🏵️શ્રીકાન્ત શ્રેષ્ઠી
રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે.
એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું કે..
“જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.”
શ્રીકાંતને કહ્યું. હું શુદ્ધ વ્યાપાર કરું છું.” જિનદાસે કહ્યું, “તમારા ઘરખરચ પ્રમાણે તમારો વ્યાપાર જોવામાં આવતો નથી માટે સત્ય હોય તે કહો.”
પછી “શ્રીકાંતે જિનદાસ પારકું ગુહ્ય પ્રકટ કરે એમ નથી” એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન કરીશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય.” શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે હું ધર્મ કરું.”
જિનદાસે કહ્યું કે અત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહીં, તે વ્રત ગ્રહણ કરો.
અસત્ય વિષે કહ્યું છે કે, ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજાં બધાં પાપો રાખ્યાં, તો પણ અસત્યનું પા૫ અધિક થયું. જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલધારી થઈ લાંબો વખત તપસ્યા કરે તે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે.
વળી અસત્ય તો અવિશ્વાસનું કારણ છે અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય માહાત્મ્ય છે લોકમાં પણ કહેવાય છે કે…
દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે.
એથી હે શ્રીકાંત શેઠ !! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો.” આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્ય વ્રત સ્વીકાર્યું.
જિનદાસે કહ્યું “શ્રેષ્ઠી જીવનની જેમ આ વ્રત યાવતજિવ પાળજો.”
શ્રીકાંતે કહ્યું કે, “રાય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પણ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે, તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં.”
હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું. તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્ચા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, “તું કોણ છે ?” તેણે કહ્યું, “હું પોતે છું.” ફરી પૂછ્યું કે તું ક્યાં જાય છે ?” શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાં ચોરી કરવાને જાઉં છું.” પુન: પૂછ્યું કે “તું ક્યાં વસે છે ?” શ્રીકાંતે કહ્યું કે, “અમુક પાડામાં. વળી પૂછ્યું કે, “તારું નામ શું ?” શ્રીકાંતે કહ્યું કે, “મારું નામ શ્રીકાંત છે. તે સાંભળીને શ્રેણિક તથા અભયકુમાર આશ્ચર્ય પામ્યા કે, “ચોર આવી રીતે સાચું કહે નહીં,” માટે આ ચોર જણાતો નથી.”
પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછી શ્રેણિક તથા અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું કે, “આ શું લીધું છે ?” શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું.”
આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાત:કાળે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું.
તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, “કોશમાંથી શું શું ગયું છે?” ભંડારીએ કહ્યું કે, “રત્નની દશ પેટીઓ ગઈ છે.” પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, રાત્રે તેં શું ચોર્યું છે?
તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું કે, સ્વામિન્ ! તમે શું ભૂલી ગયા, તમારા દેખતાં જ હું મારી આજીવિક માટે એક પેટી લઈને જતો હતો.”
શ્રેણિક રાજાએ કહ્યું કે, “અરે ચોર ! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી ?”
શ્રીકાંત બોલ્યો કે, “મહારાજ ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમ કે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકૃત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ક્રોધ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય.”
આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા દીધી કે, “જેવું આ બીજું સત્ય વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ”
શ્રીકાંતે તે સ્વીકાર્યું. એટલે રાજાએ જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુકમે તે મહાવીર સ્વામીના શાસનનો શ્રાવક થયો.
આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી દઢતા વડે સત્ય વચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઇષ્ટફળ પ્રાપ્ત કર્યું તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું.
જૈન શાસનના ચમકતા હીરાઓ