આરાધના અને પ્રભાવ

1. નવકાર મહામંત્ર એ ચૌદ પૂર્વનો સાર છે, અચિંત્ય, ચિંતામણિ છે, દુનિયાની અકસીર ઔષધિ છે અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મહામંત્ર છે.

 

2. નવકાર મહામંત્ર એ એક શાશ્વત સૂત્ર છે. દરેક ગણધર ભગવંતો અલગ અલગ સૂત્રની રચના કરે છે. એટલે અર્થની અૈક્યતા છતાં સૂત્રની ભિન્નતા હોય છે. ‘નવકાર’, ‘કરેમિ ભંતે’ અને ‘નમુત્થુણં’ આ ત્રણ સૂત્રો શાશ્વત છે, કાયમી છે, ત્રણે કાળમાં હતા અને રહેશે.

 

3. નવકારની વિશેષતા એ છે કે તેમાં વ્યક્તિને નમસ્કાર નથી. ગુણસભર વ્યક્તિઓની જાતિને–સમૂહને નમસ્કાર છે. અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ… આ બધી ગુણાત્મક અભિવ્યક્તિઓ છે. ‘નમો અરિહંતાણં’ પદ દ્વારા નમસ્કાર એક કરવાનો… અને આ એક નમસ્કાર પહોંચે અનંતા અરિહંતોને… લાભ અનંતા અરિહંતોનો નમસ્કારને મળે… સસ્તુ ભાડું અને સિદ્ધગીરીની યાત્રા જેવી આ વાત છે !

 

4. અરિહંતાદિ પાંચેયને ‘પરમેષ્ઠિ’ કહેવાય છે… પરમ એટલે શ્રેષ્ઠ. આવા શ્રેષ્ઠ પદ પર રહેલા હોય તે ‘પરમેષ્ઠિ’. આવી ઉચ્ચતમ વ્યક્તિઓને નમસ્કાર થાય તે આપણને કેટલું ગેબી ફળ આપે ! વ્યક્તિ જેટલી ગુણમહાન તેને નમસ્કારનું ફળ પણ એટલું જ ઊંચુ.

 

5. નમસ્કાર મહામંત્રની શરૂઆતમાં જ ‘નમો’ પદ મુકાયું. ‘અરિહંતાણં નમઃ’ ન કહેતા ‘નમો અરિહંતાણં’ કહ્યું. તેની પાછળ ર્ગિભત રહસ્ય છે. ‘નમો’ એટલે ‘નમવું’. મન–વચન–કાયાથી નમવું, ખરા દિલથી, હૃદયથી નમવું.

 

6. હા ! નમવું સહેલું નથી, અહંકારની અક્કડ દિવાલ તોડવી પડે, જેને નમન કરાય છે તે મહાન છે. હું અધમ છું, તે ગુણસંપન્ન છે. હું પાપસભર છું, તે પૂણ્યસંપન્ન છે. હું પાપ સભર છું, તે પૂણ્યસંપન્ન છે. આવો આંતર સ્વીકાર કરવો પડે તો જ નમી શકાય. બુદ્ધિને બાજુએ મૂક્યા વિના અને શ્રદ્ધાનો સથવારો લીધા વિના ‘નમન’ શકય નથી. ‘નમસ્કાર’ એટલે સર્વસ્વનું શ્રદ્ધાપૂર્વક સમર્પણ. ‘નમસ્કાર’ એટલે આપણા દોષોનો આવિષ્કાર અને નમસ્કરણીય અરિહંતાદિના ગુણોનો સ્વીકાર. જે નમે છે તે જ મહાનતાના શિખરો સર કરી શકે છે. માટે જ નમસ્કાર મહામંત્રમાં પ્રથમ ‘નમો’ પદ મૂક્યું છે. સાધનાની શરૂઆત નમ્રતાથી જ થાય છે.

7. હવે સવાલ એ થાય છે કે અરિહંતાદિ પંચ પરમેષ્ઠિને શા માટે નમવાનું ? તેનો જવાબ છે : અરિહંતાદિ બનવા માટે, અને જયાં સુધી ‘પરમેષ્ઠિ’માં સ્થાન ન મળે ત્યાં સુધી તેમના જેવા ગુણોની આંશિક પણ પ્રાપ્તિ થતી રહે તે માટે નમવાનું છે.

 

8. નિયમ જ છે ‘જેને નમો તેના જેવા બનો’, વાસ્તવમાં, નમસ્કાર કોઈ વ્યક્તિને નથી પણ તેના આંતરગુણોની ખીલાવટને છે. એટલે નમસ્કાર દ્વારા ગુણોની અનુમોદના થઈ. જે વ્યક્તિના જે ગુણની અનુમોદના થઈ તે ગુણ આપણામાં ઓછે વત્તે અંશે આવ્યો જ સમજો. અરિહંતો પ્રચંડ પુણ્યના આસામી છે, આઠ પ્રાતિહાર્યથી શોભાયમાન છે. ૩૪ અતિશય અને ૩પ ગુણસંપન્ન વાણીના ધારક છે. સિદ્ધો પરમ વિશુદ્ધિના સ્વામી છે, અનુપમ શાશ્વત સુખના ભોક્તા છે, જન્મ–જરા, મરણ–રોગ, શોક, દુઃખ વગેરેથી મુક્ત છે.

 

9. આચાર્ય ભગવંતો વિશુદ્ધ કોટીના આચાર સંપન્ન છે, શાસનના નેતા છે, રક્ષક છે. ઉપાધ્યાય ભગવંતો સ્વયં વિદ્વાન હોય છે. સાધુઓના જીવનને જ્ઞાન અને આચાર દ્વારા તેઓ ઘડે છે. સમુદાયને–ગચ્છને આરાધનાથી ધબકતું રાખવામાં તેમનો સિંહફાળો છે.

