🏵️ગુરુ ગૌતમ સ્વામી
મગધદેશમાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા.
અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા આ ત્રણ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અને એ વખતે બ્રાહ્મણોમાં મહાજ્ઞાની ગણાતા બીજા આઠ દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. સૌથી મોટા ઈંદ્રભૂતિ ગૌતમ ગોત્રી હોવાથી ગૌતમ નામે પણ ઓળખાતા હતા.
યજ્ઞ ચાલતો હતો તે વખતે શ્રી વીર પ્રભુને વાંદવાની ઇચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણોને કહ્યું, “આ યજ્ઞનો પ્રભાવ જુઓ ! આપણે મંત્રોથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ અહીં યજ્ઞમાં આવે છે.” તે વખતે યજ્ઞનો વાડો છોડીને દેવતાઓને સમવસરણમાં જતા જોઈ લોકો કહેવા લાગ્યા
હે નગરજનો ! સર્વજ્ઞ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે.” સર્વજ્ઞ એવા અક્ષરો સાંભળતાં જ જાણે કોઈએ વજપાત હોય તેમ ઇંદ્રભૂતિ કોપ કરી બોલ્યા
“અરે ! ધિક્કાર ! ધિક્કાર ! મરૂદેશના માણસો જેમ આંબાને છોડીને કેર પાસે જાય તેમ લોકો મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કોઈ બીજો સર્વજ્ઞ છે?
સિંહની આગળ બીજો કોઈ પરાક્રમી હોય જ નહીં. કદી મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તો ભલે જાય, પણ આ દેવતાઓ કેમ જાય છે? તેથી તે પાખંડીનો દંભ કોઈ મહાન લાગે છે.
પરંતુ જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ લાગે છે, કેમ કે જેવો યજ્ઞ હોય તેવો જ બલિ અપાય છે. હવે આ દેવો અને માનવોના દેખતાં હું તેના સર્વજ્ઞપણાનો ગર્વ હરી લઉં. આ પ્રમાણે અહંકારથી બોલતો ગૌતમ પાંચસો શિષ્યોની સાથે જ્યાં શ્રી વીર પ્રભુ સુરનરોથી વિંટળાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યા.
પ્રભુની સમૃદ્ધિ અને ઝગમગતું તેજ જોઈ “આ શું?” એમ આશ્ચર્ય પામી ઇંદ્રભૂતિથી બોલાઈ ગયું.
એવામાં તો હે ગૌતમ ! ઇંદ્રભૂતિ ! તમને સ્વાગત છે.” આ પ્રમાણે
જગદ્ગુરુએ અમૃત જેવી મધુર વાણી વડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડ્યો કે, શું આ મારા ગોત્ર અને નામને પણ જાણે છે?
હું ! જાણે જ ને, મારા જેવા જગપ્રસિદ્ધ માણસને કોણ ન જાણે, પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પોતાની જ્ઞાન સંપત્તિ વડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે. એમ હું માનું”
આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઈંદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે,
“હે વિપ્ર ! જીવ છે કે નહીં? એવો તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે. જો જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ ? અને તારે આ યજ્ઞ-દાન વગેરે કરવાનું નિમિત્ત પણ શું ?”
આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને તેણે મિથ્યાત્વની સાથે સંદેહને ત્યજી દીધો અને પ્રભુનાં ચરણમાં નમસ્કાર કરીને બોલ્યા કે,
હે સ્વામી ! ઊંચા વૃક્ષનું માપ લેવાને વામણા પુરુષની જેમ હું દુર્બુદ્ધિ તમારી પરીક્ષા લેવાને અહીં આવ્યો હતો, તે નાથ ! હું દોષયુક્ત છું. તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબોધ આપ્યો છે. તો હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપો.
પ્રભુએ તેને પોતાના પહેલા ગણધર થશે, એવું જાણીને પાંચસો શિષ્યો સાથે પોતે જ દીક્ષા આપી. તે સમયે કુબેર દેવતાએ ચારિત્ર ધર્મનાં ઉપકરણો લાવી આપ્યાં અને પાંચસો શિષ્યોની સાથે ઈંદ્રભૂતિએ દેવતાઓનાં અર્પણ કરેલાં ધર્મનાં ઉપકરણો ગ્રહણ કર્યા
ઈંદ્રભૂતિની માફક અગ્નિભૂતિ વગેરે બીજા દશે દ્વિજો વારાફરતી આવી પોતાનો સંશય પ્રભુ મહાવીરે દૂર કર્યાથી તેઓના શિષ્યોની સાથે દીક્ષા ગ્રહણ કરી.
વીર પ્રભુ વિહાર કરતા કરતા ચંપાનગરી પધાર્યા. ત્યાં સાલ નામના રાજા તથા મહાસાલ નામે યુવરાજ પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની દેશના સાંભળી ને બને પ્રતિબોધ પામ્યા. તેમણે તેમના ભાણેજ ગાગલીનો રાજ્ય ઉપર અભિષેક કરી બન્નેએ વીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
પ્રભુની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ઠ ચંપાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી. ત્યાં દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્દાની ગૌતમ સ્વામીએ ધર્મદેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબોધ પામ્યો. એટલે પોતાના પુત્રને રાજયસિંહાસન સોંપી પોતાનાં માતાપિતા સહિત તેણે ગૌતમ સ્વામીની પાસે દીક્ષા લીધી.
તે નવા ત્રણ મુનિઓ અને સાલ, મહાસાલ એમ પાંચે જણ ગુરુ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીરને વાંદવા જતા હતા.
માર્ગમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી જ્યાં બિરાજતા હતા ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી અને ગૌતમ સ્વામીને પ્રણામ કર્યા પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પર્સદામાં ચાલ્યા, ત્યારે ગૌતમે કહ્યું કે,
‘પ્રભુને વંદના કરો.’ પ્રભુ બોલ્યા કે ‘ગૌતમ ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તે પાંચેને ખમાવ્યા….
પ્રભુ બોલ્યા કે ‘ગૌતમ ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તે પાંચેને ખમાવ્યા….
પછી ગૌતમ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય ? શું હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉં ? આવો વિચાર કરતા કરતા તેમને પ્રભુએ દેશનામાં એક વાર કહેલ કે, “જે અષ્ટાપદ ઉપર પોતાની લબ્ધિ વડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રી ત્યાં રહે, તે તે જ ભવમાં સિદ્ધિને પામે.” તે સંભારતાં તત્કાળ ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબોનાં દર્શન માટે ત્યાં જવાની ઇચ્છા કરી.
ત્યાં ભવિષ્યમાં તાપસોને પ્રતિબોધ થવાનો છે તે જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીર્થ તીર્થંકરોને વાંદવા જવાની આજ્ઞા આપી.
આથી ગૌતમ ઘણા જ હરખાયા અને ચરણલબ્ધિથી વાયુ જેવા વેગ વડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વગેરે પંદરસો તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષનો હેતુ સાંભળી, તે ગિરિ ઉપર ચડવા આવ્યા હતા
તેમાં પાંચસો તપસ્વીઓએ ચતુર્થ તપ કરી આર્દ્રકંદાદિનું પારણું કરવા છતાં અષ્ટાપદની પહેલા પગથિયા સુધી આવ્યા હતા.
બીજા પાંચસો તાપસો છઠ્ઠ તપ કરી સૂકાં કંદાદિનું પારણું કરી બીજા પગથિયા સુધી આવ્યા હતા.
ત્રીજા પાંચસો તાપસો અઠ્ઠમનું તપ કરી સૂકી સેવાલનું પારણું કરી ત્રીજા પગથિયા સુધી આવ્યા હતા.
