👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૧
➖➖➖➖➖➖➖➖➖
➡માત્ર મનુષ્યશરીરે જ જન્મ લેતા તીર્થંકરો, ઈશ્વરો કે અરિહંતો અન્તિમ ભવના આગલા જન્મમાં પશુ-પક્ષી અને મનુષ્ય સિવાયની દેવ કે નરકગતિ પૈકી કોઈ પણ એક ગતિમાં વર્તતા હોય છે. એ ગતિ-ભવની સમાપ્તિ થતાં, મનુષ્યરૂપે આ જ ભારત દેશની આર્યભૂમિ ઉપર તેઓ જન્મ લે છે.
➡ભગવાન શ્રી મહાવીરનો જીવ, જે ગત-૨૬ માં જન્મમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય કોશ-ગાઉ દૂર વૈમાનિક નિકાયના `પ્રાણત’ કલ્પમા દેવ તરીકે હતો, તે ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં, ૨૭માં ભવમાં, આ ભારતવર્ષની પૂર્વ દિશા (બિહાર) માં રહેલી વૈશાલી નગરીના ઉપનગર બ્રાહ્મણ કુંડપુરના નાયક કોડાલ ગોત્રીય બ્રાહ્મણ શ્રીઋષભદત્તની જાલંધરગોત્રીયા પત્ની શ્રી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે જન્મ લેવા (ચિત્રમાં દર્શાવ્યા મુજબ) અવતરી રહ્યો છે.
➡તીર્થંકર જેવા વિશ્વવત્સલ, વિશ્વોદ્ધારક, કરુણાસાગર આત્માઓનું આ ધરતી ઉપર ગર્ભરૂપે આગમન જન્મરૂપે પ્રગટ થવું, દીક્ષા લેવી, કેવળજ્ઞાન એટલે ત્રિકાલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ-મોક્ષપ્રાપ્તિ, આ બધુંય ત્રણેય લોકના જીવોને કલ્યાણકારક હોવાથી એ પાંચેય પ્રસંગોને શાસ્ત્રકારોએ `कल्याणक’ એવા વિશિષ્ટ શબ્દથી ઓળખાવ્યા છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૨
➖➖➖➖➖➖➖➖➖➖
➡️ઉપરનું ચિત્ર
તીર્થંકરો જેવી સર્વોચ્ચ, લોકોત્તર વ્યક્તિઓ માટે સામાન્ય નિયમ એવો છે કે તેઓ અન્તિમ ભવમાં ઉચ્ચ ગણાતા ક્ષત્રિયાદિ જાતિ-કુલ-વંશમાં જ જન્મ લે છે શૂદ્રાદિ જાતિ-કુલ-વંશમાં નથી લેતા
પણ શ્રી મહાવીર માટે આ નિયમથી વિરુદ્ધ ઘટના બની અને આષાઢ સુદિ છઠ્ઠના દિવસે, લાખો વરસ પૂર્વે કરેલા કુલાભિમાનના કારણે તેઓ ભિક્ષુક બ્રાહ્મણકુલમાં ગર્ભપણે અવતર્યા.
પહેલા દેવલોકના ઇન્દ્ર સૌધર્મ અવધિજ્ઞાનથી આ અઘટિત ઘટનાને જોતાં ચોંકી ઊઠ્યા, અને ત્યાં જન્મ ન થાય તે માટે ક્ષત્રિયકુલનું યોગ્ય સ્થાન નક્કી કરી તુરંત જ હરિણૈગમેષી દેવને બોલાવી ગર્ભપરાવર્તનનો આદેશ આપતાં કહ્યું કે, “તું શીઘ્ર બ્રાહ્મણકુંડનગરમાં જા અને દેવાનંદાની કુક્ષિમાંથી ભગવાનના ગર્ભને લઈ, ઉત્તર ક્ષત્રિયકુંડ નગરમાં રહેલી રાજા સિદ્ધાર્થની ક્ષત્રિયાણી રાણી ત્રિશલાના ગર્ભમાં સ્થાપન કર અને ત્રિશલાના ગર્ભને લઈ દેવાનંદાની કુક્ષિમાં મૂકી આવ.”
તીર્થંકર જેવા મહાન આત્માઓ જે પુણ્યવતી મહિલાના ગર્ભમાં આવે તે મહિલા ગર્ભના પ્રભાવે સર્વોત્તમ ગણાતા સિંહ, હાથી વગેરે ચૌદ મહાસ્વપ્નોને જુએ,
એ નિયમાનુસાર ભગવાનની પ્રથમ માતા દેવાનંદાએ તન્દ્રાવસ્થામાં પ્રશસ્ત, મંગલકારક ચૌદ સ્વપ્નોને જોયાં અને પછી જાગ્યાં અને તુરંત જ પોતાના વિદ્વાન પતિ ઋષભદત્તને જણાવ્યાં અને તેમણે કહ્યું કે, “હે દેવાનુપ્રિયા! તું સર્વગુણ-લક્ષણસંપન્ન અદ્ભુત પુત્રરત્નને જન્મ આપીશ.”
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૩
➖➖➖➖➖➖➖➖➖
➡ઇન્દ્રની આજ્ઞા થતાં હરિ-ણૈગમેષી દેવ વિદ્યુતથી પણ વેગીલી ગતિથી મધ્યરાત્રિએ બ્રાહ્મણકુંડ નગરમાં આવી ઋષભદત્તની હેવલીમાં પ્રવેશી, તેની નિદ્રાધીન પત્ની દેવાનંદાની કુક્ષિમાંથી દૈવી શક્તિ દ્વારા ગર્ભને કરકમલમાં લઈ, આકાશમાર્ગે રવાના થઈ, નજીકમાં રહેલા ક્ષત્રિયકુંડ નગરમાં આવે છે અને
➡જ્ઞાતક્ષત્રિય કાશ્યપગોત્રીય વજ્જિગણ અને જ્ઞાતૃકુલના રાજા સિદ્ધાર્થના રાજભવનમાં…પ્રવેશી, તન્દ્રાગ્રસ્ત રાણી ત્રિશલાના શયનાગારમાં જઈ, પ્રથમ તેનામાં પુત્રીરૂપે વર્તતા ગર્ભને બહાર કાઢી, ભગવાનના ગર્ભને સ્થાપન કરે છે અને પુત્રીરૂપે ગર્ભને ઉપાડી સૂતેલા દેવાનંદાના ગર્ભમાં મૂકે છે. તે પછી શીઘ્ર દેવલોકમાં જઈ સૌધર્મ ઇન્દ્રને તેની જાણ કરે છે. આને ગર્ભાપહરણની ઘટના કહેવામાં આવે છે.
➡કરોડો વર્ષે બનતી આ એક આશ્ચર્યજનક ઘટના છે. મરીચિના ભવમાં કરેલા કુલમદના પરિણામે અંતિમ ભવમાં બ્રાહ્મણકુલમાં ભગવાનને અવતરવું પડ્યું, આથી કુલ, વૈભવ, સંપત્તિ, વિદ્યા-કલાદિનો કદી ગર્વ ન કરવો, એ આ પ્રસંગનો બોધપાઠ છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૪
➖➖➖➖➖➖➖➖➖
➡ત્રિશલાના ગર્ભાશયમાં ભગવાનનો ગર્ભ સ્થાપિત થયા બાદ ગર્ભના પુણ્યપ્રભાવે અખિલ વિશ્વનાં નારીવૃંદમાં મૂર્ધન્યપદને પામેલાં તન્દ્રાગ્રસ્ત મહાપુણ્યવતી રાણી ત્રિશલા મધ્યરાત્રિએ
(૧) સિંહ, (૨) હાથી, (૩) વૃષભ, (૪) લક્ષ્મીદેવી, (૫) પુષ્પમાળાયુગલ, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) રૌપ્યમય કુંભ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસાગર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ તથા (૧૪)… નિર્ધૂમ અગ્નિ
એમ ચૌદ પ્રશસ્ત મહાસ્વપ્નોને જુએ છે, અને પોતાના પતિ સિદ્ધાર્થને જણાવીને તેનું ફળ પૂછે છે. સિદ્ધાર્થે પોતે અને સ્વપ્નલક્ષણ પાઠકોએ તેનું ફળ જણાવતાં કહ્યું કે `તમો એવા મહાન પુત્રરત્નને જન્મ આપશો કે જે સર્વગુણો અને લક્ષણોથી સંપન્ન, સર્વાંગસુંદર, મહાજ્ઞાની અને વીર હશે, તથા ભવિષ્યમાં તે તીર્થંકરપદને મેળવશે.
➡રાણી ત્રિશલા એ વાસિષ્ઠગોત્રીયા ક્ષત્રિયાણી હતાં. વળી પૂર્વ દિશામાં આવેલા ગણસત્તાધારી વિદેહદેશની રાજધાની વૈશાલીના ગણતંત્રાધીશ નૃપતિ ચેટકની તે ભગિની થતાં હતાં. અન્તિમ ધર્મચક્રવર્તી કરુણામૂર્તિ પોતાની કુક્ષિમાં પધારતાં માતા ત્રિશલા ધન્ય બન્યાં, જીવન કૃતકૃત્ય થયું અને એક કવીશ્વરના શબ્દોમાં કહીએ તો તેઓ `વિશ્વમાતા’ બન્યાં.
એક ખુલાસો – ચૌદ સ્વપ્નો પૈકી પહેલાં સ્વપ્ન માટે વિકલ્પો છે. પહેલા ભગવાનની માતા પહેલાં સ્વપ્નમાં વૃષભ, છેલ્લા ભગવાનની માતા સિંહ અને બાવીશ ભગવંતોની માતા હાથીને જુએ છે. આ વાત સહુ ધ્યાનમાં રાખે.
➖➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૫
➖➖➖➖➖➖➖➖➖
➡વિ.સં. પૂર્વે ૫૪૩ અને ઈ.સ. પૂર્વે ૫૯૯ વર્ષની ચૈત્ર સુદિ તેરશની મધ્યરાત્રિએ, બ્રાહ્મણી દેવાનંદા તથા ક્ષત્રિયાણી ત્રિશલા, આ બન્ને માતાઓની કુક્ષિમાં થઈને (૮૨+૧૯૫..) નવ મહિના અને સાડાસાત દિવસ વીત્યા બાદ વિશ્વવંદ્ય અને વિશ્વોદ્ધારક ભગવાનનો માનવદેહે જન્મ થયો.
➡માતા-પિતાને અત્યન્ત આનંદ થયો. પરમાત્માના જન્મથી દૃશ્ય-અદૃશ્ય વિશ્વમાં (સ્વર્ગ, મર્ત્ય અને પાતાળમાં)… સર્વત્ર લોકોત્તર દિવ્ય પ્રકાશ પથરાઈ ગયો. મહાવિભૂતિના જન્મથી સર્વ જીવોમાં આનંદ આનંદ ફેલાઈ ગયો.
➡શાશ્વત નિયમ મુજબ જન્મના પુણ્યપ્રભાવે પ્રસૂતિકાર્યની અધિકારિણી ૫૬ દિક્કુમારિકા દેવીઓનાં સિંહાસનો ચલિત થતાં, વિશિષ્ટ (અવધિ) જ્ઞાનથી ભગવંતના જન્મપ્રસંગને જાણી પોતાનું ભક્તિ-કર્તવ્ય અદા કરવા તે દેવીઓ જન્મની રાતે જ દૈવિક શક્તિથી જોતજોતામાં જન્મસ્થાને આવે છે,
➡અને ભગવાન તથા તેમની માતાને નમસ્કાર કરી, કદલીગૃહો રચીને બંનેની સ્નાન, વિલેપન, વસ્ત્રાલંકાર પહેરાવવા વગેરે દ્વારા ભક્તિ કરી ભગવાનના ગુણગાન કરીને શીઘ્ર વિદાય લે છે.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૬
➖➖➖➖➖➖➖➖➖
➡જન્મસમયે અસંખ્ય યોજન દૂર આકાશ અને પાતાલવર્તી દેવલોકના તમામ ઇન્દ્રોનાં સિંહાસનો ચલિત થયાં. જન્મકાર્યમાં જેની શાશ્વતી અને પ્રધાન જવાબદારી છે એવા પહેલા સૌધર્મ દેવલોકના `શક્ર’ ઇન્દ્ર અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી તરત જ, ત્યાંથી જ, પ્રભુ સન્મુખ ચાલીને દર્શન-વંદન-સ્તુતિ કરે છે.
➡પછી તીર્થંકરોના જન્માભિષેકનો પવિત્ર ઉત્સવ પૃથ્વી ઉપર રહેલા મેરુ પર્વત પર જઈને …પોતાને ઊજવવાનો હોઈ, સૌધર્મ દેવલોકના અન્ય દેવદેવીઓને પોતાની સાથે ઉત્સવમાં પધારવા સુઘોષા ઘંટા વગડાવીને દેવદ્વારા આમંત્રણ પાઠવે છે.
➡અસંખ્ય દેવો અને ત્રેસઠે ઇંદ્રો સ્વસ્થાનથી બારોબાર મેરુ પર્વત ઉપર જાય છે, જ્યારે શક્રેન્દ્ર જન્મની રાત્રે જ સીધા પૃથ્વી પર આવી, ત્રિશલાના શયનગૃહમાં જઈ, માતા સહિત ભગવાનને નમસ્કાર કરી, આજ્ઞા માગી, દૈવિક શક્તિથી અવસ્વાપિની નિદ્રા દ્વારા માતાને નિદ્રાધીન કરી,
ભક્તિનો સંપૂર્ણ લાભ સ્વયં લેવા તરત જ વૈક્રિયલબ્ધિ-શક્તિથી પોતાનાં જ પાંચ રૂપ બનાવી, એક રૂપથી એઓ ભગવંતને બે હાથમાં લે છે, બીજા રૂપોથી છત્ર-ચામરાદિક ધારણ કરીને જંબૂદ્વીપના કેન્દ્રમાં આવેલા, નંદનવન અને જિનમંદિરોથી શોભતા મેરુપર્વત પર લઈ જાય છે.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૭
➖➖➖➖➖➖➖➖➖
➡શક્રેન્દ્ર મેરુ પર્વત ઉપર ભગવાનને લાવીને, એ પોતે તે પર્વતના શિખર ઉપર આવીને એક સુંદર શિલા ઉપર બેસીને, ભગવાનને પોતાના ખોળામાં રાખે છે. એ વખતે ત્રિલોકનાથ પરમાત્માની ભક્તિ કરી આત્મકલ્યાણ કરવાને ઉત્સુક બાકીના ૬૩ ઇન્દ્રો અને અસંખ્ય દેવ-દેવીઓ ભેગાં થયેલાં છે.
➡શક્રેન્દ્રે અભિષેક માટે પવિત્ર પર્વતો-તીર્થસ્થળોની માટી, તથા પવિત્ર નદી-સમુદ્રનાં સુગંધી ઔષધિઓથી મિશ્રિત જલથી ભરેલા સોના, રૂપા અને રત્નના હજારો મહાકાય કલશો તૈયાર કરાવ્યા. પછી ઇન્દ્રનો આદેશ થતાં ઇંદ્રાદિક દેવ-દેવીઓ અપૂર્વ ઉત્સાહ અને આનંદપૂર્વક તે કલશો હાથમાં લઈને ભગવાનનો સ્નાનાભિષેક કરે છે. અંતે શક્રેન્દ્ર અભિષેક કરે છે.
➡પછી ભગવંતની પવિત્ર કાયાને ચંદનાદિ સુગંધી દ્રવ્યથી વિલેપન કરી, આરતી-દીવો ઉતારી અષ્ટમંગલ (તેના આકારો)નું આલેખન કરે છે. બીજા દેવ-દેવીઓ ભગવંતની સ્તુતિ અને ગીત-નૃત્યો દ્વારા આનંદ વ્યક્ત કરે છે.
➡ત્યાર બાદ સવાર પડે એ પહેલાં જ શક્રેન્દ્ર ભગવાનને ત્રિશલાના શયનાગારમાં લાવી બાજુમાં સ્થાપિત કરે છે. અન્ય દેવગણ સ્વસ્થાને પહોંચી જાય છે. આ મહોત્સવ તે જ રાત્રિમાં ઊજવાઈ જાય છે.
➡ ત્યાર પછી માતા-પિતા દબદબાભર્યો જન્મોત્સવ ઊજવે છે, અને પછી કુટુમ્બીઓ ભેગા થઈ બાળકનું `વર્ધમાન’ એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપિત કરે છે.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૮
➖➖➖➖➖➖➖➖➖
➡આ વિશ્વ પરસ્પર વિરોધી દ્વંદ્વભાવોથી ભરેલું છે. એક બાજુ કોઈનાં શૌર્ય અને પરાક્રમની ગાથાઓ ગવાતી હોય છે, જ્યારે બીજી બાજુ તેની અસૂયાના આલાપો ગવાતા હોય છે પણ તેથી તેજસ્વીના તેજને કશી આંચ આવતી નથી.
➡બાળ ભગવંત માટે પણ એવું જ બન્યું. કુમાર વર્ધમાન આઠેક વર્ષના થયા ત્યારે તેઓશ્રીના બાલમિત્રોએ આગ્રહ કર્યો કે `વર્ધમાનજી!
ચાલો ચાલો, આપણે નગર બહાર રમવા જઈએ’ એટલે મિત્રો સાથે એઓ નગર બહાર જઈને `આમલકી’ નામની રમત રમવા લાગ્યા.
➡એ જ વખતે દેવસભામાં શક્ર-ઇન્દ્રે વર્ધમાનકુમારના અજોડ બળ, ધૈર્ય, સાહસ અને નિર્ભયતાની પ્રશંસા કરતાં કહ્યું કે બાળક છતાં અબાલપરાક્રમી વર્ધમાનજીને શક્તિશાલી દેવો પણ ડરાવી શકે તેમ નથી. એ સાંભળીને સભામાંથી એક ઈર્ષાળુ દેવે પડકાર ફેંક્યો
➡એક માનવી અને તે પણ અન્નજલનો ભોગી અને પાછો બાળક, એનામાં આવી નિર્ભયતા હોય, એ મનાય જ કેમ? એમ બોલીને વર્ધમાનને ડરાવવા, અને પોતાના નેતા ઇન્દ્રનું વચન મિથ્યા કરવા તે ઝટપટ ધરતી ઉપર રમતના સ્થળે આવી ફુંફાડા મારતા ભયંકર સર્પનું રૂપ લઈને વૃક્ષનાં થડ ફરતો વીંટળાઈ ગયો. એ જોતાં બાળકોએ નાસભાગ કરવા માંડી, પણ વર્ધમાને તો જરાપણ ન ડરતાં હિંમતથી ઊભા રહીને એ સર્પને હાથથી પકડીને દૂર ફગાવી દીધો….
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૦૯
➖➖➖➖➖➖➖➖➖
➡️પ્રથમ પરીક્ષામાં દેવ નિષ્ફળ ગયો, એટલે તેણે બીજો દાવ અજમાવ્યો. તે અન્ય બાળકના જેવું રૂપ લઈ દોડી આવીને બાળકોમાં ઘૂસી ગયો. પછી નવી રમત રમવાનું નક્કી કર્યું, પણ બનાવટી બાળકે કહ્યું કે “કંઈક શરત રાખો તો રમતમાં જોશ આવે.” આથી `હારેલો વિજેતાને ખભે બેસાડી ફેરવે’ એવી શરત નક્કી કરાઈ.
➡️પેલો બાળક બની ગએલો દેવ જાણીને જ હારી ગયો, એટલે વિજેતા વર્ધમાનને કહે `લો ચાલો, બેસી જાવ મારા ખભે.’ વર્ધમાનકુમાર ખભે બેઠા. પરીક્ષાની તક ઊભી થઈ ગઈ. દેવે કાયાની માયા વધારતાં વિકરાળ-ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કર્યું. તે કૂદતો જાય અને સાથે શરીરને વધારતો જાય. જોતજોતામાં દૈવિક શક્તિથી શરીરને ડુંગર જેવડું કર્યું.
➡️એ જ પળે વર્ધમાનકુમારે અવધિજ્ઞાનથી જોયું કે આ છે શું? ત્યારે જણાયું કે આ તો પોતાને ડરાવવા આવેલા દેવની દેવમાયા છે, એટલે જરા પણ ગભરાટ અનુભવ્યા વિના એને બોધપાઠ આપવા, વજ્ર જેવી કઠિન મુઠ્ઠી જોરથી એ દેવના ખભા પર મારી, એની વેદના તેને અસહ્ય થઈ પડી. સંશય નષ્ટ થયો.
➡️દેવેન્દ્રનાં વચનોનો યથાર્થ સાક્ષાત્કાર થતાં તેણે મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને ભગવાનને નમી, ક્ષમા માગી એ સ્વસ્થાને ગયો. વર્ધમાન પરીક્ષામાં વિજયી બન્યા. દેવલોકમાં જયજયકાર ગવાયો,
➡️ અને તે જ વખતે હજારો દેવોની સભા વચ્ચે, ભારે હર્ષનાદો સાથે ઇન્દ્રે શ્રી વર્ધમાનનું બીજું `મહાવીર’ એવું ગુણનિષ્પન્ન નામ જાહેર કર્યું. ભગવાન આ જ નામથી વિશ્વવિખ્યાત બન્યા.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૦
➖➖➖➖➖➖➖➖➖
➡️તીર્થંકર બનનારી વ્યક્તિ ગર્ભથી જ મતિ, શ્રુત અને અવધિજ્ઞાનવાળી હોય છે, અર્થાત્ મહાન વિચારશક્તિ, શ્રેષ્ઠ શાસ્ત્રીય જ્ઞાન, અને પરોક્ષ પદાર્થોને મર્યાદિત રીતે પ્રત્યક્ષ જોઈ શકે તેવું જ્ઞાન ધરાવનારી હોય છે.
➡️આથી ભગવાન અલૌકિક જ્ઞાન અને વિદ્યાઓના પ્રકાણ્ડ વિદ્વાન હોવા છતાં પોતાની ગંભીરતાને લીધે માતાપિતા તેમની આ જ્ઞાનશક્તિથી અજ્ઞાત જ રહ્યા. એટલે આઠ વર્ષ પૂરા થતાં માતા-પિતા પોતાના પ્રિયપુત્રને ધામધુમથી જ્ઞાનશાલામાં વિદ્યાધ્યયન કરવા માટે લઈ ગયા.
➡️બીજી બાજુ દેવોના ઇંદ્રે જ્ઞાનથી જાણ્યું કે `અહો! આ તે કેવું! ભગવાનને વળી ભણવાનું?’ એટલે તરત જ તે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરી શાળામાં આવે છે અને વિદ્યાગુરુને બાજુમાં બેસવાનું જણાવીને ભગવાનને ગુરુની ગાદી ઉપર બેસાડે છે.
➡️પેલા બ્રાહ્મણ ઇન્દ્રે બાળ ભગવાનને વ્યાકરણશાસ્ત્રને લગતા અતિગૂઢ પ્રશ્નો અને પંડિતના મનની ગુપ્ત શંકાઓ પૂછી. ભગવાને તરત જ તે પ્રશ્નોનું ઝડપથી સમાધાન કર્યું. કુમારનું આ જ્ઞાન જોઈને સમગ્ર સભા અને વિદ્યાગુરુ વગેરે અત્યંત આશ્ચર્યમાં પડી ગયા.
➡️છેવટે પેલા વૃદ્ધ બ્રાહ્મણે પોતાનું દેવરૂપ પ્રગટ કરીને કહ્યું કે, “ભાઈ! આ તો વગર ભણ્યે જ પંડિત, મહાજ્ઞાની પ્રભુ છે, એમને ભણાવવાના ન હોય. ભવિષ્યમાં આ ધર્મતીર્થંકર થઈને ભારતવર્ષનો ઉદ્ધાર કરશે.” લોકોને થયું કે “ખરેખર! આ બાળક જ્ઞાનનો મહાસાગર અને વિદ્યાનો નિધિ છતાં કેવો ગંભીર!” આખરે એ તેજોમય જ્ઞાનજ્યોતિને જ્ઞાનશાલામાંથી રાજમહેલમાં પાછા લાવ્યા.
➖➖➖➖➖➖➖➖➖
ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૧
➖➖➖➖➖➖➖➖➖
➡આઠ વરસથી લઈને અઠ્ઠાવીસમાં વર્ષ સુધીમાં ભગવાનનાં જીવનની મુખ્ય ઘટનાઓંમાં ખાસ કરીને સમરવીર સામંતની પુત્રી યશોદા સાથે પાણિગ્રહણ,
➡પ્રિયદર્શના નામની પુત્રીનો જન્મ તથા
➡ભગવાનના માતાપિતાનો અનશનપૂર્વક સ્વર્ગવાસ એટલી હકીકતો ઉપલબ્ધ છે. પ્રસ્તુત વર્ષો વધુ પડતા શૂન્યાવકાશ જેવા છે.
➡આ ચિત્રમાં વચ્ચેની પાટ ઉપર પ્રભુના પિતા રાજા સિદ્ધાર્થ અને બાજુમાં સિદ્ધાર્થનાં પત્ની અને પ્રભુની માતા રાણી ત્રિશલા બેઠાં છે. ત્રિશલાના ખોળામાં ભગવાનની પુત્રી પ્રિયદર્શના છે. આપણી ડાબી બાજુની પાટ ઉપર ભગવાનના મોટાભાઈ નંદિવર્ધન અને જોડે જ આભામંડલથી યુક્ત ભગવાન શ્રી વર્ધમાન (મહાવીર) છે.
➡આપણી જમણી બાજુની પાટ ઉપર ત્રિશલાની પછી નં નંદિવર્ધનના ધર્મપત્ની જ્યેષ્ઠા અને તેની બાજુમાં ભગવાનનાં ધર્મપત્ની યશોદા છે. સાયંકાલે ભગવાન સહુને પ્રથમ ધાર્મિક ઉપદેશનું શ્રવણ કરાવે છે અને તે પૂરું થતાં સુંદર ભાવવાહી સંગીતમય સ્તવના શરૂ થાય છે.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૨
➖➖➖➖➖➖➖➖➖
“ભોગ કરમફળ રોગ તણી પરે, ભોગવે રાગ નિવારી; પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી.”
➡️આ આદર્શને વરેલા, જલકમલવત્ રહી ઉચ્ચ કોટિનું જીવન જીવી રહેલા મહાવીર-વર્ધમાન ૨૮ વર્ષની ભરયુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે વિશ્વનાં પ્રાણિમાત્રનું સર્વાંગી કલ્યાણ કરવા ગૃહસ્થાવાસને તિલાંજલિ આપી એમણે મહાપ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો.
➡️ત્યાગ-વૈરાગ્યમૂલક સાધુધર્મનો સ્વીકાર કરવાની પોતાની ભાવના એમણે વડીલ બંધુ શ્રીનંદિવર્ધન પાસે વિનયપૂર્વક રજૂ કરી.
➡️મોટાભાઈ ચિંતામાં પડી ગયા. છેવટે મોટાભાઈને થયું કે વિશ્વને અજવાળનારી જ્યોતિને નાનકડો ખૂણો અજવાળવા કેમ રોકી શકાય? એટલે ભાવનાનો આદર તો કર્યો, પણ માતા-પિતાના વિયોગના તાજા દુઃખમાં વધારો ન કરવા નમ્રતાપૂર્વક બે વર્ષ રોકાઈ જવાની વિનંતિ કરી. શ્રી વર્ધમાને તેનો સાદર સ્વીકાર કર્યો.
એક ઈશ્વરી વ્યક્તિ વડીલ બંધુની આજ્ઞાને શિરોધાર્ય કરે, એ શિસ્ત – વિનયધર્મના આદર્શને રજૂ કરતી અને પ્રજાને તે રીતે વર્તવા જ્વલંત પ્રેરણા આપતી એક અનુપમ અને અદ્ભૂત ઘટના છે.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૩
➖➖➖➖➖➖➖➖➖
➡️નંદિવર્ધનની વિનંતિ સ્વીકાર્યા બાદ ગૃહસ્થવેશમાં પણ સાધુ જેવું સાદું અને સંયમી જીવન ગાળતાં એક વર્ષની અવધિ વીતી અને ભગવાન ૨૯ વર્ષના થયા ત્યારે તેમણે અવધિજ્ઞાનથી પ્રવ્રજ્યા-દીક્ષા સ્વીકારનું સંપૂર્ણ એક વર્ષ શેષ રહેલું જાણ્યું,
➡️ભગવાને પોતાની આધ્યાત્મિક સાધનાનાં સોપાન ઉપર ઊર્ધ્વાતિઊર્ધ્વપણે આરોહણ કરવા માંડ્યું. અખિલ વિશ્વનાં પ્રાણીઓનું કલ્યાણ કરવું હોય…તો સમગ્ર બ્રહ્માંડની વ્યવસ્થા, એનાં દ્રવ્યો, ગુણો અને પર્યાયોનું વિવિધ તત્ત્વોનું ત્રૈકાલિક પ્રત્યક્ષ જ્ઞાન મેળવવું જોઈએ તે પછી જ બીજાને જ્ઞાન અને ઉપદેશ યથાર્થ આપી શકાય, અને જનતાને સન્માર્ગ દર્શાવવા દ્વારા મોક્ષમાર્ગાભિમુખ કરી શકાય. એ જ્ઞાન પ્રાપ્ત કરવા ગૃહસંસારનો ત્યાગ કરીને દીક્ષા-ચારિત્ર લેવી જોઈએ. વર્ધમાન એ માટે પોતાના આત્માને સુસજ્જ કરી રહ્યા છે,
➡️ત્યાં તો શાશ્વત આચારના પાલન માટે ઊર્ધ્વાકાશમાં વસતા એકાવતારી નવ લોકાન્તિક દેવો પ્રભુના આવાસમાં આવી પહોંચે છે. આવીને બે હાથ જોડી, નમસ્કાર કરી `जय जय नंदा! जय जय भद्दा!’ – એટલે કે `તમારો જય હો! જય હો! તમારું કલ્યાણ હો!’ એમ બોલીને, `વિશ્વને સુખ-શાંતિ-કલ્યાણને આપનારા ધર્મતીર્થની શીઘ્ર સ્થાપના કરો’ એવી વિનંતિ કરે છે.