 

10. સાધુ ભગવંતો સ્વયં વિદ્વાન હોય છે. સાધુઓના જીવનને જ્ઞાન અને આચાર દ્વારા તેઓ ઘડે છે. સમુદાયને–ગચ્છને આરાધનાથી ધબકતું રાખવામાં તેમનો સિંહફાળો છે. સાધુ ભગવંતો કુસંસ્કારોને તોડવાની ઘોર સાધના કરે છે. ઈચ્છાઓ પર કાબૂ મેળવવાની અને બધાનું બધું સહન કરવાની અનુપમ સાધના કરે છે.

 

11. આ પાંચે ‘પરમેષ્ઠિ’ જગતના સર્વશ્રેષ્ઠ તત્ત્વરૂપ છે, સર્વોચ્ચ સ્થાને બિરાજે છે, પરમ પવિત્ર છે, શ્રેષ્ઠ ઉપાશ્ય છે, સર્વમંત્રમય છે, સર્વતંત્રમય છે, સર્વોષધિરૂપ છે અને પરમ મંગલસ્વરૂપ છે. આ પાંચે પરમેષ્ઠિને કરેલો નમસ્કાર જન્મોજન્મના પાપોના ખુડદા બોલાવી દે છે ! ભવોભવનાં કર્મોના કચ્ચરઘાણ કાઢે છે ! અને દુઃખમુક્તિ અપાવે છે !

 

12. આત્માની શુદ્ધિ માટે અરિહંતનું શરણ સ્વીકારવાનું છે, રાગ દ્વેષને જીવતા સિદ્ધોનું શરણ લેવાનું છે. સંયમમાં શૂરા બનવા માટે અર્થાત્ પવિત્રતાને અખંડિત રાખવા માટે સાધુના શરણને અપનાવવાનું છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે : ‘નમસ્કારસમો મંત્ર ન ભૂતો ન ભવિષ્યતિ’ અર્થાત નમસ્કાર જેવો કોઈ મંત્ર થયો નથી અને થવાનોય નથી. આજે કાળ વિષમ છે, પુણ્ય ઘટ્યા છે. વિશ્વની, રાષ્ટ્રની, સમાજની, કુટુંબની પરિસ્થિતિઓ કલ્પી ન શકાય એટલી હદે વણસી છે. દરેકના મનમાં અશાંતિ અને ઉકળાટના જ દર્શન થાય છે. દિવસે દિવસે ર્આિથક ભીંસનો ગાળિયો વધુ મજબૂત થતો જાય છે. કારમી મંદીએ પોતાનો પંજો ફેલાવ્યો છે. મોંઘવારીએ માજા મૂકી છે. ડગલે ને પગલે વિઘ્નો આડખીલીરૂપ બને છે. જયાં જઈએ ત્યાં એક માત્ર ‘નિષ્ફળતા’ જ આગળ આવીને ઊભી રહે છે. એક સંધાય ત્યાં તેર તૂટે છે, સગા અને વ્હાલાઓ પણ વિમુખ થતાં જાય છે. સર્વોતોવ્યાપી આવી વિકટ પરિસ્થિતિમાંથી કોણ બચાવશે ? કહેવું જ પડશે… એક માત્ર નવકાર જ આ બધી વિટંબણાથી આપણને બચાવશે. જેના હૃદયમાં ‘નવકાર’ છે તેને કોઈ ભય નથી, દુઃખ નથી, આફત નથી, વિઘ્નો કે અંતરાયો નથી. કેટલાય જૈનેતરો પણ પોતાની સાધનાના કેન્દ્ર નવકારને સ્થાન આપતા જોયા છે, અનુભવ્યા છે.

13. નવકાર મહામંત્રની સાર્થકતા, નવકાર એ મહામંત્ર છે કારણ કે –
(૧) એનાથી અધોમુખી બુદ્ધિ ઊર્ધ્વમુખી બને છે.
(ર) તૃપ્તિ નહિ, ઈચ્છાનો અભાવ થાય છે.
(૩) સુખ–દુઃખની કલ્પનામાં પરિવર્તન થાય છે.
(૪) માર્ગ ઉપલબ્ધ થાય છે. (માર્ગ મળે છે)
(પ) ચેતના, આનંદ અને શક્તિનો સમન્વિત વિકાસ થાય છે.

14. કહેવાય છે કે, નમસ્કાર મહામંત્ર ચૌદ પૂર્વોનો સાર છે. વિશ્વની બધી જ શાબ્દિક વિશિષ્ટતાઓ જ્ઞાનરાશિ ચૌદ પૂર્વોમાં સમાઈ જાય છે. આટલા મોટા સમુદ્રનું અવગાહન કરવું તે કોઈ નાની સૂની વાત નથી. તેથી આ મહાસાગર કહેવાય છે. આ મંત્ર જ નહિ મહામંત્ર છે. તેને મહામંત્ર કેમ કહેવાય છે, તે મહામંત્રને આપણે સમજવો છે. નમસ્કાર મહામંત્ર એટલા માટે છે કે તે આત્માનું જાગરણ કરે છે. આપણી અધ્યાત્મયાત્રા તેનાથી પૂર્ણ થાય છે. તે કોઈ કામના ર્પૂિતનો મંત્ર નથી. કામનાર્પૂિતના મંત્ર અનેક પ્રકારના હોય છે, જેવા કે સરસ્વતી મંત્ર, લક્ષ્મી મંત્ર, રોગનિવારણ મંત્ર, સર્પદંશમુક્તિ મંત્ર વગેરે. જે રીતે માંદગીઓ માટે ઔષધીઓનું નિર્માણ થયું, તેવી જ રીતે રોગ– નિવારણને માટે મંત્રોની સંરચના થઈ. જેટલી બીમારીઓ તેટલી જ ઔષધીઓ. કામનાના જેટલા સ્ત્રોત એટલા જ મંત્રો. નમસ્કાર મહામંત્ર કામનાર્પૂિતનો મંત્ર નથી, પરંતુ તે એ મંત્ર છે કે જે કામનાને સમાપ્ત કરી શકે છે. બહુ જ મોટું અંતર છે. એક મંત્ર હોય છે કામનાની ર્પૂિત કરનાર અને એક મંત્ર હોય છે કામનાને નષ્ટ કરનાર. એક મંત્ર હોય છે ઈચ્છાની પૂર્તિ કરનાર અને એક મંત્ર હોય છે ઈચ્છાને મિટાવી દેનાર. બંનેમાં બહુ મોટું અંતર છે. કામનાપૂર્તિ અને ઈચ્છાર્પૂિતનું સ્તર બહુ જ નીચે રહી જાય છે. જયારે મનુષ્યની ઊર્ધ્વ ચેતના જાગૃત થાય છે ત્યારે તેને એ સ્પષ્ટ સમજાઈ જાય છે કે, સંસારની સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ તે છે, કે જેનાથી કામના અને ઈચ્છાનો અભાવ થઈ શકે. કામનાની ર્પૂિત અને કામનાનો અભાવ બે અલગ અલગ વાતો છે. બંને વચ્ચે ઘણું અંતર છે.

