🌷શ્રી અષ્ટાપદજી તીર્થ
➖➖➖➖➖➖➖➖➖
ઘણીવાર આપણે શાસ્ત્રોમાં અષ્ટાપદજીનું નામ સાંભળીએ છીએ. અષ્ટાપદજીના દર્શન કરતાં એ તીર્થ કયાં હશે? આવી જિજ્ઞાસા સહજ થાય છે. જૈન ધર્મનાં પ્રથમ તીર્થકરશ્રી ઋષભદેવજી ભગવાનનું નિર્વાણ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ઉપર થયું હતું. પ્રભુ ઋષભદેવ ભગવાન મહા માસના કૃષ્ણ પક્ષની તેરસે અષ્ટાપદગિરિ ઉપરથી મોક્ષે ગયા હતા. ઋષભદેવ ભગવાનના નશ્વર દેહનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તે પાવન ભૂમિ ઉપર ચક્રવર્તી ભરત મહારાજાએ ત્રણ ગાઉ ઊંચાઈવાળો સિંહનિષધા નામનો પ્રસાદ રત્નમય પાષાણથી બનાવડાવ્યો હતો. તેની ચારે તરફ પ્રભુના સમવસરણની જેમ સ્ફટિકરત્નના ૪ દ્વાર પણ બનાવડાવ્યા હતા. આ ચૈત્યમાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિ ઉપરાંત પોતાના ૯૯ ભાઈઓની દિવ્ય રત્નમય મૂર્તિઓ પણ પધરાવી હતી. આ ઉપરાંત પ્રભુની સેવા કરતી પોતાની એક પ્રતિમા અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપિત કરી હતી…

🌷આ અષ્ટાપદજી તીર્થ ભરત ચક્રવર્તી દ્વારા ત્રીજા આરામાં નિર્માણ કરાવેલ અને જ્યાં ૨૪ તીર્થંકર પ્રભુજીની સ્વ-સ્વ અંગ મુજબની સમનાસાએ શોભતી રત્નોની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવેલ અને જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પ્રભુના પ્રથમ પુત્રે અષ્ટ એટલે આઠ અને પદ એટલે પગથિયાં (આઠ પગથિયાં છે જેને તે) આવા આ અષ્ટાપદ નામે તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. જ્યાં પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાનું નિર્વાણ થયું છે.

🌷જ્યાં રાજા રાવણે વીણા વગાડી તીર્થંકર નામકર્મ બાંધ્યું તેમજ પ્રભુવીરના પ્રથમ ગણધર ગૌતમ સ્વામીએ સ્વલબ્ધિથી યાત્રા કરી મોક્ષ ગમનનો સંદેહને દૂર કરી ૧૫૦૦ તાપસોને પ્રતિબોધ કર્યા. ઈત્યાદિ આવા પવિત્ર તીર્થ અંગે કેવળજ્ઞાની પ્રભુના કાળમાં જેઓશ્રી સ્વયં મોજૂદ હતા.તે પૂ.સંથદાસગણી મહારાજા વસુદેવહિંડી નામના ગ્રંથમાં જણાવે છે કે, અવસર્પિણીના બાકીના ૩૯ હજાર વર્ષ પછી પણ ઉત્સર્પિણી કાળ સુધી આ અષ્ટાપદજી તીર્થ તીર્થરૂપે બિરાજતું હશે…

🌷પ્રભુ ઋષભદેવનું નિર્વાણ સાંભળી પગરખાં પહેર્યા વિના ભરત ચક્રવર્તી અષ્ટાપદજી ગયેલ હતા.
વિશ્વરચના પ્રબંધ પાના નં.૧૧૦ પૂ.ત્રિપુટી મ.સા. આગમ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવે છે કે અષ્ટાપદજી દક્ષિણ ભરતાર્થે મધ્ય કેન્દ્રમાં વેતાઢ્યથી દક્ષિણમાં ૧૧૪ યોજન ૧૧ કલા અને લવણ સમુદ્રથી ઉત્તરમાં ૧૧૪ યોજન ૧૧ કલા (અહિં ૧ યોજન=3600 માઈલ તથા ૧ કલા=૧૮૮ માઈલ ૩ ફર્લાંગ) ઉપર છે. તે સ્થાને શાશ્વતો સાથિયો છે.

🌷કવિરાજ શ્રી દીપવિજયજી મ. પણ શ્રી અષ્ટાપદજીની પૂજાની પ્રથમ ઢાળમાં ૧૧મી ગાથામાં કહે છે, આશરે એક લાખ ઉપર રે, ગાઉ પંચાશી હજાર રે મનવસિયા, સિદ્ધિગિરિથી છે વેગલો રે, અષ્ટાપદ જયકાર રે ગુણરસિયા !!૧૧!! અર્થાત ગાથા મુજબ શ્રી સિદ્ધગિરિ મહાતીર્થથી શ્રી અષ્ટાપદજી મહાતીર્થ ૧ લાખ ૮૫ હજાર ગાઉ દૂર છે.

🌷અષ્ટાપદ તીર્થ પર પૂર્વ દિશામાં આદિનાથ ભગવાન અને અજિતનાથ ભગવાન

🌷દક્ષિણ દિશામાં સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિના પદ્મપ્રભુ સ્વામી

🌷પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભ સ્વામી, સુવિધિનાથ શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ

🌷ઉત્તર દિશામાં ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ મહાવીર સ્વામીની મૂર્તિઓ છે.

🌷અષ્ટાપદ તીર્થ પર ચોવીસ તીર્થંકરોની મૂર્તિ એમના શરીરના માપ મુજબ શ્રી ભરત ચક્રવર્તીએ બનાવી હતી અને બધા જ તીર્થંકરોની નાસિકા એક જ લાઈનમાં આવે એ રીતે બનાવી હતી. કારણ કે, બધાના શરીરનું માપ એક સરખું નહોતું એટલે સ્થાપના સમયે જમીનની ઊંચાઈથી એડજેસ્ટ કરીનેે બધી જ નાસિકા સીધી રહે એ રીતે બનાવી હતી…

સગર ચક્રવર્તીના ૬૦૦૦૦ પુત્રોએ તીર્થરક્ષા માટે ખાઈ બનાવી અને ગંગાનું પાણી ખેંચીને ખાઈ ભરી દીધી…

વીરમતીએ હીરાનું તિલક ૨૪ ભગવાનોને લગાવ્યું. બીજા ભવમાં દમયંતિ નામની રાજકુમારી બની, જન્મથી તેમના લલાટમાંથી પ્રકાશ નીકળતો હતો…

જૈન રામાયણ, ૨૦માં તીર્થંકર મુનિસુવ્રત સ્વામીજીને સમકાલીન હતી. રાવણ જૈન શ્રાવક હતો જે નિયમિત અષ્ટાપદ પર ભક્તિ કરવા જતો હતો.એકવાર સતી મંદોદરી ભક્તિ ભાવ સાથે નૃત્ય કરી રહી હતી, ત્યારે વાદ્યનો તાર તૂટી ગયો, ત્યારે રાવણે પોતાના સાથળની નસ કાપી, વાદ્ય જોડી ઉત્કૃષ્ટ પ્રભુભક્તિ કરી, તેથી તેમનું તીર્થંકર નામ કર્મ ગોત્ર બંધાયું. તેઓ ચૌદમા ભવે મુક્ત થઇ તીર્થંકર બનશે. આવતી ચોવીસીના ઐરાવત ક્ષેત્રમાંથી તીર્થંકર બનશે..

