🏵️ ચારૂદત્ત
ચંપાનગરીમાં ભાનુ નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો, તે યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી પાસે પણ જતો નહીં. આથી તેના પિતાએ ચાતુર્ય શીખવવાને માટે તેને એક ગણિકાને ઘેર મોકલ્યો. ચારુદત્ત હળવે હળવે તે ગણિકા પર આસક્ત થયો. છેવટે તેણે વેશ્યાના પ્રેમને વશ થઈ પોતાનું ઘર પણ છોડી દીધું અને બાર વર્ષ સુધી વેશ્યાને ઘેર રહ્યો.
એક વખત તેના પિતા ભાનુ શ્રેષ્ઠીનો અંત સમય આવ્યો, એટલે તેણે પુત્રને બોલાવી કહ્યું કે, હે વત્સ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે. તે એ કે જ્યારે તને સંકટ પડે ત્યારે નવકાર મંત્રને સંભારજે.” આ પ્રમાણે કહી તેના પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસ પછી તેની માતા પણ મૃત્યુ પામી.
ચારુદત્તે દુર્વ્યસનથી માતાપિતાની સર્વ લક્ષ્મી ઉડાવી દીધી. ચારુદત્તની સ્ત્રી તેના પિતાને ઘેર ચાલી ગઈ.
અહીં જ્યારે ધન ખૂટી ગયું ત્યારે સ્વાર્થી વેશ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલે તે સસરાને ઘેર આવ્યો, સાસરેથી થોડું ધન લઈ કમાવા માટે વહાણે ચડ્યો. દૈવયોગે વહાણ ભાંગ્યું, પણ પુણ્યયોગે પાટિયું મેળવી કુશળક્ષેમ કિનારે આવ્યો. ત્યાંથી પોતાના મામાને ઘેર ગયો, ત્યાંથી દ્રવ્ય લઈ કમાવા માટે પગ રસ્તે ચાલ્યો. માર્ગમાં ધાડ પડી એટલે સઘળું ધન ચોર લઈ ગયા. પાછો દુ:ખી થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યો.
એવામાં કોઈ યોગી મળ્યો. તેણે અર્ધઅર્ધ ભાગ ઠરાવી રસકૂપિકામાંથી રસ લેવાને માંચી ઉપર બેસાડીને તેને કૂપિકામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ઉપર આવ્યો. એટલે કુંભ લઈને યોગીએ માંચી કૂપિકામાં નાખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી નાસી ગયો.
ત્યાં કોઈ મૃત્યુ પામતા પુરુષને તેણે નવકાર મંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે ચંદન ઘો ત્યાં રસ પીવા આવી ત્રણ દિવસનો સુધાતુર ચારુદત્ત તેને પૂછડે વળગીને ઘણા કષ્ટથી બહાર નીકળ્યો.
આગળ ચાલતાં તેના મામાનો પુત્ર રુદ્રદત્ત તેને મળ્યો. રુદ્રદત્તે કહ્યું કે, “બે ઘેટાં લઈને આપણે સુવર્ણદ્વીપે જઈએ.” ચારુદતે હા પાડી એટલે બે ઘેટાં લઈને તેઓ સમુદ્રને તીરે આવ્યા. પછી રુદ્રદત્તે કહ્યું કે, “આ બે ઘેટાંને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેશીએ. અહીં ભારડ પક્ષી આવશે. તે માંસની સમજી આપણને ઉપાડીને સુવર્ણદ્વીપે લઈ જશે, એટલે આપણે ચામડાને છેદી બહાર નીકળીને ત્યાંથી સુવર્ણ લાવીશું.
ચારુદત્ત બોલ્યો કે, એ વાત ખરી પણ આપણા જીવનો વધ કેમ થાય ?” એટલામાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરીને એક ઘેટાને મારી નાખ્યો. પછી જેવો બીજાને મારવા જાય છે તેવો ચારદત્તે ઘેટાને નવકારમંત્ર સંભળાવ્યો ઘેટાએ અનશનવ્રત ગ્રહણ કર્યું.
પછી બંને જણા તે ઘેટાના ચર્મની ધમણમાં પેઠા એટલે ભાડ પક્ષી તે ધમણ લઈને આકાશે ઊડ્યું. માર્ગમાં બીજું ભાખંડ પક્ષી મળવાથી તેની સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ધમણ પડી ગઈ.
ધમણ સહિત ચારુદત્ત એક સરોવરમાં પડ્યો. તેમાંથી બહાર નીકળીને તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો. અનુકમે એક ચારણ મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને નમીને તે પાસે બેઠો. મુનિ બોલ્યા
રે ભદ્ર ! આ અમાનુષ સ્થળમાં તું ક્યાંથી આવ્યો ?” તેણે પોતાનું સર્વે દુ:ખ જણાવ્યું, એટલે મુનિરાજે છઠું વ્રત વર્ણવી બતાવ્યું. કોઈ પણ દિશામાં અમુક યોજનથી આગળ જવું નહીં.
આ વ્રત પાળવાથી તે તે દિશામાં ભાવિ અનેક પાપોથી બચી જવાય છે. ચારુદતે પ્રીતિથી તે દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું. આ અરસામાં કો દેવે ત્યાં આવી પ્રથમ ચારુદતને અને પછી મુનિને વંદના કરી તે સમયે કોઈ જ વિદ્યાધર તે મુનિને વાંદવા આવ્યા હતા. તેમણે પેલા દેવને પૂછ્યું કે, હે દેવ ! તમે સાધુને મૂકીને પ્રથમ આ ગૃહસ્થને કેમ નમ્યા ?”
દેવ બોલ્યા કે, “પૂર્વે પિપ્પલાદ નામના બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા. ને પિપ્પલાદ. ઋષિ નારકીમાંથી નીકળીને પાંચ ભવ સુધી બકરા થયા. તે પાંચે ભવમાં યજ્ઞમાં જ હોમાયા. છ ભવે પણ બકરો થયા, પરંતુ તે ભવમાં આ ચારૂદતે અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તે હું દેવ છું અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકારમંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વાંદવાને હું અહીં આવ્યો છું. પૂર્વના મારા પરના ઉપકારથી પ્રથમ તેને વંદન કરીને પછી સાધુને વંદના કરી છે.”
આ પ્રમાણેની હકીકત સાંભળીને ચારુદતે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વર્ગે ગયા.
“જેમ પૂર્વે ચારુદતે દિગવિરતિ વ્રત લીધેલું ન હોવાથી અનેક સ્થાને ભમી ભમીને દુઃખી થયો, તેમ જે પ્રાણી વ્રત ગ્રહણ નહીં કરે તે દુ:ખી થશે, તેથી ભવ્ય પ્રાણીઓ દિગ્વિરતિ વ્રત અવશ્ય ગ્રહણ કરવું.
નોંધ : દિગ્વિરતિ વ્રત એટલે નક્કી કરેલી સીમાથી બહાર ન જવું.
જૈન શાસનના ચમકતા હીરાઓ