શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર એ 📚All In One આગમ છે કારણ કે આ શાસ્ત્રમાં પ્રાય: કરી દરેક આગમોનો સાર આવી જાય છે.
પ્રસ્તુત આગમમાં મહા પુરુષોની ગૌરવ ગાથાનો ઈતિહાસ છે.એક અનોખી ભાત પાડતું આગમ છે.
કોઈ જિજ્ઞાસુઓને આગમ જાણવાની – વાંચવાની જિજ્ઞાસા થાય તો શ્રી ઉત્તરાધ્યયન સૂત્રથી શુભાંરભ કરવો જોઈએ.
આ આગમ આબાલ – વૃદ્ધ સહિત યુવા હ્ર્દયમાં પણ એટલું જ પ્રિય છે.💁🏻♂નાના ભૂલકાઓને પણ આ આગમ વ્હાલુ લાગે છે કારણકે અનેક રોચક બોધ કથા – વાર્તાઓનો સમાવેશ થયેલો છે.અનંત ઉપકારી પ્રભુ મહાવીરનું સમગ્ર જીવન આ આગમમાં ધબકે અને ઝળકે છે.વિનય – પરીષહથી લઈ તત્વના અનુપમ રહસ્યો આગમકાર ભગવંતો ઊજાગર કરે છે.આ આગમને પ્રભુ મહાવીરનું📜 વીલ – વારસા દસ્તાવેજ પણ કહેવામાં આવે છે.આગમકાર ભગવંતોએ પ્રભુની અંતિમ દેશના 36 અધ્યયનો અને લગભગ 2075 ગાથાઓની બખૂબી ગૂંથણી કરેલી છે.🤴🏻રાજાથી લઈને રૈયત(પ્રજા)ને 👳સ્પર્શતા પ્રસંગો આગમ વાક્યોથી આબેહૂબ મઢેલા છે.ચાતુર્માસમાં આ એક જ આગમના કોઈ પણ અધ્યયનની માત્ર એક જ ગાથા ઉપર સમગ્ર ચાતુર્માસમાં અનેક ઉપકારી 😷🙏🏻😷પૂ.સંત – સતિજીઓ પ્રવચન ફરમાવતાં હોય છે અને ચાતુર્માસ પૂર્ણાહૂતિના દિવસે આગમ ભાવો અવસરે એમ કહેતાં હોય છે…એટલું ગહન અને વિશાળ ભાવો ભરેલું શ્રી ઉત્તરાધ્યયનજી સૂત્ર રહેલુ છે.
આગમ ભાવાર્થ,ગુજરાતી અનુવાદ કોઈ પણ સ્થળે અને સમયે વાચી શકાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી પ્રથમ વિનય શ્રુત અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️પ્રથમ અધ્યયન : વિનય શ્રુત
આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત”. વિનયને બાર પ્રકારના તપમાં અભ્યતંર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય.
દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ કહેવામાં આવી છે (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ.
પ્રસ્તુત અધ્યયનમાં વિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે.
(૧) જે ગુઢના ઇશારાથી અને ભાવભંગીથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રૂષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે.
(૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી.
(૩) ગામનો સૂઅર(ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગુણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે.
(૪) ગુઢ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય ક્રોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ.
(૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુઢષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ-વિકલ્પોથી રહિત બની જવું જોઈએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે.
(૬) વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુઢનો પૂર્ણ વિનય કરવો જોઈએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સદ્ ગુણોને અને યશને પ્રાપ્ત કરે છે.
(૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો.
(૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું.
(૯) આચાર્યાદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો.
(૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુઢના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે.
(૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય અંતમાં સંયમની આરાધના અને સદ્ ગતિને પામે છે.
અધ્યયન પ્રથમ ” વિનય “
ગુણવાનનો આદર કરે,
માને શીખ સદાય,
એવો વિનય જે કરે,
તે ભવ સાગર તરી જાય.
ગુરુ અને શિષ્યમાં વિનયનો સંબંધ મુખ્ય છે.
ગુરુ અને શિષ્યની ચોભંગી..
(1) શાંત ગુરુ અને વિનીત શિષ્ય..
શાંત ગુરુ એટલે ભગવાન મહાવીર સ્વામી,
વિનીત શિષ્ય એટલે ગૌતમ સ્વામી.
(2) ક્રોધી ગુરુ અને અવિનીત શિષ્ય..
ગુરુ ગોશાલક અને તેના અવિનીત શિષ્યો.
(3) શાંત ગુરુ અને અવિનીત શિષ્યો..
ગુરુ ગર્ગાચાર્ય અને તેના 500 અવિનીત શિષ્યો.
(4) ક્રોધી ગુરુ અને વિનીત શિષ્ય..
ગુરુ શૈલેક રાજર્ષિ અને પંથક વિનીત શિષ્ય.
અનંત ઉપકારી પ્રભુ મહાવીર સ્વામી
” વિનય ” નામના પ્રથમ અધ્યયનની 13 મી ગાથામાં ફરમાવે છે કે વિચાર્યા વગર બોલ – બોલ કરનાર અવિનીત શિષ્ય શાંત અને મૃદુ સ્વભાવી ગુરુને પણ ક્રોધી બનાવી દે છે.જયારે નિપુણતાથી દરેક કાર્ય પૂર્ણ કરનાર વિનીત શિષ્ય ક્રોધી ગુરુને પણ પ્રશાંત બનાવી છે.
આગળ 27 મી ગાથામાં આગમકાર ભગવંતો કહે છે કે ..
વિનીત શિષ્ય વિચારે કે ઉપકારી ગુરુ ભગવંત મારા ઉપર જે અનુશાસન કરે છે તે
मम लाभो ति पेहाए ..
મારા આત્મ હીત અને લાભ માટે જ છે.
39 મી ગાથામાં પરમાત્મા ખૂબ જ સુંદર ભાવો ફરમાવે છે કે..
साहु कल्लाण मण्णइ.. અર્થાત્ મારા ઉપકારી ગુરુદેવ મને પુત્ર,ભાઈ,સ્વજનની જેમ આત્મીય સમજી હિત શિક્ષા આપે છે જે મારા જીવન માટે કલ્યાણકારી છે.
અવિનીત શિષ્ય અવળો અર્થ કરે છે કે ગુરુ મને નોકર – ચાકરની જેમ રાખે છે.આવું માની તે દુઃખી થાય છે.
પરમાત્મા ફરમાવે છે કે..
વિનીત શિષ્યને મોક્ષ સુલભ તથા અવિનીતને મોક્ષ દુર્લભ બને છે..
માટે,સદા વિનયપૂર્વક વ્યવહાર કરવો..
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી બીજુ “પરીષહ જય” અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️બીજું અધ્યયનઃ પરીષહ જય
તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થાય છે તેને પરીષહ કહેવામાં આવે છે.
આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ-તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને પરીષહ જીતવો કહેવાય છે.
ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી ચ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે, તેને પરીષહ કહેવાય છે.
આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે.
(૧) ક્ષુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લાંત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે તેમજ સચેત વનસ્પતિનું છેદન-ભેદન કરે નહિ અને કરાવે નહિ, ધૈર્યથી ક્ષુધાને સહન કરે.
(૨) તૃષા પરીષહ– તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મસ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે.
(૩-૪) શીત-ઉષ્ણ પરીષહ– મુનિ અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગરમીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ઈચ્છા ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે.
(૫) દંશમશક પરીષહ- મુનિ ડાંસ-મચ્છર આદિક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય નહિ, પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને.
(6) અચલ પરીષહ- મુનિ વસ્ત્રની અલ્પતાથી અથવા નિર્વસ્ત્ર અવસ્થામાં પણ દીનતા ન કરે.
(૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે.
(૮) સ્ત્રી પરીષહ- શીલ રક્ષાના હેતુએ “સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.” એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે.
(૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યકિતમાં મમત્વ બુદ્ધિ ન કરે, રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે.
(૧૦-૧૧) શય્યાનિષધા પરીષહ- અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત-પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે.
(૧૨-૧૩) આક્રોશ-વધ પરીષહ કઠોર શબ્દ અથવા મારપીટ-તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી.
(૧૪-૧૫) યાચના–અલાભ પરીષહ- દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ કયારે ય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે.
(૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાંતક થવા છતાં ઔષધ-ચિકિત્સાની ભિક્ષુ ઈચ્છા ન કરે. તે રોગાંતકનો ઉપચાર કર્યા વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે.
(૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અથવા નિર્વસ્ત્ર રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે.
(૧૮) જલ્લ-મેલ પરીષહ-બ્રહ્મચારી મુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મનિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે.
(૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ- અતિશય માન-સન્માન પામીને ફુલાઈ ન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન-સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા-સત્કારને સૂક્ષમ શલ્ય કહેવામાં આવેલ છે.
(૨૦-૨૧) પ્રજ્ઞાઅજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન (અવધિ, મન:પર્યવાદિ) ઉત્પન્ન ન થાય તો પણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું.
(રર) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી ચ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું.
આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીધ્રાતિ શીધ્ર આત્મકલ્યાણ કરે છે. સંસાર સાગરનો પાર પામી જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ત્રીજું “ચાર દુર્લભ અંગ” અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ત્રીજું અધ્યયનઃ ચાર દુર્લભ અંગ
(૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકી કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે, ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે.
(૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ. રુચિ થવી અત્યંત દુર્લભ છે.
(૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી.
(૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે, તેનો માનવ જન્મ સફળ છે. કારણકે માનવભવ સિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી.
(૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે.
(૬) પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપઆદિની આરાધના દ્વારા સંપર્ણ કર્મ ક્ષય કરીને મુકત થઈ જાય છે.
(૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપસંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલાસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઈએ.
(૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ચોથું “કર્મફળ અને ધર્મપ્રેરણા” અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ચોથું અધ્યયન : કર્મફળ અને ધર્મપ્રેરણા
(૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ-સંયમ, વ્રત-નિયમનું આચરણ કરી લેવું જોઈએ.
(૨) પ્રાણી, કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી.
(૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી.
(૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૫) પછી ધર્મ કરશું એમ કહેનાર પહેલાં કે પછી ક્યારે ય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુઃશક્ય છે.
(૬) સંયમારાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઈએ.
(૭) સમ્યક શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી પાંચમું “બાલ-પંડિત મરણ’ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️પાંચમું અધ્યયન : બાલ-પંડિત મરણ
જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલું છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુ ને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ (અકામ મરણ) અને પંડિત મરણ (સકામ મરણ).
(૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે, અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત-આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે.
(૨) વિષયાસક્ત બાળ જીવ અનેક દૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી, “બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ-કપટ, ધૂર્તતા આદિ કરે છે, સુરા અને માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં ગૃદ્ધ બને છે.
(૩) એવા લોકો અળસિયાની સમાન ‘મુખ અને શરીરથી’ માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે.
(૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુ:ખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવીમાં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે.
(૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે.
(૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી.
(૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે.
(૮) ભિક્ષાજીવી કેટલાક શ્રમણોના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગાતથી બચાવી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે.
(૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મારાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૧૦) આ અકામ-સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી છઠું અધ્યયન “જ્ઞાન-ક્રિયા” અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️છઠું અધ્યયન : જ્ઞાન-ક્રિયા
(૧) અજ્ઞાની જીવો દુ:ખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઈએ અને પરિવારના સભ્યોથી પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહહિત બને તથા ધન-સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે.
(૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે.
(૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. તે પક્ષીની જેમ સંગ્રહ વૃત્તિથી મુક્ત રહે.
(૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઇપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસકિતથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી. તેની દશા “બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરું રટણ બિલ્લીના ઝપાટામાંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો જન્મ-મરણના દુઃખથી છૂટી શકતાં નથી.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી સાતમું અધ્યયન દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️સાતમું અધ્યયન : દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા
(૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જુદું કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ પ્રકારે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્માચરણના કારણે નરકમાં જાય છે.
(૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લૂંટારો, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે.
(૩) તે ઇચ્છિત ભોગોનું સેવન કરી, દુ:ખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે.
(૪) જેવી રીતે એક કાંગણી (કડી)ને લેવા જતાં મનુષ્ય હજાર સોના મહોરોને ગુમાવે છે, અપથ્યકારી કેરીને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે, તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે.
(૫) ત્રણ પ્રકારના વણિક
૧. લાભ મેળવનારા
૨. મૂળ મૂડીનું રક્ષણ કરનારા
૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેનારા.
તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની ત્રણ અવસ્થા છે
૧. દેવગતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા
૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પુનઃ પ્રાપ્ત કરનારા
૩. નરક-તિર્યંચ ગતિ રૂપ દુર્ગતિને પ્રાપ્ત કરનારા.
(૬) નરક-તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે.
(૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે, પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે.
(૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર સુખોને પ્રાપ્ત કરે છે.
(૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી આઠમું “દુર્ગતિથી મુક્તિ” અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️આઠમું અધ્યયન:- દુર્ગતિથી મુક્તિ
(૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન-પરિવારનો હોય અથવા તો યશ-કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે.
(૨) શ્લેષ્મમાં માખી જે રીતે ફસાઈ જાય છે, તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે
(૩) કેટલાક સાધક પોતાની જાતને શ્રમણ માને છે પરંતુ પ્રાણીવધને જાણતા નથી, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે. કારણ કે પ્રાણીવધની અનુમોદના કરનારા પણ કદાપિ મુક્ત થઈ શકતા નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી.
(૪) તેથી સંપૂર્ણ જગતના ચરાચર પ્રાણિઓને મન,વચન,કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ.
(૫) સંપૂર્ણ અહિંસા-પાલન હેતુથી ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે.
(૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહને માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે.
(૭) મુનિ લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે.
(૮) સંસારમાં જેમ-જેમ લાભ મળતો જાય છે તેમ-તેમ લોભ વધતો જાય છે. જેમ કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઈએ.
(૯) ઉંદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે પ્રસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે, તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઈએ
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી નવમું નમિ રાજર્ષિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️નવમું અધ્યયન : નમિ રાજર્ષિ
મહાસતી મદનરેખાના પુત્ર નમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી હતી. નમિ રાજર્ષિએ ઈન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ કર્યા.
(૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે.
(ર) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમુક્ત તપસ્વી ભિક્ષુને વિપુલ સુખ મળે છે.
(૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, વૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે.
(૪) સંસાર ભ્રમણના માર્ગમાં કયાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે.
(૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા દંડાઈ જાય અને જુઠા આબાદ રહી જાય.
(૬) અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગુણોની સાથે સંગ્રામ કરવો જોઈએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે.
(૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે.
(૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત થતો નથી પરંતુ સમ્યગૂ જ્ઞાન અને વિવેકયુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માસ ખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની તુલનામાં અમાવાસ્યા સમાન પણ નથી.
(૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોના-ચાંદીના પહાડ થઈ જાય તો પણસંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે.
(૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ કરતા નથી પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવનારી છે. કામભોગ આશીવિષ સમાન છે, તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષુને હોતુ નથી, તેથી સંકલ્પ વિકલ્પથી દુઃખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે.
કેન્દ્રના અંતિમ પ્રશ્નનો આ ઉત્તર છે.
ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે.
પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા.
નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે….
વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થરત થવું જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી દશમું વૈરાગ્યોપદેશ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️દશમું અધ્યયન : વૈરાગ્યોપદેશ
આ અધ્યયનમાં “હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર.” આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે
(૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ (પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે.
(૨) જીવન ક્ષણભંગુર હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણભરનો પણ પ્રમાદ ન કરવો જોઈએ.
(૩) પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર કર્યા પછી ચિરકાળે પુણ્યયોગે મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સદ્ધર્મનું શ્રવણ અને શ્રદ્ધાપ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે.
(૪) તેનાથી વિપરીત અનાર્યક્ષેત્ર, ચોર, ડાકુ કસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને કુષ્ટરોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થ (મિથ્યાત્વ) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે.
(૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત કર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ વિલંબ ન કરવો જોઈએ.
(૬) અનેક રોગો શરીરને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં કમળવત્ જળમાં નિર્લેપ રહી, સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઈએ.
(૭) હે ગૌતમ ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીઘ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો. આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને જીવનને દુ:ખમય સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી અગિયારમું બહુશ્રુત મહાત્મ્ય અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️અગિયારમું અધ્યયન:બહુશ્રુત મહાત્મ્ય
(૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી એ અવિનીત હોય છે.
(૨) ક્રોધી, માની, પ્રમાદી, (અનેક અન્ય કાર્યોમાં કે ઈચ્છાપૂર્તિમાં વ્યસ્ત) રોગી અને આળસુ એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ પ્રાપ્ત કરી શકતા નથી.
(૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે.
(૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠુકરાવે છે, શ્રુતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગી અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી.
(૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે.
(૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્યે ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રુતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે.
(૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે
▪️બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે,
▪️ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે,
▪️પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે,
▪️હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે
▪️તીક્ષ્ણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યુથમાં સુશોભિત હોયછે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે
▪️આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે,
▪️અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે,
▪️ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે,
▪️દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે,
▪️અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે,
▪️તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે,
▪️પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે
▪️શ્રેષ્ઠ જંબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે,
▪️નદીઓમાં સીતા નદી સમાન વિશાળ હોય છે,
▪️પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે,
▪️સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વિશાળ અને ગંભીર હોય છે.
આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન્ન બનવું જોઈએ અને તે શ્રુતથી સ્વ-પરનું કલ્યાણ કરવું જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી બારમુ હરિકેશી મુનિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️બારમું અધ્યયન : હરિકેશી મુનિ
(૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત કર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ-સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
(૨) ચાંડાલ કુલોત્પન્ન ‘હિરકેશ બલ’ નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક સત્ય ધર્મ, ભાવયજ્ઞ અને ભાવસ્નાનનું સ્વરૂપ સમજ્યા.
(૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા.
યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો.
ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે.
ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત કર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો.
(૪) હરિકેશીમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાંસ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો.
(૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે. નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે.
(૬) આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ઋષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે. અકલુષિત અને પ્રશસ્ત વેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાયનિર્મળ જળ છે, જેમાં સ્નાન કરી મુનિ શીતલતાકર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાસ્નાન છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી તેરમું ચિત્ત સંભૂતિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️તેરમું અધ્યયન ચિત્ત સંભૂતિ
(૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી.
(૨) પૂર્વભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે જાતિ સ્મરણ જ્ઞાન અને બોધને પ્રાપ્ત કર્યો ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ-ભોગનો ત્યાગ કરી શકયા નહી અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શકયા નહીં જેથી મૃત્યુ પામી નરકમાં ગયા.
(૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી.
(૪) બ્રહ્મદત્તે પોતાની ભાવનાનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નૃત્યોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરકત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું.
(૫) મૃગના સમૂહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી.મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર કર્યા બાદ લોકો તેના ધનસંપત્તિના સ્વામી બની જાય છે.
ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયા નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર કર્યો નહીં.
ચિત્તમુનિએ સંયમ-તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયા.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ચૌદમું ભૃગુ પુરોહિત અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ચૌદમું અધ્યયન : ભૃગુ પુરોહિત
પ્રાસંગિક :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા-પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણી રાજાને ઉદબોધિત કર્યું. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા.
(૧) સંયમ લેતાં પૂર્વે માતા-પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે.
(૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરકગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન સદ્ ગતિ આપી શકતા નથી.
(૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે.
(૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે, અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ.
(૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ-સંયમનો સ્વીકાર કરવામાં આવે છે.
(૬) અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનોસ્વીકાર કરવો પરમાવશ્યક છે.
(૭) આ સંપૂર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ-રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો.
(૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી તેણે ધર્મને કયારે ય ભવિષ્યના ભરોસે છોડવો નહીં.
(૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે.
(૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહજાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે.
(૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત ન રહેવું.
(૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે.
(૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુ:ખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી પંદરમું ભિક્ષુ ગુણ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ
આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ભિક્ષુ સરલાત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ-વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મરક્ષક અને મૂર્છા રહિત હોય છે.
(૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે.
(૩) શયન-આસન, શીત-ઉષ્ણ, ડાંસ-મચ્છરથી વ્યગ્ર ન થનારા, વંદન-પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે.
(૪) પાપ શાસ્ત્રો અર્થાત્ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ-ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્યાદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે.
(૫) રાજાદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજનેસંપર્ક-પરિચય ન કરે તો ભિક્ષુ છે.
(૬) આહારાદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે.
(૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે.
(૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી સોળમું બ્રહ્મચર્ય સમાધિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️સોળમું અધ્યયન : બ્રહ્મચર્ય સમાધિ
બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાનીઓ રાખવી જરૂરી છે.
(૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું.
(૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી-સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી.
(૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો.
(૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા.
(૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, ક્રંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું.
(૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું.
(૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો.
(૮) ઠાંસી ઠાંસીને ન ખાવું.
(૯) શરીરની વસ્ત્રાદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો.
(૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો.
આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પૂર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી સત્તરમું પાપી શ્રમણ પરિચય અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️સત્તરમું અધ્યયન : પાપી શ્રમણ પરિચય
જે સંયમ સ્વીકાર કર્યા બાદ સાધનાથી વ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અઘ્યયનમાં ‘પાપી શ્રમણ’ ની સંજ્ઞાથી સૂચિત કરવામાં આવ્યા છે.
(૧) જે શ્રુત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી.
(૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે.
(૩) આચાર્ય-ઉપાધ્યાય કોઈ સૂચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે, તેમનો સમ્યક વિનય, સેવા-ભક્તિ ન કરે, ઘમંડી બને.
(૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા.
(૫) ભૂમિનું પ્રતિલેખન કર્યા વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા.
(૬) શીધ્ર અને ચપલગતિએ ચાલનારા.
(૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા.
(૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા.
(૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા.
(૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા.
(૧૧) શયનવિધિનું પાલન ન કરનારા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા.
(૧૨) વિગયોનું વારંવાર સેવન કરવા છતાં તપશ્ચર્યા ન કરનારા.
(૧૩) સવારથી સાંજ સુધી ખાનારા.
(૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છનું વારંવાર પરિવર્તન કરનારા.
(૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગુહસ્થોને બતાવનારા.
(૧૬) સામુદાનિક(અનેક ઘરોની)ભિક્ષા ન કરનારા,નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર-પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા.
ઉક્ત આચરણ કરનારા ‘પાપી શ્રમણ’ કહેવાય છે. તેઓ આ લોકમાં નિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્તદોષોનો પરિત્યાગ કરનારા સુવ્રતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી અઢારમું સંયતિ મુનિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️અઢારમું અધ્યયન : સંયતિ મુનિ
પ્રાસંગિક એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈ દોડી રહ્યું હતું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિને જોઈ હરણ તેના શરણમાં બેસી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને બેઠેલ જોઈ રાજાને થયું નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ કર્યો. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અનેતેમને ઉદાહરણો દ્વારા તપ-સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા-પ્રેરણા કરી.
(૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જયારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે.
(૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અમર નથી રહેવાનું, તેથી હિંસાદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી.
(૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વીજળી સમાન ચંચળ છે, છતાં પ્રાપ્ત થયેલ રાજ્યાદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે.
(૪) સગા-સંબંધીનો સાથ પણ જયાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભાશુભ કર્મો જ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી.
(૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત હોતું નથી, તેથી સમ્યક તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યફ ધર્મમાં સ્થિર રહેવું જોઈએ. ટૂંકમાં સાર એ છે કે કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે, તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે.
(૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્તમિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યક નિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઈએ.
(૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ-તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ(આઠમા અને બારમા) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ર્યો તો તેઓ આસક્તદશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા.
(૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઈત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ક્યું.
આ પ્રમાણે જાણીને શૂરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણીસમું મૃગાપુત્ર અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણીસમું અધ્યયનઃ મૃગાપુત્ર
પ્રાસંગિક સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરકાદિભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા, માતા-પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના ભયાનક દુઃખોનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેકઆચારોનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી, સંયમ-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી ને, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા.
(૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી પૂર્વના નિરંતર સંજ્ઞી અવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વતઃ જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે.
(૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં (સેવન કરતી સમયે) સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કટુ છે અર્થાત્ દુઃખદાયી છે.
(૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે.
(૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુ:ખમય છે.
(૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુ:ખોથી પીડિત થાય છે.
(૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવા રૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે.
(૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે.
(૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહારાદિ ગ્રહણ કરવા કઠિન છે.
(૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે.
(૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો સુદુષ્કર છે.
(૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે.
(૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે…. કે તે
૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી રાખવા સમાન છે.
૨. ગંગાનદીના પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે.
૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.
૪. રેતીના કવલ ચાવવા સમાન છે.
૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે.
૬. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે.
૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે.
૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે.
૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે. અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે.
(૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભેજવામાં આવે છે કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે મુદગરોથી માર મારવામાં આવે છે; તીણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે; ઘાણીમાં પીલવામાં આવે છે, છેદનભેદન કરવામાં આવે છે; બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન રથમાં જોતરવામાં આવે છે; તૃષા લાગતાં તીણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે; ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે.
(૧૪) “તમને માંસ પ્રિય હતું, એમ ક્લી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકાવી નારકીને ખવડાવવામાં આવે છે. ‘તમને વિવિધ મદિરા ભાવતી હતી,” એમ કહી ચરબી અને લોહી ગરમ કરી નારકીને પીવડાવે છે. નરકમાં કેટલીક વેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંતાધિક નરકમાં દુઃખો છે.(જે પરવશતા અને અનિચ્છાએ જીવ સહન કરીને આવ્યો છે.
(૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની જેમ સંયમારાધના કરે.
(૧૬) મુનિ લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ નિન્દા-પ્રશંસા, માન-અપમાનમાં સદા સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે.
(૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુખોની વૃદ્ધિ કરાવનારું છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારું છે. ધર્માચરણ- વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી વીસમું અનાથી મુનિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️વીસમું અધ્યયન અનાથી મુનિ
પ્રાસંગિક એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મુનિના રૂપ, યૌવન, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ તેમને આશ્ચર્ય થયું તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછ્યું કે આપે દીક્ષા શા માટે લીધી?’ મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું અનાથ હતો. રાજાએ કહ્યુ હુ તમારો નાથ બનું છું રાજ્યમાં પધારો. ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું કે મારે માતા-પિતા, ભાઈ-બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ જનિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે
(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ-બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, નવનિધાન, આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે.
(૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સનાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે, મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન્ ! હવે તો હું સનાથ થઈ ગયો છું.
(૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય છે. તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ કર્યા પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે ૧. જે મહાવ્રતોનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી.
૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી.
૩. રસોમાં આસક્ત રહે છે.
૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી.
૫. જે લોકોને ભૂત-ભવિષ્યના નિમિત્ત કહે છે રેખા, લક્ષણ, સ્વપ્નાદિનું ફળ બતાવે છે વિધામંત્રથી ચમત્કાર બતાવે છે સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે.
૬. જે ઔદેશિક ખાધ પદાર્થાદિ લે છે અથવા એષણીય અનેષણીય જે મળે તે લે છે.
આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે.એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે, તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે.
સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિ પ્રવૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે, કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમચ્યુત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે.
જે રીતે વિષ પીવું, ઉલ્ટું શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને (દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે, તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી.
આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ કર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથતા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ક્યા પછી જ જીવન સફળ અને આરાધક બને છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી એકવીસમું સમુદ્રપાલમુનિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️એકવીસમું અધ્યયન : સમુદ્રપાલમુનિ
પ્રાસંગિક જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા-બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા.
(૧) મુનિ ત્રણ-સ્થાવર બધા જીવો પ્રત્યે અનુકંપા રાખે. સાવધ યોગોનો ત્રણ કરણ અને ત્રણ યોગથી ત્યાગ કરે.
(૨) પોતાના બળને જાણીને મુનિ સંયમમાં વિચરણ કરે અને તપ ધારણ કરે.
(૩) સિંહની સમાન સદા નિર્ભય બની વિચરે.
(૪) પરીષહોને સમ્યક પ્રકારે સહન કરી કર્મ ક્ષય કરે પરંતુ કિંચિત્માત્ર પણ ગભરાય નહીં.
(૫) આશ્રવનો સદા નિરોધ કરે. અકિંચન અને અમમત્વી બને.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી બાવીસમું અરિષ્ટનેમિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️બાવીસમું અધ્યયનઃ- અરિષ્ટનેમિ
પ્રાસંગિક બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર કર્યો. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજમતીએ પણ સંયમ અંગીકાર કર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દષ્ટિ નગ્ન રાજમતિ ઉપર પડતાં સંયમમાં વિચલિત થયા. રાજેમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર કર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા.
(૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો.
(૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન્ન હતું.
(૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ કર્યો હતો.
(૪) કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શુભાશીષ આપ્યા.
(૫) ભોગાસક્ત વ્યકિત પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે’ તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે.
(૬) સ્વ-પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે.
(૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે.
(૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજેમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યુ હતું.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ત્રેવીસમું કેશી-ગૌતમ સંવાદ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ત્રેવીસમું અધ્યયનઃ કેશી-ગૌતમ સંવાદ
પ્રાસંગિક ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવસ્તિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ-અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે-તે શ્રમણોનું પરસ્પર મિલન અને પરિચય થાય છે. આચારાદિની કંઈક ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત અવસર જોઈ બન્ને પ્રમુખ શ્રમણ (કેશી-ગૌતમ) પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનય-વ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે. ત્યાં અન્ય અનેક દર્શક, શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી “મહાભાગ’ સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ‘ભંતે’ સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ઉત્તર આપે છે. અંતે કેશી સ્વામી ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે, પુનઃદીક્ષિત થઈ જાય છે.
જ્ઞાનગોષ્ઠી સારાંશ
(૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ (મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂ૫) હોય છે.
(૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થંકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન્ન અધિક હોય છે. પ્રથમ અને અંતિમ તીર્થકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન્ન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે.
(૩) સંયમયાત્રા અને ઓળખાણ (પ્રતીતિ-પરિચય) માટે કોઈપણ લિંગ (વેષ)નું પ્રયોજન હોય છે, જે વ્યવસ્થા અને આજ્ઞાનુસાર તેમજ ગૂઢ હેતુ પૂર્વક હોય છે. નિશ્ચયમાં તો મોક્ષના મુખ્ય સાધન સમ્યમ્ જ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઈ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી.
(૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઇન્દ્રિયોની ચંચલતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.
(૫) રાગ, દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે, તેનું છેદન કરવું જોઈએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ, દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે.
(૬) તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઈએ. આ લોક-પરલોકની સંપૂર્ણલાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છાપણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઈએ તો જ વિષ ભક્ષણથી મુક્તિનો સંભવ છે.
(૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રુત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું.
(૮) મન લગામ વિનાના ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઈએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા શ્રુત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
(૯) વીતરાગ, સર્વજ્ઞ-દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર ભ્રમણથી મુક્ત થાય છે.
(૧૦) સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણ-શરણભૂત છે.
(૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે જેની ક્ષમતા સંયમ-તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ-તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે.
(૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય ‘તીર્થંકર પ્રભુ’ છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે.
(૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી, શારીરિક-માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ચોવીસમું સમિતિ-ગુપ્તિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ચોવીસમું અધ્યયન સમિતિ-ગુપ્તિ
(૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ, અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને ‘અષ્ટ પ્રવચન માતા’ કહેવામાં આવે છે.
(૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતત્તાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે.
(૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઈએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા કઠોરકારી, કર્કશકારી, છંદકારી, ભેદકારી, મર્મકારી સાવધકારી, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી, પ્રિયકારી, સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઈએ આ ભાષા સમિતિ છે.
(૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું, પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા આ એષણા સમિતિ છે.
(૫) આવશ્યક ઉપધિ અને અપરિસ્થિતિક ઉપધિ વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભૂમિને અડાડીને પછી મૂકવા મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિક્ખેવણા સમિતિ છે.
(૬) મળમૂત્ર આદિ પરઠવવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવવા, જીવરહિત અચેત સ્થાને પરઠવવા, કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો તે પારિઠાવણિયા સમિતિ છે.
(૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવા તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ અલ્પ, અલ્પતમ કરવી એટલે ઉત્તરોત્તર સીમિત કરતા રહેવું તેને ગુપ્તિ કહેવાય.
અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપૂર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યક્ આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી પચીસમું જયઘોષ-વિજયઘોષ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️પચીસમું અધ્યયન જયઘોષ-વિજયઘોષ
પ્રાસંગિક જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞશાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ કર્યો. સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કર્યું.
(૧) યજ્ઞના નિયમાનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષજ્ઞ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પર ઉદ્ધાર કરવામાં સમર્થ હોય તેને તે યજ્ઞનો આહાર આપી શકાય છે, અન્યને નહીં.
(ર) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે.
(૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે કષાયો અને શરીરને કૃશ કરે છે હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે તે બ્રાહ્મણ છે.
(૪) જે અલોપી નિર્દોષ ભિક્ષાજીવી, અકિંચન (સંયમોપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોના પરિચય તથા આસક્તિ રહિત છે તે બ્રાહ્મણ છે.
(૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુઃશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી.
(૬) કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ થવાતું નથી, “ૐ નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ કહેવાતા નથી, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાનાધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય છે.
દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોંટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે અને વિરકત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી છવીસમું સમાચારી અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️છવીસમું અધ્યયન સમાચારી
(૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવસ્સહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉં છું.
(૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું.
(૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઈએ.
(૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું.
(૬) જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુર્વાદિને એ પ્રમાણે કહેવું કે આપની ઇચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો.
(૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “ મિચ્છામિ દુક્કડ’ બોલવું.
(૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ ‘તહત્તિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો.
(૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું.
(૧૦) શ્રુત અધ્યયનાર્થે કોઈપણ આચાર્યાદિની સમીપે રહી અધ્યયન કરવું આ દસવિધ સમાચારી કહી છે.
(૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઈએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકીદેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું. ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન કર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી નિવૃત્ત થઈ, ધ્યાન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે.
(૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઈએ.
(૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન માટે ૫. જીવન નિર્વાહ માટે ૬. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતંક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઈએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્રણ-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાત્ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ છ કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી સત્તાવીસમું ગર્ગાચાર્ય અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️સત્તાવીસમું અધ્યયન ગર્ગાચાર્ય
પ્રાસંગિક સ્થવિર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ-તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું.
ગળીયો બળદ (માલિકની આજ્ઞાનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત શિષ્ય અને ગુરુ બંને દુ:ખી થાય છે. તેના માયા, જૂઠ, કલહાદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા અનાદેય નામકર્મનો તીવ્ર (જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે.
અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છે; તો કોઈ વડીલોની શિક્ષા-પ્રેરણા સાંભળવા જ નથી ઇચ્છતા, બલ્કે કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી અઠ્ઠાવીસમું મોક્ષમાર્ગ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️અઠ્ઠાવીસમું અધ્યયન : મોક્ષમાર્ગ
(૧) સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે.
(૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથનાનુસાર શ્રદ્ધા કરવી એ જ સમ્યજ્ઞાન અને સમ્યગ્ દર્શન છે.
(૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જે સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું તે સમ્યક્ ચારિત્ર છે.
(૪) ઉપવાસ આદિ બાહ્યતપ અને સ્વાધ્યાય આદિ અભ્યતંર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. ધ્યાન પછી અંતિમ તપ વ્યુત્સર્ગ છે એમાં મન, વચન, કાયાના યોગ કષાય, ગણ-સમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો આ પ્રકારે ચારેયના સુમેળપૂર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૧)
(૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી
૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે.
૨. તેથી પુનઃવૈરાગ્ય વૃદ્ધિ થાય છે
૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે
૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે
૫. સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ આરાધના કરનારા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી
૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે.
૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે.
૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે.
૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે.
(૩) ધર્મ ઉપર શ્રધ્ધા રાખવાથી
૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે.
૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે.
૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને
૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે.
(૪) ગુરૂ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી
૧. કર્તવ્યનું પાલન થાય છે.
૨. આશાતનાઓથી બચાય છે.
૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે.
૪. તેમના ગુણ, ભક્તિ બહુમાન કરવાથી સદગતિની પ્રાપ્તિ થાય છે.
૫. વિનયાદિ અનેક ગુણોની ઉપલબ્ધિ થાય છે.
૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે.
(૫) પોતાના દોષોની આલોચના કરવાથી મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા અને અનંત સંસારની વૃદ્ધિ કરનારા માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે, સ્ત્રી અને નપુંસક વેદનો બંધ થતો નથી.
(૬) આત્મનિંદા કરવાથી
૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે.
૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે.
(૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદ્દીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે.
(૮) સામાયિક કરવાથી પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે
(૯) ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરવાથી સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૨)
(૧૦) વંદના કરવાથી
૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે.
૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે.
(૧૧) પ્રતિક્રમણ કરવાથી
૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે.
૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે.
૩. સમિતિ-ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે.
૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે.
૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે.
(૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાત્ મન-વચન તથા શરીરને પૂર્ણત: વ્યુત્સર્જન કરવાથી
૧. સાધક કર્મના બોજથી હલકો બને છે.
૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી આશ્રવોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે.
(૧૪) સ્તવ-સ્તુતિ મંગલ કરવાથી અર્થાત્ નમોથુંણમનો પાઠ કરવાથી
૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે.
૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે.
(૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી
૧.ચારિત્ર નિરતિચાર બને છે.
૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક પ્રકારે આરાધના થાય છે.
(૧૬) કાળપ્રતિલેખન એટલે સ્વાધ્યાય-અસ્વાધ્યાયના સમયની જાણકારી મેળવવાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે.
(૧૭) ક્ષમાયાચના કરવાથી
૧. ચિત્ત પ્રસન્ન થાય
૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે
૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે.
(૧૮) સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે.
(૧૯) વાચનાથી આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી
૧. સર્વતોમુખી કર્મોનો ક્ષય થાય છે.
૨. વાચના લેવાથી શ્રુત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સભ્યશાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે.
૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા
૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે.
૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે.
(૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી
૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે, જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે.
(ર૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી
૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે.
૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે.
૩.પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના ઉચ્ચારણથી આગળના પદ સ્વત યાદ આવી જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૩)
(૨૨) સૂત્રોના તત્વોની મનમાં વિચારણા ચિંતવના કરવાથી
૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે.
૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે.
(૨૩) ધર્મોપદેશ દેવાથી
૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે,
૨. જિનશાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે
૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે.
(૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી
૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે.
૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ ચિત્તની અસમાધિને પામતા નથી.
(૨૫) મનને એકાગ્ર કરવાથી ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે.
(૨૬) સંયમ લેવાથી મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા-મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે.
(૨૭) વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે.
(૨૮) અલ્પકર્મી થઈ જવાથી તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે.
(૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી
૧.જીવ ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે.
૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને
૩ ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે.
(૩૦) મન અનાસક્ત થઈ જવાથી
૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે.
૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે.
૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે.
(૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી
૧. ચારિત્રની રક્ષા થાય છે.
ર. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે.
૩. દૃઢ ચારિત્રવાળો બને છે.
૪. એકત્વમાં જ રમણ કરવાવાળો થાય છે.
૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૪)
(૩૨) ઈન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી
૧. જીવ નવા-નવા પાપકર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે.
૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે.
(૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી
૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે.
૨. સ્વાવલંબી બને છે.
૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને
૪. પરલાભની આશાઓથી મુક્ત થઈ જાય છે.
૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધિ પ્રાપ્ત કરે છે.
(૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી
૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે-સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે.
૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે.
૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે.
૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી
પ. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારે ય સંક્લેશ થતો નથી.
(૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી
૧. જીવવાના મોહનું ધીમે-ધીમે છેદન થાય છે.
૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પર સંક્લેશ પામતો નથી પરંતુ
૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે.
૪. દુઃખાનુભૂતિ કરતો નથી.
(૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી
૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે.
૨. એવો જીવ સુખ-દુ:ખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે.
(૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે.
૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે.
(૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી
૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે.
૨.લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે.
૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે.
(૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્યામાં રહેવાથી
૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે.
૨. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે.
૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસીવગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે.
૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૫)
(૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી ભવ પરંપરાની અલ્પતા થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે.
(૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો વિરોધ કરવાથી અર્થાતુ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે.
(૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચેલકતા ધારણ કરવાથી
૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે.
૨. સ્પષ્ટ અને પ્રશસ્ત લિંગ(વેશરૂપ ઓળખ)વાળો બને છે.
૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે.
૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિવંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે.
૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે.
(૪૩) સાધુઓની સેવા શુશ્રુષા કરવાથી તીર્થંકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે.
(૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી
૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને
૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુઃખોથી છૂટી જાય છે.
(૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી
૧. જીવ સ્નેહ અને તૃષ્ણાના અનુબંધનોથી મુક્ત થઈ જાય છે અને
૨. મનોજ્ઞ–અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે.
(૪૬) ક્ષમા ધારણ કરવાથી સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે.
(૪૭) નિર્લોભી બનીને રહેવાથી
૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે.
૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલુપી લોકો કંઈ પણ ઈચ્છા કે આશા રાખતા નથી.
(૪૮) સરળતા ધારણ કરવાથી
૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે.
૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે.
૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે.
(૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી
૧. જીવ ઉદ્ધત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો નથી.
૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૬)
(૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી
૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે.
૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે.
(૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી
૧. જીવ અપૂર્વ અપૂર્વકાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.
૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે.
(પર) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે.
(૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી
૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે.
૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે.
(૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી
૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે.
૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે.
(૫૫) કાયાના ગોપનથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી
૧. કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે.
૨. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે.
(પ૬) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી
૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે.
૨. તથા તે સમકિતની વિશુદ્ધિ અને મિથ્યાત્વનો ક્ષય કરે છે.
(૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી
૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે.
૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે.
(૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી
૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને
૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
(૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી
૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે.
૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ દોરો પરોવેલ સોયની જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી.
૩. સિદ્ધાંતોમાં કોવિંદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે
છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ઓગણત્રીસમું સમ્યક પરાક્રમ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ઓગણત્રીસમું અધ્યચન સમ્યક પરાક્રમ
(ભાગ-૭)
(૬૦) જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન્ન થવાથી
૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને
૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત, રૂપી દીપક ક્યારે ય બુઝાતો નથી તથા તે
૩. જ્ઞાન-દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અનુત્તર જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે.
(૬૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી જીવ શેલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૬૨-૬૬) પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરવાથી
૧. જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ઈન્દ્રિય-વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ અને કર્મ બંધ કરતો નથી.
(૬૭-૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી
૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે.
૨. અને તજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે.
(૭૧-૭૩) રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી
૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે.
૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે.
૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે.
૪. અંતર્મુહર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે.
૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બેતૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં બ્રમણ બંધ થઈ જાય છે. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે.
સમ્યક્ પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સમ્યપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી ત્રીસમું તપનું સ્વરૂપ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ત્રીસમું અધ્યયન : તપનું સ્વરૂપ
આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનુભેદોનું વર્ણન છે.
જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે, તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતાં રહેવાથી કરોડો ભવોના સંચિત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્માશ્રવથી પણ રહિત થઈ જાય છે,
અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના અભયંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે.
(૧) નવકારસી, પોરસી, નવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઈત્વરિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે.
(ર) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું દ્રવ્ય ઊણોદરી છે. બીજા ચાર ભેદ અભિગ્રહ સંબંધિત છે.
(૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી ગમન અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ-અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે.
(૪) પાંચ વિનયમાંથી કોઈપણ એક અથવા અનેક વિષયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા (પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે.
(૫) વીરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા એ બધા કાયક્લેશ તપ છે.
(૬) જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાત્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરવો પ્રતિસંલીનતા તપ છે.
(૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે.
(૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે.
(૯) આચાર્ય, સ્થવિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે.
(૧૦) સ્વાધ્યાય
૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળપાઠ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા,
૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું
૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું.
૪. અનુપ્રેક્ષા કરવી,
૫. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે.
(૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સમાતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુકલ ધ્યાનને પ્રાપ્ત કરે છે.
(૧૨) વ્યુત્સર્ગ–મન, વચન, કાયાની પ્રવૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ-વ્યુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં કાયોત્સગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું કર્મોનું સમૂહ-ગણનું વ્યુત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધાય વ્યુત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે.
આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યક્ આરાધન કરે તે શીઘ્ર સંસારથી મુક્ત થાય છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી એકત્રીસમું ચરણવિધિ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️એકત્રીસમું અધ્યયન ચરણવિધિ
આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક
જ્ઞેય (જાણવા જેવા) છે.
કેટલાક ઉપાદેય (આદરવા જેવા) છે અને કેટલાક હેય (છોડવા લાયક) છે.
સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પડિમા, આદિ ઉપાદેય છે.
કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે.
છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન જ્ઞેય છે.
અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી બત્રીસમું પ્રમાદથી સુરક્ષા અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️બત્રીસમું અધ્યયન પ્રમાદથી સુરક્ષા
આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(ર) એ માટે
૧. વૃદ્ધ અને ગુરુજનોની સેવા
૨. બાલ જીવોની સોબતનો ત્યાગ
૩. સ્વાઘ્યાય
૪. એકાન્તનું સેવન
૫. સૂત્રાર્થ ચિંતન
૬. પરિમિત આહાર
૭. યોગ્ય સાથી
૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
(૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે.
(૪) લોભ, તૃષ્ણા અને મોહના ત્યાગથી દુ:ખોનો શીઘ્ર નાશ સંભવ છે.
(૫) રાગ, દ્વેષ અને મોહ એ કર્મોના મૂળ છે અને કર્મ એ દુઃખ-સંસારના મૂળ છે.
(૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાંસેવન ન કરવું, પેટ ભરીને કયારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત અને તેના નિવાસ રહિત, એકાન્ત સ્થાનમાં રહેવું સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું.
(૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે.
(૮) કિંપાક ફળ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામ ભોગોનું પરિણામ મહાદુઃખદાયી હોય છે.
(૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે.
(૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિતમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે, તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી.
(૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉંદરોનું રહેવું કયારેય ઉચિત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત હોય છે.
(૧૨) પાંચ ઈન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત-દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે.
(૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે.
(૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઈન્દ્રિયમાં પતંગીયું ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, રસનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે.
(૧૫) મોક્ષાર્થી સાધક જલકમલવત્ આ બધા વિષયોમાંવિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે.
(૧૬) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુઃખ આપનાર થતા નથી, અર્થાત તે (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે.
(૧૭) આમદુઃખ આ વિષયોમાં નથી, પરંતુ આત્માના રાગ-દ્વેષ જન્ય પરિણામોમાં અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે.
આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પવિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી મુક્ત બને છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી તેત્રીસમું અષ્ટ કર્મ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️તેત્રીસમું અધ્યયન અષ્ટ કર્મ
(૧) આ અધ્યયનમાં મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે-બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે
૧. જ્ઞાનાવરણીયના-૫
૨. દર્શનાવરણીયના-૯
૩. વેદનીયના-૨
૪. મોહનીયના-૨૮
૫. આયુષ્યના-૪
૬. નામકર્મના–૨
૭. ગોત્રકર્મના–૧૬
૮. અંતરાયના–૫
આ સર્વ મળીને કુલ ૭૧ થાય છે
(૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ ગલ આત્મા સાથે લાગે છે. તે દશેય દિશાઓમાંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે.
(૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છે
👉ક્રમ કર્મ
👉જઘન્ય સ્થિતિ
👉ઉત્કૃષ્ટસ્થિતિ
૧ જ્ઞાનાવરણીય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ
૨.દર્શનાવરણીય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ
૩.વેદનીય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ
૪.મોહનીય
અંતર્મુહૂર્ત
સિતેર ક્રોડાકોડ સાગરોપ
૫.આયુષ્ય
અંતમુહૂર્ત
તેત્રીસ સાગરોપમ
૬.નામ
આઠ મુહૂર્ત
વીસ ક્રોડાકોડ સાગરોપમ
૭.ગોત્ર
આઠ મુહૂર્ત
વીસ ક્રોડાકોડ સાગરોપમ
૮ અંતરાય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાકોડ સાગરોપમ
(૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવો કર્મ બંધ ન કરવો જોઈએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ-સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમાંથી ચોત્રીસમું લેશ્યાનું સ્વરૂપ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️ચોત્રીસમું અધ્યયન લેશ્યાનું સ્વરૂપ
કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ લેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ ગતિમાં લઈ જનાર છે.
લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ લેશ્યા તો આત્માના પરિણામ અર્થાત અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પદુગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષા એ અહીં લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ
પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં પ્રવૃત્ત, નિર્દય, ક્રૂર અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૨) નીલ લેશ્યાના લક્ષણ
ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ-લોલુપ, સુખેશી, અવ્રતી, શુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૩) કાપોત લેશ્યાનાં લક્ષણ
વક્ર, વક્ર આચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદિષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવવાળો આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૪) તેજો લેશ્યાનાં લક્ષણ
નપ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત,વિનયયુક્ત, ઈન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૫) પદ્મ લેશ્યાનાં લક્ષણ
ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૬) શુકલ લેશ્યાનાં લક્ષણ આર્ત-રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામોવાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ.
(૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલો સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યાના હોય છે.
(૮) લેશ્યાઓની સ્થિતિ
(૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લેશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેશ્યામાં મરીને જાય છે તે જ લેશ્યામાં પરભવમાં જન્મે છે.
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી પાંત્રીસમું મુનિ ધર્મ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️પાંત્રીસમું અધ્યયન મુનિ ધર્મ
(૧) ગ્રહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિની ઈચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ.
(૨) મનોહર ઘરમાં રહેવાની ઈચ્છા પણ ન કરવી જોઈએ.
(૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઈએ. કારણ કે તે કાર્ય ત્રણ-સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે.
(૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી.
(૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઇચ્છા ન કરે, સોના અને પત્થરને સમાનભાવથી જુએ, કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે.
(૬) મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભાલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય; પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર કે સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. મુનિ નિર્મમત્વી અને નિરહંકારી બનીને સાધના કરે, મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂર્છા હટાવીને, દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે…
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસ અધ્યયનમાંથી છત્રીસમું જીવ-અજીવ અધ્યનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન…..
🏵️છત્રીસમું અધ્યયનઃ જીવ-અજીવ
આ અધ્યયનમાં ર૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી-વત્તી પણ મળે છે. આમાં જીવ–અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન કર્યું છે.
(૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ-પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે, સાથે-સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર-કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચ પંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારે ય જાતિના દેવોના ભેદપ્રભેદ, નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે.
(૪) આ જીવ-અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે, ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય ૬ મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે.
(૫) મુનિ કોઈપણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્યવિનોદવાળી કાંદપિંકવૃત્તિ મંત્ર કે નિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિલ્વિષિકવૃત્તિ રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે.
(૬) જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે.
મોક્ષમાં પધારતાં પહેલા પ્રભુ મહાવીરે અંતિમ દેશના – ઉપદેશમાં જૈનાગમ
📕 શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અણમોલ ભેટ આપી.
મહાવીર નિર્વાણ કલ્યાણકના પાવન અવસરે બે હજાર ગાથાઓ અને છત્રીસ અધ્યયનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન – મનન કરીયે…
(૧) તીથઁકર 😷પરમાત્માએ બતાવ્યા મુજબ ધર્મ વ્યવહાર કરનાર કદાપિ નિંદીત થતાં નથી….અધ્યયન ૧ ગાથા.૪૨.
(૨) બુધ્ધિમાન સાધુ 👩સ્ત્રીના સંગથી સદા દૂર રહે. અ.૨ ગા.૧૭.
(૩) સરળ આત્મામાં જ ધમૅ વસે છે અને તેની જ શુધ્ધિ થાય છે.અ.૩ ગા.૧૨.
(૪) આ લોક કે પર લોકમાં ધનથી રક્ષણ મેળવી શકાતું નથી.અ.૪ ગા.૫.
(૫) સંસારી 👴હોય કે સંયમી😷 જો તેઓ સારી રીતે વ્રતનું પાલન કરતાં હોય તો દિવ્ય ગતિ ને વરે છે.અ.૫,ગા.૨૨.
(૬) દરેક જીવને સુખ પ્રિય છે,દુ:ખ કોઈને ગમતું નથી તેથી કોઈ જીવની હિંસા કરવી નહીં. અ.૬ ગા.૭
(૭) ક્ષમાદિ 🙏👏ધમૅનું જે જીવાત્મા પાલન કરે છે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.અ.૭,ગા.૨૯.
(૮) જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે. અ.૮,ગા.૧૭.
(૯) ઈચ્છા 🌫આકાશની સમાન અનંતી છે.અ.૯,ગા.૪૮.
(૧૦) પ્રભુ કહે છે…હે જીવ પ્રતિ સમય તારું આ શરીર ક્ષીણ થતું જાય છે,માટે ધમૅ ધ્યાન કરવામાં ક્ષણ માત્ર નો પ્રમાદ ન કર. અ.૧૦,ગા.૨૨.
(૧૧) માન,ક્રોધ, પ્રમાદ,રોગ અને આળસને કારણે જીવ બોધને પામી શકતો નથી. અ.૧૧,ગા.૩.
(૧૨) સંયમ જીવન 😷એ શાંતીનો શ્રેષ્ઠ પાઠ છે.અ.૧૨,ગા.૪૪.
(૧૩) મહાવીરે કહ્યું કે કમૅ હંમેશાં કતૉને જ અનુસરે છે. અ.૧૩,ગા.૨૩.
(૧૪) કામભોગ ક્ષણ માત્રનું સુખ અને ઘણા કાળ સુધીનું દુઃખ આપે છે.અ.૧૪,ગા.૧૩.
(૧૫) સંયમનો સ્વીકાર કર્યા પછી ગ્રહસ્થી 👩👩👧👦સાથે અતિ પરિચય કેળવવો લાભદાયી નથી.અ.૧૫,ગા.૧૦.
(૧૬) દુષ્કર એવા બ્રહ્મચયૅ વ્રતનું પાલન કરનારને દેવો,દાનવો,ગંધર્વો,યક્ષો,રાક્ષસો,કિન્નરો 🙏નમસ્કાર કરે છે. અ.૧૬,ગા.૧૬.
(૧૭) લડાઈ – કલહ વગેરેમાં સાધુ રસ દાખવતાં નથી.અ.૧૭,ગા.૧૨.
(૧૮) પરમાત્મા કહે છે.. આ જીવન વીજળીના ⚡ચમકારા જેવું ચંચળ છે. અ.૧૮,ગા.૧૩.
(૧૯) સમગ્ર સંસાર દુઃખથી ભરેલો છે.અ.૧૯,ગા.૧૬.
(૨૦) આત્મા જ સુખ – દુઃખ નો કર્તા રહેલો છે.અ.૨૦,ગા.૩૭.
(૨૧) આ જગતમાં મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે,દરેક બાબતમાં સમભાવ રાખવો.અ.૨૧,ગા.૧૬.
(૨૨) સમયક્ જ્ઞાન – દશૅન – ચારિત્ર અને તપમાં સદા આગળ વધવું.અ.૨૨,ગા.૨૬.
(૨૩) જન્મ અને જરાથી ડૂબતાં પ્રાણીઓ માટે ધમૅદ્રીપ👌 શ્રેષ્ઠ સ્થાન છે.અ.૨૩,ગા.૬૮.
(૨૪) જે જીવાત્મા પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે આચરણ કરે છે,એ સમસ્ત સંસારથી શીઘ્ર તરી જાય છે.અ.૨૪,ગા.૨૭.
(૨૫) કમૅ પોતાનું ફળ આપવા કદી કચાશ કરતું નથી,સ્વયં સમથૅ છે.અ.૨૫,ગા.૩૦.
(૨૬) પ્રભુ કહે છે સ્વાધ્યાયથી સમસ્ત દુઃખો દૂર થાય છે.અ.૨૬,ગા.૧૦.
(૨૭) આચાર્ય 😷હંમેશા મૃદુ,સરળ,ધીર – ગંભીર અને ચારિત્ર શીલ હોય.અ.૨૭,ગા.૧૭.
(૨૮) તીથઁકર પરમાત્માએ સમ્યક્ જ્ઞાન, દશૅન,ચારિત્ર અને તપને મોક્ષ માગૅ કહ્યો છે.અ.૨૮,ગા.૨.
(૨૯) વૈયાવચ્ચ કરવાથી તીથઁકર નામ કમૅ ઉપાજૅન થાય છે.અ.૨૯,ગા.૪૩.
(૩૦) કરોડો ભવોના બાંધેલા કર્મો તપ દ્રારા નિજૅરી અને ખરી જાય છે.અ.૩૦,ગા.૬.
(૩૧) રાગ અને દૈષ જન્મ – મરણનું પરિભ્રમણ કરાવે છે.અ.૩૧,ગા.૩.
(૩૨) પ્રભુ કહે છે જૂઠું બોલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જૂઠું બોલ્યા પછી જીવ દુ:ખી જ થાય છે. અ.૩૨,ગા.૩૧.
(૩૩) કર્મોના વિપાક અનુભવોને જાણીને ,જે જ્ઞાની હોય તે સદા કમૅ ક્ષય કરવાનો જ પુરુષાર્થ કરે.અ.૩૩,ગા.૨૫.
(૩૪) સાધકે સદા શુભ ભાવમાં જ રમણતાં કરવી જોઈએ. અ.૩૪,ગા.૬૧.
(૩૫) પરમાત્માએ પ્રરૂપેલ 👆માગૅની આરાધના કરવાથી જીવાત્માના ભવોભવનાં દુઃખ નો અંત આવે છે.અ.૩૫,ગા.૧.
(૩૬) પ્રભુ મહાવીર અંતમાં કહે છે🐜🕷 🏝🔌💡જીવ – 🥄⚽🔑✂અજીવના ભેદનું🔍 સુક્ષમ સ્વરૂપ જાણી અહીંસા ધમૅનું પાલન કરવા સદા જાગૃત રહેવું. અ.૩૬,ગા.૧.
મોક્ષમાં પધારતાં પહેલા પ્રભુ મહાવીરે અંતિમ દેશના – ઉપદેશમાં જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અણમોલ ભેટ આપી. 🎁
મહાવીર નિર્વાણ કલ્યાણકના ૨૫૫૦ વર્ષના પાવન અવસરે બે હજાર ગાથાઓ અને છત્રીસ અધ્યયનમાંથી ચૂંટેલી અમૃત કણીકાઓનું ચિંતન અને મનન કરીયે🙏
*(૧) અધ્યયન ૧ ગાથા ૪૨*
તીથઁકર 😷પરમાત્માએ બતાવ્યા મુજબ ધર્મ વ્યવહાર કરનાર કદાપિ નિંદીત થતાં નથી
*(૨) અધ્યયન ૨ ગાથા ૧૭*
બુધ્ધિમાન સાધુ 👩સ્ત્રીના સંગથી સદા દૂર રહે.
*(૩) અધ્યયન ૩ ગાથા ૧૨*
સરળ આત્મામાં જ ધમૅ વસે છે અને તેની જ શુધ્ધિ થાય છે.
*(૪) અધ્યયન ૪ ગાથા ૫*
આ લોક કે પર લોકમાં ધનથી રક્ષણ મેળવી શકાતું નથી.
*(૫) અધ્યયન ૫ अकाम मरणीय अध्ययन ગાથા ૨૨*
સંસારી 👴હોય કે સંયમી😷 જો તેઓ સારી રીતે વ્રતનું પાલન કરતાં હોય તો દિવ્ય ગતિ ને વરે છે.
(૬) અધ્યયન ૬ क्षुल्लक निर्ग्रन्थीय अध्ययन ગાથા ૭
દરેક જીવને સુખ પ્રિય છે,દુ:ખ કોઈને ગમતું નથી તેથી કોઈ જીવની હિંસા કરવી નહીં.
(૭) અધ્યયન ૭ उरभ्रीय अध्ययन ગાથા ૨૯
ક્ષમાદિ 🙏👏ધમૅનું જે જીવાત્મા પાલન કરે છે તેઓ દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
(૮) અધ્યયન ૮ कापिलीय अध्ययन ગાથા ૧૭
જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લોભ વધે છે.
(૯) અધ્યયન ૯ नमि प्रव्रज्या अध्ययन ગાથા ૪૮
ઈચ્છા 🌫આકાશની સમાન અનંતી છે.
(૧૦) અધ્યયન ૧૦ द्रुम पत्रक अध्ययन ગાથા ૨૨
પ્રભુ કહે છે…હે જીવ પ્રતિ સમય તારું આ શરીર ક્ષીણ થતું જાય છે,માટે ધમૅ ધ્યાન કરવામાં ક્ષણ માત્ર નો પ્રમાદ ન કર.
(૧૧) અધ્યયન ૧૧ बहुश्रुत पूजा अध्ययन ગાથા ૩
માન,ક્રોધ, પ્રમાદ,રોગ અને આળસને કારણે જીવ બોધને પામી શકતો નથી.
(૧૨) અધ્યયન ૧૨ हरिकेशीय अध्ययन ગાથા ૪૪
સંયમ જીવન 😷એ શાંતીનો શ્રેષ્ઠ પાઠ છે.
(૧૩) અધ્યયન ૧૩ चित्र संभूतीय अध्ययन ગાથા ૨૩
મહાવીરે કહ્યું કે કમૅ હંમેશાં કતૉને જ અનુસરે છે.
(૧૪) અધ્યયન ૧૪ इषुकारीय अध्ययन ગાથા ૧૩
કામભોગ ક્ષણ માત્રનું સુખ અને ઘણા કાળ સુધીનું દુઃખ આપે છે.
(૧૫) અધ્યયન ૧૫ सभिक्षु अध्ययन ગાથા ૧૦
સંયમનો સ્વીકાર કર્યા પછી ગ્રહસ્થી 👩👩👧👦સાથે અતિ પરિચય કેળવવો લાભદાયી નથી.
(૧૬) અધ્યયન ૧૬ ब्रह्मचर्य समाधि स्थान अध्ययन ગાથા ૧૬
દુષ્કર એવા બ્રહ્મચયૅ વ્રતનું પાલન કરનારને દેવો,દાનવો,ગંધર્વો,યક્ષો,રાક્ષસો,કિન્નરો 🙏નમસ્કાર કરે છે.
(૧૭) અધ્યયન ૧૭ पाप श्रमणीय अध्ययन ગાથા ૧૨
લડાઈ – કલહ વગેરેમાં સાધુ રસ દાખવતાં નથી.
(૧૮) અધ્યયન ૧૮ संयतीय अध्ययन ગાથા ૧૩
પરમાત્મા કહે છે.. આ જીવન વીજળીના ⚡ચમકારા જેવું ચંચળ છે.
(૧૯) અધ્યયન ૧૯ मृगापुत्रीय अध्ययन ગાથા ૧૬
સમગ્ર સંસાર દુઃખથી ભરેલો છે.
(૨૦) અધ્યયન ૨૦ महानिर्ग्रंथीय अध्ययन ગાથા ૩૭
આત્મા જ સુખ – દુઃખ નો કર્તા રહેલો છે.
(૨૧)અધ્યયન ૨૧ समुद्र पालीय अध्ययन ગાથા ૧૬
આ જગતમાં મનુષ્યના અનેક પ્રકારના અભિપ્રાયો હોય છે, દરેક બાબતમાં સમભાવ રાખવો
(૨૨) અધ્યયન ૨૨ रथनेमीय अध्ययन ગાથા ૨૬
સમયક્ જ્ઞાન – દશૅન – ચારિત્ર અને તપમાં સદા આગળ વધવું.
(૨૩) અધ્યયન ૨૩ केशी गौतमीय अध्ययन ગાથા ૬૮
જન્મ અને જરાથી ડૂબતાં પ્રાણીઓ માટે ધમૅદ્રીપ👌 શ્રેષ્ઠ સ્થાન છે
(૨૪) અધ્યયન ૨૪ प्रवचनमाता अध्ययन ગાથા ૨૭
જે જીવાત્મા પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે આચરણ કરે છે,એ સમસ્ત સંસારથી શીઘ્ર તરી જાય છે.
(૨૫) અધ્યયન ૨૫ यज्ञीय अध्ययन ગાથા ૩૦
કમૅ પોતાનું ફળ આપવા કદી કચાશ કરતું નથી, સ્વયં સમથૅ છે.
(૨૬) અધ્યયન ૨૬ सामाचारी अध्ययन ગાથા ૧૦
પ્રભુ કહે છે સ્વાધ્યાયથી સમસ્ત દુઃખો દૂર થાય છે.
(૨૭) અધ્યયન ૨૭ खलुंकीय अध्ययन ગાથા ૧૭
આચાર્ય 😷 હંમેશા મૃદુ, સરળ, ધીર – ગંભીર અને ચારિત્ર શીલ હોય.
(૨૮) અધ્યયન ૨૮ मोक्ष मार्ग गति अध्ययन ગાથા ૨
તીથઁકર પરમાત્માએ સમ્યક્ જ્ઞાન, દશૅન, ચારિત્ર અને તપને મોક્ષ માગૅ કહ્યો છે.
(૨૯) અધ્યયન ૨૯ सम्यक्त्व पराक्रम अध्ययन ગાથા ૪૩
વૈયાવચ્ચ કરવાથી તીથઁકર નામ કમૅ ઉપાજૅન થાય છે.
(૩૦) અધ્યયન ૩૦ तपो मार्ग गति अध्ययन ગાથા ૬
કરોડો ભવોના બાંધેલા કર્મો તપ દ્રારા નિજૅરી અને ખરી જાય છે.
(૩૧) અધ્યયન ૩૧ चरण विधि अध्ययन ગાથા ૩
રાગ અને દૈષ જન્મ – મરણનું પરિભ્રમણ કરાવે છે.
(૩૨) અધ્યયન ૩૨ प्रमाद स्थान अध्ययन ગાથા ૩૧
પ્રભુ કહે છે જૂઠું બોલતાં પહેલાં, જૂઠું બોલતી વખતે અને જૂઠું બોલ્યા પછી જીવ દુ:ખી જ થાય છે.
(૩૩) અધ્યયન ૩૩ कर्म प्रकृति अध्ययन ગાથા ૨૫
કર્મોના વિપાક અનુભવોને જાણીને ,જે જ્ઞાની હોય તે સદા કમૅ ક્ષય કરવાનો જ પુરુષાર્થ કરે.
(૩૪) અધ્યયન ૩૪ लेश्या अध्ययन ગાથા ૬૧
સાધકે સદા શુભ ભાવમાં જ રમણતાં કરવી જોઈએ.
(૩૫) અધ્યયન ૩૫ अणगार मार्ग गति अध्ययन ગાથા ૧
પરમાત્માએ પ્રરૂપેલ 👆માગૅની આરાધના કરવાથી જીવાત્માના ભવોભવનાં દુઃખ નો અંત આવે છે.
(૩૬) અધ્યયન ૩૬ जीवाजीव विभाग अध्ययन ગાથા ૧
પ્રભુ મહાવીર અંતમાં કહે છે 🐜🕷 🏝🔌💡જીવ – 🥄⚽🔑✂ અજીવના ભેદનું 🔍 સુક્ષમ સ્વરૂપ જાણી અહીંસા ધમૅનું પાલન કરવા સદા જાગૃત રહેવું.