15. મને એક વાર્તા યાદ આવે છે. બહુ જ ર્માિમક છે. એક માણસ સંન્યાસી પાસે જઈને બોલ્યો, ‘બાબા ! બહુ જ ગરીબ છું. કંઈક આપો.’ સંન્યાસીએ કહ્યું ‘હું અકિંચન છું. હું તને શું આપી શકું ? મારી પાસે હવે કંઈ પણ નથી.’

 

16. સંન્યાસીએ બહુ ના કહી, પણ તે ન માન્યો. ત્યારે બાબાએ કહ્યું, ‘જા નદી કિનારે પારસનો એક ટુકડો પડ્યો છે એને લઈ જા. મેં એને ફેંકી દીધો છે. એ ટુકડાથી લોઢું સોનું બની જાય છે.’

 

17. તે દોડતો દોડતો નદીકિનારે ગયો. પારસનો ટુકડો ઉઠાવી લાવ્યો. બાબાને નમસ્કાર કરીને ઘર તરફ ચાલ્યો. સો ડગલાં ગયો હશે ને મનમાં વિકલ્પ ઉઠ્યો અને તે એજ પગલે સંન્યાસીની પાસે આવીને બોલ્યો–

 

18. ‘બાબા – આ લો, તમારો પારસ, મારે નથી જોઈતો.’ સંન્યાસીએ પૂછયું, ‘કેમ ? આ કેવું પરિવર્તન ! જે ધન માટે લલચાતો હતો તે પારસ જેવા મહાધનને ઠુકરાવી રહ્યો છે, ધનના મહાસ્ત્રોતને ઠુકરાવી રહ્યો છે ! બે ચાર ક્ષણોમાં જ શું થઈ ગયું ? તેણે કહ્યું, ‘બાબા ! જે મેળવીને તમે પારસને ઠુકરાવી દીધો તે મારે જોઈએ છે. પારસથી પણ તે કિંમતી છે, તે મને આપો.’

 

19. જયારે વ્યક્તિમાં અંતરની ચેતના જાગી જાય છે ત્યારે તે કામનાર્પૂિતની પાછળ નથી દોડતો, ત્યારે તે ઈચ્છાર્પૂિતનો પ્રયત્ન નથી કરતો. તે એ વાતની પાછળ દોડે છે, તે એ મંત્રની શોધ કરે છે જે કામનાઓને કાપી નાખે, એના સ્ત્રોતને જ સૂકવી નાખે ! એને એ મંત્ર જોઈએ જે ઈચ્છાઓનો અભાવ પેદા કરે, ઈચ્છાના સ્ત્રોતને નષ્ટ કરી નાખે. નમસ્કાર મહામંત્ર એટલા માટે છે કે તેનાથી ઈચ્છાની ર્પૂિત નથી થતી પરંતુ ઈચ્છાનો સ્ત્રોત જ સુકાઈ જાય છે. જયાં બધી ઈચ્છાઓ સમાપ્ત, બધી કામનાઓ સમાપ્ત, જયાં વ્યક્તિ નિસ્પૃહી અને નિષ્કામ બની જાય છે અને કામનાઓના ધરાતલથી ઉપર ઉઠી જાય છે. ત્યાં એનું અર્હત સ્વરૂપ જાગે છે. નમસ્કાર મહામંત્રનું આ પ્રયોજન છે અને એ એટલા માટે જ તે કેવળ મંત્ર જ નહિ મહામંત્ર છે.

20.નમસ્કાર મહામંત્રથી ઐહિક કામનાઓ પણ પૂરી થાય છે, પરંતુ તે તેનો મૂળ હેતુ નથી, મૂળ પ્રયોજન નથી. એની સંરચના કેવળ અધ્યાત્મ–જાગરણને માટે થયેલી છે, કામનાઓની સમાપ્તિ માટે થઈ છે. એ એક તથ્ય છે કે જયાં મોટી ઉપલબ્ધિ હોય છે, ત્યાં આનુષંગિક રૂપમાં અનેક નાની ઉપલબ્ધિઓ પણ આપોઆપ થઈ જતીહોય છે. નાની ઉપલબ્ધિમાં મોટી ઉપલબ્ધિ નથી હોતી, પરંતુ મોટી ઉપલબ્ધિમાં નાની ઉપલબ્ધિ સહજ હોય છે. કોઈ વ્યક્તિ લક્ષ્મીના મંત્રની આરાધના કરે છે તો તેનું ધન વધે છે. પરંતુ અધ્યાત્મનું જાગરણ કે આત્માનું ઉત્થાન નહિ થાય, કારણ કે નાની ઉપલબ્ધિમાં મોટી ઉપલબ્ધિ નથી મળતી. જે વ્યક્તિ માોટી ઉપલબ્ધિને માટે ચાલે છે, તેને રસ્તામાં નાની નાની અનેક ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે.

