શ્રી જંબૂસ્વામી કથા
પૂર્વે ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. મોટાભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. તેણે તેના નાનાભાઈ ભવદેવને સમજાવી તરતની પરણેલી નાગીલાને છોડીને દીક્ષા અપાવી હતી. ભવદત્તમુનિના સ્વર્ગે ગયા પછી ભવદેવ પાછો નાગીલા સાથે સંસાર ભોગવવાના વિચારથી પોતાના ગામે આવ્યો પણ નાગીલાના ઉપદેશથી ચારિત્રમાં સ્થિર રહ્યો. તે જ ભવદેવનો જીવ વિદ્યુમ્ભાલી નામે દેવ થયો હતો. તે જ જીવે અષભ નામના શ્રેષ્ઠિની ધારિણી નામની સ્ત્રીના પુત્ર તરીકે જન્મ લીધો અને તેનું નામ જંબૂ રાખવામાં આવ્યું.
અનુક્રમે તે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુધર્માસ્વામી સમવસર્યા, તેમને વાંદવા જંબૂકુમાર ગયા. તેમની દેશના સાંભળીને પાછા ફરતા હતા, તે વખતે ગામના દરવાજે પેસતાં તેમને, શત્રુને મારવા માટે નગરના દરવાજા ઉપર અડધા લટકતા ભારવટાના ભારે લાકડાને જોઈને તેઓ વિચારે છે કે આ ભારે લાકડું માથા ઉપર પડે તો ? માટે હું પાછો વળીને સુધર્મા સ્વામી ગણધર પાસે જઈ જીવન પર્યત બ્રહ્મચર્યનું પચ્ચકખાણ લઈ આવું. આવું વિચારતાં તેઓ ગણધર પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય પાલનનું વ્રત લઈ ઘરે આવ્યા.
માતાપિતાને તેમણે કહ્યું કે, હું આપની આજ્ઞાથી શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું.” આવું વજ્ર જેવું તેમનું વચન સાંભળી માતાપિતાએ પોતાના પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુસક્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના સરસ ઉત્તરો આપીને જંબૂકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા. એટલે ફરીથી તે બોલ્યા કે,
“હે વત્સ ! તારા માટે પ્રથમથી નક્કી કરી રાખેલ આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તેને ગમે તેમ કરજે.” આ પ્રમાણે કહેવામાં તેનાં માતાપિતાએ વિચારેલ કે પરણ્યા પછી સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ સંસાર છોડી શકશે નહીં. જંબુમારે કમને માતાપિતાની આજ્ઞા માની, આઠે કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને પરણ્યા પહેલાં તે આઠે કન્યાઓને પોતાના મનોરથ જંબૂકુમારે કહેવરાવ્યા હતા. પણ આઠે કન્યાઓએ કહેલ કે, અમારે તો આ ભવમાં કે પરલોકમાં જંબૂકુમાર જ સ્વામી છે.” એમ કહીને તેઓ જંબુકમારને પરણી. લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર શયનગૃહમાં ગયો, ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિતપણે વૈરાગ્યની વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી એકેક વાર્તા દરેક સ્ત્રીએ કહી. તેના જવાબમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી
આ વાર્તાઓ ચાલતી હતી તે સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર, અવસ્થાપિની અને તાલોદ્દઘાટિની (તાળાં ઉઘાડે) વિદ્યાના પ્રભાવથી, જંબૂકુમારના મહેલમાં આવીને ચોરી કરવા લાગ્યો. તે સર્વને કોઈ દેવતાએ ચંભિત કર્યા. એટલે પ્રભવ ચોરે વિચાર્યું કે,
આ મહાત્માથી જ હું પરિવાર સહિત ચંભિત થયો છું.” એમ વિચારીને બધી સ્ત્રીઓને ઉત્તર-પ્રત્યુત્તર આપીને સમજાવતાં જંબૂકુમારની સામે પ્રગટ થઈ તેણે કહ્યું કે,
હે મહાત્મા ! હું આ દુષ્ટ વ્યાપાર, ચોરી કરવાના કામથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા લો અને તમારી સ્થભિની વિદ્યા મને આપો.”
તે સાંભળી જંબૂકુમાર બોલ્યા કે, હું તો પ્રાત:કાળમાં જ આ સાંસારિક બંધનોનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું. એટલે મારે તારી વિદ્યાની કોઈ જરૂર નથી. વળી હે ભદ્ર ! મેં કાંઈ તને ચંભિત કર્યો નથી. પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી પ્રેરાઈ તને ચંભિત કર્યો હશે. તેમ જ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી પણ સમસ્ત અર્થને સાધનારી શ્રી સર્વાભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું.”
એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો, હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી !
” જંબૂકુમારે જવાબ આપ્યો કે, “કિપાક વૃક્ષના ફળની જેમ અંતે દાણ કષ્ટને આપનારા અને દેખીતા જ માત્ર મનોહર એવા વિષયોને ક્યો ડાહ્યો માણસ ભોગવે ? મતલબ કોઈ ન ભોગવે એમ કહી તેણે પ્રથમ મધુ બિંદુનું દષ્ટાંત કહ્યું.
ફરીથી પ્રભવે કહ્યું કે, “તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે. કેમ કે પિંડ આપનારો પુત્ર ન હોય તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી”
તે સાંભળીને જંબૂકુમારે હસીને કહ્યું કે, “જો એમ હોય તો સૂવર, સર્પ, શ્વાન, ગોધા વગેરેને ઘણા પુત્રો હોય છે તેથી તેઓ જ સ્વર્ગે જશે. અને બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્ય પાળનાર સ્વર્ગે નહીં જાય ?
પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી તેમાં પહેલી અને સૌથી મોટી સમૂદ્રશ્રી બોલી કે, “હે સ્વામી ! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે ચારિત્ર લેવા ઇચ્છો છે ? જંબૂકુમારે જવાબ આપ્યો કે, “વીજળીની જેવી ચપલ લક્ષ્મીનો શો વિશ્વાસ ? માટે હે પ્રિયે તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.”
પછી બીજી પદ્મશ્રી બોલી કે,” છએ દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે, “આ દાનાદિક ગૃહસ્થીઓનો ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષો પાલન કરે છે અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે, “સાવઘનું પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહસ્થધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય ? કારણ કે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે.”
પછી ત્રીજી પધસેના બોલી કે, “કદલીના ગર્ભ જેવું કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી.” જંબૂએ કહ્યું કે, “અરે, કૃતઘ્ની અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?”
પછી ચોથી કનકસેના બોલી કે, “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું. તો તમે શું કાંઈ નવા મોક્ષની ઇચ્છાવાળા થયા છો ?” જંબૂએ કહ્યું કે, “જિનેશ્વરી અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રત યોગ્ય સમયને જાણે છે, માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યોની શી સ્પર્ધા ? પ્રાણીઓના જીવિત રૂપી મહા અમૂલ્ય રત્નને કાળ રૂપ ચોર અણચિંતવ્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમ રૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરીને પામે છે કે જ્યાં આ કાળ રૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી”
પછી પાંચમી નભસેના બોલી કે, હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીન એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઇચ્છા કરો છો ? જંબૂએ જવાબ આપ્યો કે, હે પ્રિયા ! સુધા, તૃષા, મૂત્ર, યુરીયા અને યોગાદિકથી પીડા પામતા આ મનુષ્ય દેહમાં ઇષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી
પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે, “પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાડ્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે ? કુમારે તેને જવાબ આપ્યો કે, “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરાબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ધદર્શીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જણને હિતકારી થતું નથી, કેમ કે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્ય દેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂળ ધન ખાનારની જેમ પરિણામે અતિપ્રાય દુ:ખને પ્રાપ્ત થાય છે. માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્ય જન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.”
પછી સાતમી કનવતી બોલી કે, “હે નાથ ! હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા’ એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો” જંબૂએ કહ્યું કે, “હું ગૌર અંગવાળી પ્રિયા ! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં, છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જેમ ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તો ભોગ જ ત્યાગ કરે છે.”
પછી છેલ્લી યશ્રી (આઠમી) બોલી કે, “હે સ્વામી ! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકાર રૂપ ઉત્તમ ધર્મને અંગીકાર કરનારા છો માટે ભોગને ઇછ્યા વિના પણ અમારા ઉપર ઉપકાર કરવા માટે અમને સેવો. વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવા રૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે. વળી, ક્ષાર સમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે, “હે પ્રિયા ! ‘ભોગથી ક્ષણ માત્ર દુ:ખ સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુ:ખ થાય છે એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે કમળના જેવાં નેત્રોવાળી પ્રિયા ! તેવા પ્રાંતે અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણના માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુ:ખ પામે છે તે સર્વજ્ઞ જ જાણે છે.”
આ પ્રમાણે કુમારના જવાબો સાંભળી તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે હાથ જોડીને બોલી કે, “હે પ્રાણનાથ ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.”
આ બધું જોઈને પ્રભવ ચોર પણ વિચારવા લાગ્યો કે, “ધન્ય છે આ મહાત્માને કે જેને લક્ષ્મી સ્વાધીન છે તે તેનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ જેવો હું તે જ લક્ષ્મીની વાંછના કરવા આવાં ચોરી જેવાં મહા પાપ કરું છું. માટે હું અત્યંત નિંદ્ય છું. મને અધર્મીને ધિક્કાર છે !” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભવ બોલ્યો કે, “હે મહાત્મા ! મને આજ્ઞા આપો, મારે શું કરવું ?”
જંબૂકુમારે જવાબ આપ્યો કે, “જે હું કરું તે તું પણ કર.”
પછી પ્રાત:કાળે સંઘ તથા પ્રભુપૂજન કરીને વડીલોને નમસ્કાર કરી કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને પુરુષોથી વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન લોકોને દાન કરતા અને લોકોને રંજન કરતા – વાજિંત્રોના નાદ સાથે જ્યાં સુધર્મા સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા. સાથે પોતાની આઠ પત્નીઓ પોતપોતાનાં માબાપ સાથે, પ્રભવ સહિત પાંચસો ચોરોને પણ લાવ્યા હતા. સર્વે સુધર્મા સ્વામી પાસે આવ્યા પછી નમન વંદન કરી જંબૂકુમારે પોતાના કુટુંબ અને ચોરો સહિત (૫૨૭) પાંસચો સત્તાવીશ જણાને દીક્ષા આપવા અનુરોધ કર્યો. એટલે સુધર્મા સ્વામીએ પોતાના હાથે જંબૂ કુમારને તેના પરિવાર સાથે તથા બધા ચોરોને પણ દીક્ષા આપી જંબૂસ્વામીને તેમના શિષ્ય તરીકે પ્રભવ મુનિની સોંપણી કરી.
શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને ગણધર પદવી આપી અને ત્યાર બાદ ચોપન વર્ષે જંબુસ્વામીએ પ્રભવ સ્વામીને ગણધર પદવી આપી.
પ્રભવ સ્વામી ગણધર થયા બાદ શ્રી જંબૂસ્વામીને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. આ કાળમાં જંબૂસ્વામી છેલ્લા મોક્ષે ગયા છે.