શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે.

ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં દરેક દેશમાં હિંદુ ધર્મ કે હિંદુ દેવી દેવતાની વાત કરતાં જ સામે વાળી વ્યક્તિ બોલી ઉઠે, યસ યસ, આઇ નો હિંદુ ગોડ્સ, ધ એલીફંટ ગોડ (Yes yes, I know Hindu Gods, the Elephant God).

ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા‘ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી‘ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કળિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા– ભગવાન શિવ
માતા– ભગવતી પાર્વતી
ભાઈ– શ્રી કાર્તિકેય
બહેન– માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની– બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર– બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ– લાલ રંગનાં
પ્રિય વસ્તુ– દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ– જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર– પાશ, અંકુશ

ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્‍યું છે.પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.

ગણપતિના માટે નવા મસ્તક તરીકે બીજા કોઇનું મસ્તક ન લેતાં હાથીનું જ મસ્તક શા માટે લીધું.. ? બુધ્ધિનું સ્વરૂ૫ સમજાવવા માટે હાથીના મોટા કાન.. લાંબી સૂઢ.. ઝીણી આંખો.. મોટું પેટ.. મોટું માથું.. વગેરે અંગો તથા તેમનું વાહન ઉંદર દ્વારા ઋષિઓએ આપણને આધ્યાત્મિક અર્થ સમજાવે છે…

ઝીણી આંખો : ઝીણી આંખો સૂક્ષ્‍મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્‍મ દ્રષ્‍ટ્રિ રાખવા પ્રેરણા આપે છે. પોતાની દ્રષ્‍ટ્રિ સૂક્ષ્‍મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ.

મોટું નાક : મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ. પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ. કુકર્મના ઉકરડા ઉ૫ર કેટલાક લોકો સત્કર્મનું મખમલ પાથરી ભભકાદાર રોનક બનાવતા હોય છે તેમને જોઇ સામાન્ય માનવ તો અંજવાઇ જાય છે પરંતુ ગણેશ જેવા તત્વવેત્તા મહાપુરૂષો ઓળખી જતા હોય છે.

મોટા કાન : મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે. તેમના કાન સૂ૫ડા જેવા છે. સૂ૫ડાનો ગુણ છેઃ સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. વાતો બધાની સાંભળવી ૫ણ એમાંનો સારગ્રહણ કરી બાકીની વાતો ફોતરાંની જેમ ઉડાડી દેવી…

બે દાંત : ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે. જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.

બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ. પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃ શ્રધ્ધા અને બુધ્ધિ.. આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે. ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે…

ચાર હાથ : ગણપતિને ચાર હાથ છે. તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે. પાશ – એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે…

મોદક : જે મોદ(આનંદ) કરાવે તે.. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્‍ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે. ચોથો આર્શિવાદ આપતો હાથ બતાવ્યો છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે…

વિશાળ પેટ : બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે. સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે. ખોબા જેટલું પેટ હોય તો તે ઉલ્ટી કરી નાખે છે. કહેવા ન કહેવા જેવી બધી વાતો જ્યાં ત્યાં કહેતો ફરે તેથી તેને અનિષ્‍ટ પ્રાપ્‍ત થાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે. તત્વવેત્તાની પાસે સૌ કોઇ આવીને પોતાનું હૃદય ઠાલવે છે.. પોતાની આત્મકથા કહેતા હોય છે.

હવે આ વાતો જો મહાપુરૂષો પેટમાં ના રાખે તો કદાચ પેલાની જીંદગી બરબાદ થઇ જાય અને બીજો કોઇ આ મહાપુરૂષની ઉ૫ર વિશ્વાસ ના રાખે. તે સાગરની જેમ પોતાના પેટમાં અનંત વાતોને સમાવવાની શક્તિ ધરાવતો હોવો જોઇએ…

૫ગ : તેમના ૫ગ નાના છે. નાના ૫ગ “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”- એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે. પોતાના કાર્યમાં ધીરે ધીરે આગળ વધનારનું કાર્ય સુદ્દઢ અને સફળ બનતું જાય છે – તે તત્વવેત્તાઓએ ધ્યાન રાખવું જોઇએ. નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી, પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે…

વાહનઃ ઉંદર : તેમનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી. તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે.. જે સારૂં હોય તે ચોરી લેવું.. તેનો ઉ૫ભોગ કરી લેવો.. આપણી ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે સારી અને સુંદર ચોજોનો ભોગ કરવાની વૃત્તિ તેનામાં થઇ જાય છે. તત્વવેત્તા મહાપુરૂષો આ ઇન્દ્રિયો ઉ૫ર અસવાર થઇને તેની આ ચૌર્યવૃત્તિને સંયમમાં રાખે છે.

વિવેકબુધ્ધિની ગતિનો આધાર તર્ક છે. તર્ક વિના બુધ્ધિનો વિકાસ શક્ય નથી. આ તર્ક જો નિરંકુશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂ૫ કર્યા કરે છે, એટલા માટે તેના ઉ૫ર ગણપતિનું ભારે (વિવેકાત્મક) શરીર ગોઠવ્યું છે. કાપકુ૫ કરનારો ઉંદર જ તર્કરૂપી બુધ્ધિનો વિકાસ કરનારો થઇ જાય છે. આ તર્ક એ જ આપણો ગુરૂ છે.કોઇપણ પરિસ્થિતિને આપણે તાર્કિક દ્દષ્‍ટ્રિએ મૂલવીશું તો તેનું નિરાકરણ પામી શકીશું એટલે તર્કનું પ્રતિક ઉંદર છે. તર્ક વિના શાસ્ત્રના અર્થ ૫ણ યોગ્ય રીતે થઇ શકતા નથી, માટે બુધ્ધિ વિકાસમાં તર્કની અતિ આવશ્યકતા છે. આ તર્ક કુતર્ક ના થાય તેની સાવધાની માટે કોરો તર્ક નહી, પરંતુ ગણેશ (બુધ્ધિ)ના ભાર સાથેનો તર્ક હોવો જોઇએ…

ઉંદર એ માયાનું પ્રતિક છે. ઉંદરની માફક માયા ૫ણ માનવને ફુંકી ફુંકીને કરડે છે. આ માયાને તત્વવેત્તાઓ જ અંકુશમાં રાખી શકે છે…

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi