🏵️મરીચિકુમાર કથા – જૈન શાસનના ચમકતા હીરાઓ
ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિકુમાર એક વખત ચક્રીની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવાને ગયો ત્યાં ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ધર્મનું શ્રવણ કરી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો…..
એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડા પામેલા મરીચિ મુનિ ચારિત્રાવરણ કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે,
“મેરુ પર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય, પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય, તેવો એક ઉપાય મને સૂઝયો છે…
તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિનહ્ન હો. આ મુનિઓ જિતેન્દ્રય હોવાથી કેશનો લોચ કરે છે, અને હું તેથી જીતાયેલો હોવાથી મારે અસ્ત્રાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ધારણ કરનારા છે અને હું તો અણુવ્રતને ધારણ કરવા અસમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકા માત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહના ઢાંકણ રહિત છે. અને હું તો મોહથી આચ્છાદિત છું, તેથી મારે માથે છત્રધારણ કરવાપણું હો. આ મહા ઋષિઓ પગમાં ઉપાનહ પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી મારે દુર્ગધીને સુગંધ માટે ચંદનનાં તિલક આદિ હો. આ મુનિઓ કષાય રહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું બેધાદિક કષાયવાળો હોવાથી મારે કષાય રંગવાળાં વસ્ત્ર હો. આ મુનિઓ બહુ જીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો.” આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરીચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો…
તેને તેવો નવીન વેખધારી જોઈને સર્વ લોક ધર્મ પૂછતા હતા, પરંતુ મરીચિ તો શ્રીજિનેશ્વરે પ્રરૂપેલો સાધુધર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ધર્મ દેશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે, “ત્યારે તમે પોતે કેમ તેવા ધર્મનું આચરણ કરતા નથી ?” તેના જવાબમાં તે કહેતો કે, “હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી.” એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોધ પમાડેલ તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરીચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરીચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો. અનુક્રમે વિહાર કરતાં સ્વામી વિનીતા નગરીમાં સમવસર્યા…
ભરત ચક્રવર્તી આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થનારા તીર્થંકર, ચક્વર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું, એટલે પ્રભુએ તે સર્વનું વર્ણન યથાસ્થિત કર્યું.
ફરીથી ભરત ચક્રવર્તીએ પૂછ્યું કે, “હે સ્વામી ! આ પર્ષદામાં કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપના જેવા તીર્થંકર થવાના હોય ?” સ્વામી બોલ્યા કે, “આ તારો પુત્ર મરીચિ આ ભરત ક્ષેત્રમાં વીરનામે ચોવીસમા તીર્થંકર થશે તથા એ પૂર્વે આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે.”
તે સાંભળીને ભરતચક્રી મરીચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે, “તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી, પણ તમે ભાવિ તીર્થંકર છો, તેથી હું તમને વાંદું છું.”
એમ કહીને પ્રભુએ કહેલ સર્વ વૃતાંત મરીચિને કહી બતાવ્યું, તે સાંભળીને મરીચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે
“હું પહેલો વાસુદેવ થઈશ, મૂકાનગરીમાં હું ચક્વર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ તેથી અહો મારું કુલ કેવું ઉત્તમ ?” વળી હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્વર્તીમાં પહેલા, અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા !! અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે ? ઇત્યાદિ આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી તેણે નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.”
એકદા તે મરીચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો, તેની સારવાર કોઈ સાધુએ કરી નહીં, તેથી તે ગ્લાન પામીને વિચાર કરવા લાગ્યો કે, “અહો ! આ સાધુઓ દાક્ષિણ્ય ગુણથી રહિત છે. મારી સારવાર તો દૂર રહી, પણ મારા સામું પણ જોતા નથી, પણ મેં આ ખોટો વિચાર કર્યો, કેમ કે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે ! માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું.” એમ વિચારતાં કેટલેક દિવસે મરીચિ વ્યાધિ રહિત થયો.
એક વખત તેને કપિલ નામે કુલપુત્ર મળ્યો. ધર્મનો અર્થી હતો, તેથી તેણે કપિલને જૈન ધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યું કે, ‘તમે પોતે એ ધર્મ કેમ આચરતા નથી ?” મરીચિ બોલ્યો કે, હું તે ધર્મ પાળવાને સમર્થ નથી” કપિલે કહ્યું કે, ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?” આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણી શિષ્યને ઇચ્છતો મરીચિ બોલ્યો કે, ‘જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ સાંભળી કપિલ તેનો શિષ્ય થયો.
તે વખતે ઉતસૂત્ર ભાષણથી (મિથ્યાધર્મના ઉપદેશથી) મરીચિએ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર કર્મ ઉપાર્જન કર્યું. તે પાપની કોઈ પણ આલોચના ક્યા વગર અનસન વડે મૃત્યુ પામીને મરીચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો.
કપિલ પણ આસૂરિ વગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવ થયો.
ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો. અને તેને આસૂરિ વગેરેને પોતાનો સાંખ્ય મત જણાવ્યો. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવર્તયુ
આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી મરીચિએ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું, અને ઉતસૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ કર્યા.
તીર્થંકર ભગવાનના શાસ્ત્રથી વિરુદ્ધ ન બોલવું અને અભિમાન ન કરવું આટલો બોધપાઠ સૌએ ગ્રહણ કરવા જેવો છે.