જે સાધુ ચરમ શરીરી હોય તે જ અષ્ટાપદ પર્વત પર ચડી શકે અન્ય નહીં (ઉત્તરાધ્યયન નિર્યુકિત અ.ગા.૧૦)

આરિસા ભવનમાં પ્રવેશ કરતાં ભરત મહારાજાની આંગળીમાંથી વીંટી પડી ગઈ પછી બાકીના અંગો પરથી પણ દાગીના ત્યાગ કરતાં સંવેગ ઉત્પન્ન થયો, કેવળજ્ઞાન થયું અને દીક્ષા લીધી…

કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્રે જ્ઞાન વડે જાણીને તેમને (ભરત મહારાજાને) રજોહરણ આપ્યું અને તેમને નમન કર્યું. દશ હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ કેવલીપણમાં વિહાર કરતા ભરત મહારાજા અષ્ટાપદ પર્વત પર એક માસનું અનશન કરી મુક્તિ પામ્યાં….

🌷સ્તુતિ
આજ દેવ અરહિંત નમું, સમરું તારું નામ, જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચઉવિસે જોય મણિમય મૂર્તિ માણશું, ભરતે ભરાવી સોય.

🌷શ્રાવક કવિ ઋષભદાસ સત્તરમી સદી શ્રી અષ્ટાપદ પર્વત કૈલાસ હોવાનો અભિપ્રાય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યએ અભિધાન ચિંતામણીના ચોથા ભૂમિકાંડમાં કર્યો છે…

🌷શ્રી ગૌતમ સ્વામીએ ચારણ લબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરી ત્યાં એક રાત્રિ પસાર કરી પોતાના ’ચરમ શરીરપણા’ની ખાતરી કરી હતી તેમજ અષ્ટાપદની સ્પર્શના કરતા શ્રી જગચિંતામણી સ્તોત્રની રચના કરી હતી…

➖➖➖➖➖➖➖➖

*જૈન ધર્મગ્રંથો પ્રમાણે તીર્થકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા*.

*શ્રી અષ્ટાપદ તીર્થ એ મહત્ત્વનું તીર્થ છે અને એ હિમાલયના શાંત અને રમણીય પ્રદેશમાં આવેલું છે. ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ પર એમના પુત્ર ચક્રવર્તી રાજા ભરતે રત્નજડિત મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પ્રતિ લઈ જતાં આઠ પગથિયાં પરથી `અષ્ટાપદ’ શબ્દ પ્રચલિત બન્યો.*

અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથા તીર્થંકરો વિશેની ચોક્કસ માહિતી આપે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના (ઉપદેશ) આપતા હતા, ત્યારે કુતૂહલવશ ચક્રવર્તી રાજા ભરતે પૂછ્યું કે આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર થશે ખરા ? ત્યારે ભગવાને પ્રત્યુત્તર આપ્યો કે તમારો (ભરતનો) પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીરસ્વામી બનશે’. એ પછી આવનારી શ્રી ચોવીસીની સમજ આપી. આ રીતે ચક્રવર્તી રાજા ભરતને વર્તમાન શ્રી ચોવીસીની માહિતી જાણવા મળી હતી.

*જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની પાવન નિર્વાણભૂમિ શ્રી અષ્ટાપદ મહાતીર્થ વિશે કેટલીક ઉપલબ્ધ માહિતી જોઈએ.*

*૧ સ્થાન:-* અષ્ટાપદ પર્વત, (હિમાલયમાં કૈલાસ માનસરોવર પાસે પ્રચલિત માન્યતા મુજબ.).
*૨ વર્તમાન સ્થિતિ:-* અજ્ઞાત (જૈન સેન્ટર ઑફ અમેરિકા, ન્યૂયૉક એને શોધવા પ્રયત્નશીલ છે.)
*3 નિર્માણકાળ:-* લાખો-અબજો-ખર્વો વર્ષ પૂર્વે.
*૪ કોની સ્મૃતિ:-* જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ.
*૫ નિર્માતા:-* શ્રી ભરત ચક્રવર્તી

*અષ્ટાપદની સંભવિત જગ્યા કૈલાસ પર્વત (૬૬૩૮ મીટર)થી દક્ષિણ પૂર્વમાં ૫૯૯૬ મીટર ઊંચે હોવી જોઈએ. કૈલાસ પર્વત કાંગ રિંપોચે – ગંગ તિસેના નામે ઓળખાય છે. આ સ્થળ દેરાફૂગથી દક્ષિણ પૂર્વમાં ૫ કિ.મી., દોલ્યા લાથી દક્ષિણપશ્ચિમ ૫ કિ.મી., ઝુટુલફૂગથી ઉત્તર-પશ્ચિમ ૭.૫ કિ.મી., જ્ઞાનડ્રેગ મોનાસ્ટ્રીથી ઉત્તર પૂર્વ ૮ કિ.મી., સેરલુંગ ગોમ્પાથી ઉત્તર-પૂર્વ ૮.૫ કિ.મી., ડારપોચે અથવા યમદ્વાર અથવા મોક્ષદ્વારથી ઉત્તર-પૂર્વ ૯ કિ.મી.ના અંતરે આવેલું છે. તે પૂર્વમાં ૧૩ ડ્રીંગુગ કાંગ્યું ચોર્ટનથી ૨.૫ કિ.મી., સેર ડુંગ ચુકસમ લાથી પૂર્વમાં ૨ કિ.મી. અથવા ગંગપોસંગલમ લાથી દક્ષિણ પશ્ચિમમાં ૨.૫ કિ.મીટર આવેલું છે. તે જગ્યાએ સેરલુંગ ચુકસમ લા અને ગંગ-પો સંગલમ લાથી સહેલાઈથી પહોંચી શકાય છે.*

 

*શ્રી અષ્ટાપદ મહાતીર્થ*

૧.અત્યંત પ્રાચીન જૈન આગમ ગ્રંથો *(એકાદશ અંગાદિ આગમ)માં અષ્ટાપદનો મહાતીર્થ રૂપે ઉલ્લેખ મળે છે.*

૨. *અષ્ટાપદ તીર્થનો ઉલ્લેખ શ્રી આચારાંગસૂત્રની નિયુક્તિના ૩૩રમાં લોકમાં મળે છે.*

૩. જૈન *આગમ શ્રી સૂત્રકૃતાંગસૂત્ર’માં દર્શાવ્યા પ્રમાણે શ્રી ઋષભદેવ ભગવાને તેમના પુત્ર રાજા ભરત ચક્રવર્તીને અષ્ટાપદ પર દેશના (ઉપદેશ) આપી હતી.*

૪. જૈન *આગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની નિયુક્તિ અનુસાર* કોઈ પણ ભવ્યાત્મા પોતાની લબ્ધિથી *શ્રી અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે*, તે ચરમ-શરીરી (આજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનાર જીવ) કહેવાશે, અર્થાત *મોક્ષ પ્રાપ્ત કરશે*. (અધ્યાય ૧૦, સૂત્ર ૨૯૦)

૫. *શ્રી આવશ્યક નિર્યુક્તિ*’ માં પણ *અષ્ટાપદ તીર્થનું વર્ણન* પ્રાપ્ત થાય છે.

૬.* શ્રી કલ્પસૂત્ર’માં* અષ્ટાપદને ભગવાન *શ્રી ઋષભદેવની નિર્વાણભૂમિ તરીકે દર્શાવવામાં આવી છે.*

૭. *શ્રી નિશીથ ચૂર્ણિમાં અષ્ટાપદ પર્વત પર તીર્થકર શ્રી ઋષભ દેવ ભગવાનના મોક્ષગમનનું વર્ણન છે.*

૮. *આચાર્ય જિનપ્રભસૂરિ કૃત વિવિધ તીર્થકલ્પ’માં* અષ્ટાપદ તીર્થના કલ્પ વિશે એક અધ્યાય પ્રાપ્ત થાય છે. *તેમાં લખ્યું છે કે ગુરુ ગૌતમસ્વામી દક્ષિણ બાજુથી સિંહનિષિદ્યા-પ્રાસાદમાં પ્રવેશ્યા હતા.*

૯. *આચાર્ય ધર્મઘોષસૂરિ રચિત શ્રી અષ્ટાપદ મહાતીર્થકલ્પ’માં આ તીર્થ વિશે વર્ણન મળે છે* અને તેમાં લખ્યું છે કે સિંહનિષદ્યા-પ્રાસાદને ચાર બાજુ હતી.

૧૦. *વિશ્વકર્માકૃત જ્ઞાનપ્રકાશ દીપાર્ણવ’ ગ્રંથમાં અષ્ટાપદ ગિરિની રચના વિશે સવિસ્તાર નોંધ મળે છે*.

૧૧. *ઉત્તર પુરાણમાં જૈન તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર મળે છે*. એમાં એવું વર્ણન છે કે એમના પુત્ર ભરત ચક્રવર્તીએ અતીત, વર્તમાન તથા અનાગત એમ ત્રણે ચોવીસીની ૭૨ તીર્થકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણ મંદિરની રચના કરી.

૧૨. *ભગવાન મહાવીર સ્વામીએ એક વાર દેશનામાં કહ્યું હતું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વતની યાત્રા કરીને ત્યાં રાત્રિ વાસો કરી, આરાધના કરશે તે આ જન્મમાં મુક્તિ પામશે*. આશરે છવ્વીસસો વર્ષ પૂર્વે ભગવાન મહાવીરના પ્રથમ ગણધર *શ્રી ગૌતમસ્વામીએ પોતાની વિશેષ લબ્ધિથી આ તીર્થની યાત્રા કરી હતી* અને ત્યાં રાત્રિનિવાસ કરી આરાધના કરી હતી.

૧૩. *ગુરુ ગૌતમસ્વામીએ જગચિંતામણિ સૂત્ર’ની પ્રથમ એક ગાથાની રચના અષ્ટાપદ તીર્થ પર કરી હતી*. (પ્રબોધ ટીકા’ : ભાગ-૧) ષડાવશ્યક બાલાવબોધ’ ગ્રંથમાં લખ્યું છે કે તેમણે જગચિંતામણિ સૂત્ર’ની પહેલી એક ગાથાની રચના સાથે તીર્થ પર ચૈત્યવંદન કર્યું હતું.

૧૪. *વસુદેવ હિંડી’ ગ્રંથ (૨૧ માં અધ્યયન)માં ઉલ્લેખ છે કે આ પર્વત વૈતાઢ્યગિરિ સાથે સંબંધિત છે*. એની ઊંચાઈ આઠ માઈલ છે અને એની તળેટીમાં નિશદિ નદી વહે છે.

૧૫. *શ્રી જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં લખ્યું છે કે અષ્ટાપદગિરિ કોશલ દેશની ઉત્તર દિશામાં આવેલો છે*. ભગવાન ઋષભદેવના નિર્વાણના સ્થળે દેવરાજ ઇંદ્રએ ત્રણ સ્તૂપની રચના કરી હતી.

૧૬. *જુદા જુદા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અષ્ટાપદ અયોધ્યાથી ૧૨.૫ યોજન ઉત્તર દિશા તરફ આવેલો હતો અને સ્વચ્છ આકાશ હોય ત્યારે અયોધ્યાના વૃક્ષની ટોચ ઉપરથી તે જોઈ શકાતો અને તેના દર્શન થઈ શકતા હતા.*

૧૭. *શ્રી સિદ્ધાણં બુદ્ધાણં’ સૂત્ર (સિદ્ધસ્તવ સૂત્ર)માં અષ્ટાપદમાં જે ક્રમમાં તીર્થકરોની પ્રતિમા છે, તે ક્રમનું વર્ણન મળે છે*. – “ચત્તારિ-અ-દસ-દોય વંદિયા જિણવરા-ચઉવ્વીસા”

૧૮. *શ્રી પૂર્વાચાર્ય-રચિત “અષ્ટાપદ કલ્પ” (પ્રાચીન)માં આ તીર્થનું મહત્ત્વ તથા અહીં થયેલી મંગલકારી ઘટનાઓનું વિસ્તૃત વર્ણન ઉપલબ્ધ છે.*

૧૯. *કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’માં અષ્ટાપદ તીર્થનું વિગતે વર્ણન કર્યું છે*. એના દસમા પર્વના પ્રારંભે ઉલ્લેખ મળે છે કે જે અષ્ટાપદ પર્વત પર પોતાની આધ્યાત્મિક શક્તિ (લબ્ધિ)થી ચઢે છે અને તીર્થ પર એક રાત્રિ વસે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.

૨૦. *શ્રી ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહાભ્યામાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વાદ્ધકી રત્ન દ્વારા પ્રાસાદ બંધાવ્યો હતો.*

૨૧. *અભિધાન ચિંતામણિ પ્રમાણે કૈલાસ પર્વત રજતાદ્રિ, અષ્ટાપદ, સ્ફટિકાચલ, હિરાદ્રિ, હિમવત અને ધવલગિરિ જેવાં નામોથી ઓળખાય છે.*

૨૨. *પૂજ્ય સહજાનન્દઘનજી પોતાના પત્રોમાં લખે છે કે ૭૨ બિંબોની ત્રણ ચોવીસીઓ અહીં બરફમાં દટાયેલી છે*. તેઓ નોંધે છે કે કેટલાંક જિન બિમ્બો બૌદ્ધ ભિક્ષુઓ પાસે છે.

૨૩. *જૈન ગ્રંથો પ્રમાણે દરેક યુગમાં અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ હોય છે અને દરેક કાળમાં ૨૪-૨૪ તીર્થકરો થતા હોય છે*. *ભગવાન ઋષભદેવ* વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર છે. એમના જીવનનો ઉલ્લેખ જુદા જુદા ધર્મગ્રંથો, વેદ અને પુરાણમાં જોવા મળે છે. *તેઓ એ ગૃહસ્થાવસ્થામાં અસિ (તલવાર વગેરે સાધનનો ઉપયોગ), મસિ (શાહી અને કલમ) અને કૃષિ (ખેતી) બતાવી હતી. તેઓ આ અવસર્પિણીના પ્રથમ રાજા અને પહેલા ભિક્ષુ હતા.*

૨૪. *ઇતિહાસકારોના મત મુજબ પ્રાચીન સામાજિક સુધારણા દસથી બાર હજાર વર્ષ જૂની છે*. એમ.આઈ.ટી. અનુસાર માનવસભ્યતાનો પ્રારંભ તિબેટમાં થયો હતો. પશ્ચિમ તિબેટ, કાશમીર અને હિમાચલ પ્રદેશનો પ્રાચીન ઇતિહાસ આ મંતવ્યનાં પ્રમાણો ધરાવે છે.

૨૫. *ઈ. સ. પૂર્વે ૧૪૦૦માં જિયાના નામે ઓળખાતી સેમી તિબેટી પ્રજા શાંગ પ્રજા સાથે ભળી ગઈ હતી. જિયાન શબ્દ ‘જિન’ (તીર્થંકર) એટલે કે વિજેતાના પર્યાય રૂપે પ્રયોજાયો હોય.*

૨૬. *એક તિબેટના લેખ પ્રમાણે તીર્થકર ભગવાન મુનિસુવ્રતસ્વામીએ અષ્ટાપદ તીર્થ પર તપ અને ધ્યાન કર્યા હતાં.*

૨૭. *એક મંગોલિયન ભિક્ષુના મત પ્રમાણે તીર્થકર શ્રી ઋષભદેવે અષ્ટાપદગિરિ પર ધ્યાન અને તપ કર્યાં હતાં*. આ ઉલ્લેખ કંજૂદ અને તંજૂદ પુસ્તકોમાં જોવા મળે છે.

૨૮. *તિબેટમાં આવેલા પોતાલા મહેલ (દલાઈ લામાનો પૂર્વ નિવાસ)માં કેટલાક પ્રાચીન તાડપત્રીય ગ્રંથ છે*, જેમાં ઋષભદેવના અષ્ટાપદ-કૈલાસ પરના નિર્વાણનું વર્ણન મળે છે.

૨૯. *ગાંગરી કરચગ (Gangari Karchag) જે ગ્રંથ તિબેટી કૈલાસ પુરાણ તરીકે પ્રસિદ્ધ છે*, તે દર્શાવે છે કે કૈલાસ આખી સૃષ્ટિનું કેન્દ્ર છે. (આ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ થઈ રહ્યો છે.)

૩૦. *ગંગકારે તેશી (Gangkare Teashi) શ્વેત કૈલાસ (White Kailas) નામના પુસ્તકમાં દર્શાવે* છે કે અહીં બૌદ્ધ ધર્મીઓ પૂર્વે જેનો વસતા હતા. તેઓ ગ્યાલ ફાલ પા અને ૨ પુ પા (Gyan Phal Pa and Chean Pu Pa) તરીકે ઓળખાતા હતા. તેમના પ્રથમ ભગવાનનું નામ ખયુ ચોક – ભગવાન ઋષભનાથ હતું અને છેલ્લા ભગવાન ફેલ વા અર્થાત્ મહાવીર સ્વામી હતું. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ એના ઘણા સિદ્ધાંતો જૈન સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે

➖➖➖➖➖➖➖➖

આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા. આદિનાથ ભગવાન અને બીજા સાધુઓના ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનાલય બંધાવ્યું.

અષ્ટાપદ પર્વત પર ભરત ચક્રવર્તીએ સિંહ નિષધા નામનું જિનાલય બંધાવ્યું. તે એક યોજન લાબું , અડધો યોજન પહોળું અને ત્રણ ગાઉ ઊંચું હતું. ભરત ચક્રવર્તીએ 24 ભગવાનની નિજ દેહ પ્રમાણ , લાંછન , વર્ણ , યક્ષ – યક્ષિણી યુક્ત 4 દિશામાં રત્નની મણિમય પ્રતિમા ભરાવી હતી. સાથે મરુદેવી માતા , 99 સંયમી ભાઈઓ , બ્રાહ્મી અને સુંદરીની પ્રતિમા ભરાવી હતી.

અષ્ટાપદ તીર્થની પૂર્વ દિશામાં આદિનાથ ભગવાન અને અજિતનાથ ભગવાન. દક્ષિણ દિશામાં સંભવનાથ , અભિનંદન સ્વામી , સુમતિનાથ અને પદ્મપ્રભ સ્વામી. પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ , ચંદ્રપ્રભ સ્વામી , સુવિધિનાથ , શીતલનાથ , શ્રેયાંસનાથ , વાસુપૂજય સ્વામી , વિમલનાથ અને અનંતનાથ. ઉત્તર દિશામાં ધર્મનાથ , શાંતિનાથ , કુંથુનાથ , અરનાથ , મલ્લિનાથ , મુનિસુવ્રત સ્વામી , નમિનાથ , નેમિનાથ , પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી.

આ અષ્ટાપદ તીર્થ હિમાલયથી ઉત્તર દિશા તરફ જતાં આવે છે. અષ્ટાપદ તીર્થ શત્રુંજયથી આશરે 185000 ગાઉ દૂર છે. અષ્ટાપદ પર્વત 526 યોજન 6 કલાનો છે. અષ્ટાપદ તીર્થ 32 કોષ પ્રમાણ છે. અષ્ટાપદ તીર્થને 8 પગથિયાં છે. 1 પગથિયું 1 યોજનનું છે.

રાવણ અને મંદોદરીએ અષ્ટાપદ તીર્થ પર પ્રભુ ભક્તિ કરી હતી , પ્રભુ ભક્તિ કરતા રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા આવ્યા હતા અને એમને ત્યાં જગ ચિંતામણી સૂત્રની રચના કરી. આ તીર્થની સુરક્ષા કરવા માટે સગર ચક્રવર્તીના 60000 પુત્રોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. વીરસૂરિજી મ.સા. અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા હતા પણ ત્યાં રહેલ દેવના તેજને સહન કરી શક્યા નહી. મંદિરની પાસે રહેલી પૂતળીની પાછળથી પ્રભુના દર્શન કર્યા હતા.

મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય સ્વલબ્ધીથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને ત્યાં રહેલ ભગવાનની ભક્તિ કરે તે મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે.

➖➖➖➖➖➖➖➖

અષ્ટાપદ સંબંધી કથાઓ

૧. શ્રી આદિનાથ અથવા ઋષભદેવ ભગવાન :

ત્રીજા આરામાં ભરત ક્ષેત્રમાં નાભિકુલકરને ત્યાં મરૂદેવીની કુક્ષિમાં એક રાત્રિએ ભગવાન ઋષભદેવનો આત્મા સ્વર્ગમાંથી ચ્યવીને રાણી મરુ દેવીના ગર્ભમાં પ્રવેશ્યો. તે સમયે માતાએ ૧૪ સ્વપ્નો જોયાં અને ગર્ભકાળ પૂર્ણ થયા પછી ફાગણ વદ આઠમના દિવસે પુત્રરત્નને જન્મ આપ્યો. સૌધર્મ દેવલોકના અધિપતિ એવા સૌધર્મેન્દ્ર પાં ચરૂપ કરીને ભગવાનને મેરુપર્વત પર લઈ ગયા અને ત્યાં ચોસઠઇન્દ્રાદિએ જન્મ કલ્યાણકની ઉજવણી કરી.

શ્રી નાભિકુલકરની આજ્ઞાથી પ્રથમ રાજા શ્રી ઋષભદેવ બન્યા. તેઓએ સારું રાજ્ય ચલાવ્યું અને લોકોને અસિ, મણિ, કૃષિ એટલે કે જુદી જુદી કલા, કારીગરી, ભાષા, વાણિજ્ય, ખેતી અને આત્મરક્ષણ શીખવ્યા અને સભ્યસમાજની સ્થાપના કરી. સમય પસાર થતાં તેમણે રાજ્યનો ત્યાગ કરતાં પૂર્વે એક વર્ષ સુધી દાન (વરસી દાન) આપ્યું. અને અંતે બે દિવસના ઉપવાસ કરી સર્વસંગનો ત્યાગ કરવા પૂર્વક કેશલોચન કર્યું અને મોક્ષ પામેલા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી સાધુ બન્યા, તે વખતે ત્રણ જ્ઞાનના સ્વામી પ્રભુજીને મનઃપર્વવજ્ઞાન નામનું ચોથું જ્ઞાન પ્રગટ્યું.

૨. ભગવાન શ્રી ઋષભદેવનું વરસીતપનુ પારણું :

સાધુ તરીકે શ્રી ઋષભદેવ ભગવાન સળંગ ૧૩ માસ સુધી ઘેર ઘેર ગોચરી (આહાર) વહોરવા માટે ગયા, પરંતુ લોકો આ વિશે અજાણ હતા. તેમને આહાર આપવાને બદલે સોનું, ચાંદી અને કીમતી વસ્તુઓ આપવા લાગ્યા, જે તેઓ

જૈનધર્મના સાધુ હોવાના કારણે કંચન આદિના ત્યાગી હોવાથી સ્વીકારી શકે તેમ નહોતા. આખરે જ્યારે શ્રી ઋષભદેવ ભગવાન ભારતના ઉત્તર પ્રદેશમાં આવેલા હસ્તિનાપુર નગરમાં પહોંચ્યા, ત્યારે શ્રેયાંસકુમારે તેઓને વંદન કર્યા અને ગોચરી માટે તાજો શેરડીનો રસ વહોરાવ્યો. શ્રેયાંસકુમારે શેરડીના રસના ૧૦૮ ઘડાની ભગવાન શ્રી ઋષભદેવની હથેળીમાં ધાર કરી અને ભગવાને રસનું એક પણ ટીપું ઢોળાય નહીં એ રીતે વાપર્યો. સમગ્ર સૃષ્ટિ પ્રભુજીનું પારણું થવાથી આનંદિત થઈ. તે વખતે દેવો પોકારી ઊઠ્યાં કે અહો દાનમ’ અર્થાત ઉત્કૃષ્ટ દાન’. આ દિવસ અક્ષયતૃતીયા’ તરીકે ઓળખાય છે. તે સમયથી વરસીતપની શરૂઆત થઈ અને તેના પારણાની ઉજવણીનો પ્રારંભ થયો.

૩. ભગવાન શ્રી ઋષભદેવનું કેવળજ્ઞાન અને નિર્વાણ : •

ભગવાન ઋષભદેવે વર્ષો સુધી વિહાર કર્યો. ઉગ્ર તપસ્યા, સંયમી જીવન, ખુલ્લા પગે વિહાર અને પોતાની જાતને ધ્યાનમગ્ન રાખી. ભગવાન ઋષભદેવ સળંગ ત્રણ દિવસના ઉપવાસ (અઠ્ઠમ તપ) પછી જ્યારે વડના ઝાડ નીચે ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે ઇન્દ્ર અને બીજા દેવો ચોથા કેવળજ્ઞાન કલ્યાણકની ઉજવણી માટે એકત્રિત થયા. તેઓએ ભગવાન શ્રી ઋષભદેવના પ્રથમ ઉપદેશ માટે દિવ્ય સમોવસરણની રચના કરી. ઘણા કાળ પછી

જ્યારે ભગવાને જાણ્યું કે હવે તેમનો અંતિમ સમય આવી ગયો છે, ત્યારે ૧૦,૦૦૦ સાધુઓ સહિત અણસણ સ્વીકારવા (મૃત્યુ સુધી ઉપવાસ) માટે અષ્ટાપદ પર્વત પર પધાર્યા. છ દિવસના ઉપવાસ પછી ભગવાન નિર્વાણ પામ્યા, સિદ્ધ બન્યા. મોક્ષ પામી શુદ્ધ આત્મા બન્યા.

૪. રાજા ભરત ચક્રવર્તી :

શ્રી ભરત ચક્રવર્તી એ શ્રી ઋષભદેવ ભગવાનના સહુથી મોટા પુત્ર હતા. ભગવાન

શ્રી આદિનાથના નિર્વાણના સમાચાર સાંભળી તેઓને અંજલિ આપવા ભરત રાજા અષ્ટાપદ પર્વત પર પહોંચ્યા અને અગ્નિદાહ આપ્યો. અગ્નિસંસ્કારની વિધિ પછી શ્રી આદિનાથ ભગવાનની યાદગીરીમાં અષ્ટાપદ પર્વત પર રત્નમય (કીમતી રત્નોથી જડેલું) મંદિર બનાવવાનું નક્કી કર્યું અને ભગવાન શ્રી ઋષભદેવે એમના ઉપદેશમાં વર્ણવ્યા પ્રમાણેના ૨૪ તીર્થકરોની મૂર્તિ પ્રસ્થાપિત કરી.

૫. રાજા ભરત અને અરીસા મહેલ :

એક વાર રાજા ભરત ચક્રવર્તી મસ્તકથી પગ સુધી અલંકારોથી સુશોભિત થઈને પોતાના મહેલના અરીસામાં જોઈ રહ્યા હતા તેવામાં અચાનક એમના હાથમાંથી એક વીંટી નીચે પડી ગઈ. આ ખુલ્લી આંગળીએ એમને આશ્ચર્યચકિત કરી દીધા કે અલંકારો વગર એમનું શરીર કેવું દેખાય છે! પોતાના શરીર પરના તમામ અલંકારો દૂર કર્યા. એકાએક તેમને સમજાયું કે તેમના દેહની સુંદરતા અલંકારોને લીધે છે. તેમને લાગ્યું કે સાચી સુંદરતા ભૌતિક સુખમાં નહીં, પણ અંદર રહેલી છે. તેમને એમ પણ સમજાયું કે મેં મારી સુંદરતાની સંભાળ લેવામાં અને એને સુશોભિત કરવામાં ઘણાં વર્ષો બરબાદ કર્યા. હવે મારે દુન્યવી સુખો અને ઇચ્છાઓને છોડીને આંતરિક સુખને માટે કાર્યરત બનવું જોઈએ. આવા વિચારથી ધ્યાનની ઉચ્ચગતિ પ્રાપ્ત થતાં ઘાતકર્મથી મુક્ત થયા અને એ જ ક્ષણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યારે ઇન્દ્ર દ્વારા અપાયેલ સાધુવેષનો સ્વીકાર કરી ઘણા કાળ સુધી પૃથ્વીતળ પર વિચર્યા. અન્ત, શ્રી અષ્ટાપદ પર્વત પર અણસણ સ્વીકારીને મોક્ષ પામ્યા.

૬. શ્રી ગૌતમસ્વામી :

જ્યારે ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ચતુર્વિધ શ્રીસંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમાવેશ કરવામાં આવતો સમાજ)ની પાવાપુરીમાં સ્થાપના કરી, ત્યારે શ્રી ગૌતમસ્વામી ૫૦૦ શિષ્યો સાથે શ્રી મહાવીરસ્વામીના પ્રથમ ગણધર (શિષ્ય) બન્યા.

એક વાર ભગવાન શ્રી મહાવીરસ્વામીએ દેવે પૂછેલા પ્રશ્નના જવાબ સ્વરૂપે દેશનામાં જણાવ્યું કે “જે વ્યક્તિ અષ્ટાપદ પર્વત પર જઈને ૨૪ તીર્થકરોને સ્તવે, તેને એ જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.” ગણધર શ્રી ગૌતમસ્વામીજીએ આ વાત દેવો પાસેથી સાંભળી ત્યારે મોક્ષ પામવાના ભાવથી તેમણે ભગવાન શ્રી મહાવીરસ્વામીની અનુમતિ માંગી. પ્રભુજીએ અનુમતિ આપતા શ્રી અષ્ટાપદતીર્થ તરફ પ્રયાણ કર્યું.

જ્યારે ગણધર ભગવંતશ્રી ગૌતમસ્વામી અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યા ત્યારે તેમણે જોયું કે ત્રણ તપસ્વી સાધુઓ તેમના દરેકના ૫૦૦ શિષ્યો સાથે અષ્ટાપદ પર્વત ચઢવા પ્રયાસ કરતા હતા. એમાંનું એક જૂથ એક પગથિયા સુધી પહોંચ્યું હતું, બીજું જૂથ બે પગથિયા સુધી પહોંચ્યું હતું અને ત્રીજું જૂથ ત્રણ પગથિયાં સુધી પહોંચી શક્યું હતું. આનાથી આગળ કોઈ ચડી શક્યું નહોતું. સૂર્યનાં કિરણો અને આધ્યાત્મિક શક્તિ (આત્મ-લબ્ધિ)ની સહાયથી શ્રી ગૌતમસ્વામીજી અષ્ટાપદ પર્વત ચઢી ગયા. તેઓએ ત્યાં જઈ ૨૪ તીર્થકરોની સ્તુતિ કરી અને રાત્રિ પસાર કરી. અહીં તેઓએ જગચિંતામણિ સૂત્ર’ની પ્રથમ ગાથાની રચના પણ કરી.

જગ-ચિન્તામણિ ચૈત્યવંદન ઇચ્છા-કારેણ સંદિસહ ભગવન્! ચૈત્ય-વન્દન કરૂં? ઇચ્છે. જગ-ચિન્તામણિ! જગ-નાહ! જગ-ગુરૂ! જગ-રખ્ખણ! જગ-બંધવ! જગ–સત્યવાહ! જગ-ભાવ-વિઅખૂણ! અદ્વાવય-સંકવિએ-રૂવ! કમ્પ-વિણાસણ! ચઉવીસ પિ જિણવર ! જયંતુ અ-પ્પડિય-સાસણ. ……..

એ રાત્રિએ સ્વર્ગમાંથી વૈશ્રમણ (શ્રી વજૂસ્વામીજીનો પૂર્વભવ) નામના દેવ પણ ભક્તિ માટે ત્યાં આવ્યા. તેમણે શ્રી ગૌતમસ્વામીજીને જોયા. તેઓ ખૂબ સુંદર અને સશક્ત દેખાતા હતા. તેઓ વિચારે છે કે આ સાધુ તપ કરવા છતાં આટલા તંદુરસ્ત કઈ રીતે છે ? શ્રી ગૌતમસ્વામીએ તેમના મનને વાંચી લીધું અને એમણે પુંડરિક અને કંડરિકની વાર્તા કહી અને સમજાવ્યું કે કૃશ શરીર એ તપનું સૂચક નથી, પરંતુ ઉચ્ચ ધ્યાન દ્વારા આત્માને કાબૂમાં રાખવો તે જ સાચું તપ છે. આ રીતે તેમણે સ્વર્ગમાંથી આવેલા દેવનો સંશય દૂર કર્યો અને પ્રતિબોધ કર્યો.

બીજા દિવસે સવારે જ્યારે શ્રી ગૌતમસ્વામીજી નીચે પધાર્યા, ત્યારે તેમની આ સિદ્ધિથી પ્રભાવિત થયેલા બધા તાપસોએ તેમના શિષ્યો બનવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રી ગૌતમસ્વામીજીએ તેમને સૂચવ્યું કે તેઓ ભગવાન શ્રી મહાવીરસ્વામીના શિષ્ય બને. અંતે તેઓની તીવ્ર ઇચ્છા હોવાથી તેમણે તેઓને દીક્ષા આપી. આ બધા તપસ્વીઓને ત્રણ દિવસના ઉપવાસ હોવાથી શ્રી ગૌતમસ્વામીએ તેમના પારણાં માટે ખીર (દૂધમાં રાંધેલા ભાત) વહોરીને લાવ્યા. આ બધાને થઈ રહે તેટલી પૂરતી ખીર ન હોવા છતાં પોતાની લબ્ધિથી ખીરના પાત્રમાં અંગૂઠો રાખીને દરેકને ખીરનું પારણું કરાવ્યું. પારણા દરમિયાન ૫૦૧ તપસ્વી કેવળી બન્યા.

શ્રી ગૌતમસ્વામી શ્રી ગૌતમસ્વામી અને નાગકુમાર અને તાપસ ખીરપારણું ચક્રવર્તી સગરના પુત્રો રસ્તામાં શ્રી ગૌતમસ્વામી શ્રી મહાવીરસ્વામીનું વર્ણન કરતા હતા તે સાંભળીને બીજા ૫૦૧ તાપસ કેવળી બન્યા. સમવસરણ પાસે આવતા ભગવાન મહાવીરસ્વામીને સમવસરણમાં જોતાં જ બાકીના ૫૦૧ તાપસ કેવળી બન્યા. એ સમયે ગૌતસ્વામીએ બધા તાપસોને બીજા સાધુઓ પાસે બેસવા જણાવ્યું, ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “ગૌતમ, આ બધા કેવળીની આશાતના ન કરો.” ત્યારે શ્રી ગૌતમસ્વામીને સમજાયું કે આ બધા તાપસ કેવળી બન્યા છે.

૭. નાગકુમાર અને ચક્રવર્તી સગરરાજાના પુત્રો

ચક્રવર્તી સગર રાજાને સાઈઠ હજાર પુત્રો હતા. એક વાર તેઓ અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા અને ૨૪ તીર્થકરોની સ્તવના કરી. તેઓ અષ્ટાપદની સુંદરતા જોઈને પ્રભાવિત થયા અને આવી કીમતી રત્નોથી બનેલું તીર્થ જોઈને એની સુરક્ષા અંગે તેઓને ભય ઊપજ્યો અને થયું કે સમય જતાં કદાચ આ નાશ પામશે. આ તીર્થની સુરક્ષા માટે પર્વતની આસપાસ ઊંડી ખાઈ ખોદાવી. આ ખોદતી વખતે દેવતાના આવાસમાં માટી ધસવા લાગી.

નાગકુમાર દેવ ઘણા રોષે ભરાયા અને આવેશમાં રાજકુમારો પાસે ગયા. રાજકુમારોએ નાગકુમાર દેવતાની માફી માંગી અને સમજાવ્યું કે તેઓ અષ્ટાપદ તીર્થની સુરક્ષા માટે ખાઈ ખોદી રહ્યા છે. નાગકુમારે તેઓને માફી આપી અને ત્યાંથી પોતાના આવાસે પાછા જતા રહ્યાં. બધા રાજકુમારોએ વિચાર્યું કે સમય જતાં તો આ ખાઈ પુરાઈ જશે, તેથી તેઓએ ગંગાના પવિત્ર જળથી ખાઈને પૂરવાનું નક્કી કર્યું. તે ખાઈ પૂરતા નાગકુમાર દેવતાના આવાસમાં ફરીથી માટી અને પાણી ધસી ગયા. તેથી ફરી છંછેડાયેલા નાગકુમારે અગ્નિની જ્વાળા દ્વારા ૬૦,૦૦૦ રાજકુમારોને ભસ્મીભૂત કરી દીધા. અને તેઓ તીર્થરક્ષાના મહાન સુકૃતના બળે મરીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ચક્રવર્તી સગર રાજાએ પોતાના ૬૦,૦૦૦ પુત્રોના નિધનના દુઃખદ સમાચાર જાણી દુન્યવી જીવનનો ત્યાગ કરી બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી.

૮. પ્રતિવાસુદેવ રાજા રાવણ અને વાલિ મુનિ

એક વાર રાજા રાવણ અષ્ટાપદ પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એમનું વિમાન અચાનક અટક્યું. આનું કારણ એ હતું કે એણે માર્ગમાં કાયોત્સર્ગ ધ્યાનસ્થ મુનિ વાલિને વંદન ન કર્યા. વિમાન માર્ગે આવતાં ત્યાગી મહાત્માને વંદન કરવા જોઈએ, તેની ઉપેક્ષા કરવાથી વિમાન અટકી જાય. પોતાની ભૂલ છતાં પૂર્વના વેરને યાદ કરીને રાજા રાવણ ઘણો ગુસ્સે થયો. એણે વાલિ મુનિને શિક્ષા કરવાનું નક્કી કર્યું. રાજા રાવણે વાલિ મુનિ સાથે આખો પર્વત સમુદ્રમાં નાખી દેવાના હેતુથી પર્વત ઊંચકવાની શરૂઆત કરી. વાલિ મુનિને પોતાના વિશિષ્ટ જ્ઞાન (અવધિજ્ઞાન)થી આની જાણ થઈ એટલે મંદિરના રક્ષણ ખાતર એમણે અંગૂઠાથી પર્વતને દબાવ્યો. અસહ્ય દબાણને કારણે રાજા રાવણ પર્વત નીચે દબાયો. જોરશોરથી રાડ પાડવા લાગ્યો, માંડ-માંડ તે સંકટથી બચી શક્યો અને તપસ્વી વાલિ મુનિની હાર્દિક ક્ષમાપના માંગી.