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૪
➖➖➖➖➖➖➖➖➖
દેવોએ વિનંતિ કરી અને પ્રભુએ દીન-દુઃખીના ઉદ્ધાર માટે છૂટે હાથે દાન દેવા માંડ્યું. તીર્થંકરો માટે એક નિયમ એવો છે કે ગૃહવાસનો-ઘરસંસારનો સર્વથા ત્યાગ કરવા અગાઉ એક વર્ષ પર્યંત એટલે કે દીક્ષાના દિવસ સુધી દાનનો વરસાદ (વરસીદાન) વરસાવ્યા બાદ જ તેઓ (જીવનપર્યંતના) સંયમનો સ્વીકાર કરે. આ દાનમાં પોતાના માલ-મિલકત ઉપરાંત, દેવો દ્વારા લાવેલા દ્રવ્યાદિકનો પણ ઉપયોગ થાય …છે.
આ દાનમાં ધન, સુવર્ણ, ઝવેરાત ઉપરાંત વસ્ત્ર-અલંકારાદિ બીજું પણ ઘણું ઘણું હોય છે. ભગવાન જેને જે જોઈએ તે આપે છે. લોકો પ્રભુના હાથની પ્રસાદી લઈ કૃતાર્થ બને છે. પ્રભુ હંમેશાં સવારમાં ત્રણ કલાક સુધી એક કરોડ આઠ લાખ સોનૈયાનું જાહેર રીતે દાન કરે છે. જે વરસને અન્તે કરોડો સુવર્ણમહોરો (દિનારો)નું થાય છે.
આમ લાખો માનવીનાં દુઃખ-દારિદ્ર્ય અને ગરીબાઈ દૂર કરી તેઓ ત્યાગી-યોગી બનવા અભિનિષ્ક્રમણ કરે છે. વિશ્વની આ એક અજોડ ઘટના છે. આ દાનધર્મ દ્વારા ભગવાન `માનવજાત માટે દાન એ સદાય આચરવા લાયક અને દેનાર-લેનાર ઉભય પક્ષને આનંદ આપનાર મહાન ધર્મ છે’ એની ડિંડિમનાદે જાહેરાત કરે છે.
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૫
➖➖➖➖➖➖➖➖➖
➡વર્ષીદાન-વરસીદાન આપી ભગવાન વિશ્વકલ્યાણાર્થે સ્થાવર-જંગમ એવા તમામ પ્રકારના પરિગ્રહને જતા કરી, સંપૂર્ણ ત્યાગમય અનગાર (સાધુ) ધર્મ સ્વીકારવા તૈયાર થયા ત્યારે એમનો આત્મા વિશુદ્ધ વિચારધારાની પવિત્ર ગંગામાં સ્નાન કરી રહ્યો હતો.
➡બીજી બાજુ વડીલ બંધુએ દીક્ષાના ઉત્સવની પ્રચણ્ડ તૈયારીઓ કરાવી. દેશમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું. સમગ્ર રાજ્ય આ ઉત્સવ ઊજવવા થનગની રહ્યું. રાજાએ પવિત્ર માટીથી મિશ્રિત જલથી પૂર્ણ સોનારૂપાના કલશો તૈયાર કરાવ્યા. પછી તરત જ નંદિવર્ધન તથા ઇંદ્રાદિક દેવોએ ભગવંતનો ભક્તિભાવપૂર્વક છેલ્લો સ્નાનાભિષેક કર્યો. શ્રેષ્ઠ વસ્ત્રથી શરીર લૂછી ઉત્તમ દ્રવ્યો વડે વિલેપન કર્યું. ભગવાન જરિયાન વસ્ત્રો, અલંકારો, અમ્લાન પુષ્પની માળા વગેરેથી સુંદર શોભવા લાગ્યા. પછી તેઓ સંયમ માટે દીક્ષાયાત્રા (વરઘોડા) માં જવા સુસજ્જ બન્યા.
➡ કાર્તક વદિ દશમનું મંગલ પ્રભાત અનેરો સંદેશો દઈ રહ્યું હતું. હજારો લોકો વિવિધ સામગ્રીથી પરિપૂર્ણ દીક્ષાના વરઘોડામાં ભાગ લેવા ઊમટ્યા હતા. મહાસાધના દ્વારા પરમ સિદ્ધિ મેળવવા ભગવાને રાજમહેલમાંથી વિજય મુહૂર્તે અન્તિમ પ્રસ્થાન કર્યું. એઓ ભવ્ય અને દિવ્ય પાલખીમાં બેઠા. એમની સાથે કુટુંબની સ્ત્રીઓ પણ છત્ર ધારણ કરીને બેઠી. ઇંદ્રાદિક દેવોએ પાલખી ઉપાડી. હજારો માણસોથી યુક્ત અતિ ભવ્ય વરઘોડો જયનાદ કરતો શહેરમાં ફર્યો. હજારો માણસોએ ભગવાનને-તેમના મહાત્યાગને-નમન કરી ભાવભીની વિદાય આપી.
કારતક વદ ૧૦ – Kartak Vad 10
ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ🙏🏻
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૬
➖➖➖➖➖➖➖➖➖
➡સુવ્રત નામના દિવસે [ગુજ. કા. વ. ૧૦] વિજયમુહૂર્તે આરંભાયેલી દીક્ષાયાત્રાં ધામધૂમથી જ્ઞાતખંડ વનમાં આવી પહોંચી. ભગવાન શિબિકામાંથી બહાર આવ્યા. એમણે પહેરેલા વસ્ત્રાલંકારોને સ્વયં ઉતારી કુલવૃદ્ધા સ્ત્રીને સોંપી દીધા; બે દિવસના ઉપવાસી ભગવાન અશોકવૃક્ષ નીચે હજારો માણસોની સમક્ષ દીક્ષાની પ્રતિજ્ઞા લેવા ઊભા થયા.
➡આ વખતે કુલવૃદ્ધાએ હિતશિક્ષા આપતાં અને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, “આપ સંયમમાર્ગમાં અપ્રમત્તભાવે સાવધાન રહી, અનંત મહાપ્રકાશની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ કર્મોનો નાશ કરી અન્તિમ સિદ્ધિને વરજો.”
➡પછી તુરંત જ ભગવાને બંને હાથોથી પંચમુષ્ટિ લોચ કરતાં, ચાર મુષ્ટિથી મસ્તક ઉપરના અને એક મુષ્ટિથી દાઢી-મૂછના કેશ સ્વહસ્તથી ખેંચી દૂર કર્યા. તે કેશ ઇંદ્ર મહારાજે ગ્રહણ કર્યા.
➡ ત્યાર બાદ ધીર-ગંભીર ભાવે પ્રતિજ્ઞાનો ઉચ્ચાર કરતાં ભગવાને “णमो सिद्धाणं” શબ્દ વડે સિદ્ધોને નમસ્કાર કરીને करेमि सामाइयं० એ પ્રતિજ્ઞા-સૂત્રનો ઉચ્ચાર કરી, સર્વ પાપના ત્યાગરૂપ સામાયિકનો-સાધુધર્મનો યાવજ્જીવ સ્વીકાર કર્યો.
➡ તે ક્ષણે ભગવાને નવાં કર્મોને રોકવા અને પુરાણાં કર્મોનો ક્ષય કરવા માટે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોને પણ ગ્રહણ કર્યાં,
➡ઇંદ્રે ભગવાનના ડાબા ખભે દેવદૂષ્ય નામનું બહુમૂલ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. તે જ વખતે ભગવાનને મનવાળા પ્રાણીઓના વિચારોને જાણી શકાય તેવું `મનઃપર્યવ’ નામનું ચોથું જ્ઞાન પ્રગટ થયું
➡ત્યાંથી ભગવાને `અસ્થિક’ ગામ તરફ વિહાર કર્યો.
➖➖➖➖➖➖➖➖➖
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૭
➖➖➖➖➖➖➖➖➖
➡સાધનાના માર્ગમાં કંઈ ગુલાબ જ પાથરેલાં નથી હોતાં, કાંટાઓ પણ હોય છે. સાધક એ કાંટાઓને દૂર કરી અથવા સમભાવે સહન કરી આગળ વધે છે અને કર્મક્ષય કરતો, સિદ્ધિનાં સોપાન પર ચઢતો ઇષ્ટ સિદ્ધિના શિખરે પહોંચી જાય છે.
➡તીર્થંકરોનું અન્તિમ લક્ષ્ય નિર્વાણ-પ્રાપ્તિનું હોય છે. તેથી તેઓ સર્વોચ્ચ અવસ્થા અને સર્વજ્ઞપદની પ્રાપ્તિ અનિવાર્ય રીતે કરે છે. આ પ્રાપ્તિ માટે તેઓને ઉગ્ર… તપ અને સંયમધર્મની આરાધના દ્વારા અવરોધક કર્મોનો ક્ષય કરવો પડે છે.
➡હવે ભગવાને શીઘ્ર સાધના શરૂ કરી દીધી. એકાકી, વસ્ત્રવિહીનશરીરી, નિદ્રાત્યાગી, મૌની, પ્રાયઃ (અન્ન-જળ વિનાના) ઉપવાસી, વિશ્વનાં પ્રાણી માત્ર પ્રત્યે મૈત્રી-કરુણા-દયા ભાવ રાખનાર, સહુના આધ્યાત્મિક કલ્યાણની ભાવના સેવનાર ભગવાન, વિવિધ પરીષહો-કષ્ટોને કર્મક્ષય માટે સ્વેચ્છાથી સહન કરતા, (પ્રાયઃ) ઊભા ઊભા ધ્યાનાવસ્થામાં સમય પસાર કરવા લાગ્યા અને આત્મવિશુદ્ધિપૂર્વક આત્માનું ઊર્ધ્વીકરણ કરતા સફળતાનાં સોપાન પર ચઢવા લાગ્યા.
➡સાધનાનાં સાડા બાર વર્ષો દરમિયાન દેવો, મનુષ્યો અને તિર્યંચો દ્વારા અનુકૂળ કે પ્રતિકૂળ, જે કોઈ ઉપસર્ગો થયા તે અંગેનાં ચિત્રોનો અહીંથી પ્રારંભ થાય છે….
➡વિહાર દરમિયાન દીક્ષા લેવા પૂર્વે શરીર ઉપર ચોપડેલાં સુગંધી દ્રવ્યોની મનોમુગ્ધ સુગંધથી આકર્ષાઈને યુવાનો મૌની ભગવાન પાસે સુગંધ અને મનોહર રૂપથી આકર્ષાઈને યુવતીઓ પ્રેમની યાચના કરી રહ્યાં છે, એ આ ચિત્રમાં દર્શાવ્યું છે.
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૮
➖➖➖➖➖➖➖➖➖
➡જ્યારે ભગવાન વર્ષીદાન દ્વારા લાખો માનવીઓનું દારિદ્ર્ય દૂર કરી રહ્યા હતા ત્યારે સોમ નામનો એક બ્રાહ્મણ ધન કમાવા પરદેશ ગયેલો, તે ત્યાંથી પણ ધનપ્રાપ્તિ કર્યા વિના પાછો ફર્યો.
આ જોઈને ગરીબાઈથી ત્રાસેલી પત્નીએ ઉપાલમ્ભ આપતાં કહ્યું કે, “તમે કેવા અભાગિયા છો! જ્યારે વર્ધમાન કુમારે સોનાનો વરસાદ વરસાવ્યો ત્યારે તમો પરદેશ જતા રહ્યા અને પરદેશથી આવ્યા ત્યારે ખાલી હાથે પાછા ફર્યા. હવે ખાઈશું શું? હજુ જંગમ કલ્પવૃક્ષ જેવા વર્ધમાન પાસે જાઓ. તેઓ ઘણા દયાળુ અને દાનવીર છે, પ્રાર્થના કરો. તેઓ જરૂર દારિદ્ર્ય કરશે.”
તે બ્રાહ્મણ વિહારમાં ભગવાનને ભેટી ગયો. તેણે દીન મુખે વિનંતિ કરતાં કહ્યું કે, “આપ ઉપકારી છો, દયાળુ છો, સહુનું દારિદ્ર્ય આપે દૂર કર્યું, નિર્ભાગી હું જ રહી ગયો, તો હે કૃપાનિધિ! મારો ઉદ્ધાર કરો.”
હવે ભગવાન પાસે ખભા ઉપર માત્ર એક દેવદૂષ્ય વસ્ત્ર હતું. તેમાંથી તેમણે અડધો ભાગ ચીરીને આપી દીધો. બ્રાહ્મણ ભગવાનને વંદન કરી આભાર માની ઘરે આવ્યો. તેની સ્ત્રીએ તેને વણકર પાસે મોકલ્યો. તેણે કહ્યું કે, “બાકીનું અડધું વસ્ત્ર જો લઈ આવ તો તેને અખંડ બનાવી દઉં, તેની કિંમત એક લાખ દીનાર-સુવર્ણમહોર ઊપજશે અને આપણે બન્ને સુખી થઈશું.”
તે ભગવાન પાસે પહોંચ્યો. એ શરમથી માગી ન શક્યો, પણ તેમની પાછળ પાછળ ફરતાં જ્યારે તે વસ્ત્ર પવનથી કાંટામાં ભરાતાં પડી ગયું ત્યારે તેને લઈને ઘરે પહોંચ્યો. ત્યાર પછી ભગવાન જીવનભર નિર્વસ્ત્ર રહ્યા. અહી યાદ રહે કે દીક્ષા થી આ પ્રસંગ સુધી વસ્ત્ર રહિત હતા
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૧૯
➖➖➖➖➖➖➖➖➖
➡ત્યાગ વૈરાગ્યની મૂર્તિસમા ભગવાન, દીક્ષાગ્રહણ કર્યા બાદ સાયંકાલે વિહાર કરી નજીકના કુમાર ગામના સીમાડે પધાર્યા. એમને કોઈ રહેઠાણ, બીજી કોઈ સગવડ કે સરભરાની જરૂર જ ક્યાં હતી? સંસારના ભૌતિક તમામ સુખ-સાધનોનો ત્યાગ કર્યો હતો, એટલે તેઓ તો ગામ બહાર ઊભા ઊભા ધ્યાનાવસ્થામાં લીન બની ગયા.
➡ભગવાનને તો અનંત કાળના પોતાના આત્માએ બાંધેલાં અને આત્માની મહાન શક્તિઓને પ્રગટ થવામાં અવરોધક બનેલાં એવાં પુરાતન કર્મોને ખપાવવાં હતાં. એ ત્યારે જ બને કે જ્યારે સુખ-દુઃખ, સારા-નરસા ગમે તેવા પ્રસંગમાં જરાપણ રોષ-ગુસ્સો કે પ્રતિકાર કર્યા વિના શાંતિ જાળવી સમભાવે રહે.
➡હવે ભગવાન જ્યાં ઊભા હતા ત્યાં એક અજ્ઞાત ગોવાળિયો પોતાના બળદને બેસાડીને, તેનું ધ્યાન રાખવાનું મહાવીરને કહી ગામમાં ગયો. બળદો તો ચરવા દૂર દૂર જતા રહ્યા. ગોવાળે ગામમાંથી પાછા ફરીને જોયું તો બળદો ન જોયા. ભગવાનને પૂછ્યું કે, `મારા બળદો ક્યાં છે?’ ભગવાનને મૌન હોવાથી એને જવાબ ન મળ્યો. ગોવાળ શોધમાં આખી રાત રખડપટ્ટી કરી પાછો ફર્યો ત્યારે પેલા બળદોને ભગવાન પાસે બેઠેલા જોયા, તેથી ગોવાળે ગુસ્સાપૂર્વક કહ્યું કે, `હે દેવાર્ય! તમે જાણતા છતાં પણ મને કેમ કહ્યું નહિ અને મને નાહક રખડપટ્ટી કરાવી?’
➡તે બળદની રાશ (દોરડું) લઈ ભગવાનને મારવા દોડ્યો. ત્યાં દેવલોકમાંથી ઇન્દ્ર શીઘ્ર આવીને તેનો હાથ પકડી તેને અટકાવે છે અને તેને ઉપાલમ્ભ આપતાં કહે છે કે, `હે દુરાત્મન્! આ કોઈ રખડાઉ માણસ નથી, પણ રાજા સિદ્ધાર્થના દીક્ષિત પુત્ર વર્ધમાન છે.’
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૦
➖➖➖➖➖➖➖➖➖
➡ભગવાન કુમાર ગામથી `અસ્થિક’ ગામ પધાર્યા. ત્યાં ધ્યાન માટે નિર્જન એકાન્ત જગ્યાની શોધ કરતાં ગામ બહાર ટેકરી ઉપર આવેલાં શૂલપાણિ યક્ષના મંદિરની પસંદગી કરી.
➡ગામ લોકોની અનુમતિ માગી પણ લોકોએ આગ્રહપૂર્વક કહ્યું કે, “આ મંદિરનો યક્ષ અતિ ક્રૂર છે. અહીં જે કોઈ રાત રહે છે તેને તે મારી નાખે છે, માટે આપ બીજે પધારો.
➡”ભગવાને કહ્યું કે “તેની ચિંતા ન કરો….” તેમની અનુમતિ લઈને ભગવાન ત્યાં રહ્યા, અને સ્થળ નિર્જન થયા બાદ ધ્યાનારૂઢ બન્યા. આથી શૂલપાણિ રોષે ભરાયો અને મનોમન બોલ્યો કે “સહુએ ઘસીને ના પાડી છતાં પોતાની તાકાત ઉપર મુસ્તાક રહેનાર આ કેવો ધૃષ્ટ માણસ છે? આ તો મારી સામે પડકાર છે.
➡હવે હું એને મારી શક્તિનો પરચો બરાબર બતાવું.” તેણે તુરંત જ ભગવાનને ડરાવવા આભ તૂટી પડે એવું ભયંકર અટ્ટહાસ્ય કર્યું. હાથી, પિશાચ, સર્પાદિકનાં ભયંકર રૂપો લઈને ભગવાનને વિવિધ પ્રકારે ત્રાસ આપ્યો, છતાં તેની કશી જ અસર ન થઈ
➡ત્યારે આંખ, કાન વગેરે માર્મિક અંગોમાં ભયંકર વેદનાઓ ઉત્પન્ન કરી. આમ છતાં અખૂટ ધૈર્યશાલી ભગવાન જરા પણ ધ્યાનભગ્ન ન બન્યા. શૂલપાણિ ભગવાનની અપ્રતિમ શક્તિથી પરાજિત થયો.
➡એણે ક્ષમાશીલ ભગવાનના ચરણમાં પડી અપરાધોની ક્ષમા માગી, ચરણપૂજા કરી, ગુણગીતો ગાયાં અને એ યક્ષ સદાને માટે પ્રશાન્ત બન્યો. સવારે ગામના લોકો મંદિરે પહોંચ્યા અને ભગવાનની અગાધ શક્તિ અને અપાર મહિમાને જોઈ નતમસ્તક બની ભગવાનનો જયજયકાર કર્યો.
➖➖➖➖➖➖➖➖➖
👆ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૧
➖➖➖➖➖➖➖➖➖
ભૂતકાળનો એક તપસ્વી જૈન સાધુ ક્રોધના ભાવમાં મૃત્યુ પામી ચોથા ભવે જંગલમાં `વાચાલા’ ગામની સમીપના આશ્રમમાં દૃષ્ટિવિષ સર્પ તરીકે જન્મ્યો. તે `ચણ્ડકૌશિક’ એવા નામથી ઓળખાયો.
આ સર્પ પોતાની દૃષ્ટિમાં રહેલા કાતિલ ઝેરથી અનેક પશુ-પક્ષીઓ અને માનવોનો સંહાર કર્યે જતો હતો. પરિણામે આખું જંગલ સાવ નિર્જન અને ભયંકર બની ગયું હતું. એ રસ્તે કોઈ જ પસાર થતું ન હતું.
કરુણાસમુદ્ર ભગવાન મહાવીરે જ્ઞાનથી આ જાણ્યું. તેના ઉપર કરુણા ઊપજી. તેને પ્રતિબોધ કરી હિંસાથી મુક્ત કરવા, જનતાની ના છતાં, જંગલમાં જઈને તેના દર નજીક ધ્યાનસ્થ બનીને તેઓ ઊભા રહ્યા.
સર્પને માનવની ગંધ આવી. એણે મનોમન વિચાર્યું કે “અરે! નિર્જન બનાવેલા આ સ્થળમાં આવવાની હિંમત કરનારો આ છે કોણ? મારી તાકાતનો બરાબર પરચો બતાવું.”
તરત જ ભગવાન પાસે આવી તેમને ખતમ કરવા તેમના દેહ ઉપર વારંવાર પોતાની વિષપૂર્ણ જ્વાલાઓ ફેંકી. પણ તેની કશી જ અસર ન થઈ. છેવટે ક્રોધાન્ધ બની તે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ મારીને દૂરથી જોઈ રહ્યો. ભગવાન ન પડ્યા, ન મૃત્યુ પામ્યા.
વળી ડંખમાંથી લાલને બદલે શ્વેત રુધિર જોઈ, ભારે આશ્ચર્યમગ્ન બની તે પ્રભુની પ્રશાન્ત મુદ્રા જોતાં શાંત થવા લાગ્યો. તે વખતે ભગવાને મધુર શબ્દોમાં કહ્યું કે – ‘હે ચણ્ડકૌશિક! તું બોધ પામ અને શાંત થા.’
એવું વારંવાર કહેવાથી તેને ગત જન્મનું જ્ઞાન થયું. પોતાનો આત્મા ક્રોધ કરવાને કારણે સાધુમાંથી સર્પયોનિમાં જઈ પહોંચ્યો હતો, તેથી એણે પાપનો પશ્ચાત્તાપ કર્યો. ભગવાનની ક્ષમા માંગી, હિંસા છોડી અને અનશન કરી એ આઠમા વૈમાનિક દેવલોકમાં દેવ થયો.
ક્રોધ સામે ક્ષમાના અને હિંસા સામે અહિંસાના થયેલા ભવ્ય વિજયનું આ જ્વલંત ઉદાહરણ છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૨
➖➖➖➖➖➖➖➖➖
સુરભિપુરથી રાજગૃહ જતાં વચમાં આવતી ગંગા નદી પાર કરવા ભગવાન નાવમાં બેઠા. એમાં બીજા પણ અનેક લોકો બેઠા. નાવિકે નાવ હંકારી. તે બરાબર ઊંડા જલ પાસે પહોંચી કે અચાનક પાતાલવાસી સુદૃંષ્ટ્ર નામના નાગકુમાર દેવે જ્ઞાનથી જાણ્યું
કે `અહો! આ મહાવીર ગત જન્મમાં વાસુદેવના ભવમાં હતા અને હું સિંહના ભવમાં હતો ત્યારે આ વાસુદેવે મારું મોઢું ચીરી મને જાનથી મારી નાંખ્યો હતો.’ તેની વૈરવૃત્તિ જાગી ઉઠી. તે બદલો લેવા દોડી આવ્યો.
આવીને તેણે પોતાની દિવ્ય શક્તિથી ભયંકર તોફાન ઊભુ કર્યું. તેણે પ્રારંભમાં મહાપવનને વિકુર્વ્યો. ગંગાનાં નીર હિલોળે ચઢ્યાં, નાવ આમ તેમ ઝોલાં ખાતી ઊછળવા લાગી, અને સઢનો સ્તંભ તૂટી ગયો. સહુને માથે મોત ભમતું દેખાયું, ગભરાટ વધી ગયો, હો હા થઈ પડી, `બચાવો બચાવો’ ની બૂમાબૂમ થવા માંડી. બચવા માટે સહું ઇષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા.
આવા પ્રસંગમાં પણ ભગવાન તો નિશ્ચલ ભાવથી ધ્યાનમાં જ મગ્ન બેઠા હતા. આ તોફાનની જાણ જ્ઞાનથી કંબલ-શંબલ નામના નાગદેવોને થતાં તેઓ તુરંત આવી પહોંચ્યા. આવીને તેમણે સુદૃંષ્ટ્રદેવને ધૂત્કારી હાંકી કાઢ્યો. તોફાન શમી ગયું અને નાવ હેમખેમ કિનારે પહોંચી.
ખરેખર! આ મહાન આત્માના જ પુણ્યપ્રભાવે આપણા સહુની રક્ષા થઈ છે એમ સમજીને તમામ પ્રવાસીઓએ ભગવાનને ભાવભીની વંદના કરી હાર્દિક આભાર માન્યો.
ચિત્રમાં પાણીના પ્રવાહમાં જ નૌકા નીચે સુદૃંષ્ટ્રદેવ નૌકાને ઊથલાવતો બતાવ્યો છે. ઉપર આપણી ડાબી બાજુએ ખૂણામાં રક્ષા કરવા આવી રહેલા કંબલ-શંબલ દેવો બતાવ્યા છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૩
➖➖➖➖➖➖➖➖➖
કઠિન કર્મોનો ક્ષય કરવા ભગવાને મ્લેચ્છોથી સભર અને સાધુ-સંતોથી તદ્દન અજ્ઞાત એવી પ્રજાવાળી ભૂમિને પસંદ કરી. વિહાર કરતા તેઓશ્રી દૃઢભૂમિના પોલાસ ચૈત્યમાં પહોંચ્યા.
ત્યાં ત્રણ દિવસના ઉપવાસ કરી, નિર્જીવ શિલા ઉપર જરા અવનત દેહે જિનમુદ્રાપૂર્વક ઊભા રહી `મહાપ્રતિમા’ નામનું તપ આદર્યું. ચિત્તને સ્થિર કરી નિર્નિમેષ દૃષ્ટિથી આખી રાત એક અચિત્ત પુદ્ગલ સ્કંધ ઉપર જ ધ્યાન સ્થિર કર્યું.
મહાવીરના અડગ અને અણનમ ધ્યાનને ઇન્દ્રે જ્ઞાનથી જાણીને પોતાની દેવસભામાં પ્રશંસા કરતાં કહ્યું કે “ધ્યાન અને ધૈર્યમાં ભગવાન મહાવીરની તોલે કોઈ આવે નહિ. મનુષ્યો તો શું, દેવ પણ તેમને ચલિત કરી શકે નહિ.”
આ પ્રશંસા તેજોદ્વેષી સુરાધમ સંગમદેવથી સહન ન થઈ શકી, એણે કહ્યું કે “માનવીમાં આ સામર્થ્યનો કદી સંભવ જ નથી તેની હું હમણાં જ ખાતરી કરાવી આપું.”
તે પછી તરત જ ભગવાનને ધ્યાનથી ચલિત કરવા શીઘ્ર દોડી આવ્યો. એક રાતમાં પિશાચ, હાથી, વાઘ, સાપ અને વીંછીના ઉગ્ર ઉપદ્રવો તથા પગ વચ્ચે અગ્નિ સળગાવીને તેના પર રસોઈ કરવી, અપ્સરાના હાવભાવપૂર્વકનાં પ્રલોભનો, કાલચક્ર પ્રક્ષેપ આદિ પ્રતિકૂળ-અનુકૂળ એવા વિવિધ વીસ ભયંકર, ત્રાસજનક ઉપસર્ગો કર્યા
પણ ધીર-વીર એવા ભગવાન તલમાત્ર પણ ક્ષુબ્ધ ન થતાં સર્વથા નિશ્ચલ રહી કસોટીમાંથી પાર ઊતર્યા. આખરે સંગમદેવ થાક્યો અને હારીને રવાના થઈ ગયો. દીક્ષા પછી ભગવાનની સાધનાનું આ અગિયારમું વર્ષ ચાલતું હતું
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૪
➖➖➖➖➖➖➖➖➖
➡દીર્ઘ તપસ્વી ભગવાને દીક્ષાના બારમાં વર્ષમાં કૌશામ્બી પધારી ભિક્ષા સંબંધી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવગર્ભિત વિવિધ બોલનો ઘોર અભિગ્રહ કર્યો.
👉દ્રવ્યથી-અડદ-બાકલા તે પણ સૂપડાના ખૂણામાં હોય તો જ લેવા.
👉ક્ષેત્રથી-એક પગ ઉંબરામાં અને એક પગ બહાર રાખીને આપે તો જ વહોરવું.
👉કાલથી-ભીક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીના સમયે મળે તો જ વહોરવું.
👉ભાવથી-કોઈ રાજકુમારી અને તે દાસીપણાને પામી હોય, પગમાં બેડી નાંખેલી હોય, માથું મુંડાવેલી હોય, રડતી હોય, અઠ્ઠમનો તપ એટલે ત્રણ દિવસથી ભૂખી હોય, વળી તે પવિત્ર સતી સ્ત્રી હોય, તે વહોરાવે તો જ વહોરવું.
➡આવી પ્રતિજ્ઞા બાદ ભગવાન કૌશામ્બીમાં હંમેશાં ભિક્ષા માટે અનેકનાં ઘરે પધારે છે, પણ સૂચિત અભિગ્રહ પૂરો થતો નથી. લોકો આ દુઃશક્ય અભિગ્રહને જાણતા ન હોવાથી ખૂબ ચિંતાતુર રહે છે. આમ કરતાં પાંચ મહિના અને પચીસ દિવસ પસાર થયા ત્યારે, નિત્યનિયમ મુજબ ભગવાન ભિક્ષાર્થે ધનાવહ શેઠને ત્યાં પધાર્યા. તે સમયે એવું બનેલું કે
➡ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનબાળાને પાપોદયે વેચાવાનો વખત આવ્યો. ધનાવહે તેને ખરીદી. પાછળથી શેઠની પત્ની મૂલાંને તેના પર અતિઈર્ષ્યા થતાં, જાણીજોઈને છૂપી રીતે તેનું માથું મૂંડાવી, પગમાં બેડી નાંખી, તેને ભોંયરામાં પૂરી દીધી. ત્રણ દિવસ બાદ શેઠને ખબર પડતાં એને બહાર કાઢી. શેઠે સૂપડાના ખૂણામાં અડદના બાકલા ખાવા આપ્યા. તે લઈને ઉંબરા ઉપર ઊભીને, દાન માટે કોઈ ભિક્ષુની રાહ જોતી હતી
➡ત્યાં ખુદ કરપાત્રી ભગવાનનું પધારવું થયું. ભગવાને પોતાના સ્વીકૃત અભિગ્રહમાં માત્ર આંસુની ખામી જોઈ તેઓ ત્યાંથી પાછા ફર્યા. ભગવાન જેવા ભગવાન ઘરે પધાર્યા અને પાછા ફર્યા તેનો તીવ્ર આઘાત લાગતાં બાલાચંદના રડી પડી. રુદનનો અવાજ સાંભળીને ભગવાન પાછા ફર્યા. બે હાથ પસારીને ચંદનાની ભિક્ષા સ્વીકારી. દાન પ્રભાવે પાંચ દિવ્યો પ્રગટ થયાં. ધન્ય ચંદના! ધન્ય દાન!
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૫
➖➖➖➖➖➖➖➖➖
👉ભગવાન જ્યારે છમ્માણિ ગામની બહાર કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનસ્થ હતા ત્યારે સંધ્યાકાળે કોઈ ગોવાળિયો ભગવાનની પાસે બળદો મૂકીને ગામમાં ચાલ્યો ગયો. કામ કરીને પાછો આવ્યો ત્યારે બળદો ન જોતાં ભગવાનને પૂછ્યું, “દેવાર્ય! બળદો ક્યાં ગયા?”
👉મૌની ભગવાને જવાબ ન આપતાં દુષ્ટ ગોવાળિયાએ ક્રોધાન્ધ બની કાસ (દાભ) નામના અતિ કઠણ ઘાસની અણીદાર શૂલો-સળીઓ પથ્થરથી ઠોકીને બન્ને કાનોમાં જોરથી ખોસી દીધી. તથા કોઈ તે કાઢી ન શકે એટલા માટે તેના બહારના ભાગને પણ કાપી નાંખ્યો.
👉આવા દારુણ કષ્ટમાં પણ ભગવાન નિશ્ચલભાવે ધ્યાનરત જ રહ્યા અને કઠિન કર્મો ઓછાં કર્યાં
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૬
➖➖➖➖➖➖➖➖➖
👉ત્યાંથી શલ્યસહિત ભગવાન મધ્યમા (પાવા) પધાર્યા અને ભિક્ષાર્થે સિદ્ધાર્થ વણિકના ઘરે પહોંચ્યા. તે વખતે તે `ખરક’ નામના મિત્રવૈદ્ય સાથે વાતો કરતો હતો. ભગવાન પધારતાં તેણે વંદનપૂર્વક સ્વાગત કર્યું.
👉એ વખતે ખરકે ભગવાનની મુખાકૃતિ ઉપરથી ભગવાનનાં શરીરમાં કંઈક શલ્ય છે એમ પારખી લીધું. પછી શરીર તપાસતાં કાનમાં દર્ભ-કાષ્ઠની શૂલો ખોસાયેલી જોઈ.
👉સિદ્ધાર્થને વાત કરતાં તે કંપી ઊઠ્યો. તેણે કહ્યું કે “એ શલ્ય ને જલદી બહાર કાઢો અને પુણ્યના ભાગીદાર બનો.” પછી ભગવાનને મુશ્કેલીથી સમજાવી, નસો ઢીલી કરવા તેલના કુંડામાં બેસાડ્યા. પછી ખૂબ માલિશ કર્યું. તે કર્યા બાદ કુશળપ્રયોગપૂર્વક સાણસીથી શૂલો ખેંચી કાઢી.
👉તે વખતે ભયંકર વેદનાના કારણે ભગવાનથી કારમી ચીસ પડાઈ ગઈ. ગત જન્મમાં ભગવાનના જીવે અજ્ઞાનભાવે બાંધેલું પાપ-કર્મ અંતિમ ભવે પણ ઉદય આવ્યું.
👉 ખરેખર! કર્મ કોઈને છોડતું નથી અને નિકાચિત ભાવે બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે. કર્મસત્તાનો સિદ્ધાંત કેવો નિષ્પક્ષ અને અટલ છે! એની સચોટ પ્રતીતિ આ પ્રસંગ કરાવી જાય છે. અને “બંધસમય ચિત્ત ચેતીએ ઉદયે શો સંતાપ?” આ પદ્યપંક્તિનું પણ સ્મરણ મૂકી જાય છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૭
➖➖➖➖➖➖➖➖➖
➡અનાદિ કાળથી આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરની જેમ એકાકાર બનેલાં શુભાશુભ કર્મોનો ક્ષય થાય તો જ આત્મા મુક્તિ-મોક્ષને મેળવે છે. પણ એ પહેલાં કેવલજ્ઞાનનો મહાન પ્રકાશ પ્રાપ્ત કરવો જોઈએ.
➡એ પ્રકાશ મેળવવા આત્માના મૂલભૂત અવિનાભાવી લેખાતા જ્ઞાનાદિ ગુણોના ઘાતક ગણાતા, ઘાતીથી ઓળખાતાં જ્ઞાનાવરણીય, મોહનીય આદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરવો જ જોઈએ. અને એ ક્ષય કરવા માટે સંયમપૂર્વક તપ અને ધ્યાનસ્વરૂપ અગ્નિને પ્રચંડ રીતે પ્રજ્વલિત કરવો જોઈએ.
➡તે દરમિયાન જે જે ઉપસર્ગો, પરિષહો અને સંકટો આવે તેનો હિંમતથી સમતાભાવે આત્મબળ કે મનોબળથી સામનો કરી, ધ્યેયની દિશામાં આગળ વધવું જોઈએ. તેમ જ વિષય-વાસનાઓનું શમન અને ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયોનું દમન કરતાં ક્ષમાદિ આત્મિક ગુણોનો વિકાસ સાધી રાગ-દ્વેષ વિનાની નિર્મળ-વીતરાગ અવસ્થા પણ મેળવવી જોઈએ.
➡આટલું થાય ત્યારે આત્માનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય છે. ત્યાર પછી જીવનના અંતે તે આત્મા શેષ અઘાતી ચાર કર્મોનો ક્ષય કરીને આઠેય કર્મથી રહિત બની અવ્યાબાધ, અનંત અને શાશ્વત એવા મુક્તિસુખનો અધિકારી બને છે.
➡ભગવાન પોતાના અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવા અદ્યાવધિ ઉક્ત પ્રક્રિયાનો જ અમલ કરી રહ્યા છે. ભગવાનનો મહાન આત્મા ધર્મધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચીને શુક્લ-અત્યુજ્જ્વલ પ્રકારના ધ્યાનમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યો છે. તેનો ખ્યાલ આપતું, ધ્યાનપોષક વાતાવરણને દર્શાવતું આ ભાવવાહી ચિત્ર છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૮
➖➖➖➖➖➖➖➖➖
➡ઓછામાં ઓછા બે ઉપવાસ (છઠ્ઠ) થી લઈને છ છ મહિના સુધીના ઉપવાસ આદિની અનેકવિધ મહાતપશ્ચર્યાપૂર્વક ઉદ્યાનો, વનો, નિર્જન સ્થાનો વગેરે સ્થલોમાં ધ્યાનસ્થ રહી, દેવ-મનુષ્યાદિ દ્વારા થયેલા ઉપસર્ગો અને પરીસહોને સમભાવપૂર્વક સ્વેચ્છાથી સહન કરી, સાધિક સાડાબાર વર્ષની સાધનાને અંતે ભગવાન ધર્મ-ધ્યાનની પરાકાષ્ઠાએ પહોંચ્યા.
➡ત્યાર બાદ તેઓશ્રી મધ્યમામાંથી વિહરી, જૃમ્ભિક ગામે આવ્યા અને ત્યાં ગામ બહાર વહેતી ઋજુવાલિકા નદીના કિનારા ઉપરના ખેતરમાં દાખલ થયા ત્યારે તેમને બીજો ઉપવાસ હતો. વિશ્વનાં પ્રાણિમાત્રનું યથાર્થ કલ્યાણ કરવું હોય તેને વિશ્વનાં સમસ્ત પદાર્થો, તેની ત્રૈકાલિક અવસ્થાઓ અને તેનાં ગૂઢ રહસ્યોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ માટે `કેવલજ્ઞાન’ નો મહાપ્રકાશ મેળવવો જોઈએ. એ મેળવવા આત્મિકગુણોના પૂર્ણવિકાસને રૂંધી રહેલાં કર્મોનો ક્ષય કરવો જોઈએ.
➡એ કરવા માટે અહિંસા, સંયમ અને તપની મહાસાધના કરવી જોઈએ. ભગવાન ૧૨.. વર્ષ સુધી એ માર્ગને અનુસર્યા. અને પ્રારંભેલી મહાસાધનાની અન્તિમ સિદ્ધિ (કેવલજ્ઞાનપ્રાપ્તિ) નો સમય નિકટ આવી રહ્યો હતો ત્યારે ભગવાને શાલવૃક્ષની નીચે સૂર્યના આતપમાં ગોદોહિકાસને (ચિત્ર-મુજબ)બેસીને શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો. એમણે ધ્યાનાર્હ વિવિધ વિષયોમાંથી મનને ખેંચીને ઇષ્ટ વસ્તુની ઉપર ધ્યાનને કેન્દ્રિત કર્યું. મન નિષ્પ્રકંપ બનતું ગયું. ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લધ્યાનમાં પ્રવિષ્ટ હતા ત્યારે, તેઓશ્રીએ મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય, આ ચાર ઘાતીકર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો અને (પાંચમું) કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થયાં.
➡તે દિવસ હતો વૈશાખ શુદિ દશમનો, અને પ્રહર હતો ચોથો. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી થવાથી તેઓ સંપૂર્ણ લોકાલોક-વિશ્વનાં ત્રણેય કાલના મૂર્તામૂર્ત, સૂક્ષ્મ કે સ્થૂલ, ગુપ્ત કે પ્રગટ એવા સમસ્ત જડ, ચેતન પદાર્થો, અને તેના પર્યાયો (અવસ્થાઓ)ને પ્રત્યક્ષ રીતે જોવા અને જાણવાવાળા થયા. તેમ જ અઢાર દોષ રહિત થતાં `અરિહંત’ બન્યા. તેથી તેઓ ત્રણેય લોકને આરાધ્ય, વંદનીય અને પૂજનીય બન્યા.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૨૯
➖➖➖➖➖➖➖➖➖
➡દિવસના ચોથા પ્રહરે કેવલજ્ઞાન થતાં ઇન્દ્રાદિકનાં સિંહાસનો ચલિત થયાં. હર્ષિત થયેલા અસંખ્ય દેવો ચોથા કલ્યાણકની ઊજવણી કરવા આવી પહોંચ્યા.
➡તેઓએ દર્શન-વંદન કરી ભગવાનના પ્રવચન માટે સમવસરણ (ધર્મસભા) ની રચના કરી. એ સભામાં દેવોની જ હાજરી હોવાથી કોઈને વિરતિ-ત્યાગ પરિણામ થયો નહિ.
➡ત્યાંથી બોધિપ્રાપ્ત (કેવલી) ભગવાન મહાન લાભનું કારણ જાણી એક રાતમાં જ દીર્ઘ વિહાર કરી મધ્યમા-(પાવાપુરી-) ના મહાસેન ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દેવોએ ભગવાનનું બીજું સમવસરણ રચ્યું.
➡પ્રવચનસભા કે ધર્મસભાને જૈન પરિભાષામાં `સમવસરણ’ કહેવામાં આવે છે. દેવો દૈવિક શક્તિથી વૈક્રિય પુદ્ગલોદ્વારા તેની રચના કરે છે. આ સમવસરણ ગોળ કે ચોરસ હોય છે. (અહીં ગોળ ચીતરેલું છે.) તે ત્રણ ગઢનું હોય છે. એમાં નીચેથી પહેલો ગઢ રૂપાનો, તે ઉપર બીજો સોનાનો, તે ઉપર ત્રીજો વિવિધ મણિરત્નોનો હોય છે. પહેલા ગઢનું તળિયું દેવ-મનુષ્યના વાહન માટે, બીજાનું તળિયું પશુ-પક્ષીઓ માટે અને ઉપરનું અંતિમ તલ દેવ-મનુષ્યની બાર પર્ષદા-સભાવાળું ભગવાનને દેશના આપવા માટે હોય છે.
➡અષ્ટમહાપ્રાતિહાર્યો-(અતિશયો) યુક્ત ભગવાન સિંહાસનમાં પૂર્વાભિમુખ બેસી પ્રવચનમુદ્રાથી, અનેક ગુણસંપન્ન વાણીથી માલકોશ રાગમાં, અને ત્યાગ-વૈરાગ્યની ગંગામાં સ્નાન કરાવનારી આધ્યાત્મિક પ્રકારની અમોઘ દેશના આપે છે. આ પ્રવચન મૃદુ-મધુર એવી અર્ધમાગધી ભાષામાં જ આપતા હોવા છતાં ભગવાનના વિશિષ્ટ અતિશયને લીધે વિવિધ ભાષાભાષી હજારો લોકો તેમ જ પશુ-પક્ષીઓ સુદ્ધાં પોતપોતાની જ ભાષામાં સમજી જાય છે. ભગવાન ક્યારેક સુવર્ણમય કમળ ઉપર બેસીને પણ દેશના આપે છે. રોજ બે વખત થઈને તેઓ છ છ કલાકનાં પણ પ્રવચનો કરે છે.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૩૦
➖➖➖➖➖➖➖➖➖
👉સમવસરણમાં અસંખ્ય દેવો તથા માનવો વચ્ચે, ૩૪ અતિશયો અને ૩૫ ગુણોથી અલંકૃત વાણીમાં ભગવાને અદ્ભુત પ્રવચન આપ્યું. હજારો હૈયાં ધર્મભાવાથી તરબોળ બન્યા.
👉બીજી બાજુ એ જ નગરમાં એક મહાયજ્ઞ શરૂ થયો હતો. તે માટે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવેલા હતા. એમાં અગિયાર બ્રાહ્મણો મહાવિદ્વાન હતા. એ બધાય પોતાની જાતને સર્વજ્ઞ માનતા હતા.
👉એમાં મુખ્ય ગૌતમ-ગોત્રીય ઇન્દ્રભૂતિ હતા. એ બ્રાહ્મણોએ લોકોના મોઢેથી સાંભળ્યું કે અમો સર્વજ્ઞ બનેલા મહાવીરને વંદન કરી આવ્યા,
👉ત્યારે ઇન્દ્રભૂતિનો ઇર્ષ્યાગ્નિ પ્રજ્વલિત બન્યો. `મારા સિવાય જગતમાં સર્વજ્ઞ છે જ ક્યાં? આ કોઈ મહાધૂર્ત લાગે છે. હું જાઉં અને એને શાસ્ત્રાર્થ દ્વારા ચૂપ કરી દઉં.’ તેઓ ૫૦૦ શિષ્યો સાથે ત્યાં પહોંચ્યા,
👉પણ દૂરથી ભગવાનને જોતાં જ સ્તબ્ધ બની ગયા. પછી નજીક ગયા ત્યાં જ ભગવાને નામ-ગોત્રના ઉચ્ચારપૂર્વક તેમને બોલાવ્યા અને એના મનમાં `આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય છે કે નહિ?’ એવી જે ગુપ્ત શંકા હતી, તે જણાવતાં જ તેનો ગર્વ ગળી ગયો અને `મહાવીર સાચા સર્વજ્ઞ છે’ એવી સંપૂર્ણ પ્રતીતિ થઈ.
👉ભગવાને તરત જ યુક્તિયુક્ત અર્થવાળી ગંભીર વાણીથી શંકાનું સમાધાન કર્યું, એટલે ઇન્દ્રભૂતિએ પાંચસો વિદ્વાન શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. તેની જાણ અન્ય દસ વિદ્વાન બ્રાહ્મણોને થતાં તેઓ પણ ભગવાન પાસે આવ્યા.
👉તેમની ગૂઢ શંકાઓનાં સમાધાનો થતાં હજારો (૪૪૦૦) શિષ્યો સાથે તેઓ પણ દીક્ષિત બન્યા. ઇન્દ્રભૂતિ મુખ્ય શિષ્ય બન્યા. પછી ભગવાને ઊભા થઈ ઇન્દ્રના હાથમાં રહેલા થાળમાંથી વાસક્ષેપ લઈ સૌના મસ્તક ઉપર નાંખી આશીર્વાદ આપી તેમને ગણધરપદે સ્થાપિત કર્યા.
👉પ્રભુએ સહુને ત્રિપદી આપી. તેના આધારે અર્થથી સમાન પણ શબ્દથી ભિન્ન દ્વાદશાંગશાસ્ત્રોની પ્રાકૃત ભાષામાં શીઘ્ર રચના કરી અને સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ શ્રીસંઘની સ્થાપના કરવા દ્વારા સ્વતીર્થ-શાસન-પ્રવર્તન કર્યું.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૩૧
➖➖➖➖➖➖➖➖➖
વિહાર કરતાં કરતાં ભગવાન શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં બિરાજ્યા. એ વખતે ભગવાનનો સ્વચ્છંદી આદ્યશિષ્ય ગોશાલક (ગોશાલો) પોતાની જાતને તીર્થંકર તરીકે ઓળખાવતો હતો.
ગૌતમસ્વામીએ આ વાત ભગવાનને કહી. ભગવાને તેનો પ્રતિકાર કરતાં કહ્યું કે `આજીવિક સંપ્રદાયનો મંખલીપુત્ર ગોશાલક અષ્ટાંગનિમિત્તનો શ્રેષ્ઠ જ્ઞાતા હોવાથી કેટલુંક ભવિષ્યકથન કરી શકે. પણ તે જે પદનો દાવો કરે છે; તે તદ્દન ગલત છે. એ તો એક વખતે મારો ધર્મશિષ્ય હતો.’
આ વાત ઉપસ્થિત જનતાએ સાંભળી અને તે ગોશાલકના કાન સુધી પહોંચી. તે ઘણો કુપિત થયો અને ભગવાનની ખબર લેવા પોતાના ભિક્ષુસંઘ સાથે આવી પહોંચ્યો. ભગવાને જાણી જોઈને પોતાના સાધુઓને એનાથી દૂર રહેવા કહ્યું, પણ બે સાધુઓ ભક્તિવશ ન જ ખસ્યા.
ગોશાલક દૂર ઊભો રહી, ભગવાનને લક્ષ્ય કરી તાડૂકીને કહેવા લાગ્યો `હે કાશ્યપ! તું શા માટે મારી નિંદા કરી મને હલકો પાડે છે! તારો જૂનો ગોશાલક શિષ્ય હું નથી. હું તો બીજો છું.’ ભગવાને કહ્યું કે `હજુ તારો જુઠ્ઠું બોલવાનો સ્વભાવ ગયો નહિ.’
એ સાંભળી પુનઃ વધુ પ્રકુપિત થતાં તે બોલ્યો : ‘હે કાશ્યપ (મહાવીર), તેં મને છંછેડીને શૂળ ઊભું કર્યું છે. હવે તું જીવતો રહેવાનો નથી.’ આ વખતે ભગવાનના બે શિષ્યોએ તેની ભર્ત્સના કરતા તે બન્નેને તેણે ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત તેજોલેશ્યાથી શીઘ્ર ભસ્મીભૂત કરી નાંખ્યા.
તે પછી કૃતઘ્ની તેણે ભગવાનને બાળી નાંખવા પુનઃ તેજોલેશ્યા નામની ભયંકર જાજ્વલ્યમાન ઉષ્ણ શક્તિ છોડી, પણ તીર્થંકરો ઉપર કોઈ શક્તિ કામયાબ થતી ન હોવાથી તે શક્તિ મહાવીરદેવના શરીરને ફરતી પ્રદક્ષિણા આપી ચકરાવો મારતી પાછી વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. પરિણામે ગોશાલક બળીને ખાખ થવા લાગ્યો.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૩૨
➖➖➖➖➖➖➖➖➖
ભગવાન અનેક દેશમાં પગપાળા વિચર્યા. એમણે ઉપદેશનો ધોધ વરસાવ્યો. જેમાં ગરીબો, અમીરો, શ્રમજીવીઓ અને શ્રીમંતો, રાજકુમારો, રાણીઓ, રાજાઓ હતાં, એવા હજારો જીવોને દીક્ષા આપી, અને લાખો લોકોને ધાર્મિક બનાવ્યા.
અંતમાં કેવલી પર્યાયના ૩૦ માં, દીક્ષાના ૪૨ માં અને જન્મના ૭૨ માં વર્ષે અંતિમ ચાતુર્માસ અને જીવનનું અંતિમ વર્ષ પૂર્ણ કરવા ભગવાન અપાપાપુરી (પાવાપુરી) પધાર્યા. ત્યાં તેઓશ્રી હસ્તિપાલ રાજાના કારકુનોના સભાખંડમાં ચાતુર્માસ રહ્યા. હંમેશાં અપાતાં નિર્ગ્રન્થ પ્રવચનોથી પ્રતિબુદ્ધ થઈ અનેક ભવ્ય જીવોએ નિર્ગ્રન્થ ધર્મની પ્રવ્રજ્યા સ્વીકારી.
ચોમાસાનો ચોથો મહિનો (ગુજ.) આસો વદિ અમાવસ્યાએ પોતાનું પરિનિર્વાણ થવાનું હોવાથી ચૌદસ-અમાસના બે નિર્જલ ઉપવાસ (છઠ્ઠ તપ) કર્યા. જગતના કલ્યાણ માટે સુવર્ણકમળ ઉપર પલ્યંકાસને-પદ્માસને બેસી અંતિમ દેશનાનો પ્રારંભ કર્યો.
સભામાં ચારેનિકાયના દેવો, ચતુર્વિધ શ્રીસંઘ, કાશી-કોશલ દેશ આદિ જનપદના માન્ય ૧૮ ગણરાજાઓ, તેમજ ગણ્ય-માન્ય અન્ય વર્ગ અને સામાન્ય વર્ગ પણ ઉપસ્થિત હતો. પ્રવચનમાં ભગવાને પુણ્ય-પાપ ફલ વિષયક અધ્યયનો આદિ વર્ણવ્યું.
અમાવસ્યાની પાછલી રાતની ચાર ઘડી બાકી રહી ત્યારે સોળ પ્રહર-૪૮ કલાકની અવિરત ચાલેલી પ્રલંબ દેશના પૂરી થતાં જ ભગવાનનો આત્મા શરીર ત્યજી, વેદનીયાદિ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, આઠેય કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી, ૭૨ વર્ષનું આયુષ્ય પૂરું કરીને સ્વાતિ નક્ષત્રમાં ઊર્ધ્વાકાશમાં અસંખ્ય યોજન દૂર રહેલા મુક્તિ-સ્થાનમાં એક જ સમયમાં (એક સેકન્ડનો અસંખ્યાતામો ભાગ) પહોંચી જ્યોતિમાં જ્યોતિરૂપે ભળી ગયો.
હવે તેઓ જન્મ-મરણથી મુક્ત થયા. તમામ બંધનો, દુઃખો, સંતાપોથી રહિત બની સર્વસુખના ભોક્તા બન્યા. આ મહાન આત્માએ ગત જન્મમાં કરેલી સાધના અને અંતિમ જન્મમાં કરેલી મહાસાધનાના ફળરૂપે અભીષ્ટ-પરમોચ્ચ એવા સિદ્ધિપદને મેળવ્યું. જૈન ધર્મના સિદ્ધાન્ત મુજબ સિદ્ધિ કે મોક્ષની પ્રાપ્તિ બાદ ફરી તેમને આ સંસારમાં અવતરવું પડતું નથી.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૩૩
➖➖➖➖➖➖➖➖➖
👉નિર્વાણસમયે કાશી-કોશલના ૧૮ ગણતંત્ર રાજાઓ ઉપસ્થિત હતાં. તેમણે ભાવ-(જ્ઞાન-) પ્રકાશ અસ્ત થતાં, દ્રવ્ય પ્રકાશ કરવા સર્વત્ર દીવાઓ-દીપમાલિકાઓ પ્રગટાવ્યા. ત્યારથી આ દિવસ દીપોત્સવી તરીકે પ્રસિદ્ધિને પામ્યો અને ટૂંક સમયમાં દેશભરમાં દિવાળીપર્વ તરીકે મશહૂર બન્યો.
👉ઇન્દ્રાદિક દેવો જ્ઞાનથી નિર્વાણ જાણીને પાંચમું કલ્યાણક ઊજવવા પાવાપુરી આવી પહોંચ્યા. અંત્યેષ્ટિ કર્મ કરવા શક્રે જુદા જુદા દેવો દ્વારા શીઘ્ર ગોશીર્ષ ચંદનાદિકનાં કાષ્ઠો આદિ સામગ્રી મંગાવી ચિતા તૈયાર કરાવી, પછી આભિયોગિક દેવો પાસે ક્ષીરસમુદ્રનાં જલ મંગાવી અનંત ઉપકારી ભગવાનના અતિ પવિત્ર નિર્જીવ શરીરને સ્નાન કરાવ્યું. હરિચંદનથી લેપ કર્યો. રેશમી વસ્ત્ર પહેરાવ્યાં. મુગટ આદિ સુવર્ણ રત્નોના અલંકારો પહેરાવ્યાં. પછી ભગવાનના દેહને દેવનિર્મિત ભવ્ય શિબિકામાં પધરાવ્યો.
👉આ નિર્વાણયાત્રામાં અસંખ્ય દેવો અને લાખો પ્રજાજનો સામેલ થયા. સૌનાં નેત્રો અશ્રુથી પૂર્ણ હતાં. સૌના ચહેરા દુઃખ-શોકથી મ્લાન હતાં. દેવોએ શિબિકા ઉપાડી. વાજતે ગાજતે જયનાદોની પ્રચંડ ઘોષણા સાથે નિર્વાણયાત્રા ચિતાસ્થાને આવી. ચિતા ઉપર શિબિકા પધરાવી અને સ્તુતિ-પ્રાર્થનાઓ કરી. દેવોએ અગ્નિ પ્રગટાવ્યો અને ઘી વગેરેથી સિંચન કર્યું. દેહ-પુદ્ગલ નષ્ટ થતાં સુગંધી જલથી ચિતા ઠારી.
👉આ પ્રમાણે નિર્વાણમહોત્સવ પૂર્ણ કરી ભગવાનની દાઢાઓ અને અન્ય અસ્થિઓને દેવો દેવલોકમાં લઈ ગયા. અગ્નિસંસ્કારના સ્થાને ભવ્ય સ્તૂપની સ્થાપના કરવામાં આવી.
👉એ પહેલાં ભગવાને પોતાનો કેવલજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃપર્યવજ્ઞાની, વાદી, મહાતપસ્વી, અદ્ભુત વિદ્યા-સિદ્ધો વગેરેથી અલંકૃત લાખો સાધુ-સાધ્વીજીઓનો તથા લાખો કરોડો શ્રાવક-શ્રાવિકા-(પુરુષ-સ્ત્રી)ઓનો સંઘ, પાંચમાં શિષ્ય ગણધર શ્રીસુધર્માસ્વામીજીને સોંપ્યો.
👆 ભગવાન શ્રી મહાવીર ચિત્ર અને પ્રસંગ પરિચય – ૩૪
➖➖➖➖➖➖➖➖➖
👉ભગવાન શ્રીમહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમગોત્રીય શ્રીઇન્દ્રભૂતિ હતા. તેઓ `ગૌતમ’ (ગોત્ર) નામથી જ વિશેષ પ્રસિદ્ધિને પામ્યા હતા.
👉પૂર્વાવસ્થામાં તેઓ બ્રાહ્મણકુલોત્પન્ન અને વેદ-વિદ્યામાં પારંગત હતા. તેઓ ગણધર પદે આવ્યા ત્યારે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી. તેઓ હંમેશા સેંકડો શિષ્યોને શાસ્ત્રની વાચના આપતા અને ખુદ મહાવીર ભગવાનના ૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વી અને લાખો-કરોડો શ્રાવક-શ્રાવિકારૂપ સંઘની યોગ્ય વ્યવસ્થા અને જવાબદારી સંભાળતા હતા.
👉ગૌતમસ્વામીને મહાવીર ઉપર અવિહડ સ્નેહ-રાગ હતો અને એ રાગ પ્રશસ્ત છતાં એમની આત્યન્તિક સિદ્ધિ (મોક્ષપ્રાપ્તિ) ની આડે આવતો હતો. એ બંધન તૂટી જાય એટલા ખાતર ઉપકારી ભગવાને નિર્વાણના દિવસની સાંજે જ એમને બોલાવીને કહ્યું કે `ગૌતમ, તું સામેના ગામમાં રહેલા દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જા.
👉’ પડતો બોલ ઝીલનાર પ્રખર આજ્ઞાંતિક, ગૌતમસ્વામીજી ત્યાં ગયા. પ્રતિબોધ કરીને પાછા ફરતાં માર્ગમાં જ એમણે ભગવાનનું નિર્વાણ (મૃત્યુ) સાંભળ્યું. સાંભળતાં જ વજ્રઘાત થયો! શૂન્યમનસ્ક બની ગયા! પોતાને ખરે અવસરે વેગળો કર્યાના કારણે ભગવાનને ઉપાલમ્ભ આપવા પૂર્વક કરુણ વિલાપ કરવા લાગ્યા! પછી, `વીર! ઓ વીર!’ રટતા રહ્યા. એકાએક મોહનાં પડલો ખસી ગયાં. ત્યાં એમને સાચો જ્ઞાનપ્રકાશ લાધ્યો,
👉સમજાયું કે `અરે! નિર્મોહીને મોહ શેનો હોય! મારા એક પક્ષીય સ્નેહને ધિક્કાર હો!’ આમ વૈરાગ્ય ભાવના ભાવતાં તેમને પ્રભાતે કેવલજ્ઞાન થયું. પછી એમણે દેવોએ રચેલા સુવર્ણ કમળ ઉપર પદ્માસને બેસીને ધર્મોપદેશ આપ્યો.
👉બાર વર્ષ સુધી અનેક સ્થળે વિચરી, લાખો લોકોને તારીને અંતે એક માસના ઉપવાસ કરી એઓ મોક્ષે પધાર્યા. ગૌતમસ્વામીને તદ્ભવ મોક્ષગામી ૫૦ હજાર શિષ્યો હતા. તેમનું નામ પ્રભાવશાળી હોવાથી હજારો જૈનો નિરંતર પ્રભાતમાં અનેકલબ્ધિથી સમ્પન્ન ગૌતમસ્વામીની પ્રાર્થના-પૂજાદિક કરતા આવ્યા છે અને આજે પણ કરે છે.
………….પૂર્ણ………..
ચરમ તીર્થપતિ શ્રી પ્રભુ મહાવીર ભગવંતના જીવન સંબંધિત પ્રશ્નોત્તરી..
(૦૧) વીર પ્રભુના ભવ કેટલા ?
➡️ સત્યાવીશ (૨૭)
(૦૨) પ્રભુનું પહેલા ભવમાં શું નામ હતું ?
➡️ નયસાર.
(૦૩) નયસારને જંગલમાં મધ્યાહ્ન સમયે ભોજન કરતા કઈ ભાવના થઈ ?
➡️ કોઈ અતિથિ આવે તો હું તેને આપીને ભોજન કરૂં.
(૦૪) પ્રભુએ નયસારના ભવમાં મુનિને કયો માર્ગ બતાવ્યો તથા મુનિએ નયસારને કયો માર્ગ બતાવ્યો ?
➡️ નયસારે મુનિને દ્રવ્ય માર્ગ બતાવ્યો ને મુનિએ નયસારને ભાવમાર્ગ બતાવ્યો.
(૦૫) પ્રભુ કયા ભવમાં સમ્યક્ત્વ પામ્યા ?
➡️ નયસારના ભવમાં.
(૦૬) પ્રભુના ત્રીજા ભવમાં પોતાનું, પિતાનું અને દાદાનું નામ શું હતું ?
➡️ પોતાનું નામ મરિચિ, પિતાનું નામ ભરત રાજા અને દાદાનું નામ ઋષભદેવ હતું.
(૦૭) પ્રભુએ મરિચિના ભવમાં કયો નવો વેશ ધારણ કર્યો હતો ?
➡️ ત્રિદંડીનો નવો વેશ ધારણ કર્યો હતો.
(૦૮) મરિચિનો સંસાર કયા વચન દ્વારા વધ્યો હતો ?
➡️ મરિચિએ કપિલને કહ્યું કે કપિલ ધર્મ અહીં પણ છે ને ત્યાં પણ છે. આવા ઉત્સૂત્રની પ્રરૂપણાના વચન દ્વારા તેનો સંસાર વધ્યો હતો.
(૦૯) મરિચિએ શું કરવાથી નીચ ગોત્ર કર્મ બાંધ્યું ?
➡️ કુળ મદ કરતા નીચગોત્ર કર્મ બાંધ્યુ.
(૧૦) કુળમદ કરતા મરિચિ શું બોલ્યો હતો ?
➡️ હું વાસુદેવમાં પહેલો થઈશ. મારા પિતા ભરત ચક્રવર્તીમાં પહેલા અને મારા દાદા તીર્થંકરોમાં પહેલા અહો ! મારૂં કેટલુ ઉત્તમ કુળ છે.
(૧૧) પ્રભુએ કાનમાં ખીલ્લા ઠોકવાનું કર્મ કયા ભવમાં બાંધ્યું ?
➡️ અઢારમા ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં.
(૧૨) પ્રભુના સત્યાવીશ ભવમાં તિર્યંચના અને નરકના ભવ કેટલા થયા ?
➡️ એક ભવ તિર્યંચ ગતિનો. (૨૦ મો) અને બે ભવ નરક ગતિના. (૧૯, ૨૧ મો)
(૧૩) પ્રભુએ કયા ભવમાં કયા તપ દ્વારા વીશ સ્થાનક તપની આરાધના કરી ?
➡️ પચ્ચીસમા નંદનઋષિના ભવમાં માસક્ષમણ તપ દ્વારા.
(૧૪) પ્રભુએ નંદનઋષિના ભવમાં કેટલા માસક્ષમણ કર્યા ?
➡️ અગિયાર લાખ એંશી હજાર છસ્સોને પીસ્તાલીશ. (૧૧,૮૦,૬૪૫)
(૧૫) પ્રભુએ વીશસ્થાનક તપની આરાધના કરતા કઈ ભાવના ભાવતા કયું નામ કર્મ નિકાચિત કર્યું ?
➡️ “સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ભાવતા તીર્થંકર નામ કર્મ.
(૧૬) પ્રભુ સત્યાવીશ ભવમાં કઈ કઈ પદવી પામ્યા અને કેટલી પદવી પામ્યા ?
➡️ ત્રણ પદવી પામ્યા..
(૧) ચક્રવર્તી (૨૩), (૨) વાસુદેવ (૧૮), (૩) તીર્થંકર. (૨૭)
(૧૭) તીર્થંકરનો આત્મા કેટલી ગતિમાંથી આવે ને કઈ કઈ ગતિમાંથી આવે છે ?
➡️ તીર્થંકરનો આત્મા બે ગતિમાંથી આવે. (૧) દેવગતિ (૨) નરકગતિ.
(૧૮) પ્રભુ છવ્વીસમા ભવમાં કયા દેવલોકમાં હતા અને કેટલું આયુષ્ય હતું?
➡️ દશમા પ્રાણત નામના દેવલોકમાં હતા. તેમનું આયુષ્ય વીશ સાગરોપમનું હતું.
(૧૯) પ્રભુના ચ્યવન કલ્યાણકનો દિવસ કયો ?
➡️ અષાઢ સુદ-૬ ની મધ્યરાત્રિ
(૨૦) પ્રભુ દેવગતિમાંથી આવીને કોની કુક્ષિમાં અવતર્યા હતા ?
➡️ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં.
(૨૧) દેવાનંદા બ્રાહ્મણીના સ્વામીનું નામ અને ગામનું નામ શું હતું ?
➡️ સ્વામીનું નામ ઋષભદત્ત અને ગામનું નામ બ્રાહ્મણકુંડ હતું.
(૨૨) પ્રભુ દેવાનંદાની કુક્ષિમાં કેટલા દિવસ રહ્યા હતા ?
➡️ બ્યાશી (૮૨) દિવસ.
(૨૩) પ્રભુને દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલાની કુક્ષિમાં કોણે મુક્યા ?
➡️ હરિણૈગમેષી દેવે.
(૨૪) પ્રભુ ત્રિશલા રાણીની કુક્ષિમાં કેટલા દિવસ રહ્યા ?
➡️ છ માસ અને સાડા પંદર દિવસ.
(૨૫) પ્રભુની માતાએ પ્રથમ સ્વપ્ને શું જોયું ?
➡️ કેશરી સિંહને.
(૨૬) પ્રભુની માતાએ ચોથે સ્વપ્ને શું જોયુ અને તેનું ફળ शुं ?
➡️ ચોથે સ્વપ્ને લક્ષ્મી દેવીને જોયા અને તેનું ફળ વાર્ષિક દાન દઈને તીર્થંકરની લક્ષ્મીને પ્રાપ્ત કરશે.
(૨૭) પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે માતાને કઈ કઈ ભાવના જાગી ?
➡️ પ્રભુની માતાને સુંદર ભાવના જાગી કે હું અમારી પડહ વગડાવું. ભગવંતની પૂજા રચાવું. ગુરૂ મ. ને વંદન કરૂં. હાથીની અંબાડી ઉપર બેસું. માથા પર છત્ર અને બે બાજુ ચામર વીંઝાતા હોય તે રીતે સિંહાસન પર બેસું.
(૨૮) માતાને દુ:ખ ન થાય તે માટે પ્રભુએ કુક્ષિમાં શુ કર્યુ?
➡️ પ્રભુ કુક્ષિમાં નિષ્કંપ બન્યા.
(૨૯) પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે પ્રભુએ કયો અભિગ્રહ કર્યો?
➡️ માતાપિતા જીવતા હોય ત્યાંસુધી મારે દિક્ષા ના લેવી.
(૩૦) પ્રભુનું જન્મ કલ્યાણક ક્યારે આવે ?
➡️ ચૈત્ર સુદ-૧૩ની મધ્યરાત્રિ.
ખાસ નોંઘ :- ઋષભદેવ ભગવાનની માતાએ પહેલા સ્વપ્નમાં વૃષભને અને વીર ભગવાનની માતાએ પહેલા સ્વપ્નમાં કેસરી સિંહને જોયો હતો, પણ મોટા ભાગના જિનેશ્વરદેવોની માતા પહેલા સ્વપ્નમાં હાથીને જ જુએ છે. તેથી બહુલતાની દ્રષ્ટિએ અને સ્વપ્નોનો ક્રમ હંમેશાં એકસરખો જળવાઈ રહે તે માટે, વીર પ્રભુની માતાએ પહેલા સ્વપ્નમાં સિંહને જોયો હોવા છતાં પણ હાથીને જોયો એ પ્રમાણે કહેવામાં આવ્યું છે.
(૩૧) પ્રભુનું જન્મ વાંચન ક્યારે આવે ?
➡️ ભાદરવા સુદ-૧ના દિવસે.
(૩૨) પ્રભુના ગોત્ર અને વંશ જણાવો.
➡️ ગોત્ર કાશ્યપ અને વંશ ઈક્ષ્વાકુ.
(૩૩) પ્રભુનું ગામ અને કુળ જણાવો.
➡️ ગામ ક્ષત્રિયકુંડ અને કુળ ક્ષત્રિય.
(૩૪) પ્રભુનો વર્ણ અને લંછન કયું ?
➡️ વર્ણ સુવર્ણ લંછન સિંહ.
(૩૫) પ્રભુના માતા અને પિતાનું નામ જણાવો.
➡️ માતાનું નામ ત્રિશલાદેવી અને પિતાનું નામ સિધ્ધાર્થ રાજા.
(૩૬) પ્રભુના ભાઈ અને બહેનનું નામ જણાવો.
➡️ ભાઈનું નામ નંદિવર્ધન અને બહેનનું નામ સુદર્શના.
(૩૭) પ્રભુના પત્ની, પુત્રી, જમાઈનું નામ જણાવો.
➡️ પત્ની યશોદા, પુત્રી પ્રિયદર્શના અને જમાઈ જમાલી.
(૩૮) પ્રભુના પૌત્રી અને ભાભીનું નામ જણાવો.
➡️ પૌત્રી શેષવતી (યશસ્વતી) ભાભી જયેષ્ઠા.
(૩૯) પ્રભુના મામાનું નામ અને નંદિવર્ધનના સસરાનું નામ શુ હતું ?
➡️ ચેડારાજા
(૪૦) પ્રભુના કાકાનું નામ જણાવો.
➡️ સુપાર્શ્વ.
(૪૧) પ્રભુના સાસુ અને સસરાનું નામ જણાવો.
➡️ સાસુ પદ્માવતી અને સસરા સમરવીર રાજા.
(૪૨) પ્રભુને અને શ્રેણિકને શુ સંબંધ હતો ?
➡️ પ્રભુ સાળા અને શ્રેણિક બનેવી હતા.
(૪૩) પ્રભુ કોના સસરા અને કોના મામા હતા ?
➡️ પ્રભુ સુદર્શના પુત્ર જમાલીના મામા અને સસરા હતા.
(૪૪) પ્રભુએ જન્માભિષેક વખતે ઈન્દ્રના સંશયને દૂર કરવા શું કર્યુ અને શું બન્યું ?
➡️ પોતાના ડાબા પગના અંગૂઠાથી મેરૂ પર્વતને દબાવ્યો તેથી મેરૂ પર્વત કંપાયમાન થયો.
(૪૫) પ્રભુનું વર્ધમાન નામ કયા કારણે પડ્યું ?
➡️ પ્રભુ જ્યારે ત્રિશલા માતાની કુક્ષિમાં આવ્યા ત્યારથી સિધ્ધાર્થ રાજાનું ભવન ધન, ધાન્ય, સુર્વણ, વાહન અને કીર્તિથી વૃધ્ધિને પામ્યુ તેથી તેમનું નામ વર્ધમાન પડ્યું.
(૪૬) પ્રભુના નામ કેટલા હતા ?
➡️ ત્રણ નામ હતા. (૧) વર્ધમાન (૨) મહાવીર (૩) શ્રમણ.
(૪૭) પ્રભુનું વર્ધમાન તથા મહાવીર નામ કોણે પાડયું ?
➡️ માતાપિતાએ વર્ધમાન નામ પાડેલું અને દેવોએ મહાવીર નામ પાડેલું.
(૪૮) પ્રભુ નંદિવર્ધનના આગ્રહથી સંસારમાં કેટલા વર્ષ રહ્યા ?
➡️ નંદિવર્ધનના આગ્રહથી પ્રભુ બે વર્ષ સંસારમાં રહ્યા.
(૪૯) પ્રભુ ગૃહસ્થા પણામાં કેટલા વર્ષ રહ્યા ?
➡️ ૩૦ (ત્રીસ) વર્ષ.
(૫૦) પ્રભુએ ક્યારે દિક્ષા લીધી અને પ્રભુને તે સમયે કયું જ્ઞાન ઉત્પન્ન થયું ?
➡️ પ્રભુ કારતક વદ-૧૦ (ગુજરાતી) દીક્ષા લીધી. તે સમયે પ્રભુને મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
(૫૧) પ્રભુને દીક્ષા સમયે કયો તપ હતો અને કેટલા મુષ્ટિ લોચ કર્યો ?
➡️ દીક્ષા સમયે છઠ્ઠ તપ હતો અને પંચમુષ્ટિ લોચ કર્યો હતો.
(પ૨) પ્રભુએ કયા ઉદ્યાનમાં અને કયા વૃક્ષ નીચે દીક્ષા લીધી ?
➡️ પ્રભુએ જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં અને અશોક વૃક્ષ નીચે દીક્ષા લીધી.
(૫૩) પ્રભુએ કેટલા સમય સુધી ઉપસર્ગના પરિષહોને સહન કર્યા ?
➡️ બાર વર્ષ છ મહિના અને પંદર દિવસ.
(૫૪) પ્રભુને પહેલો ઉપસર્ગ અને છેલ્લો ઉપસર્ગ કોણે કર્યો ?
➡️ ગોવાળીયાએ.
(૫૫) પ્રભુને પ્રથમ ઉપસર્ગ સમયે ઈન્દ્ર મહારાજાએ કઈ વિનંતી કરી ?
➡️ હે પ્રભુ ! આપને સાડાબાર વર્ષમાં આવા ઘણા ઉપસર્ગો થવાના છે તેથી હું આપની સેવામાં રહું.
(૫૬) સેવા માટે ઈન્દ્ર મહારાજાએ વિનંતી કરી ત્યારે પ્રભુએ શો જવાબ આપ્યો ?
➡️ ઈન્દ્ર ! તીર્થંકરો કોઈની સહાયથી પોતાના કર્મ ખપાવી શકતા નથી.
(પ૭) પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં છ માસી, ચાર માસી, ત્રણ માસી, અઢી માસી, બે માસી અને માસ ક્ષમણ કેટલા કર્યા ?
➡️ છ માસી એક, (પાંચ દિવસ ઓછા એવું એક છ માસી) ચાર માસી નવ, ત્રણ માસી બે, અઢી માસી બે, બે માસી છ, દોઢ માસી બે, માસક્ષમણ બાર કર્યા.
(પ૮) પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં છઠ્ઠ અને અઠ્ઠમ કેટલા કર્યા ?
➡️ ૨૨૯-છઠ્ઠ અને ૧૨-અઠ્ઠમ.
(૫૯) પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કેટલા નિર્જળ ઉપવાસ કર્યા ?
➡️ ૪૧૬૬ (ચાર હજાર એકસો છાસઠ).
(૬૦) પ્રભુએ પ્રથમ ચાર્તુમાસમાં કયાં પાંચ અભિગ્રહ ધારણ કર્યા ?
➡️ (૧) અપ્રીતિ થાય તેવા સ્થાનમાં ન રહેવું. (૨) હંમેશા કાઉસ્સગ્ગ મુદ્રામાં રહેવું. (૩) મૌન પણે રહેવું. (૪) ગૃહસ્થનો વિનય ન કરવો. (૫) કરપાત્રીથી આહાર કરવો
(૬૧) પ્રભુનું દેવદૂષ્ય વસ્ત્ર જયારે કાંટામાં ભરાયું ત્યારે પ્રભુએ શું નિર્ણય કયો ?
➡️ મારૂં શાસન ઘણા કાંટાવાળુ થશે તેવો નિર્ણય કર્યો.
(૬૨) કયા સ્થાનમાં પ્રભુના દર્શનથી ચંડકૌશિક પ્રતિબોધ પામ્યો ?
➡️ કનકખલ નામના આશ્રમમાં.
(૬૩) સંગમદેવે પ્રભુને એક રાત્રિમાં કેટલા ઉપસર્ગ કર્યા?
➡️ વીસ ઉપસર્ગ.
(૬૪) પ્રભુને પાંચ માસ ને પચ્ચીશ દિવસના ઉપવાસનું પારણું કોણે કરાવ્યું ? અને શેનાથી કરાવ્યું ?
➡️ ચંદનબાળાએ અડદના બાકુળાથી કરાવ્યું.
(૬૫) ચઉમાસી તપના પારણાની ભાવના કોણે ભાવી અને કોણે પારણું કરાવ્યું ?
➡️ જીરણશ્રેષ્ઠિએ ભાવના ભાવી અને અભિનવ શ્રેષ્ઠિએ પારણું કરાવ્યું.
(૬૬) પ્રભુને કરૂણાના આંસુ ક્યારે આવ્યા ?
➡️ પ્રભુ પાસેથી સંગમ જયારે પાછો ફર્યો ત્યારે આવ્યા.
(૬૭) ગૌશાળાને પ્રભુએ શું શીખવ્યુ ?
➡️ તેજોલેશ્યાની વિધિ.
(૬૮) પ્રભુને કયા દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું ?.
➡️વૈશાખ સુદ – દશમ.
(૬૯) પ્રભુને કયા વૃક્ષ નીચે કઈ નદીને કિનારે કેવળજ્ઞાન થયું ?..
➡️ શાલ નામના વૃક્ષ નીચે. ઋજુવાલિકા નદીના કિનારે.
(૭૦) પ્રભુને કયા સમયે અને કયા આસને કેવળ જ્ઞાન થયું?
➡️ અપરાહનકાળે (સાયમ્) ઉત્કટીક આસને.
(૭૧) પ્રભુએ પ્રથમ કેટલા બ્રાહ્મણોને દીક્ષા આપી ?
➡️ ૪૪૧૧ બ્રાહ્મણોને.
(૭૨) પ્રભુએ ચતુર્વિધ શ્રી સંઘની સ્થાપના કયા દિવસે કરી ?
➡️ વૈશાખ સુદ અગિયારસ.
(૭૩) પ્રભુને કેટલા ગણધર અને કેટલા ગણ હતા ?
➡️ અગિયાર ગણધર અને નવ ગણ.
(૭૪) પ્રભુની વાણી ન સાંભળવી તેવો નિયમ લેનાર ચોરનું નામ શું હતું ?
➡️ રોહિણીયો ચોર.
(૭૫) પ્રભુએ કોની સાથે કઈ શ્રાવિકાને ધર્મલાભ કહેવડાવ્યા ?
➡️ અંબડ પરિવ્રાજક સાથે સુલસા શ્રાવિકાને.
(૭૬) પ્રભુને કેટલા સાધુ અને કેટલા સાધ્વીઓ હતા ?
➡️ ૧૪,૦૦૦ સાધુ, ૩૬,૦૦૦ સાધ્વીઓ.
(૭૭) પ્રભુને કેટલા શ્રાવકો અને કેટલી શ્રાવિકાઓ હતી ?
➡️ ૧,૫૯,૦૦૦ શ્રાવકો અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ.
(૭૮) પ્રભુના પ્રથમ સાધુ અને પ્રથમ સાધ્વી કોણ હતા ?
➡️ ઈન્દ્રભૂતિ પ્રથમ સાધુ અને ચંદનબાળા પ્રથમ સાધ્વી.
(૭૯) પ્રભુના પ્રથમ શ્રાવક અને શ્રાવિકા કોણ હતા ?
➡️ પ્રથમ શ્રાવક શંખ અને પ્રથમ શ્રાવિકા સુલસા.
(૮૦) પ્રભુના સમવસરણમાં ગોશાળાની તેજોલેશ્યાથી કયા મુનિ ભ. કાળધર્મ પામ્યા ?
➡️ સર્વાનુભૂતિ અને સુનક્ષત્ર મુનિ ભ.
(૮૧) પ્રભુએ ઘેર જવાની ભાવનાવાળા કયા મુનિને સ્થિર કર્યા ?
➡️ મેઘકુમાર મુનિને.
(૮૨) પ્રભુએ ચૌદહજાર સાધુઓમાંથી કોના વખાણ કર્યા?
➡️ ધન્ના અણગારના.
(૮૩)પ્રભુએ કોનું સામાયિક વખાણ્યું?
➡️ પુણિયા શ્રાવકનું.
(૮૪) પ્રભુને કેવલી અવસ્થામાં તેજોલેશ્યાનો ઉપસર્ગ કોણે કર્યો ?
➡️ ગોશાળાએ.
(૮૫) પ્રભુના રોગની શાંતિ માટે કઈ શ્રાવિકાએ કયા મુનિને કયો પાક વહોરાવ્યો ?
➡️ રેવતી શ્રાવિકાએ સિંહરથ મુનિને બીજોરાપાક વહોરાવ્યો.
(૮૬) પ્રભુએ રાજગૃહીના નાલંદાના પાડામાં અને વૈશાલી નગરીમાં કેટલા ચોમાસા કર્યા ?
➡️ નાલંદાના પાડામાં ચૌદ અને વૈશાલી નગરીમાં બાર.
(૮૭) પ્રભુએ પોતાના નિર્વાણ સમયે ગુરૂ ગૌતમ સ્વામીને કોને પ્રતિબોધ કરવા મોકલ્યા ?
➡️ દેવશર્મા નામના બ્રાહ્મણને.
(૮૮) પ્રભુએ અંતિમ સમયે કેટલા પ્રહર દેશના આપી ?
➡️ સોળ પ્રહોર (૪૮ કલાક)
(૮૯) ભ. ની અંતીમ દેશના એ કયું આગમ સૂત્ર છે ?
➡️ ઉત્તરાધ્યયન સૂત્ર.
(૯૦) પ્રભુના શાસનમાં કેટલા અચ્છેરા થયા અને કયા કયા થયા ?
➡️ પાંચ અચ્છેરા થયા. (૧) ગર્ભહરણ (૨) ચમરેન્દ્રનો ઉત્પાત (૩) અભાવિત પર્ષદા (૪) સૂર્ય-ચંદ્રનું મુળ વિમાને અવતરણ (૫) કેવલી અવસ્થામાં ઉપસર્ગ.
(૯૧) પ્રભુના નિર્વાણ સમયે ઈન્દ્ર મ. ક્ષણવાર આયુષ્ય વધારવા વિનંતી કરી ત્યારે પ્રભુએ ઈન્દ્રને શું કહ્યું?
➡️ હે ઈન્દ્ર ! ન ભૂતો ન ભવિષ્યતિ. તીર્થંકરો ક્ષણમાત્ર પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી.
(૯૨) પ્રભુ ક્યા સ્થળે અને કયા દિવસે નિર્વાણ પામ્યા?
➡️ આસો વદ અમાસની મધ્ય રાત્રિએ પાવાપુરીમાં નિર્વાણ પામ્યા.
(૯૩) પ્રભુએ કેટલાની સાથે દીક્ષા લીધી અને કેટલાની સાથે મોક્ષમાં ગયા ?
➡️ પ્રભુએ એકલા જ દીક્ષા લીધી અને એકલા જ મોક્ષમાં ગયા.
(૯૪) પ્રભુનું આયુષ્ય અને દેહ પ્રમાણ કેટલું હતું ?
➡️ ૭૨ વર્ષનું આયુષ્ય અને સાત હાથની કાયા હતી.
(૯૫) પ્રભુના સાધુ – સાધ્વીઓમાંથી કેટલા સાધુ અને કેટલી સાધ્વીઓ મોક્ષમાં ગયા?
➡️ ૧૪ હજાર સાધુઓમાંથી ૭૦૦ સાધુઓ અને ૩૬ હજાર સાધ્વીઓમાંથી ૧૪૦૦ સાધ્વીઓ મોક્ષમાં ગયા.
(૯૬) પ્રભુના યક્ષ યક્ષિણીનું નામ શું હતું ?
➡️ માતંગયક્ષ અમે સિદ્ધાયિકાદેવી.
(૯૭) પ્રભુના નિર્વાણ બાદ કેટલા વર્ષે ચોથો આરો પૂરો થયો?
➡️ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના પછી. (૮૯ પખવાડીયા બાદ)
(૯૮) પ્રભુના નિર્વાણથી કયું પર્વ પ્રગટ થયું ?
➡️ દીપાવલી (દીવાળી) પર્વ.
(૯૯) પ્રભુના શાસનમાં છેલ્લા મોક્ષ ગામી કોણ હતા ?
➡️ જંબૂસ્વામી મહારાજ.
(૧૦૦) પ્રભુનું શાસન કેટલા હજાર વર્ષ સુધી ચાલશે ?
➡️ એકવીશ હજાર વર્ષ સુધી.
(૧૦૧) પ્રભુના શાસનમાં છેલ્લા સંઘમાં કોણ કોણ હશે ?
➡️ દુપ્પસહસૂરિ મ., ફલ્ગુશ્રી સાધ્વી, નાગિલ શ્રાવક, સત્યશ્રી શ્રાવિકા.
(૧૦૨) પ્રભુના સાધુઓ કોની પાટ પરંપરામાં આવે ?
➡️ સુધર્માસ્વામીની.
(૧૦૩) પ્રભુના સાધુ કેવા છે ?
➡️ વક્ર અને જડ.
(૧૦૪) પ્રભુના જીવતા કેટલા ગણધર નિવાર્ણ પદને પામ્યા?
➡️ નવ ગણઘર
(૧૦૫) પ્રભુના નિર્વાણ બાદ ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, જંબૂ સ્વામી કેટલા વર્ષે નિર્વાણ પામ્યા ?
➡️ ગૌતમ સ્વામી બાર વર્ષે, સુધર્મા સ્વામી વીસ વર્ષે, જંબૂ સ્વામી ચોસઠ વર્ષે નિર્વાણ પામ્યા.
(૧૦૬) પ્રભુથી ગૌતમ સ્વામી ઉંમરમાં અને આયુષ્યમાં કેટલા મોટા હતા ?
➡️ ગૌતમ સ્વામી પ્રભુથી ઉંમરમાં આઠ વર્ષ મોટા હતા અને આયુષ્ય વીસ વર્ષ વધારે હતુ. (પ્રભુવીરની ૭૨ વર્ષની વય હતી ત્યારે ગૌતમ સ્વામીની ઉંમર ૮૦ વર્ષની હતી.)
(૧૦૭) પ્રભુ વીરની જીવિત સ્વામીની પ્રતિમા ક્યાં ક્યાં છે ?
➡️ નાણા-દીયાણા- નાંદીયા અને મહુવામાં.
(૧૦૮) પ્રભુનું ચરિત્ર કયા સૂત્રમાં આવે છે ?
➡️ કલ્પસૂત્રમાં