21. રાજાને ચાર રાણીઓ હતી. રાજા વિદેશ ગયા હતા. જયારે તેમને પાછા વળવાનો સમય થયો ત્યારે રાણીઓએ વિદેશથી કેટલીક વસ્તુઓ મંંગાવી. એક રાણીએ હાર, બીજીએ કંગન, ત્રીજીએ નુપૂર મંગાવ્યા. પત્ર લખી નાખ્યા. ચોથીએ પોતાના પત્રમાં લખ્યું, ‘મને આપના સિવાય બીજું કાંઈ નથી જોઈતું.’ રાજા આવ્યા, ત્રણેય રાણીઓને પોતપોતાની વસ્તુઓ આપી અને ચોથી રાણીને પોતાનું બધું જ આપી દીધું.’ રાજાએ કહ્યું, ‘કોઈને બંગડીઓ તો કોઈને નુપૂરની જરૂરત હતી. મેં તેમની જરૂરિયાત પૂરી કરી દીધી. ચોથી રાણીને મારી જરૂર હતી. તેને હું મળી ગયો. સાથે મારું જે કંઈ છે તે પણ તેને સહેજે મળી ગયું.’

22. વ્યક્તિ બહુ જ નાની નાની માગણીઓ કરે છે. તેને થોડું મળી જાય છે. પરંતુ જયારે માંગ બહુ જ મોટી હોય છે. ત્યારે નાની માગણીઓ તો આપોઆપ પૂરી થઈ જાય છે.

 

23. આ નમસ્કાર મંત્ર મહામંત્ર એટલા માટે છે કે એની સાથે કોઈ માગણી જોડાયેલી નથી, તેની પાછળ કોઈ કામના નથી. તેની સાથે જોડાયેલ છે– કેવળ આત્માનું જાગરણ, ચૈતન્યનું જાગરણ, આત્માના સ્વરૂપનું ઉદ્ઘાટન અને આત્માનાં આવરણોનો વિલય. જયારે આત્મસાક્ષાત્કાર અને પરમાત્મા બનવાની માંગ પૂરી પડે છે ત્યારે સહવર્તી અનેક ઉપલબ્ધિઓ સ્વયં આવીને મળે છે. જે વ્યક્તિને પરમાત્મા મળી ગયા, જે વ્યક્તિને આત્મજાગરણ પ્રાપ્ત થઈ ગયું તેને સર્વ કાંઈ મળી ગયું. કઈ પણ મેળવવાનું બાકી ન રહ્યું.

 

24. નમસ્કાર મહામંત્રની સાથે કોઈ નાની માંગ જોડાયેલી નથી. તેની સાથે જોડાયેલ છે કેવળ ચૈતન્યનું જાગરણ. સૂતેલું ચૈતન્ય જાગી જાય, સૂઈ ગયેલા પ્રભુ જે આપણી અંદર છે તે જાગી જાય, પોતાના પરમાત્મા જાગી જાય જયાં આટલી મોટી સ્થિતિ પ્રાપ્ત થાય છે ત્યાં સાથે સાચ તે મંત્ર મહામંત્ર બની જાય છે.

 

25. નમસ્કાર મહામંત્રના પાંચેય પદોમાં પાંચ પરમ આત્માઓ જોડાયેલા છે. કોઈ અલ્પશક્તિ જોડાયેલી નથી. વિશ્વની પાંચ મહાશક્તિઓ તેની સાથે જોડાયેલી છે. કેવળ આત્મા અને કેવળ પરમાત્મા તેની સાથે જોડાયેલ છે. અર્હત્ પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા છે. આચારની ગંગામાં અવગાહન કરનાર અને એવા નંદન વનમાં રહેનાર જેની આસપાસ સૌરભ ફૂટે છે, તે પરમ આત્માનું જાગરણ કરનારા આચાર્યો તેની સાથે જોડાયેલા છે. સમગર શ્રુતજ્ઞાનના ભંડારની અવગાહના કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા ઉપાધ્યાયો તેની સાથે જોડાયેલા છે સાધુઓ અને સાધકો, જેઓ આત્માના સમસ્ત આવરણોને દૂર કરીને પરમાત્માનો સાક્ષાત્કાર કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વના બધા જ પવિત્ર આત્માઓ કોઈ સંપ્રદાયના નથી, કોઈ વિશેષ ધર્મના નથી, કોઈ જાતિના નથી, બધાના છે અને તે બધા તેની સાથે જોડાયેલા છે.

26. નમસ્કાર મહામંત્રમાં સમગ્ર માર્ગ સમાયેલો છે. મોક્ષમાર્ગના ચાર ચરણ છે– સમ્યગ્જ્ઞાન, સમ્ગ્ગ્દર્શન, સમ્યગ્ચરિત્ર અને સમ્યગ્તપ. અર્હત્ આ ચતુષ્ટયીનું સમન્વિત રૂપ છે. તેઓ માર્ગ છે. અર્હતનું સ્વરૂપ છે– અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચરિત્ર. અર્થાત્ અનંત આનંદ અને અનંત શક્તિ. ચારિત્ર અને આનંદ એક છે, સાધનાકાળમાં જે ચારિત્ર હોય છે. તે સિદ્ધકાળમાં આનંદ બની જાય છે. બંનેમાં કોઈ અંતર નથી. આ છે અહર્તનું સ્વરૂપ અને આ છે મોક્ષનો માર્ગ. આ નમસ્કાર મહામંત્રમાં માર્ગનું રહસ્ય છુપાયેલું છે. આપણી અધ્યાત્મ–યાત્રાનો સમગ્ર માર્ગ એમાં છુપાયેલો છે. આ મંત્ર માર્ગદાતા છે, એટલા માટે એ મહામંત્રની કોટિમાં આવે છે.

27. નમસ્કાર મંત્ર મહામંત્ર છે તેનું ત્રીજું કારણ છે– દુઃખમુક્તિનું સામર્થ્ય. માણસનો બધો જ પુરૂષાર્થ દુઃખને મટાડવા અને સુખને મેળવવા માટેનો હોય છે. જેટલો પુરૂષાર્થ, જેટલી પ્રવૃત્તિ, જેટલી ચેષ્ટા અને જેટલી સક્રિયતા છે, તે બે વાતો સાથે જોડાયેલી છે : પહેલી વાત છે સુખને મટાડવું અને બીજી વાત છે સુખ પ્રાપ્ત કરવું.

 

28. એક વાત છે. ખરાબ વસ્તુ છૂટી જવાથી માણસને સુખ જ થાય છે, એવું નથી. ખરાબ વસ્તુ છૂટી જવાથી માણસને દુઃખ પણ થાય છે. પેટમાં મળ ભરાયેલો છે. મળ વિજાતીય દ્રવ્ય છે. જયારે તે કાઢવામાં આવે છે ત્યારે એકવાર માણસને કમજોરી અને થાકનો અનુભવ થાય છે. ખરાબી નીકળી રહી છે, પણ માણસ કમજોર થઈ રહ્યો છે. એનું કારણ સ્પષ્ટ છે. જેને વર્ષોથી પાળી રાખ્યું છે, તેનાથી છૂટવાનું કોઈને ગમતું નથી. સંસ્કૃતમાં એક નીતિવાક્ય છે – ‘વિષવૃક્ષોડપિ સંવધ્યં સ્વયં છેતું ન સામ્પ્રતમ્’ પોતાના દ્વારા ઉછરાયલા વિષ–વૃક્ષનું પણ કાપવું ઉચિત નથી. આ નીતિસૂત્ર એટલા માટે પ્રચલિત થયું હશે કે માણસ દુઃખના વૃક્ષને ઉછેરતો આવ્યો છે. તેને ઉખાડીને ફેંકી દેવાની વાત તે વિચારતો નથી. કેટલું વિપરીત ! કેટલું આશ્ચર્ય ! આપણે બીમારીની દવા લઈએ છીએ અને તેને સુખ માની લઈએ છીએ, પરંતુ માણસ જયારે નમસ્કાર મંત્રની આરાધનામાં જોડાય છે ત્યારે યથાર્થ સુખની ચેતના જાગે છે. તે બહારની યાત્રાથી વિરમીને અંતરની યાત્રાનો પ્રારંભ કરે છે ત્યારે સાચા સુખની ચેતના જાગૃત થાય છે. એ જાગરણમાં નવા નવા અનુભવ થવા લાગે છે જે પહેલાં કદી થયા ન હોય. તે સમયે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. એ લોકોત્તર સુખનો અનુભવ થાય છે જે પદાર્થથી ક્યારેય થઈ શકતો નથી.

29. જયારે આપણે નમસ્કાર મહામંત્રની આરાધના કરતી વખતે અંતઃકરણના ઊંડાણમાં ઉતરીએ છીએ અને એને સાક્ષાતકાર કરીએ છીએ ત્યારે અલૌકિક આનંદનું કિરણ ફૂટી નીકળે છે. આખોય માર્ગ પ્રકાશથી ભરાઈ જાય છે અને ત્યારે સુખ–દુઃખની બધી ધારણાઓ બદલાઈ જાય છે. મનુષ્ય હંમેશા એમ માનતો રહ્યો છે કે પદાર્થથી જ ઈન્દ્રિયોને અને મનને સુખ મળે છે. આ ભ્રાંતિ તૂટી જાય છે. આ મૂર્છા સમાપ્ત થઈ જાય છે. તને ભાન થઈ જાય છે કે પદાર્થથી મળનારું એવું એકેય સુખ નથી કે જેની સાથે દુઃખ જોડાયેલું ન હોય. પરંતુ આ આત્માનુભવની સાથે, આત્મામાંથી નીકળતા સુખના કિરણોની સાથે કોઈ દુઃખ જોડાયેલું નથી. આ કેવળ સુખ છે, વિશુદ્ધ અને પરિપૂર્ણ સુખ છે. એમાં કોઈ મિશ્રણ નથી.

30. આપ અનુભવ કરી જોજો. જયારે ઉત્તેજના થાય છે ત્યારે ગાળો દેવામાં કેવું સુખ લાગે છે ! એમ લાગે છે કે જાણે ગાળો દેવામાં સ્વર્ગનું સામ્રાજય મળી ગયું. પરંતુ જયારે તે ઉત્તેજનાનો પારો ઉતરી જાય છે ત્યારે મન ગ્લાનિથી ભરાઈ જાય છે. ઈન્દ્રિય સંવેદનાઓથી થનારી ઘટનાઓ પ્રત્યે પ્રારંભમાં આપને મોહ હોય છે અને આપણે તેમ કરી બેસીએ છીએ. ઘટના બની ગયા પછી મનમાં પસ્તાવો થાય છે અને દરેક વ્યક્તિ એમ વિચારે છે કે આવું ન કર્યું હોત તો સારું થાત. કરતી વખતે સુખનો અનુભવ અને કર્યા પછી દુઃખનો અનુભવ થાય છે. આ કેવું સુખ છે જેની સાથે અનુતાપ જોડાયેલો હોય છે. પુદ્ગલથી મળનારું એક પણ સુખ એવું નથી કે જેની સાથે દુઃખની પરંપરા જોડાયેલી ન હોય, સંતાપની પરંપરા સંલગ્ન ન હોય.

31. ધ્યાન કરનારી કોઈ પણ વ્યક્તિએ એમ નથી કહ્યું કે મેં ધ્યાન ન કર્યું હોત તો સારું થાત. એનું કારણ છે કે સુખની જે અનુભૂતિ ધ્યાનથી મળે છે, તે આનંદ આપનારી છે.ધ્યાન અધ્યાત્મની યાત્રા છે. એમાં બીજાની કસોટી, બીજાનો માપદંડ અને બીજાનું ત્રાજવું કામ નથી લાગતું. પોતાની કસોટી, પોતાનો માપદંડ અને પોતાનું ત્રાજવું જ એમાં કામ લાગે છે. જયાં પોતાનો અનુભવ જાગી જાય છે, પોતાની ચેતના જાગી જાય છે ત્યાં વ્યક્તિ પોતે જ કસોટી હોય છે. પોતે જ ત્રાજવું હોય છે. આ સ્થિતિ પ્રાપ્ત થતાં જ જૂની ધારણાઓ બદલાઈ જાય છે. બધા માપદંડ બદલાઈ જાય છે. ત્યારે વ્યક્તિ પોતે પોતાને ખાલી કરવા લાગી જાય છે. ખાલી થવાની આ અવસ્થા જ ર્નિિવકલ્પ અવસ્થા છે. જયારે આપણે મંત્રની સાધના દ્વારા, શબ્દને સહારે વિકલ્પથી ચાલતા ચાલતા ર્નિિવકલ્પ સ્થિતિ સુધી પહોંચીએ છીએ ત્યારે ચૈતન્યનો નવો ધબકારો થાય છે. એટલા માટે નમસ્કાર મંત્ર મહામંત્ર છે.

32. નમસ્કાર મંત્ર મહામંત્ર હોવાનું ચોથું કારણ છે. એનાથી વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ, બુદ્ધિનું ઊર્ધ્વારોહણ થાય છે. આપણી શરીર રચનામાં જે બુદ્ધિનું સ્થાન છે, વૃત્તિઓનું સ્થાન છે તેનાં કેન્દ્રો છે, તે બધાનું મોં નીચેની બાજુએ છે. વૃત્તિઓ નીચેની તરફ બુદ્ધિ નીચેની તરફ. તેથી માણસનું ચિંતન નીચેની તરફ જાય છે. નીચે આપણું કામનાકેન્દ્ર છે, આપણી બધી બુદ્ધિ કામકેન્દ્ર તરફ જાય છે. આપણી ચેતનાનો સમગ્ર પ્રવાહ નીચેની તરફ થાય છે. જયારે આપણે નમસ્કાર મહામંત્રની આરાધના કરીએ છીએ અને શક્તિકેન્દ્રથી પ્રારંભ કરીને સુષુમ્ણાના માર્ગથી જ્ઞાનકેન્દ્ર સુધી શ્વાસને લઈ જઈએ છીએ, તો તેનો અર્થ એ છે કે આપણે નીચેથી ઉપર તરફ આરોહણ કરી રહ્યા છીએ. તળેટીથી શિખર તરફ ચઢી રહ્યા છીએ. એ સ્થિતિમાં વૃત્તિઓનું મોં બદલાઈ જાય છે. તેઓ ઉર્ધ્વમુખી બની જાય છે. બુદ્ધિ– જે નીચેની તરફ મોં કરીને લટકી રહી હતી. તે ઉપરની બાજુ મોં ફેરવી લે છે. આપણી બધી વાસનાઓ બુદ્ધિ અને વૃત્તિઓના ઊંધા મુખનો સહારો લઈને પોષાતી હતી. જયારે બુદ્ધિનું મોં બદલાઈ ગયું, વૃત્તિઓનું મોં બદલાઈ ગયું, ત્યારે બિચારી કામનાઓ, વાસનાઓ સૂકાવા લાગે છે અને ચેતનાનું ઊર્ધ્વારોહણ થવાનો પ્રારંભ થઈ જાય છે.

33. નમસ્કાર મંત્ર મહામંત્ર હોવાનો હેતુ છે– વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ, બુદ્ધિનું ઊર્ધ્વીકરણ, મંત્રનો એક એક શબ્દ આત્મભાવનાનું ઊર્ધ્વીકરણ કરે છે.

 

34. નમસ્કાર મંત્રની નવ વિશેષતાઓ

 

35. એક વસ્તુ બીજી વસ્તુથી જે ગુણને લીધે જુદી પડે છે, તેને વિશેષતા કહેવામાં આવે છે. આંબા અને લીમડામાં વૃક્ષત્વ સમાન હોવા છતાં તે દરેકને પોતાની વિશેષતા છે અને તેના લીધે જ એક આંબો, તો બીજો લીમડા તરીકે ઓળખાય છે. અન્ય મંત્રો અને નમસ્કારમંત્રમાં મંત્રત્વ સમાન છે, પણ નમસ્કારમંત્ર પોતાની અનેકવિધ વિશેષતાઓને કારણે એ બધા મંત્રોમાં જુદો તરી આવે છે.

 

36. નમસ્કારમંત્રને લોકોત્તર કહેવાનું એક કારણ એ પણ છે કે તે અરિહંત જેવા લોકોત્તર મહાપુરુષ વડે કહેવાયેલો છે અને ગણધર જેવા લોકોત્તર મહાપુરુષ વડે શબ્દ સંકલના પામેલો છે. મંત્રશક્તિમાં યોજકોની શક્તિનો અંશ ઉતરે છે, એ વાત લક્ષ્યમાં લેતા નમસ્કારમંત્રથી લોકોત્તરતા વિષે કોઈ પણ જાતની શંકા રહેતી નથી.

 

37. શ્રી ભદ્રબાહુ સ્વામી ‘આવશ્યકિનર્યુક્તિ’માં પંચનમસ્કાર કરવાનો હેતુ સમજાવતા કહે છે કે :

 

38. મગ્ગો અવિપ્પણાસો, આયારો વિણયયા સહાયત્તં !

 

39. પંચવિહં નમોક્કારં, કરેમિ એએહિં હેઉહિં !!

 

40. ‘માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને મોક્ષ પ્રાપ્તિમાં સહાયકતા આ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું.’

 

41. અહીં ‘માર્ગ’થી મોક્ષમાર્ગનું સૂચન છે કે જેનું પ્રવર્તન અરિહંત દેવો વડે થાય છે. અરિહંત દેવોએ સમ્યગ્ દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચરિત્રને મોક્ષનો માર્ગ કહ્યો અને તેને પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપ્યો, તેથી તેઓ પરમ પૂજય અને પરોપકારી બન્ અને તે જ કારણે તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે.

 

42. અહીં ‘અવિપ્રણાશ’ શબ્દથી ‘અવિનાશિતા’ અભિપ્રેત છે કે જેનો ખ્યાલ સિદ્ધ ભગવંતો આપી રહ્યા છે. દેવેન્દ્ર, ચક્રવર્તીઓ વગેરેનાં પદોનો તથા સુખોનો અંત આવે છે, પણ સિદ્ધ ભગવંતના અનુપમ સુખનો કદી અંત આવતો નથી. તેમનું સુખ સાદિ–અનંત છે, એટલે કે તેનો પ્રારંભ થયો છે, પણ કદી છેડો આવનાર નથી. તેઓ આપણને આ પદે પહોંચવાની પ્રેરણા કરી હોય છે, તેથી જ તેમને બીજો નમસ્કાર કરવામાં આવે છે.

 

43. આ રીતે આચાર્ય ભગવંતોથી આચારની પ્રાપ્તિ થાય છે, ઉપાધ્યાય ભગવંતોથી વિનયની–જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સાધુ ભગવંતોથી મોક્ષપ્રાપ્તિમાં વિવિધ પ્રકારની સહાય મળે છે, તેથી જ તેમને અનુક્રમે ત્રીજો, ચોથો અને પાંચમો નમસ્કાર કરવામાં આવે છે.

 

44. આ પરથી જોઈ શકાશે કે નમસ્કારમંત્ર આત્મશુદ્ધિ કે મોક્ષપ્રાપ્તિ માટે જ યોજાયેલો છે, તેથી તે લોકોત્તર મંત્રની પૂરી યોગ્યતા ધરાવે છે.

 

45. આજ સુધીમાં અનંત આત્માઓએ નમસ્કાર મંત્રનો આશ્રય લીધો છે, તે એની લોકોત્તરતાના કારણે જ લીધો છે, એ ભૂલવાનું નથી.

 

46. ‘પરમપદપુર એટલે મોક્ષનગરી કે સિદ્ધશિલા. તેને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે, તે સર્વ પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્યયોગે જ જાણવું.’ આ શબ્દો વાંચ્યા–સાંભળ્યા પછી કોઈને નમસ્કાર મંત્રની લોકોત્તરતા માટે રજ પણ શંકા રહેવી જોઈએ નહીં.

 

47. અન્ય મંત્રોમાં જેમની સાધના કે આરાધના કરવાની છે, તે દેવ–દેવીઓ વિશિષ્ટ શક્તિથી વિભૂષિત હોવા છતાં આખરે તો સંસારી આત્મઓ જ છે, એટલે રાગ, દ્વેષ, સ્પૃહા આદિથી યુક્ત હોય છે, જયારે નમસ્કારમંત્ર વડે જેમની આરાધના થાય છે, એ પંચપરમેષ્ઠિ વીતરાગી અને નિઃસ્પૃહી છે, તેમની અચિંત્ય શક્તિ આગળ દેવ–દેવીઓની શક્તિ કંઈ વિસાતમાં નથી. આને આપણે નમસ્કારમંત્રની બીજી વિશેષતા કહી શકીએ.

 

48. હજી પણ એક વસ્તુ પાઠકોના ધ્યાનમાં લાવવાની રહી. એકલા અરિહંત, એકલા સિદ્ધ, એકલા આચાર્ય, એકલા ઉપાધ્યાય કે એકલા સાધુની શક્તિ જયારે આ પ્રમાણે દેવ–દેવીઓ કરતા અધિક છે, ત્યારે એ પાંચેનો સમવાય થતાં એ શક્તિનું પ્રમાણ કેટલું વધી જાય ? આ વિશ્વમાં કોઈ મંત્ર એવો નથી કે જેમાં આ રીતે પાંચ મહાન શક્તિઓ એકી સાથે કામ કરતી હોય. એટલે નમસ્કારમંત્રની આ વિશેષતાનો સ્વીકાર કરવો જ રહ્યો.

 

49. અન્ય મંત્રો કામના કરવાથી એટલે કે વિશિષ્ટ સંકલ્પ આદિ કરવાથી ઘણા પ્રયત્ને ફલદાયી થાય છે, જયારે નમસ્કાર મંત્ર નિષ્કામ ભાવે જપવા છતાં અલ્પ પ્રયાસે ફલદાયી થાય છે અને તે સાધકની સર્વ કામનાઓ પૂરી કરે છે. આ તેની ત્રીજી વિશેષતા સમજવી. કહ્યું છે કે–

 

50. ઈક્કો વિ નમુક્કારો, પરમેટ્ઠીણં પગિટ્ટ ભાવાઓ !

 

51. સયલં કિલેસજાલં, જલં વ પવણો પણુવ્વેઈ !!

 

52. ‘પ્રકૃષ્ટ ભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે, તેમ સકલ કલેશજાલને છેદી નાખે છે.’

 

53. અહીં કલેશજાલથી આત્મને કલેશ ઉપજાવે તેવાં સર્વ પ્રકારનાં કષ્ટો, તેવી સર્વ પ્રકારની ચિંતાઓ તથા તેનો કારણભૂત એવો કર્મસમૂહ સમજવાનો છે.

 

54. અન્ય મંત્રોમાં કોઈ ને કોઈ દેવ તેનો અધિષ્ઠાયક હોય છે અને તે વશ થાય કે પ્રસન્ન થાય, તો જ એ મંત્ર સિદ્ધ થયો ગણાય છે. તાત્પર્ય કે ત્યાર પછી જ તે પોતાનું ફલ આપે છે. પરંતુ એ દેવોને વશ કરવાનું કે પ્રસન્ન કરવાનું કામ સહેલું હોતું નથી. અનેક પ્રકારના અટપટા ઉપાયો કામે લગાડ્યા પછી કે કઠીન અનુષ્ઠાનો કર્યા પછી જ તેમાં સફળતા મળે છે. તેમાં ભયસ્થાનો પણ ઘણાં રહેલાં છે. કંઈ ફેર થયો કે આડું પડ્યું તો સાધક પોતાનો પ્રાણ ગુમાવે છે, અથવા અન્ય કષ્ટ ભોગવે છે, અથવા ચિત્તભ્રમ આદિનો ભોગ બનીને ખુવાર થાય છે, પરંતુ નમસ્કારમંત્રનો કોઈ એક અધિષ્ઠાયક દેવ નથી. વધારે સ્પષ્ટ કહીએ તો તેનો અધિષ્ઠાયક દેવ થઈ શકે એમ નથી. સમ્યકત્વધારી અનેક દેવો તેના સેવક થઈને રહેલા છે અને તે અનન્ય ભાવે આરાધના કરનારના સર્વ મનોરથો પૂરા કરે છે. આને નમસ્કારમંત્રની ચોથી વિશેષતા સમજવી જોઈએ.

55. લોકોત્તર વસ્તુઓનું આકર્ષણ કરવું, એ નમસ્કાર મંત્રની પાંચમી વિશેષતા છે. ‘તે પંચપરમેષ્ઠિ નમસ્ક્રિયા અક્ષરમયી આરાધના દેવતા તમારું રક્ષણ કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપત્તીઓનું ઉચ્ચાટન કરે છે, આત્માના પાપો પ્રત્યે વિદ્વેષણ કરે છે, દુર્ગતિ પ્રત્યે ગમન કરવાને પ્રયત્ન કરતા જીવોનું સ્તંભન કરે છે, એટલે કે તેમને અટકાવે છે અને જે મોહનું સંમોહન કરે છે, એટલે કે તેને મુંઝવે છે.’

 

56. અન્ય મંત્રો ઉચ્ચારણમાં કિલષ્ટ કે કઠિન હોય છે, તેમજ અત્યંત ગૂઢાર્થવાળા હોય છે, ત્યારે નમસ્કારમંત્ર ઉચ્ચારણમાં સરલ છે અને તેના અર્થપણ અતિ સ્પષ્ટ છે, તેથી બાળકથી માંડીને વૃદ્ધ પર્યંત સહુ કોઈ તેને સરલતાથી બોલી શકે છે તથા તેનો અર્થ સમજી શકે છે. આ તેની છઠ્ઠી વિશેષતા છે.

 

57. નમસ્કાર મંત્રની સાતમી વિશેષતા એ છે કે પ્રણવ (ૐકાર), હ્નીંકાર, અહં વગેરે શક્તિશાળી બીજો તેમાં છૂપયેલા છે. પ્રસ્તુત ગ્રંથના બીજા પ્રકરણમાં પણવહરિયાથી શરૂ થતી ગાથા તેના પ્રમાણરૂપ છે. અથવા તો નમસ્કાર મંત્ર સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે, એ જ એની સાતમી વિશેષતા છે. ‘પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં ‘સર્વમન્તરવરત્નાનામુત્યાકરસ્ય’ એ શબ્દ વડે આ વસ્તુ સૂચિત કરવામાં આવી છે.

 

58. અન્ય મંત્રોમાં નમો કે નમઃ પદ આગળ કે પાછળ એક અથવા બે વાર આવેલું હોય છે, પણ નમસ્કારમંત્રમાં નમો પદ પાંચ વાર આવેલું છે, એ તેની આઠમી વિશેષતા છે. આ નમઃ પદ ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તથા તંત્રશાસ્ત્રની દૃષ્ટિએ એ શોધનબીજ છે, એટલે શરીર, મન અને આત્માની શુદ્ધિ કરનારું છે તથા તંત્રદૃષ્ટિએ એ શાંતિક પૌષ્ટિક ક્રિયાનો સંકેત કરનારું છે. એટલે તેનાથી સર્વ ઉપદ્રવોની શાંતિ થાય છે અને ધન–ધાન્યાદિની વૃદ્ધિ થાય છે.

 

59. નમસ્કારમંત્રની નવમી વિશેષતા એ છે કે તેનું ઉચ્ચારણ કરતાં અડસઠ તીર્થની યાત્રા થઈ જાય છે. તેનો એક અક્ષર એક તીર્થ બરાબર છે. નમસ્કારમંત્રની આ વિશેષતાઓ પર સાધકે અવશ્ય મનન કરવું જોઈએ.

નવકારની આરાધના કેવી રીતે કરાય?

  • નિયત સ્થાનઃ એક જ જગ્યા
  • નિયત સમય : સવારે યાર થી સાત – બ્રહ્મમુર્હત – આ સમયે યોગીઓ ધ્યાન કરે છે. અશુભ ક્રર્મોનોઉદય પણ આ સમયે બંધ હોય છે અને અણુ-પરમાણુની આપણા ઉપર અસર થાય છે.
  • નિયત સંખ્યા : નવકારવાળીની સંખ્યા પણ ચોક્કસ હોવી જોઈએ.
  • નિયત દિશા : દિશા પણ એક જ હોવી જોઈએ.
  • નિયત માળા : સુતર કે સ્કટિકની માળા હોવી જોઈએ. અન્ય વ્યક્તિને આ માળા વાપરવા આપવી જોઈએ નહી.

આત્મિક આનંદની આધારશિલાજાપમુદ્રાઓ

વિવિધમુદ્રાઓ

ગણતરીઓ

 

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi