાંઓ પધરાવવા લાવ્યા હતા તે વસ્તુપાળ તેજપાળ ના જિનાલયમાં પધરાવવામાં આવી. આથી આ જિનાલય નવા આદિશ્વરદાદા નું જિનાલય કહેવાયું જેના દર્શન કરી, લટવાળા પ્રભુના દર્શન, બીજા બે જીનાલયને દર્શન કરતા બીજી પ્રદક્ષિણા પુરી થશે.

ત્રીજી પ્રદક્ષિણાની વાત અવસરે.

જ્ઞાનપિયાસી

======

ગિરિરાજ પર જઇ દાદાના દરબાર માં દર્શન કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા ન આપીએ તો શુ ગુમાવીએ છીએ તેની આ વાત છે.

સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્ર રૂપી ત્રણ રત્નોને મેળવવા ત્રણ પ્રદક્ષિણા દેવાય છે.

શ્રી દાદાના દરબાર માંથી ડાબીબાજુથી બહાર નીકળી પ્રથમ પ્રદક્ષિણા શરૂ કરો તો સહસ્ત્રફુટ મંદિર માં 1024 જિનેશ્વરો ને વંદન થશે. આવુ જિનાલય વિશ્વ માં એકજ છે.

1024 જિનેશ્વર કેવી રીતે તેની ગણતરી પણ આપણા પૂજ્ય ગુરુભગવંતો એ કેટલી બારીકાઈથી કરી છે તે જાણીએ.

પાંચ ભરતક્ષેત્ર ને પાંચ ઐરાવતક્ષેત્ર, દરેક કાળે ચોવીસ તેથી 10*24=240 વર્તમાનકાળના, 240 ગત ચોવીશી ના ને 240 આવતી ચોવીશી ના ભગવાન તેથી કુલ 720 થાય.

પાંચ મહાવિદેહક્ષેત્ર, દરેક ના 32 વિભાગ માટે 32*5= 160 ભગવાન. વળી આ દરેક ક્ષેત્ર માં સદેહે વિચારતા 4*5=20 વિરહમાન ભગવાન

દરેક ભગવાનના 5 કલ્યાણક માટે 24*5=120 ભગવાન

4 શાશ્વતા જિન, ઋષભ, ચંદ્નાનન, વારીશેણ અને વર્ધમાન સ્વામી

(720+160+20 +120 +4=1024 ભગવાનને એક સાથે વંદન ને દર્શન થાય.)

હજી આગળ જતા રાયણ પગલાના દર્શન થઈ શકશે. પછી આગળ જતા કુલ 24 તીર્થંકરોના 1452 ગણધર હતા તેમને વંદન થશે જે વિશ્વમાં બીજે ક્યાંય નહીં થાય.

હજુ પ્રથમ પ્રદક્ષિણામાં આગળ જતાં ઐતિહાસિકવસ્તુપાળ તેજપાળે બનાવેલ સીમંધરસ્વામીના જીનાલયના દર્શન થશે.

અહીં એક વાત જાણવા માટે લઈએ કે ત્યાંના લેખ માં લખ્યા પ્રમાણે અહીં પ્રતિમા આદેશ્વરદાદા ની છે પણ કેમ તે કોઈને જાણ નથી પરંતુ આ પ્રતિમા સીમંધરસ્વામી તરીકે પૂજાય છે જેઓ મહાવિદેહક્ષેત્ર માં સદેહે વિચરી રહ્યા છે.

બીજી ને ત્રીજી પ્રદક્ષિણાની અદભુત વાત અવસરે.

જ્ઞાનપિયાસી

===========

1. “કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ.

2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય.

3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.

4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.

5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો.

6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.

7. કોઈને મહેણું ક્યારેય ન મારો.

8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી.

9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં.

11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો.

12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.

13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ.

14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં.

15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો.

16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.

17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.

18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો.

19. તમને ન પોષાય તો પણ વારંવાર કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.

20. કોઇપણ કોર્ટ કેસથી હજારો જોજન દૂર રહો.

21.ગોસિપ, નિંદા, જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.

22. જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.

23. રવિવારે પણ થોડું કામ કરવાનું રાખો.

24. પત્તા રમીને સમય વેડફો નહીં. નહિતર સમય તમને વેડફી નાખશે.

25. રસોડામાં ધોયા વિનાના વાસણો મૂકીને રાત્રે ઊંધી જવું નહીં.

26. લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.

27. અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.

28. ક્યારેક હારવાની પણ તૈયારી રાખો પણ જીતવા માટે હમેશા પ્રયાસ કરો.

29. મા-બાપ, પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.

30. ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિ ભર્યા અવાજે વાત કરો.

31. વાતચિતમાં શબ્દો વાપરતી વખતે કાળજી રાખો.

32. બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.

33. બીજાની બુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.

34. દિવસની શરુઆત કરો ત્યારે હમેશા નીચેના ૫ વાક્યો બોલો
1. I am the BEST
2. I can do it
3. GOD is always with me
4. I am a WINNER
5. Today is my DAY

35. ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.

36. તમારી ઓફિસે કે ઘરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.

37. મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.

38. ગંભીર બિમારીમાં ઓછામાંઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.

39. શારીરિક ચુસ્તી કોઇપણ હિસાબે જાળવો.

40. બચત કરવાની શિસ્ત પાળો.

41. જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ના કરો.

42. ઉત્સાહી અને વિધેયાત્મકવિચારો ધરાવતી વ્યકિત બનાવાનો પ્રયત્નકરો.

43. સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેેને ઉષ્મા પૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં.

44. કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં..

45. ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.

46. ધરમાં એક સારો જોડણીકોશ વસાવો.

47. વરસાદ પડતો હોય ત્યારે ગાડીની હેડલાઇટ ચાલુ રાખો.

48. ઘર પોષાય એટલી કિંમતનું જ લેવું.

49. બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા.

50. મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જમારવાનો અને જોરદાર મારવાનો.

51. ભાષણ આપતાં પહેલાં ભોજનકરવું નહીં.

52. મત તો આપવો જ.

53. સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ(વાજિંત્રમા વ્હીસલનો સમાવેશ થતો નથી).

54. જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો.

55. જિંદગી ખુશી ખુશી થી જીવો, પ્રેમથી જીવો, ગરીબ ની સેવા કરો ઈશ્વર રાજી થશે….

જ્ઞાનપિયાસી 

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi