“મંત્ર”
વિશ્વના ઉત્તમ મહાપુરુષોએ, સંતો, ભક્તો અને સાહિત્યકારોએ આ ધરતી પરની જીવંતસૃષ્ટિમાં માનવીને સર્વોત્તમ સ્થાન આપ્યું છે. આ વસુંધરા પરનું માનવીનું આગમન ફોગટ ફેરાજ બની રહે, એ માટે પણ લોકકલ્યાણના આરાધકોએ ભિન્ન ભિન્ન્ પ્રકારના માર્ગો દર્શાવ્યા છે. માનવીના ઊર્ધ્વગમન માટે ધર્મ મહત્ત્વનું અવલંબન છે. પરંતુ વિષય અને કષાયના આવરણો – વઘ્નોને લીધે માનવી ધર્મઆરાધના કરી શકતો નથી. એની ધર્મભાવનાને દ્રઢ બનાવવા, એનામાં ઉત્તમ માનવીય ગુણો પ્રગટાવવા, મંત્ર શક્તિરૂપી મહાન ભેટ પણ આપી છે. જગતનો ભાગ્ય જ કોઈ એવો ધર્મ મળી આવશે જેમાં મંત્ર ન હોય. રાગ દ્વેષને જીતવા, વિકાસનાં ઉત્તુંગ શિખરો સર કરવા માટે, મંત્રની મહાન શક્તિનો ઉપયોગ થયો છે. એટલું જ નહીં, મંત્રશક્તિએ માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય પણ કર્યું છે. લાખ દુઃખની એક દવાની જેમ કોઈ પણ પ્રકારનાં દુઃખ દૂર કરવાની અનોખી તાકાત મંત્રમાં રહેલી છે.
મંત્રની મહત્તા :
માનવજીવનમાં મંત્રનું સ્થાન પણ ઘણું જ મહત્ત્વનું છે. આધ્યાત્મિક, આધિભૌતિક કે આદિદૈવિક ત્રણ પ્રકારનાં દુઃખો પૈકી કોઈ પણ દુઃખથી જગતનાં પ્રાણીઓ અનેક રીતે દુઃખ અનુભવતાં હોય છે. આ દુઃખમાંથીબચવા લેવાની આપણી કલ્પનામાં પણ ન આવે એવી અદ્ભૂત દિવ્યશક્તિ મંત્રાક્ષરોમાં ભરેલી હોય છે. તેથી જ પરમપુરુષાર્થ સ્વરૂપ મોક્ષના ઉપાયોમાં મંત્રયોગ ઘણું જ મહત્ત્જનું સ્થાન ધરાવે છે.
શાસ્ત્રોમાં મણિમંત્ર અને ઔષધિઓની શક્તિ અચિન્ત્ય મનાયેલી છે. જેમ મણિરત્નો પાષાણ જાતિના હોવા છતાં તેના મૂલ્યવાનપણાથી તથા તેની કુષ્ટરોગહરાદિ શક્તિઓથી પ્રસિદ્ધ છે, તેમ મંત્ર એ પૌદ્ગલિક શબ્દરૂપ હોવા છતાં, દુઃખ, દારિદ્ર, કષ્ટ, રોગ, ભય, ઉપદ્રવાદિના નાશક તરીકે, અને અર્થ કામ, આરોગ્ય, આદિ આજન્મના કે સ્વર્ગ, અપવર્ગ આદિ આગમી જન્મોના સુખપ્રાપક તરીકે સુપ્રસિદ્ધ છે.
મંત્રનો તાત્ત્વિક અર્થઃ-
મંત્ર : મંત્ર દ્વારા દેવતા, ગુરુ અને આત્મા સાથે ઐક્ય સ્થાપન કરવાનું હોય છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે જોડે છે. અને આત્મા તેના મનન દ્વારા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રની એકતાથી, સાધનોથી, મંત્ર ચૈતન્ય પ્રગટે છે, તેથી યથેષ્ટફળની સિદ્ધિ થાય છે, દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે તેથી મંત્રચૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે.
મંત્રનું સ્વરૂપ :-
મંત્ર માત્ર કોઈ સ્વર વિશેષમાં શબ્દોનું અથવા ધ્વનિઓનું ઉચ્ચારણ નથી અને ન તો માત્ર વિચારને જ મંત્રની સંજ્ઞા આપી શકાય, મંત્ર-ધ્વનિ અને જ્ઞાનાનુભૂતિનું એક સુંદર સમાયોજન છે, જેનું સ્મરણ, કર્તા ઉપર એક અમિટ છાપ પાડે છે. શાબ્દિક ધ્વનિઓ મંત્રનું શરીર છે અને જ્ઞાનાનુભૂનિ એ એનો આત્મા છે.
આ રીતે કોઈપણ શાબ્દિકમંત્ર એ માર્ગનો સાથી છે. સ્વરૂપદશાનો ધ્યેયે પહોંચવા માટે મિત્રની જેમ સહાય કરે છે. મંત્ર એ જીવની સૂતેલી ચેતનાને જગાડે છે. તેમાં સ્વના રક્ષણનું અદ્ભૂત સામર્થ્ય હોય છે.
મંત્રની સાધનાની રીતઃ-
મંત્રનું મનન બે રીતે થાય છે : અન્તર્જલ્પ અને બહિર્જલ્પ
(૧) અંતર્જલ્પ :- અનુભવપૂર્વક મંત્રના અભિપ્રાયનું અથવા તેના વાચ્યના સ્વરૂપનું ચિંતન કરવું તે.
(૨) બહિર્જલ્પ :- જીભથી મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું તે.
શ્રી પાદલિપ્તસૂરિએ પોતે કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યું છે કે જાપના ત્રણ પ્રકાર છેઃ
(૧) માનસ, (૨) ઉપાંશું (૩) ભાષ્ય
(૧) માનસ જાપ -કેવળ મનોવૃત્તિથી જ ઉત્પન્ન થયેલો અને માત્ર પોતાથી જ જાણી શકાય તે – માનસ જાપ.
(૨) ઉપાંશુ જાપ :- બીજાને સંભળાય નહિ તેવી રીતે અંદર મનોમન બોલીને જાપ કરવું તે – ઉપાંશું જાપ
(૩) ભાષ્ય જાપ :- બીજાને સંભળાય તેવી રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક કરવો તે ભાષ્ય જાપ તેને – વૈખરી જાપ પણ કહે છે.
આ માન્યતાનો ડો. વલ્લભદાસ નેણસીભાઈએ “નમસ્કાર મહામંત્ર સ્વાનુભૂતિ” માં પણ ઉલ્લેખ કરેલ છે.
મંત્રની શક્તિ :
મંત્રમાં કેવળ અક્ષરોની કાર્યશક્તિ હોય છે તેવું નથી પણ તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે. અને તે છે મંત્રના વાચ્ય પદાર્થની શક્તિ મંત્રયોજકના હૃદયની ભાવના તથા મંત્ર સાધકોના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ વિશ્વાસ, નિશ્ચલ શ્રદ્ધા વગેરે હોય છે. તાત્પર્ય એ છે કે મંત્ર કેવળ અક્ષર કે પદ સ્વરૂપ જ નથી પણ પદ, પદાર્થ, પદના યોજક તથા પદના પ્રયોજનની ભાવનાઓ તથા શક્તિઓનો એકંદરે સરવાળો છે. મંત્રશક્તિ આ ચારને અનુરુપ હોય છે. મંત્રશક્તિ બે પ્રકારની હોય છે.
૧) લૌકિક મંત્રશક્તિ
(૨) લોકોત્તર મંત્રશક્તિ છે.
મંત્રનો યોજક કિલષ્ટ પરિણામી હોય તો મંત્ર મારક બને છે. અને અસંકિલ્ષ્ટ પરિણામી હોય તો તે મંત્રતારક બને છે.
લૌકિકમંત્ર શક્તિ :
લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, સમ્મોહન, આદિ લૌકિક કાર્યો સાથે જ થાય છે. આ મંત્રની સફળતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વગેરે ઉપર હોય છે. કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફળ જાય છે. સાધક સત્ય હોય પણ મંત્ર અશુદ્ધ હોય અથવા મંત્ર શુદ્ધ હોય પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો પણ મંત્રશક્તિ કાર્યરત થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુદ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્રશક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે.
લોકોત્તર મંત્રશક્તિઃ
લોકોત્તર મંત્રની શક્તિ અચિંત્ય હોય છે. તેનો ઉપયોગ સર્વ જીવના કલ્યાણ માટે જ થાય છે. વિષય, કષાય, વેર વિરોધ વગેરે વિભાવભાવનો નાશ થઈ આત્મિક ગુણો તેના સ્મરણનથી પ્રગટ થાય છે. લોકોત્તરમંત્રોમાં ‘નવકારમંત્ર’ એ ઉત્તમોત્તમ લોકોત્તરમંત્ર છે. નમસ્કારમંત્ર એ અનુપમ સ્તોત્ર છે. કારણ અમષ્ટિની વિશ્વવંદનીય વિભૂતિરૂપ પંચપરમેષ્ટિ ભગવાનનું સ્મરણ, વંદન, અર્ચન તે દ્વારા ઘટિત થાય છે. આ નવકારમંત્ર સમાન અનુપમમંત્ર મળવો મુશ્કેલ છે. તે સર્વશાસ્ત્રના નિચોડરૂપ છે. લોકોત્તર મંત્રના સ્મરણથી આત્મશાંતિ સુલભ બને છે. સર્વ આત્મિક સિદ્ધિ-સમાધિ તેના સહારે મેળવી શકાય છે.
સંક્ષેપમાં, મંત્રનું ચિંતન મનન કરવાનું હોય છે. પછી તે કોઈ પણ મંત્ર હોય ચિંતન મનન વડે મંત્ર ત્રિવિધતાપથી રક્ષણ કરે છે, મનને વિકલ્પરહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્તરાભ્યાસ વડે દેહાધ્યાસ છૂટતા, બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે.
અનાદિકાલીન મંત્ર : નવકાર-વિશ્વમંત્ર
જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળમંત્ર શ્રીનવકારમંત્ર છે. નવકારમંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વમાન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આત્મિક અહોભાવથી સ્વીકારે છે. કરોડો શ્લોકોવાળા દ્રષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે તે આ નવપદના નાના નવકારમંત્રમાં રહેલા વિશાળ ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. આ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.
શ્રી નવકારમંત્રના મનન ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારમંત્રના કોઈ એક પદમા અવશ્ય સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. શુભભાવોની સાધના અને મુક્તિનું કારણ કોવાથી નવકારમંત્ર સર્વોચ્ચમંત્ર મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ વિશ્વના પ્રત્યેક જીવને માટે કલ્યાણક એવો આ પરમમંત્ર છે. સમૂળ પાપોચ્છેદક છે, વિશ્વમંત્ર છે.
નવકારમંત્રનું રહસ્ય :
આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચપરમેષ્ટિઓને સામૂહિક રીતે નમસ્કાર કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન કરતાં એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના ઉત્તમોત્તમ ગુણોને નમસ્કાર કરાયેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરનાર આત્મા જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચપરમેષ્ટિના નમસ્કાર સિવાય કોઈ ઈચ્છા, આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી નથી. નિષ્કામ નમસ્કાર એ જ એની મહાનતા છે. એટલું જ નહી વિશ્વની સમગ્ર માનવજાત માટે એ ઉત્તમમંત્ર બનેલ છે.
નવકારમંત્રની મહત્તાઃ
આત્માના ભવ પલટવા માટે એટલે કે અનાદિકાળના મિથ્યાભાવોને ટાળીને સમ્યક્ભાવો લાવવા માટે સર્વમંત્રોમાં નવકારમંત્ર વધારે ઉપકારક છે. કારણ
(૧) નવકારની રચના સંક્ષિપ્ત હોવાથી આબાલવૃદ્ધ સર્વજન ગ્રાહ્ય છે.
(૨) તે સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે તેથી સર્વમંત્ર સંગ્રાહક સ્વરૂપ છે.
- આ મંત્રની આગવી અને અનન્ય વિશેષતા એ છે કે તે ત્રણેકાળના સર્વોત્કૃષ્ટ પુરુષો પ્રત્યે અનન્ય સમર્પણભાવ ધરાવે છે. પરમમંગળમય તત્ત્વોથી છલોછલ ભરેલો છે, તેથી શ્રી નવકારમહામંત્રનો શરણાગત સર્વ, અપૂર્ણતાઓને દૂર કરી સંપૂર્ણ એવા મોક્ષપદને પામી શકે છે.
- આ મંત્રની બીજી વિશિષ્ટતા એ છે કે તેને પહેલેથી ગણો છેલ્લેથી ગણો વચ્ચેથી ગણો કે અવળી રીતે ગણો તો પણ તે શ્રેયસ્કર જ નીવડે છે, બીજા સામાન્યમંત્રોની માફક આ પરમમંત્રની કોઈ અવળી અસર નથી થતી નથી. વિશિષ્ટ પ્રકારની રચનાના પ્રભાવે તેનો પ્રત્યેક અક્ષર અખૂર શક્તિનો ભંડાર છે. દુષ્ટ આશયપૂર્વકનો તેનો જાપ પણ તરત જ તે આશયમાંથી દુષ્ટતાને દૂર કરે છે.
- નમસ્કાર મહામંત્રનું એક એક પદ એક-એક અક્ષર, તેની સાધના કરનાર સાધકને અનોખી સમતા અને સમાધિ આપે છે, સાધક આ મહામંત્રને સમર્પિત થઈ જાય, તેને આત્મસાત્ બનાવી અજપાજપથી તેના ૬૮ અક્ષરોને ઘટ-ઘટ વ્યાપ્ત બનાવી દે તો સાધનામાં પરમોચ્ચ શિખરને આંબી જાય છે. સંક્ષેપમાં નમસ્કાર મહામંત્રનો મહિમા, અર્થ વિસ્તાર અનંત અને અપાર છે. પંચપરમેષ્ઠિ ભગવંતોની અનન્ય શરણાગતિ સ્વીકારીને, તેના કીર્તન, સ્મરણ અને ધ્યાનમાં ઓપપ્રોત બનવાથી જ તેના મહિમાનો રહસ્યાર્થ યત્કિંચિત યથાર્થ અનુભવ, લાભ મેળવી શકાય છે.
- નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘળા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય. આ મહામંત્રમાં રહેલી સમક્ષ્ટિના નમસ્કારની ગંભીર વિશાળ, ઉદાત્ત ભાવના એ સૂચવે છે. કે વ્યક્તિપૂજા કરતાં ગુણપૂજાનું ફળ અનંતગણું મળે છે. તેનું કારણ પણ સરળ છે. કેમ કે માત્ર એક જ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળના અરિહંત ભગવંતોને સહજપણે નમસ્કાર થઈ જાય છે. તીર્થંકરોની અનાદિકાળથી જે અનંતી ચોવીસી થઈ ગઈ, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે અને ભવિષ્યમાં જે અનંતી ચોવીસી થવાની છે તેમને સહુને નમો અરિહંતાણં પદ માત્ર બોલવાથી જ વંદન નમસ્કાર થઈ જાય છે. તે રીતે એક જ નમસ્કારથી એક જ વ્યક્તિને નમસ્કાર થવાને બદલે અનંતા ગુણીજનોને નમસ્કાર થવાથી ફળ પણ અનંતગણું મળે છે.
- અન્ય મંત્રો વિશેષ પ્રકારે સાધવાથી ઘણા પ્રયત્ને ફળદાયી થાય છે ત્યારે શ્રી નવકાર મહામંત્ર નિષ્કામ ભાવે જપવાથી અલ્પ પ્રયાસે ફળદાયી બને છે. કહેવાય છે કે પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિને કરેલ એક જ નમસ્કાર પવન જેમ જલને સૂકવી નાખે તેમજ સકલ કલેશજાળને છેદી નાખે છે. આ પ્રમાણે જીવાત્માના સઘળા પ્રકારના સાંસારિક કલેશો તથા ચિંતાઓ અલ્પ પ્રયાસે દૂર કરી તેનાં સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખી, પરમાત્માપદ સુધી પહોંચાડવાની તેમાં શક્તિ છે.
- અન્યમંત્રોમાં તે મંત્રના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે અને તે દેવ કાં તો મંત્ર વડે વશ થાય અગર પ્રસન્ન થાય તો જ મંત્ર ફળ આપે છે પણ તે દેવને પ્રસન્ન કરવાનું સહેલું નથી હોતું. વળી, તે મંત્ર સાધવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલાં હોય છે. તેથી તેની સાધનામાં કંઈ ફેર પડતો તો સાધકના પ્રાણ પણ જોખમાઈ જાય એવું સંકટ ઊભું થાય છે. પરંતુ શ્રી નવકારમંત્રના કોઈપણ એક અધિષ્ઠાતા દેવ નથી. કારણ આગળ જોયું તેમ તેમાં કોઈ વ્યક્તિગત દેવની આરાધના નથી પણ ગુણધારીની છે – તેથી ઉપરના કોઈ પણ પ્રકારના ભયસ્થાનો આ મહામંત્રની આરાધના કરવા જતાં ઉપસ્થિત થતાં નથી.
- અન્યમંત્રો ઉચ્ચારણ કઠિન હોય છે તેમજ તેમના અર્થ પણ ગૂઢ હોય છે, જ્યારે આ મહામંત્ર બોલવામાં અતિ સરળ છે. તેના અર્થ સ્પષ્ટ છે અને તેના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી ફળ અત્યંત મધુર છે.
- સંક્ષેપમાં નવકારમંત્ર મિથ્યાત્વ અને અજ્ઞાતનો નાશ કરનારો છે સમ્યક્ત્વની સ્પર્શના કરાવનાર છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયા અત્યંત મહત્ત્વની છે જેથી આ મહામંત્રને અનન્ય કલ્યાણકારી કહેલ છે. તેથી જ ભદ્રબાહુસ્વામીએ ‘ઉવસગ્ગહરં સ્તોત્ર’માં કહેલ છે;
હે નાથ! તમારુ સમ્યક્ત્વ ચિંતામણિરત્ન કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાળી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો નિર્વિ૩ને અજર, અમર સ્થાને પ્રાપ્ત કરે છે.
અદ્ભૂત અક્ષરો : અક્ષર – અ – ક્ષરના દ્યોતક
- ‘ન’ અને ‘મો’ એ બે અક્ષરના સંયોજનથી બનેલો નમો શબ્દ નમનારન અંતરમાં આત્મભાવ, નિર્મળતા, મૃદુત્તા, શાંતિ અને સંતોષની ધારા વહાવે છે કારણ કે તેના પ્રત્યેક અક્ષરમાં પોતાનો આગવો વિશિષ્ટ પ્રભાવ છે, પ્રત્યેક અક્ષર મંત્ર છે.
શ્રી નમસ્કારમંત્રના એકેક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિ છે. એ એક એક અક્ષરમાં ચૌદ રાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એક એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રી નમસ્કારની મંત્રશક્તિએ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ પણ ત્રણે કાળના તીર્થંકરદેવો, સિદ્ધ ભગવંતો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોની સમગ્ર એકત્રિત થયેલી આત્મશક્તિ તે જ નમસ્કારમંત્રની શક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબળ સતત શ્રી નમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે તેથી જ શ્રી નમસ્કારમંત્રનો અતિ ઉત્તમ મહિમા વર્ણવેલો છે.
શ્રી નમસ્કારમંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો એ મૂલમંત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરુ (૩) મળી કુલ ૩૫ અક્ષરો છે. છેલ્લાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂળમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે. વ્યંજનસહિત લઘુ (૨૯) અને ગુરુ (૮) મળી કુલ ૩૩ અક્ષરો છે. એ બન્ને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કારમંત્રના કુલ ૬૮ અક્ષરો હોય છે.
નવકારના અક્ષરનો મહિમા બતાવતા કહેલ છે “કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ટિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને આઠ વિદ્યાઓ રહેલી છે.”
નવકારના એકેક અક્ષરની મહત્તા બતાવતાં મહાનિશીથસૂત્રમાં કહેલ છે. કે શ્રી નવકારના એક અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલ ચિંતન ૭ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એક પદનું ચિંતન ૫૦ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર નવકારના નવપદોનું ચિંતન ૫૦૦ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. “ઉપદેશતરંગિણી”માં અડસઠ અક્ષરનું મહત્ત્વ બતાવતાં કહેલ છે કે આ લોક અને પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફળને આપનાર શ્રી નવકારમંત્ર જયવંત વર્તો.
નવકારના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ તરીકે વખાણ્યાં છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરુપી અંધકારનો નાશ કરનાર અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.
દ્રવ્યથી – નવકારમંત્રના આ અક્ષરો પરમમંગલરૂપ છે.
ક્ષેત્રથી – જ્યાં પણ શ્રી નવકારમંત્રનો જાપ થાય તે સ્થાન મંગલરૂપ છે.
કાળથી – જ્યારે જેટલો સમય શ્રી નવકારનો જાપ થાય તેટલો કાળ મંગલમય જાણવો.
ભાવથી – નમસ્કારમંત્રનો ભાવ સ્વયં મંગલરૂપ છે.
આ રીતે નવકારમંત્રના એકેક અક્ષરનું અદ્ભૂત મહત્ત્વ છે. તેનો વિધિ પૂર્વક મન-વચન-કાયાથી જાપ કરવામાં આવે તો અશુભકર્મોનો ક્ષય થાય છે. નવલાખ નવકારમંત્રનો જાપ કરતાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપનો ક્ષય થાય છે.