🏵️ શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૧
➖➖➖➖➖➖➖➖➖
શ્રી સિદ્ધચક્ર યંત્રાધિરાજ છે. જે એમાં સમાતું હોય તે બઘી મન,વચન કે કાયાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ, આચારો, વિચારો કે ઉચ્ચારો જિનશાસનને માન્ય છે. જે એમાં ક્યાંય ન સમાય તે તમામ જિનશાસનની બહાર છે. તેને અમાન્ય છે.
♦️ શ્રી સિદ્ધચક્ર-યન્ત્રની ગોઠવણમાં એક વસ્તુ એકદમ ધ્યાનને આકર્ષે તેવી છે…
અરિહંત ભગવંતને સહુની વચ્ચે મૂકીને તેમને સર્વોત્કૃષ્ટ બનાવ્યા…
પણ સિદ્ધ ભગવંતને સહુથી ઊંચે મૂકીને અપેક્ષાએ તેમને પણ સર્વોત્કૃષ્ટ ગણાવ્યા છે.
સિદ્ધ ભગવંતો આઠે ય કર્મોથી મુક્ત છે, કદી મૃત્યુ પામવાના નથી. તેમને શરીર નથી..જ્યારે અરિહંત પ્રભુ હજી ચાર કર્મોથી યુક્ત, નિર્વાણ પામનારા અને સશરીરી છે તે દ્રષ્ટિએ અરિહંત પ્રભુથી બેશક સિદ્ધ ભગવંત સર્વોત્કૃષ્ટ ગણાય…
તેથી જ આ યન્ત્રનું નામ સિદ્ધચક્રયન્ત્ર રાખ્યું છે.
પણ બીજી અપેક્ષાએ અરિહંત જ સર્વોત્કૃષ્ટ છે..આ રહી તે અપેક્ષાઓ ..
(૧) જ્યાં સુધી તેમનો તારક આત્મા શાસનની સ્થાપના કરે નહિ ત્યાં સુધી કોઈ આત્મા સિદ્ધપદ પામી શકે નહિ.
(૨) જગત્ માત્રને તારવાનું, બોધ પમાડવાનું અને મોક્ષે પહોંચાડવાનું અપ્રતિહત સામર્થ્ય તેમનામાં જ છે. માત્ર સામાન્ય કેવલી બનીને સિદ્ધ બનેલા આત્માઓમાં તે સામર્થ્ય નથી…
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૨
➖➖➖➖➖➖➖➖➖
જિનશાસનમાં માત્ર સ્વનું હિત કરવાનું સામર્થ્ય ધરાવતા આત્માઓ કરતાં ઘણા બધાનું – સર્વનું – પરહિત કરવાનું સામર્થ્ય ધરાવતા આત્માઓને અગ્રિમતા આપવામાં આવી છે…
(૧) તેથી જ નમસ્કારમન્ત્રમાં સિદ્ધ ભગવંતોને બદલે પ્રથમ પદમાં અરિહંત ભગવંતને મૂકવામાં આવ્યા છે…
(૨) તેથી જ છદ્મસ્થ ગણધર ભગવંતો જ અરિહંતદેવના પાદપીઠ ઉપર બેસીને બીજા પ્રહરમાં દેશના આપતા હોય છે, તે પર્ષદામાં સામાન્ય કેવલી ભગવંતો હાજર હોવા છતાં પણ…
(૩) આથી જ શાસનની ધુરા સોંપીને નુતન આચાર્યને તૃતીય-પદ ઉપર આરૂઢ કરતી વખતે ગુરુ પોતે તેમને વંદન કરતા હોય છે અને તે દ્વારા તે નુતન આચાર્ય સર્વને વંદનીય બનો તેવી આશંસા પ્રગટ કરતા હોય છે…
(૪) તેથી જ તેઓની વિશિષ્ટ કોટિની સેવા (ભોજનાદિના સંબંધમાં) શિષ્યોએ કરવી તેવી શાસ્ત્રાજ્ઞા છે…
(૫) અને તેથી જ જિનધર્મને પુરુષપ્રધાન ધર્મ ગણવામાં આવ્યો છે… (એમાં કંઈ નારીનું અપમાન કરવાની કોઈ દ્રષ્ટિ નથી.)
સંસાર એ સાગર છે. તેને પાર પામવા માટે સ્ટીમર જોઈએ, તેને કપ્તાન જોઈએ, તેનું પહોંચવા માટેનું લક્ષ્યસ્થાન પણ હોવું જોઈએ…
અરિહંતદેવ તે કપ્તાન છે,..
કેમકે તેઓ મોક્ષમાર્ગના દેશક છે…
પણ સિદ્ધ ભગવંત તે લક્ષ છે, ધ્રુવનો તારો છે… (કપ્તાનના હાથમાં હોકાયન્ત્ર સતત રહે છે ને ?)
અરિહંતદેવોના તારક આત્માઓ સિદ્ધ ભગવંતોને ‘નમો સિદ્ધાણં’ એમ કહેવા દ્વારા નમસ્કાર કરીને જ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરતા હોય છે…
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૩
➖➖➖➖➖➖➖➖➖
♦️ ગુરૂતત્વના ત્રણ પદો..
જે આચાર્ય છે તેમનું કાર્ય અરિહંતોએ પ્રકાશેલા મોક્ષમાર્ગનું પ્રકાશન-કાર્ય ચાલુ રાખવાનું છે. અનેક આત્માઓને સદ્દબોધ આપીને તેઓને સર્વવિરતિધર બનાવે છે.
આ સાધુઓને સર્વ પ્રકારની સંયમધર્મની તાલીમ આપવાનું કાર્ય ઉપાધ્યાયનું છે..
ટૂંકમાં, આચાર્ય ભગવંત જિનશાસનના સરસંચાલક હોઈને મુખ્યત્વે વિદેશપ્રધાન છે. વિવિધ નગરોના સર્વજીવોના ધર્મકાર્યો વગેરે તરફ તેમનું મુખ્ય લક્ષ હોય છે. જ્યારે ઉપાધ્યાય ભગવંત ગૃહપ્રધાન છે..
આચાર્ય ભગવંત સાધુઓના પિતા છે તો ઉપાધ્યાય ભગવંત સાધુઓની વાત્સલ્યમયી મા છે. ..
આચાર્યનો મુખ્ય ગુણ પંચાચારોનું પોતે કડકપણે પાલન કરવાનું અને યથાશક્ય બીજાઓ પાસે કરાવવાનું છે. ઉપાધ્યાયનું કાર્ય સ્વયં વિનયી બનીને સાધુઓને વિનય ધર્મ શીખવવાનું છે..
સાધુપદમાં બિરાજતાં સાધુઓમાં જિનશાસનને માન્ય રાખતાં સર્વ પ્રકારના સુસાધુઓ-સ્થવિરકલ્પી, જિનકલ્પી, યાવત્ સામાન્ય કેવલજ્ઞાનીઓ કે તમામ સાધ્વીજીઓ આવી જાય…
અરિહંતપદમાં સામાન્ય કેવલજ્ઞાનીઓ આવે નહિ, કેમકે અરિહંત એટલે માત્ર ચાર ઘાતીકર્મોરૂપી શત્રુને હણનારા નહિ પણ તેની સાથે સાથે અષ્ટ પ્રાતિહાર્યોના ધારક, ચોત્રીસ અતિશયોથી સંપન્ન એવા કેવલી ભગવાન…આ વ્યાખ્યાથી માત્ર કેવળજ્ઞાની સાધુ-સાધ્વીજી ભગવંતોને પ્રથમ પદમાં સમાવિષ્ટ કરી શકાય નહિ…
♦️ ભક્તિ-જ્ઞાન-શોર્ય-શુદ્ધિના છેલ્લા ચાર પદો..
સમ્યગ્ દર્શન એ ભક્તિયોગનું પદ છે…
સમ્યગ્ જ્ઞાન એ જ્ઞાનયોગનું પદ છે…
સમ્યક્ ચારિત્ર પદ એ શૌર્યનું પદ છે…
સમ્યક્ તપ પદ શુદ્ધિનું પદ છે…
શૌર્ય અને શુદ્ધિની ભૂમિકામાં ભક્તિ અને જ્ઞાન પડેલા છે…
નવ પદના બનેલા આ યંત્રાધિરાજ શ્રી સિદ્ધચક્ર જેવું કોઈ યંત્ર નથી. એના પાંચ પદો તે ધર્મી છે. શેષ ચાર પદો એ ધર્મ છે…
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૪
➖➖➖➖➖➖➖➖➖
♦️ અરિહંત પરમાત્માના શરણાગત ભક્તજનો…
મગધપતિ શ્રેણિકે વાસ્તવિક પરમાત્મા મહાવીરદેવને પામીને તીર્થંકરનામકર્મ બાંધ્યું…
રાવણે પરમાત્માની મૂર્તિમાં ભગવાનનું દર્શન કરીને તીર્થંકરનામકર્મ બાંધ્યું…
પ્રભુ વીરનો જ્યારે સાધનાકાળ ચાલતો હતો ત્યારે દેવ બનેલા કુમારનન્દી સોનીએ પ્રભુની મૂર્તિ બનાવીને વાસનાના કારમા તોફાનોમાંથી મુક્તિ મેળવી હતી..
સાક્ષાત્ પરમાત્મા આદિનાથ જ્યારે બિરાજમાન હતા ત્યારે તેમની સાથે શત્રુંજય તીર્થથી વિહાર કરવા સજ્જ બનેલા પાંચ ક્રોડ મુનિઓ સાથેના પુંડરિક ગણધરને વિહાર ન કરતાં શત્રુંજય ઉપર જ સાધના કરવા જણાવ્યું હતું, કેમકે તેમનું તમામનું કલ્યાણ એ તીર્થપ્રભાવથી જ થવાનું હતું.
હાલિક ખેડૂતે ગુરૂ ગૌતમમાં ભગવાનનું દર્શન કર્યું પણ સાક્ષાત્ ભગવાન મહાવીરદેવને જોઈને ભડકી ગયો, ભાગી છૂટ્યો !
રૂપપરાવર્તિની વિદ્યા દ્વારા રામચન્દ્રજી બનેલો રાવણ આયનામાં પોતાનું રૂપ જોવા ગયો. ત્યાં રામનું પ્રતિબિંબ જોતાં જ તેની કામુકતા ખતમ થઈ ગઈ !
ઉજમફઈ ! કરીઆવરમાં ભાઈએ અઢાર ગાડાં ભર્યા તો ય મોં ઉપર ઉલ્લાસ નહિ. ભાઈએ કારણ જાણ્યું કે તેને શત્રુંજય ઉપર એક સુંદર જિનાલય કરીઆવરમાં જોઈએ છે, ભાઈએ તે કબૂલ રાખ્યું..
પ્રભુભક્ત કવિ ધનપાલે પ્રભુભક્તિથી મળતો મોક્ષ પણ મેળવવાનું નાપસંદ કર્યું, કેમકે તેમને ખબર પડી ગઈ કે મોક્ષમાં પ્રભુના ચરણોમાં માથું મૂકી આળોટવાની મજા માણી શકાતી નથી…
નિ:સંતાન વિમળ મંત્રીએ પ્રસન્ન થએલી શાસનદેવી પાસે મંદિર માંગ્યું, સંતાન નહિ..
વાગ્ભટ્ટે ડબ્બલ વખત એક જ જિનાલય બાંધીને ક્રોડો રૂપીઆ વાપરવાનો ઉલ્લાસ દાખવ્યો હતો…
ગિરનારતીર્થના જીર્ણોદ્ધારમાં સજ્જનમન્ત્રીએ વાપરેલી સાડા બાર લાખ સોનામહોર એક ધડાકે સાકરીઆ શેઠે ગણી આપીને તે બધું પુણ્ય માંગી લીધું..
દેવિગિરિ નામના કટ્ટર જૈનધર્મદ્વેષી ગામમાં જિનાલય માટેની જમીન મેળવવામાં જ પેથડમન્ત્રીએ સવા ક્રોડ સોનામહોર ખર્ચી નાંખી હતી..
અઢાર ક્રોડ રૂપિયા ખર્ચીને વસ્તુપાળ અને તેજપાળે આબુમાં લુણિગ-વિહાર બનાવ્યું હતું…
સુલસા અને મયણા પણ મીરાની જેમ પ્રભુના નામ પાછળ પાગલ બન્યા હતા…
મકાન બનાવવા માટે પાયો ખોદતાં ઉદયનને મળેલી લાખો સોનામહોરની રકમ તેમણે ગગનચુંબી જિનાલય બાંધવામાં વાપરી..
ગૂર્જરેશ્વરે ચૌદસો ચુમ્માલીસ શિખરબંધી જિનાલયો બંધાવ્યા.
સમ્રાટ સંપ્રતિએ સવા લાખ શિખરબંધી જિનાલયોનું નિર્માણ કર્યું..
આરતી ઉતારતાં રાજા કુમારપાળે ઐતિહાસિક પ્રતિજ્ઞા કરીને ઇતિહાસના પાને પ્રભુભક્ત તરીકે પોતાનું નામ સુવર્ણાક્ષરે લખાવી દીધું..
જગડશ્રાવકે સવા સવા ક્રોડના પાંચ રત્નો પ્રભુભક્તિમાં વાપરી નાંખ્યા…
પ્રભુના આ કેવા ભક્તો ! આવા તો અનેક પ્રભુ ભક્તો જૈન ઇતિહાસના પાને અમર થઈ ગયા છે…
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૫
➖➖➖➖➖➖➖➖➖
♦️ સિદ્ધ ભગવંતના ભક્તજનો…
જેમને અશરીરી, અકર્મા અને અવિનાશી સ્વરૂપના સ્વામી બનવાની લગન લાગી હોય તે જ સિદ્ધ ભગવંતનો સાચો ભક્ત..સાચો શરણાગત..જેઓ તેમના ભક્તો છે તેમના શરીરની ચામડીને છોલી નંખાય કે ચંદનથી લેપાય તો પણ બે ય તરફ તેમનો ભાવ સરખો જ રહે..
મુનિ બનેલા શાલિભદ્રએ શરીર તો એવું ખલાસ કરી નાંખ્યું હતું કે ચાલતા હોય ત્યારે સાથળના હાડકાં ઘસાય અને અવાજ કરે… જાણે કિચૂડ… કિચૂડ… અવાજ કરતો મોક્ષપુરી તરફ દેહરૂપી રથ ધસી ન રહ્યો હોય …!
જલદીમાં જલદી જેમને સિદ્ધ બનવાની તાલાવેલી લાગી હતી તે હતા ગજસુકુમાળ મહામુનિ ! ઝટ સ્મશાને ! ઝટ દેહત્યાગ ! ઝટ ફેંસલો ! ઝટ ક્ષપકશ્રેણિ ! ઝટ સિદ્ધપદ !..
સતત રડતા બાળકને મદાલસા ઠપકો આપે છે કે, “બેટા, શું તને જમડો દેખાયો છે ? પણ સાંભળ. એ જમડો તારા રડવાથી તારી દયા ખાઈને પાછો ફરે તેટલો સરળ નથી. જો તારે જમડાનો શિકાર નહોતું બનવું તો મારા પેટે જન્મ જ લેવો ન હતો. ખેર, હવે એક કામ કર. આ ભવમાં તું અજન્મા બનવાની સાધના કર. સિદ્ધપદને પામી જા. પછી ત્યાં તને જમડો કશું કરી શકશે નહિ.”
શુકદેવજી તો જ્યાં સુધી પિતા-વ્યાસ મુનિએ બોલ ન આપ્યો કે, “તારી અજન્મા બનવાની સાધનામાં અમે તને રૂકાવટ નહિ કરીએ” ત્યારે જ તેઓ ગર્ભમાંથી બહાર આવ્યા…
એક વખતના ગૃહસ્થજીવનના ભોગ રસે રંગાયેલા સનત્ ચક્રી..! રૂપના કુરૂપ જોયા પછી તો સિદ્ધ બનવાની સાધનામાં સાતસો વર્ષ સુધી લીન થઈ ગયા ! ઘોર અને ઉગ્ર એવા સોળ મહારોગોની કારમી પીડાને જરાય એક વાર પણ ‘ઉફ’ કરીને કે ‘ઓ મા ! હે ભગવાન !’ કહીને ય મચક ન આપી. અંતે સિદ્ધ બનીને જ રહેશે !..
જે વસ્તુઓથી સિદ્ધત્વ ન મળે તેનો મારે જરાય ખપ નથી’ એવું સ્પષ્ટ ભાષામાં મૈત્રેયી પોતાના પતિને મળતી ભેટ-સોગાદોનો અસ્વીકાર કરતી વખતે કહેતી…
જે અષ્ટ મહાસિદ્ધિઓથી મને સિદ્ધત્વ ન મળે તેને આપની સાથે જ ગુરૂદેવ ! પરલોકે લઈ જાવ. મારે મન તેમનું મૂલ્ય આઠ કાંકરાથી જરાય વધુ નથી’ આવું કહેનારા સ્વામી વિવેકાનંદ ભારતદેશનું રત્ન હતા !..
કાકા લક્ષ્મણજીના અપમૃત્યુએ ભત્રીજા લવ-કુશને સંસારથી ઉદ્વિગ્ન કરી દીધા ! મન તો સંસારથી ઊઠી ગયું, તન પણ ઊઠી ગયું!..
સંધ્યાના ઘેરાતાં રંગો અને પછી તરત વીખરાતાં રંગો જોઈને હનુમાનજી મહાભિનિષ્ક્રમણના માર્ગે ચાલ્યા…
પિતાજીના મડદાના દર્શનમાત્રથી રમણ, મહર્ષિ રમણ બન્યા…દેહે દેહાતીત બન્યા…
કોટિ કોટિ વંદન છે તે જિનશાસનને…! જેણે અમને આત્માના પોતીકાં સિદ્ધત્વ સ્વરૂપની જાણકારી કરી. ચોરટા કર્મોનો ખાત્મો બોલાવીને તે સ્વરૂપનો કબજો કરવાનું જણાવ્યું. હવે તો એના અંગેના પુરૂષાર્થમાં જો આપણી કચાશ રહેશે તો તે દોષ આપણો જ ગણાશે.
હે પરમપુનિત તરણતારણહાર સિદ્ધ ભગવંતો ! અમારે જલદીમાં જલદી થવું છે દેહાતીત. પરન્તુ તે અવસ્થા ન મળે ત્યાં સુધી અમારી ઉપર એવી કૃપા અચૂક વરસાવો કે અમે દેહમાં રહીને પણ દેહાતીત બની રહીએ !..🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૬
➖➖➖➖➖➖➖➖➖
♦️ આચાર્ય ભગવંતોના ભકતજનો…
આચાર્ય ભગવંતમાં સામાન્યતઃ મુખ્ય ચાર ગુણો હોય છે. ૧.ગીતાર્થતા ૨. સંવિગ્નતા. ૩. સૂક્ષ્મની તાકાતનું સ્વામિત્વ. ૪.શાસનપ્રભાવક પુણ્યશાલિતા..
♦️ ગીતાર્થતા…
પૂજ્ય વાદિદેવસૂરિજી ! સિદ્ધરાજ જયસિંહની સભામાં દિગંબર આચાર્ય કુમુદચન્દ્ર જોડે છ માસ સુધી જે વાદ ચાલ્યો અને અંતે વિજય મેળવીને જ રહ્યા..
પૂજ્ય સૂરાચાર્યજી ! રાજા ભોજની સભાના તમામ ૫૦૦ પંડિતોને હરાવી દેવા માટે સજ્જ બનેલા આ આચાર્ય ! દરેક વિજયદીઠ ચોર્યાસી હજાર સોનામહોરનું રાજાનું દાન-વચન ! થોડાક પંડિતોના વિજયમાં તો રાજાને તિજોરીનું તળીયું દેખાવવા લાગ્યું ! સૂરાચાર્યે જિનધર્મનો ડંકો વગાડી દીધો…
પૂજ્ય નન્નસૂરિજી ને ગોવિંદસૂરિજી ! દરેક પ્રકારના રસોને જીવંત બનાવી દેતી દેશનાઓના તે સમયના અદ્ભુત વ્યાખ્યાનકારો ! ધંધુકાનો રાજા આમ મોમાં આંગળા નાંખી ગયો !..
સિદ્ધસેન દિવાકરસૂરિજી ! સમ્મતિતર્ક જેવા અદ્વિતીય કક્ષાના તર્કગ્રન્થના નિર્માતા ! જે ગ્રન્થ ભણવા માટે કાશી જવાની, ગાડુ અને આધાકર્મી રસોઈનો સામાન સાથે લેવાની મહોપાધ્યાયજીએ રજા આપી છે. એ ગ્રંથ સમ્યગ્દર્શનને અત્યંત નિર્મળ બનાવતો ગ્રન્થ છે. તમામ દર્શનોના તર્કોની સામે તેને અજબગજબની ટક્કર ઝીલી છે !..
પૂજ્ય વૃદ્ધવાદિદેવસૂરિ ! સિદ્ધસેન દિવાકરસૂરિજીના ગુરૂદેવ ! તે હતો કટ્ટર બ્રાહ્મણ સિદ્ધસેન પંડિત ! તેને વાદમાં જીતવા માટેના તે વખતના દેશકાળને જોઈને આ વૃદ્ધવાદિદેવસૂરિજી ટાબોટા લઈને રબારી સાથે નાચ્યા હતા ! કેવી અપૂર્વ ગીતાર્થતા !..
પૂજ્ય હરિભદ્રસૂરિજી ! બૌદ્ધોને ધગધગતા તેલની તળાઈમાં તળી નાંખવાના કરેલા હિંસક વિચારના પ્રાયશ્ચિત્તરૂપે ચૌદસો ચુમ્માલીસ ગ્રન્થોની રચના કરી… .
♦️ સંવિગ્નતા…
પૂજ્ય હીરસૂરિજી ! બાદશાહ અકબરના પ્રતિબોધક મહાપુણ્યવાન આ આચાર્ય ઘોર તપસ્વી હતા, ત્યાગી હતા, અત્યન્ત શાસ્ત્રચુસ્ત હતા !..
ગણધર ભગવંત ગૌતમસ્વામીજી ! તેઓ કાયમ છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા…
બપ્પભટ્ટસૂરિજી ! તેમણે આજીવન મૂળથી છ વિગઈઓનો અને ભક્તોના ઘરોના અન્ન-પાણીનો ત્યાગ કર્યો હતો. એથી જ ગુરુ પાસેથી ‘महाब्रह्मचारी भव ‘ આશિષ પામ્યા હતા, જેના કારણે તેઓ રાજા આમની, તેમના બ્રહ્મચર્યની અગ્નિપરીક્ષામાંથી તેઓ સાંગોપાંગ પાર ઉતરી ગયા હતા..
માનદેવસૂરિજી ! આ આચાર્ય જબ્બર તપના આરાધક હતા. એથી જ શાસનદેવીએ તક્ષશિલામાં વ્યાપેલા મારીના ઉપદ્રવને હઠાવવા માટે શ્રીસંઘને તેમની સહાય લેવાનું જણાવ્યું હતું !..
♦️ સૂક્ષ્મની જબરી તાકાત..
પૂજ્ય અભયદેવસૂરિજી ! ગુર્વજ્ઞાના કઠોર પાલન દ્વારા એટલી બધી સૂક્ષ્મની તાકાત એમણે કમાઈ લીધી હતી કે શાહજાદીના આકર્ષણાદિના પ્રસંગોમાં તેઓ અણિશુદ્ધ સાધુ રહ્યા હતા ! ભયંકર રોગદશામાં ય પોતાના અભિગ્રહોને ચુસ્તપણે વળગી રહ્યા હતા. આથી જ તેમની સૂક્ષ્મની તાકાત બેવડાઈ હતી, જેના પ્રભાવે દેવીના કહેવાથી નવ અંગોની વિચ્છિન્ન થએલી ટીકાઓની તેમણે પુનઃ રચના કરી હતી..
પૂજ્ય વજસ્વામીજી ! જિનશાસનના જબરદસ્ત પુણ્યવાન આચાર્ય ! અત્યન્ત સોહામણા ! એમાં રૂકિમણી પાગલ બની ગઈ. પણ સૂક્ષ્મની પ્રચંડ તાકાતથી ધમધમતો અશુચિ-ભાવના વ્યાખ્યાનમાં બોધ રેલાવી દઈને રૂકિમણીને નિર્વિકારી બનાવી દીધી, સાધ્વી બનાવી ! આ મહાન આચાર્યના જીવનના અનેક પાસાંઓ અત્યન્ત નેત્રદીપક છે !..
પૂજ્ય ધર્મસિંહસૂરિજી ! જાનની બાજી લગાવીને ચાલીસ દિવસમાં સોળસો ગાઉનો વિહાર કરીને અયોધ્યાથી વિજયનગર પહોંચ્યા! રસ્તામાં ઉગ્ર વિહારને કારણે કેટલાક સાધુઓ કાળધર્મ પણ પામી ગયા ! પરન્તુ બ્રાહ્મણોએ ગોઠવેલા વાદના છટકામાંથી તે બરોબર વિજયવંતા બનીને બહાર નીકળી ગયા ! આમાં તેમનું અત્યન્ત શાસ્ત્રશુદ્ધ જીવન જ કામ કરી ગયું !..
પૂજ્ય વીરાચાર્યજી ! સિદ્ધરાજની સભાના મહાન્ આચાર્ય ! એમના પછી જ તરત એ સભામાં કલિકાલસર્વજ્ઞ ભગવંત જોડાયા ! આ આચાર્યશ્રી પોતાની જિનાજ્ઞાપાલકતાની ખુમારીથી સદા મસ્તાના રહેતા. રાજાના એક જ અપમાનકારક મશ્કરીગર્ભિત વાક્યે તેમણે તે રાજસભાનો તત્ક્ષણ ત્યાગ કર્યો હતો ! સૂક્ષ્મની તાકાતથી મેળવેલી આકાશગામિની લબ્ધિથી આંખના પલકારામાં તેઓશ્રી પાટણથી પાલી (રાજસ્થાન) પહોંચી ગયા હતા!..
પૂજ્ય પક્ષદેવસૂરિજી ! પાર્શ્વનાથ ભગવંતની પરંપરાના આ આચાર્યદેવ સૂક્ષ્મના સ્વામી હતા. એના પ્રભાવે જ તેઓ મ્લેચ્છોના હાથે મહુવામાં ખંડિત થનારા સેંકડો જિનબિંબોને ઉગારી શક્યા, પોતાને પણ મોતના મુખમાંથી બહાર કાઢી શક્યા ! એમને શાસનદેવી હાજરાહજૂર હતી !..
ભાવભર્યા વંદન તે જિનશાસનના આઠે ય પ્રકારના-સર્વપ્રકારના- પ્રભાવક આચાર્યદેવોને ! તેમનું શરણ અમારૂં કલ્યાણ કરનારું બનજો…🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૭
➖➖➖➖➖➖➖➖➖
♦️ ઉપાધ્યાય ભગવંતોના ભકતજનો.
જ્યારે ઉપાધ્યાયપદને આપણે યાદ કરીએ ત્યારે તરત જ જિનશાસનમાં થએલા કેટલાક વિરલ કક્ષાના ઉપાધ્યાય-ભગવંતો આપણને યાદ આવે. આપણે તેમને વંદના કરવા દ્વારા તેમનું શરણ સ્વીકારીએ અને તેમનો ગુણાનુવાદ કરતાં તેમના ભક્તજન બનીએ.
ઉપાધ્યાય ભાનુચંદ્રજી અને ઉપાધ્યાય શાન્તિચંદ્રજી એ પૂજ્ય હીરસૂરિજી મહારાજાના સમયના મહાન શાસન પ્રભાવક ઉપાધ્યાયો હતા. ક્રમશઃ જબરદસ્ત આરાધક અને ગીતાર્થ હતા.
ઉપાધ્યાય ઉદયરત્નજી મહાન્ કવિરત્ન અને સૂક્ષ્મના સ્વામી હતા, જેમની પ્રાર્થના માત્રથી ઠાકુરે બંધ કરેલા શંખેશ્વરા પાર્શ્વનાથ પ્રભુજીના જિનાલયના દ્વાર કડાકા કરતાં ઊઘડી ગયા હતા…
ઉપાધ્યાયતુલ્ય પંન્યાસજી સિદ્ધિચન્દ્રજી શાહજહાંના કુટુંબના ગુરૂ હતા. રોજ ઉપદેશદાન કરતા હતા. તેમના સૌન્દર્યથી મોહિત બનેલી શાહજાદીની અનુચિત માંગણીની ઘોર અવગણના કરવા સાથે ઠુકરાવી દીધી હતી ! રાજ્યના માન-સન્માનનો ત્યાગ કરી તેઓ ચાલી ગયા હતા !..
ઉપાધ્યાય ભગવંતોમાં શિરમોર સ્થાને જો કોઈનું સ્મરણ થતું હોય તો તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાનું છે. તેમનું પાંડિત્ય અપૂર્વ હતું. તેમની કવિશક્તિ બેનમૂન હતી. ઉત્સૂત્રોની સામે પ્રચંડ પડકાર ફેંકવાની તેમની નીડરતા આશ્ચર્યજનક હતી. યતિસંસ્થાના શિથીલાચારોની સામે અને મૂર્તિપૂજાના ખંડન સામે તો તેઓ જોરદાર બળથી ત્રાટક્યા હતા..
પાંચ ઓષ્ઠ્ય અક્ષરોનો ઉપયોગ કર્યા વિના જ વાદ કરીને પંડિતને હરાવવો, કાશીના પંડિતોને હરાવીને કાશીની વિશ્વવ્યાપી આબરૂના લીરા ઉડાડતાં પંડિતને થોડીક જ પળોમાં મહાત કરવો, રોજ નિતનવા સ્તવન-સજ્ઝાયોનું સર્જન કરીને પ્રતિક્રમણમાં બોલવા, તાજી વિદ્યા ભણીને ઉત્પન્ન થએલા ગર્વના વડીલગુરુની માત્ર એક જ ટકોરમાં ચૂરેચૂરા કરી નાંખવા, લેખનની ધારાને અતૂટ રાખવામાં ઘણી બધી વખત સાંજનું પાણી પણ વાપરવાનું રહી જવું… વગેરે અઢળક વિશિષ્ટતાઓના સ્વામી આ શિષ્ટતમ સાધુરત્નની ક્યા શબ્દોમાં અનુમોદના કરવી ?.. એ લઘુ હરિભદ્રજીને કોટિ કોટિ વંદન..!🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૮
➖➖➖➖➖➖➖➖➖
♦️ સાધુ ભગવંતોના ભકતજનો.
ઈલાચી નટે સંયમી સાધુની સંયમ ભરપૂર વહોરવાની ક્રિયા જોઈ અને તેમાં આગળ વધતા નટના માંચડા ઉપર જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ !..
ઈર્યાસમિતિની ક્રિયામાં એકચિત્ત સાધુઓને જોઈને તામલી તાપસ સમ્યગ્ દર્શન પામી ગયા !..
ચંદનબાળાજીના મુખ ઉપરની અપૂર્વ સમતા જોઈને શેડૂવક ખેડૂત સંય પામી ગયો !..
ધ્યાનસ્થ-મુદ્રામાં એક મહામુનિને જોઈને તાજા પરણેલા વજ્રબાહુએ સંયમના પંથે ડગ માંડી દીધું. નવોઢા મનોરમા વગેરેએ તેમના પગલે પગલે ચાલી નીકળ્યા..
હીરસૂરિજી મહારાજના કટ્ટર ચારિત્ર પાલનથી જ બાદશાહ અકબર ધર્મ પામ્યો. છ છ માસનું અમારિ પ્રવર્તન સંભવિત બન્યું.
પ્રભુ નેમિનાથના શાસનમાં, કૃષ્ણના ભાઈ ગજસુકુમાળની દીક્ષા થતાંની સાથે-થોડાક જ સમયમાં-સોમીલ સસરાએ હત્યા કરી. તે પ્રસંગથી આખું યાદવ કુટુંબ હચમચી ઉઠ્યું હતું. સંસારની આવી બિહામણી અસારતાને જાણીને શ્રીકૃષ્ણની સેંકડો રાણીઓ તથા રાજીમતીજી વગેરે અઢળક આત્માઓ દીક્ષાના માર્ગે ગયા હતા…
રાજકુમાર જયાનંદની દીક્ષા સાંભળીને તેના કુટુંબના પચાસ હજાર તથા તેના નગરની રૈયતના પચાસ હજાર-કુલ એક લાખ-આત્માઓ વૈરાગ્ય પામીને દીક્ષિત બન્યા હતા…
જન્મતાંની સાથે થોડાક જ દિવસમાં બાળ વજ્રને દીક્ષાના ભાવ થયા. ત્રણ વર્ષની ઉંમરે દીક્ષિત થઈને જ રહ્યા…
અતિમુક્તને તેની માએ હોંશે હોંશે છ વર્ષની વયે દીક્ષા આપી. નવ વર્ષની વયે તો તેને કેવળજ્ઞાન પણ થઈ ગયું..
મહાન જૈનાચાર્ય આર્યરક્ષિતસૂરિજીની માતાએ ઉસ્તાદી કરીને આખા કુટુંબને દીક્ષાના માર્ગે વાળ્યું..
જેણે પૂર્વના ભવદેવ-મુનિના ભવમાં નવોઢા નાગિલાને છોડ્યાનો બાર વર્ષ સુધી ધોર પશ્ચાત્તાપ કર્યો હતો તે આત્મા તે જ ભવથી ભૂલોને સુધારતો ગયો. જંબૂકુમાર બન્યો. અપ્સરાઓ જેવી આઠ રૂપ-રમણીઓ સાથે લગ્ન પછી ચોવીસ કલાકમાં દીક્ષા આપવાની વાતમાં સંમતિ મેળવીને લગ્ન કર્યા. દિક્ષાને આડી એક રાત હતી. રૂપરમણીઓ તેના નિર્વિકારભાવને ધૂળ ચાટતો કરી દેવા જીવ ઉપર આવીને પોતાના બધા કામણગારા દાવ રમી ચૂકી પણ નિષ્ફળ ગઈ ! સવારે કુલ ૫૨૭ પુણ્યાત્માઓનો વરઘોડો નીકળ્યો !..
શાલિભદ્રને જ્યારે ખબર પડી કે ગૃહસ્થજીવનમાં પોતાના માથે બે ધણી છે ! એને સુખમય સંસાર અકારો-ખારો ઝેર-લાગી ગયો ! પછી એ દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યા..
ધન્નાને એની પત્નીએ મહેણું માર્યું ! એણે દીક્ષાની જ વાટ પકડી લીધી !..
સ્થૂલિભદ્રજીને પિતાજી શકટાલની હત્યાથી સંસારનું અસાર સ્વરૂપ, પ્રિયતમા રૂપકોશાના તન-બદનના લાવણ્યની વિનાશિતા બરાબર જણાઈ ગઈ ! એમણે સંયમની વાટ જ પકડી લીધી…
શરીરની રાગમયતાથી થાકી ગએલા શ્રેષ્ઠીપુત્ર અનાથી તથા સંસારની સ્વાર્થમયતાને નજરોનજર નીહાળ્યા પછી સુકોશલ મુનિ, બળદેવ અને વિદુરે પણ સંયમના માર્ગે જ ડગ માંડી દીધા હતા…
કેટલો જબરદસ્ત ઉપકાર થયો છે અરિહંતોનો… તેમણે આ કઠોર માર્ગ અતિ કઠોર બનીને આરાધી બતાડ્યો અને શાસનની સ્થાપના કરીને એ માર્ગે અનેક જીવોને વાળી દીધા… કોટિ કોટિ વંદન હોજો આ સાધુ માર્ગને…!🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૦૯
➖➖➖➖➖➖➖➖➖
♦️ અરિહંતાદિ પાંચ પદોની શરણાગતિ તે સમ્યગ્ દર્શન…
જ્યારે સંસાર દુઃખમય છે, બિહામણો છે તેવું લાગે ત્યારે જ ભયભીત બનીને દેવના શરણે દોડી જવાય છે. એના શરણથી સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થાય છે..લલિતવિસ્તરા ગ્રંથમાં ધર્મનું મૂળ સુકૃતોની અનુમોદનાથી, વંદનાથી કહ્યો છે..
સાચા છે વીતરાગ સાચી છે વાણી,
આધાર છે આજ્ઞા બાકી ધૂળધાણી.
જે કાંઈ મારા વહાલા વીતરાગ સર્વજ્ઞ દેવાધિદેવે કહ્યું છે તે બધું અક્ષરશ: કાના, માત્રના ફેરફાર વગર સર્વથા સાચું છે આવી જે જિન વચન ઉપર અવિહડ શ્રદ્ધા તે સમ્યગ્ દર્શન છે..
‘પચ્ચીસમાં તીર્થંકર હોઈ શકે જ નહિ ‘ એવી શ્રદ્ધા સુલસાની રગરગમાં એવી પ્રસરી ગઈ હતી કે જેના કારણે તમામ જૈનો અંબડ પરિવ્રાજકની ઈન્દ્રજાળમાં ફસાયા હતા પણ સુલસા અડોલ રહી હતી..
♦️ ભકિત ચતુષ્ક એ સમ્યગ્ દર્શન..
સમ્યગ્ દ્રષ્ટી જીવમાં ભકિત, મૈત્રી, શુદ્ધિ અને શૌર્ય આ ભક્તિ ચતુષ્ક અવશ્ય હોય…
♦️ પાપ ધિક્કાર – રાગવિરાગ તે સમ્યગ્ દર્શન..
સમકિતી જીવના તપ,ત્યાગ મહાવ્રત ઉપર જો મોહરાજા અહંકાર આદિ પેદા કરીને પાણી ફેરવી નાખે તો ય પાપ ધિક્કાર નામનું શસ્ત્ર તેમની પાસે હશે તો અષાઢાભૂતિ, નંદિષેણ, સુલસ, ક્ષીરકદંબક પાઠક, સત્યકી, શ્રેણિક, ગોશાલકની જેમ હારની બાજીને જીતમાં ફેરવતા બહુ સમય નહિ લાગે..
♦️ જાગરણ અને અ – ચિત્તપાત એ સમ્યગ્ દર્શન…
ચિત્તની સતત જાગૃતિ – પાપ કરતી વખતે આ ખોટું થાય છે એવી સ્પષ્ટ વિવેકદ્રષ્ટિ સમકિતી જીવમાં અવશ્ય હોય..
ભરત ચક્રી રાજ સિંહાસને બેસતાં ત્યારે ય લમણે હાથ દઈને બેસતા, મનમાં બોલતા, “હાય! આ રાજનું સ્વામિત્વ મને કઈ નરકમાં લઈ જશે?”
જંબુકુમાર અને ગુણસાગર આઠ કન્યાઓની સાથે બેસીને પણ કેટલા બધા જાગ્રત હતા !
♦️ આદર – કદર એ સમ્યગ્ દર્શન..
સમકિતી જીવને ચારિત્રધર્મ ઉપર અતિશય આદર હોય, સંયમધર મહાત્માઓની તે ખૂબ કદર કરતો હોય. શ્રેણિક અને કૃષ્ણ આ વાતની પાકી સાક્ષીરૂપ છે. કૃષ્ણ તો ઉંમરલાયક થએલી પોતાની તમામ દીકરીઓને દીક્ષા અપાવવા માટે પૂછતાં કે, બેટા તારે દાસી થવું છે કે રાણી ? જો રાણી થવું હોય તો પરમાત્મા નેમિનાથજી પાસે દીક્ષા લે..
♦️ સુખે અલીનતાદિ એ સમ્યગ્દર્શન
જે આત્મા સમકિત પામે છે તે પ્રાયઃ તો સર્વવિરતિધર્મ પામ્યા વિના રહેતો નથી. પણ જો કદાચ કર્મોદયે વિરતિ ન પામી શકે તો ય તેનામાં નીચેની પાંચ વસ્તુઓ તો બરોબર વિકસે છે..
૧) તે સુખે અલીન રહે છે. (ભરત, જંબૂ, શાલિભદ્ર)
૨) તે દુઃખે અદીન રહે છે. (શ્રેણિક વગેરે.)
૩) તે પાપે અપીન (નબળા) રહે છે. (રાવણ વગેરે)
૪) તે બુદ્ધિમાં અહીન રહે છે. (મયણા વગેરે.)
૫) તે ધર્મમાં અક્ષીણ રહે છે. (કુમારપાળ વગેરે.)
નિશ્ચયનયથી જે ‘ગેટ વે ઓફ નવપદ’ ગણાય છે તે સમ્યગ્ દર્શન-ગુણને આપણા સહુના કોટિ કોટિ વંદન…🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૧૦
➖➖➖➖➖➖➖➖➖
♦️ જ્ઞાની શ્વાસોચ્છવાસમાં…
જ્ઞાનીઓ કહે છે કે.. ઘણા ક્રોડો વર્ષની સાધનાથી અજ્ઞાની જીવ જેટલા કર્મ ખપાવે છે તેટલા જ કર્મો જ્ઞાની આત્મા એક જ શ્વાસોચ્છવાસમાં ખપાવી નાંખે છે.. પણ..! આવો જ્ઞાની તે જ હોય જેનો મન વચન અને કાયાનો યોગ એકદમ કબ્જામાં એટલે કે ગુપ્ત હોય..
ગમે તેટલું જ્ઞાન હોય પણ તે સમ્યગ્ ન હોય તો બધું જ નકામું છે સાડા નવ પૂર્વનું જ્ઞાન ધરાવતા મિથ્યાદ્રષ્ટિ જીવો સંસારમાં અનંત કાળ સુધી પણ ભટકી શકે છે જ્યારે અષ્ટપ્રવચનમાતાનું જ નાનકડું પણ સમ્યગ્ એવું જ્ઞાન પામેલા માષતુષ મુનિ એ જ ભવે મોક્ષે ગયા છે..
♦️ જ્ઞાની એટલે સ્યાદ્વાદી..
જ્ઞાની તે છે જે સ્યાદ્વાદી છે, એટલે કે તે તેવા જ સત્યની શોધ કરે છે કે જે સત્યનો સ્વીકાર કરવાથી સંઘર્ષ ટળે છે… મૈત્રીભાવ જાગે છે..
ભગવાન મહાવીરદેવે વેદને જૂઠા ઠરાવવાને બદલે વેદની તે બે વિરોધી દેખાતી પંક્તિઓનો સમન્વય કરી આપીને ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોની શંકાઓનો નિરાસ કર્યો હતો…
જે સ્યાદ્વાદી છે, જે જ્ઞાની છે તે બીજાને ઝઘડતો અટકાવવા એમ કહેવા પ્રેરાશે કે, કદાચ તમે ય સાચા હો પણ મારી અપેક્ષાથી હું સાચો છું.. જ્ઞાનીનું વલણ હંમેશા સમાધાનકારક જ હોય..
♦️ ઉપમિતિમાં સદ્દબુદ્ધિનો મહિમા..
કટ્ટર બ્રાહ્મણ – જિનધર્મના દ્વેષી હરિભદ્ર પુરોહિત જીવન પરિવર્તન પામીને જ્યારે મહાન્ જૈનાચાર્ય હરિભદ્રસૂરિજી બને છે ત્યારે જિનાગમોના ટોચ અધ્યયનના પરિપાકરૂપે આત્મામાં પેદા થએલું જિનાગમો પ્રત્યેનું બહુમાન તેમના મુખેથી શબ્દો સરકાવી દે છે : “પાંચમા આરાના કાતીલ દોષોથી દુષ્ટ એવા અમે આ સંસારમાં હજી કેટલો કાળ ટીચાતા-કુટાતા રહેત, જો અમને આ જિનાગમોની પ્રાપ્તિ ન થઈ હોત તો ?’’..
ચિલાતી કેટલો બધો વિષયાસક્ત હતો ! પણ ઉપશમ, વિવેક અને સંવર એ માત્ર ત્રણ શબ્દોના શ્રવણથી તેનું જીવનપરિવર્તન થયું…
રોહિણેય ચોરે માંડ પંદર સેકંડનું જિનવાણીનું શ્રવણ કર્યું, જેના પરિણામે અન્તે તેણે પ્રભુ-વીર પાસે દીક્ષા લીધી !..
સનત્ ચક્રીએ રૂપની વિનાશિતાનું સમ્યગ્ જ્ઞાન જાણ્યું અને સંસારથી ચાલતી પકડી લીધી..
દેદાશાહે કલ્પસૂત્રના સ્વપ્નવર્ણનમાં સાંભળતાં જાણ્યું કે ત્રિશલાદેવી અને સિદ્ધાર્થ રાજા પતિ અને પત્ની છતાં હંમેશ સાથે સૂતા ન હતા કે તરત તેમણે પણ નિત્ય સહશય્યાનો ત્યાગ કર્યો !..
સંધ્યાના રંગોમાં આખા વિશ્વની ક્ષણિકતાને જીવંત સ્વરૂપમાં જોઈને હનુમાનજીએ સંસારપરિત્યાગ કર્યો !..
જીવમાત્રની કર્મપરાધીનતા જાણીને અનુભવીને સીતાજીએ સંયમના પંથે ડગ માંડ્યા…
સમ્યગ્ જ્ઞાન એટલે ‘ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ.’ સમજણનું દેવળ…
અપેક્ષાએ દેરાસર કરતાં ય આ દેવળ ચડી જાય, કેમકે દેરાસરને પણ ઓળખાવે છે તો આ દેવળ જ…
કોટિ કોટિ વંદન હોજો અનંતગુણ જ્ઞાની કેવળી ભગવંતોને…!🙏
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૧૧
➖➖➖➖➖➖➖➖➖
♦️ વિવિધ પ્રકારના ચારિત્ર…
ચારિત્રના અનેક પ્રકારો છે..
ઔદયિકભાવનું ચારિત્ર, ક્ષયોપશમભાવનું ચારિત્ર,દ્રવ્ય ચારિત્ર, ભાવ ચારિત્ર, નિશ્ચય ચારિત્ર, વ્યવહાર ચારિત્ર, ક્રિયાત્મક ચારિત્ર, જ્ઞાનાત્મક ચારિત્ર, ઉત્સર્ગ ચારિત્ર, અપવાદ ચારિત્ર.
(૧) ઔદયિક ભાવનું ચારિત્ર…
શાતા વેદનીયકર્મના ઉદયને લઈને સાધુવેષ લઈને મોજમાં-જલસાબાજીમાં-જે ચારિત્રજીવન જીવવું તે ઔદયિક ચારિત્ર છે. અહીં પૂરી સુખશીલતા છે. કોઈ પ્રતિકૂળતા વેઠવાની તૈયારી હોતી નથી.
(૨) ક્ષયોપશમભાવનું ચારિત્ર..
ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થએલું ચારિત્ર એ ક્ષયોપશમ ચારિત્ર છે. અહીં તો પ્રતિકૂળતાઓને ભેટવા જવાનું અને તે રીતે જલદીમાં જલદી અગણિત કર્મોનો કચ્ચરઘાણ બોલાવી દેવાનું એ મહાત્માને સતત મન થયા કરે છે. .
(૩) દ્રવ્ય ચારિત્ર..
ચારિત્રધર્મના પ્રતીકરૂપ વેશ અને તે અંગેની બાહ્ય આવશ્યકાદિ ક્રિયાઓને દ્રવ્ય ચારિત્ર કહે છે. આ ક્રિયાઓ ઉપયોગશૂન્ય-ભટકતા મનવાળી હોય તો ય તેની પાછળ તેનું પુષ્કળ દુઃખ હોય તો આ દ્રવ્યચારિત્ર ભવિષ્યમાં ભાવ ચારિત્રની પ્રાપ્તિનું અવશ્ય કારણ બની રહે છે. આથી આવા દ્રવ્ય- ચારિત્રને પ્રધાન-દ્રવ્યચારિત્ર કહેવાય છે.
(૪) ભાવ ચારિત્ર…
આનાથી વિરૂદ્ધ જતું-અભવ્ય વગેરે (અંગારમર્દક આચાર્ય, ચાણક્યઘાતક મન્ત્રી- સાધુ, મેતાર્યઘાતક સોની-સાધુ) પ્રકારના સાધુઓનું દ્રવ્ય ચારિત્ર તે અપ્રધાન દ્રવ્ય ચારિત્ર કહેવાય છે..
(૫) નિશ્ચય-ચારિત્ર…
સાતમા ગુણસ્થાન વગેરેનું અપ્રમત્ત ભાવનું અતિચાર દોષ વિનાનું ચારિત્ર એટલે નિશ્ચય ચારિત્ર. આ નયથી સાતમા ગુણસ્થાને જ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે, કેમકે અહીં જ સમ્યક્ત્વનું ફળ જોવા મળે છે.
(૬) વ્યવહાર ચારિત્ર…
વ્યવહારમાં એટલે કે લોકોમાં જેને ચારિત્ર કહેવાય તેને વ્યવહાર ચારિત્ર કહે છે..
(૭) ક્રિયાત્મક ચારિત્ર…
ચારિત્રધર્મનો જે બાહ્ય- ચરણસિત્તરી રૂપ ક્રિયાત્મક વિભાગ છે તેને ક્રિયાત્મક ચારિત્ર કહેવાય છે…
(૮) જ્ઞાનાત્મક ચારિત્ર…
ચારિત્રધર સાધુના ભીતરના જ્ઞાનાત્મક અંશને જ્ઞાનાત્મક ચારિત્ર કહેવાય છે…
(૯) ઉત્સર્ગ ચારિત્ર…
ઉત્સર્ગમાર્ગના કઠોર ચારિત્રધર્મના આરાધકનું ચારિત્ર ઉત્સર્ગ ચારિત્ર કહેવાય છે…
(૧૦) અપવાદ ચારિત્ર…
અપવાદ-માર્ગના અવલંબનને કારણે-ગીતાર્થ ગુરુની અનુમતિથી- જે અવલંબન લેવું પડે તે અપવાદ ચારિત્ર કહેવાય છે…
શ્રી સિદ્ધચક્ર યંત્ર-સ્વરૂપ -૧૨
➖➖➖➖➖➖➖➖➖
♦️ બાહ્ય અને અભ્યંતર તપ…
તપના બાહ્ય અને અભ્યન્તર એમ બે ભેદ પડે છે. દરેકના છ પ્રકાર છે… બાહ્ય સ્વરૂપે એવા શરીરને લગતાં હોવાથી અનશન વગેરે છ તપને બાહ્ય-તપ કહેવાય છે. જે અભ્યન્તર એવા આત્માને સીધા સ્પર્શે છે તે પ્રાયશ્ચિત્ત વગેરે છ પ્રકારનો અભ્યન્તર તપ કહેવાય છે.
બાહ્યતપની કર્મક્ષયની તાકાત કરતા અભ્યન્તર તપની તાકાત અતિ વધુ છે. લોકદ્રષ્ટિએ બાહ્ય તપનું વિશેષ મૂલ્ય છે. લોકોત્તર દ્રષ્ટિએ અભ્યન્તર તપનું વિશેષ મૂલ્ય છે. આમ છતાં અભ્યન્તર તપને સિદ્ધ કરવાની ભૂમિકા પ્રાયઃ બાહ્ય તપના સેવનથી થતી હોવાથી લોકોત્તર દ્રષ્ટિએ બાહ્યતપનું પણ મૂલ્ય ઓછું તો નથી જ.
♦️ બાર તપમાં જીવન વિકાસના આઠ પગથિયા…
૧) પહેલા ત્રણ તપ અનશન, ઉણોદરી અને વૃત્તિસંક્ષેપ તપથી આહારત્યાગ થાય છે…
૨) ચોથા નંબરના રસત્યાગ તપથી સંજ્ઞા(રસ) ત્યાગ થાય છે…
૩) પાંચમા નંબરના કાયક્લેશ ( દેહ-દમન, લોચ વગેરે) તપથી અને છઠ્ઠા નંબરના સંલીનતા (યોગાસનાદિ) તપથી દેહાધ્યાસત્યાગ થાય છે…
૪) સાતમા નંબરના પ્રાયશ્ચિત્ત તપથી સ્વદોષદર્શન કરી શકાય છે…
૫) આઠમા વિનય તપથી ૫૨ગુણદર્શન થાય છે…
૬) નવમા વૈયાવચ્ચ તપથી બાળ, વૃદ્ધ, ગ્લાન, અને તપસ્વીઓની વૈયાવચ્ચ કરવાથી ઈન્દ્રિયરમણતાનો ત્યાગ થાય છે..
૭) દસમા નંબરના સ્વાધ્યાય તપથી સ્વરૂપરમણતાની પ્રાપ્તિ થાય છે..
૮) અગીઆરમા ધ્યાન અને બારમા કાયોત્સર્ગ તપથી સમાધિસ્થતા પ્રાપ્ત થાય છે…
ચાલો, આપણે માનવજીવનને ધન્ય બનાવવા માટે જિનશાસનના સર્વસ્વસમા, સ્વરૂપસમા અને સર્વોત્કૃષ્ટસમા નવપદનું સ્વરૂપ સમજીએ, તેનું ચિંતન અને મનન કરીએ, પછી નવપદનું ધ્યાન કરીએ, નવપદને આપણા હૈયે પધરાવીએ, પછી નવપદમાં ક્યાંક આપણે સમાઈ જઈએ… બસ, આટલું થાય તો જીવન ખરેખર ધન્ય બની જાય. આથી વિશેષ આ કાળમાં બીજું થઈ પણ શું શકે ?…
જિનાજ્ઞાવિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છા મિ દુક્કડં.🙏