ત્યાંથી ઊંચે ચડવાને અશક્ત હતા. તે ત્રણે સમૂહ પહેલા, બીજા ને ત્રીજા પગથિયે અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈને તેઓ આપસમાં વાત કરવા લાગ્યા કે આપણે કૃશ થઈ ગયા છીએ, તથાપિ અહીંથી આગળ ચડી શકતા નથી, તો આ સ્થૂળ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે ?
આ રીતે તેઓ વાતચીત કરે છે, તેવામાં તો ગૌતમ સ્વામી સૂર્યકિરણનું આલંબન લઈને તે મહાગિરિ પર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદૃશ્ય થઈ ગયા.
પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કોઈ મહા શક્તિ છે, તેથી જો તેઓ અહીં પાછા આવશે તો આપણે તેમના શિષ્યો થઈશું.’ આવો નિશ્ચય કરી તે તાપસો એક ધ્યાને તેમની પાછા આવવાની રાહ જોવા લાગ્યા.
અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થંકરોનાં અનુપમ બિંબોને તેમણે ભક્તિથી વંદના કરી. પછી ચૈત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મોટા અશોકવૃક્ષ નીચે બેઠા. ત્યાં અનેક સુર-અસુર અને વિદ્યાધરોએ તેમને વંદના કરી. ગૌતમ ગણધરે તેમને યોગ્ય દેશના આપી.
પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે, સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી જીવસત્તા વડે જતા ધૃજતા ચાલે એવા થઈ જાય છે. તેમનાં આવાં વચન સાંભળી, વૈશ્રવણ (કુબેર) તેમના શરીરની સ્થૂળતા જોઈ તે વચન તેમનામાં જ અઘટિત જાણી, જરા હસ્યો. તે વખતે મન:પર્યવજ્ઞાની ઇંદ્રભૂતિ તેના મનનો ભાવ જાણી બોલ્યા કે, મુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભધ્યાનપણે આત્માનો નિગ્રહ કરવો તે પ્રમાણ છે. તે વાતના સમર્થનમાં તેમણે શ્રી પુંડરીક અને કંડરીકનું ચરિત્ર સંભળાવી તેમનો સંશય દૂર કર્યો.
આ પ્રમાણે ગૌતમ સ્વામીએ કહેલું પુંડરીક-કંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણ દેવે એકનિષ્ઠાથી શ્રવણ કર્યું અને તેણે સમક્તિ પ્રાપ્ત કર્યું.
આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રી ત્યાં જ પસાર કરી ગૌતમ સ્વામી પ્રાત:કાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા, એટલે રાહ જોઈ રહેલા પેલા તાપસીના જોવામાં આવ્યા. તાપસોએ તેમની પાસે આવી હાથ જોડીને કહ્યું કે
તપોનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યો થઈએ અને તમે અમારા ગુરુ થાઓ.” ગૌતમ સ્વામી બોલ્યા કે, “સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તે જ તમારા ગુરુ થાઓ.”
પછી તેઓએ ઘણો જ આગ્રહ કર્યો એટલે ગૌતમે તેઓને ત્યાં જ દીક્ષા આપી. દેવતાઓએ તરત જ તેઓને યતિલિંગ આપ્યું. પછી તેઓ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીર પાસે જવા માટે ચાલવા લાગ્યા.
માર્ગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાનો સમય થયો એટલે ગૌતમ ગણધરે તાપસ મુનિઓને પૂછયું કે, તમારા માટે પારણું કરવા માટે શું ઈષ્ટ વસ્તુ લાવું ?” તેમણે કહ્યું કે, પાયસાન લાવજો” ગૌતમ સ્વામી પોતાના ઉદરનું પોષણ થાય એટલી ખીર એક પાત્રમાં લાવ્યા. પછી ઈંદ્રભૂતિ યાને ગૌતમ સ્વામી બોલ્યા કે,
હે મહર્ષિઓ ! સૌ બેસી જાઓ અને પાયસાનથી સર્વે પારણું કરો.” એટલે એટલા પાયસાનથી શું થશે?” એમ સર્વના મનમાં આવ્યું. તથાપિ આપણા ગુરુની આજ્ઞા આપણે માનવી જોઈએ.” એવું વિચારી બધા એક સાથે બેસી ગયા.
પછી ઈંદ્રભૂતિએ અક્ષણ મહાનસ લબ્ધિ વડે તે સર્વને પેટ ભરીને પારણાં કરાવ્યાં અને તેમને વિસ્મય પમાડીને તેઓ પોતે આહાર કરવા બેઠા.
જ્યારે તાપસી ભોજન કરવા બેઠા હતા ત્યારે આપણા પૂરા ભાગ્યયોગથી શ્રી વીર પરમાત્મા જગદ્ગુરુ આપણને ધર્મ ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, તેમ જ પિતા જેવા આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ બહુ જ દુર્લભ છે. માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ.” આ પ્રમાણે ભાવના શુષ્ક સેવાળ ભલી પાંચસો તાપસોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વગેરે બીજા પાંચસો તાપસોને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમ જ કૌડીય વગરે બાકીના પાંચસો તાપસોને ભગવંતનાં દર્શન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું.
પછી તેઓએ શ્રી વીર પ્રભુની પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમ સ્વામી બોલ્યા કે, આ વીર પ્રભુને વંદના કરો.
પ્રભુ બોલ્યા કે, “ગૌતમ કેવળીની આશાતના કરો નહીં” ગૌતમે તરત જ મિથ્યા દુષ્કૃત આપી તેઓને ખમાવ્યા.
પછી તેઓએ શ્રી વીર પ્રભુની પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમ સ્વામી બોલ્યા કે, આ વીર પ્રભુને વંદના કરો.
પ્રભુ બોલ્યા કે, “ગૌતમ કેવળીની આશાતના કરો નહીં” ગૌતમે તરત જ મિથ્યા દુષ્કૃત આપી તેઓને ખમાવ્યા.
તે વખતે ગૌતમે ફરીથી ચિંતવ્યું કે, જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં. કારણ કે હું ગુરુકર્મી છું. આ મહાત્માઓને ધન્ય છે કે જેઓ મારા દીક્ષિત છતાં જેમણે ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વીર પ્રભુ બોલ્યા કે, હે ગૌતમ ! તીર્થંકરોનું વચન સત્ય કે બીજાઓનું ?” ગૌતમે કહ્યું કે તીર્થકરોનું
ત્યારે પ્રભુ બોલ્યા હવે અધૈર્ય રાખશો નહીં. ગુરૂનો સ્નેહ શિષ્યોની ઉપર દ્વિદળની ઉપરના ફોતરા જેવો હોય છે. તે તત્કાળ દૂર થઈ જાય છે અને ગુરુ ઉપર શિષ્યનો હોય તેમ તમારો સ્નેહ ઉનની કડાહ જેવો દ્રઢ છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારો સ્નેહ બહુ દ્રઢ થયેલો છે, તેથી તમારું કેવળજ્ઞાન રુંધાયું છે. તે સ્નેહનો જ્યારે અભાવ થશે ત્યારે કેવળજ્ઞાન ચોક્કસ પામશો.”
આમ પ્રભુ પાસે દીક્ષા લીધા બાદ ત્રીશ વર્ષે એક દિવસે પ્રભુએ પોતાનો મોક્ષ એ રાત્રે જાણી વિચાર્યું કે, ‘અહો ! ગૌતમને મારા ઉપર અત્યંત સ્નેહ છે અને તે જ તેમને કેવળજ્ઞાન મેળવવામાં અંતરાય કરે છે, તેથી તે સ્નેહને મારે છેદી નાખવો જોઈએ એટલે તેમણે ગૌતમ સ્વામીને પાસે બોલાવી કહ્યું “ગૌતમ ! અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બ્રાહ્મણ છે, તે તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે ત્યાં જાઓ..
તે સાંભળી જેવી આપની આજ્ઞાં” એમ કહી ગૌતમસ્વામી પ્રભુને નમીને તરત જ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું, અર્થાત્ દેવશર્માને પ્રતિબોધ પમાડ્યો.
અહીં કાર્તિક માસની અમાવાસ્યાની (આપણા દેશના રિવાજ પ્રમાણે આસો વદિ અમાવાસ્યાએ) પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠનું તપ કરેલું છે એવા શ્રી વીરપ્રભુએ છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા માંડ્યું. તે સમયે આસન કંપથી પ્રભુનો મોક્ષ સમય જાણી સુર અને અસુરના ઈન્દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી શકેન્દ્રે પ્રભુને અંજલિ જોડીને સંભ્રમ સાથે આ પ્રમાણે કહ્યું,
નાથ ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્નોત્તરી નક્ષત્ર થયા છે, આ વખતે સ્વાતિ નક્ષત્રમાં મોક્ષ થશે પરંતુ આપની જન્મ રાશિ ઉપર ભસ્મ ગ્રહ સકાન્ત થવાનો છે, જે તમારાં સંતાનોને (સાધુ-સાધ્વી) બે હજાર વર્ષ સુધી બાધા ઉત્પન્ન કરશે માટે તે ભસ્મક ગ્રહ આપના જન્મ નક્ષેત્રે સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુઓ, માટે પ્રસન્ન થઈને ક્ષણ વાર આયુષ્ય વધુ ટકાવો કે જેથી તે દુગ્રહનો ઉપશમ થઈ જાય
પ્રભુ બોલ્યા, હે શદ્ર ! આયુષને વધારવાને કોઈ પણ સમર્થ નથી” એમ કહી સમુચ્છિન્ન ક્રિય ચોથા શુક્લ ધ્યાનને ધારણ કર્યું અને યથા સમય ઋજુ ગતિ વડે ઊર્ધ્વગમન કરી મોક્ષને પ્રાપ્ત થયા”
શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા એટલે માર્ગમાં દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણના ખબર સાંભળ્યા અને એકદમ ધ્રાસકો પડ્યો અને પુષ્કળ દુ:ખ થયું.
પ્રભુના ગુણ સંભારીને “વીર ! હો વીર!” એમ વલવલાટ સાથે બોલવા લાગ્યા અને હવે હું પ્રશ્ન કોને પૂછીશ. મને કોણ ઉત્તર આપશે. અહો પ્રભુ ! તેં આ શું કર્યું? આવા તમારા નિર્વાણ સમયે મને કેમ દૂર કર્યો ? શું તમને એમ લાગ્યું કે આ મારી પાસે કેવળજ્ઞાનની માગણી કરશે? કે બાળક અણસમજથી માની કેડે પડે તેમ હું શું તેમની કેડે પડવાનો હતો ?
પણ પણ હા પ્રભુ ! હવે હું સમજ્યો. અત્યાર સુધી મેં ભ્રાંત થઈ નિરાગી અને નિર્મોહી એવા પ્રભુમાં એ રાગ અને મમતા રાખી. તે રાગ અને દ્વેષ એ તો સંસાર ભ્રમણના હેતુ છે. તેનો ત્યાગ કરવા માટે જ એ પરમેષ્ઠીએ મારો ત્યાગ કર્યો હશે. માટે એવા મમતારહિત પ્રભુમાં મમતા રાખવાની મેં ભૂલ કરી, કેમ કે મુનિઓને તો મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી.”
આ પ્રમાણે શુભધ્યાન પરાયણ થતાં ગૌતમ ગણધર સપક શ્રેણીને પ્રાપ્ત થયા તેથી તત્કાળ ઘાતિ કર્મનો ક્ષય કરી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
બાર વર્ષ કેવળજ્ઞાન પર્યાય સાથે બાણું વર્ષની ઉમરે રાજગૃહી નગરીએ એક માસનું અનસન કરી બધાં કર્મો ખપતાં તે અક્ષય સુખવાળા મોક્ષપદને પામ્યા…