સાત ક્ષેત્રો

સાત ક્ષેત્રો

જૈન સંસ્કૃતિ વિશાળ અને વિરાટ છે. પરંતુ સરળતાથી સમજવા માટે એમ કહી શકાય કે જૈન સંસ્કૃતિ મુખ્યત્વે સાત ક્ષેત્ર/વિભાગની બનેલી છે. તેનાં એ સાત ક્ષેત્ર જૈન સંસ્કૃતિના લગભગ બધા જ અંગોને સમાવી લે છે. તેની આર્થિક વ્યવસ્થાનું ચોક્કસ માળખું છે અને તેનું ચોક્કસ નામ છે. એ ક્ષેત્ર અને એના નામો આ પ્રમાણે છે.

1. જિન ચૈત્ય અને 2. જિનમૂર્તિ – ચૈત્ય એટલે દેરાસર, દેરાસર અને મૂર્તિ અભિન્ન છે. દરેક દેરાસરમાં એક ભંડાર હોય છે. ભાવિકો દેરાસરમાં જઈને, પરમાત્માના દર્શન, સ્તુતિ, પૂજા કરીને ભંડારમાં યથાશક્તિ પૈસા નાંખે છે. પ્રભુજીને પ્રથમ પૂજા કરવા માટે, પ્રભુજીની આરતી ઉતારવા માટે ઘણી વખતે બોલી બોલવામાં આવે છે. સર્વોચ્ચ બોલી બોલનાર તેની નિયત રકમ ચૂકવે છે. પ્રભુજીને ભેટમાં રૂપે ધરાતી રકમ, બોલીની ચૂકવાતી રકમ તેમજ પ્રભુજીની ભક્તિના અન્ય નિમિત્તે અપાતી રકમ દેવદ્રવ્ય કહેવાય છે. દેવદ્રવ્ય એટલે દેવને અર્પણ કરેલું દ્રવ્ય. આ દેવદ્રવ્યનો ઉપયોગ દેરાસરના નવ-નિર્માણ માટે તેમજ દેરાસરના જિર્ણોદ્ધાર માટે જ કરી શકાય છે. દેરાસર અને મૂર્તિ સંબંધી કાર્યો માટે જ તેનો ઉપયોગ થઈ શકે છે. આ વ્યવસ્થાથી ઘણાં દેરાસરોનો જિર્ણોદ્ધાર થયો છે અને થાય છે. જે દેરાસરમાં દેવદ્રવ્ય પૂરતા પ્રમાણમાં અને વધુ હોય છે તે દેરાસરના ટ્રસ્ટીઓ જિર્ણોદ્ધારના કામ માટે દેવદ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને આપે છે. દેરાસરના નવનિર્માણમાં પણ અપાય છે.

3. જિનાગમ જ્ઞાન પૂજનીય છે. જ્ઞાનના ઉપકરણો-પુસ્તક, ગ્રંથ વગેરે પણ પૂજનીય છે. ભાવિકો ઉપાશ્રયે જાય છે ત્યાં સાધુ-સાધ્વીને વંદન કરે છે. એ પ્રસંગે વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરે છે. તેને જ્ઞાનપૂજન કહે છે. આ પૂજન નિમિત્તે ભાવિકો પૈસા અર્પણ કરે છે. જ્ઞાનપૂજનમાં મૂકાયેલ રકમને ‘જ્ઞાન-દ્રવ્ય’ કહેવાય છે. આ દ્રવ્યનો ઉપયોગ પ્રાચીન–અર્વાચીન ધાર્મિક ગ્રંથોના પ્રકાશનમાં કરવામાં આવે છે, એ ગ્રંથોના સંરક્ષણના ઉપયોગમાં પણ લેવાય છે. જ્ઞાનભંડાર કે પુસ્તકાલય માટે આ વિભાગના દ્રવ્યનો ઉપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ સાધુ-સાધ્વીજીને ભણાવતા પંડિતોનો પગાર ચૂકવામાં પણ કરવામાં આવે છે.

4-5. સાધુ અને સાધ્વી આ વિભાગ માટે નિયત દ્રવ્યને સાધુ-સાધ્વીની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. આ દ્રવ્યથી સાધુ-સાધ્વીની સમ્યક્ જીવન જરૂરિયાતો પણ પૂરી પાડવામાં આવે છે. આને ‘વૈયાવચ્ચ ખાતું પણ કહેવાય છે.

6-7. શ્રાવક અને શ્રાવિકા દીન અને દુ:ખી, આર્થિક રીતે નબળાં શ્રાવક-શ્રાવિકાઓના દુ:ખમાં સહભાગી બની તેમને અશુભ અને હિંસક મનોભાવોમાંથી (આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી) ઉગારી લઈને, ધર્મ ધ્યાનમાં સ્થિર કરવા સાધારણ ખાતા’ની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાતાના દ્રવ્યને ‘સાધારણ દ્રવ્ય’ કહેવાય છે. આ ઉપરાંત ‘જીવદયા’નો પણ એક વિભાગ રાખવામાં આવે છે. તે માટે મળેલા દ્રવ્યનો ઉપયોગ પશુ-પંખીઓની સારવાર માટે તેમજ જીવોને (ઢોરઢાંખરને) કસાઈખાનેથી છોડાવવા માટે કરવામાં આવે છે. આ સાતે ક્ષેત્રોના નિર્વાહ માટે જુદા જુદા દ્રવ્યોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે દ્રવ્ય (ધનરાશિ) જેક્ષેત્ર માટે નિયત હોય તે દ્રવ્ય (ધનરાશિ) તે જ ક્ષેત્રોમાં વપરાય છે. અન્ય ક્ષેત્રમાં નહીં જો કે જરૂર પડે તો નીચેના ક્ષેત્રોના દ્રવ્યોનો ઉપયોગ ઉપર-ઉપરના ક્ષેત્રોમાં કરી શકાય પણ ઉપરના ક્ષેત્રના દ્રવ્યનો ઉપયોગ નીચેના ક્ષેત્રો માટે નથી કરાતો. આવી એક પારંપરિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. ‘સાધારણ દ્રવ્ય’ નો ઉપયોગ બધાજ કાર્યો માટે થઈ શકે છે.🙏

Leave a comment

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi