🎋 જ્ઞાન પંચમીનું રહસ્ય….
➖➖➖➖➖➖➖➖➖
જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ…નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે…
શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ જ્યાં ત્યાં લથડીયા કે ઠોકરો ખાય છે, તેમ ધર્મની આરાધના દ્વારા જીવનશુદ્ધિના પંથે સફળતા મેળવવા માટે જરૂરી જ્ઞાનદ્રષ્ટિ વિનાનો શક્તિશાળી માણસ પણ ચોરાશીના ચક્કરમાં અથડાયા જ કરે છે. માટે વિશિષ્ટ જ્ઞાનદ્રષ્ટિના વ્યવસ્થિત વિકાસ માટે આજના પવિત્ર પર્વના રહસ્યને સમજવાની જરૂર છે. જ્ઞાનના રહસ્યોને સમજીએ તે પહેલા જ્ઞાનના પ્રકારો વિશે જાણીએ…
[1] મતિજ્ઞાન:- મન અને ઇન્દ્રિયોની સહાયતાથી ધર્મને જાણી શકવાની જ્ઞાનશક્તિ તે મતિજ્ઞાન છે.
[2] શ્રુતજ્ઞાન:- શાસ્ત્રના વચન સાંભળવાથી થતા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે.
[3] અવધિજ્ઞાન:- ઇન્દ્રિયોની સહાયતા વગર રૂપી પદાર્થોના ધર્મને જાણવાની શક્તિ કે મર્યાદિત દ્રવ્ય,ક્ષેત્ર વિગેરેને જાણવાની શક્તિ તે અવધિજ્ઞાન છે.
[4] મન:પર્યવ જ્ઞાન:- અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી જીવોના મનના ભાવોને જાણવાની શક્તિને મન:પર્યવ જ્ઞાન કહે છે.
[5] કેવલજ્ઞાન:- ત્રણ કાળના સર્વ જીવોના સર્વ પર્યાયોને સંપૂર્ણપણે એક સાથે એક જ સમયે જાણી શકવાની શક્તિને કેવલજ્ઞાન કહે છે.
જ્ઞાન શબ્દ ‘જ્ઞા’ ધાતુને ‘અન’ પ્રત્યય લાગવાથી બનેલ છે, જેનો ટૂંકો અર્થ ‘જેનાથી જણાય તે જ્ઞાન’ થાય છે. તે ઉપરથી સ્થૂલબુદ્ધિ જગતે જ્ઞાન નો અર્થ જાણકારી કરી ‘જે વધારે જાણતો હોય તે જ્ઞાની’ ‘જ્ઞાનની પરિસીમા વધારે જાણવામાં છે’ વગેરે અર્ધ સત્યો કે વિરૂપ સત્યો સ્વીકાર્યા છે, તેથી જ જગતમાં આજે જ્ઞાનની કહેવાતી માત્રા વધવા છતાં ચારે તરફથી જીવન અધોમાર્ગે વેગથી ધસી રહ્યું છે.
આ ગુંચ કે વિસંવાદને ઉકેલવા માટે આજના પવિત્ર દિવસે કરાતી આરાધનાના પ્રધાન લક્ષ્યરૂપ જ્ઞાન પદનો અતિ સૂક્ષ્મ ભાવાર્થ સમજવો જરૂરી છે.
દરેક પદાર્થોની સત્તા પોતે આપી શક્તા ફાળાની માત્રા પર હોય છે. તેથી જ્ઞાન માત્ર પદાર્થોની જાણકારીના ફાળાને આપીને રહી જાય તો તે એનું અપૂર્ણ કે વિકૃત સ્વરૂપ છે, ખરી રીતે તો જ્ઞાન માત્ર પદાર્થોની બાહ્ય માહિતી જ નથી પણ તેના આંતરિક તત્ત્વોની માહિતી આપીને તેની સારાસારતાના ઉંડાણ સુધી લઈ જાય છે. અર્થાત્ જગતના પદાર્થોની કક્ષાઓ જણાવી પ્રવૃત્તિ કરનારને કેટલા ટકા લાભ કે હાનિ મળશે? તે પણ જ્ઞાન નક્કી કરી આપે છે.
આજે જ્ઞાન પદની આરાધના કરી પંડિતાઇ કે અક્ષરજ્ઞાનનો વધારો કરવાના ધ્યેયને બદલે હેય-ઉપાદેયનો યથાર્થ વિવેક અને શક્ય આચારશુદ્ધિ થઈ શકે તેવા અસલી જ્ઞાનની પ્રાપ્તિ માટે મથવું અને ‘જ્ઞાનનું ફલ વિરતિ’ એ સૂત્રને જીવનમાં ઉતારવાનું બળ કેળવવું એ જ જ્ઞાન પંચમીનું રહસ્ય છે.
🔆 જ્ઞાનપૂજન કરવાની રીત 🔆
➖➖➖➖➖➖➖➖➖
સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આપેલું સમ્યગજ્ઞાન આપણને પુણ્ય-પાપ શું છે, કરવા જેવું અને નહિ કરવા જેવું શું છે, સાચું -ખોટું, હિતકર-અહિતકર, ખાવા-પીવાની રીત વગેરે વિશે સમજાવે છે અને સંસારના ભવ ભ્રમણથી બચાવીને મોક્ષસુખને આપે છે માટે પરમ ઉપકારી છે.
આવા પરમ ઉપકારી જ્ઞાનનું રોજ વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ.
જ્ઞાનની પૂજા બે રીતે થાય છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા
🌷 જ્ઞાનની દ્રવ્યપૂજા:-
ફળ, નૈવેદ્ય, રૂપાનાણું વિગેરે વિવિધ દ્રવ્યો વડે અથવા તો જ્ઞાનની પોથીની વાસક્ષેપ વડે પૂજા કરીએ તે જ્ઞાનની દ્રવ્ય પૂજા છે.
વાસક્ષેપ વડે પૂજા કરતી વખતે ધ્યાન રહે કે વાસક્ષેપ પોથી કે પુસ્તક ઉપર મૂકવાનું છે પણ પૈસા ઉપર નહિ કેમ કે આપણે જ્ઞાન પૂજન કરવાનું છે ધન પૂજન નહિ
🌷 જ્ઞાનની દ્રવ્યપૂજા કરવાની રીત:-
પ્રથમ ગુરૂમહારાજને વંદન કરવું (જોગ હોય તો)
પૂજન નિમિત્તે મૂકવા માટેનું નાણું ડાબા હાથમાં પકડી રાખવું.
જમણા હાથમાં વાસક્ષેપ લઈ પુસ્તક કે પોથી ઉપર ધીમે ધીમે આદરપૂર્વક મૂકવું.
પછી ડાબા હાથમાં રહેલું નાણું જમણા હાથમાં લઈને થાળીમાં મૂકવું.યાદ રહે કે પૈસા થાળીમાં મૂકવાના છે પોથી ઉપર નહિ
🌷 જ્ઞાનની ભાવપૂજા:-
બે હાથ જોડી મસ્તક નમાવી ‘નમો નાણસ્સ’ બોલીને જ્ઞાનને નમસ્કાર કરવાથી જ્ઞાનની ભાવપૂજા થાય છે.
જ્ઞાનપંચમીના દિવસે જ્ઞાન સમક્ષ સ્તુતિ, ખમાસમણ, કાઉસ્સગ્ગ, નવકારવાળી, દેવવંદન વિગેરે ક્રિયાઓ કરાય છે તે પણ જ્ઞાનની ભાવપૂજા છે.આ ભાવપૂજા પર્વના દિવસે અને અનુકુળતા હોય તો રોજ કરવી જોઇએ.
આવી રીતે જ્ઞાનની દ્રવ્ય અને ભાવ પૂજા કરવાથી જ્ઞાનાચારની આરાધના થાય છે.
➖➖➖➖➖➖➖➖➖
💥 જ્ઞાનના ખમાસમણાના દુહા..💥
➖➖➖➖➖➖➖➖➖
પાંચ જ્ઞાનના ખમાસમણના પાંચ દુહા..
🟣 (૧) મતિજ્ઞાન :-
સમકિત શ્રદ્ધાવંતને,
ઉપન્યો જ્ઞાન પ્રકાશ,
પ્રણમું પદ કજ તેહના,
ભાવ ધરી ઉલ્લાસ.
‘ઓમ હ્રીમ શ્રી મતિજ્ઞાનાય નમો નમ:’ બોલીને ખમાસમણ દેવું.
🟢 (૨) શ્રુતજ્ઞાન :-
પવયણ શ્રુત સિદ્ધાંત તે,
આગમ સમય વખાણ,
પૂજો બહુવિધ રાગથી,
ચરણ-કમલ ચિત્ત આણ.
‘ઓમ હ્રીમ શ્રી શ્રુતજ્ઞાનાય નમો નમ:’ બોલીને ખમાસમણ દેવું.
🔴 (૩) અવધિજ્ઞાન :-
ઉપન્યો અવધિજ્ઞાનનો,
ગુણ જેહને અવિકાર,
વંદના તેહને માહરી,
શ્વાસમાંહે સો વાર.
‘ઓમ હ્રીમ શ્રી અવધિજ્ઞાનાય નમો નમ:’ બોલીને ખમાસમણ દેવું.
🔵 (૪) મન:પર્યવજ્ઞાન :-
એ ગુણ જેહને ઉપન્યો,
સર્વ-વિરતી ગુણઠાણ,
પ્રણમું હિતથી તેહના,
ચરણ-કમલ ચિત્ત આણ.
‘ઓમ હ્રીમ શ્રી મન:પર્યવજ્ઞાનાય નમો નમ:’ બોલીને ખમાસમણ દેવું.
🟣 (૫) કેવળજ્ઞાન:-
કેવલ દંસણ નાણનો,
ચિદાનંદ ધન તેજ,
જ્ઞાન-પંચમી દિન પૂજીએ,
વિજય-લક્ષ્મી શુભહેજ.
‘ઓમ હ્રીમ શ્રી કેવલજ્ઞાનાય નમો નમ:’ બોલીને ખમાસમણ દેવું.
♦️જ્ઞાન પદની આરાધના અર્થે જ્ઞાનને પ્રતિદિન ઉપરોકત દુહા બોલીને પાંચ ખમાસમણ દેવા જોઇએ.♦️
🎋જ્ઞાન પાંચમ કેવી રીતે ઉજવીશું
➖➖➖➖➖➖➖➖➖
૧. જ્ઞાનપાંચમના દિને આપણા સંઘમાં રહેલાં જ્ઞાનભંડારને સુગંધી ફુલોથી ડેકોરેશન કરવું.. જ્ઞાનભંડારનાં બધાજ કબાટો ખુલ્લા મુકવામા આવે.. પ્રતને પોથીમાંથી બહાર કાઢીને ટેબલ ઉપર ગોઠવવામાં આવે… સંઘના દરેક ભાઈ બહેનો આપણી પાસે રહેલા જ્ઞાન વારસાના દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવી…
૨. જ્ઞાનભંડારનાં પુસ્તકો અસ્ત વ્યસ્ત થઈ ગયા હોય તો વ્યવસ્થિત ગોઠવી દેવા…
૩. જ્ઞાનની સ્તુતી, સ્તવન આદીની ઓડીયો કેસેટ નું હળવું સંગીત ચાલુ રાખવું….
૪. વાસક્ષેપ પૂજા ફક્ત એકજ પ્રત ઉપર કરવામાં આવે જેથી તેની પાછળથી યોગ્ય કાળજીપુર્વક સફાઈ થઈ શકે. સુગંધી વાસક્ષેપ પ્રત પુસ્તકમાં રહી જશે તો તે અનુક્રમે નુકસાનકારક છે…
૫. જ્ઞાનપુજા માટે કોઈપણ પ્રકારની નોટબુક, ફુલસ્કેપ પેપર, ઈત્યાદી મૂકવું નહી.. તેના બદલે હસ્તલેખનની સામગ્રીનો સેટ દર્શન માટે અવશ્ય મુકવો…
૬. જ્ઞાનપાંચમ નિમિત્તે સંઘનો જ્ઞાનભંડાર એકદમ વ્યવસ્થિત કરાવી લેવો.. વ્યવસ્થિત હોય તો સમૃધ્ધ કરાવી લેવો.. સમૃધ્ધ હોય તો દર્શનીય કરાવી લેવો. દર્શનીય હોય તો વધુ ને વધુ ઉપયોગમાં આવી શકે તેવી વ્યવસ્થા કરવી …
૭. જ્યાં આવશ્યક લાગે તેવા એક જ્ઞાનભંડારનો જિર્ણોધ્ધાર કરવો અથવા કરાવવો..
૮. જ્ઞાનભંડારનાં થોડાક સારા પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરી શકાય.. જે લોકો જ્ઞાનપુજા કરવા આવે તે ૧૫ મિનીટ માટે ત્યાંજ બેસીને પુસ્તક વાંચન કરી શકે તેવી વ્યવસ્થા કરી શકાય…
➖➖➖➖➖➖➖➖➖
🏵️જ્ઞાનપંચમી નિમિતે કથા
ગુણમંજરી !
તમારી માતાનું નામ છે કપૂરતિલકા અને તમારા પિતાનું નામ છે સિંહદાસ. સાત કરોડ સોનામહોરની સંપત્તિ છે એમની પાસે. તમે એમના એક માત્ર સંતાન છો પણ કરુણદશા તમારા જીવનમાં એ સર્જાઈ છે કે તમે જન્મથી જ મૂંગા પણ છો અને રોગી પણ છો.
તમારા એ દુર્ભાગ્યની મુક્તિ માટે તમારા પિતાજીએ પ્રયાસો કરવામાં કોઈ જ કચાશ રાખી નથી પણ ઊખર ભૂમિમાં પડતા વરસાદની જેમ, ખલ પુરુષના વચનની જેમ અને શરદઋતુમાં થતી મેઘગર્જનાની જેમ પિતાજીના એ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. તમારા શરીર પર સોળમી વસંત બેઠી છે પણ એક મૂરતિયો તમારા પિતાજી એવો શોધી શક્યા નથી કે જે તમારી સાથે લગ્નના સંબંધો બાંધવા તૈયાર થઈ જાય.
એમાં બન્યું છે એવું કે એ જ નગરીમાં પધારેલા ચારજ્ઞાનના ધારક આચાર્ય ભગવંત વિજયસેનસૂરિ મહારાજની દેશના સાંભળવા ગયેલા તમારા પિતાજીએ દેશનાની સમાપ્તિ બાદ આચાર્ય ભગવંત પાસે જિજ્ઞાસા વ્યક્ત કરી છે.
હે ભગવંત ! મારી પુત્રીએ એવું તે કયું કર્મ કર્યું છે કે જેના દુમ્રભાવે જન્મથી જ એ મૂંગી હોવા ઉપરાંત વ્યાધિગ્રસ્ત છે?’
અને ગુણમંજરી, જે હકીકતની જાણકારી કોઈને ય નહોતી એ હકીકતની જાણકારી આચાર્ય ભગવંતે તમારા પિતાજીની જિજ્ઞાસા શાંત કરવા શ્રોતાઓ સમક્ષ રજૂ કરી દીધી છે.
ઘાતકીખંડ. ખેટકપુર નગર. શ્રેષ્ઠી જિનદેવ. એની પત્ની સુંદરી. પુત્રો પાંચ અને પુત્રી ચાર. પાંચેય પુત્રોને શ્રેષ્ઠીએ અભ્યાસાર્થે ઉત્સવપૂર્વક અધ્યાપક પાસે મૂક્યા છે. પરંતુ પાંચેય પુત્રો આળસુ છે, ચપળ છે અને અવિનયી છે. ભણવામાં એમને કોઈ જ રસ નથી. અરસ-પરસ ગપ્પા-સુપ્પા લગાવતા તેઓ સમય પસાર કરી રહ્યા છે.
અધ્યાપકને એમ લાગ્યું છે કે શિક્ષા કર્યા વિના આ છોકરાઓ ભણવાના નથી જ. આ ખ્યાલે એમણે છોકરાઓને સોટી વડે ફટકાર્યા છે. છોકરાઓ રોતા રોતા ઘરે આવ્યા છે અને સોટીથી શરીર ઉપર પડેલા ક્ષત એમણે પોતાની માતાને બતાવ્યા છે.
“આ શું છે?”
‘અધ્યાપકે અમને સોટીથી માર્યા છે?
‘તમે એમ કરો. જન્મ, જરા અને મરણ ભણેલા કે અભણ કોઈને ય જ્યારે છોડતા નથી જ ત્યારે તમારે ભણવાની જરૂર જ શી છે? આ જગતમાં બોલબાલા એની જ છે કે જેની પાસે સંપત્તિ છે. પૈસાવાળો ભલે ને મહામૂર્ખ છે, નિર્ધન પંડિત એની પાસેય દૈન્ય વચનો બોલતો હોય છે.
જેની પાસે સંપત્તિ છે એ પુરુષ કુલીન છે, પંડિત છે, ગુણજ્ઞ છે, વક્તા છે, શાસ્ત્રનો જાણકાર છે અને તે જ દર્શન કરવા લાયક છે. તાત્પર્ય એ કે જેની પાસે લક્ષ્મી છે તે બધા જ ગુણોનો ભંડાર છે. માટે હે પુત્રો ! મૂર્ખતા જ શ્રેષ્ઠ છે. તેથી હવે તમારે ભણવા જવાનું નથી. તમારો અધ્યાપક તમને કદાચ તેડવા આવે તો તેને દૂરથી જ પથ્થર વડે મારજો’ આ પ્રમાણે શિખામણ આપીને પુત્રો પરના રાગથી અને જ્ઞાન પરના દ્વેષથી લેખન, પાટી, પુસ્તક વગેરે બધું જ અગ્નિમાં નાખીને બાળી નાખ્યું છે.
(ગુણમંજરી ! પૂર્વભવમાં પુત્રો પરનો તમારો રાગ અત્રે જ્ઞાન પ્રત્યેના દ્વેષમાં પરિણમ્યો છે અને એ જ્ઞાનદ્દેષના કારણે તમે જ્ઞાન અને જ્ઞાનનાં ઉપકરણો આગના ચરણે ધરી દઈને ભયંકર જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જી લીધું છે.)
શ્રેષ્ઠી જિનદેવને આ હકીકતની જાણ થતાં એણે સુંદરીને ઠપકો પણ આપ્યો છે પરંતુ સુંદરીએ જિનદેવને ય સંભળાવી દીધું છે કે ‘તમે પોતે ય પંડિત જ છો ને? તમે જગતનું કયું દારિદ્રય કાપ્યું છે? બાકી સુખ તો પુણ્યથી જ મળે છે. કાંઈ ભણવા-ભણાવવાની જંજાળથી મળતું નથી.’
જિનદેવ એ વખતે તો મૌન થઈ ગયા છે પણ એક દિવસ સુંદરીને એણે કહ્યું છે કે “તેં પુત્રોને અભણ રાખીને એમનો જન્મ વ્યર્થ કરી નાખ્યો છે કારણ કે એમને કન્યા આપવા કોઈ જ તૈયાર થતું નથી.”
‘એમાં મારો કોઈ જ દોષ નથી. દોષ બધો ય તમારો જ છે. કારણ કે પુત્રો પિતા જેવા જ હોય છે અને પુત્રીઓ માતા જેવી હોય છે’ સુંદરીના આ જવાબથી શ્રેષ્ઠી જિનદેવ ભારે આવેશમાં આવી ગયા છે. ‘દુર્ભાગી ! પાપિણી ! શંખણી ! તું મારી સામે બોલે છે?’ આમ કહીને એમણે બાજુમાં પડેલ પથ્થર ઉઠાવીને સુંદરીના મર્મસ્થાન પર માર્યો છે અને ચોટ લાગવાથી મરણ પામેલી સુંદરી ત્યાંથી મરીને શેઠ, તમારી પુત્રી ગુણમંજરી થઈ છે.
👇👇👇👇👇👇👇👇👇
પ્રભુ, મને તું જ્ઞાન ન બનાવે તો કાંઈ નહીં પણ જ્ઞાનની કે જ્ઞાનીની હું આશાતના ન કરી બેસું એટલી સબુદ્ધિ તો તું મને આપીને જ રહેજે. કારણ? સઘળાંય દુઃખોનું મૂળ અજ્ઞાન છે અને એ અજ્ઞાન જ્ઞાન-જ્ઞાનીની આશાતના કરતા રહેવાથી વણમાગ્યું લમણે ઝીંકાતું જ રહે છે એવું મેં સાંભળ્યું છે. એ દુર્ભાગ્યનો શિકાર બનવા હું નથી માગતો.
➖➖➖➖➖➖➖➖➖➖
🏵️ જ્ઞાનપંચમી નિમિતે કથા…..
વરદત્ત…
અજિતસેન રાજાએ ગુરૂ મહારાજને પૂછ્યું હે ગુરુદેવ ! આ મારો પુત્ર વરદત્ત એક અક્ષર પણ ભણી શકતો નથી તથા કોઢના રોગથી પીડિત છે તેનું શુ કારણ હશે? તે કૃપા કરી જણાવો, ત્યારે ગુરૂ મહારાજે કહ્યું
“હે રાજન ! તમારા પુત્રની આવી દશા શાથી થઇ તે માટે તેનો પૂર્વ ભવ સાંભળો“
શ્રીપુર નગરમાં વાસુદેવ નામે શેઠ રહેતા હતા તેને વસુદેવ અને વસુસાર નામે બે પુત્રો હતા.એકવાર બન્ને અશ્વ ક્રીડા કરવાને વન માં ગયા ત્યાં શ્રી મુનિસુંદર નામના સૂરિશ્વરને જોઈને તે બન્નેએ તેમને વંદન કર્યું. ગુરુએ તેમને ધર્મોપદેશ આપ્યો, તેમાં આ ઔદારિક શરીરની નશ્વરતા જણાવી,અને આવી નાશ પામનારી કાયાથી ધર્મ સાધી લેવોજ એક સાર છે.
ગુરુની દેશનાથી બોધ પામી બન્ને ભાઈઓએ માતાપિતાની આજ્ઞા લઇ ચરિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનોભાઈ વાસુદેવ બુદ્ધિશાળી હોવાથી ચારિત્રનું સુંદર રીતે પાલન કરતાં ઘણા સિદ્ધાંતોનો પારગામી થયો.યોગ્યતા જાણી ગુરુએ તેમને આચાર્ય પદ આપ્યું. વાસુદેવસૂરિ દરરોજ પાંચસો સાધુઓને વાચના આપતાં હતા.
એક વખત વસુદેવસૂરિ સુતા હતા તે વખત એક પછી એક સાધુઓ સંદેહ પુછવા આવ્યા તેમને તેનો અર્થ સમજાવ્યો પણ મનમાં કુવિકલ્પ આવ્યો. તેઓ એ વિચાર્યું કે મારો મોટોભાઈ ભણ્યો નથી. તેથી તે કૃતાર્થથી સુખી છે,તેને નિરાતે ઊંઘવાનું મળે છે, તે મુર્ખ હોવાથી તેને કોઈ કંઈ પૂછતું નથી. તે મરજી મુજબ ખાય છે અને ચિત્તની શાંતિ માં રહે છે. આવું વિચારી તેમને મનમાં નક્કી કર્યું કે હવેથી હું કોઈને ભણાવીશ નહી, નવું ભણીશ નહી અને પછી બાર વર્ષ સુધી મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલોચના વગર મરીને તે વસુદેવસૂરિ તમારા પુત્ર થયા. મોટો ભાઈ વસુસાર મરીને સરોવરમાં હંસ થયો છે. કર્મની ગતિ વિચિત્ર છે
ગુરુના મુખે પોતાના પૂર્વભવને જણાવનારા વચનો સાંભળી વરદત્તકુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું ક્ષણભર મૂર્છા પામીને સ્વસ્થ થઇ ને કુમારે ગુરુદેવનું વચન સત્ય હોવાનું કહ્યું. અને રોગોનો નાશ કરવાના અને શાંતિ મેળવાના ઉપાય માટે જણાવવા કહ્યું. ત્યારે દયાળુ ગુરૂ ભગવંતે કહ્યું કે..
તપના પ્રભાવથી રોગો નાશ પામશે અને સુખ શાંતિ થશે. પછી ગુરુદેવ વરદત્તકુમારને પણ જ્ઞાનપંચમીનું તપ કરવા કહ્યું. કુમારે જ્ઞાનપંચમી નું તપ ગુરૂ મહારાજ પાસે અંગીકાર કર્યું. ત્યાર પછી સૌ સ્વસ્થાને ગયા.
વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ કરતા વરદત્ત કુમારના સર્વ રોગો નાશ પામ્યા,શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી તે સઘળી કળા શીખ્યો, તથા અનેક રાજકન્યાઓ પરણ્યો.રાજાએ વરદત્તકુમારને રાજ્ય સોપી દિક્ષા લીધી. વરદત્તકુમાર પણ લાંબો કાળ રાજ્યનું પાલન કરી છેવટે પુત્રને રાજગાદીએ બેસાડી દિક્ષા લીધી.
અંતે વરદ્ત્ત ઉત્કૃષ્ઠ ચારિત્ર પાળી કાળ કરી વૈજયંત નામના અનુત્તરવાસી વિમાનમાં દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી વરદત્તકુમારનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં અમરસેન રાજાને ત્યાં ગુણવતી રાણીની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેમનું નામ શુરસેન પાડ્યું. શુરસેનકુમાર સર્વ કળા શીખી અનેક કન્યાઓ પરણ્યો. અને રાજાગાદીએ બેઠો. એકવાર સિમંધરસ્વામી એ દેશનામાં વરદત્ત કુમાર (શુરસેનનો પૂર્વભવ) નું જ્ઞાનપંચમી આરાધના વૃતાંત કહેતા જ્ઞાન પંચમીનું મહત્યમ સમજાવ્યું. તેથી શુરસેન રાજાએ અનેક લોકો સાથે દસહજાર વર્ષ સુધી રાજ ભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. એક હજાર વર્ષ ચારિત્ર પાળી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
➖➖➖➖➖➖➖➖➖
🏵️ શ્રુત ભકિત…
➖➖➖➖➖➖➖➖➖
▪️ “જેઓ જિનેશ્વરોના આગમો લખાવે છે તેઓ ક્યારેય મૂંગા, બોબડા કે આંધળા બનતા નથી.”
▪️ વસ્તુપાલ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચી જ્ઞાનભંડાર બનાવ્યો. સર્વ આગમોની એકેક પ્રત સોનાની શાહીથી લખાવી અને બાકીની પ્રતો તાડપત્રી પર કાગળો પર લખાવી.
▪️ કુમારપાળ મહારાજાએ એવો નિયમ કર્યો હતો કે જ્યાં સુધી ગુરુએ રચેલા ગ્રંથોને તાડપત્રી ઉપર ન લખાવું ત્યાં સુધી દહીઁનો ત્યાગ, ૭૦૦ લહિયાઓને બેસાડી આગમો લખાવા માંડ્યા. લખતાં લખતાં જ્યારે તાડપત્રીઓ ખૂટી ગઈ ત્યારે રાજાએ એવો નિયમ કર્યો કે જ્યાં સુધી તાડપત્રી ન મળે ત્યાં સુધી અન્ન ત્યાગ. ત્રીજે દિવસે દેવી પ્રસન્ન થઈ બગીચામાં તાડપત્રોના વૃક્ષો ઉગાડ્યા. વનપાલકે વધામણી આપી પછી રાજાએ પારણું કર્યું. આ રાજાએ કુલ ૬,૩૬,૦૦૦ આગમોની સાત પ્રતીઓ લખાવી. વ્યાકરણની ૨૧ – ૨૧ પ્રતિઓ લખાવેલ હતી.
▪️ આગ્રાના વિજયલક્ષ્મીસુરિના જ્ઞાનમંદિરમાં ૨૨,૦૦૦ પુસ્તકો અને ૮૦૦૦ જેટલી હસ્તલિખીત પ્રતો છે.
▪️ જ્યારે મુસલમાનોએ પાટણ ઉપર હુમલો કર્યો ત્યારે પાટણથી ૫૦ ગાડા ભરી તાડપત્ર જેસલમેર લઈ જવાયા હતા. જ્યારે જેસલમેરમાં જૈનોની જાહોજલાલી નાશ પામી અને સૈનિકો આવીને વસવા લાગ્યા ત્યારે મહિનાઓ સુધી તાડપત્રોને જલાવી રસોઈ બનાવેલી.
▪️ આજે જેસલમેરના જ્ઞાનભંડારમાં તાડપત્રીઓ ઉપર રૂપેરી અક્ષરોવાળા ૨૬૮૩ ગ્રંથ વિદ્યમાન છે. સોનાની ફ્રેમમાં રત્નની પ્રતિમા સરસ્વતી યંત્ર આદિ પણ છે. જિનદત્તસૂરિની ૮૨૦ વર્ષ પુરાણી સાલ પણ છે.
▪️ પેથડ મંત્રીએ સાત કરોડ દ્રવ્ય ખર્ચી ત્રણ જ્ઞાન ભંડાર બનાવેલા.
▪️ પેથડ મંત્રીએ ભગવતી સૂત્રમાં આવતા ‘ગોયમા’ શબ્દ દીઠ એક સોનામહોર અર્પણ કરી જ્ઞાનભક્તિ કરેલી.
- 📚જ્ઞાનની આશાતનાથી બચો
➖➖➖➖➖➖➖➖➖
📕પુસ્તક છાપાં આદિ હાથમાં રાખી ખાવાં – પીવાનું કે ઝાડા પેશાબ ન કરશો.
📒પુસ્તક નું ઓશિકું ન બનાવો. કાગળ કે છાપાં પર ખવાય કે બેસાય નહી.
📗કાગળ – પુસ્તક પર ચાલવું નહી, પગ ન અડાડવો, ગટરમાં ન ફેંકવો, પછાડવા નહી.
📙પુસ્તકાદિને થૂંક ન અડાડવું, ગમે ત્યાં રખડતાં ન મૂકવાં, બાળવાં નહી.
📕થૂંકથી અક્ષરો ન ભૂંસવા.
📗પુસ્તક કે છાપાં આદિથી પવન ન નંખાય.
📙પુસ્તકનાં કાગળિયા ફાડો નહીં. વાળો નહીં પરંતુ સાચવીને રાખવાં.
📒પુસ્તક કે જ્ઞાનનાં બીજા સાધનો પ્રત્યે કદી પણ તિરસ્કાર કે અરુચિ કરો નહીં.
📙ફટાકડા ન ફોડવા, પતંગ ન ચગાવવા.
💥 શ્રુતજ્ઞાનની આરાધનાનું ફળ..
➖➖➖➖➖➖➖➖➖
(૧) ધર્મનો માર્ગ પ્રાપ્ત થાય.
(૨) જગતના સ્વરૂપની વાસ્તવિક ઓળખાણ થાય.
(૩) અનેક પ્રકારના દ્રષ્ટિકોણો – બુદ્ધિ – જ્ઞાન વધતા જાય.
(૪) કોઈપણ સંયોગોમાં સ્વસ્થ રહી શકાય.
(૫) સુખ-દુઃખની સાચી સમજ મળે.
(૬) કર્મના રહસ્યોનો બોધ થાય.
(૭) આધ્યાત્મિક સુખની ઝાંખી-પ્રાપ્તિ કરાવે.
(૮) શંકા-કુશંકા દૂર કરાવે.
(૯) જીવનમાં માણસાઈ અને સજ્જનતાની પ્રાપ્તિ થાય.
(૧૦) ગુણોનાં વિકાસ માટેનો સાચો માર્ગ મળે.
(૧૧) હૈયામાં આરાધકભાવ ઉત્પન્ન કરાવે.
(૧૨) ક્રિયાઓ ફળવંતી – ભાવવાહી બનાવે.
(૧૩) અનંતર સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ દ્વારા સંયમની પ્રાપ્તિ કરાવે.
(૧૪) પરલોકમાં જૈન ધર્મ મળે તેવા કુળાદિની પ્રાપ્તિ કરાવે.
(૧૫) જ્ઞાનનો ક્ષયોપશમ વિશિષ્ટ થાય.
(૧૬) ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય.
(૧૭) પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ કરાવે.
💥 જ્ઞાનના ઉપકરણો અને તેના અર્થ..
➖➖➖➖➖➖➖➖➖
🔸 જ્ઞાનની પ્રાપ્તિમાં ઉપયોગી થતી વસ્તુઓ :-
૧ . પાટી – અક્ષર લખવા માટે..
૨. પોથી – વાંચવાની ચોપડી, પાનાં, પ્રત વિગેરે..
૩. પાટલી – સાધુ સાધ્વીજી ભગવંતોને યોગોદ્વહન માટે ઉપયોગી..
૪. સાપડો – પુસ્તક મૂકવા માટેનું લાકડાનું મોટું સાધન ..
૫. સાપડી – પુસ્તક મૂકવા માટેનું લાકડાનું નાનું સાધન..
૬. દસ્તરી – કાગળોની ફાઈલ ..
૭. વહી – ચોપડા, પુસ્તક, નોંધપોથી..
૮. ઠવણી – સાધુ ભગવંત જેના પર સ્થાપનાચાર્યજી મૂકે છે તે ..
૯. કવળી – પોથી ફરતે વીંટવાની વાંસની સળીઓને કપડાથી મઢેલી હોય છે તે ..
૧૦. ઓળીયા – દસ પંદર ફૂટ લાંબા અને ૯થી ૧૦ ઈંચ પહોળા સંઘના હિસાબો, ઉઘરાણી વિગેરે લખવા માટેના લાંબા કાગળ..
૧૧. નવકારવાળી – જાપ કરવા માટે ૧૦૮ મણકાની માળા..
૧૨. પેન – કાગળ ઉપર અક્ષર લખવા માટે..
૧૩. ત્રિપાટી – પુસ્તકનો એક પ્રકાર…
૧૪. પંચપાટી – પુસ્તકનો એક પ્રકાર …
૧૫. વીંટણી – પોથી સાચવવા માટે પોથી ઉપર વીંટવાનું કવર…
૧૬. પેન્સિલ – અક્ષર લખવા માટે લાકડાની પાતળી સ્ટીક..
૧૭. રબ્બર – લખેલા અક્ષર ભૂંસવાનું સાધન..
૧૮. ફુટપટ્ટી – ફૂટ માપવા માટેની જુદા જુદા ઈંચના માપની લાકડાની પટ્ટી…
૧૯. નોટબુક – લખવા માટે જ્ઞાનનું એક સાધન..
૨૦. ડાયરી – નોંધ રાખવા માટે…
૨૧. કાગળ – ખાખી કાગળ પૂંઠા, કવર ચડાવવા માટે અને સાદો કાગળ લખવા માટે ઉપયોગી..
૨૨. શાહી – લખવા માટેનો કોરો અને પ્રવાહી પદાર્થ…
૨૩. પુસ્તક – માહિતી કે જ્ઞાન મેળવવા માટેનું શ્રુતજ્ઞાનનું સાધન…
૨૪. તાડપત્ર – તાડ વૃક્ષના પાન પર લખાયેલી હસ્તપ્રતો…
૨૫. છંદણ – એક ગ્રંથનું નામ…
૨૬. કાષ્ઠપટ્ટિકા – એક ગ્રંથનું નામ…
૨૭. કાપડ – પોથી બાંધવા માટેનું એક પ્રકારનું ચોક્કસ આકારનું કપડું..
૨૮. ભોજપત્ર – ભૂર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ પર લખાયેલી હસ્તપ્રતો..
૨૯. દોરો – જ્ઞાનનાં પુસ્તક, હિસાબી કાગળ વિગેરેને બાંધવા માટે ઉપયોગી..
૩૦. ચંદરવો – વ્યાખ્યાન સમયે વ્યાખ્યાનની પાટ ઉપર બાંધવામાં આવતો મખમલનો ચોરસ મોટો કપડો…
૩૧. સાંકળ – જ્ઞાન ભંડાર ને સાચવવા માટે ઉપયોગી..
૩૨. અકીકનો પત્થર – કાગળ ઘસવા માટે ઉપયોગી…
૩૩. ટેબલ (desk )- પુસ્તક વિગેરે જ્ઞાનનાં ઉપકરણ વિગેરે રાખવા માટે
૩૪. તામ્રપત્ર – તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ..
૩૫. શિલા – એક પત્થર જેના પર લેખ લખવામાં આવે છે.. જેને શિલાલેખ કે અભિલેખ કહે છે…
૩૬. પુઠીયું – વ્યાખ્યાન સમયે ગ્રંથના પાનાને હાથમાં રાખવા માટે પુંઠાનું બનાવેલું એક સાધન…
💥 જૈનશાસનના મહાન શ્રુત રચયિતાઓને કોટી કોટી વંદના..૦૧
➖➖➖➖➖➖➖➖➖
પરમાત્માથી માંડી વિ. સં. ૪૭૦ સુધીના શ્રુતની રચના કરનાર રચયિતાઓ..
વંદના, વંદના, વંદના રે;
સુરિરાજ કો મોરી વંદના રે..🙏
🔸 પરમાત્માની ત્રિપદી સાંભળી અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચનાર ગૌતમસ્વામી આદિ ગણધર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 ૧-૧ પયન્ના સૂત્ર મુજબ ૧૪૦૦૦ પયન્ના સૂત્રોની રચના કરનારા પરમાત્માના ૧૪૦૦૦ શિષ્યોનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 જે ગ્રંથ ન ભણે તો શ્રાવકોને અતિચાર લાગે તેવા ઉપદેશમાળા ગ્રંથકર્તા, પરમાત્માના હાથે દીક્ષિત થનાર શ્રી ધર્મદાસગણિજી નાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 સ્વપુત્ર મનકમુનિ માટે, ૧૪ પૂર્વમાંથી ઉદ્ધાર કરી પાંચમા આરાના અંત સુધી રહેનાર દશવૈકાલિક સૂત્રની રચના કરનાર શ્રી શય્યંભવસ્વામીજીનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 સૂત્ર-અર્થથી સંપૂર્ણ ૧૪ પૂર્વના અંતિમ જ્ઞાતા, નિર્યુક્તિ ગ્રંથો તથા છેદગ્રંથોના રચયિતા અને જીવોના ક્ષયોપશમનો અભાવ જાણી અર્થથી અંતિમ ૪ પૂર્વના જ્ઞાનને ન આપનાર શ્રી ભદ્રબાહુવામીજીનાં ચરણોમાં કોટી કોટી વંદના….🙏
🔸 સૂત્રથી અંતિમ ચૌદપૂર્વી, બ્રહ્મચર્યના પ્રતાપે ૮૪ ચોવીસી સુધી જેમનું નામ રહેનાર છે, તેવા શ્રી સ્થુલિભદ્રસ્વામીજીનાં ચરણોમાં કોટી કોટી વંદના….🙏
🔸 શ્રેષ્ઠ પદાર્થોનો સંગ્રહ કરનાર, તત્ત્વાર્થ આદિ ૫૦૦ ગ્રંથના રચયિતા, પૂર્વધર મહર્ષિ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 ‘તરંગવતી’ મહાકથા, જ્યોતિષ્કરંડકમ્ આદિ અનેક ગ્રંથોના કર્તા આચાર્ય પાદલિપ્તસૂરિજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 સીમંધરસ્વામી પરમાત્માની જેમ શ્રુતના આધારે નિગોદનું સ્વરૂપ વર્ણન કરનારા આગમ ગ્રંથોનું ૪ અનુયોગમાં વિભાગીકરણ કરી અનુયોગસૂત્રની રચના કરનારા પૂ. આર્યરક્ષિતસૂરિજી મહારાજાનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
🔸 રોજની ૭૦૦ ગાથા કંઠસ્થ કરનાર પૂ. દુર્બલિકાપુષ્પમિત્રનાં ચરણોમાં કોટી કોટી વંદના…🙏
💥 જૈન શાસનના મહાશાસ્ત્રોમાં દર્શાવેલ અપૂર્વ શ્રુતની ઝાંખીઓ..
➖➖➖➖➖➖➖➖➖
🔹 મનુષ્યની જેમ વનસ્પતિ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરે જીવોમાં પણ જીવત્વ રહેલું છે.
🔹 પરમાત્મા ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદની રક્ષા માટે લોહમય યંત્રમાનવની રચના કરી હતી. (Robert)
🔹 ૧૪ રાજલોક સ્વરૂપ જગતમાં જીવ કે જડ એવા પુદ્દગલોને ગતિમાં સહાયક તત્ત્વ ધર્માસ્તિકાય છે અને સ્થિર રહેવામાં સહાયક તત્ત્વ અધર્માસ્તિકાય છે.
🔹 પરમાત્મા મહાવીરસ્વામીને લગભગ આજથી ૨૬૨૨ વર્ષો પૂર્વે એક ગર્ભમાંથી અન્ય ગર્ભમાં (માતાના ઉદરમાં) લઈ જવાયા હતા.
🔹 આજથી હજારો વર્ષો પૂર્વે નળરાજાએ રસોઈ સૂર્યના કિરણોની સહાયથી કરી હતી.
🔹 અનેક ગ્રંથોમાં ૧-૨ નહિ પણ ૮૪ ગ્રહોનો નામપૂર્વક ઉલ્લેખ જોવા મળે છે.
🔹 પૃથ્વી થાળી જેવી ગોળ છે.
🔹 સૂર્ય અને ચંદ્ર એ ગોળાકારે નથી.
🔹 આ જંબુદ્રીપમાં ૨ સૂર્ય તેમજ ૨ ચંદ્ર આવેલા છે.
🔹 આ અઢીદ્વીપમાં ૧૩૨ સૂર્ય તેમજ ૧૩૨ ચંદ્ર આવેલા છે.
🔹 આ ભરતક્ષેત્રમાં સુવર્ણમય વૈતાઢય પર્વત આવેલો છે.
🔹 સૂર્ય-ચંદ્ર વગેરે જ્યોતિષનિકાયના દેવોને રહેવાના વિમાનો છે, જેમાં દેવો રહે છે.
🔹 લગભગ ૧૮,૫૦૦ વર્ષો પછી આ સૃષ્ટિનો અંત આવશે અને પછી લગભગ ૬૩,૦૦૦ વર્ષો પછી ફરી સૃષ્ટિની શરૂઆત થશે