ત્યાર પછી રાવણ પોતાની પત્ની મંદોદરી સાથે અષ્ટાપદ પર્વત પર ભક્તિ માટે ગયો. ખૂબ આનંદ સાથે મંદોદરી નૃત્ય કરવા લાગી અને રાવણ વીણા વગાડવા લાગ્યો. અચાનક વીણાનો તાર તૂટી ગયો, ત્યારે તેણે વિચાર્યું કે મંદોદરીના નૃત્યમાં વિક્ષેપ થશે એમ માનીને પોતાના જાંઘમાંથી લઘુ-લાઘવી વિદ્યાથી નસ ખેંચીને વીણામાં તૂટેલા તારની જગ્યાએ લગાવી અને વીણા વગાડવાનું ચાલુ રાખ્યું. આવી ભક્તિના પ્રભાવે રાજા રાવણે તીર્થંકર નામકર્મ નીકાચિત કર્યું. તેઓ ભવિષ્યની ચોવીસીમાં તીર્થકર થશે. અહીં રાજા રાવણને અષ્ટાપદના દર્શને આવેલા ધરણેન્દ્રદેવ મળ્યા. તેઓ એની સંગીતકલા અને ભક્તિથી ખૂબ પ્રભાવિત થયા, તેના ફળસ્વરૂપે વરદાન માગવા ખૂબ વિનંતી કરી. ત્યારે રાજા રાવણે ફળ સ્વરૂપે મોક્ષની માંગણી કરી. તે આપવા અસમર્થ ધરણેન્દ્ર દેવે ખૂબ આગ્રહ કરીને તેમણે વિજયા નામની અમોઘ વિદ્યાશક્તિ અર્પણ કરી.

૯. રાણી વીરમતી

શ્રી દમયંતી રાણી એમના પૂર્વભવમાં વીરમતી રાણી હતાં. તેઓ એક વાર મમણ રાજા સાથે પ્રવાસ કરતાં હતાં, ત્યારે એક મુનિરાજ મળ્યા. મુનિરાજ દુન્યવી બાબતો ક્ષણભંગુર હોવાનો ઉપદેશ આપતાં મમ્મણ રાજાએ પશ્ચાત્તાપપૂર્વક મુનિરાજને નમન કર્યા. એમણે મુનિરાજને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? મુનિરાજે પ્રત્યુત્તર આપ્યો કે તેઓ અષ્ટાપદ તીર્થ પર ભક્તિ કરવા જઈ રહ્યા છે. રાણી વીરમતીએ પણ અષ્ટાપદ જઈ ભક્તિ કરવાનું નક્કી કર્યું. દીર્ધ તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલાં શાસનદેવી એમને વિમાનમાં લઈને અષ્ટાપદ તીર્થ પર આવ્યાં. અહીં તેમણે ૨૪ તીર્થકરની સ્તુતિ કરી. પ્રત્યેક પ્રતિમાના મસ્તક ઉપર રત્નજડિત સુવર્ણ તિલક કર્યું. પરિણામે પછીના ભાવમાં રાણી દમયંતીના મસ્તક પર ચળકતા લાલ રંગવાળા માણેકની માફક એનું ભાલતિલક ચમકતું હતું. પૂર્વે દરેક તીર્થકરોને તેમણે ભાવપૂર્વક તિલક ચઢાવ્યા હતા, તેનું એ પરિણામ હતું.

વીસમાં તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી તેમના શિષ્યો સહિત ધ્યાન અને તપ માટે અષ્ટાપદ પર્વત પર ગયા હતા. તિબેટના ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન આદિનાથ પછી આ એક જ તીર્થકર એવા છે જે ધ્યાન અને તપ માટે અષ્ટાપદ ગયા હતા.

➖➖➖➖➖➖➖➖

|| માનવસંસ્કૃતિના ગૌરવ સમાન અષ્ટાપદ પર્વતની ખોજ ! ||

અષ્ટાપદ :- જૈન ધર્મનાં અનુયાયી માટે ‘અષ્ટાપદ ’ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે.

ભારતના અનેક પ્રાચીન ગ્રંથોમાં જેનું ખૂબ વિગતે વર્ણન મળે છે અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવની જે નિર્વાણભૂમિ છે એવા હિમાલયમાં આવેલા અષ્ટાપદની ખોજ કરવા માટે સંશોધકો છેલ્લા એક દાયકાથી ભગીરથ પ્રયાસ કરતા હતા. કૈલાસની આસપાસના પર્વતો પરની પગપાળા યાત્રાથી માંડીને આકાશી સેટેલાઈટ દ્વારા એને શોધવાનો પ્રયત્ન ચાલતો હતો. અંતે કૈલાસ-અષ્ટાપદ ચીનના અત્યંત રમણીય એવા સીચુઆનના દક્ષિણ-પશ્ચિમમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ.

આ સ્થાન ચીન-તિબેટની સીમાની નજીક અને કોકોનાર સરોવર પર આવેલું છે. ૧૯૩૦માં જોસેફ રોક નામના અંગ્રેજ સંશોધકે નોંધ્યું છે કે આ સ્થાન જોનારો હું વિશ્વનો સર્વપ્રથમ માનવી છું. એ લખે છે કે આ પૃથ્વી પર આનાથી બીજું કોઈ સુંદર ક્ષેત્ર નથી. અહીં આવેલી એક ગુફામાં પદ્ સંભવ દ્વારા એમ લખવામાં આવ્યું છે કે બધા બુદ્ધ આ પર્વત પર સમાહિત છે એટલે આ પર્વતના દર્શન માત્રથી સઘળાં પાપ દૂર થઈ જાય છે. બરાબર આવું જ વર્ણન જૈન સાહિત્યમાં અષ્ટાપદ વિશે પ્રાપ્ત થાય છે, જેમાં ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહે છેઃ

‘આત્મલબ્ધિ અને સ્વવીર્યબળથી અષ્ટાપદ પર્વત પર જઈને ભરત ચક્રવર્તી નિર્મિત ચૈત્યમાં બિરાજમાન ચોવીસ તીર્થંકરોની જે વંદના કરે, તે અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરશે.’

કૈલાસ પર્વત પર ચારે બાજુ સુંદર પર્વતમાળાઓ છે અને એની પરિક્રમા કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. એમ કહેવાય છે કે એની ત્રણવાર પરિક્રમા કરવાથી સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એની દક્ષિણ-પશ્ચિમમાં ‘દેઓચેંગ’ એટલે કે દેવસ્થાન છે, જેના પર ત્રણ મુખ્ય પર્વત અને ભગવાન ઋષભદેવના પુત્રએ બનાવેલો સિંહનિષિદ્યા પ્રાસાદ છે. એની પરિક્રમામાં આઠ સિવાન છે, એથી એને અષ્ટાપદ કહે છે. જ્યારે આકાશ ચોખ્ખું હોય, ત્યારે દૂરથી આ પર્વત પર આવેલી ગુફાઓ અને મંદિરો જોઈ શકાય છે. આ પર્વતની પવિત્રતા જાળવવા માટે એના પર આરોહણ કરવાની અનુમતિ નથી.

એક નોંધપાત્ર બાબત એ છે કે અહીંના સ્થાનિક લોકો કૈલાસ અને અષ્ટાપદને એક જ ભગવાનના ક્ષેત્ર માને છે. કૈલાસની પૂર્વમાં મુનિઓની નિર્વાણભૂમિ આવેલી છે, જેને ‘મુનિ વેલી’ કહેવામાં આવે છે. એનાથી થોડે દૂર ઝરણાં આવેલાં છે અને રંગબેરંગી ફૂલોથી વાતાવરણમાં સુગંધનો અનુભવ થાય છે. એમ કહે છે કે અહીં આવનારને જાણે પોતે કોઈ દિવ્યલોકમાં વિચરતો હોય તેવો અનુભવ થાય છે.
રાજસ્થાનના ધોમધખતા તાપમાં વર્ષો પૂર્વે અથાગ પરિશ્રમ કરીને રાજસ્થાનના ઇતિહાસનું સંશોધન કરનાર કર્નલ ટોડ નોંધે છે કે ચીનમાં ઋષભદેવને ‘આડીન’ના રૃપમાં પૂજવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે ચીનના આ ક્ષેત્રને ‘આડેન ક્ષેત્ર’ કહેવામાં આવે છે. ભારતમાં ભગવાન ઋષભદેવનેમાટે ભગવાન આદિનાથ શબ્દ પ્રયોજાય છે અને આ આદિ શબ્દ ‘ઓડિન’થી પ્રચલિત થયો હશે એમ માનવામાં આવે છે.

એક નવી વાતએ છે કે એક અંગ્રેજ સંશોધક જોસેફ રોકે ૧૯૩૦માં એના વર્ણનોમાં ‘રિષમ ગોનબા’નો ઉલ્લેખ કર્યો છે.
ઉચ્ચારણની દ્રષ્ટિએ વિચાર કરીએ તો ‘ઋષભ ગુફા’નું આ અપભ્રંશ છે. આ ક્ષેત્રની આસપાસ વિખ્યાત સંશોધિકા ડૉ. લત્તા બોથરાને અનેક આશ્ચર્યજનક મૂર્તિઓ જોવા મળી, જેમાં અંબિકા માતાની મૂર્તિ પણ જોવા મળી હતી. અષ્ટાપદના આ સંશોધન દરમિયાન ડૉ. લત્તા બોથરા અને ડૉ. પી.એસ. ઠક્કર પાસેથી અનેક નવી માહિતી ઉજાગર થઈ.

એવી પણ જાણકારી પ્રાપ્ત થઈ કે ચીની-તુર્કસ્તાનના ખોતાન શહેરનો સંબંધ પ્રાચીનકાળથી ભારત સાથે હતો. એમાં વર્ણવવામાં આવેલા સાહિત્યમાં એવી નોંધ મળે છે ઓરમાન માતાના ષડ્યંત્રને કારણે સમ્રાટ અશોકનો પુત્ર કુણાલ અંધ થઈ ગયો અને એ તક્ષશિલા છોડીને ચાલી નીકળ્યો અને એણે અહીં ખોતાન નામનું શહેર વસાવ્યું. કુણાલ સાથે જે લોકો ગયા હતા એ બધા ત્યાં જ વસી ગયા.

જૈન સાહિત્યમાં એવું વર્ણન આવે છે કે કુણાલે ત્યાંથી આવીને પોતાના પુત્ર સંપ્રતિને માટે રાજ્ય પ્રાપ્ત કર્યું. એ સર્વ વિદિત છે કે કૃણાલ અને સંપ્રતિ એ જૈનધર્મના અનુયાયી હતા અને સંપ્રતિએ સમ્રાટ બન્યા પછી પોતાના તાબાનાં બધાં જ રાજ્યોમાં જૈન ધર્મનો પ્રસાર અને પ્રચાર કર્યો હતો. ખોતાનની પાસે આવેલા નિયાસે ક્ષેત્રમાંથી તોખારિયન લેખ પ્રાકૃત ભાષામાં મળે છે, જેને અત્યાર સુધી ઘણા લોકો બૌદ્ધ ધર્મનો લેખ માનતા હતા. માનવસંસ્કૃતિનો ઉદ્ભવ પૂર્વમાં થયો હતો એમ માનવામાં આવે છે. તિબેટ, ચીન, જાપાન, વિયેટનામ, થાઈલેન્ડ, કંબોડિયા, બર્મા તથા પૂર્વ ભારત એ સંસ્કૃતિનું મૂળ કેન્દ્ર હતાં. અહીંથી માનવ સભ્યતાનો વિકાસ થયો અને તે પશ્ચિમ તરફ ગયો. આજે ભારતમાં પણ પશ્ચિમી ભારત અને પૂર્વ ભારતની સંસ્કૃતિમાં પણ મૂળભૂત અંતર જોવા મળે છે. દેશનાં પૂર્વીય ક્ષેત્રો પ્રમાણમાં આજે પછાત છે, પણ એક સમયે એને સભ્યતાના ઉત્કૃષ્ટ પ્રતીક માનવામાં આવતાં હતાં, આથી જ આદિતીર્થંકર ઋષભદેવ જેમણે મનુષ્યજાતિમાં અસિ, મસિ અને કૃષિનો પ્રસાર કર્યો, તેઓ ભારતના પૂર્વના ક્ષેત્રના હોય તે સ્વાભાવિક છે.

જૈન શાસ્ત્રોમાં યક્ષ-યક્ષિણીઓનાં વર્ણન અત્યંત વિસ્તારથી મળે છે અને પ્રત્યેક તીર્થંકરના યક્ષ-યક્ષિણીઓનાં નામ તેમજ તેમનાં પ્રતીકોના વર્ણન મળે છે. એનો પ્રભાવ પૂર્વના દેશોમાં અને આપણને આશ્ચર્ય લાગે, પણ ચીનમાં ઘણો જોવા મળે છે. અહીં યક્ષ-યક્ષિણીઓની માન્યતા અત્યંત વ્યાપક છે. આખા ચીનમાં શાસન દેવીઓમાં અંબિકા અને પદ્માવતી દેવીની પૂજા પ્રચલિત છે. સંશોધક લતા બોથરાએ ચીનનો પણ વારંવાર પ્રવાસ કરેલ છે. શાસ્ત્રો અનુસાર આ યક્ષ-યક્ષિણીઓનો નિવાસ અને વ્યંતર જાતિના દેવી-દેવતાઓનો નિવાસ કૈલાસ-અષ્ટાપદના ક્ષેત્રમાં હોવો જોઈએ.

અષ્ટાપદની આ શોધ માત્ર જૈન સંસ્કૃતિ જ નહીં, પરંતુ માનવ સભ્યતા અને સંસ્કૃતિના આદિ સ્રોત સુધી લઈ જાય છે. એ આપણા ગૌરવ અને અસ્મિતાના પ્રતીક સમાન છે. વિદેશી સંશોધકો અને પુરાતત્ત્વવેત્તાઓએ એક મોટી ભૂલ જૈન ધર્મની મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિઓ માનવાની કરી છે. એમ.એ. સ્ટેન જેવા પ્રસિદ્ધ સંશોધક પણ જિન શબ્દને બૌદ્ધ પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જ્યારે કેટલાક વિદેશી સંશોધકો કહે છે કે શાકાહારીઓ ઊંચા પર્વત ઉપર રહી શકે નહીં, માટે આવા ઊંચા પર્વત પર એમનું મંદિર ન હોય આવી હાસ્યાસ્પદ દલીલો પણ કરે છે.
આમ હવે અષ્ટાપદની પ્રાપ્તિ થતાં હવે સહુ કોઈ એ દિશામાં વિશેષ સંશોધન કરે અને એની પવિત્રતા જાળવી રાખવા માટે બહુજન સમાજ એની યાત્રાએ જાય, એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi