🏵️પ્રભુ શ્રી મહાવીર સ્વામીને ઓળખો…
➖➖➖➖➖➖➖➖➖➖➖
(૦૧) સમ્યક્ત્વ પામ્યા પછીના ભવ – ૨૭.

(૦૨) જન્મ સ્થળ અને દિક્ષા સ્થળ – ક્ષત્રિયકુંડ નગરીમાં.

(૦૩) તીર્થંકર નામકર્મ- નંદન રાજાના ભવમાં.

(૦૪) દેવલોકનો અંતિમ ભવ – પ્રાણત દેવલોક.

(૦૫) ચ્યવન કલ્યાણક-અષાઢ સુદ-૬, હસ્તોત્તરા (ઉત્તરાષાઢા) નક્ષત્ર અને બ્રાહ્મણકુંડ નગરીમાં.

[દેવલોકમાંથી ચ્યવીને પ્રભુ પ્રથમ બ્રાહ્મણકુંડ નગરીમાં દેવાનંદાની કુક્ષિમાં અવતર્યા હતા. પ્રભુને ૮૨ દિવસ પછી હરિણૈગમેષી દેવે ક્ષત્રિયકુંડ નગરીમાં ત્રિશલારાણીની કુક્ષિમાં ભાદરવા વદ તેરસે, હસ્તોત્તરા નક્ષત્રમાં, સ્થાપિત કર્યા હતા.]

(૦૬) માતાનું નામ – ત્રિશલા દેવી અને પિતાનું નામ – સિદ્ધાર્થ રાજા.

(૦૭) વંશ – ઇક્ષ્વાકુ વંશ અને ગોત્ર – કાશ્યપ.

(૦૮) ગર્ભવાસ- ૯ માસ અને સાડા સાત દિવસ.

(૦૯) લંછન-સિંહ વર્ણ-સુવર્ણ.

(૧૦) જન્મ કલ્યાણક – ચૈત્ર સુદ-૧૩, હસ્તોત્તરા નક્ષત્રમાં.

(૧૧) શરીર પ્રમાણ – સાત હાથ.

(૧૨) દિક્ષા કલ્યાણક-કારતક વદ -૧૦, હસ્તોત્તરા નક્ષત્રમાં.

(૧૩) કેટલા જણ સાથે દિક્ષા-એકાકી.

(૧૪) દિક્ષા શીબીકા – ચંદ્રપ્રભા અને દિક્ષા તપ – છઠ્ઠ તપ

(૧૫) પ્રથમ પારણું-કોલ્લાક નગરીમાં બહુલ બ્રાહ્મણે ખીરથી કરાવ્યું.

(૧૬) છદ્મસ્થા અવસ્થા – સાડા બાર વર્ષ.

(૧૭) કેવલજ્ઞાન કલ્યાણક – છઠ્ઠતપ, ક્ષત્રિયકુંડ નગરીમાં શાલિવૃક્ષની નીચે, ઋજુવાલિકા નદીના કિનારે વૈશાખ સુદ-૧૦, હસ્તોત્તરા નક્ષત્રમાં થયું.

(૧૮) શાસનદેવ – માતંગ યક્ષ અને શાસનદેવી – સિદ્ધાયિકા દેવી.

(૧૯) ચૈત્યવ્રુક્ષની ઉંચાઈ-૨૧ ધનુષ.

(૨૦) પ્રથમ દેશનાનો વિષય- યતી ધર્મ, ગૃહસ્થ ધર્મ, ગણધર વાદ .

(૨૧) સાધુ – ૧૪,૦૦૦ અને સાધ્વીજી – ચંદનબાળા આદિ ૩૬,૦૦૦.

(૨૨) શ્રાવક – ૧,૫૯,૦૦૦ અને શ્રાવિકા -૩,૧૮,૦૦૦.

(૨૩) કેવળજ્ઞાની – ૭૦૦, મન:પર્યવજ્ઞાની – ૫૦૦ અને અવધિજ્ઞાની – ૧,૩૦૦.

(૨૪) ચૌદપૂર્વધર -૩૦૦ અને વૈક્રિયલબ્ધિઘર – ૭૦૦ તથા વાદી – ૧,૪૦૦.

(૨૫) આયુષ્ય – ૭૨ વર્ષ.

(૨૬) નિર્વાણ કલ્યાણક – આસો વદ – ૩૦(અમાસ) સ્વાતિ નક્ષત્રમાં.

(૨૭) મોક્ષસ્થળ- પાવાપુરી, મોક્ષતપ – છઠ્ઠ અને મોક્ષાસન – પદ્માસન.

(૨૮) મોક્ષ સાથે – એકાકી

(૨૯) ગણધર – ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ – ૧૧

(૩૦) ચરમ (છેલ્લા) તીર્થંકર.વીર પ્રભુનું શાસન ૨૧,૦૦૦ વર્ષ સુધી ચાલશે.

➖➖➖➖➖➖➖➖➖

🪷 શ્રી મહાવીર સ્વામી દીક્ષા કલ્યાણક 🪷

કારતક વદ ૧૦ – Kartak Vad 10

ૐ હ્રીં શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ🙏🏻

🎉 🥳 એક જન્મ્યો રાજ દુલારો,
🌏 દુનિયાનો તારણ હારો,
📛 વર્ધમાન નું નામ ધરીને,
🌟 પ્રગટયો તેજ સિતારો રે..

ત્રિશલા નંદન વીર કી જય બોલો મહાવીર કી..

➖➖➖➖➖➖➖➖➖

🏵️ પ્રભુ શ્રી મહાવીર દેવ ! દાન તો તમારૂં જ…!
➖➖➖➖➖➖➖➖➖
ત્રિશલાનંદન ! સિદ્ધાર્થ નંદન ! દેવાનંદા સૂત | ઋષભદત્ત ભૂત ! શ્રી વર્ધમાન સ્વામી ! શ્રી મહાવીર સ્વામી ! આપનો જય હો !… આપનો વિજય હો !… દાયક શિરોમણિ આપના અદ્દભુત દાનગુણની પ્રશંસા કયા શબ્દોમાં કરૂં ?..

▪️ મા ત્રિશલાની કુક્ષીમાં જ માતાને વેદના રહિતતાનું દાન કર્યું…

▪️ જન્મતાં જ મેરૂને અંગૂઠાના સ્પર્શ દ્વારા અનુપમ આનંદનું દાન દીધું…

▪️ સર્પ અને પિશાચનું રૂપ ધરી ધૈર્ય અને બળમાં આપને હરાવવા આવેલ મિથ્યાત્વી દેવને અદ્ભૂત રત્ન સ્વરૂપ સમ્યગ્ દર્શનનું દાન આપ્યું…

▪️ પ્રાથમિક શાળાના શિક્ષકને જૈનેન્દ્ર વ્યાકરણ પ્રદાન કર્યું…

▪️ દિક્ષા બાદ બ્રાહ્મણને અર્ધવસ્ત્રનું દાન આપ્યું…

▪️ છ-છ માસ સુધી ભયંકર ઉપદ્રવો કરનાર સંગમદેવને અશ્રુઓનું દાન કર્યુ…

▪️ બ્રાહ્મણ માતા-પિતા દેવાનંદા – ઋષભદત્તને સંયમ અને મોક્ષનું ભેટણું ધર્યું…

▪️ અડદના બાકુળા વહોરાવતી વસુમતી ચંદનબાળાને ૩૬૦૦૦ સાધ્વીઓના વડેરાપણાનું અને અનંતજ્ઞાનનું દાન આપ્યું…

▪️ સુલસા – રેવતી – શ્રેણિક વગેરે નવ ભવ્યજીવોને પોતાના સમાન જ તીર્થંકર પદવીનું દાન દીધું…

▪️ છ- છ માસ સુધી લોહીના ઝાડા કરાવતી ભયંકર તેજોલેશ્યા ફેંકનાર ગોશાળાને બારમાં દેવલોકનું દાન આપ્યું…

▪️ દ્રષ્ટિમાંથી અને મુખમાંથી જીવલેણ ઝેર ઓકતા ચંડકૌશિક સર્પને આઠમા દેવલોકનું દાન આપ્યું…

▪️ મહાઅભિમાની અને વાદમાં આપને હરાવવા આવેલ ઈન્દ્રભૂતિ ગૌતમ આદિ ૧૧ બ્રાહ્મણોને ત્રિપદીનું અને ગણેશ-ગણપતિ-ગણધર-પદવીનું તથા મોક્ષનું દાન દીધું ..

▪️ પોતાનું વચન નહિ સાંભળવા ઈચ્છતા રોહિણિયા ચોરને બહુ થોડા શબ્દો સંભળાવીને સંયમનું અને આત્મોન્નતિનું દાન કર્યું…

▪️ જીરણશેઠને બારમાં દેવલોકનું ભાથું બંધાવ્યું..

▪️ હે પ્રભુ ! આજના મંગળ પ્રભાતે હું પણ મારું ભિક્ષાપાત્ર લઈને મહા દાનેશ્વરી એવા આપ પાસે ઉપસ્થિત થયો છું. મને ભિક્ષામાં જોઈએ છે, આપ તારકની સદૈવ કૃપાકરૂણાદ્રષ્ટિ. હંરહંમેશ સદ્દબુદ્ધિ, જીવતાં શાંતિ, મરણ વખતે સમાધિ, પરલોકમાં સદ્ ગતિ અને અંતે આપના જેવી જ કષાય મુક્તિ ! કર્મમુક્તિ !…🙏

▪️ હે વ્હાલા મહાપ્રભુ ! મને આપના મહાદાનવીરપણામાં અતૂટ વિશ્વાસ છે, મારી ભિક્ષાની ઝોળી આપ ચોક્કસ છલકાવી દેવાના જ છો..!!🙏

તીથઁકર પરમાત્માના 34 અતિશયો વિશે….🙏

અતિશય એટલે વિશિષ્ટ પૂણ્ય પ્રતાપે પ્રાપ્ત થતી વિવિધ બાબતો…

અનંત ઉપકારી પ્રભુ મહાવીર સ્વામીનો 2621 મો જન્મ કલ્યાણક મહોત્સવ ચૈત્ર સુદ તેરસના આવી રહ્યો છે.
પ્રભુના જીવન – કવનને આપણે સૌ જાણી – માણી રહ્યાં છીએ.
ઉત્કૃષ્ઠ અને સર્વ શ્રેષ્ઠ પૂણ્યના માલિક એટલે તીથઁકર પરમાત્મા.
દરેક તીથઁકર પરમાત્માને 34 અતિશયો પ્રાપ્ત થાય છે.
ચરમ અને પરમ તીથઁકર શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર સ્વામી પણ 34 અતિશય ધારક હતાં.
મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈનાગમ 📕 શ્રી સમવાયાંગ સૂત્રના 34 માં સમવાયમાં અતિશયોનો નામોલ્લેખ છે.
અતિશય એટલે વિશિષ્ટ પૂણ્ય પ્રતાપે પ્રાપ્ત થતી બાબતો.

चोत्तसं बुद्धाइसेसा पण्णत्ता…
34 અતિશયો…🙏
1. કેશ,દાઢી,મૂછ,રોમ,નખ વગેરે પ્રમાણથી અધિક વૃદ્ધિ ન થાય.
2. નિમૅળ દેહલતા હોય,નિરામય રોગાદિથી રહિત હોય.
3. લોહી અને માંસ ગાયના દૂધ સમાન શ્ર્વેત હોય.
4. ઉચ્છવાસ – નિ : શ્ર્વાસ પદ્મકમલ સમાન સુગંધિત હોય.
5. આહાર – નિહાર ચમૅ ચક્ષુથી અદ્રશ્ય હોય.
6. આકાશમાં ધમૅ ચક્ર હોય.
7. આકાશમાં છત્ર હોય.
8. આકાશમાં ઉત્તમ શ્ર્વેત ચામરો વીંજાતા હોય.
9. નિમૅલ સ્ફટિકમય પાદપીઠયુકત સિંહાસન હોય.
10. આકાશમાં હજાર નાની પતાકાઓથીયુકત ઈન્દ્ર ધ્વજ આગળ ચાલતો હોય.
11. જયાં જયાં અરિહંત – તીથઁકર પરમાત્મા રોકાય,બેસે ત્યાં ત્યાં યક્ષ – દેવો પાંદડાં, પુષ્પ,પલ્લવોથી વ્યાપ્ત,છત્ર, ધ્વજા,ઘંટ અને પતાકાથી યુક્ત શ્રેષ્ઠ અશોક વૃક્ષ બનાવે છે.
12. મસ્તકની કંઈક પાછળ મુગટના સ્થાને તેજમંડળ – આભામંડળ હોય છે.જે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરે છે.
13. વિહાર – વિચરણનો ભૂમિભાગ એક સરખો અને રમણીય બની જાય.
14. વિહારમાં કાંટા હોય તો અધોમુખ થઈ જાય.
15. શરીરને અનુકૂળ વાતાવરણ થઈ જાય.
16. એક યોજન ભૂમિ શીતલ,સુગંધિત પવનથી સવૅ દિશામાં સંપ્રમાર્જિત થઈ જાય.
17. મંદ,સુગંધિત અચેત પાણીની વષૉથી આકાશગત રજ – ધૂળ શમિત થઈ જાય.
18. જલીય,સ્થલીય,પંચવર્ણીય અચેત પુષ્પોથી ગોઠણ સુધીનો ભૂમિ ભાગ પુષ્પ આચ્છાદિત થઈ જાય.
19. અમનોજ્ઞ – અપ્રિય શબ્દ, સ્પશૅ,રસ,રૂપ અને ગંધનો અભાવ થઈ જાય.
20. મનોજ્ઞ શબ્દ, સ્પશૅ,રસ,રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થઈ જાય.
21. ધર્મોપદેશ સમયે એક યોજન સુધી સંભળાય અને હ્રદયમાં ઉતરી જાય તેવો તીથઁકર પરમાત્માનો સ્વર હોય.
22. ધર્મોપદેશ અધૅ માગ્ધી ભાષામાં હોય.
23. અધૅ માગ્ધી ભાષામાં પીરસાતી તીથઁકરની જિનવાણી દરેક શ્રોતાઓની પોતપોતાની ભાષામાં Translate – Convert થઈ જાય અને સહેલાઈથી સૌ સમજી જાય.
અધૅ માગ્ધી ભાષા દરેક જીવો માટે હિતકર,સુખદ,ભાષારૂપે પરિણત થઈ જાય.
24. પૂર્વે બાંધેલા વેરવાળા મનુષ્ય, દેવ,નાગ,યક્ષ વગેરે પરસ્પરના વેરને ભૂલીને પ્રશાંત ચિત્તે ધમૅ શ્રવણ કરે છે.
25. અન્ય તીથિઁક લોકો પણ આવીને પ્રભુને વંદન કરે છે.
26. અન્ય તીથિઁક લોકો પ્રભુ સાથે ધમૅ ચચૉમાં નિરુત્તર બની જાય છે.
27. પચ્ચીસ યોજન સુધી ઈતિ – ભીતિ કે ભય ન હોય.
28. મહામારી કે કોઈ ભયંકર બિમારી ન હોય.
29. પોતાના રાજય – સ્વચક્ર સેનાનો ભય ન હોય.
30. પરચક્ર શત્રુ સેનાનો ભય ન હોય.
31. અતિવૃષ્ટિ ન હોય.
32. અનાવૃષ્ટિ ન હોય.
33. દુષ્કાળ ન પડે.
34. પ્રભુના વિહાર અને વિચરણ પહેલાં થયેલી વ્યાધિ વગેરે ઉપદ્રવો પણ જલ્દીથી શાંત થઈ જાય.

📚 ગ્રંથોમાં આ 34 અતિશયોમાંથી અમુક અતિશય તેઓને જન્મથી જ મળે છે તેઓ ઉલ્લેખ છે.દા.ત.તેઓ નિમૅળ દેહલતાવાળા અને નિરામય રોગાદિથી રહિત હોય,તેઓનું Blood – રક્ત દૂધ જેવું શ્ર્વેત હોય,ઉચ્છવાસ – નિ:શ્ર્વાસ સુગંધિત હોય.જયારે અમુક અતિશયો અરિહંત બન્યાં બાદ પ્રાપ્ત થાય છે અને અમુક અતિશયો દેવકૃત હોય છે.આકાશમાં ધમૅ ચક્ર,છત્ર હોય,શ્ર્વેત ચામરો વીંજાતા હોય,સ્ફટિકમય સિંહાસન હોય,અશોક વૃક્ષ હોય,આભામંડલ હોય,દરેક દિશાઓ પ્રકાશિત થઈ જાય,તીથઁકર ભગવંતના વિહાર સમયે ભૂમિ એકસરખી – રમણીય બની જાય..

34 અતિશયો તીથઁકર પરમાત્માને પૂણ્ય યોગે પ્રાપ્ત થાય છે.🙏

બોલો…અનંત ઉપકારી તારક તીથઁકર શ્રમણ ભગવંત મહાવીર પ્રભુની….જય.🙏

===========================

🌹 વીરપ્રભુ નું જીવનચરિત્ર🌹

ભાગ 1

💢 પ્રસ્તાવના💢

અનંત ગુણોના સ્વામી અને અનંત કરુણાના સાગર મહાવીરપ્રભુનું જીવનચરિત્ર જયારે મેં સ્વસ્થ ચિત્તે વાંચ્યું. તેમાં વીરપ્રભુનો આત્મા નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યો, ત્યારથી માંડીને સત્યાવીશમા ભવમાં શ્રી વર્ધમાનસ્વામી બની નિર્વાણ પામ્યા ત્યાં સુધીનો સમગ્ર વૃત્તાંત વાંચતાં હૈયું ખૂબ આનંદિત થયું.

વારંવાર વીરપ્રભુનું જીવનચરિત્ર વાંચતાં અને ચિત્ર જોતા પરમાત્માના જીવનમાં આત્મા – કર્મ અને ધર્મની ઘણી ઘણી અવનવી વાતો જાણવા મળે છે. ‘વીરપ્રભુનું જીવનચરિત્ર’ એ તો પવિત્ર ગંગા છે. એ ગંગાના નિર્મળ પ્રવાહમાં આપણે આપણાં મનને ઝબોળવાનું છે.

વીરપ્રભુના જીવનચરિત્રરૂપી ગંગામાં વારંવાર આપણાં મનને ઝબોળવાથી આપણું મન ભીનું (કોમળ) બની જશે. એ જળથી પ્લાવિત થયેલું મન સ્વસ્થ અને શુભધ્યાનવાળું બનશે. પછી ભલેને પેલો મોહ-દાવાનળ આપણી આસપાસ સળગતો… આપણા મનને એની કોઈ પીડા નહીં હોય, મનને કોઈ દર્દી નહીં થાય. મોહવાસનાઓની આગ મનને બાળી નહીં શકે. પાણીથી ભીંજાયેલા ભીના કપડાંને આગ જો બાળી ન શકે. તો પછી વીરપ્રભુના જીવનચરિત્રરૂપી ગંગાના પાણીથી ભીંજાયેલા આપણાં મનને મોહ બાળી શકે ખરો ? સર્વ દુઃખો, સર્વ વેદનાઓ અને સર્વ અશાંતિનું મૂળ મોહ જ છે ને ! મોહની અસરથી આપણું મન મુક્ત બન્યું એટલે કોઈ દુઃખ, અશાંતિ કે વેદના આપણને નહીં હોય.

ભાગ 2

💢 પ્રથમ ભવ – નયસાર💢

ભગવાન મહાવીરનો પહેલો ભવ નયસારનો ભવ…

અનંત…અનંત કાળથી સંસારમાં અવિરત પ્રયાણ કરતા… પરમાત્મા મહાવીરપ્રભુનો આત્મા મહાવીરપ્રભુના ભવથી પશ્ચાનુપૂર્વીએ સત્તાવીશમા ભવમાં નયસાર નામે એક ગામનો મુખી હતો.

નયસાર વિશિષ્ટ આચાર પાળવામાં તત્પર, ધર્મશાસ્ત્ર સાંભળવાથી હેય- ઉપાદેયરૂપ વસ્તુસ્વરૂપને જાણનાર, ગાંભીર્યાદિ ગુણસમૂહના આવાસરૂપ, સ્વભાવે સરલ, વિનયશીલ, પ્રિયંવદ તથા પરોપકારપરાયણ હતો. જોકે તેને તેવા પ્રકારની સાધુસેવાનો યોગ મળ્યો ન હતો; છતાં તે અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ, પરપીડામાં વિમુખ, ગુણગણ મેળવવામાં સત્યવાન અને પરાયા છિદ્ર-દોષ જોવામાં તે લોચનહીન હતો.

જયંતી નગરીમાં પરાક્રમી શત્રુમર્દન રાજા રાજ્ય કરતો હતો. નયસાર આવા ઉત્તમ ગુણોને કારણે જ તે રાજાનો વિશ્વાસુ બની ગયો હતો. તેથી એકવાર રાજાએ પ્રાસાદ તથા રથ બનાવવા માટે નયસારને બોલાવીને કહ્યું, ‘હે ભદ્ર ! તમે ઘણાં ગાડાં તથા સેવકસમૂહને લઈને મજબૂત લાકડાં લાવવા માટે મહાઅટવીમાં જાઓ.’

રાજાની આજ્ઞા શિરસાવંદ્ય કરી નયસાર સેવકાદિ સાથે મહાઅટવીમાં પહોંચ્યો. ત્યાં જઈને લાંબાં, વિશાળ અને મજબૂત વૃક્ષોની પરીક્ષા કરી, નયસાર નિયુક્ત કરેલા સેવકો દ્વારા વૃક્ષો કપાવવા લાગ્યો. એ પ્રમાણે વૃક્ષો કાપતાં મધ્યાહ્ન સમય થતાં, સેવકોએ સ્વાદિષ્ટ રસોઈ લાવીને તેની પાસે હાજર કરી.

એ સમયે નયસારને વિચાર આવ્યો,‘જો અત્યારે કોઈ ભિક્ષુક કે અતિથિ અહીં આવી જાય તો હું તેમને ભોજન કરાવીને પછી જમું.’ આવા શુભભાવપૂર્વક ચારે દિશામાં અવલોકન કરે છે.

એવામાં વૃક્ષોના કાપવાના કડકડાટ-અવાજ સાંભળીને તપસ્વી મુનિવરોને તે તરફ આવતા જોઈ હર્ષિત થયેલો તે સન્મુખ જાય છે. પ્રણામ કરીને પૂછે છે, ‘ હે ભગવન્! જંગલી પશુઓથી ભરપૂર આ મહાઅટવીમાં આપ કેમ વિહાર કરો છો?’

સાધુઓ બોલ્યા, ‘· હે ભદ્ર! અમે સાર્થ સાથે નીકળ્યા હતા, અને આહાર સમયે અમે આહાર-પાણી નિમિત્તે જયારે ગામમાં ગયા હતા, તેવામાં સાર્થ ચાલ્યો ગયો. એટલે અમે પણ સાર્થનાં પગલાંઓ પાછળ ચાલ્યા અને આ મહાઅટવીમાં આવી પહોંચ્યા.

નયસાર બોલ્યો, ‘અહો તે સાર્થવાહ નો અધમાચાર ! અહો વિશ્વાસઘાત! અહો નરકનિવાસની અભિલાષા! અહો તે સાર્થવાસીઓએ આજન્મ પોતાના કુળને કલંક લગાડ્યું !! અહો ! સાધુઓ પ્રત્યે પણ તેમણે કેટલી બધી નિર્દયતા વાપી ! આવી ભયંકર અટવીમાં સાધુઓને જો સિંહાદિક ઉપદ્રવ કરે, તો અવશ્ય તે પાપાધમોને નરકમાં જ સ્થાન મળે.’

પછી નયસારે વિનંતિ કરી, ‘હે ભગવન્! મારા આવાસમાં પધારો.’ તેની વિનંતીથી મુનિઓએ મંડપાકાર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લીધી. ત્યાર પછી નયસારે પોતાના માટે તૈયાર કરાવેલા ઉત્તમ આહાર-પાણીથી મુનિઓને પ્રતિલાભિત કર્યા. નયસારે પણ પોતાના આત્માને કૃતાર્થ માનતાં ભોજન કરીને, મુનિઓ પાસે આવીને કહ્યું, ‘હે ભગવન્! તમે મારી સાથે આવો, હું તમને નગરનો માર્ગ બતાવું.’ એટલે સાધુઓ તેની સાથે ચાલ્યા. નગરનો સીધો માર્ગ આવી જતાં ધર્મકથાની લબ્ધિથી સંપન્ન મુનિએ નયસારને કહ્યું, ‘હે મહાશય! માર્ગભ્રષ્ટ થતાં પરિભ્રમણથી પીડિત થયેલા અમને તેં સહાય કરી છે. તારી આવી ઉત્તમ યોગ્યતા જોઈને કંઈક ધર્મોપદેશ દેવાની અમારી ઈચ્છા છે.’

નયસાર બોલ્યો, ‘હે ભગવન્! તમારા શિષ્યો પૈકીનો એક મને ગણીને, જરૂર મને ધર્મોપદેશ આપો.’

ત્યારે મુનિભગવંતે ખૂબ જ ટૂંકમાં મિથ્યાત્વની ભયાનકતા અને સમ્યક્ત્વની મહાનતા સમજાવીને કહ્યું, ‘હે ભવ્ય ! સમકિતના સ્વરૂપને સમજીને, હવે લૌકિકમાર્ગમાં અનુરક્ત ન થતાં, શ્રદ્ધા અને જ્ઞાનના સારરૂપ તથા અનુપમ તત્ત્વરૂપ શ્રેષ્ઠ એવા આ સમ્યગ્દર્શનનો આદરપૂર્વક સ્વીકાર કર.’

આ સાંભળીને હાથ જોડી નયસાર ભક્તિપૂર્વક કહેવા લાગ્યો, ‘હે ભગવન્! સાક્ષાત્ પશુ સમાન, અત્યંત અયોગ્ય અને નિરંતર પાપકર્મમાં આસક્ત એવો હું શું સમ્યગ્દર્શનના સ્વીકારવા માટે યોગ્ય છું ?’

ગુરુ બોલ્યા, ‘હે ભદ્ર! તું એ પ્રમાણે ન બોલ. કારણ કે, અત્યારે કેટલાક પ્રત્યક્ષ લક્ષણોથી તારામાં સંપૂર્ણ યોગ્યતા જણાઈ આવે છે. તારી આર્યક્ષેત્રમાં ઉત્પત્તિ, કલંકરહિત ઉત્તમ કુળ, મનુષ્ય જન્મ, રોગરહિત શરીર અને સાધુઓનો સમાગમ આ બધી સામગ્રી તને પુણ્યથી પ્રાપ્ત થઈ છે. ભારે પુણ્યના પ્રકર્ષથી તને મોક્ષલક્ષ્મીને પામવામાં સહાયભૂત આ સમસ્ત સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેથી હે ભદ્ર! પૂર્વે પ્રાપ્ત ન થયેલ એવા આ એક જિનકથિત ધર્મનો તું સ્વીકાર કર.’ એ રીતે ગુરુના કહેવાથી તીવ્ર સંવેગ ઉત્પન્ન થતાં, નયસારની આંખોમાં આનંદાશ્રુ આવી ગયાં. તે કહેવા લાગ્યો, ‘હે નિષ્કારણ વત્સલ! હે ભગવન્! હે સમસ્ત પ્રાણીઓને તારવામાં તત્પર! હવે ભવવિરક્ત થયેલા એવા મારામાં આપ સમ્યક્ત્વનું આરોપણ કરો.’

નયસારના મનનો ઉત્સાહ વગેરે શ્રેષ્ઠ શુકનો જોવામાં આવતાં, ગુરુ મહારાજે કહ્યું ‘તારે અરિહંતને દેવ, સુસાધુને ગુરુ અને જિનેશ્વરભાષિત ધર્મ-એ ત્રણ તત્ત્વને આદરપૂર્વક માનવાં’. એમ આ જન્મ સમ્યક્ત્વ તેનામાં આરોપિત કર્યું.

તે વખતે અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ થઈ હોય તેમ રોમાંચિત હૈયે હર્ષપૂર્વક નયસારે સમ્યક્ત્વનો સ્વીકાર કર્યો. તે જ વખતે ગ્રંથિનો ભેદ થતાં નયસારના જીવને નિર્મળ એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ.

હવે નયસાર ગુરુભગવંતોને વિનંતિ કરે છે કે, ‘હે ભગવન્! આપ મારે ગામ પધારો, અને તમે હવે આ ભિક્ષાચરવૃત્તિથી નિવૃત્ત થઈ મારા ધન, રત્ન અને ભવન આદિનો સ્વીકાર કરો.’

આ સાંભળી શરીર પ્રત્યે પણ મમતારહિત એવા ગુરુમહારાજે ફરી જિનધર્મનો સર્વ પરમાર્થ સમજાવ્યો કે, ‘સાધુ તો કંચન અને કામિનીના ત્યાગી હોય.’

આ સાંભળી ગુરુના વિરહની વેદનાથી વ્યાકુળ થયેલો નયસાર ગુરુના છેલ્લા દર્શન સુધી તેઓને જતાં નિહાળી રહે છે. અંતે દુ:ખાતા હૈયે આંસુ સાથે ગુરુના પગની રજ મસ્તકે લગાડી જંગલમાં પાછો આવે છે. ત્યાં કાષ્ઠનાં ગાડાંઓ ભરાવી, નયસાર તે બધાં રાજાને ત્યાં મોકલી આપે છે.

ત્યારપછી પ્રતિદિન જિનધર્મનો અભ્યાસ કરતો, મુનિજનોની ભક્તિ કરતો, જીવાજીવાદિક નવ તત્ત્વોને ચિંતવતો, જીવદયા પાળતો, સાધર્મિકબંધુઓનું બહુમાન કરતો અને અત્યંત આદરપૂર્વક જિનશાસનનો મહિમા વધારતો નયસાર, શંકાદિ દોષરહિત સમ્યગ્દર્શનનું નિરંતર પાલન કરતો અંત સમયે પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં મરણ પામ્યો.

નયસારને સમકિત પ્રાપ્ત થયું, જે સમ્યક દર્શન અથવા આત્મજ્ઞાન તરીકે પણ ઓળખાય છે. તેને અનુભવમાં આવ્યું કે, “હું શાશ્વત આત્મા છું અને મન, વચન અને કાયા એ વિનાશી છે.” તેની આંતરિક દ્રષ્ટિ બદલાય છે, તેનામાં સાચી સમજણ પ્રસ્થાપિત થાય છે જેનાથી તે નાશવંતને નાશવંત તરીકે અને શાશ્વત વસ્તુઓને શાશ્વત તરીકે જોઇ શકે છે.

એ જ ક્ષણથી, વ્યક્તિના સાંસારિક જીવનનો અંત આવે છે અને મોક્ષ માર્ગની યાત્રાનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી વ્યક્તિ ગમે એટલા મંત્રજપ કરે, ઉપવાસ કરે કે ધ્યાન કરે છે, તેનો કોઇ અર્થ નથી, વ્યક્તિ જન્મ અને મરણના આ જટિલ ચક્રમાં કર્મ બંધનથી ફસાયા જ કરે છે. આત્મજ્ઞાન ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઇ આત્મજ્ઞાની મળી જાય છે, માટે વ્યક્તિએ હંમેશા જ્ઞાનીને શોધવા જોઇએ. પછી, એક દિવસ, નયસારની જેમ, આપણે પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીશું.

 

ભાગ 3

💢 બીજો ભવ :- સૌધર્મ દેવલોકમાં દેવ💢

શ્રી વીરપ્રભુનો બીજો ભવ : સૌધર્મ દેવલોકમાં દેવ

ત્યારબાદ નિર્મળ સમ્યગ્દર્શનનો સ્વામી નયસારનો આત્મા બીજા ભવમાં સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના (અસંખ્યાતા વર્ષોના) આયુષ્યવાળો મહાઋદ્ધિવાન દેવપણે ઉત્પન્ન થયો. તે દેવ સાત હાથ કાયાની ઊંચાઈવાળો, ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોશ્વાસ અને બેથી નવ દિવસે આહારની ઈચ્છા કરતો હતો.

તે દેવ પોતાના અવધિજ્ઞાન દ્વારા ઉપર પોતાના વિમાનની ધજા સુધી, નીચે પહેલી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છા માં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધીના સર્વ રૂપી પદાર્થોને જોઈ શકતો હતો. તે દેવે મસ્તક ઉપર હરણના ચિહ્નવાળા સુંદર રત્નમય મુગટને ધારણ કર્યો હતો. તે દેવ રક્તસુવર્ણ વર્ણવાળો તથા વિશુદ્ધ તેજોલેશ્યાવાળો હતો.

દેવલોકના ૪ પ્રકાર છે. (૧) ભવનપતિ (૨) વ્યંતર (૩) જ્યોતિ (૪) વૈમાનિક, વૈમાનિક દેવલોકમાં ૧૨ દેવલોક, ૯ ગ્રેવેયક અને ૫ અનુત્તરનો સમાવેશ થાય છે. અહીં બધા દેવો વિમાનમાં વસતા હોવાથી તે વૈમાનિક દેવલોક કહેવાય છે અને તેમાં ઉત્પન્ન થતાં જીવોને વૈમાનિક દેવો કહેવાય છે.

દેવગતિમાં દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ નિકાય, વ્યંતર નિકાય, જ્યોતિષી નિકાય અને વૈમાનિક નિકાયમાં સૌધર્મ અને ઈશાન એ બે દેવલોક સુધી જ હોય છે. ત્રીજા સનત્કુમાર દેવલોકથી ઉપરની નિકાયના દેવો અલ્પ વિષયી છે માટે ત્યાં દેવીઓની ઉત્પત્તિ હોતી નથી.

વૈમાનિક નિકાયના પ્રથમના, સૌધર્મ અને ઈશાન બે દેવલોકમાં દેવીઓ બે પ્રકારની હોય છે : (૧) પરિગૃહીતા એટલે કુલીન, પરણેલા જેવી મર્યાદાશીલ અને (૨) અપરિગૃહીતા એટલે વેશ્યા જેવી સ્વેચ્છાચારિણી.

પહેલા સૌધર્મ દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમથી ૭ પલ્યોપમ સુધીનું હોય છે અને અપરિગૃહીતા દેવીઓનું આયુષ્ય ૧ પલ્યોપમથી ૫૦ પલ્યોપમ સુધીનું હોય છે તે દેવીઓનાં ૬ લાખ વિમાન છે; તથા બીજા ઈશાન દેવલોકને વિષે પરિગૃહીતા દેવીઓનું આયુષ્ય સાધિક ૧ પલ્યોપમથી ૯ પલ્યોપમ સુધીનું હોય છે અને અપરિગૃહીતા દેવીઓનું આયુષ્ય સાધિક ૧ પલ્યોપમથી ૫૫ પલ્યોપમ સુધીનું હોય છે અને તે દેવીઓનાં ૪ લાખ વિમાન છે.

ત્રીજા સનત્કુમાર દેવલોકથી લઈને બારમા અચ્યુત દેવલોક સુધી અપરિગૃહીતા દેવીઓનું સંભોગાદિ કારણે જવા આવવાનું થાય છે. સૌધર્મ દેવલોકના માલિક સૌધર્મેન્દ્ર ૩૨ લાખ વિમાનોના સ્વામી છે. તેમની મુખ્ય ૮ પટ્ટરાણીઓ હોય છે. તે દરેક પટ્ટરાણી ૧૬,૦૦૦ દેવીઓના પરિવારવાળી હોય છે. સર્વે મળી એક લાખ અને અઠ્યાવીશ હજાર દેવીઓને ઈન્દ્ર મહારાજા તેટલાં રૂપ વિકુર્વીને એકી સાથે ભોગવી શકે છે.

પ્રથમના સૌધર્મ અને ઈશાન બે દેવલોકમાં (૧) અંજનરત્નમય એવાં કૃષ્ણવર્ણી, (૨) નીલરત્નમય એવાં નીલવર્ણી, (૩) પદ્મરાગરત્નમય એવાં રક્તવર્ણી, (૪) સુવર્ણપીત રત્નમય એવાં પીળા વર્ણનાં અને (૫) સ્ફટિકનાં બનાવેલાં શુક્લવર્ણી મોટાં વિમાનો એમ પંચવર્ણના કાંતિના સમૂહવાળાં શોભતાં હોય છે. વાદળાં વગરના આકાશમાં મધ્યાહ્ન સમયે ખુલ્લા સ્થાનમાં અતિ પ્રકાશ હોય છે, તેનાથી વધુ સ્પષ્ટ સહજ પ્રકાશ તે દેવવિમાનોમાં હોય છે. ત્યાં અંધકારનાં અંશ રહી શકતો નથી.

પરંતુ સૌધર્મેન્દ્રાદિ ઈન્દ્રો જ્યારે (૧) ક્રીડા (૨) રતિક્રિયા (૩) શત્રુને ભરમાવવા અને (૪) ગોપ્ય વસ્તુઓને છૂપાવવા : આવાં કારણોથી અંધકારને કરવા ઈચ્છે ત્યારે આભિયોગિક દેવતાઓને જણાવે છે, તે અભિયોગિક દેવતાઓ તમસ્કાયના દેવતાઓને આદેશ કરે છે. તેથી પોતાના સ્વામીની આજ્ઞાથી તે તમસ્કાયિક દેવો અંધકારને વિકુર્વે છે.

દેવલોકમાં વિષયસેવન પાંચ પ્રકારે થાય છે : (૧) સંપૂર્ણ કાયસેવી, (૨) સ્પર્શસેવી, (૩) રૂપસેવી, (૪) શબ્દસેવી અને કેટલાક (૫) મનઃસેવી હોય છે. બધાજ દેવો વિષયનું સેવન કરે છે તેવું નથી. કેટલાક દેવો અવિષયી પણ હોય છે. તેમાં પણ કેટલાક દેવો એકથી વધુ પ્રકારોનું સેવન કરવાવાળા પણ હોય છે. મોહદશાનો સંક્લેશ જેમજેમ ઓછો તેમ તેમ તદ્દવિષયક ઈચ્છામાં ઘટાડો હોય છે.

ભવનપતિનિકાયના દેવોથી બીજા ઈશાન નામના વૈમાનિક દેવલોક સુધીના દેવો કાયસેવી હોય છે. સંક્લિષ્ટ પુરુષવેદ કર્મના ઉદયના પ્રભાવથી મનુષ્યની જેમ ઈન્દ્રાદિ દેવો મૈથુનસુખમાં પ્રકર્ષપણે લીન થાય છે. ત્રીજા-ચોથા સનત્કુમાર- માહેન્દ્ર કલ્પના દેવો સ્પર્શસેવી, પાંચમા-છઠ્ઠા બ્રહ્મ-લાંતક કલ્પના દેવો રૂપસેવી, સાતમા-આઠમા મહાશુક્ર-સહસ્રાર દેવો શબ્દસેવી અને નવમાથી બારમા આનંત- પ્રાણત-આરણ-અચ્યુત કલ્પના દેવો મનઃસેવી હોય છે.

ત્યારબાદ નવગ્રેવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવો અત્યંત મંદ પુરુષવેદના ઉદયવાળા હોવાથી તથા પ્રશમસુખમાં તલ્લીન હોવાથી, કાયાથી-સ્પર્શનાદિથી કે કોઈ પણ રીતે યાવત્ મનથી પણ સ્ત્રીસુખ ભોગવવાની તેઓને ઈચ્છા થતી નથી તેમ છતાં તેઓ વિષયી દેવોથી વધુ સંતુષ્ટ, વધુ શાંત અને વધુ આનંદમાં રહેનારા હોય છે; કારણ કે જેમ જેમ કામેચ્છા પ્રબળ તેમ તેમ મનની અસ્વસ્થતા અશાંતિ વધુ હોય છે.

બાહ્યથી જોતાં બ્રહ્મચારી જેવા લાગતા તેઓ એક વસ્તુનો હૃદયથી ઈચ્છાપૂર્વકનો ત્યાગ કરતા ન હોવાથી તે બ્રહ્મચારી ગણાય નહીં અને બ્રહ્મચર્યનું ફળ પણ તેમને મળે નહીં, તે દેવોને દેવભવના કારણે જ વિરતિનો ત્યાગનો પરિણામ પેદા થતો નથી. તે વિમાનો અત્યંત સુરભિગંધવાળા અને સ્પર્શ કરતા માખણની જેમ સુકોમળ, વળી સુખકારી સ્પર્શવાળા, નિરંતર ઉદ્યોતને કરનારા, રમણીય અને તેજવાળા તે ગંગનમંડળમાં શોભતા હોય છે.

ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોનાં પુણ્યકર્મનાં પુદ્ગલો ક્રમશઃ ઉત્કૃષ્ટરસ, ઉત્કૃષ્ટતરરસ અને ઉત્કૃષ્ટતમરસવાળા હોય છે. સંસારની ચારે ગતિમાં ભૌતિકસુખની અપેક્ષાએ દેવલોકમાં, મનુષ્યલોકના ચક્રવર્તીનાં સુખો કરતાં અનંતગુણાં સુખો હોય છે. દેવો શુભપુદ્ગલોની શય્યામાં યૌવનવય જેવા રૂપવાન શરીરે ઉત્પન્ન થતા હોય છે. તેમનું શરીર વૈક્રિય હોવાથી શારીરિક રોગ જેવી કોઈ વ્યાધિ હોતી નથી. ધન કમાવાની ત્યાં કોઈ ઉપાધિ હોતી નથી.

વૈક્રિય શરીર હોવાથી આહારાદિ કે સ્નાનાદિનું પ્રયોજન હોતું નથી. દેવલોકમાં ઠંડી-ગરમીની કોઈ તરતમતા હોતી નથી, હંમેશાં ખુશનુમા વાતાવરણ હોય છે. દીર્ઘકાળના આયુષ્યમાં દેવાંગના આદિ સાથેનાં ભોગસુખો ભોગવવાનાં હોય છે, છતાં ત્યાં પણ તેમાંના કોઈક વિરલ દેવતાઓ નિર્મલ સમ્યગ્દર્શનના પ્રભાવે વિરક્ત રહી શક્તા હોય છે.

નયસારનો આત્મા પણ નિર્મલ સમ્યગ્દર્શનના પ્રભાવે સુખની અઢળક સામગ્રી પ્રાપ્ત થઈ હોવા છતાં, ૫૨મ વિરક્તિપૂર્વક સમય પસાર કરી રહ્યો હતો. તે જિનેશ્વરોના ચ્યવનાદિ પાંચે કલ્યાણકોની ઉજવણીમાં પોતાની સમસ્ત અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી નંદીશ્વર દ્વીપમાં જતો હતો. તે વારંવાર વિચારતો, ‘અમારા જેવા અવિરતિ જીવોને પ્રભુનું કલ્યાણક એ ભવસાગરમાં નાવ સમાન છે.’ એ પ્રમાણે અત્યંત બહુમાનથી, અસાધારણ હર્ષપૂર્વક ઓતપ્રોત બની અઠ્ઠાઈ મહોત્સવ કરતો હતો. વળી તે નિરંતર જિનપ્રતિમાનાં દર્શન કરવા જતો, સાક્ષાત્ વિચરતા અરિહંત ભગવંતના મુખકમલથી સંસાર ઉપર ઉદ્વેગ પમાડતી એવી ધર્મદેશના અત્યંત ભક્તિપૂર્વક સાંભળતો, તથા તપસ્વી, ચારિત્રી મુનિજનોની ઉપાસના-સેવાને કરતો. આ રીતે આરાધનામાં સમય પસાર કરતાં તેણે દેવભવનો કાલનિર્ગમન કર્યો.


ભાગ 4

💢 ત્રીજો ભવ : – મરીચિ💢

શ્રી વીરપ્રભુનો ત્રીજો ભવ : મરીચિ

સૌધર્મ દેવલોકથી નયસારનો જીવ આવીને ત્રીજા ભવમાં ભરત ચક્રવર્તીની રાણી વામાદેવીના ઉદરમાં શ્રેષ્ઠ સ્વપ્નથી સૂચિત ગર્ભપણે ઉત્પન્ન થયો અને ક્રમે પવિત્ર કરીને નક્ષત્ર અને શુભ મુહૂર્તે દશે દિશાઓમાંના અંધકારને પરાસ્ત કરનાર પુત્રપણે જન્મ પામ્યો. આ વૃત્તાંત સાંભળી ભરત મહારાજાએ તેનું મરીચિ (કિરણો) એવું યથાર્થ નામ રાખ્યું.

મરીચિ દેહવૃદ્ધિની સાથે ક્રમશઃ યૌવનવયને પામ્યો.સાધુસંતના સમાગમના પૂર્વજન્મના સંસ્કારોવાળો મરીચિકુમાર પણ દાદાના જીવનમાંથી તપનો નવો સંસ્કાર પામ્યો તે પણ ઘરબાર તજી દાદાના સાનિધ્યમાં રહી, એ તપલક્ષ્મી અનુભવવાને લોભે તેમનો અનુગામી થયો.

શરૂશરૂમાં તો મરીચિકુમારે યતિધર્મ ઘણા ઉત્સાહથી પાળવા માંડ્યો ; અને તેમ કરવામાં શરીર રહે કે ન રહે તેની પરવા છોડી દીધી.મંન – વાણી – કાયાનો નિગ્રહ કરવામાં, બોલવા ચાલવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સાવધાન રહેવામાં, પંચ મહાવ્રતોનું યથોચિત્ત પાલન કરવામાં, તથા ચારિત્રનો ભંગ કરનારા દોષોને તજવામાં તેણે ભારે આગ્રહપૂર્વક વર્તવા માંડ્યું.

એવામાં એક વખત શ્રી ઋષભસ્વામીના સમવસરણમાં પિતા અને ભ્રાતૃજનોની સાથે તે પણ ગયો હતો. ત્યાં તેણે દેવતાઓએ કરેલો સમવસરણાદિ વૈભવ જોયો તથા અમૃતમયી પ્રભુની ધર્મદેશના સાંભળી અને જીવિતને ગજકર્ણ સમાન ચંચલ સમજી, સ્ત્રીઓના સંયોગસુખને વિષવેલડી તુલ્ય ધારી, સ્નેહીજનોના સંબંધને અકાળે પડતી વીજળી સમાન ક્ષણભંગુર જાણી,સદ્ધર્મના પરિણામ અત્યંત વૃદ્ધિ પામતાં તેણે પ્રભુ પાસે દીક્ષા લીધી. મરીચિમુનિ સ્થવિરો પાસે સામાયિકાદિ ૧૧ અંગને ભણતા શ્રી ઋષભપ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા.

એ પ્રમાણે ઘણો કાળપર્યંત વિહાર કરતાં એકવાર ઉનાળો આવ્યો, અગ્નિની જવાળા સમાન અતિ દારુણ સૂર્યનાં કિરણો પડવાથી ગરમ થયેલી રેતી વટેમાર્ગુના પગના નખને રાંધી નાંખવા લાગી. તે વખતે જેનાં સર્વ અંગ પરસેવાથી ભીનાં થઈ ગયાં છે અને પહેરેલાં વસ્ત્ર ધૂળ વડે લિપ્ત બની ગયાં છે એવા તે મરીચિમુનિ તૃષાથી પીડિત થયા છે, ત્યારે ચારિત્રાવરણીય કર્મના ઉદયથી આ પ્રમાણે ચિંતવવા લાગ્યા : “મેરુ પર્વત જેવા આ સાધુપણાના ગુણોને હું વહન કરવાને માટે સમર્થ નથી; પણ હવે વ્રતનો ત્યાગ પણ શી રીતે કરાય ? કેમ કે ભરત ચક્રવર્તીનો પુત્ર થઈ પોતાની મેળે તજી દીધેલ ગૃહાદિકનો પુનઃ સ્વીકાર કરતાં લોકમાં લજ્જા પ્રાપ્ત થાય તેમ છે. પણ એવો એક ઉપાય શોધી કાઢું કે જેથી વ્રત પણ કાંઈક રહે અને આવો શ્રમ પણ પડે નહીં.”

(૧) “આ શ્રમણ ભગવંતો મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરક્ત છે અને હું તો મન, વચન અને કાયાના દંડોથી અભિભૂત છું. તેથી મારે ત્રિદંડનું લાંછન થાઓ.

(૨) આ સાધુઓ કેશનો લોચ કરવાથી અને સર્વ ઈન્દ્રિયોના નિગ્રહથી મુંડન સહિત હોય છે અને હું તો સર્વ ઈન્દ્રિયોના નિગ્રહથી મુંડન રહિત છું. તેથી શસ્ત્ર વડે કેશને મુંડાવવાવાળો તેમ જ શિખાધારી થાઉં.

(૩) આ સાધુઓ મહાવ્રતધારી છે અને હું અણુવ્રતધારી થાઉં.

(૪) આ મુનિઓ સમસ્ત પ્રકારે પરિગ્રહત્યાગી છે અને હું તેવો નથી, માટે સુવર્ણની જનોઈ જેટલો પરિગ્રહ રાખું.

(૫) તપસ્વી મુનિઓ મોહરહિત અને ઉપાનહ(ચંપલ) રહિત વિહાર કરે છે, પણ હું મોહ વડે આચ્છાદિત હોવાથી છત્રવાળો અને ચરણની રક્ષાને માટે ઉપાનહ રાખનારો થાઉં.

(૬) આ સાધુઓ શીલરૂપ જળના પ્રક્ષાલનથી કર્મ-મલને ધોઈ નાખનાર હોવાથી સદા સુગંધથી અભિરામ છે અને હું નિર્મળ શીલપાલન વગરનો દુર્ગંધયુક્ત છું, તેથી બાહ્ય સુગંધને માટે ચંદનાદિ તિલકો કરનારો થાઉં.

(૭) આ મહર્ષિઓ કષાયરહિત હોવાથી જીર્ણ, શ્વેત અને મલિન વસ્ત્રો ધારે છે અને હું ગાઢ કષાયથી કલુષિત બુદ્ધિવાળો છું, તેથી મારે રંગેલાં વસ્ત્રો ધારણ કરવાં.

(૮) તથા મુનિઓ સાવઘયોગથી ભીરુ હોવાથી, મનથી પણ બહુ જંતુથી વ્યાપ્ત સચિત્ત જળને ઈચ્છતા નથી અને હું તો સંસારને અનુસરનાર હોવાથી પરિમિત જળે પાન, સ્નાનાદિકની પ્રવૃત્તિ કરીશ.’

આ પ્રમાણે મરીચિએ પરિવ્રાજક (ત્રિદંડી) માર્ગની પ્રવૃત્તિ શરૂ કરી; છતાં સંયમધર્મના પક્ષપાતને નિરંતર અંતરમાં વહન કરતો તે મરીચિ પરિવ્રાજક, શ્રી ઋષભસ્વામીની સાથે ગામ-નગરાદિકમાં વિચરવા લાગ્યો.

મરીચિનો આવો નવીન વેષ જોઈને બધા લોકો તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તે શ્રી જિનોએ કહેલા સાધુધર્મને કહેતો હતો. પછી લોકો તેને પુનઃ પૂછતા કે, ‘તમે તેવા સાધુધર્મને કેમ આચરતા નથી?’ ત્યારે તે કહેતો કે, “હે મહાનુભાવો ! તમે એવી આશંકા ન કરો કે ‘આ મુનિ કહે છે જુદું અને આચરણ જુદું કરે છે’. તમે સમજો, મારી બુદ્ધિ સંસારને વશ છે :

મોહરૂપ મહામલે મને જીતી લીધો છે,

ઉચ્છંખલ કષાયરૂપ દુર્જનોથી હું સ્ખલિત થયો છું,

દુર્દાત ઈન્દ્રિયરૂપ ચોરોએ મારૂં પ્રશમધન લૂંટી લીધું છે,

દુર્ગતિરૂપ રાક્ષસી આદરપૂર્વક મને જોઈ રહી છે;

માટે મારા ગુણ-દોષનું અવલોકન છોડી,

નીચ જને લાવેલા મહામણિની જેમ,

ચંડાલે બતાવેલ ઈષ્ટ નગરના માર્ગની જેમ,

અને રોગગ્રસ્ત વૈધે દર્શાવેલ પરમ ઔષધની જેમ,

તમે સર્વથા પાપરહિત એવા મુનિધર્મનો સ્વીકાર કરી કૃતાર્થ થાઓ.”

એ પ્રમાણે સાંભળતાં તેઓ જ્યારે ભવવૈરાગ્ય પામી,તૃણની જેમ પુત્રાદિનો ત્યાગ કરી, જિનધર્મમાં સ્થિર મન કરી સંયમધર્મ સ્વીકારવાને તત્પર થતા, ત્યારે મરીચિ તેઓને શ્રી ઋષભદેવ પ્રભુને સોંપી દેતા હતા. એમ પ્રતિદિન સદ્ધર્મદેશનાથી લોકોને પ્રતિબોધ પમાડતા,પોતાના દુચરિત્રને નિંદતા શ્રમણ મહાત્માઓનો પક્ષપાત કરતા, કલ્પિત પરિવ્રાજક વેશને ધારણ કરતા મરીચિ ભગવંતની સાથે વિહાર કરતા કાળ નિર્ગમન કરવા લાગ્યા.

એક વખતે પ્રભુ ફરી વાર વિનીતા નગરીની સમીપે આવીને સમોસર્યા ત્યારે,ભરતચક્રી, ભગવંતને આ પ્રમાણે પૂછવા લાગ્યો : ‘હે નાથ ! તમે આવી પૂજયતાના પ્રકર્ષને પામ્યા છો, તેમ આ ભરતક્ષેત્રમાં બીજા પણ તમારા જેવા તીર્થંકર થશે કે નહિ ?

ભગવંત બોલ્યા, ‘અજિતનાથથી મહાવીર પર્યંત ૨૩ તીર્થંકરો થશે.’ એટલે ભરતે પુનઃ પ્રશ્ન કર્યો કે, ‘હે પ્રભુ ! મારા જેવા ચક્રવર્તી કેટલા થશે ?’

પ્રભુ બોલ્યા, ‘તારા જેવા સગરાદિક ૧૧ ચક્રધર થશે.’ પછી ભરતના પૂછ્યા વિના પ્રભુ બોલ્યા, ‘ભરતક્ષેત્રમાં ૯ વાસુદેવ અને બળદેવના જોડલાં થશે.’

ત્યારે ભરતે પર્ષદાને નિહાળતાં પ્રભુને પ્રશ્ન કર્યો કે, ‘હે નાથ! આ પર્ષદામાં શું કોઈ તીર્થંકરપદની ઋદ્ધિ પામશે ?’

તે વખતે પ્રભુએ દૂર એકાંતમાં બેઠેલા મરીચિને બતાવતાં કહ્યું કે, ‘આ તારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીશમા તીર્થંકર થશે. વળી પોતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલો વાસુદેવ અને વિદેહક્ષેત્રને વિષે મુકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે.’

તે સાંભળી ભરત મહારાજા મરીચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેને વંદના કરી પછી કહ્યું કે : ‘શ્રી ઋષભપ્રભુના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશો, પોતનપુરમાં ત્રિપુષ્ટ નામે પહેલા વાસુદેવ થશો અને વિદેહક્ષેત્રની મુકાપુરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશો.’ પછી કહ્યું : ‘હું કાંઈ તારા આ પરિવ્રાજકપણાને નમતો નથી, પણ તું ચરમ તીર્થપતિ થઈશ, તેથી હું તને વંદન કરું છું.’ આ પ્રમાણે ભાવપૂર્વક સ્તવી, ભરતચક્રી વિનીતાનગરીમાં આવ્યા.

મરીચિ ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી, હર્ષથી રોમાંચિત બની, દુર્વાર વેગથી વધતા એક ઉન્માદનો જ આશ્રય લઈ, રણાંગણમાં સુભટની જેમ અભિમાનથી ત્રિદંડને પછાડતો અને નાચતો ઊંચે સ્વરે કહેવા લાગ્યો કે, “પોતનપુરમાં હું પહેલો વાસુદેવ થઈશ, વળી મુકાનગરીમાં ચક્રવર્તી થઈશ અને પછી ચરમ તીર્થંકર પણ થઈશ. તેથી ત્રિભુવનમાં મારા જેવો અન્ય કોઈ પુણ્યવાન નથી..હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્રવર્તીઓમાં પહેલા અને મારા પિતામહ તીર્થંકરોમાં પ્રથમ. અહો! મારું કુળ કેવું ઉત્તમ છે !’’ એવી રીતે વારંવાર ભુજાસ્ફોટ કરી જાતિમદ કરતાં મરીચિએ દૃઢ નીચગોત્ર કર્મ બાંધી લીધું.

કથાકાર કહે છે કે આ રીતે કુળનો મદ કરવાને કારણે જ મહાવીરસ્વામીનો ગર્ભવાસ શરૂઆતમાં યાચક બ્રાહ્મણોના કુળમાં થયો, અને ત્યારબાદ તેમને ક્ષત્રિયાણી ત્રિશલાનું પુત્રત્વ પ્રાપ્ત થયું.

ત્યાર પછી પણ પ્રભુ સાથે ઘણો સમય વિહાર કર્યો.

શ્રી ઋષભસ્વામી પોતાના આયુઃકર્મની પ્રાંત સ્થિતિ જાણી અષ્ટાપદપર્વત ઉ૫૨ મહાવદ તેરસના દિવસે ૬ ઉપવાસ કરી, ૧૦ હજાર મુનિઓની સાથે પાદપોગમન અનશન આચરી, પર્યંકાસને બેસી, અઘાતી કર્મ ખપાવી, અનુત્તર અને અચલ એવા મોક્ષપદને પામ્યા.

પ્રભુનું નિર્વાણ જાણી ચોસઠે ઈન્દ્રો, ક્રોડો દેવતાઓ તથા ભરતચક્રી આદિ અનેક લોકો ત્યાં આવ્યા ગોશીર્ષચંદનાદિથી શરીર-સંસ્કાર કરી ઈંદ્રાદિ સર્વે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. ત્યારબાદ ભરતે અષ્ટાપદના શિખર પર કેવળ રત્નમય એક મોટો સ્તૂપ રચાવ્યો, તેમ જ બાહુબલિ પ્રમુખ પોતાના ૯૯ ભાઈમુનિઓના બીજા ૯૯ સ્તૂપ કરાવ્યા તથા પ્રભુના નિર્વાણપ્રદેશમાં ત્રણ ગાઉ (૯ કી.મી.) ઊંચુ, એક યોજન (૧૨ કી.મી.) વિસ્તૃત જિનાલય બનાવ્યું, જેમાં સર્વ રત્નમય અને પોતપોતાના વર્ણ, પ્રમાણ સહિત ચોવીશે તીર્થંકરોની જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ ભરતમહારાજાએ ઘણો સમય રાજ્ય ભોગવ્યું તેમાં, એકવાર અરિસાભુવનમાં સ્નાન કરતાં વીંટી સરી પડી અને અનિત્યાદિ ભાવના ભાવતાં ભરત મહારાજા ઘાતીકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને દેવોએ સાધુવેશ આપતાં તેમણે ગૃહનો ત્યાગ કર્યો. ૧૦ હજાર રાજાઓ સાથે વિહાર કરતા ૧ લાખ પૂર્વ કેવલીપર્યાય પાળી ભરતમુનિ નિર્વાણપદને પામ્યા.

હવે પ્રભુ અને ભરતમુનિના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે અપ્રતિબદ્ધપણે વિહાર કરતો મરીચિ ભવ્યજનોને બોધ કરી કરીને સાધુઓની પાસે મોકલતો હતો. એક વખતે મરીચિ વ્યાધિગ્રસ્ત થયો. પરંતુ તે ન હોવાથી બીજા સાધુઓ તેના શરીરની વાર્તા માત્ર પણ પૂછતા ન હતા, વૈદ્યને બોલાવતા ન હતા, ઔષધથી ઉપચાર પણ કરતા ન હતા. તેથી ગ્લાનિ પામીને મરીચિએ મનમાં વિચાર્યું કે “અહો ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થમાં જ ઉદ્યમવંત અને લોકવ્યવહારથી વિમુખ છે, તેમને ધિક્કાર છે; હું કે જે તેમનો પરિચિત, સ્નેહવાળો અને એક જ ગુરુનો દીક્ષિત તેમજ વિનીત છું, છતાં મારું પાલન કરવું તો દૂર રહ્યું પણ તેઓ મારી સામું પણ જોતા નથી.’

થોડી ક્ષણો પછી વિચારે છે : “મારે આવું ખરાબ ચિંતન ન કરવું જોઈએ કારણ કે આ સાધુઓ પોતાના શરીર પ્રત્યે પણ મમતા ધરાવતા નથી, તો મારા જેવા ભ્રષ્ટની પરિચર્યા તો કેમ કરે ? માટે હવે જો હું આ રોગમાંથી મુક્ત થાઉં, તો પછી કોઈ મારી સેવા કરે તેવો એક શિષ્ય કરું, કે જે આવો જ વેષ ધારણ કરે.” એવામાં મરીચિ પરિવ્રાજકના ચિરકાળના પરિચિતોએ અનુકૂળ ઔષધાદિ દીધું, જેથી તેનો રોગ ચાલ્યો ગયો, તેના શરીરમાં બળ આવ્યું અને તે અન્ય સ્થાને વિચરવા લાગ્યો.

એકદા ધર્મદેશના કરતાં કપિલ નામે એક રાજપુત્ર તેની પાસે આવ્યો તેને સાધુધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યુ કે ‘તમે પોતે એ ધર્મ કેમ આચરતા નથી ?’ તેથી મરીચિ બોલ્યો ‘હું તે ધર્મ પાળવાને સમર્થ નથી.’

આ સાંભળી કપિલે પૂછ્યું કે ‘ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?’ આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણી શિષ્યને ઈચ્છતો મરીચિ બોલ્યોઃ ‘હે કપિલ ! ત્યાં એટલે જિનમાર્ગમાં પણ ધર્મ છે અને અહીં મારા માર્ગમાં પણ ધર્મ છે. (આમાં સર્વવિરતિ સ્વરૂપ જિનમાર્ગમાં અને પોતાના કલ્પેલા અણુવ્રત સ્વરૂપ દેશવિરતિમાં સરખો ધર્મ બતાવ્યો તે ઉત્સૂત્ર ભાષણ છે.) એ પ્રમાણે મિથ્યાધર્મના ઉપદેશથી મરિચિએ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો અને તે પાપની કાંઈ પણ આલોચના કર્યા વગર ૮૪ લાખ પૂર્વના આયુષ્યના પ્રાંતે અનશન વડે મૃત્યુ પામ્યો.

 

ભાગ 5

💢 ચોથો ભવ :-બ્રહ્મલોકમાં દેવ💢

શ્રી વીરપ્રભુનો ચોથો ભવ : બ્રહ્મલોકમાં દેવ

મરીચિનો જીવ ચોથા ભવે પાંચમા બ્રહ્મદેવલોકમાં ૧૦ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળો અને પાંચ હાથની કાયાની ઊંચાઈવાળો દેવ થયો.

તે દેવ પાંચ મહિને શ્વાસોશ્વાસ અને દશ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો. તે દેવ, પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા, ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે ત્રીજી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધીના સર્વરૂપી પદાર્થોને જોઈ શક્તો હતો.

તે દેવ કેશર જેવા લાલ વર્ણવાળો તથા વિશુદ્ધ પદ્મલેશ્યાવાળો હતો અને તેણે મસ્તક ઉપર સુંદર બકરાના ચિહ્નવાળા રત્નમય મુગટને ધારણ કર્યો હતો.

બધા દેવો અર્ધમાગધી ભાષામાં બોલતા હોય છે. ભવનપતિનિકાયના દેવોથી માંડી બારમા વૈમાનિક દેવલોક સુધીના દેવો ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિય શરીર ૧ લાખ યોજન સુધી અંતર્મુહુર્તમાત્રમાં કરી શકતા હોય છે.

બ્રહ્મદેવલોકમાં ૪ લાખ વિમાનો હોય છે. તે વિમાનો (૧) પદ્મરત્નમય (૨)સુવર્ણપીતરત્નમય અને સ્ફટિકનાં બનાવેલાં શુક્લવર્ણી હોય છે.

બ્રહ્મદેવલોકનાં વિમાનો નીચેના દેવલોકનાં વિમાનો કરતાં અતિ ઉત્કૃષ્ટ વર્ણ-ગંધ-૨સ-સ્પર્શવાળાં હોય છે. ફેલાતી ચંદન, અગરુ, કપૂર, કસ્તુરી, કેશરની સુગંધ અને વેરાયેલાં જાઈ, ચંપા આદિ પુષ્પોની પરિમલ ત્યાં ચારે બાજુ ફેલાયેલી હોય છે.

રૂ, માખણ આદિ કરતાં પણ અતિ કોમળ સ્પર્શ એ વિમાનોમાં સ્વાભાવિક અને સનાતન હોય છે. તે વિમાનોમાં ચારે દિશામાં અશોકવન,સપ્તછદવન, ચંપકવન અને આમ્રવન જેવા વૃક્ષોની હારમાળાથી શોભતા ૫૦૪ વનખંડો હોય છે.

તે વનખંડો પાછા પંચવર્ણી મણિ અને શ્રેષ્ઠ ઘાસથી સમભૂતલવાળા હોય છે. તે વનખંડોમાં મોટા સરોવરો, વાવડીઓ, કમલસરોવરો અને મોટા કૂવાઓ હોય છે, જેના કિનારા તથા કાંઠા રૂપાના અને તળિયાં તથા રેતી સુવર્ણનાં બનેલાં હોય છે.

આ વાવડી આદિમાં જાતિવાન આસવ, ઘી, ખીર અને સાકર જેવા સ્વાદુ મધુર પાણી હોય છે. ત્યાં વળી સભાગૃહ, પ્રેક્ષકગૃહ, સ્નાનગૃહ, અલંકારગૃહ તથા સુધાભોજી દેવતાઓને ભોગ માટે મોહનગૃહો પણ હોય છે.

બ્રહ્મદેવલોકના દેવો રૂપસેવી હોય છે. તેઓને કામની અભિલાષા થાય ત્યારે વિચારણામાત્ર કરતાં, ઉત્તમ શૃંગારયુક્ત રૂપોને ઉત્તરવૈક્રિય શરીર બનાવવા દ્વારા વિકુર્વીને, ૨૦ પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહીતા વેશ્યા જેવી દેવીઓ ત્યાં આવે છે. કામદેવની રાજધાની સમાન તે દેવીઓના દિવ્ય-ઉન્માદક સ્વરૂપને જોતા, પરસ્પર ક્રીડાયુક્ત તેમનાં વદન, નેત્ર ઉપર એક સરખી સૃષ્ટિ સ્થાપિને તેનાં ઉદરાદિ અંગોપાંગનું સારી રીતે નિરીક્ષણ કરતા પરસ્પર પ્રેમ દર્શાવતા, વળી અનેક પ્રકારની ચેષ્ટાવાળી તે દેવીઓના સુંદર, મનોવેધક, કામોદ્દીપક મોહક રૂપને જોતા એવા તે દેવો, તીવ્રતર એવી કામરાગાર્ત દૃષ્ટિથી તે દેવીઓના કોમળ આશયના કટાક્ષોને ઝીલીને, માત્ર દૃષ્ટિમુખથી તૃપ્ત થાય છે, કારણ કે નીચેના દેવો કરતાં આ દેવોને કામનો વેગ અલ્પ હોય છે.

સાચે જ મોહદશાની જેટલી ઉપશાંત સ્થિતિ હોય તેટલી જ ચિત્તસ્વસ્થતા અને શાંતિ હોય છે. દરેક દેવતાઓને અલગ અલગ સમયે આહારની ઈચ્છા થાય છે ત્યારે, તેઓના સંકલ્પમાત્રથી ઉપસ્થિત થયેલાં સારભૂત એવાં પુદ્ગલો, શુભકર્મના પ્રભાવે સર્વઅંગમાં સર્વ ગાત્ર અને ઇન્દ્રિયોને આહ્લાદ આપનારા આહારરૂપે પરિણમે છે. તેનાથી બધા દેવોને સ્વાદિષ્ટ ભોજનની જેમ પરમતૃપ્તિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે, તેથી જ દેવતાઓને મનોભક્ષી કહેવાય છે.(મનોભક્ષી દેવોને સતત જે લોમાહાર થાય તે અનાભોગથી થાય તેમ જાણવું.)

 

ભાગ 6

💢 પાંચમો ભવ :- કૌશિક નામે બ્રાહ્મણ💢


શ્રી વીરપ્રભુનો પાંચમો ભવ : કૌશિક નામે બ્રાહ્મણ

વીર પરમાત્મા બનનારો આ જીવ બ્રહ્મદેવલોકનું ૧૦ સાગરોપમ આયુષ્ય પૂર્ણ કરી પાંચમાં ભવમાં કોલ્લાક નામના ગામમાં કૌશિક નામે બ્રાહ્મણ થયો.

યુવાનવયે તેનાં લગ્ન થયાં. ગૃહસ્થજીવનમાં અર્થોપાર્જન પાછળ નિરંતર સમય વ્યતીત થતો હતો. વળી તે પાંચે ઈન્દ્રિયોના વિષયોને ભોગવવામાં આસક્ત, ધન પેદા કરવામાં વિવિધ વ્યવસાય કરનાર, હિંસાદિક પ્રમુખ મોટાં પાપસ્થાનોમાં સૂગ વગરનો અને મિથ્યાત્વમાં મન લગાડનારો હતો.

તે બ્રાહ્મણે દીર્ઘકાળ સુધી સંસારનાં સુખો ભોગવી અંતસમયે પૂર્વસંસ્કારના બળે ત્રિદંડી સંન્યાસીનો વેશ ધારણ કર્યો.

દીર્ઘકાળના જીવન દરમ્યાન, આરંભ અને પરિગ્રહનાં અત્યંત મૂર્છાવશ કરેલાં પાપકર્મોનું કોઈ આલોચન કર્યા વગર તથા ત્રિદંડીના વેશમાં શુદ્ધ ચારિત્રના અભાવે અંધકારમય સમય પસાર કરીને, ૮૦ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી પોતાના કર્મના પ્રભાવે તિર્યંચયોનિમાં જન્મ લઈ, ત્યાંથી વળી વધુ નીચેની યોનિમાં જન્મ લઈ, ઘણા પ્રકારના નાના નાના ભવોમાં એ જીવ પરિભ્રમણ કરતો રહ્યો. તે તે સ્થાનોમાં દુઃખ ભોગવતો અકામ નિર્જરા કરતાં ફરી તેનો કંઈક વિકાસ થતો રહ્યો.

 

ભાગ 7

💢 છઠ્ઠો ભવ :- પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ💢


શ્રી વીરપ્રભુનો છઠ્ઠો ભવ : પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ

મહાવીરપ્રભુ બનનારો જીવ ક્ષુદ્ર ભવો માં ભટકતા ભટકતા આ રીતે ઘણા કાળ સુધી સંસારનું પરિભ્રમણ કરીને છઠ્ઠા ભવમાં સ્થણાક ગામમાં કૌશિક બ્રાહ્મણ નો જીવ પુષ્પમિત્ર નામે બ્રાહ્મણનો પુત્ર થયો.

યુવાનવયે લગ્ન કર્યાં. ગૃહાસ્થાવાસમાં ઘણો કાળ રહ્યો.

છેવટે કામભોગોથી કંટાળો પામતાં, ધર્મબુદ્ધિએ પરિવ્રાજક/ત્રિદંડી તાપસ બન્યો. ત્યાં વિવિધ બાળતપ આચરી ૭૨ લાખ પૂર્વનું આયુકર્મ પૂર્ણ કરી મરણ પામ્યો.

 

ભાગ 8

💢 સાતમો ભવ :- સૌધર્મ દેવલોકમાં દેવ💢


શ્રી વીરપ્રભુનો સાતમો ભવ : સૌધર્મ દેવલોકમાં દેવ

પુષ્પમિત્ર પરિવ્રાજકનો જીવ સાતમા ભવે પહેલા સૌધર્મ દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો. તે દેવ પ્રાયઃ ૭ હાથ કાયાની ઊંચાઈવાળો, ૨ થી ૯ મુહૂર્તે શ્વાસોશ્વાસ અને બે થી નવ આહારની ઈચ્છા કરતો હતો. તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે પહેલી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધીના સર્વ રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ ૨ક્તસુવર્ણ વર્ણવાળો તથા તેજોલેશ્યાવાળો હતો. તે દેવે મસ્તક ઉપર હરણના ચિહ્નવાળા સુંદર રત્નમય મુગટને ધારણ કર્યો હતો.

સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાન હોય છે, જે પાંચે વર્ણનાં (૧)અંજરત્નમય (૨)નીલરત્નમય (૩)પદ્મરાગરત્નમય (૪)સુવર્ણપીત રત્નમય અને (૫) સ્ફટિકનાં બનાવેલાં શુક્લવર્ણી મોટાં વિમાનો શોભતાં હોય છે.

જ્યારે અહીંના દેવોને કામવિલાસની અભિલાષા ઉત્પન્ન થાય છે ત્યારે ઉદ્યાનાદિ સ્થાનોમાં જાય છે. ત્યાં મનને અનુકૂળ સર્વ અંગે સૌભાગ્યશાળી એવી દિવ્ય દેવીઓ સાથે અંગે અંગમાં આલિંગન આદિ કરવા રૂપ મનુષ્યના મિથુનની જેમ મૈથુનરસમાં ડૂબી જાય છે અને તેથી તીવ્ર પુરુષવેદની વેદનાવાળા એવા તે દેવતાઓ તૃપ્ત થાય છે.

આ પ્રમાણે કોઈક દેવતાઓ તીવ્ર કામની વેદનાથી ઉન્મત્ત ચિત્તવાળા બનેલા પોતાની નાયિકાને ભોગવવા છતા તૃપ્ત ન થાય ત્યારે વેશ્યા જેવી અપરિગૃહીતા દેવીઓને પણ બોલાવી ભોગવે છે.

આ પ્રમાણે શક્તિશાળી અને વિવેકી એવા પણ બે દેવલોક સુધીના દેવતાઓ કામદેવથી વિડંબિત થાય છે. શરીર રહિત એવો કામદેવ કોઈ અપૂર્વકોટિનો છે કે જે દેવોને પણ જીતી જાય છે.

દેવલોકમાં સુંદર દેવાંગનાઓનાં હરણ કરવા વગેરે પ્રસંગોથી કોઈ વખતે ભીષણ સંગ્રામો પણ ઉદભવે છે. ત્યારે પરસ્પર ખૂબ જ તાડના-તર્જના થાય છે. પરંતુ દેવો વૈક્રિય શરીરી હોવાથી (નિરુપક્રમ આયુષી) તેઓનું મૃત્યુ થતું નથી, પણ પીડાનો દુ:ખદ અનુભવ તો જરૂર થાય જ છે.

અહીંના દેવોને પ્રાયઃ સમાધિ હોતી નથી; કેમ કે નીચેના દેવો ઉપરના દેવોના સુખવૈભવથી પોતાને ઘણું ઓછું મળ્યું છે તે જુએ છે, તેથી ઈર્ષ્યા અને અસંતોષથી નિરંતર પોતે પીડાતા હોય છે.

 

ભાગ 9

💢 આઠમો ભવ :- અગ્નિદ્યોત બ્રાહ્મણ💢

શ્રી વીરપ્રભુનો આઠમો ભવ :અગ્નિદ્યોત બ્રાહ્મણ

વીરપ્રભુનો જીવ સૌધર્મ દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ચ્યવીને આઠમા ભવે ચૈત્યસંનિવેશમાં અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયો. ત્યાં પણ તેણે પૂર્વ વાસનાથી સંન્યાસ ગ્રહણ કર્યો.

વિવિધ પ્રકારના તપના પરિણામે ૬૪ લાખ પૂર્વવર્ષના આયુષ્યના અંતે વૈમાનિક દેવલોકના બીજા ઈશાન દેવલોકમાં ગયા.

 

ભાગ 10

💢 નવમો ભવ :- ઈશાન દેવલોકમાં દેવ💢


શ્રી વીરપ્રભુનો નવમો ભવ : ઈશાન દેવલોકમાં દેવ

વીરપ્રભુનો જીવ અગ્નિદ્યોત પરિવ્રાજકનું આયુષ્ય પૂર્ણ કરીને નવમા ભવે બીજા ઈશાન દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો અને ૭ હાથમાં કંઈક ઓછી કાયાની ઊંચાઈવાળો દેવ થયો.

તે દેવ પ્રાયઃ ૪૫ દિવસે શ્વાસોશ્વાસ અને દોઢ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો. તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન વડે ઉપર પોતાના દેવલના વિમાનની ધજા સુધી, નીચે પહેલી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વિપ-સમુદ્રો સુધીના રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ રક્તસુવર્ણ જેવા વર્ણવાળો તથા તેજોલેશ્યાવાળો હતો. તે દેવના રત્નમય મુગટમાં પાડાનું ચિહ્ન હતું.

તે ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાનો હતાં. તે વિમાનો અંજનરત્નાદિ પાંચે વર્ણના હતાં. વૈમાનિક દેવીનું એક વૈશ્વિક સુખ (નાટકાદિ એક કાર્ય) પણ બે હજાર વર્ષ સુધી ચાલે છે. આ પ્રમાણે કામક્રીડા, નાટકાદિના કારણે હંમેશાં તેમનું કાર્ય અધૂરું જ હોય છે. તેથી દેવો અહીંથી મર્ત્યલોકમાં આવી શકતા નથી તથા આવવા ઈચ્છતા પણ નથી.

કદાચ કોઈ દેવ પૂર્વજન્મના ઉપકારી માતા-પિતાદિ પાસે આવવા ચાહે ત્યારે નિર્બન્ધ પ્રેમ ધરાવતી દેવીઓ તે દૈવને અટકાવતાં કહે કે, પહેલા જ કોળીયામાં મક્ષિકાપાત સમાન આ શું માંડ્યું છે? તમારા વિના અમે એક ક્ષણ પણ જીવી શકીએ તેમ નથી ! છતાં જવા ઈચ્છતા હો, તો પહેલાં મંગલરૂપ આ નાટકને જોઈને જવું હોય તો જાઓ ! ઈત્યાદિ પ્રેમગર્ભિત વાણીથી રોકી લે છે. તથા મૃત્યુલોકની વિષ્ટાદિ દુર્ગંધ ઊંચે ૮૦૦ યોજનથી અધિક સુધી હોય છે, તેથી પણ દૈવી આવતા નથી. ત્યાં પરસ્પર સમાન આયુષ્યવાળા દેવતાઓમાં પૂર્વોત્પન્ન દેવો પછીથી ઉત્પન્ન થયેલા દેવો કરતાં અલ્પ તેજવાળા હોય છે. અને પાછળથી ઉત્પન્ન થયેલા દેવો પૂર્વોત્પન્ન દેવો કરતાં અધિક તેજસ્વી હોય છે.

આ અપેક્ષાએ દેવલોકમાં પણ કાંતિ વગેરેની હાનિના કારણે વૃદ્ધાવસ્થા હોય છે. તેથી નવા તેજસ્વી દેવીને જોઈ જુના દેવો ખેદ પામે છે.

દેવોને પત્ની આદિ ઈષ્ટવસ્તુના વિનાશ તથા વિયોગની ચિંતારૂપ મનમાં ખેદ તથા શોક પણ થાય છે. આ રીતે વૈમાનિક દેવલોકના દેવતાઓ વૃદ્ધાવસ્થારૂપ શારીરિક વેદના અને મનના ખેદરૂપ માનસિક વેદના અનુભવતા હોય છે.

પુણ્ય વગરના અને સુખના ઈચ્છુક એવા કેટલાયે દેવો, બીજાને વિશિષ્ટ પુણ્યથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ ઐશ્ચર્યવાળા જોઈને ઈર્ષ્યાથી દુઃખી પણ થતા હોય છે.

વિમાનની પ્રભા ઘટતી જેઈ, કલ્પવૃક્ષને મ્લાન થતાં જોઈ, પોતાના તેજને ઘટતું જોઈ તથા કરમાઈ જતી માળા આદિ ચિહ્નોથી આ દેવતાઓ છ મહિનાની અંદર પોતાના મરણને જાણી આક્રંદપૂર્વક તીવ્ર વિષાદ કરતા હોય છે.

દેવતાઓ ઈર્ષ્યા અને વિષાદના કારણે ખૂબ પીડાતા હોય છે અને આયુષ્ય પોતાના વિમાનાદિ સમૃદ્ધિને જોઈ જોઈને અને નજીકનું ચ્યવન, ગર્ભમાં ઉત્પત્તિ આદિ દુઃખો જોઈ આક્રન્દ કરતા મૃત્યુ પામે છે.

 

ભાગ 11

💢 દશમો ભવ :- અગ્નિભૂતિ બ્રાહ્મણ💢


શ્રી વીરપ્રભુનો દશમો ભવઃ અગ્નિભૂતિ બ્રાહ્મણ

ઈશાન દેવલોકથી ચ્યવીને વીર પરમાત્માનો જીવ દશમા ભવમાં તે મંદિર નામના ગામમાં સોમિલ નામના બ્રાહ્મણની શિવભદ્રા નામની પત્નીને પેટે અગ્નિભૂતિ નામે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. ધીરે ધીરે તે તરુણાવસ્થા પામ્યો.

એક વખત સૂરસેન નામે પરિવ્રાજક ફરતો ફરતો તે ગામમાં આવ્યો. તે દર્શનશાસ્ત્રો તથા ધર્મકથાઓમાં બહુ નિપુણ હતો પહેલે દિવસે તેણે કરેલા વ્યાખ્યાનથી લોકો અતિશય પ્રસન્ન થઈ, તેની યશગાથા ગાતા ગાતા ઘેર ગયા. બીજે દિવસે સૂરસેનની વ્યાખ્યાનકુશળતાની ખ્યાતિ સાંભળી, અનેક લોકો તેની પાસે ગયા; તેમાં અગ્નિભૂતિ પણ હતો.

વ્યાખ્યાન પૂરું થયા બાદ કોઈકે સૂરસેનને પૂછ્યું, “હે ભગવન્! આપ રૂપ-લાવણ્યથી યુક્ત છે; તથા યુવાન છો. તો ૫ણ શા કારણે સંન્યાસી થયા છે તે જણાવશો?”

સૂરસેને ખોટું લગાડ્યા વિના જવાબમાં પોતાની આપવીતી સૌને કહી સંભળાવી :–

“હું પૂર્વે કૌશાંબી નગરીમાં અતિ ધનવાન ગૃહસ્થ હતો. ૫રંતુ એક વખત મધરાતે જંગલી ભીલોના એક ટોળાએ આવી મારી સર્વ સંપત્તિ લૂંટી લીધી. હું બીકનો માર્યો દૂર નાસી ગયો. બીજે દિવસે પાછા આવીને જોયું તો મારા ઘરનું ખાલી ખોખું જ બાકી રહ્યું હતું. અંદરની બધી સામગ્રી તે લોકો લૂંટી ગયા હતા.

“જે નગરમાં ધનવાન અને પપ્રતિષ્ઠિત ગૃહસ્થ તરીકે હું રહેતો આવ્યો હતો, તે નગરમાં હવે નિષ્કિંચન દરિદ્ર તરીકે રહેવું મુશ્કેલ લાગવાથી, હું ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો; અને એકાદ ગામમાં જઈ માગી-તાગીને પેટ ભરવા લાગ્યો.

એવામાં એક દિવસ એક ત્રિદંડી તાપસ મને મળ્યા. મારી દુઃખકથા સાંભળી તેમણે મધુર તેમ જ જ્ઞાનપૂર્ણ વાક્યોથી મને આશ્વાસન આપ્યું, તથા લક્ષ્મીની ચંચળતા વિષે ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, લક્ષ્મી કેવળ અનેક અનર્થોનું મૂળ છે. તે પોતાની ચંચળતા તજીને કાયમ રહે તે ૫ણ કેાઈ પ્રકારે સુખનું કારણ થઈ શકતી નથી; ઊલટું રહે ત્યાં સુધી કર્તવ્ય-કર્મમાં પ્રમાદ જ ઉપજાવે છે.

વળી ધર્મરહિત મનુષ્યની ઉત્કટ ઋદ્ધિ પણ અવશ્ય વિનાશ પામે છે; પરંતુ જેઓ ધર્મસહિત છે, તેમને ધન વિના ૫ણ સર્વ સમૃદ્ધિઓ સત્વર આવી મળે છે. માટે લક્ષ્મીની કામના તજી, ધર્મરૂપી પુરુષાર્થ આચરવાની જ પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે તે મહાત્માના સદુપદેશથી તેમજ સત્સંગથી મારો શોકસમુદાય નાશ પામી ગયો, અને તેમની સાથે રહી તેમના બતાવ્યા મુજબ ધર્મ આચરવા સારુ મેં તેમની પાસે દીક્ષા લીધી.”

સૂરસેનની કથા સાંભળી અગ્નિભૂતિ તેમને પ્રણામ કરી કહેવા લાગ્યો :“હે ભગવન્! ધન અને જીવિત આટલાં બધાં ચંચળ છે, એ સ્થિતિમાં આપે તેમની પરવા તજીને તાપસપણું સ્વીકાર્યું, એ સારું જ કર્યું.

મને પણ હવે આપની કથા સાંભળ્યા પછી ઘરબાર વગેરે વસ્તુઓમાં વૈરાગ્ય આવે છે; માટે આ૫ની પાસે તાપસદીક્ષા લઈ આ૫ જે ધર્મ આચરો છો, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા હું ઈચ્છું છું.”

સુરસેને અગ્નિભૂતિનો વિવેક – વૈરાગ્ય જોઈ તેને પ્રસન્નતાપૂર્વક દીક્ષા આપી.

ત્યાં પણ ઘોર તપ આચરી ૫૬ લાખ પૂર્વનું આયુ પાળી મૃત્યુ પામ્યો.

 

ભાગ 12

💢 અગિયારમો ભવ :- સનત્કુમાર દેવલોકમાં દેવ💢

શ્રી વીરપ્રભુનો અગિયારમો ભવ : સનત્કુમાર દેવલોકમાં દેવ

અગ્નિભૂતિ પરિવ્રાજકનો જીવ મરીને અગિયારમા ભવે ભગવાનનો જીવ ત્રીજા સનત્કુમાર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો અને છ હાથ કાયાની ઊંચાઈવાળો દેવ થયો.

તે દેવ પ્રાયઃ ૭૫ દિવસે શ્વાસોશ્વાસ અને ૫ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો.

તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે બીજી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ- સમુદ્રો સુધીના રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ પદ્મકેશર જેવા વર્ણવાળો તથા પદ્મલેશ્યાવાળો હતો. તે દેવના રત્નમય મુગટમાં સૂઅરનું ચિહ્ન હતું. તે દેવ ઉત્કૃષ્ટથી ઉત્તરવૈક્રિય શરીર ૧ લાખ યોજન સુધી અંતર્મુહૂર્ત માત્રમાં કરી શકતો હતો.

તે ત્રીજા દેવલોકમાં ૧૨ લાખ વિમાનો હતાં. તે વિમાનો (૧) અંજનરત્નમય (૨) પદ્મરાગરત્નમય (૩) સુવર્ણપીતરત્નમય અને (૪) સ્ફટિકનાં બનાવેલાં શુક્લવર્ણી ખૂબ શોભતાં હતાં.

કામભોગના અભિલાષ વખતે તે દેવ કામરૂપી અગ્નિ માટે ઈંધન સમાન એવા ચિત્ત વડે સૌધર્મ દેવલોકમાં રહેનારી અપરિગૃહીતા દેવીઓને યાદ કરતો, ત્યારે ચતુર આશયવાળી તે દેવીઓ પણ તરત જ પોતાના અંગના સ્ફૂરણાદિ દ્વારા પોતાના પ્રિયની રતેચ્છાને સમજી જતી. ત્યારબાદ અદ્ભુત શૃંગાર અને વસ્ત્રાદિની સજાવટ વગેરે શોભાઓથી અલંકૃત થઈ તે દેવીઓ તે દેવ પાસે જલદી આવતી.

તે વખતે દેવ પણ તે દેવાંગનાઓને પોતાના ખોળારૂપી સિંહાસન ઉપર બેસાડીને સ્પર્શમાત્રથી મૈથુનક્રીડા કરીને તૃપ્ત થઈ જતો.

આ પ્રમાણે દેવો નિરંતર પાંચે ઈન્દ્રિયોના વિષયસુખના રસાસ્વાદના આહ્લાદ દ્વારા એક આંખના પલકારાની જેમ કેટલોય કાળ ત્યાં પસાર કરતા હોય છે.

 

ભાગ 13

💢 બારમો ભવ :- ભારદ્વાજ બ્રાહ્મણ💢


શ્રી વીરપ્રભુનો બારમો ભવ : ભારદ્વાજ બ્રાહ્મણ

સનત્કુમાર દેવલોકથી ચ્યવીને વીરપ્રભુનો જીવ બારમા ભવે શ્વેતાંબિકા નગરીમાં ભારદ્વાજ નામે બ્રાહ્મણ થયો.

ત્યાં પણ તેણે સ્વકર્મજન્ય સુખ-દુ:ખ ભોગવી, વૃદ્ધવયે પૂર્વકર્મના યોગે પુનઃ તેણે સંન્યાસ ગ્રહણ કર્યો.

ત્યાં કુદેશનાના પાપરૂપ ધૂળના પડલથી આચ્છાદિત બની તીવ્ર બાળતપ કરી ૪૪ લાખ પૂર્વનું આયુ પૂર્ણ કર્યું.

 

ભાગ 14

💢 તેરમો ભવ :- માહેંદ્ર દેવલોકમાં દેવ💢

શ્રી વીરપ્રભુનો તેરમો ભવ : માહેંદ્ર દેવલોકમાં દેવ

વીર ભગવાનનો જીવ ત્યાંથી મરીને તેરમા ભવે ચોથા માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો અને ૬ હાથની ઊંચાઈવાળો દેવ થયો.

તે દેવ પ્રાયઃ ૯૦ દિવસે શ્વાસોશ્વાસ અને ૬ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો. તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે બીજી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો સુધીના રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ વિશેષ ઉજ્વળ પદ્મકેસરના વર્ણવાળો હતો. તે દેવની સ્વભાવથી પદ્મલેશ્યા હતી. તે દેવના રત્નમય મુગટમાં સિંહનું ચિહ્ન અતિ શોભતું હતું.

તે ચોથા દેવલોકમાં ૮ લાખ વિમાનો હતાં. તે વિમાનો (૧) અંજનરત્નમય (૨) પદ્મરાગરત્નમય (૩) સુવર્ણપીતરત્નમય અને (૪) સ્ફટિકના બનાવેલા શુક્લવર્ણી કાંતિના સમૂહથી શોભતાં હતાં.

માહેન્દ્રકલ્પના દેવો સ્પર્શસેવી હોય છે. તે દેવોને તથાવિધ કર્મના ઉદયથી કામસેવન કરવાની ઈચ્છા થતી જ નથી. પરંતુ, તેઓને વિષયવાસના જાગૃત થતાં વિષયાતુર બને ત્યારે, સૌધર્મ-ઈશાન કલ્પની અપરિગૃહીતા દેવીઓ તેમની ઈચ્છાને અને પોતાની તરફના તેમના આદરભાવને સમજીને તેમની પાસે પહોંચી જાય છે.

તે દેવીઓના હસ્તાદિ ગાત્રના સંસ્પર્શમાત્રથી વિષયસુખના આનંદથી તૃપ્ત થાય છે. આ રીતે પોતાના પૂર્વકૃત સુકૃતોનું ફળ તે દેવતાઓ ભોગવે છે.

નીચેના દેવલોક કરતાં ઉપર ઉપરના દેવલોકના દેવતાઓ સર્વોત્કૃષ્ટ વર્ણ- ગંધ-૨સ સ્પર્શથી શોભતા હોય છે. તેમનું શરીર સૌભાગ્યાદિ ગુણસમૂહથી અત્યંત સુંદર હોય છે. આ દેવો પવિત્ર અને ચાતુર્યસભર લાવણ્યવાળા, સદાસ્થિર યૌવનવાળા, દિવ્ય અંગરાગ-વિલેપનથી સુગંધિત શરીરવાળા, પ્રત્યેક અંગોપાંગ ઉપર રત્નના આભૂષણોથી દીપતા, કામક્રીડાના વિલાસને જાણનારા, સ્વભાવથી નેત્ર મીંચ્યા વગરના, વિશિષ્ટ-તાજી રહેતી પુષ્પની માળાવાળા, મનના ચિંતિત માત્રથી સર્વ ઈચ્છિત અર્થને સિદ્ધ કરનારા, વચનાતીત સામર્થ્યથી નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ, પ્રયોજન વિશેષમાં પૃથ્વી પર આવે તો પણ પૃથ્વીથી ચાર આંગળ અદ્ધર રહેનારા હોય છે.

સારા સ્વરપૂર્વકના, ગંધર્વદેવોથી ગવાયેલા તથા દેવીઓએ કરેલા નાટકોને જોવામાં મગ્ન એવા તે દેવોનો સમય ક્યાં પસાર થઈ જાય છે તે તેઓ જાણતા નથી.

પ્રભુ બનનારા જીવે પણ અહીં આયુ પુર્ણ થવાના ૬ મહિના બાકી રહેતાં ગર્ભવાસનાં દુઃખો નિહાળી આક્રંદ કરી કર્મ ઉપાર્જીને તિર્યંચાદિ ગતિમાં વારંવાર ભવભ્રમણા કરી.

 

ભાગ 15

💢 ચૌદમો ભવ :- સ્થાવર(થાવર)નામે બ્રાહ્મણ💢

શ્રી વીરપ્રભુનો ચૌદમો ભવ : સ્થાવર નામે બ્રાહ્મણ

મહાવીરપ્રભુનો જીવ ત્યાંથી ચ્યવી, તે પૂર્વકર્મોને બળે વચમાં બીજી સારી- નરસી અનેક યોનિઓમાં ભમ્યો. પરંતુ તે યેાનિઓ ભવ- ગણતરીમાં સ્વીકારાઈ નથી. છેવટે તે રાજગૃહ નગરમાં કપિલ નામે બ્રાહ્મણની કાંતિમતી નામની ગૃહિણી ને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ થાવર પાડવામાં આવ્યું.

ધીરે ધીરે તે યુવાવસ્થા પામ્યો. પહેલેથી જ જન્મ-જરા–મરણ અને વ્યાધિના પ્રહારોથી જર્જરિત એેવો લોકસમુદાય જોઈને તેને વૈરાગ્ય આવ્યા કરતો હતો; ૫રંતુ બીજું કાંઈ કરવાનું સૂઝતું ન હતું, તેથી તે યથાપ્રાપ્ત કર્મ કર્યા કરતો હતો.

તેવામાં એક વખત તેણે નાક, ઓઠ અને આગળના દાંત છૂંદાઈ ગયેલા હોવાથી વિચિત્ર મુખાકૃતિવાળો એવો એક ત્રિદંડી તાપસ જોયો.તેને જોઈ થાવરને કાંઈ પૂર્વસંસ્કારો જાગ્રત થયા. એટલે તે તેની પાસે ગયો, અને ભક્તિભાવથી કર્તવ્યકર્મ વિષે તેને પ્રશ્ન પૂછવા લાગ્યો.

પેલા ત્રિદંડીએ પણ તેનો અધિકાર જોઈ, વિવેક- વૈરાગ્યને પ્રદીપ્ત કરે તેેવો ધર્મોપદેશ તેને આપ્યો, તથા પોતાનો દાખલો આપીને કહ્યું, “હે ભાઈ! આ સંસારનાં સુખોમાં આસક્ત રહી, મેં ઘણું દુઃખ વેઠયું છે. મારી પાસે પિતાપિતામહે એકઠું કરેલું પુષ્કળ દ્રવ્ય હતું. તે બધું મેં અનંગસેના નામની વેશ્યાની સેવામાં ખર્ચી નાખ્યું. મારું ધન પૂરું થતાં તેણે તો મને ચૂસી લીધેલા ગોટલાની જેમ ફેંકી દીધો; પરંતુ મારી વાસનાઓ કાંઈ ખૂટી નહોતી. સ્વાભાવિક ક્રમમાં હવે મહાન ધનભંડાર કમાઈ શકાય તેમ તો હતું નહીં. એટલે મેં કાળી વિદ્યાઓનો આશરો લઈ, ગુપ્ત ધનભંડારો પ્રાપ્ત કરવા માટે જોગણીઓ વગેરેની સાધના શરૂ કરી. પરંતુ વગર મહેનતે કામિની-કાંચન મેળવવા માટેની મારી એ બધી સાધનાઓ એળે ગઈ અને તેવી એકાદ સાધના વખતે માર ખાઈને મેં મારી નાસિકા, ઓઠ અને આગલા દાંત ગુમાવ્યાં છે. એ બધા ભોગો તેમજ તેમને માટેની સારીખોટી બધી સાધનાઓ મનને જકડી રાખે છે; પરંતુ કશાથી અંતિમ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી; અને જે થાય છે, તે દુઃખપૂર્ણ હેય છે.

એ રીતે લાંબો વખત ફાંફાં માર્યા બાદ મને વિવેક-વૈરાગ્ય પ્રાપ્ત થયા; અને મેં વિચાર્યું કે, આ બધાં સુખો મેળવવામાં, ભોગવવામાં તેમજ તેમને ટકાવી રાખવામાં સુખની માત્રા કરતાં દુઃખની માત્રા જ વધારે હેાય છે. ત્યાર પછી એ બધાની તૃષ્ણા છોડી, મારું ચિત્ત શાંત થયું; અને હવે આત્મચિંતનમાં મસ્ત રહેતો હું નિરાંતે વિચારું છું.”

ત્રિદંડીની આ આપવીતી સાંભળી, થાવરને પોતાના નિર્ણયોમાં ટેકો મળ્યો.એટલે તે તેની પાસે દીક્ષા લઈ તાપસ બન્યો. ત્યારબાદ અનેક દુ:સહ તપો આચરીને 33 લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં તે બ્રાહ્મણ દેવલોકમાં દેદિપ્યમાન દેવ થયો.

 

ભાગ 16

💢 પંદરમો ભવ:- બ્રહ્મદેવલોકમાં જન્મ💢


શ્રી વીરપ્રભુનો પંદરમો ભવ : બ્રહ્માદેવલોકમાં જન્મ

ત્યાંથી મૃત્યુ પામતાં વીર પ્રભુનો જીવ પંદરમા ભવે પાંચમા બ્રહ્મદેવલોકમાં મધ્યમ આયુષ્યવાળો દેવ થયો.

તે દેવ પ્રાયઃ ૫ હાથ કાયાની ઊંચાઈવાળો, ૪ મહિને શ્વાસોશ્વાસ અને હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો.

તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે ત્રીજી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધીના રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ કેશર જેવા લાલ વર્ણવાળો તથા પદ્મલેશ્યાવાળો હતો. તે દેવે બકરાના ચિહ્નવાળા રત્નમય મુગટને મસ્તકે ધારણ કર્યો હતો.

તે દેવને કામની અભિલાષા થતી ત્યારે વિષયસુખ ભોગવવાની ઇચ્છાળા તે દેવને થયેલા જાણી, સૌધર્મ દેવલોકની અપરિગૃહીતા દેવીઓ ત્યાં આવતી.કામદેવની રાજધાની સમાન તે દેવીઓના દિવ્ય, ઉન્માદક સ્વરૂપને જોતાં તે દેવ તીવ્રતર એવી કામરાગાર્ત દષ્ટિથી તે દેવીઓના કોમળ કટાક્ષોને જોતો રહ્યો. આ પ્રમાણે દષ્ટિસુખ માત્રથી તે દેવ સુરતક્રીડાની જેમ જ તૃપ્તિને પામ્યો; કારણ કે નીચેના દેવતાઓ કરતાં તે દેવનો કામનો વેગ અલ્પ હતો.

તે દેવે પોતાના મૃત્યુને હવે છ માસ બાકી રહ્યા છે, તે નીચેનાં કારણો પરથી જાણ્યું :-

(૧) બળ અને કાંતિમાં હ્રાસ અનુભવવાથી ‘યુવાવસ્થા’ જતી દેખાઈ, (૨) કલ્પવૃક્ષો મ્લાન અને કંપિત થતાં જણાયાં, (૩) પોતાની પદ્મલેશ્યાહીન થતી લાગી, (૪) કંઠની અમ્લાન પુષ્પમાલા કરમાવા લાગી, (૫) દૈન્ય અને તંદ્રાનો આવિર્ભાવ થવા લાગ્યો, (૬) વારંવાર અરતિ થતાં નવીન દેવને દેખીને જે હર્ષ થતો તેને બદલે ખેદ થવા લાગ્યો.

આનું અનુભવતાં તે શંકાશીલ બન્યો અને પોતાના પ્રાપ્ત જ્ઞાનના બળે સ્વ આયુષ્યનો અંતિમકાળ જાણ્યો. મૃત્યુ જાણીને તે ભારે ઉદ્વેગ પામ્યો.

સતત ચિંતાતુર થયેલો તે વિચારે છે : અહો ! શું આ લબ્ધિ , વિપુલ વૈભવ, અપાર સુખો, દિવ્ય કામભોગો છોડીને મારે મરવું પડશે ? અરે ! માતાના ઉદરમાં માતાનું ઓજ અને પિતાનું વીર્ય, એ બન્ને મિશ્રિત આહાર મારે કરવો પડશે ? અહો ! અશુચિ અને મહાત્રાસના સ્થાનરૂપ એવા ગર્ભવાસમાં મારે જવું પડશે ? આવા ઉદ્વેગમાં ઝૂરી ઝૂરીને મરે છે.

ટૂંકમાં વિચારીએ તો : મરીચિને પોતાની બુદ્ધિરૂપ કળાથી કલ્પેલ ત્રિદંડીના દર્શનમાં અનુરાગ પ્રગટ થતાં ૬ ભવ સુધી તે પરિવ્રાજક બન્યો. વળી પોતાના કુળની પ્રશંસા કરવાથી બાંધેલ નીચ ગોત્રકર્મને લીધે મરીચિને વારંવાર બ્રાહ્મણ પ્રમુખ નીચકુળમાં જન્મ લેવો પડ્યો.

 

ભાગ 17

💢 સોળમો ભવ :- વિશ્વભૂતિ💢

શ્રી વીરપ્રભુ નો સોળમો ભવ : વિશ્વભૂતિ.

સોળમાં ભવે નયસાર નો જીવ રાજગૃહી નગરીમાં વિશ્વભૂતિ નામના રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો.

રાજગૃહી નગરીમાં વિશ્વનંદી રાજા, રાણી પ્રિયંગુ, પુત્ર વિશાખાનંદી, વિશ્વનંદી રાજાનો નાનોભાઈ વિશાખાભૂતિ, રાણી ધારિણી, પુત્ર વિશ્વભૂતિ.

વિશ્વભૂતિ પરાક્રમી હતો. સૌને પ્રિય હતો. રાજવૈભવમાં ઉછેરાતો યૌવનવયે ૩૨ રાજકન્યાઓનો સ્વામી થયો. અનેક પ્રકારના સુખભોગમાં રાચતો હતો.

માતપિતાએ કોડથી પૂરા પાડેલા ભોગો તેમની સાથે ભોગવતો તે વિહરવા લાગ્યો. તેનો પિતા વિશાખાભૂતિ વિશ્વનંદી રાજાનો ભાઈ જ હતો; પરંતુ રાજાને તેના ઉપર એટલો બધો પ્રેમ હતો કે રાજ્યની બધી જ ભોગલક્ષ્મી વિશ્વભૂતિ વિના સંકોચ ભોગવી શકતો હતો. એટલું તો શું, પરંતુ રાજાનું પુષ્પકરંડક નામનું અત્યુત્તમ ઉદ્યાન તે જ જાણે પચાવી પડ્યો હતો. જ્યારે ને ત્યારે તે પોતાની પત્નીઓ સાથે તે ઉદ્યાનમાં વિહાર કર્યા કરતો; તેથી બીજા કોઈને માટે તે ઉદ્યાનમાં જવું અશક્ય થઈ ગયું હતું.

એક દિવસ વિશ્વભૂતિ પોતાની ૩૨ પ્રિયતમાઓ સાથે પુષ્પકદંડક નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં કામિનીઓ સાથે જળક્રીડા, દ્યૂતક્રીડા આદિ કરતો આનંદપ્રમોદપૂર્વક દિવસો વીતાવવા લાગ્યો.

યોગાનુયોગ યુવરાજ વિશાખાનંદી પણ પોતાની રાણીઓ સાથે એ જ ઉદ્યાન પાસે આવ્યો.તે બિચારો અવારનવાર પુષ્પકરંડક ઉદ્યાનમાં વિહાર કરવાનો મનસૂબો કરીને ત્યાં આવતો; પરંતુ કદી તે ઉદ્યાનને વિશ્વભૂતિ અને તેના અંતઃપુર વિનાનું ખાલી પડેલું પામતો જ નહીં, એટલે તેને પાછા ફરવું પડતું.રાજ્યના નિયમ મુજબ વિશ્વભૂતિ અંદર હોવાથી તે બહાર ઊભો રહ્યો. તે સમયે પ્રિયંગુરાણીની દાસી પુષ્પ લેવાને આવી. દાસીએ વિશ્વભૂતિને અંદર ક્રીડા કરતા અને વિશાખાનંદીને બહાર ઊભેલા જોયા.

આ જોઈ ઈર્ષાથી સળગી જઈ તેમણે રાણીને ભંભેરી કે, “આખા રાજ્યની તમામ મિલકત તમારા દિયરજી ના છોકરાની જ થઈ ગઈ લાગે છે. તમારો પુત્ર તો બિચારો ઉદ્યાનના દ્વાર આગળ આવી- આવીને પાછો ફરે છે, અને પેલો વિશ્વભૂતિ નિરાંતે શોરબકાર કરતો અંદર મહાલ્યા કરે છે!”

દાસીએ પ્રિયંગુરાણીને બધી વાત કરી. છેલ્લે કહ્યું કે ‘વિશ્વભૂતિ બળવાન છે. તે ભવિષ્યમાં સત્તા પર આવશે તો તમારે અને તમારા યુવરાજને આમમાર્ગ પર જ ઊભા રહેવું પડશે.’

રાણીએ આ વાત સાંભળી કે તરત જ અલંકાર વગેરેનો ત્યાગ કરી કોપખંડમાં જઈને બેઠી. આ સમાચાર રાજા વિશ્વનંદીને મળ્યા. ભોગી ભ્રમર જેવા રાજાઓ રાણીના કોપ-રીસને સહન કરી શકતા નથી. રાજા તરત કોપખંડમાં આવી રાણી પાસેથી બધી વાત જાણે છે અને રાણી ને સમજાવવા લાગ્યો. પછી જ્યારે રાજાએ જોયું કે, જ્યાં સુધી વિશ્વભૂતિને પુષ્પકરંડક ઉદ્યાનમાંથી ખસેડવામાં ન આવે, અને વિશાખાનંદી તે ઉદ્યાનમાં પ્રવેશ ન પામે, ત્યાં સુધી રાણી શાંત થવાની નથી.

ત્યારે તેણે મંત્રીઓ સાથે મસલત કરીને પ્રયાણ માટે લશ્કરને સજ્જ કરવા ભેરી વગાડાવી. પ્રયાણભેરીનો અવાજ સાંભળી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી તરત રાજદરબારમાં ગયો અને પૂછવા લાગ્યો કે, રાજ્ય ઉપર શાનું દુ:ખ આવ્યું છે, જેથી બધાને સજ્જ થવા માટે આ ભેરી વગાડાવવામાં આવી છે? રાજાએ જણાવ્યું કે, સીમાડા ૫રનો પુરુષસિંહ નામનો માંડલિક ઉદ્ધત થઈ ગયો છે, તથા આ૫ણી હદમાં આવી આપણાં પ્રજાજનોને સતાવે છે, તે માટે તેનું દમન કરવા સારું હું તરત જ ઊપડવા માગું છું.

તે સાંભળી વિશ્વભૂતિએ નમસ્કાર કરી રાજાને જણાવ્યું કે, “એવા નાના સરખા માંડલિકને જીતવા માટે આપને પોતાને શા માટે જવું પડે? અમે બધા હાજર છીએ; આ૫ મને જ આજ્ઞા આપો, તો હું હમણાં જ તેને સીધો કરી આવીશ.”

વિશ્વભૂતિનાં આવાં ભક્તિભાવભરેલાં વચન સાંભળી રાજાએ તેને સૈન્ય સાથે પ્રયાણ કરવાની આજ્ઞા આપી. વિશ્વભૂતિ આજુબાજુના પ્રદેશોની રમણીયતા જોતો જોતો , તથા પ્રજાજનોને તેમની પ્રવૃત્તિ વિષે પૂછતો પૂછતો પુરુષસિંહના મંડળ આગળ આવી પહોંચ્યો. રસ્તામાં ક્યાંય તેણે પુરુષસિંહ વિરુદ્ધ કેાઈ પણ જાતની ફરિયાદ પોતાના દેશના પ્રજાજનો પાસેથી સાંભળી નહીં. આથી નવાઈ પામી તેણે પુરુષસિંહને દૂત મોકલી પોતાના આવ્યાની ખબર આપી. પુરુષસિંહે તો આનંદ તેમજ સત્કારપૂર્વક તેનું પોતાના નગરમાં અતિશય સ્વાગત કર્યું; તથા અનેક રીતે તેને પોતાના પ્રેમૌદાર્યનો પરિચય આપ્યો. કુમાર આ બધું જોઈ નવાઈ પામ્યો; અને થોડા દિવસ પુરુષસિંહના આતિથ્યનો મનમાન્યો ઉ૫ભોગ કરી, તેની બાબતમાં રાજાને મળેલી ખોટી માહિતી બાબત મનમાં મૂંઝાતો પિતાને દેશ પાછો ફર્યો.

આ તરફ વિશ્વભૂતિ દૂર થતાં, વિશ્વનંદી રાજાએ વિશાખાનંદી કુમારને બોલાવીને કહ્યું કે, તું હવે નિ:સંકોચ પુષ્પકરંડક ઉદ્યાનમાં વિહાર કર. થોડા વખત બાદ વિશ્વભૂતિ પાછો આવ્યો, ત્યારે આવતાં વેંત ઉદ્યાનક્રીડાની આસક્તિને લીધે તે સીધો પુષ્પકરંડક તરફ ગયો. ત્યાં દ્વારપાળે તેને જણાવ્યું કે અંદર વિશાખાનંદી કુમાર અંતઃપુર સાથે વિહાર કરે છે, માટે આ૫ અંદર જઈ શકશો નહીં. આ સાંભળી વિશ્વભૂતિએ ચિડાઈ જઈ તેને પૂછયું કે, તેણે ક્યારનો આ બગીચામાં પગપેસારો કર્યો છે? દ્વારપાલે કહ્યું કે, “આપ અહીંથી પધાર્યા તે દિવસથી જ.”

એ જવાબ સાંભળતાં જ કુમારના મનમાં અચાનક પ્રકાશ પડયો. તે સમજી ગયો કે, મને આ ઉદ્યાનમાંથી ખસેડવા ખાતર જ રાજાએ પુરુષસિંહના દ્રોહનું ખોટું બહાનું કાઢીને મને દૂર મોકલી દીધો હતો. ગુસ્સાના માર્યા તેણે પાસેના એક કોઠાંના ઝાડ ઉપર મુક્કો મારી; અને તૂટી પડતાં કોઠાં બતાવીને વિશાખાનંદીના અનુચરને કહ્યું, “હરામખોરો, આ કોઠાંની પેઠે હમણાં તમારાં માથાં ટપોટપ જમીન ઉપર ગબડાવી પાડત; ૫રંતુ રાજાજીની આમન્યા નડે છે. બાકી, મેં જે ઉદ્યાનનો ત્યાગ નથી કર્યો, તેમાં તમે ઘૂસવાની હિંમત જ કેવી રીતે કરો..!”

જે રાજા પ્રત્યેની ભક્તિને ખાતર પોતે રણસંગ્રામનુ જોખમ વહોરવા તૈયાર થયો હતો, તે રાજા માત્ર રાણીની ભેરવણીથી પોતાને આ રીતે છેતરીને દૂર કરે, અને પોતાના પુત્રની અને પોતાની વચ્ચે આવેે ભેદભાવ રાખે, એ જોઈ તેને સંસારનાં તમામ સગાંસંબંધીઓ ઉપર વૈરાગ્ય આવી ગયો. “બધાં જ મતલબનાં સગાં છે! વસ્તુતાએ પોતાનું કેાણ છે? નહીં તો, વડીલ થઈને રાજાજી આવું કરે ? સંસારના બધા જ ભોગો આવા છે. તેમને મેળવવા તથા ભોગવવા આ પ્રમાણે નિકટનાં સગાંસંબંધી સાથે ૫ણ ઠગાઈ કરવી પડે છે. એ ભોગો જૂઠ, હિંસા, ચોરી આદિ મહાદોષોનું મૂળ છે. તેવા ભોગો ન ભોગવવા એ જ હિતકર છે.” આવું આવું વિચારી તે બારોબાર જ સંભૂતિ નામના મુનિ પાસે ગયો, અને તેમની પાસે દીક્ષા લઈને તેણે સંસારત્યાગ કર્યો.

થોડીવારમાં વિશ્વનંદી રાજાને વિશ્વભૂતિ કુમાર પાછા આવ્યાની, તથા ઉદ્યાન બહાર બનેલા બનાવને અંતે તેણે બારોબાર દીક્ષા લીધાની ખબર પડી. આથી ઘણો જ શરમાઈ જઈ, તથા દુઃખી થઈ તે વિશ્વભૂતિ પાસે આવ્યો, અને શોક કરતો કરતો કહેવા લાગ્યો : “હે પુત્ર! તારા ઉપર મારો કેવો ગાઢ પ્રેમ હતો તે તું જાણે છે; મને તારા ઉપર કેટકેટલી આશાઓ હતી. તું કદાપિ મને પૂછ્યા વિના કાંઈ કરતો નહીં, કે મારી આજ્ઞા ઉથાપતો નહીં. તે આ વખતે મને પૂછ્યાગાછ્યા વિના આવું ઉતાવળું પગલું તેં કેમ ભર્યું? પુષ્પકરંડક ઉદ્યાનવાળા બનાવની મને ખબર છે. પરંતુ હું તને એ પુષ્પકરંડક ઉદ્યાન આપી દઉં છું, એટલું જ નહીં, પરંતુ મારું આખું રાજ્ય તને જ આપી દઉં છું. પરંતુ કુટુંબકલેશ પતાવવાના કારણે મેં જે થોડીસરખી ભૂલ કરી, તેની આટલી મોટી કાયમની સજા મને કરવી એ મારા ઉપર પ્રેમભક્તિ રાખનારા તને યોગ્ય નથી.”

આ પ્રમાણે રાજાએ ખરા દિલથી કુમાર આગળ પોતાની ભૂલનો પસ્તાવો જાહેર કર્યો, તથા તેને ઘણી ઘણી રીતે સમજાવ્યો, ૫ણુ વિશ્વભૂતિ એકનો બે ન થયો. તેણે જવાબ આપ્યો, “પુષ્પકરંડકનો બનાવ તો નિમિત્તમાત્ર છે. તેમજ આપના પ્રત્યે ૫ણ મને ખાસ દોષબુદ્ધિ નથી. પરંતુ આ બધા વિષયો સ્વભાવથી જ એવા છે કે, તેમને કારણે આવાં આવાં હિંસા-અસત્યાદિ મહાપાપો આચરવાં જ પડે છે. માટે હવે તે તે વિષયાદિ પ્રત્યેના વૈરાગ્યથી જ મેં આ વ્રત ધારણ કર્યું છે. માટે આપ કશું દુઃખ મનમાં લાવ્યા વિના પાછા ફરો, અને મને ફરી પાછો સંસારમાં વાળવાના પ્રયત્નો છોડી, નિશ્ચિત થાઓ.” વિશ્વભૂતિનો આવેે દૃઢ સંકલ્પ જાણી , રાજા દુઃખિત ચિત્તે પાછા ફર્યો. ત્યાર બાદ વિશ્વભૂતિ મુનિ રૂડી પેરે સાધુધર્મ આચરતા ગુરુ પાસે લાંબો વખત રહ્યા, અને શાસ્ત્રાદિ શીખ્યા. ત્યાર બાદ ગુરુએ તેમની લાયકાત જોઈ તેમને એકલા મરજીમાં આવે તેમ વિચરવાની પરવાનગી આપી.

તે મુજબ તે ફરતા ફરતા મથુરા નગરીમાં આવી પહોંચ્યા. તે દરમ્યાન તેમણે કઠણ તપથી શરીરને છેક જ તાવી નાખ્યું હતું. એટલે એક મુક્કાથી કોઠી પરનાં બધાં કોઠાં ખેરવી પાડનાર ત્યારના વિશ્વભૂતિ અને આજના વિશ્વભૂતિમાં આસમાન- જમીનનો તફાવત પડી ગયો હતો. તે વખતે તે વિશ્વભૂતિનું ચિત્ત ૫ણ કામભોગોમાં આસક્ત અને તેથી કરીને જ ક્રોધાદિથી પરિપૂર્ણ હતું. તેને બદલે અત્યારે તો તે મુનિ કામભોગમાંથી વિરક્ત તથા પોતાને દુઃખ થાય તોપણ પ્રાણીમાત્રને જરા પણ ઈજા ન કરવાના વ્રતવાળા બન્યા હતા.

૫રંતુ કામક્રોધ તાત્કાલિક ગમે તેટલા દબાઈ જાય, તો૫ણ તેમના સૂક્ષ્મ સંસ્કાર નષ્ટ થવા બહુ મુશ્કેલ છે. કઠિન તપશ્ચર્યાથી શરીર ગમે તેટલું તવાય, તો પણ ચિત્તના સૂક્ષ્મ રસો કેમેય સુકાતા જ નથી. ઊલટું જાણે બહુ તપેલી જમીનમાં વરસાદનું સિંચન થતાં હરિયાળી બમણા વેગથી ફૂટી નીકળે છે, તે પ્રમાણે તપસ્વીના તપથી દબાઈ રહેલા કામક્રોધાદિ સહેજ અનુકૂળ પ્રસંગ મળતાં જ બમણા જોરથી ભભૂકી ઊઠે છે. તેથી જ જગતભરના કવિઓએ ઉગ્ર ત૫સ્વીએાને લોભાવવા અપ્સરાઓ મોકલનાર ઈંદ્ર, અને બુદ્ધ થનારને મથી નાખવા ઇચ્છતા ‘માર’ની કલ્પનાઓ કરી-કરીને સંયમીમાં દબાઈ રહેતા સૂક્ષ્મ સંસ્કારોની પ્રબળતા ગાયા કરી છે. કઠેર તપસ્વી વિશ્વભૂતિને માટે આવો જ કેાઈ પ્રસંગ હવે ઉપસ્થિત થવાનો હતો.

જે દિવસોમાં વિશ્વભૂતિ ત૫સ્યા આચરતા મથુરામાં વિચરતા હતા, તે દિવસેમાં જ તેમને પૂર્વનો હરીફ વિશાખાનંદી કુમાર મથુરાનરેશની રાજપુત્રીનું પાણિગ્રહણ કરવા જાનૈયાઓ સાથે ત્યાં આવેલેા હતો. એક મહિનાના કારમા ઉપવાસ બાદ હાડપિંજર જેવા થયેલા વિશ્વભૂતિ તે વખતે પારણું કરવા સારું ભિક્ષા મેળવવાને નિમિત્તે મથુરાના રાજમાર્ગ ઉપર થઈને જતા હતા. રસ્તામાં જ વિશાખનંદીને ઉતારેા હતો. તેના સેવકોએ દૂરથી વિશ્વભૂતિને જોતાં જ તેમને કેટલીક નિશાનીઓથી એાળખી લીધા. તેઓએ વિશાખાનંદીને બોલાવ્યો, અને વિશ્વભૂતિને જતા બતાવ્યા. વિશાખાનંદીને તો તેમને જોતાં જ પાછલું વેર યાદ આવી ગયું, અને તે ગુસ્સાથી ધૂંવાંપૂવાં થવા લાગ્યો. એટલામાં કેાઈ ગાયની અડફટમાં વિશ્વભૂતિ આવી જતાં, તે ઊછળીને દૂર ગબડી પડ્યા. તે જેઈ વિશાખાનંદી ટોણા મારતો મોટેથી બોલ્યો : “કેમ ભાઈ કોઠાંતોડ! તારી મૂઠીનું જોર ક્યાં ગયું, જે આવી નમાલી ગાયની અડફેટથી આમ રસ્તા વચ્ચે ગુલાંટો ખાય છે!”

વિશાખાનંદીને મુખેથી નીકળેલા શબ્દ વિશ્વભૂતિના તમામ પ્રાચીન સંસ્કારો ઉદ્દીપિત કરવા માટે પૂરતા નીવડયા. હીણા રાજસેવકોની વચ્ચે ઊભો રહી, વિશાખાનંદી આ પ્રમાણે પોતાની કમજોરીની હાંસી કરે, એ વિશ્વભૂતિથી સહન જ થઈ શકયું નહીં. તરત જ ગુસ્સાના માર્યા વિશ્વભૂતિએ તે બધાને દેખતાં પેલી ગાયને શીંગડાં વડે ઉપાડી, તથા તેને માથા ઉપર વીંઝીને આકાશમાં ઊંચે ઉછાળી. ત્યાર બાદ મનમાં ને મનમાં સમસમી રહીને તેમણે સંકલ્પ કર્યો કે, “મેં આજ સુધી આચરેલા કઠોર તથા મહાન તપનું કાંઈ ફળ હેય, તો આવતા જન્મમાં હું એે અતુલ પરાક્રમી પુરુષ થાઉં કે જેથી જગતભરનો કેાઈ ૫ણ માણસ મારી અવહેલના ન કરી શકે. વળી મેં કલ્યાણની બુદ્ધિથી આ સાધુજીવન સ્વીકાર્યું છે, અને એ રીતે હું વિશાખાનંદીના માર્ગમાંથી આપમેળે નીકળી ગયો છું. તેમ છતાં તે દુષ્ટ મારા પ્રત્યેનો દ્વેષભાવ ભૂલતો નથી; માટે આવતા જન્મમાં મારે હાથે તેનું મૃત્યુ થાઓ.”

કોણ જાણે શાથી, ત્યાર બાદ મરતા સુધી વિશ્વભૂતિ મુનિ પોતાના આ સંકલ્પને મનમાંથી દૂર કરી શક્યા નહી. જેટલી ઉગ્રતાથી અત્યાર સુધી તેમણે શરીર-મનને તાવ્યાં હતાં, તેટલી જ ઉગ્રતાથી તેમને આ ભિષણ સંકલ્પ તેમના સમગ્ર ચિત્ત ઉપર અધિકાર જમાવી બેઠો. ટૂંકમાં આ સંકલ્પનું રટણ જ તેમનો મુખ્ય જીવન-વ્યાપાર બની ગયું.

સામાન્ય જીવનમાં આ૫ણે આવા કેટલાય હાંસીભર્યા કે શરમભર્યા પ્રસંગોને ઓળંગી જઈ શકીએ છીએ. તત્ક્ષણ આ૫ણને ગમે તેટલો ગુસ્સો આવી જાય, ૫રંતુ સામા માણસની દુર્ધર્ષતાનો ખ્યાલ, કે રાજસત્તાને ભય આ૫ણને દબાવી રાખે છે, અને ધીમે ધીમે આપણા દિલમાં લાગેલો ડંખ હળવો થઈ જાય છે, અને અંતે ઘસાઈ જાય છે. પરંતુ જીવનમાં ઉમ્રતાનું જ પરિશીલન કર્યા કરતા તપસ્વીને માટે એ વસ્તુ શક્ય હોતી નથી. તેણે સિદ્ધ કરેલી તમામ ઉગ્રતા હવે એ દિશામાં જ ઉછાળા મારતી વહેવા માંડે છે; અને તેના જોશને કોઈ ૫ણ વસ્તુ રોકી શકતી નથી. ઉપરાંત તપને કારણે એવા પુરુષમાં સંકલ્પ અને તેની સિદ્ધિ વચ્ચેનું અંતર પણ એટલું બધું એવું થઈ ગયું હોય છે કે, આપણી પેઠે શાંત થવાનો કે ફરી વિચાર કરી જોવાનો વખત જ નથી મળતે.

અસ્તુ. મરતા લગી ક્રોધનું જ રટણ કરતાં વિશ્વભૂતિમુનિ એ મરણ સમયે પણ તેની આલોચના ન કરતાં કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.

(આ જગાએ એક બીના ધ્યાનમાં રાખવા જેવી છે, અને તે એ કે, કેટલાય ભવ બાદ મરીચિનો જીવ પહેલી વાર આ ભવમાં જૈન તપસ્વીની દીક્ષા લે છે. તપસ્યાનો ઉગ્ર માર્ગ એક બાજુથી જેમ જલદી ફળ પ્રાપ્ત કરાવનાર હોય છે, તેમ બીજી બાજુથી તેનાં ભયસ્થાનો ૫ણ તેટલાં જ ઉગ્ર હેાય છે. અને તેથી જ જૈન માર્ગમાં ત૫ની સાથે “સંયમ’ (માનસિક સંયમ – ક્રોધાભાવ ક્ષમા-અહિંસા) -ને આટલું બધું પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, એમ બનવા જોગ છે.)

 

ભાગ 18

💢 સત્તરમો ભવ :- મહાશુક્ર દેવલોકમાં દેવ💢


શ્રી વીરપ્રભુનો સત્તરમો ભવ : મહાશુક્ર દેવલોકમાં દેવ

જીવ ત્યાંથી વીરપ્રભુનો સત્તરમા ભવે સાતમા મહાશુક્ર દેવલોકમાં ૧૭ સાગરોપમના ઉત્કૃષ્ટ આયુવાળો અને ૪ હાથની કાયાની ઊંચાઈવાળો દેવ થયો.

તે દેવ ૨૫૫ દિવસે શ્વાસોશ્વાસ અને ૧૭ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો. તે દેવ પોતાના પ્રાપ્ત જ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે ચોથી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધી જોઈ શકતો હતો.

તે દેવ શુક્લવર્ણવાળો અને શુક્કલેશ્યાવાળો હતો. તેના રત્નમય મુગટમાં ઘોડાનું ચિહ્ન શોભતું હતું.

તે દેવલોકમાં ૪૦ હજાર વિમાનો હતાં. તે વિમાનો (૧) સુવર્ણપીતરત્નમય અને (૨) સ્ફટિકનાં બનાવેલાં શુક્લવર્ણી હતાં.

ત્યાંના દેવતાઓને કામભોગની અભિલાષા થાય ત્યારે તેમની સંકેતિત વ્યક્તિની જેમ ઈશાન દેવલોકની અપરિગૃહીતા દેવીઓનું ચિંતવન કરે. ત્યારે, કામવાસનારૂપી ગ્રહની પીડાની શાંતિ માટે જાણે અદ્ભુત મંત્રાક્ષર ન હોય, એવી દેવાંગનાઓના અદ્ભુત શૃંગારસથી યુક્ત સુંદર ગતિ, અભિપ્રાય સહિતનું સ્મિત, કામગર્ભિત અવાજ, હૃદયંગમ એવાં ગદ્ય- પઘોનાં કાવ્યો, કંકણના અવાજ, હાર અને કંદોરાના મધુર ધ્વનિ, મણિના ઝાંઝરનો ઝંકાર અને ઘુઘરીના રણકારના અવાજને સાંભળતાં જ સંભોગની જેમ દેવો તૃપ્ત થાય છે.

અહીંના દેવોના દેહની દિવ્યકાંતિને સહન કરવા માટે સૌધર્મેદ્ર પણ સમર્થ નથી હોત!. એવાં દૈવી સુખોમાં ૧૭ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવી વીર પ્રભુનો જીવ અઢારમા ભવે વાસુદેવ તરીકે જન્મે છે.

 

ભાગ 19

💢 અઢારમો ભવ :- ત્રિપૃષ્ઠ વાસુદેવ💢

 

શ્રી વીરપ્રભુનો અઢારમો ભવ : ત્રિપૃષ્ઠ વાસુદેવ

આપણે આગળ જોઈ આવ્યા છીએ કે, મરીચિને તીર્થંકર થતા ૫હેલાં વાસુદેવ તેમજ ચક્રવર્તી૫ણું થવાનું હતું. આ અઢારમો ભવ તેમના વાસુદેવપણાનો ભવ છે. તેની કથા નીચે પ્રમાણે છેઃ

આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં રિપુપ્રતિશત્રુ નામે પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને ભદ્રા નામની પટરાણીથી મહાબળવાન અચલ નામે પુત્ર થયો. તે જ પહેલા બળદેવ અચલ..અને મૃગાવતી નામે રૂપવાન પુત્રી થઈ.

અહીં એટલું જાણતા જવું જોઈએ કે, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બળદેવ, ચક્રવતી અને તીર્થંકર એ અમુક પ્રકારની વિશિષ્ટ સિદ્ધિવાળી ૫દવીઓ છે. કાળચક્રના દરેક ફેરામાં કુલ ત્રેસઠ પુરુષો એવા ઉત્પન્ન થાય છે કે, જેમનાં જીવન બીજા લોકોની રિદ્ધિ-સિદ્ધિ માપવાને શલાકા અર્થાત્ ગજરૂ૫ હોવાને કારણે તેમને શલાકા-પુરુષ કહેવામાં આવે છે. તે ત્રેસઠમાંથી ૨૪ જણ તીર્થંકર હોય છે, બાર જણ ચક્રવતી હેાય છે, નવ જણ વાસુદેવ હોય છે, નવ જણ બળદેવ હોય છે, અને નવ જણ પ્રતિવાસુદેવ હોય છે. બળદેવ હંમેશાં વાસુદેવના ઓરમાન ભાઈ હોય છે, અને પ્રતિવાસુદેવ હંમેશાં વાસુદેવ સાથે અથડામણમાં આવનારો તે જમાનાનો પ્રતાપી પુરુષ હેાય છે. વાસુદેવને હાથે જ તેનું મૃત્યુ પણ થાય છે. ચક્રવર્તીની રિદ્ધિ વાસુદેવ કરતાં બમણી હોય છે. બળદેવ ગર્ભ માં આવે, ત્યારે તેમની માતાને ચાર દંતૂશળ વાળો સફેદ હાથી, સફેદ વૃષભ, નિર્મળ ચંદ્રમા અને ખીલેલાં કમળેાવાળું સ્વચ્છ સરોવર સ્વપ્નમાં દેખાય.

ત્યારબાદ તે રાજાને ભદ્રા રાણીથી મૃગાવતી નામે કન્યા ઉત્પન્ન થઈ તે જ્યારે યુવાવસ્થામાં આવી, ત્યારે તેનું સૌંદર્ય એવું તે ખીલી ઊઠયું કે તેથી મોહિત થઈ રિપુપ્રતિશત્રુ રાજાએ, પિતા હોવા છતાં તેનું પાણિગ્રહણ કર્યું. મહાજન સહિત પ્રજાજનો આવા અનાચારથી ક્ષુબ્ધ ન થાય તે માટે, રાજાએ લગ્ન કરતા ૫હેલાં તે બધાને બોલાવીને આડંબરપૂર્વક પૂછયું કે, “રાજાના રાજ્યમાં જે રત્ન ઉત્પન્ન થાય, તેનો સ્વામી કેાણ કહેવાય?તે મહાજનોએ નિઃશંકપણે જવાબ આપ્યો કે, ‘તે દેશનો રાજા.” એ પ્રશ્ન ત્રણ વાર પૂછી પૂછીને રાજાએ મહાજનોને મોંઢે ત્રણવાર એ જાતનો જવાબ કઢાવ્યો; અને પછી તેમને જણાવ્યું કે, મારી પુત્રી મૃગાવતી કરતાં રૂપ-યૌવનમાં આખી પૃથ્વીમાં કોઈ શ્રેષ્ઠ ન હોવાથી, તે સ્ત્રી-રત્ન જેવી છે. માટે તે રત્નનો સ્વામી હું રાજા સિવાય કેાણ થઈ શકે? આ રીતે કુટિલતાથી મહાજનોનાં મોં બંધ કરીને તે રાજાએ પોતાની પુત્રીને જ પટરાણીપદે સ્થાપી. રાજાનું આવું હાંસીપાત્ર તથા બીભત્સ આચરણ જોઈને મહારાણી ભદ્રા અત્યંત સંતાપ પામીને પોતાના પુત્ર અચલ સાથે દક્ષિણ દેશમાં ચાલી ગઈ, અને ત્યાં મહેશ્વરી નામે નગરી વસાવીને રહેવા લાગી. થોડા વખત બાદ અચલકુમાર પિતા પાસે પાછા આવ્યો. પિતાની પુત્રીના કામી એવા તે રિપુપ્રતિશત્રુ રાજાનું નામ લોકોએ પ્રજાપતિ પાડયું.

વખત જતાં વિશ્વભૂતિનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને મૃગાવતી રાણીના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયો. વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે તેમની માતાને જે સાત મહાસ્વપ્ન (યુવાન કેસરીસિંહ, લક્ષ્મીદેવી, સૂર્ય, કુંભ, સમુદ્ર, રત્નરાશિ, અને ધૂમાડા વગરને અગ્નિ, એ સાત બાબતો સ્વપ્નમાં જોવામાં આવે, ત્યારે વાસુદેવ પુત્ર તરીકે જન્મવાના છે, એમ મનાય છે.)તે બધા મૃગાવતી રાણીએ પણ જોયા.

રાજાએ બીજે દિવસે સ્વપ્નપાઠકને બોલાવીને તે મહાસ્વપ્નોથી શું સૂચિત થાય છે તે પૂછ્યુ તેઓએ કહ્યું કે, રાણીને પેટે સમસ્ત ભુવનમાં વિખ્યાત, તથા અપ્રતિમ બળ અને શાસનવાળા વાસુદેવ ઉત્પન્ન થવાના છે. રાજારાણી એ સાંભળી ઘણું હર્ષિત થયાં. તેમણે સ્વપ્નપાઠકને ધનાદિથી સંતુષ્ટ કરીને વિદાય આપી.

યથાકાળે મૃગાવતીએ તમાલપત્ર જેવા શ્યામ વર્ણવાળા પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. તે પુત્રની પીઠે ત્રણ અસ્થિબંધન જેઈ, તેનું નામ ત્રિપૃષ્ઠ પાડ્યું.

ધીમે ધીમે ત્રિપૃષ્ઠકુમાર મોટો થયો.મોટા ભાઈ અચલ સાથે તેને ખાસ પ્રીતિ હતી. તેથી તેઓ બંને હંમેશાં સાથે જ જોવામાં આવતા.

તે વખતના સર્વ રાજાએામાં અશ્વગ્રિવ અતુલ બળશાળી તથા મહાપરાક્રમી હતો. તે જમાનાનો તે ‘પ્રતિવાસુદેવ’ જ હતો. બધા રાજા-મહારાજાઓ ભયથી તેની અતિવિનયપૂર્વક ભક્તિ કરતા, તથા તેની આજ્ઞા શિરે ધારણ કરતા.કહેવાય છે કે, એકંદરે સોળહજાર મુગટધારી રાજાઓ તેના તાબામાં હતા.

યથાકાળે વિશાખાનંદી કુમાર રાજ્યશ્રી ભોગવતો મરણ પામી, નરકાદિ યોનિઓમાં ફરતો ફરતો એક ગિરિ-ગુફામાં સિંહ થયો. યુવાવસ્થામાં આવતાં તે નીડરપણે વન-જંગલ છોડી, વસ્તીવાળા ભાગોમાં ૫ણ ફરતો; અને ખેતરમાં કામ કરતા ખેડૂતો ને સતાવતો તથા ખાઈ જતો . ધીમે ધીમે આજુબાજુના સર્વ પ્રદેશમાં હાહાકાર મચી ગયો, અને બધા ખેડૂતો રાવ નાખતા અશ્વગ્રીવ પાસે આવ્યા. અશ્વગ્રીવે તેમની રાવ સાંભળી પોતાને તાબેદાર રાજાઓમાંથી કેટલાકને તે સિંહનો વધ કરવાનો હુકમ કર્યો. પરંતુ તે ઉગ્ર પરાક્રમી સિંહની પાસે જવાની પણ કોઈ હિંમત કરી શક્યું નહીં. પરિણામે અશ્વગ્રીવના તાબેદાર રાજાઓમાંથી દરેકને વારાફરતી ખેતીની મોસમ દરમ્યાન તે સિંહને વસ્તીવાળા ભાગમાં આવતો અટકાવવા, તે વનની આસપાસ ચોકી કરવાનો હુકમ થયો. પેલા સિંહને તો હવે વસ્તુતાએ ખેડૂતને બદલે રાજાઓ કે રાજસેવકનું ભોજન વિના-પરિશ્રમે જંગલમાં રહ્યાં રહ્યાં જ મળવા માંડ્યું; એટલે તેને જંગલ છોડી બહાર નીકળવાનું પ્રયોજન ૫ણું શું? એ બધા મરેલા રાજાઓ તેમજ રાજપુરુષોનાં હાડકાંના ઢગલાઓથી તે વનભૂમિના સીમાડા સફેદ થઈ ગયા.

અશ્વગ્રીવે તો પોતાના રાજ્યના કેાઈ પ્રસિદ્ધ ભવિષ્યવેત્તાને બોલાવીને પૂછયું કે, મારી આ બધી સમૃદ્ધિ, મારું આ બધું ઐશ્વર્ય કાયમ રહેવાનાં છે, કે અધવચ જ તેમનો નાશ થવાનો છે? મારું આ રાજ્ય પ્રતિસ્પર્ધીરહિત રહેવાનું છે, કે મારો કોઈ એેવો પ્રતિસ્પર્ધી ઊભો થવાનો છે કે, જે મને મારી, મારું આ બધું ઐશ્વર્ય છીનવી લેવાનો છે?

પેલા ભવિષ્યવેત્તાએ બધો હિસાબ લગાવી જોયો, તો તેને અશ્વગ્રીવનો વિનાશ પાસે જ આવેલો જણાયો; પરંતુ પોતાને મુખેથી તેમ બોલતાં તે અચકાવા લાગ્યો. ત્યારે રાજાએ તેને સંકોચ વિના સત્ય હકીકત વિસ્તારથી કહેવા જણાવ્યું. એટલે તેણે કહ્યું, “હે રાજા ! તમને મારનારે જન્મી ચુક્યો છે. તમારા ચંડવેગ નામના દૂતને જે અપમાનિત કરશે, અને તમારા રાજ્યના પેલા ભયંકર સિંહને જે મારશે, તેને તમારો કાળ જાણજો.”

આ સાંભળી અશ્વગ્રીવ ખિન્ન બની ગયો. ૫રંતુ તેના મંત્રીએાએ તેને આશ્વાસન આપીને જણાવ્યું કે, આપણે આ ભવિષ્યવાણી જાણી જ છે, તો આપણો પ્રતિસ્પર્ધી મોટો તથા બળશાળી થઈ આ૫ણી સુધી આવે ત્યાર પહેલાં જ તેણો નાશ કરી દેવો ઉચિત છે. માટે આ૫ણા રાજ્યમાં જે કેાઈ પ્રતાપી કે અસાધારણ બળવાળા યુવાણો કે કુમારો જણાતા હોય, તેમની ૫રીક્ષા કરી કરીને તેમને ઠેકાણે પાડી દેવાનું આપણે શરૂ કરવું જેઈએ.

રાજાને આ સલાહ ગમી. તપાસને અંતે માલૂમ પડયું કે પ્રજાપતિ રાજાના કુમારો અસાધારણ પરાક્રમવાળા છે. એટલે અશ્વગ્રીવ રાજાએ પારખું લેવા પોતાના ચંડવેગ નામના દૂતને પ્રજાપતિ રાજા પાસે કેાઈ નિમિત્તસર મોકલ્યો. તે દૂત મોટા રસાલા અને સરંજામ સાથે પોતનપુર આવી પહોંચ્યો. રાજાધિરાજનો દૂત, એટલે તેનો ઠાઠ પણ અનેરો જ હોય ને?

તે વખતે પ્રજાપતિ રાજાના દરબારમાં સંગીતનો જલસો ચાલતો હતો, અને બધા તલ્લીન થઈ તે સાંભળતા હતા. તેવામાં અચાનક ચંડવેગ સભામાં દાખલ થયો. તેને કોઈ પણ રાજસભામાં દાખલ થતાં ખેંચાવાનું કે કેાઈની ૫રવાનગી માંગવાની હોય નહીં. તેને આવતો દેખી આખી સભા એકદમ ખળભળાટ કરતી ઊભી થઈ ગઈ. સંગીત બંધ થઈ ગયું, અને પ્રજાપતિ રાજાએ જાતે ઊભા થઈ ચંડવેગને આદરસત્કાર કર્યો, અને તેને આસન પર બેસાડ્યો.

તે વખતે ત્રિપૃષ્ઠકુમાર ૫ણ સભામાં સંગીતનો આનંદ માણતો બેઠેા હતો. તેને આ બધું અચાનક શું થઈ ગયું તે સમજાયું નહીં. તેણે પાસેના કેાઈને પૂછયું કે, આ કોણ છે, અને પિતાજીએ તેને વિના ૫રવાનગીએ દાખલ થઈ સભાના કામકાજમાં દખલ કરવા બદલ ડાર્યો તો નહીં, ઊલટો વિનયપૂર્વક આસને બેસાડ્યો, એનું શું કારણ?

પેલાએ જવાબ આપ્યો કે, કુમાર! એ તો રાજાધિરાજ અશ્વગ્રીવનો મુખ્ય દૂત ચંડવેગ છે. તેને કેાઈ રાજસભામાં દાખલ થવા માટે રજા માગવાપણું હોતું નથી; ઉપરાંત રાજાધિરાજે શો સંદેશ મોકલ્યો છે તે સાંભળવા, સભાનું બીજું કામકાજ બંધ થવું જ જોઈએ; એટલે આપના પિતાએ સંગીત બંધ પાડી દઈ તેને પાસે બેસાડ્યો છે. વળી એ દૂત રાજાધિરાજનો માનીતો છે, એટલે તેનું યથેાગ્ય સન્માન કરવું જ રહ્યું.કારણ કે એ દૂત જ અશ્વગ્રીવ મહારાજની આંખ અને કાન છે. અશ્વગ્રીવ રાજા જેના ઉપર જરા પણ નાખુશ થયો, તેનું આવી જ બન્યું જાણવું. તેથી બધા રાજાઓ આ દૂતને રીઝવી-પ્રસન્ન કરી, અશ્વગ્રીવને પ્રસન્ન રાખવા પ્રયત્નશીલ રહે છે.

ત્રિપૃષ્ઠકુમાર તે આ હીણુ૫દની વાત સાંભળી સમસમી ગયો. ૫ણ તે વખતે કાંઈ વિશેષ બોલ્યા વિના તેણે તે પુરુષને એટલું જ કહ્યું કે, જ્યારે એ દૂત પાછા વિદાય થાય ત્યારે મને ખબર આપજો.

પ્રજાપતિ રાજાએ ચંડવેગને પુષ્કળ ભેટસોગાદ આપી યથાવિધિ પ્રસન્ન કર્યો. યથાક્રમે રાજાની તાબેદારીભરી મહેમાનગીરીથી પ્રસન્ન થઈ ચંડવેગ પોતનપુરથી નીકળી પોતાની નગરી તરફ પાછો ફર્યો. ત્રિપૃષ્ઠને એ ખબર મળતાં જ તે પોતાના ભાઈ અચલને તથા થોડાઘણા ગોઠિયાઓ લઈ તે તરફ ચાલી નીકળ્યો. ચંડવેગને તેણે રસ્તામાં જ પકડી પાડયો. પછી તેને આવેશપૂર્વક પકડી, ધમકાવીને કહ્યું : હે અધમ દૂત ! અરે ધૃષ્ટ ! દુષ્ટ પાપિષ્ઠ ! તે વખતે નાટકના રંગનો ભંગ કરીને તું હવે ક્યાં જવાનો છે ? ત્યાર પછી સેવકોને આજ્ઞા કરી : ‘હે પુરુષો ! તમે આ પાપીનું એક જીવિત મૂકીને બીજું બધું વસ્ત્રાદિક વિના વિલંબે છીનવી લ્યો.’ સુભટોએ દૂતને સારી પેઠે માર માર્યો. તે વખતે દૂતના સહાયકારી સુભટો તત્કાળ પલાયન થઈ ગયા. દૂતને માર્યાના સમાચાર પ્રજાપતિ રાજાને મળતાં પ્રજાપતિ રાજાએ ચંડવેગને પાછો પોતાની પાસે બોલાવ્યો અને અધિક સત્કાર કરીને કહ્યું : હે ચંડવેગ ! આ મારા કુમારનો અવિનય આપણા સ્વામી અશ્વગ્રીવને કહેશો નહીં. કારણ કે અજ્ઞાનથી થયેલા દુર્વિનય વડે મહાશય પુરુષો કોપ કરતા નથી. દૂત ‘બહુ સારું’ એમ કહી અશ્વગ્રીવ પાસે આવ્યો. સહાયકારી સુભટોએ પહેલાં આવીને અશ્વગ્રીવને સર્વ વૃત્તાંત કહી દીધેલો. તેથી ચંડવેગે પણ ઉપદ્રવની બધી વાતો રાજાને કહી દીધી.

પછી અશ્વગ્રીવે બીજા દૂતને મોકલી પ્રજાપતિ રાજાને કહેવડાવ્યું : તમે તુંગગિરિ જઈને સિંહથી શાળીના ખેતરની રક્ષા કરો. આ સાંભળી પ્રજાપતિ રાજાએ કુમારોને કહ્યું : તમે આપણા સ્વામી અશ્વગ્રીવને કોપવ્યો તેથી વારા વગર પણ સિંહથી શાળીના ખેતરની રક્ષા કરવાની આજ્ઞા કરી છે. આમ કહીને રાજાએ ત્યાં જવાની તૈયારી કરી એટલે બંને કુમારોએ રાજાને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંખપુર તરફ ચાલ્યા. ત્રિપૃષ્ઠ ત્યાં પહોંચ્યા પછી ખેડૂતોને પૂછ્યું: બીજા રાજાઓ અહીં આવે છે તે આ સિંહથી ખેતરની કેવી રીતે રક્ષા કરે છે ? ખેડૂતોએ કહ્યું : બીજા રાજાઓ ચતુરંગી સેનાનો ઘેરો ઘાલીને ખેતરમાં ધાન્ય રહે છે ત્યાં સુધી અહીં રહી ધાન્યની રક્ષા કરે છે.

ત્રિપૃષ્ઠ કહ્યું : એટલા લાંબા સમય સુધી હું રોકાવા માંગતો નથી, માટે મને તે સિંહનું સ્થાન બતાવો. ત્યારે ખેડૂતોએ તુંગગિરિ ઉપર ગુફા બતાવી. ત્રિપૃષ્ઠ અને અચલ અશ્વરથમાં બેસીને તે ગુફા પાસે આવ્યા. લોકોના અવાજને સાંભળી ત્રાડ પાડતો, પૂંછડી પછાડતો, ગર્જના કરતો કેશરીસિંહ બહાર નીકળ્યો. સિંહને જોઈ ત્રિપૃષ્ઠ રથથી નીચે ઊતર્યા અને તલવાર આદિ શસ્ત્રોને પણ ફેંકી દીધા.

આ જોઈ મુખ ફાડીને એ સિંહ ફાળ ભરી ત્રિપૃષ્ઠ ઉપર કૂદી પડ્યો. એટલે ત્રિપૃષ્ઠ એક હાથે ઉપરનો અને બીજા હાથે નીચેનો હોઠ પકડીને જીર્ણ વસ્રની જેમ તેને ફાડી નાખ્યો. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, દાગીના અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. આ જોઈ સિંહના ત્રાસમાંથી છૂટ્યા એટલે લોકોએ જોરથી હર્ષનાદ કર્યો.

આ બાજુ સિંહના બે ભાગ થયા છતાં તેનો જીવ જતો નથી, ત્યારે ત્રિપૃષ્ઠનો સારથિ જે ગૌતમ ગણધરનો જીવ હતો, તેણે સિંહને વાત્સલ્યપૂર્વક કહ્યું : ‘તું પશુઓમાં સિંહ છે તેમ આ ત્રિપૃષ્ઠ મનુષ્યોમાં સિંહ છે. તેણે તને માર્યો છે તેથી તું ફોગટ અપમાન શા માટે માને છે ?’ આ સાંભળી સિંહનો જીવ નીકળ્યો. તે મરી ચોથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયો.

સિંહનું ચામડું લઈ બંને કુમાર પોતાના નગર તરફ ચાલ્યા. લોકોએ આ તમામ હકીકત પ્રતિવાસુદેવ અશ્વગ્રીવને જણાવી. અશ્વગ્રીવે હવે કુમારોનું કાસળ કાઢવા પ્રજાપતિને કહેવડાવ્યું, મારી સેવામાં કુમારોને મોકલો.’ આ સાંભળી પ્રજાપતિરાજાએ કહ્યું : ‘હું પોતે જ સ્વામીની સેવામાં આવીશ’.

અશ્વગ્રીવને લાગ્યું કે કુમારોનું કાસળ કાઢવાની મારી મેલી મુરાદ પુરી થશે નહીં. માટે પોતાના મોટા લશ્કર સાથે પોતનપુર પર ચડાઈ કરી. રથાવર્તગિરિ પાસે બંને પક્ષના સૈનિકો માંહોમાંહે યુદ્ધ કરવા લાગ્યા. જ્યારે સૈનિકોનો ક્ષય થવા આવ્યો ત્યારે બંને સૈન્યના યુદ્ધને અટકાવીને અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ઠ બંને યુદ્ધ કરવા લાગ્યા. અશ્વગ્રીવનાં સર્વ શસ્ત્રો નિષ્ફળ થતાં તેણે છેલ્લે ચક્ર ત્રિપૃષ્ઠની ઉપર મૂક્યું. પણ સૌ કોઈના આશ્ચર્ય વચ્ચે એ ચક્ર ત્રિપૃષ્ઠને પ્રદક્ષિણા દઈ તેના હાથમાં થંભી ગયું. પછી વીરશ્રેષ્ઠ ત્રિપૃષ્ઠ તે ચક્ર હાથમાં લઈ તેના વડે કમળનાળની જેમ લીલામાત્રમાં અશ્વગ્રીવના કંઠને છેદી નાખ્યો.

તે વખતે, ‘આ અચલ અને ત્રિપૃષ્ઠ પહેલા બલભદ્ર અને વાસુદેવ છે’ એવી દેવતાઓએ પુષ્પવૃષ્ટિપૂર્વક ઘોષણા કરી. પછી તે બંને વીરો પોતાના પરાક્રમથી દક્ષિણ ભરતાર્ધ ને સાધી પોતનપુર આવ્યા. ત્યાં દેવતાઓએ અને રાજાઓએ વાસુદેવનો અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો અને તે ૩૨ હજાર કન્યાઓ સાથે પરણ્યો. અને નિરંતર સંગીતાદિ પાંચે ઈન્દ્રિયોના વિષયો ઈન્દ્રની જેમ ભોગવવા લાગ્યો.

એક વખત મધુર સ્વરવાળા ગાયકો આવતાં ત્રિપૃષ્ઠે પોતાના શય્યાપાળને આજ્ઞા કરી કે આ ગાયકો ગાય છે, તેઓને મારા ઊંઘી ગયા પછી રજા આપવી. શય્યાપાળે, ‘બહુ સારું’ એમ કહ્યું, પછી ત્રિપૃષ્ઠને તો નિદ્રા આવી ગઈ; પણ તે ગાયકોના મધુર ગાયનમાં લુબ્ધ થયેલા શય્યાપાળે તે ગાયકોને વિદાય કર્યા નહિ. તેવામાં વાસુદેવની નિદ્રા ઊડી ગઈ. ગાયકોને ગાતા જોઈ ત્રિપૃષ્ઠ વાસુદેવને કોપ ચડ્યો, તેથી પ્રાતઃકાળે તેના કાનમાં તપાવેલું સીસું રેડાવ્યું, અને તે શય્યાપાળ મરણ પામ્યો. આ કૃત્યથી ત્રિપૃષ્ઠ અશાતા વેદનીયકર્મ નિકાચિત બાંધ્યું.

ત્રિપૃષ્ઠ વાસુદેવ હિંસાદિકમાં અવિરત અને મહાઆરંભ તથા મહાપરિગ્રહમાં તત્પર રહી ૮૪ લાખ વર્ષ નિર્ગમન કરી મૃત્યુ પામ્યો.

 

ભાગ 20

💢 ઓગણીસમો ભવ :- સાતમી નરકમાં💢


શ્રી વીરપ્રભુનો ઓગણીસમો ભવ : સાતમી નરકમાં

ત્રિપૃષ્ઠે પોતાના પૂર્વભવના સંકલ્પથી દક્ષિણ ભરતાર્ધનના ત્રણે ખંડનું આધિપત્ય પ્રાપ્ત કર્યું, તથા અનુપમ ભોગ સામગ્રી ભોગવી. પરંતુ તે બધું પ્રાપ્ત કરતા તેમજ ભોગવતાં તેણે જે જીવહિંસા કરી, તેના કારણે તેને ૧૯મે ભવે નરકગતિ જ પ્રાપ્ત થઈ. અને તે પણ છેલ્લા એટલે સાતમા નરકમાં..

ત્રિપૃષ્ઠનો જીવ મરીને સાતમી તમઃ તમઃ પ્રભા નરકમાં ૫૦૦ ધનુષ્ય કાયાની ઊંચાઈવાળો અને ૩૩ સાગરોપમના આયુષ્યવાળો ના૨ક થયો.

નરકની સાત પૃથ્વીઓ છે :

૧. પ્રથમ નરકની પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા હોવાથી તેને રત્નપ્રભા કહેવાય છે. ત્યાં ૩૦ લાખ નરકાવાસો છે.

૨. બીજી નરકની પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા હોવાથી તેને શર્કરા પ્રભા કહેવાય છે. ત્યાં ૨૫ લાખ નરકાવાસો છે.

૩. ત્રીજી નરકની પૃથ્વીમા રેતીની પ્રચુરતા હોવાથી તેનું વાલુકાપ્રભા નામ છે. ત્યાં ૧૫ લાખ નરકાવાસો છે.

૪. ચોથી નરકની પૃથ્વીમાં કાદવ ઘણો હોવાથી તેનું પંકપ્રભા નામ છે. ત્યાં ૧૦ લાખ નરકાવાસો છે.

૫. પાંચમી નરકની પૃથ્વીમાં ધુમાડો બહુ હોવાથી તેનું ધૂમઃપ્રભા નામ છે. ત્યાં ૩ લાખ નરકાવાસો છે.

૬. છઠ્ઠી નરકની પૃથ્વીમાં તમસ્-અંધકાર વિશેષ હોવાથી તેનું તમઃપ્રભા નામnછે. ત્યાં ૯૯,૯૯૫ નરકાવાસો છે.

૭. સાતમી નરકની પૃથ્વીમાં અતિશય અંધકાર હોવાથી તેનું તમઃતમઃપ્રભા નામ છે. ત્યાં ૫ નરકાવાસો છે.

દરેક નરકમાં અસંખ્યાતા નારકીના જીવો હોય છે.

પહેલી છ નરક પૃથ્વીમાં એક સમયમાં એકથી તે અસંખ્યાત સુધી નરકના જીવો ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. ઉત્પત્તિ થવાનાં સ્થાનોને નરકાવાસ કહેવાય છે. તે નરકાવાસો સાતે નરકમાં થઈને કુલ ૮૪ લાખ છે.

તે નરકાવાસો દેખાવે અત્યંત ભયંકર અને દુર્ગંધથી ભરેલા છે. ભૂમિ દાતરડા જેવી કર્કશ, અનેક મૃતકાદિથી અતિનિંઘ કોટિની, ઉઘોતાદિ કંઈ પણ ન હોવાથી અને સ્વયં અપ્રકાશિત હોવાથી મહા-ઘનઘોર અંધકારમય છે.

નારકોનાં ઉત્પત્તિસ્થાનો ગોળ ગવાક્ષ જેવાં હોય છે. ત્યાં ઉત્પન્ન થઈને અંતમુહૂર્તમાં જ પુષ્ટ થયેલા શરીરવાળા એ નરકના જીવો, મહાકષ્ટપૂર્વક કુંતિના દ્વારમાંથી બહાર નીકળીને પડે છે. કારણ કે એ કોઠી જેવા હોવાથી અંદરનો ભાગ મોટો હોય છે પણ તેનું દ્વાર અતિ નાનું હોય છે. એટલે કળશમાંથી દાખલ થયેલાને જેમ નાળચામાંથી નીકળવું પડે ત્યારે જેવું દુઃખ થાય તેના જેવું દુઃખ તેને થાય છે,અને છેવટે તેમાંથી પરમાધામીઓ જ્યારે તેમને તીક્ષ્ણ શસ્ત્રોથી ટુકડા કરી કરીને કાઢે છે, એ વખતે તે જીવો અસહ્ય વેદનાનો અનુભવ કરે છે. તેમનું વૈક્રિય શરીર હોવાથી તે પુદ્ગલો પારાના રસ જેવા હોવાથી પાછા ભેગા થઈ જાય છે. પણ જીવ મરતો નથી.

તેઓનો ઉત્પત્તિપ્રદેશ (યોનિ) બે પ્રકારે હોય છે. (૧) શીતયોનિવાળાના આવાસો ઉષ્ણ અને (૨) ઉષ્ણયોનિવાળાના આવાસો શીત હોય છે. જેથી શીતયોનિવાળા એ નરકના જીવોને એ ઉષ્ણક્ષેત્ર, અગ્નિની જેમ અધિક કષ્ટ ઉત્પન્ન કરે, અને ઉષ્ણયોનિવાળા એ નરકના જીવોને એ શીતક્ષેત્ર, હિમવર્ષા કરતા પણ અષિક કષ્ટદાયક બનતું હોય છે.

નરકના જીવોમાં લેશ્યા અતિઅશુભ, પુદ્ગલવર્ણ આદિનો પરિણામ પણ અતિ અશુભ, વેદના અતિશય અને ઉત્તર વૈક્રિય શરીર મૂળ શરીર કરતાં અત્યંત અશુભ હોય છે. નરકના જીવોમાં કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે. ત્યાં પુદ્ગલોની બંધનાદિ 10 પ્રકારની પરિણતિ હોય છે, તે પણ અત્યંત દુઃખદાયક જ થાય છે, એવો એ ક્ષેત્રનો સ્વભાવ છે.

પૂર્વભવમાં સંચિત કરેલા અત્યંત ગાઢ અને મોટા પાપકર્મને કારણે અતિતીક્ષ્ણ દુઃખોને સહન કરતાં, તે જીવો આ પ્રમાણે ચિંતવે છે, ‘અહો! મેં પૂર્વભવે શું પાપ કર્યું હશે કે જેથી આવા નિત્ય અંધકારમય અને કુત્સિત સ્થાનમાં કે ઉત્પન્ન થયો છું?”

બળતા ઘરમાં રહેલો લંગડો જેમ વિલાપ કરે તેમ ક્ષણે ક્ષણે આવી ઘોર વેદના થવાથી તેઓ કરુણ શબ્દોથી વિલાપ કરતા હોય છે.

(૧) બંધન : નારકના જીવોને પ્રત્યેક સમયે થતો આહારને યોગ્ય પુદ્ગલનો સંબંધ એવો હોય, જાણે જાજ્વલ્યમાન રીતે જલતો અગ્નિ શરીરમાં પ્રવેશતો જોઈ લો.

(૨) ગતિ : તે જીવની ગતિ ગધેડા અને ઊંટ વગેરેની ગતિની જેવી અત્યંત શ્રમજનક હોય છે. જાણે તપાવેલા લોખંડ પર ચાલવું પડે તેથી પણ અધિક દુઃખદાયી હોય છે.

(૩) શરીર : તે જીવનું શરીર એકદમ જુગુપ્સનીય હોય છે, પાંખો કાપી નાંખી હોય અને પીંછાં પણ કાઢી નાંખ્યાં હોય એવા પક્ષીના જેવું, વિરૂપ અને જોતાં જ ઉદ્વેગ કરાવે તેવું હોય છે.

(૪) ભૂમિ : મૂત્ર-વિષ્ટાદિથી ખરડાયેલી તથા જયાં ત્યાં સ્મશાનની જેમ માંસાદિના ઢગલા પડેલા હોય છે.

(૫) વર્ણ : તેનો વર્ણ અત્યંત નિકૃષ્ટ, અતિભીષણ તથા મલિન હોય છે.

(૬) ગંધ : તેઓની ગંધ-કોહાઈ ગયેલાં કુતરાદિનાં કલેવરોની જે દુર્ગંધ હોય તેથી અધિક અશુભતર હોય છે.

(૭) રસ : નરકના પદાર્થોનો રસ લીમડાની ગળો વગેરે કરતાં પણ અત્યંત કડવો હોય છે.

(૮) સ્પર્શ : અગ્નિ કે વીંછી આદિના સ્પર્શથી પણ અત્યંત વધુ ત્રાસદાયક હોય છે.

(૯) અગુરુલઘુ : નરકના જીવોનો પરિણામ અગુરુલઘુ હોવા છતાં પણ અતીવ વ્યથાને કરે છે.

(૧૦) શબ્દ : સતત પીડાતા હોવાથી, અત્યંત દુ:ખદ આક્રંદ કરતા હોવાથી, કરુણા ઉપજાવે તેવા હોય છે.

પહેલી ત્રણ નરકોમાં પરમાધામી દેવો દ્વારા કરાતી વેદનાઓ હોય છે, પહેલી પાંચ નરકોમાં શસ્ત્રો દ્વારા પરસ્પર ઉત્પન્ન થતી વેદના હોય છે અને સાતે નરકોમાં શસ્ત્ર વિના, છાણના કીડા જેવાં કુંથુવાદિનાં રૂપ કરીને એકબીજાના શરીરમાં અંદર પેસી ફોલી ખાવારૂપ તીવ્ર વેદનાઓ થતી હોય છે.

આ સિવાય સાતે નરકોમાં શીતાદિ બીજી ૧૦ પ્રકારની ભયંકર વેદનાઓ હોય છે, જે વેદનાઓ પહેલી કરતાં બીજીમાં વધુ, એ રીતે અનુક્રમે વધુને વધુ તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હોય છે.

(૧) ઠંડી : ભર શિયાળામાં બરફના ઢગલાની જે ઠંડી હોય તેના કરતા અનંતગણી ઠંડી ત્યાં હોય છે.

(૨) ગરમી ઃ લોખંડ ઓગાળવાની અગ્નિની ભઠ્ઠીમાં જે ગરમી હોય, તેના કરતાં અનંતગણી ગરમી ત્યાં હોય છે.

(૩-૪) ભૂખ-તરસ : ભૂખ-તરસની વેદના એટલી બધી સખત હોય છે કે આખી દુનિયાનું અનાજ અને પાણી એક જીવને ખવડાવવામાં કે પીવડાવવામાં આવે તો પણ એની ભૂખ-તરસ ન મટે, છતાં આખા જીવનકાળ દરમ્યાન એક દાણો ખાવા કે એક ટીપું પાણી પીવા ન મળે.

(૫) ખણજ : છરી-ચપ્પુ જેવાં તીક્ષ્ણ હથિયારો વડે ખણવામાં આવે છતાં પણ ખણજની પીડા ટળે નહીં.

(૯) પરવશતા : નરકના જીવોની પરાધીનતા આપણાથી અનંતગુણી ત્રાસદાયક છે. જેમ કે એક સેકન્ડ બેસવા ન મળે, એક સેકન્ડ ઊંઘવા ન મળે.

(૭) તાવ : નરકના જીવોને તાવ અત્યંત ઉગ્ર, પણ આપણાથી અનંતગુણો દુઃખદાયક અને જીવન પર્યંત રહેનારો હોય છે.

(૮) દાહ : શરીરમાં હંમેશાં બળતરા રહ્યા જ કરતી હોય છે.

(૯) ભય : અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન હોવાથી આગામી દુ:ખને જાણે, તેથી હંમેશાં ભયભીત રહેતા હોય છે.

(૧૦) શોક : દુઃખ, ભય આદિના કારણે હંમેશાં શોકાતુર હોય છે.

નારકીના જીવોને ક્રોધકષાય અને ભયસંજ્ઞા વધારે સતાવે છે.એ જીવો નપુંસકવેદવાળા જ હોય છે.

૧૫ પરમાધામી દેવો પહેલી ત્રણ નરકના જીવોને ભયંકર ત્રાસ અને દુ:ખો આપે છે : ઊકળતા તેલમાં ભજીયાની જેમ તળે, ઊકળતા સીસાનો રસ પીવડાવે, વજ્રની ભીંતો સાથે પછાડે, લોહદંડ વડે મારે, શરીરનાં આંગોપાંગના ટુકડે ટુકડા કરે, અત્યંત તપાવેલું તેલ કાનમાં નાંખે, વજ્રની કાંટાળી શય્યામાં સુવડાવે, તપાવેલી લોહની પૂતળી સાથે બળાત્કારે બાથ ભીડાવી આલિંગન કરાવે, ઊકળતા લાવારસથી ખદબદતી વૈતરણી નદીમાં નાંખે, વાઘ-સિંહ વિપુર્વે અને તેઓ પંજાઓ વડે પ્રહાર કરે, ચીરી નાંખે, ફાડી નાંખે : આવાં તો અનેક જાતના પારાવાર દુઃખો આપે છે.

 

ભાગ 21

💢 વીસમો ભવ :- સિંહ💢

શ્રી વીરપ્રભુનો વીસમો ભવ :- સિંહ

ત્યાંનું દીર્ઘ આયુષ્ય પૂરું કર્યા પછી, તે કેસરી સિંહ તરીકે જન્મ્યો. તે ૨૦મો ભવ.

એેવો નિયમ છે કે નરકગતિમાંથી કાં તો મનુષ્યજન્મ પ્રાપ્ત થાય, કે ૫શુ-પંખીનો જન્મ થાય. તેમાંય જો જીવ સાતમાં નરકમાં હોય, તેને મનુષ્યજન્મ પ્રાપ્ત ન થાય, પરંતુ પશુ-પંખી નો જ જન્મ પ્રાપ્ત થાય. સિંહના જન્મમાં ૫ણ ક્રૂરપણે જીવહિંસા જ કરવાની હોય છે.

તે જુવાન થતાં જંગલમાં નિઃશંકપણે યમરાજની જેમ અત્યંત ક્રૂર થઈને ભમવા લાગ્યો, અને પોતાના અતિ તીક્ષ્ણ નખથી ગજેંદ્રોનાં કુંભસ્થળને વિદારતો તથા ઘોર ગર્જનાથી નિર્બળ હરણાદિને ત્રાસ પમાડતો હતો.

આ રીતે વિવિધ જીવોની હિંસા કરવામાં તે તત્પર રહેતો. ચિરકાળ જીવિતધારી, મરણ પામીને ચોથી નરકે ગયો.

 

ભાગ 22

💢 એકવીસમો ભવ :- ચોથી નરકમાં💢

શ્રી વીરપ્રભુનો એકવીશમો ભવ :-ચોથી નરકમા

નરકના જીવો બે પ્રકારના છે : (૧) મિથ્યાદષ્ટિ અને (૨) સમ્યગ્દષ્ટિ.

(૧) મિથ્યાદષ્ટિ : જેઓ મિથ્યાદષ્ટિ છે તેઓની દષ્ટિ મિથ્યા હોવાથી તેમને ભેદજ્ઞાન અથવા સાર-અસારનું વિવેકજ્ઞાન હોતું નથી. દષ્ટિના વિપર્યાસને લીધે વસ્તુસ્વરૂપને જે રીતે જોવું-જાણવું જોઈએ તે રીતે ન જાણતાં-જોતાં, ઊલટું વિપરીત રીતે યા અવળી રીતે શ્રદ્ધે છે. તેથી દુઃખનાં નિમિત્તો કે પ્રસંગોમાં સામી વ્યક્તિ કે વસ્તુ તરફ જ તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ ક્રોધાદિક કષાયો કરે છે, તેમ જ પુનઃ પુનઃ નવા નવા કર્મબંધ ઉપાર્જન કર્યે જાય છે અને પોતાના વિરોધી જીવો તરફ તાડન, તર્જનાદિકનાં તોફાનોમાં રચ્યા પચ્યા રહે છે. આનું નામ છે જીવની શ્વાનવૃત્તિ ! જેમ કૂતરો પથ્થર ફેંકનાર કોણ છે તેને ન જોતાં, પથ્થરને બચકાં ભરે છે, તેમ આવા જીવો પોતાના કર્મને ન જોતાં બીજા જીવોને મારવા દોડે છે.

(૨) સમ્યગ્દષ્ટિ : સમ્યગ્દષ્ટિની-દષ્ટિ મિથ્યા મટીને સમ્યગ્ એટલે સત્- સાચી બની હોવાથી તેને ભેદજ્ઞાન સાચો વિવેક થઈ ગયેલ હોય છે. પરિસ્થિતિ અને પ્રસંગોના યથાતથ્ય- સાચા સ્વરૂપને સારી રીતે સમજતો હોવાથી, વર્તમાન દુ:ખ કે તેના સાધનો તરફ અપ્રીતિ-અરુચિ, રોપ-ગુસ્સો કરતો નથી. મારન, તાડન, ફૂટન, ભેદન કે છેદન વખતે ઉચિત સંયમને રાખે છે. આનું નામ છે જીવની સિંહવૃત્તિ ! જેમ સિંહ બાણ તરફ નજર ન કરતાં, બાણ ફેંકનાર તરફ હુમલો કરે છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ પોતાનાં કરેલાં પાપે દુ:ખ આવ્યાં છે, તેથી બીજો મારે કે દુ:ખી કરે ત્યારે વધુ કર્મબંધ ન થાય માટે સામેનાને મારતો નથી.

જેમ કૂતરો બીજા વિભાગના કૂતરાને જોઈને અત્યંત ક્રોધાયમાન થતો ભસવા-લડવા માંડે છે અને પરસ્પર પઆદિના પ્રહારો કરે છે, તેમ તે નરકના જીવો પણ વિભંગજ્ઞાનના બળથી એકબીજાને જોઈ તીવ્ર ક્રોધવાળા થયેલા, શ્વાનની જેમ, વૈક્રિયસમુદ્દાત વડે મહાભયાનક રૂપોને વિકુર્વીને, લોહમય ત્રિશૂલ, શિલા, મુદગર, ભાલા, તોમર, તલવાર, પરશુ વગેરે વૈક્રિય જાતિનાં શસ્ત્રોથી તથા પોતાના હાથ-પગ-દાંત દ્વારા પરસ્પર લડાઈઓ અને પ્રહારો કરે છે. તેથી પરસ્પર લડતાં તેઓનાં શરીર કપાવાથી વિકૃત અંગોવાળા થઈને, કતલખાનામાં પડેલા બકરા આદિની સ્થિતિની જેમ ગાઢ વેદનાથી નિઃશ્વાસ લેતા અને લોહીના કાદવમાં આળોટતા તેઓ મહાદુ:ખોને ભોગવે છે.

સિંહનો જીવ મરીને ચોથી પંકપ્રભામાં ઉત્પન્ન થયો અને ત્યાં ભયંકર દુઃખો ભોગવી ત્યાંથી તિર્યંચાદિ ગતિમાં ઘણા ભવ ભમ્યો.

 

ભાગ 23

💢 બાવીસમો ભવ :- રાજકુમાર વિમળકુમાર💢


શ્રી વીરપ્રભુનો બાવીસમો ભવઃ રાજકુમાર વિમળકુમાર

એકવીશમા ભવે ચોથી નરકમાંથી નીકળ્યા પછી વીરપ્રભુ બનનારા જીવે ઘણા ક્ષુદ્ર ભવોનું પરિભ્રમણ કરીને, ત્યાર બાદ પશુપંખી-મનુષ્ય આદિ અનેક જન્મોની હારમાળા શરૂ થઈ. વાસુદેવાદિના જન્મ વખતે જે વેગ મળેલો તે ખૂટવો જોઈએ ને ! એ બધા જન્મોને કાર્યકર ન માની કથાકાર ગણતરીમાં નથી લેતા. એટલે બાવીસમા જન્મ તરીકે તે એ જન્મને જ સ્વીકારે છે કે, જેમાં તે પૂર્વકર્મ ભોગવવાનું છોડી નવું કાંઈ શુભકર્મ ઉપાર્જન કરી શકે છે. તે જીવ રથપુર નામના નગરના પ્રિયમિત્ર રાજાની વિમલા રાણીની કુક્ષીએ પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ વિમલકુમાર પાડવામાં આવ્યું.

રાજવૈભવમાં ઊછરતો વિમલ યોગાનુયોગ ગુણસંપન્ન હતો. તે રાજવૈભવના સુખમાં પણ સજાગ હતો. તેનામાં વાત્સલ્ય અને કરુણાનું ઝરણું નિરંતર વહેતું હતું.

એક દિવસની એ વાત છે.પોતે મિત્રો સાથે વનવિહારે ગયો હતો. ક્ષત્રિય રાજકુમાર છતાં તે શિકાર કરતો નહિ. વનમાં મિત્રો સાથે આનંદ માટે ફરતો હતો, ત્યાં તેણે પશુઓની કારમી ચીસો સાંભળી, પોતે સાવધ બની ગયો. જંગલમાં શિકારીઓએ તીરોનો એવો મારો વરસાવ્યો હતો કે ગભરાયેલાં નિર્દોષ પશુઓ રક્ષણાર્થે નાસભાગ કરવા લાગ્યાં હતાં.

ધનુષ્યકળામાં નિપુણ વિમલકુમારે જે દિશામાંથી તીર આવતાં હતાં તેને વળતો જવાબ તીરથી જ આપી, શિકારીઓને ભગાડી દીધા. આ રીતે સેંકડો પશુઓને અભયદાન આપ્યું. આવી ઉત્તમ અનુકંપાયુક્ત ભાવનાથી હવે એ જીવનું ભાવિ પણ ઉત્તરોત્તર પુણ્યવંત બનતું ગયું.

પિતાની આજ્ઞાનુસાર રાજગાદીનો સ્વીકાર કરી, પ્રજાને વાત્સલ્યભાવે રક્ષણ આપી તેણે રાજ્યની આબાદી વધારી દીધી. અન્ય રાજાઓ સાથે મિત્રતા કેળવી, રાજ્યને પણ યુદ્ધના ભયથી નિષ્કંટક કર્યું. ધર્મપ્રિયતાને કારણે તેણે નગરમાં ધાર્મિક સ્થાનોને મહત્વ આપી પ્રજાને પણ ધર્મભાવનાયુક્ત કરી. પરોપકારવૃત્તિયુક્ત રાજાએ પોતાનું જીવન આદર્શ લેવા રૂપ બનાવ્યું હતું, રાજ્યના વૈભવશાળી ભોગમાં પણ તે અતિ સાવધાન હતો.

વિમલકુમાર સંયમ-જીવનની ઝંખનાવાળો હતો. આખરે તે ભાવનાના બળે તેણે પોતાના પુત્રને રાજ્ય સુપ્રત કરી સંયમમાર્ગે પ્રયાણ કર્યું.

આ વખતે તેણે જે તપ આદર્યું તે એટલું પ્રબળ હતું, કે બીજે જન્મે તેને ચક્રવર્તી૫દ મળે તેમ થયું. વાસુદેવ કરતાં ચક્રવર્તીનો વિજય છયે ખંડને હોઈ બમણો છે; અને એ રીતે તેની સમૃદ્ધિ તેમજ ભોગેશ્વર્ય પણ બમણા હોય છે. વળી, વાસુદેવ૫દ સકામ સાધનાને અંતે મળતું હોઈ તે આદિ-અંતમાં અહિતકર જ નીવડે છે; એમ કહો કે, ઉગ્ર ત૫ આગળ ચાલતું ચાલતું અટકી જઈ અમુક સકામ સાધનાને માર્ગે વળી જાય છે, ત્યારે જ વાસુદેવ ૫દ મળે છે. પરંતુ ચક્રવર્તીપદ અપાવનાર તપ એ રીતે કેાઈ નવી કામનાથી ખંડિત થઈ અટકી પડેલું કે અવળે માર્ગે વળેલું હેતું નથી.

અલબત્ત, ભોગો૫ભોગના કેટલાક પૂર્વ સંસ્કારો જરૂર તે વખતે મોજૂદ હોય છે; પરંતુ તે એવા નથી હોતા કે તેમને વટાવી જવાને અવકાશ જ ન રહે. તેથી ચક્રવર્તી થયેલો જીવ વાસુદેવની પેઠે અધોગતિએ જ જાય એવું નથી હોતું. પોતાનું ભોગેશ્વર્ય પૂર્વસંસ્કારો અનુસાર ભોગવી લીધા બાદ, તે તેમાંથી નિવૃત્ત થઈ પોતાની બાકીની મુસાફરી તે જન્મે જ પૂરી કરી લે, તો તે મોક્ષ ૫ણ પામી શકે કે ઉત્તમ દેવગતિ પણ પામી શકે. પરંતુ તે પોતાને ભોગેશ્વર્યમાંથી છેવટ સુધી છૂટો ન થાય, તો તેને માટે નરકગતિ જ નિર્માણ થાય છે; કારણ કે ચક્રવર્તીનું ભોગેશ્વર્ય જેમ મોટું છે, તેમ તેનું કર્મબંધન પણ મોટું છે.

 

ભાગ 24

💢 ત્રેવીશમો ભવ :- પ્રિયમિત્ર ચક્રવર્તી💢

શ્રી વીરપ્રભુનો ત્રેવીશમો ભવ :.પ્રિયમિત્ર ચક્રવર્તી

વિમલરાજા મૃત્યુ બાદ જંબુદ્વિપના મહાવીદેહ ક્ષેત્રમાં મૂકા નગરીના રાજા ધનંજયની ધારિણી નામે રાણીને પેટે પુત્ર તરીકે ઉત્પન્ન થયા. મહાવિદેહક્ષેત્ર જંબુદ્વિપનાં બીજાં ક્ષેત્રો કરતાં વિશિષ્ટ પ્રભાવવાળું છે. તે ક્ષેત્રમાં જિનેશ્વર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વગેરે શ્રેષ્ઠ પુરુષો નિરંતર ઉત્પન્ન થયાં કરે છે, ક્યારેય તે ક્ષેત્ર એ બધા વિના ખાલી પડતું નથી.

ધારિણી રાણીની કૂખે જ્યારે વિમલરાજાનો જીવ પ્રવેશ પામ્યો, ત્યારે તે રાણીએ તે રાત્રે નીચેનાં ચૌદ મહાસ્વપ્ન જોયાં: હસ્તી, વૃષભ, કેસરી સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પદ્મસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ, અને ધૂમાડા વિનાનો અગ્નિ. એ સ્વપ્નો રાણીએ પોતાના મુખ- કમળમાં ભમરાની પેઠે પ્રવેશ કરતાં જોયાં. રાણીએ એ સ્વપ્ન જોયાની વાત રાજાને ઉઠાડીને જણાવી. તેથી ખુશી થઈને રાજાએ જણાવ્યું કે, આ સ્વપ્નો કોઈ મહાભાગ્યશાળી પુત્રની પ્રાપ્તિ સૂચવે છે. પછી તે શુભ સ્વપ્નોનું ફળ બીજાં અશુભ સ્વપ્ન વડે મિથ્યા ન થઈ જાય, તે માટે રાજારાણીએ બાકીની રાત્રી જાગ્રતપણે જ વ્યતીત કરી.

બીજે દિવસે રાજાએ સ્વપ્નપાઠકને બોલાવીને એ સ્વપ્નનું ફળ પૂછયું. તો તેમણે જણાવ્યું કે. આ ચૌદ સ્વપ્નો રાણીને પેટે ચક્રવર્તી પુત્રની પ્રાપ્તિ થવાનાં સૂચક છે. તે સાંભળી અત્યંત હર્ષિત થઈને, રાજાએ તે બધાને મહામૂલ્ય બક્ષિસે આપીને સંતુષ્ટ કર્યા.

યોગ્ય કાળે રાણીએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો: રાજાએ તેનું નામ પ્રિયમિત્ર પાડયું. ધીમે ધીમે એ પુત્ર મોટો થવા લાગ્યો, અને વિજ્ઞાન તેમજ કળાકૌશલ્યની પ્રાપ્તિ વડે સર્વાત્તમ બન્યો. યોગ્ય કાળે તેને ઉત્તમ રાજકુળોની સુંદર રાજકન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો. ત્યાર બાદ તેને રાજગાદીએ બેસાડી, ધનંજય રાજાએ પ્રવ્રજ્યા લીધી.

પ્રિયમિત્ર રાજા સર્વ પ્રકારની ઋદ્ધિ વડે લીલાપૂર્વક પોતાનાં સંતાનની જેમ પ્રજાઓને પાળવા લાગ્યો.

રાજ્ય ચલાવતાં પ્રિયમિત્રને અનુક્રમે ચક્રાદિક ૧૪ રત્નો ઉત્પન્ન થયાં.

તેવી જ રીતે અતિશય સામર્થ્ય, અતિશય ઋદ્ધિ અને અતિશય ભોગની ૫રાકાષ્ટા કલ્પતાં કલ્પતાં ચક્રવર્તી ૫દ કલ્પાયું. ચક્રવર્તી સમગ્ર ભરતક્ષેત્રનો વિજય સાધી શકે તે માટે તેને સહાય થનારાં ચૌદ રત્નો ૫ણ કલ્પવામાં આવ્યાં છે. એક તો ‘સેનાપતિ રત્ન’. એ સેનાપતિ રત્ન જુદા જુદા દેશો જીતવાનું કામ કરે છે. તે પ્રમાણે ‘ગાથાપતિ રત્ન’. રાજાને તેમ જ તેના સૈન્યને વિજયયાત્રા દરમ્યાન જોઈતી ભોજનસામગ્રી વગેરે વસ્તુઓ પૂરી પડે છે. ‘પુરોહિત રત્ન’ ઘા વગેરે સર્વે ઉપદ્રવો દૂર કરી શાંતિકર્મ કરે છે. ‘હસ્તિરત્ન’ ચક્રવર્તીને સવારી કરવાના કામમાં આવે છે. ‘અશ્વરત્ન’ઉપર સેનાપતિ સવારી કરે છે.’વાર્ધકી રત્ન’ લશ્કર પડાવ નાખે ત્યાં તત્કાળ નિવાસો નિપજાવે છે. ‘સ્ત્રીરત્ન’ ચક્રવર્તીનો ભોગ સાધે છે. ‘ચક્રરત્ન’ વિજયયાત્રામાં આગળ ચાલી માર્ગ બતાવે છે. ‘ખડગરત્ન’ શત્રુનું મસ્તક છેદે છે. ‘છત્રરત્ન’ હોય છે તો ધનુષ જેટલું, ૫ણ ચક્રવર્તીના હાથના સ્પર્શથી તે બાર જોજન વિસ્તારવાળું થઈ જાય છે.

અને સકળ સૈન્યને છાયા આપવાનું કામ કરે છે. ચર્મરત્ન બે હાથ જેટલું હેાય છે, ૫ણ ચક્રવર્તીની ઇચ્છાનુસાર તે બાર જોજન વિસ્તારવાળું થાય છે. તેમાં સવારે વાવેલું ધાન સંધ્યાકાળે પાકીને તૈયાર થઈ જાય છે તથા નદી વગેરે ઓળંગવામાં સૈન્યને હોડીના કામમાં પણ આવે છે. દંડરત્ન એક ધનુષ્ય જેટલું હોય છે. તે ગમે તેવી વિષમ ભૂમિને ૫ણ સરખી બનાવી મૂકે છે. ગમે તેવી કઠણ જમીન ભેદીને તે માર્ગ કરે છે, તેમજ મહાન ગુફાઓનાં પણ દ્વાર ખોલી નાખે છે. મણિરત્ન બે આંગળ પહેાળું અને ચાર આંગળ લાંબું હોય છે. તેને હાથે કે માથે ધારણ કરે, તો સમસ્ત રોગ નાશ પામે છે; ઉપરાંત બાર જોજન સુધી અજવાળું થાય છે. કાકિણીરત્ન સુવર્ણમય હોય છે, તથા ચાર આંગળ લાંબું હોય છે. તે પણ અંધકારનો નાશ કરવા વગેરે કામમાં આવે છે.

ચક્રવર્તીનાં આ ચૌદ રત્નોમાંથી પ્રથમ સાત રત્ન પાંચ ઇન્દ્રિયવાળાં છે. તેમાંથી સેનાપતિ, ગૃહપતિ, વાર્ધકિ અને પુરોહિત તે ચક્રવર્તીના પોતાના નગરમાં જ ઊપજે છે. ગજ અને અશ્વ એ બે રત્ન વૈતાઢ્ય પર્વતના મૂળમાં ઊપજે છે. અને સ્ત્રીરત્ન વૈતાઢ્ય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોના નગરમાં ઊપજે છે.

બાકીનાં સાતમાંથી ચક્ર, ખડગ, છત્ર અને દંડ એ ચાર રત્નો ચક્રવર્તીની આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. ચર્મ, મણિ અને કાકિણીરત્નો ને ચક્રવર્તીના લક્ષ્મીભંડારમાં ઉત્પન્ન થાય છે.

અલબત્ત, આ સાધનો એક વાર પ્રાપ્ત થયાં, એટલે ભરતક્ષેત્રના છ ખંડો જીતી લેતાં ચક્રવર્તીને વાર નથી લાગતી.

આમ ચક્રવર્તી રાજા ચૌદ મહારત્નનો સ્વામી, તથા નવ નિધિનો ઈશ્વર થાય છે.

બત્રીસ હજાર રાજાઓ તેની સેવા કરે છે; બત્રીસ હજાર રાજપુત્રીઓ અને બત્રીસ હજાર દેશની બીજી બત્રીસ હજાર સ્ત્રીઓ – એમ કુલ ચોસઠ હજાર સ્ત્રીઓ તેને હોય છે. તે બત્રીસ હજાર દેશો ઉપર રાજ્ય કરે છે, તથા બોતેર હજાર મોટાં નગરો ઉપર સત્તા ધરાવે છે. તેનું પાયદળ ૯૬ કરોડ, અને હયદળ, અશ્વદળ, અને રથદળ દરેક ચોરાશી ચેારાશી લાખની સંખ્યાનું હોય છે.૧ લાખ અને ૯૨ હજારનું અંતઃપુર એ પ્રમાણે કૃતકૃત્ય થતાં ૩૨ પાત્રો સંયુક્ત એવાં ૩૨ હજાર નાટકો, ૧૬ હજા૨ યક્ષો, ૮૪ લાખ ઘોડાઓ, ૮૪ હજાર હાથીઓ,આવા ઐશ્વર્યરૂપ સ્વામિત્વ ધરાવતો અને દીવ્ય વિષયસુખ ભોગવતો તે કાળ નિર્ગમન કરવા લાગ્યો.

છયે ખંડ જીતીને પ્રિયમિત્ર રાજા બત્રીસ હજાર રાજાઓ સહિત મૂકાનગરીમાં પાછા આવ્યો. ત્યાં તેને ૧૨ વર્ષના મહોત્સવપૂર્વક તેમનાં ચક્રવર્તીપણાનો મહારાજ્યાભિષેક કરવામાં આવ્યો. ત્યાર બાદ મનુષ્યજીવનમાં મળી શકે તેવું તથા મળી શકે તેટલું સંપૂર્ણ સુખ ભોગવતો તે આનંદથી વિહરવા લાગ્યો.

એકવાર ઝરૂખામાંથી ચોતરફ જોતાં આકાશમાં રંગબેરંગી ચિત્રવિચિત્ર વાદળાંઓની સૃષ્ટિ રચાઈ હતી. પરંતુ થોડીજ વારમાં પ્રબળ પવનથી નષ્ટ થયેલાં વાદળાંને જોઈ વિચારવા લાગ્યો, ‘અહો ! આ ઘટાટોપ વાદળો ક્ષણવારમાં ઉન્નતિ પામી અત્યારે સર્વથા વિચ્છેદ પામ્યાં. એના અનુમાનથી સર્વ પદાર્થોની પણ આવી જ સ્થિતિ છે. છતાં અસ્થિ, મજ્જા, લોહી, શુક્ર, માંસ, ઈત્યાદિના સ્થાનરૂપે ઉત્પન્ન થયેલ, વિવિધ રોગથી ઘેરાયેલ, પ્રતિદિવસ સ્નાન-વિલેપન-ભોજન પ્રમુખ ઉપચારથી પરિપાલનીય, ઠંડી-ગરમી આદિથી રક્ષણ કરવા લાયક, અશુચિથી ભરેલી ગટરની જેમ અત્યંત બીભત્સ ગંધયુક્ત તથા દૂધ પીનાર બિલાડાની જેમ પ્રચંડ યમદંડના મારની દરકાર ન કરનાર એવા આ શરીરનું લાલનપાલન કરવા અહો ! આ જીવો પાપાચાર કેમ કરે છે ? અહો ! તેમની પ્રમત્તતા, અહો ! નિર્વિવેકતા, અહો ! મહામોહનો મહિમા, અહો ! આ લોકસંબંધી પ્રતિબંધની પરવશતા, અહો ! આગામી દુઃખની બેદરકારી, અહો ! દુઃખવિપાક જોવાની પ્રતિકૂળતા !” આ પ્રમાણે અનિત્યાદિ ભાવના ભાવતા રાજા સૂઈ ગયા.

પ્રભાતે ઉઘાનપાલકે સમાચાર આપ્યા કે ભગવંત પોટ્ટિલાચાર્ય બહુ શિષ્યો સાથે ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાંભળી તુરંત ચક્રવર્તી પોતાના સમગ્ર પરિવાર સહિત વંદને આવે છે. પ્રિયમિત્ર ચક્રવર્તી વંદન કરીને મેઘવિગમને જોતા તથા સદ્ધર્મને સાધવાની ભાવનાથી આચાર્ય ભગવંતને પોતાના મનના પરિણામ કહે છે. આ સાંભળી પોટિલાચાર્ય કહે છે : ‘હે મહાભાગ ! તને કર્મવિવર સંપન્ન થતાં મોક્ષલક્ષ્મી હવે તારા કરકમળમાં છે, કે જે તને આવા પ્રકારની ભાવના જાગૃત થઈ છે. માટે હે મહાયશ ! જળબિંદુ સમાન ચંચળ જીવન, ઈન્દ્રધનુષ્ય સમાન પ્રેમ, ગજકર્ણતુલ્ય ચપળ શરીરલાવણ્ય, પવનથી પ્રેરાયેલ પાંદડા સમાન તારુણ્ય, આ સર્વ ક્ષણભંગુર તેમ જ મહાકષ્ટથી વૃદ્ધિ પમાડેલ ધન પણ સેંકડો આપદાઓના નિમિત્તરૂપ જ છે. એમાંનું એક નિમિત્ત માત્ર પણ સુબુદ્ધિ પુરુષને અવશ્ય મોટા વૈરાગ્યનું કારણ થાય છે. તેથી હવે સદ્ધર્મના સ્વીકારમાં વિલંબ કરવો યોગ્ય નથી.’

આ સાંભળી ગુરુના ચરણમાં પડી આશીર્વાદ લઈ પ્રિયમિત્ર ચક્રવર્તી નગરીમાં આવ્યો. સભા બોલાવી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કર્યો. ત્યારબાદ પ્રિયમિત્ર શિબિકામાં બેસી સુવર્ણાદિનું દાન દેતાં, ચતુર્વિધ વાજિંત્રો સહિત, યુવાનો નૃત્ય કરતા ઉદ્યાનમાં આવ્યા. પછી આભરણાદિનો ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે ભાવસહિત દીક્ષા અંગીકાર કરી.

હવે જિનેશ્વરપ્રણીત સિદ્ધાંતોને ભણતાં, પ્રમાદ-ઉન્માદ અને માયાપ્રપંચને તજતા, બહુવિધ તપથી શરીરને કૃશ કરતા, નિર્મળ ગુણસમૂહનો સંગ્રહ કરતા, કામપ્રમુખ સમસ્ત શત્રુઓને જીતતા, પોતાના જીવિતની જેમ બધા જીવોની રક્ષા કરતા, સુખ-દુ:ખ, મણિ-પાષાણ, શત્રુ-મિત્રાદિકમાં સમાન ચિત્તવૃત્તિને ધરતા તે પ્રિયમિત્ર મુનિ એક ક્રોડ વર્ષનું સંયમજીવન પાળી મરણ પામતાં મહાશુક્ર દેવલોકમાં દેવ થયા.

 

ભાગ 25

💢 ચોવીશમો ભવ :-મહાશુક્ર દેવલોકમાં દેવ💢


શ્રી વીરપ્રભુનો ચોવીશમો મો ભવઃ મહાશુક્ર દેવલોકમાં દેવ

પ્રિયમિત્ર મુનિનો જીવ સાતમાં મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમના આયુષ્યવાળો અને ૪ હાથ કાયાની ઊંચાઈવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે. તે દેવ ૨૫૫ દિવસે શ્વાસોશ્વાસ અને ૧૭ હજા૨ વર્ષે આહારની ઈચ્છા કરતો હતો.

તે દેવ નિર્મળ અવધિજ્ઞાન દ્વારા ઉપર પોતાના વિમાનની ધજા સુધી, નીચે ચોથી નારકીના તળિયા સુધી, અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધીના રૂપી પદાર્થોને જોઈ શકતો હતો.

તે દેવ શુક્લવર્ણવાળો અને વિશાલ લેશ્યાવાળો હતો. તેના રત્નમય મુગટમાં ઘોડાનું ચિહ્ન અત્યંત આકર્ષક હતું.

દેવલોકમાં દેવ-દેવીઓ દેવશય્યા માં ઉત્પન્ન થતાં હોવાથી તેઓને ગર્ભાવાસનું દુઃખ સહન કરવાનું હોતુ નથી. તેઓને ઉત્પન્ન થવાના સ્થાને દેવદૂષ્ય વસ્ત્રથી આચ્છાદિત વિવૃતયોનિરૂપ એક દેવશય્યા હોય છે. દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવો પૂર્વના મહાન પુણ્યોદયથી એક ક્ષણમાત્રમાં ઉપપાતસભાને વિષે દેવદૂષ્યરસની નીચે શય્યા ઉપર પ્રથમ સમયે અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતાંની સાથે જ આહારાદિક પાંચ પર્યાપ્તિઓ એક જ અંતર્મુહૂર્તમાં પૂર્ણ કરવા સાથે જ ભવસ્વાભાવિક અવધિ કે વિભંગજ્ઞાનને પ્રાપ્ત કરીને, યથાયોગ્ય ભોગયોગ્ય યુવાવસ્થાવાળા થઈ જાય છે.

તે વખતે તેમને સત્કારનારા સામાનિકાદિ દેવ-દેવીઓ જય જય શબ્દપૂર્વક નમસ્કાર કરીને, જિનપૂજનથી થતા અનેક લાભોને સ્વામીના મનોગત અભિપ્રાયથી જણાવીને સ્નાનગૃહમાં લઈ જઈ સ્નાન કરાવે છે. ત્યાંથી અલંકારગૃહમાં લઈ જઈ બે દેવદૂષ્ય વસ્ત્રો, મુગટ વગેરે દિવ્ય આભૂષણો પહેરાવે છે. પછી વ્યવસાયસભામાં લઈ જાય છે જ્યાં પોતાના કલ્પ(આચર)નું પુસ્તક વાંચવા આપે છે. ત્યારપછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં જઈ ૧૦૮ અદ્વૈતની પ્રતિમાઓને સ્નાત્રપૂજાદિ કરી પોતાની સુધર્મસભામાં આવી દેવ-દેવીના વિષયાદિ સુખમાં તલ્લીન થાય છે.

મહાશુક્ર કલ્પના દેવો શબ્દસેવી હોય છે. તે દેવોને વિષયની ઈચ્છા થતાં ઈશાન દેવલોકની અપરિગૃહીતા દેવીઓ તુરંત ત્યાં આવે છે અને મનને આનંદ આપનારાં, અત્યંત મોહક અને કામોત્તેજક મધુરગીત, હાસ્ય-વિકારયુક્ત વચનો બોલે છે, જે દ્વારા દેવો અત્યંત વિષયસુખની વાસનામાં તૃપ્તિ અનુભવે છે.

 

ભાગ 26

💢 પચ્ચીસમો ભવ :- નંદનકુમાર💢


શ્રી વીરપ્રભુનો પચ્ચીસમો ભવ : નંદનકુમાર

મહાશુક્ર દેવલોકથી વીરપ્રભુનો જીવ આવીને ભરતખંડની છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીથી નંદન નામે પુત્ર થયો.

મરીચિનો જીવ હવે કર્મોનાં સારાં-નરસાં ફળો અનુભવતો પરિપક્વ અવસ્થાને પામ્યો હતો. મહાજંગલ પસાર કરી રહેલા મુસાફરને પછીથી જેમ બાકીનો સીધો ધોરીમાર્ગ જ વટાવવાનો રહે, તેમ નંદનકુમારને હવે આરંભેલે માર્ગે જ પુરુષાર્થીપણે આગળ ધપ્યે જવાનું હતું. તે કામ સહેલું હતું એમ કહેવાનો આશય નથી; ૫રંતુ આંતર બાહ્ય અનેક વિઘ્ન આવી આવીને અધવચ જ કેટલાંય જીવનયાત્રીઓની મુસાફરી તોડી પાડે છે, તેવું હવે નંદનની બાબતમાં રહ્યું નહોતું. હવે પછીના માર્ગનું મુશ્કેલપણું ભારે હતું, તે સામે નંદનનો જીવ ૫ણ તેવી અનેકાનેક મુશ્કેલીઓ વટાવતો વટાવતો રીઢો બની ગયો હતો.

યૌવનવય થતાં નંદનકુમારને રાજ્યગાદીએ બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદનરાજા સમૃદ્ધિથી ઈન્દ્રના જેવો થઈ યથાવિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી રાજય કરવા સુધી ૨૪ લાખ વર્ષ વ્યતીત કર્યાં.

એવામાં એકદા ભવસાગરમાં નાવ સમાન, વિશુદ્ધ જ્ઞાનાદિ ગુણરત્નોના ભંડાર, મિથ્યાત્વથી અંધ બનેલા ભવ્યોને આલંબન આપવા દંડરૂપ શ્રી પોટ્ટિલાચાર્ય ઉદ્યાનમાં પધાર્યા. તેઓનું આગમન સાંભળી નંદનરાજા વંદને ગયા.

સ્તુતિ-વંદનાદિ કરી, પરમ પ્રમોદને પામતો નંદનરાજા કહેવા લાગ્યો : ‘આપનાં દુર્લભ પાદપદ્મ પામતાં આજે હું મારા આત્માને ઈંદ્રાદિ કરતાં પણ અધિક માનું છું.’

આચાર્ય મહારાજે તેને યોગ્ય જાણી ધર્મોપદેશ કહ્યો : ‘હે પુણ્યાત્મા ! અગ્નિજવાળાથી બળી રહેલા મકાનમાં શું કોઈ બુદ્ધિશાળી નિદ્રા કરવામાં પ્રમાદી બને ખરો ? બીજે ગામ જતાં પણ લોકો ખાવાનું લઈ જાય છે, તો વિકટ અને અનંત સંસારની મુસાફરીમાં પુણ્યપાથેય વિના કેમ ચાલે ? માટે પ્રમાદનો પરિહાર કરી ધર્મ માટે તત્પર બનવું જોઈએ, જીવહિંસાદિથી નિવૃત્ત થઈને સંયમમાં પ્રવૃત્ત થવું જોઈએ.’

આ સાંભળી નંદનરાજા બોલ્યા : ‘હે ભગવન્ ! ક્ષુધાતુરને શ્રેષ્ઠ ખાઘના ભંડારતુલ્ય, મહાસાગરમાં પડેલાને આધારરૂપ દ્વીપ સમાન એવા તમે મહાભાગ્યે મને પ્રાપ્ત થયા છો, તો હે પરમગુરુ ! પ્રવાહથી અનાદિ, અતિ ભયંકર, અપરિમિત મિથ્યાત્વરૂપ જળના સમૂહથી અગાધ, મોહરૂપ મહાઆવર્ત વડે દુસ્તર, જન્મ-મરણરૂપ કલ્લોલની શ્રેણીથી વ્યાપ્ત, કષાયરૂપ કાદવથી ભરેલ, વિવિધ રોગરૂપી જળજંતુથી વ્યાપ્ત, અજ્ઞાનરૂપી અંધકારથી ગહન અને સ્વભાવથી દુર્ગમ એવા આ ભવસમુદ્રથી મને સત્વર પાર ઉતારો.’

આચાર્ય બોલ્યા : ‘હે મહાભાગ ! હવે કંઈ પણ પ્રતિબંધ ન કર.’ પછી નંદનરાજાએ મહેલમાં આવી યુવરાજને કહ્યું : ‘કે પુત્ર ! પશ્ચિમ દિશામાં પહોંચેલ રવિબિંબ અને પ્રભાતના શશિમંડળ સમાન, અત્યંત જીર્ણ થયેલ વૃક્ષના પર્ણતુલ્ય તથા અસ્ત પામેલા સૂર્યથી સંકોચ પામતા કમળ સમાન, હવે મારે એક ક્ષણવાર પણ ઘરમાં રહેવું યોગ્ય નથી. આમ કહી પુત્રને રાજ્યભાર સોંપી, વ્યાધિની જેમ રાજ્યલક્ષ્મી મૂકી, પાંજરામાંથી છૂટતા પક્ષીની જેમ તે નંદનરાજા ગૃહવાસ થકી નીકળ્યા.

નંદનરાજાએ પોટિલાચાર્ય ગુરુ પાસે દીક્ષા લીધી.નંદનરાજ હવે દીક્ષા લઈ ગુરુ સાથે વિચરવા લાગ્યા. સત્સંગની શીળી છાયામાં રહેતા ચિત્તમાં સર્વ ગુણરૂપી પક્ષીગણ પોતાની મેળે જ ખેંચાઈને ચાલ્યાં આવે છે. તે મુજબ નંદનમુનિનું ચિત્ત ૫ણ થોડા વખતમાં બંધન (રાગદ્વેષ)- રહિતતા, ધર્મપરાયણતા, વિઘ્નોથી હણાયા છતાં ધર્મોદ્યોગમાં અસ્ખલિતતા, વૈરાગ્ય, અપ્રમાદ, સ્વાધ્યાયમાં આસક્તિ, જિતેંદ્રિયતા, સદાચારીપણું, જીવરક્ષા, મદરહિતતા, બ્રહ્મચર્ય, ત૫૫રાયણતા, તિતિક્ષા, સ્પૃહારહિતતા વગેરે અનેકવિધ ગુણસંપત્તિથી ફૂલી-ફાલી ઊઠ્યું.

પરંતુ જે વિશિષ્ટ ૧૦ ગુણોની આરાધનાથી ૫છીને જન્મે તેમને તીર્થંકરપદ પ્રાપ્ત થયું, તે તો જુદા જ છે. પરિભાષામાં તે વીસ ગુણોને વીસ સ્થાનક કહે છે. તે નીચે પ્રમાણે છે :–

૧. અરિહંત ભક્તિ :- જે કોઈ અર્હન્તભગવાન પોતાના જમાનામાં વિચરતા હોય, તેમની, કે તેમને અભાવે તેમના પ્રતીકની (તેમની મૂર્તિ વગેરેની) શુદ્ધ હૃદયે ભક્તિ.

૨. સિદ્ધભક્તિ :- પોતાની ૫હેલાં કર્મબંધનને નાશ કરી સિદ્ધપદ પામેલા મહાપુરુષોની ભક્તિઃ તેમના ગુણોનું રટણ,અનુકરણ ઈ૦.

૩. પ્રવચનભક્તિ :- જિનોની આજ્ઞાનું પાલન કરવા કટિબદ્ધ થનાર સંઘ “પ્રવચન’ કહેવાય છે. વાછરડા ઉપર જેમ ગાય રાખે છે, તેમ સાધર્મિક ઉપર નિષ્કામ સ્નેહ રાખે તે પ્રવચનભક્તિ.

૪. આચાર્યભક્તિ :- પોતે જેની પાસેથી વ્રત અને આચાર ગ્રહણ કર્યાં હોય–દીક્ષા લીધી હોય તે ગુણી પુરુષમાં શુદ્ધ નિષ્ઠાથી અનુરાગ રાખે તે.

૫. સ્થવિર ભક્તિ :- ધર્મમાર્ગમાં પોતાનાથી જે વડીલ હોય – વૃદ્ધ હોય – એવા સાધુજનોની ભક્તિ.

૬. ઉપાધ્યાય ભક્તિ :- શાસ્ત્રગ્રંથમાં શંકા દૂર કરી, તેને શબ્દાર્થ ગ્રહણ કરાવનાર શાસ્ત્રજ્ઞની ભક્તિ.

૭. સાધુભક્તિ:- પ્રવ્રજ્યા લઈ મોક્ષમાર્ગે વિચરતા વિવેકી તથા તપસ્વી પુરુષોની ભક્તિ.

૮. જ્ઞાન :- સર્વજ્ઞ પુરુષોએ પ્રરૂપેલ તત્વોના યથાર્થ જ્ઞાનમાં સદા જાગ્રત રહેવું તેઃ તેને મેળવવા, તથા તેને સમજવા અને દૃઢ કરવા પ્રયત્ન કરવો તે.

૯. દર્શન :- સર્વજ્ઞકથિત તત્વો ઉપર નિર્મળ અને દૃઢ રૂચિ.

૧૦. વિનય :- જ્ઞાનાદિ મોક્ષમાર્ગ અને તેનાં સાધનો પ્રત્યે યોગ્ય રીતે બહુમાન રાખવું તે.

૧૧. ચારિત્ર :- ચારિત્રરૂપ ગણાતા ધર્મોનું અનુષ્ઠાન ભાવ- પૂર્વક ચાલુ રાખવું તે.

૧૨. બ્રહ્મચર્ય :- વ્રતો અને નિયમોના પાલનમાં જરા ૫ણ પ્રમાદ ન કરવો તે.

૧૩. શુભધ્યાન :- અશુભ ધ્યાનમાંથી ચિત્તને છોડાવી, શુભ ધ્યાનમાં એકાગ્ર તથા લીન કરવું તે.

૧૪.તપ :- વાસનાઓને ક્ષીણ કરવા વાસ્તે જોઈતું આધ્યાત્મિક બળ કેળવવા માટે જરાય શક્તિ છુપાવ્યા વિના તેમ જ મન-ઇંદ્રિય-શરીરને આત્યંતિક હાનિ ન થાય તેવી રીતે વિવેકપૂર્વક તેમને જે જે તાપણીમાં તપાવાય છે તે બધું તપ કહેવાય છે.

૧૫. દાન :- જરા ૫ણ શક્તિ છુપાવ્યા સિવાય આહાર- દાન, અભયદાન, જ્ઞાનદાન વગેરે દાન વિવેકપૂર્વક કરવાં તે.

૧૬. વૈયાવૃત્ય :- કેાઈ ૫ણ ગુણી મુશ્કેલીમાં આવી પડે ત્યારે યોગ્ય રીતે તેની મુશ્કેલી દૂર કરવા પ્રયત્ન કરવો તે.

૧૭. સમાધિઉત્પાદન :- મુમુક્ષુઓને ઔષધાદિની મદદથી તેમ જ પ્રેાત્સાહનાથી પોતાના માર્ગમાં તેઓ સમાધિત-સ્વસ્થ રહે તેમ કરવું તે.

૧૮. અભિનવજ્ઞાનગ્રહણ :- નવું નવું સૂત્ર તથા તેના અર્થનું પ્રયત્નથી ગ્રહણ કરવું તે, અથવા ગ્રહણ કરેલાનું ચિંતન- મનનાદિથી નવું નવું રહસ્ય વિચારવું તે.

૧૯. શ્રુતભક્તિ :- શ્રુત એટલે કે શાસ્ત્રની ભક્તિ, તેનું બહુમાન, તેમાં બતાવેલ અર્થોનું સમ્યકચિંતન, તથા વિધિપૂર્વક તેને પ્રકાશિત કરવું તે.

૨૦. તીર્થ પ્રભાવના :- અભિમાન છોડી, જ્ઞાનાદિ મોક્ષમાર્ગને જીવનમાં ઉતારી, અને બીજાને તેનો ઉપદેશ આપી, તેનો પ્રભાવ વધારવો તે.

એટલું યાદ રાખવાનું છે કે, આ વીસમાંથી કેાઈ એક સ્થાનક આરાધનારને પણ તીર્થંકરપદ પ્રાપ્ત થાય છે. નંદન મુનિએ આ વિસે સ્થાનકો આરાધ્યાં હતાં, એટલે હવે તેમને તીર્થંકર થવાનું નક્કી જ હતું, પરંતુ દરમ્યાન તેમને કેટલાંક સુખરૂપી ફળ અપાવનારાં વિશિષ્ટ કર્મો ભોગવી નાખવાનાં હતાં.

અને નિરંતર માસોપવાસ કરવા વડે ૧ લાખ વર્ષના સંયમ પર્યાયમાં ૧૧ લાખ, ૮૦ હજાર, ૬૪૫ માસખમણ દ્વારા, તીર્થંકરપણાના ખાસ કારણભૂત એવા વીશસ્થાનકપદની ભાવથી આરાધના કરી, તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું.

એવી રીતે મૂળથી જ નિષ્કલંક એવા સાધુપણાને આદરીને આયુષ્યને અંતે તેમણે દુષ્કર્મની ગરહા પ્રાણીઓની ક્ષામણા, શુભ ભાવના, ચતુઃશરણ, નમસ્કાર સ્મરણ અને અનશન આ પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદનમહામુનિ ૬૦ દિવસ સુધી અનશનવ્રત પાળી ૨૫ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામ્યા…

 

ભાગ 27

💢 છવ્વીસમો ભવ :- પ્રાણત દેવલોકમાં દેવ💢

શ્રી વીરપ્રભુનો છવ્વીસમો ભવ : પ્રાણત દેવલોકમાં દેવ.

નંદનરાજર્ષિ કાળ કરી પ્રાણત નામના દશમા દેવલોકમાં પુષ્પોતર નામના વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા અને એક અંતર્મુહૂર્તમાં તે મહર્ધીક દેવ થઈ ગયા. પછી અવિધજ્ઞાનથી જોતાં તેમને પોતાનો પૂર્વભવ અને વ્રત યાદ આવ્યાં. તે જોતાં તેમણે મનમાં ચિંતવ્યું : ‘અહો ! અર્હત્ ધર્મનો કેવો પ્રભાવ છે!’

એ વખતે તેના સેવકભૂત સર્વ દેવતાઓ એકઠા થઈને ત્યાં આવ્યા અને હાથ જોડી હર્ષથી તેમને કહેવા લાગ્યા, ‘હે સ્વામી ! તમે જય પામો, ચિરકાલ સુખે રહો.તમે અમારા સ્વામી છો, રક્ષક છો અને યશસ્વી છો. તમે વિજય પામો. આ તમારું વિમાન છે, આ સુંદર ઉપવનો છે, આ સ્નાન કરવાની વાવડીઓ છે, આ સિદ્ધાલય છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ સ્નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરો કે જેથી અમે તમને અભિષેક કરીએ.’ આ પ્રમાણે સ્નાનગૃહમાં સિંહાસન પર બિરાજમાન કરી દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલવડે તેમને અભિષેક કર્યો. પછી સેવક દેવતાઓ તેમને અલંકારગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેવદૂષ્ય વસ્ત્રો, અંગરાગ અને મુગટ વગેરે દિવ્ય આભૂષણો ધારણ કર્યાં ત્યાંથી વ્યવસાયસભામાં ગયા. અને ત્યાં પોતાના કલ્પ(આચાર)નું પુસ્તક વાંચ્યું. પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ઘાલયમાં ગયા. ત્યાં ૧૦૮ અદ્વૈતની પ્રતિમાઓને સ્નાત્ર કર્યું, પૂજા, વંદન અને સ્તવના કરી, પછી પોતાની સુધર્મા સભામાં આવી સંગીત સાંભળ્યું અને પોતાના તે વિમાનમાં રહીને તે દેવ યથારુચિ ભોગ ભોગવવા લાગ્યો.

તે દેવ ૨૦ સાગરોપમના આયુષ્યવાળો અને ૩ હાથની ઊંચાઈવાળો થયો હતો. તે ૩૦૦ દિવસે શ્વાસોશ્વાસ અને ૨૦ હજાર વર્ષે આહારની ઈચ્છા કરતો હતો અને નિર્મળ અવધિજ્ઞાન દ્વારા ઉપર પોતાના દેવલોકના વિમાનની ધજા સુધી, નીચે પાંચમી નારકીના તળિયા સુધી અને તિર્ચ્છામાં અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો સુધી જોઈ શકતો હતો. તે દેવ ઉજ્જવળ વર્ણવાળો અને ઉત્તરોત્તર વિશુદ્ધ શુક્લલેશ્યાવાળો હતો અને હંમેશાં પોતાના મસ્તક ઉપર ગેંડાના ચિહ્નવાળા સુંદર રત્નમય મુગટને ધારણ કરતો હતો.

તે પ્રાણત દેવલોકમાં ૪૦૦ વિમાનો હતાં, જે સ્ફટિકના બનાવેલા શુક્લવર્ણી અતિ ઉત્કૃષ્ટ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળાં હતાં. ત્યાંના દેવોને ભોગની ઈચ્છા થાય ત્યારે ઈશાન દેવલોકની અપરિગૃહીતા દેવીઓને મનથી યાદ કરે છે. ત્યારે તે દેવીઓ પણ સુંદર ભભકાદાર શૃંગાર સજીને, કામવિધુર બનેલી, દૂર દેશમાં રહેલી, પતિ પાસે જવા માટે અસમર્થ એવી પત્ની જેવી, પોતાના સ્થાનમાં જ રહીને કામથી આકુળ-વ્યાકુળ થતી, પોતાના સુંદર સ્તનાદિ અવયવોને હલાવતી, અંગભંગ કરતી, હાવભાવ દર્શાવતી હોય છે. ત્યારે તે દેવો પણ તે જ અવસ્થામાં રહેલા, મનથી તે દેવીઓનો સંકલ્પ કરીને, મનની આકુળ-વ્યાકુળ, દૂર રહ્યા છતાં પણ, મંદ પુરુષવેદની વેદનાવાળા વેદોપશાંતિ તથા ભોગની જેમ જ તેઓ શાંત અને તૃપ્ત થતા હોય છે.

સમકિત ગુણરૂપ આભૂષણવાળો તે દેવ અર્હન્તોના કલ્યાણકને સમયે મહાવિદેહાદિ ક્ષેત્રોમાં જતો અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદનાદિ કરતો હતો.

એવી રીતે અંત સમયે તો વિશેષે દેદિપ્યમાન થયેલો એવો તે દેવ ત્યાંથી ચ્યવન પામ્યો.

 

ભાગ 28

💢 પ્રભુ શ્રી વર્ધમાનસ્વામીનું ચ્યવન💢


આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામે ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવાનંદા નામની પત્ની હતી.અષાઢ માસના શુક્લપક્ષ ની છઠ્ઠી રાત્રીએ નંદનનો જીવ દેવલોકમાંથી ચ્યવી દેવાનંદા બ્રાહ્મણીની કુખમાં પુત્ર તરીકે પ્રવિષ્ટ થયો. તે વખતે ‘દુષમસુષમા’ નામના ચોથા આરાના પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા હતાં, તથા ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પ્રવર્તતું હતું.

તે વખતે સુખે સૂતેલાં દેવાનંદામાતાએ ૧૪ મહાસ્વપ્નો જોયાં જેથી ભારે હર્ષ પામતી તેણીએ તે, પોતાના સ્વામી ઋષભદત્તની પાસે જઈ તેમને કહી સંભળાવ્યાં. ઋષભદત્તે તે સંબંધી વિચાર કરીને કહ્યું : ‘આ સ્વપ્નોના પ્રભાવથી તને ધનલાભ, પાંચ પ્રકારના વિશિષ્ટ ભોગનો લાભ અને આરોગ્યનો લાભ અવશ્ય પ્રાપ્ત થશે. વળી ઋગ્વેદ આદિ ચારે વેદોનો પારગામી અને પરમ નિષ્ઠાવાળો પુત્ર થશે.’ જાણે કલ્પવૃક્ષ આવ્યું હોય તેમ પ્રભુ જ્યારે દેવાનંદા માતાની કુક્ષિમાં આવ્યા તે દિવસથી ઋષભદત્તના ઘરમાં હાથી, ઘોડા, રત્નપ્રમુખની મોટી સમૃદ્ધિ થઈ.

એકદા ભગવંતના માતાપિતાને આવા પ્રકારનો વિચાર આવ્યો કે, “જ્યારથી આ ગર્ભ ઉત્પન્ન થયો ત્યારથી ધન, ધાન્ય, કનકાદિથી આપણે વૃદ્ધિ પામ્યા છીએ, માટે જયારે એ જન્મ પામશે. ત્યારે એ પુત્રનું વર્ધમાન એવું નામ આપણે પાડીશું.

હવે અહીં ભગવંતને ગર્ભમાં આવ્યાને ૮૨ દિવસ વ્યતીત થયા એટલે સૌધર્મ દેવલોકના ઈન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધીજ્ઞાનથી પ્રભુને દેવાનંદા માતાના ગર્ભમાં જોયા એટલે શક્રેન્દ્રે સિંહાસનથી ઊભા થઈ, સાત આઠ પગલાં તીર્થંકરની અભિમુખ જઈ નમુત્યુર્ણ સૂત્રથી ભગવંતની સ્તવના કરી.

પ્રભુના જીવે મરીચિના ભવમાં કુળમદ કર્યો હતો, તેથી જે નીચગોત્ર કર્મ ઉપાર્જન કર્યું હતું તે હજુ પણ ઉપસ્થિત છે. પણ કર્મને વશ થઈ હીન કુળમાં અવતર્યા હોય, તો પણ જન્મ પામ્યા પહેલાં ઈન્દ્રો તેમને ઉત્તમકુળમાં સંક્રમાવે છે.

ઈન્દ્રનો સંબંધી શક્રનો દૂત હરિણગમેષી નામનો દેવ સ્ત્રીના ગર્ભનું સંહરણ કરે છે ત્યારે એક ગર્ભાશયમાંથી ગર્ભ લઈને બીજા ગર્ભાશયમાં કેવી રીતે મૂકે છે, તે વિષે ગૌતમ અને મહાવીર વચ્ચેના પ્રશ્નોત્તર નોંધાયેલા છે. અને ત્યાં મહાવીરે એટલું જ જણાવ્યું છે કે, તે દૂત પોતાનાં હાથ વડે ગર્ભને અડી – અડીને અને તે ગર્ભને પીડા ન થાય તેવી રીતે યોનિ દ્વારા બહાર કાઢીને બીજા ગર્ભાશયમાં મૂકે છે. વળી તે દૂત ગર્ભને નખની ટોચ વડે યા તો રૂંવાડાના છિદ્ર વાતે અંદર મુકવા કે બહાર કાઢવા સમર્થ છે. ઉપરાંત તે દેવ તે ગર્ભને તે સમયે કાંઈ પણ ઓછી કે વધારે પીડા થવા દેતો નથી. ગર્ભ ના શરીરમાં તે છેદ-કાપકૂપ કરે છે અને પછી તેને ઘણો સૂક્ષ્મ કરીને અંદર મૂકે છે કે બહાર કાઢે છે. માટે મારી ફરજ છે કે એ ચરમ તીર્થનાથને આ બ્રાહ્મણકુળ થકી કાશ્યપગોત્રના સિદ્ધાર્થ રાજાની વાશિષ્ઠ ગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કરું, અને ત્રિશલાદેવીનો ગર્ભ દેવાનંદામાતાની કુખમાં સંક્રમાવું.’ એમ ચિંતવી ઈન્દ્રે પોતાના પરિણૈગમેષી સેનાપતિને ત્રિશલાદેવીના ઉદરમાં ગર્ભ સંક્રમાવવાની આજ્ઞા કરી.

કથાકાર તો દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં મહાવીર સ્વામીનો જીવ આવ્યા બાદ ૮૨ દિવસ વ્યતીત થતાં સૌધર્મ દેવલોકના સ્વામી ઈંદ્રને ફિકર કરાવે છે કે, “તીર્થંકર કદી તુચ્છ કુળ, દરિદ્ર કુળ, કૃપણ કુળ કે ભિક્ષુક કુળને વિષે ઉત્પન્ન થયા નથી, થતા નથી કે થશે ૫ણ નહીં; તીર્થંકર ઈક્ષ્વાકુ વગેરે ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થાય છે. કદાચ કેાઈ કર્મવશે તે હીન કુળમાં અવતરે તો ૫ણ મારા જેવા ઇંદ્રાદિની ફરજ છે કે, જન્મ પામ્યા પહેલાં તેમને અમારે ઉત્તમ કુળમાં સંક્રમાવી દેવા…” આમ વિચાર કરી તેણે પોતાના સેનાપતિ દેવ હરિણગમેષીને આજ્ઞા કરી કે, તું તીર્થંકરના જીવને બ્રાહ્મણ કુળ થકી સંક્રમાવી કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થની ભાર્યા વસિષ્ઠગોત્રની ત્રિશલાદેવીના ઉદરમાં સ્થાપન કર. તે પ્રમાણે આસો વદ તેરશની રાત્રે પૂર્વ ભાગમાં ૫હેલા બે પહોર પછી એટલે કે ગર્ભધારણ પછી બ્યાસી રાત્રી-દિવસ વીત્યા બાદ ત્યાસીમા રાત્રી-દિવસની વચ્ચેના કાળમાં, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને વિષે મહાવીરને ત્રિશલાની કૂખે સ્થાપિત કરવામાં આવ્યા.


હિરણગમેષી દેવે મન અને પવન જેવી ગતિથી તરત જ દેવાનંદા અને ત્રિશલાના ગર્ભને અદલબદલ કર્યા. તે વખતે શય્યામાં સુતેલી દેવાનંદા બ્રાહ્મણી પૂર્વે જોયેલાં ૧૪ મહાસ્વપ્નોને પોતાના મુખમાંથી પાછાં નીકળતાં જોઈ નિદ્રા રહિત થઈ, શરીરે નિસ્તેજ બની અને છાતી કૂટતી ‘અહા ! મારા ગર્ભનું હરણ થયું’ એમ વારંવાર પોકાર કરવા લાગી.

ભગવાન જયારે ત્રિશલામાતાની કુક્ષિમાં પધાર્યા ત્યારે માતા અર્ધ નિદ્રિત અવસ્થામાં હતાં. ત્રણ ભુવનના નાથનું આગમન થયું છે તેથી માતા ક્રમશઃ આ ચૌદ મહાસ્વપ્રોને જુવે છે : (૧) સિંહ, (૨) હાથી, (૩) વૃષભ, (૪) અભિષેક થઈ રહ્યો છે તેવાં લક્ષ્મીદેવી, (૫) બે પુષ્પ માળઓ, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) પૂર્ણકલશ, (૧૦) પદ્મસરોવર, (૧૧) ક્ષીરસમુદ્ર, (૧૨) દેવવિમાન, (૧૩) રત્નરાશિ અને (૧૪) નિર્ધુમ અગ્નિ

પ્રત્યેક સ્વપ્ન અતિ સુંદર છે અને જાણે કે આકાશમાંથી ઊતરીને માતાના મુખમાં પ્રવિષ્ટ થઈ ઉદરમાં જઈને અટકે છે..

ત્રિશલારાણીના મુખથી સ્વપ્નાંઓની વાતો સાંભળી રાજા સ્વપ્નપાઠકોને બોલાવે છે અને સ્વપ્નાંઓના ફલાદેશ વિષે પૂછે છે. સ્વપ્નપાઠકો વિચાર કરીને કહે છે : “હે રાજન ! આવા પ્રકારનાં સ્વપ્નોના પ્રભાવે તમને ધર્મચક્રવર્તી, ત્રણે લોકને પૂજનીય અને અનુપમ ચારિત્રધારી એવો તીર્થંકરપુત્ર અવશ્ય થશે વળી તે આપનો પુત્ર :

૧) ચાર દાંતવાળા હાથીને જોવાથી ચાર પ્રકારના ધર્મને કહેનાર થશે.
(૨) વૃષભને જોવાથી આ ભરતક્ષેત્રમાં બોધિબીજ વાવશે.
(૩) સિંહને જોવાથી, કામàગાદિરૂપ ઉન્મત હાથીઓથી ભવ્યજનોરૂપ વનનો નાશ થાય છે. તેનું રક્ષણ કરશે.
(૪) લક્ષ્મીને જોવાથી વાર્ષિકદાન દઈને તીર્થંકરની લક્ષ્મીને ભોગવશે.
(૫) માલા જોવાથી ત્રણે ભુવનના મસ્તકમાં ધરવાને લાયક થશે.
(૬) ચંદ્રને જોવાથી ભવ્યજીવોરૂપી ચંદ્રવિકાસી કમલોને વિકસ્વર૫ણું આપશે.
(૭) સુર્યને જોવાથી કાંતિથી વિભૂષિત થશે.
(૮) ધ્વજને જોવાથી ધર્મરૂપી ધ્વજે કરીને ભૂષિત થશે.
(૯) લશને જોવાથી ધર્મરૂપી મહેલના શિખર પર તે રહેશે.
(૧૦) પદ્મસરોવર જોવાથી દેવોએ સંચાર કરેલાં સુવર્ણ કમલો પર વિહાર કરશે.
(૧૧) સમુદ્રને જોવાથી કેવળજ્ઞાનરૂપી રત્નના સ્થાનક સરખા થશે.
(૧૨) વિમાન જોવાથી વૈમાનિક દેવોને પૂજનીય થશે.
(૧૩) રત્નના રાશિને જોવાથી રત્નોના ગઢોએ ભૂષિત થશે.
(૧૪) ધૂમાડા વિનાના અગ્નિને જોવાથી ભવ્યજનોરૂપી સુવર્ણને શુદ્ધ કરનારા થશે.” આ સાંભળી સૌ હર્ષને પામ્યા.

ગર્ભાવસ્થા દરમ્યાન સાડાછ માસ વીત્યા બાદ અચાનક ત્રિશલાને ગર્ભનું ફરકવું વગેરે તદ્દન બંધ પડી ગયેલાં લાગ્યાં. આથી તેમને એમ જ લાગ્યું કે, ગર્ભ કાંતો મૃત્યુ પામ્યો કે ચ્યવી ગયો. એ શોકનાં માર્યાં તે બાવરાં બની ગયાં. સખીઓએ વાતેવાતે એ ખબર જાણી લીધી. સિદ્ધાર્થને એ ખબર મળતાં તે ચિંતાતુર થઈ ગયા. તેના ઘરમાં આનંદ-પ્રમોદ બંધ થઈ ગયા, અને સૌ આ શોકનું નિવારણ કરવા સૂઝે તેવા વિવિધ ઉપાયો સૂચવવા તથા કરવા લાગ્યા. અંતે થોડા વખત બાદ ગર્ભ ફરીથી સ્ફૂરતો જણાયો, અને સૌના જીવમાં જીવ આવ્યો.

આ બનાવ ઉ૫ર જુદાજુદા અનેક કવિએાએ ભારે ભારે ઉત્પ્રેક્ષાઓ કરી છે. એક કવિ કહે છે, “શું પ્રભુ ગર્ભાવસ્થામાં જ મોહરાજ ઉપર વિજય મેળવવાનો મંત્ર વિચારી રહ્યા હશે, કે પરબ્રહ્મની પ્રાપ્તિ માટે એકલા કોઈ અગોચર ધ્યાન આચરી રહ્યા હશે, અથવા શું કલ્યાણરસ સાધતા હશે, કે કામદેવ ઉપર કાબૂ મેળવવા પોતાનાં અંગો માતાની કૂખમાં સંકોચી રહ્યા હશે?” કથાકાર અહીં એવી કલ્પના કરે છે કે, મહાવીરે માતા પ્રત્યેની અનુકંપા અથવા ભક્તિને લીધે વિચાર્યું કે મારા હલન- ચલનથી માતાને જરૂર કષ્ટ થતું હશે, તેથી તેઓ ગર્ભમાં નિશ્ચલ થયા; ૫રંતુ પછી માતાના શોકની ખબર પડતાં તેમણે પોતાના શરીરનો એક ભાગ સહેજ કંપાવ્યો, અને માતાને પોતા ઉ૫રનો એ ગાઢ સ્નેહ જોઈને જ નિયમ લીધો કે, જ્યાં સુધી મારાં માતાપિતા જીવતાં રહે ત્યાં સુધી મારે ઘરનો ત્યાગ કરી દીક્ષા ન લેવી.

માતાના શોકની ગર્ભસ્થ મહાવીરને ખબર પડી તેનું કારણ કથાકાર એ જણાવે છે કે, મહાવીરને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન જન્મથી જ સિદ્ધ હતાં. [મતિજ્ઞાન એટલે ઇંદ્રિય અને મનના વ્યાપારથી થતું જ્ઞાન; શ્રુતજ્ઞાન એટલે ઇંદ્રિય અને મનથી શ્રુત-શાસ્ત્ર- ગ્રંથાનુસારે થતું જ્ઞાન; અને અવધિજ્ઞાન એટલે ઇંદ્રિય-મનની સહાયતા વિના આત્માની વિશિષ્ટ યોગ્યતાથી થતું મૂર્ત દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન. તે જ્ઞાનવાળો અસંખ્યાત ઉત્સર્પિણી -અવસર્પિણી જેટલા અતીત અનાગતકાળને જાણે અને જુએ છે. અર્થાત્ તેટલા કાળમાં રહેલાં સમગ્ર લોકનાં રૂપી દ્રવ્યોને જાણે છે.

તેથી જ દેવલોકમાંથી ચ્યવતા પહેલાં ૫ણ મહાવીર જાણતા હતા કે હું હવે અહીંથી ચ્યવવાનો છું, તથા દેવાનંદાના ગર્ભમાં ઉત્પન્ન થયા પછી પણ તે જાણતા હતા કે હું દેવલેકમાંથી ચ્યવીને અહીં ઉત્પન્ન થયો છું; તે જ પ્રમાણે દેવાનંદાની કૂખમાંથી ત્રિશલા માતાની કૂખમાં પોતાનું સંહરણ થયું હતું ત્યારે ૫ણ તે જાણતા હતા કે મને દેવાનંદાના ગર્ભમાંથી લઈને અહીં મૂકવામાં આવ્યો છે.

ગર્ભના પ્રભાવથી માતાને જુદી જુદી જાતના દોહદો થાય છે.” તે ઉપરથી ૫ણ જન્મનારા સંતાનનો સ્વભાવ માલૂમ ૫ડે છે. ત્રિશલા રાણીના દોહદો કથાકારે આ પ્રમાણે વર્ણવ્યા છે : “ચારે દિશામાં ‘અ-મારી” (પશુ-પંખીને મારશો નહીં એવી) ઘોષણા કરાવું; ખૂબ દાન આપું; સાધુસંતોની ભલે પ્રકારે પૂજા કરું; તીર્થંકર પ્રભુની પૂજા રચાવું; સંધ – મહોત્સવ કરી, સાધર્મિક સંઘનું વાત્સલ્ય કરું; સિંહાસન ઉપર બેસું; ઉત્તમ છત્ર માથે ધારણ કરાવું; સફેદ ચામરો મારી આસપાસ વીંઝાવું; સઘળાંઓ ઉપર ભલે પ્રકારે શાસન ચલાવું; હાથી ઉપર બેસી, વાજિંત્ર વાગતાં હોય, લોકો ભારે આનંદથી “જય” “જય” કરતા હોય અને હું સવારીએ નીકળું,.” સિદ્ધાર્થ ક્ષત્રિય ૫ણ તે તે દોહદો કાળજીથી પૂરા કરતા. કારણ કે, ગર્ભવતીના દોહદો પૂરા ન થાય તો તેને તેમ જ તેના ગર્ભને કાયમનું નુકસાન થાય.

=============

💢 પ્રભુ મહાવીરનો જન્મ મહોત્સવ અને જન્માભિષેક💢


ગર્ભસ્થિતિ પૂર્ણ થયે, ચૈત્ર સુદ તેરસે સર્વ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં રહેતા, અર્ધરાત્રે, હસતોત્તર નક્ષત્રની સાથે ચંદ્રમાનો યોગ થતાં, ત્રિશલાદેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન ક્રાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રરત્નને જન્મ આપ્યો. તે સમયે ત્રણેય લોકમાં પ્રકાશ પથરાયો અને નારકી પર્યન્ત જીવોને સુખનો અનુભવ થયો.

દેવ-મનુષ્ય સર્વને ધર્મરૂપી સન્માર્ગ બતાવનાર મહાપુરુષનો જન્મ વર્ણવતાં કથાકાર પોતાની સર્વ ભક્તિ વિવિધ રીતે પ્રગટ કરે છે. તેમના જન્મને ઉત્સવ તેમ જ વિવિધ ક્રિયાઓ ભૂલોકનાં સગાંસબંધી જ કરે એવું શું કામ? એ બધી ક્રિયાઓ કરવા દેવો પણ પડાપડી કરતા જ હોવા જોઈએ; કારણ કે લૌકિક સગાંસંબંધીને જે વાતની ખબર નથી હોતી, તે વાતની દેવોને તો ખબર હોય છે કે, આ જીવ આ જન્મે તીર્થંકર થવાનો છે. અને દેવોને વૈભવ વિશેષ તથા શક્તિ ૫ણ વિચિત્ર; એટલે જે વખતે માનુષી સંબંધીઓ તે તે ક્રિયા કરે, તે વખતે જ દેવો પણ અદશ્ય રહીને જ તે તે ક્રિયા કરે. એટલે કોઈ ક્રિયા બેવડી થતી દેખાય નહીં, અને છતાં બંને પક્ષ દ્વારા સાથે થાય તો ખરી જ.

આ વખતે છપ્પન દિક કુમારિકાઓએ આવીને સર્વ સૂતીકર્મ કર્યું.કેળના ત્રણ ઘર બનાવી તેમાંથી એક ઘરમાં માતા તથા પ્રભુને મર્દન કરે છે, બીજા ઘરમાં સુગંધી જળથી સ્નાન કરાવે છે, અને ત્રીજામાં આભૂષણ પહેવરાવીને દર્પણદર્શનાદિ કરાવ્યા પછી ગીત, નૃત્ય અને ધનની વૃષ્ટિ કરીને તેઓ પોતપોતાના સ્થાને જાય છે.

એ આવીને કેવા કેવા કામ કરે છે એ તમે જોયું હશે? દેવલોકની દેવીઓ આવીને મોરપીંછી લઈ સંવર્તક વાયુ વિકુર્વી ,સૂક્ષ્મતમ રજકણ પણ ન રહે એ રીતે પ્રભુનો મહેલ,આંગણું વગેરે સ્વચ્છ કરે છે.સુગંધી જળની વૃષ્ટિ કરે છે.બીજાને કહેતી નથી કે આ કામ કરી દો. જાતે જ કરે છે. ઉત્તમ તીર્થજળથી કળશાઓ ભરે છે, દર્પણમાં પ્રભુ મુખ જુવે છે, ચામર ધરે છે, પ્રભુને પંખો નાંખે છે, રક્ષાબંધન કરે, દીપકો પ્રગટાવી આલોક કરે, એ વખતે એમનો આનંદ-ઉમંગ કેટલો હશે એ આપણી કલ્પનાનો વિષય નથી. આ અમારા પરમતારક છે, વિશ્વના પિતા છે, વિશ્વના તારણહાર છે, જગતના ઉદ્ધારક છે, એવો એવો ભાવ હોય છે.

પરમાત્માને અને માતાને કેળનાં ઘર બનાવી તેમાં લઈ જાય, ત્યાં પરમાત્માના જન્મ સંબંધી નાળચ્છેદ, સ્નાન, વસ્ત્રાલંકારનું પરિધાન વગેરે કાર્યો કરે અને એ બધું કાર્ય પૂર્ણ કરી પરમ આનંદ સાથે પોતપોતાના સ્થાનમાં જાય.

ત્યાં જ ઈન્દ્રનું સિંહાસન કંપતા પ્રભુના જન્મની જાણ થઈ અને હર્ષ સાથે દેવતાઓ આગળ તેઓએ પ્રભુના જન્મની ઘોષણા કરાવી.ઈન્દ્રના આદેશથી હરિણૈગમેષી દેવે ‘સુઘોષા’ ઘંટ વગાડી પ્રભુના જન્મની અને મેરૂપર્વત ઉપર કરવાના જન્માભિષેક સમારંભમાં દેવોને ભાગ લેવા પધારવા અંગેની ઉદઘોષણા કરી.

મેરુપર્વત ઉપર જવા માટે ઇન્દ્ર ભવ્ય ‘પાલક’ વિમાનમાં બેઠા અને અન્ય દેવો વિવિધ વાહનોમાં બેસીને ચાલ્યા.

સૌધર્મેન્દ્ર પાલક વિમાનને નંદિશ્વર દ્વિપમાં ઉતારીને પ્રભુના મહેલમાં આવ્યા, અને બીજા દેવો સીધા મેરૂપર્વત પર ગયા.

સૌધર્મ ઇન્દ્રે સૂતિકાગૃહમાં આવી અર્હન્તને અને ત્રિશલામાતાને જોતાં જ પ્રણામ કર્યા. ત્રિશલામાતાને અવસ્વાપિની નિદ્રા આપી, તેમની બાજુમાં પ્રભુ નું પ્રતિબિંબ સ્થાપી અને ભક્તિકર્મ માં અતૃપ્ત એવા ઇન્દ્રે પોતાનાં પાંચ શરીર વિકુવ્યા. એક રૂપે સરસ સુગંધી ગોશીર્ષચંદન વડે બંને હાથને લિપ્ત કરી બહુમાનપૂર્વક તેમણે પ્રભુને પોતાના હાથમાં સ્થાપન કર્યા, બીજા રૂપે પ્રભુના મસ્તકે સુવર્ણના દંડયુક્ત છત્રને ધારણ કર્યું, તેમ જ બે રૂપે બન્ને બાજુ ગંગાના પ્રવાહ સદશ બે ચામર મંદ મંદ ચલાવતાં અને એક રૂપે વજ્ર ઉછાળતાં અને નૃત્ય કરતાં પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરુગિરિ પર જઈ અતિપાંડુકશિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં બેસાડીને ઈન્દ્ર પૂર્વાભિમુખ થઈને બેઠા.

તે વખતે બીજા ૬૪ ઈન્દ્રો પણ પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા.સૌધર્મેન્દ્રની જેમ જ અન્ય અન્ય ઈન્દ્રો પણ સ્વયોગ્ય વિમાનો બનાવીને ત્યાં આવે છે. વૈમાનિકના દશ, ભવનપતિના વીશ, વ્યંતરોના બત્રીશ અને જ્યોતિષના બે એમ ચોસઠે ઈન્દ્રો પોતાના પરિવાર સાથે ત્યાં આવે છે.

આ વખતે અચ્યુતેન્દ્રના કહેવાથી દેવોએ, એક હજાર અને આઠ સોનાના કળશો, તેટલા જ રૂપાના કળશો, તેટલા જ મણિના, તેટલા જ સોના અને ચાંદીના, તેટલા જ ચાંદી અને મણિના, તેટલા જ સોના, ચાંદી અને મણિના, તેટલા જ માટીના તથા તેટલા જ રત્નના કળશો વિકુર્વી ક્ષીરસમુદ્રાદિથી કળશો ભર્યા, નંદનવનાદિથી કમળાદિ સહસ્ત્રપત્ર ફૂલો ગ્રહણ કર્યાં, માગધાદિ તીર્થોનું પાણી-મહૌષધિઓ અને સ્નિગ્ધ માટી, વળી વક્ષારપર્વતાદિથી ઔષધિ અને ફળો જે કાંઈ પ્રશસ્ત હતું તે સર્વ લઈ, અચ્યુતેન્દ્રને અર્પણ કર્યું.*

તે અવસરે ભક્તિથી કોમળ ચિત્તવાળા ઈન્દ્રને વિચાર આવ્યો : ‘અહો ! આ તીર્થંકર તો શરીરે બહુ નાના છે. સમકાલે દેવોના હાથે પડતો આ જળસમૂહ કેમ સહન કરી શકશે ?’ ઈંદ્રને શંકા ઉત્પન્ન થઈ. ઈન્દ્રની આ શંકા દૂર કરવા સારું પ્રભુએ લીલામાત્રમાં ડાબા ચરણના અંગૂઠાથી મેરુગિરિને દબાવ્યો. મેરુગિરિ કંપી ઊઠ્યો, ધરતી ધણધણી ઊઠી, નદીઓનાં નીર ઊછળવા લાગ્યાં, સાગરમાં અતિશય ગર્જારવ થવા લાગ્યો. આ પ્રમાણે ઉત્પાત જોઈને ‘આ શું થયું?’ એમ ચિંતા કરતા ઈન્દ્રે અવધિજ્ઞાન વડે પ્રભુના પરાક્રમની લીલા જોઈ. સૌધર્મેન્દ્રે પ્રભુને ખમાવ્યા. ત્યાર પછી અપૂર્વ આનંદ સહિત અનેક પ્રકારનાં વાજિંત્રો વાગતે છતે, ઈન્દ્રોએ તીર્થોના સુગંધી અને પવિત્ર જલ વડે પ્રભુનો અભિષેક મહોત્સવ કર્યો. તે અભિષેકના જલને સુર, અસુરાદિ સર્વે દેવતાઓ પોતાનાં અંગો પર છાંટવા લાગ્યા. મહોત્સવ પૂર્ણ થતાં સૌધર્મેન્દ્ર પ્રભુને લઈને માતાની પાસે મૂક્યા. જ્રુભક દેવોએ રાજભવનમાં ૩૨ ક્રોડ સુવર્ણાદિની વૃષ્ટિ કરી.

પ્રિયંવદા દાસીએ પુત્રજન્મની વધામણી સિદ્ધાર્થ રાજાને આપતાં રાજાએ હર્ષિત થઈને તેને પ્રીતિદાનમાં અંગ ઉપરના એક મુકટ સિવાયનાં બધાં આભૂષણો આપી દીધાં અને એનું આખી જિંદગીનું દારિદ્રય દૂર કર્યું.

પછી રાજાએ સેવકોને બોલાવી પુત્રજન્મોત્સવ માટે વિવિધ આદેશો આપ્યા. જન્મોત્સવના ઉપલક્ષ્યમાં રાજ્યના બધા કેદીઓને છોડી મૂકવામાં આવ્યા, લોકોની મૂશલ, હળ વગેરેની વેઠ બંધ કરવામાં આવી અને રાજય તરફથી મફત સગવડો આપવાની જાહેરાત કરવામાં આવી. નગરમાં લેવાતો કર વગેરે બંધ કરવામાં આવ્યો તથા પશુઓને શ્રમમુક્ત કરી લોકોને જીવન જરૂરિયાતની ચીજો વગેરેનું દાન આપવામાં આવ્યું.

મહાવીરપ્રભુના મહામંગલકારી જન્મના પ્રસંગે પિતા સિદ્ધાર્થ મહારાજાએ જન-મનોરંજન માટે વિવિધ કાર્યક્રમો ગોઠવ્યા, સમસ્ત નગરવાસીઓએ જન્મોત્સવમાં ભાગ લીધો અને સહુ આનંદના સાગરમાં લહેરાવા લાગ્યા.

પ્રભુ જે દિવસે સિદ્ધાર્થ રાજાને ત્યાં પધાર્યા તે દિવસથી રાજાના ભુવનમાં હિરણ્ય, સુવર્ણ, ધનધાન્ય, માન-સન્માન વધવા લાગ્યાં – એટલે માતા-પિતાએ પ્રભુનું ગુણનિષ્પન્ન ‘વર્ધમાન’ એવું નામ પાડ્યું. આ સાંભળી હર્ષ પામેલા સૌએ ‘એમ જ થાઓ’ તેમ કહ્યું. વળી ભય, ભૈરવાદિકના ઉપસર્ગોમાં અચલ તથા ક્ષમાવંત હોવાથી ઈન્દ્રે પણ પ્રભુનું ‘મહાવીર’ એવું નામ પાડ્યું.

જન્મને પહેલે દિવસે તે કુલક્રમથી ચાલી આવતી ઉચિત ક્રિયાઓ યથાવિધિ પૂરી થઈ.પછી ત્રીજે દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાની વિધિ થઈ ; ત્યાર બાદ છઠ્ઠા દિવસની રાત્રીએ કુલધર્મ પ્રમાણે માતપિતાએ જાગરણ–મહોત્સવ કર્યો. એ પ્રમાણે બધા વિધિ કરતાં અગિયારમો દિવસ વીત્યો , અને નાલચ્છેદ વગેરે ક્રિયાઓ પતી ગઈ એટલે બારમે દિવસે સિદ્ધાર્થે ખૂબ ખાન–પાન–મેવો–મુખવાસ વગેરે તૈયાર કરાવી પોતાના મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ, દાસ-દાસી વગેરે સૌને નિમંત્રણ આપ્યું; અને ભોજનવિધિ પૂરો થયા બાદ સૌની સમક્ષ પોતાના પુત્રનું “વર્ધમાન” એવું નામ પાડ્યું. તે વખતે સિદ્ધાર્થે કહ્યું, “હે દેવાનુપ્રિયો ! અમારે આ બાળક ગર્ભમાં હતો ત્યારથી અમે એે સંકલ્પ કર્યો હતો કે, જ્યારથી આ બાળક કૂખને વિષે આવ્યા છે, ત્યારથી આ૫ણે ધન-ધાન્ય-સુવર્ણાદિથી તથા સંતોષ-સત્કારાદિથી અતિશય વૃદ્ધિ પામીએ છીએ, માટે એ બાળક જન્મશે ત્યારે આપણે તેનું નામ “વર્ધમાન” પાડીશું. અમારો એ મનોરથ આજે સફળ થાય છે.” અહીં એટલું કહેતા જવું જોઈએ કે સિદ્ધાર્થને વર્ધમાન પહેલાં નંદિવર્ધન નામના મોટાં પુત્ર તથા સુદર્શના નામની કન્યા હતાં.

ધીમે ધીમે બાળક વર્ધમાન યોગ્ય દેખરેખ તથા લાડ– પાડમાં મોટો થવા લાગ્યો.તીર્થંકર થનારા જીવને પ્રાપ્ત થતા શરીર વિષે થોડીક પરંપરાગત માન્યતા અહીંથી આગળ વધતા પહેલાં જોઈ લેવી ઘટે છે.

તીર્થંકરના શારીરિક બળ વિષે વર્ણન કરતાં એક ગણતરી એવી કરવામાં આવે છે કે, બાર યોદ્ધાના બળ જેટલું બળ એક ગોધામાં હોય છે. દશ ગોધાનું બળ એક ઘોડામાં હેાય છે. બાર ઘોડાનું બળ એક મહિષમાં, પંદર મહિષનું એક હાથીમાં, પાંચસેં હાથીનું એક કેસરીસિંહમાં, બેહજાર કેસરીસિંહનું એક અષ્ટા૫દમાં, દશ લાખ અષ્ટાપદનું એક બલદેવમાં, બે બલદેવનું એક વાસુદેવમાં, બે વાસુદેવનું એક ચક્રવર્તીમાં, એક લાખ ચક્રીનું એક નાગેંદ્રમાં, એક કરોડ નાગેંદ્રનું એક ઈંદ્રમાં, અને એવા અનંત ઇંદ્રો જેટલું બળ જિનેન્દ્રની ટચલી આંગળીમાં હેાય છે.

 

💢 આમલકી ક્રીડા💢


ભક્તિવંત એવા સુર અને અસુરોથી સેવાતા અને એક હજાર ને આઠ લક્ષણોથી ઉપલક્ષિત તથા પાંચ ધાવમાતાથી સેવાતા એવા વર્ધમાનકુમાર શુક્લપક્ષના ચંદ્રની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા.

એક વખતે, આઠ વર્ષમાં કંઈક ઓછી વયના પ્રભુ, સમાન વયના રાજપુત્રોની સાથે ‘આમલકી ક્રીડા’ કરતા હતા.

આ ક્રીડામાં દૂર ફેંકાયેલો લાકડાનો એક નાનો દડો દાવ દેવાવાળો લેવા જાય, તેટલીવારમાં બધાએ ઝાડ પર ચડી જવાનું હતું. જેઓ એ રીતે ઝાડ પર ચડી ન શકે અને દાવવાળાના હાથે પકડાઈ જાય, તો પકડાઈ જનારો દાવ આપતો.

તે સમયે ઈન્દ્રે દેવતાઓની સભામાં ‘ધીરપણામાં એકમાત્ર મહાવીર’ એમ પ્રભુની પ્રસંશા કરી. તે સાંભળી કોઈ મત્સરી દેવ ‘હું તે મહાવીરને ક્ષોભ પમાડું’ એવું ધારીને, જ્યાં પ્રભુ ક્રીડા કરતા હતા ત્યાં ઝાડ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. તેને જોઈને તત્કાળ સર્વ રાજપુત્રો ત્રાસ પામી નાસવા લાગ્યા. એટલામાં પ્રભુએ હસતાં હસતાં દોરીની જેમ તેને ઊંચકીને દૂર ફેંકી દીધો.

બીજો પ્રસંગ અપહરણનો હતો. બધા કુમારો એવી રમત (તિંદૂસક )રમતા હતા કે તેમાં જે જીતે તે બીજાની પીઠ ઉપર બેસે, અને ઊંચકનારો જીતનારને અમુક સ્થાન સુધી ઊંચકીને લઈ જાય. એ રમતમાં એક અજાણ્યો માણસ વર્ધમાનનું હરણ કરી જવાની બુદ્ધિથી ભળ્યો, અને વર્ધમાનથી હારતાં તેમને પીઠ ઉપર બેસાડી નાસવા લાગ્યો. બધા તેની દાનત સમજી ગયા. પણ શું થાય? સામાન્ય બાળક તો આવે પ્રસંગે ચીસાચીસ કરી મૂકે અને અસહાયપણે રડવા લાગે. ૫ણ વર્ધમાને ઉ૫ર રહ્યા રહ્યા જ પોતાના પ્રબળ હાથ વડે તે દુષ્ટને એવી તે થપાટ લગાવી કે, પેલો ઊંચો ઊંચો થઈ દોડતો હતો તે જાણે ઉપરના મારથી જમીનમાં પેસી ગયો હોય તેમ બેવડો વળી ગયો, અને વર્ધમાનની નમ્રપણે માફી માગતો રવાના થઈ ગયો! કથાકાર કહે છે, એ રીતે પરીક્ષા કરવા આવેલા તે દેવે જ પછી વર્ધમાનની વીરતા જેઈને તેમને પહેલવહેલા “મહાવીર’ તરીકે સંબોધ્યા. ભવિષ્યમાં એ વીર બાળક એ યથાર્થ નામ વડે જ હંમેશને માટે પ્રસિદ્ધ થવાના હતા.”

 

💢 વિદ્યાધ્યયન અને લગ્ન💢

પ્રભુ ૮ વર્ષ ઉપરાંતના થયા એટલે સિદ્ધાર્થ રાજાએ ત્રિશલારાણીને કહ્યું : ‘હે દેવી ! કુમાર હવે કળાઓ શીખવા લાયક થયો છે, માટે અધ્યાપક પંડિત પાસે ભણવા મૂકીએ’.

તે વખતે ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થયું. ઈંદ્રે અવધિજ્ઞાનથી પ્રભુના માતાપિતાની સરલતા જાણી અને દેવોને કહ્યું, ‘અરે! શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય?’ પ્રભુને નિશાળે લઈ જવામાં આવ્યા. ત્યાં ઈંદ્રે આવી પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાડ્યા અને પ્રણામ કરીને શબ્દશાસ્ત્રનો પરમાર્થ પૂછવા લાગ્યા. પ્રભુ પણ તે પ્રમાણે બરાબર ઉત્તર દેવા લાગ્યા.

આ સાંભળી સૌ આશ્ચર્ય પામતાં એકચિત્તે બધું સાંભળવા લાગ્યાં. અંતે ઈંદ્રે કહ્યું : ‘આ પ્રભુ તો ગર્ભાવસ્થાથી પણ ત્રણ જ્ઞાને સહિત છે.’ આ સાંભળી આશ્ચર્ય અને પરમ પ્રમોદ પામેલાં પ્રભુનાં માતાપિતા પોતાનાં અહોભાગ્ય માનવા લાગ્યાં. ઈંદ્ર પણ પ્રભુને નમીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. ત્યાં ભગવંતે કહેલા જે કંઈ અર્થો ઉપાધ્યાયે બરાબર ધારી લીધા હતા તેના અનુસારે ઉપાધ્યાયે લોકમાં ‘જૈનેન્દ્ર વ્યાકરણ’ રચ્યું.

કથાકાર વર્ધમાનના વિદ્યાભ્યાસ બાબત ઉપરનો પ્રસંગ બતાવી એટલું જ સૂચિત કરીને અટકી જાય છે કે, વર્ધમાન શાળામાં ભણ્યા ન હતાં.કદાચ તે જમાનાના લીચ્છવી કુમારો ધનુરવિદ્યા સાધવા આગળ ભાગ્યે જ શબ્દવિદ્યા સાધવાની ફુરસદ કે વલણવાળા હોતા હશે.

તે કાળે તેઓ પરોઢીયે ઊઠીને શિલ્પશાળામાં જતાં. ત્યાં શિલ્પના એટલે યુદ્ધકળાના સિદ્ધાંત અને પ્રયોગ બન્ને શીખી લઈ, પછી મોઢું ધોઈને કાંજી પીવા જતા.કાંજી પીને ફરી શિલ્પશાળામાં જતાં અને શિલ્પ શીખતાં. પછી સ્વાધ્યાય કરતા કરતા સવારનો નાસ્તો કરવાને જતા. નાસ્તો કર્યા પછી, પ્રમાદને લીધે લાંબો વખત ઊંઘી ન જવાય એની સંભાળ રાખીને, ખેરના કકડા પર માથું અને ૫ગ મૂકી થોડો વખત સૂઈ જતા; અને ફરી પાછા શિલ્પશાળામાં જઈ શિલ્પ શીખી, સ્વાધ્યાય કરતા. સાંજે સ્વાધ્યાય કરતા કરતા ઘેર જતા અને સાંજનું વાળુ કરી, રાતના પહેલા પહેરે સ્વાધ્યાય કરીને, સૂતી વખતે તે જ પ્રમાણે લાકડાનું ઓશિકું કરીને સૂઈ જતા. એવી રીતે તેઓ ક્ષણમાત્રમાં વેધ કરનારા (અક્ષણવેધી) અને વાળને પણ વીંધી નાખવાની શક્તિવાળા (વાલવેધી) થતા.”

સાત હાથ ઊંચી કાયાવાળા વર્ધમાનકુમાર અનુક્રમે યૌવન વયને પામ્યા.વર્ધમાન યોગ્ય ઉંમરના થતાં તેમને માટે જયારે કન્યાઓના પિતાઓ તરફથી માગા આવવા મંડ્યા, ત્યારે માત-પિતાના હૃદયની એ ગુપ્ત ચિંતા પ્રગટ થયા વિના ન રહી..

ત્યારે ત્રિશલામાતાએ વર્ધમાનકુમારને કહ્યું, “હે પુત્ર ! અમે જાણીએ છીએ કે તમે સંસારવાસથી વિરક્ત છો છતાં અમારા પર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો. તથાપિ એટલાથી અમે તૃપ્તિ પામતા નથી, માટે ‘તમને અમે વધૂ સહિત જોઈ તૃપ્તિ પામીએ.’

સમરવીર નામના કોઈ રાજાએ પેાતાની રાણી પદ્માવતીની પુત્રી યશોદાનું વર્ધમાન સાથે લગ્ન કરવા વર્ધમાનના પિતા સિદ્ધાર્થ ઉપર કહેણ મોકલ્યું.વર્ધમાનની વિરક્ત ટેવો થી પરિચિત એવાં માતાપિતા તેમના મનની વાત જાણ્યા વિના કશો નિશ્ચિત જવાબ શી રીતે આપે! તેમના મિત્રો દ્વારા તેમણે જાણવાની કોશિશ કરી.. તો જેવો ધાર્યો હતો એવો જ જવાબ મળ્યો.

વર્ધમાને સ્ત્રીભોગ તેમજ સંસારી જીવન વિષે પોતાનાં ખ્યાલ કહી બતાવીને પોતાનાં મિત્રોને જણાવ્યું કે,’હું તો ક્યારનો સાધુ થઈ ગૃહત્યાગ કરવાનો વિચાર કર્યા કરું છું. પરંતુ મારી માતાનો મારાં ઉપર જે ઉત્કટ સ્નેહ છે, તેને અસહ્ય ધક્કો ન લાગે તે ઈરાદાથી જ તેમનાં જીવતાં એમ ન કરવું એવી ગાંઠ વાળીને બેઠો છું. પરંતુ એ વસ્તુસ્થિતિ જાણવા છતાં તેઓ જો મને લગ્નબંધન થી સંસારમાં કાયમનો જકડવા ઈચ્છે તો તો તેમણે મારા માતૃસ્નેહ ઉપર અત્યાચાર જ કર્યો કહેવાય.’

સિદ્ધાર્થ તથા ત્રિશલા હવે વિમાસણમાં પડયાં. જે વસ્તુની તેમને ઊંડે ઊંડે આશંકા હતી તે જ આગળ આવી. છેવટે તેમણે વર્ધમાનના માતૃસ્નેહને જ વટાવીને તેને ગૃહજીવનમાં જકડવાનો નિર્ણય કર્યો. ત્રિશલા પોતે વર્ધમાન પાસે આવ્યાં.

માતાપુત્ર વચ્ચે કોણ જાણે એવું અકલ્પ્ય સ્નેહબંધન હતું કે, મહાવીરને સમજાવવામાં ત્રિશલાને કશી વધારે રકઝક કરવી ન પડી. વર્ધમાને તરત જ કબૂલ કર્યું કે, તમારો એવો જ આગ્રહ હોય, તેા હું કોઈ રીતે તેને નકારી શકું તેમ નથી. પરિણામે યશોદા સાથે વર્ધમાનનું લગ્ન થયું.

યથાકાળે તેમને પ્રિયદર્શના નામની એક પુત્રી થઈ તથા યોગ્ય કાળે તેને તે જ નગરના જમાલિ નામના ક્ષત્રિયકુમાર સાથે પરણવામાં આવી. તે જમાલિ વર્ધમાનનાં મોટાં બેન સુદર્શનાનો જ પુત્ર થતો હતો. તેને પણ પ્રિયાદર્શનાથી શેષવતી કે યશસ્વતી નામની કન્યા થઈ.

વર્ધમાનના પિતા કાશ્યપ ગોત્રના હતાં, તથા ત્રણ નામથી પ્રસિદ્ધ હતા: સિદ્ધાર્થ,શ્રેયાંસ અને યશસ્વી. વર્ધમાનની માતા વસિષ્ઠ ગોત્રનાં હતાં તથા ત્રણ નામે પ્રસિદ્ધ હતાં: ત્રિશલા,વિદેહદીન્ના અને પ્રીતિકારિણી. વર્ધમાન ને સુપાર્શ્વ નામે કાકા હતાં. નંદિવર્ધન નામે મોટાભાઈ હતાં. સુદર્શના નામે બેન હતાં. કૌડીન્ય ગોત્રના યશોદા નામ ની સ્ત્રી હતી. વર્ધમાનની પુત્રી કાશ્યપ ગોત્રની ગણાય. તે બે નામે પ્રસિદ્ધ હતી.. અનવધ્યા અને પ્રિયદર્શના…

તીર્થંકરના આત્માઓ તો છેલ્લા ભવમાં જન્મતાંની સાથે છઠ્ઠી દૃષ્ટિના સ્વામી હોય છે. છઠ્ઠી દૃષ્ટિવાળાનો વૈરાગ્ય દાવાનળ જેવો કહ્યો છે. તેને પ્રતિકૂળ એવો પવન જેટલો લાગે તેટલો વધુને વધુ પ્રજ્વલિત થાય. વર્ધમાનકુમારે પણ યશોદાદેવીની સાથે વિષયસુખને આસક્તિ વગર ભોગવ્યાં.

આ વાત સમજાવવા જ્ઞાનીઓ કહે છે, ‘કોઈ શૌચવાદીને ભયંકર રસીથી ભરેલું ગૂમડું થાય તેને મટાડવા માટે ઉપાય તરીકે ૬ મહિનાની સડેલી વિષ્ટા ગૂમડા પર લગાડવાની હોય તો તે કઈ રીતે લગાડે ?’ બસ, આ જ રીતે છઠ્ઠી દૃષ્ટિવાળો જીવ સંસારની કોઈ પણ અનિવાર્ય પ્રવૃત્તિ કરવી જ પડે ત્યારે આવી વિરક્તિપૂર્વક કરે.

પ્રભુના અઠ્ઠાવીસમા વર્ષે માતાપિતા અનશન કરી મત્યુ પામીને અચ્યુત દેવલોકમાં દેવ થયા. ત્યાંથી બંને જીવ ચ્યવી, અપરવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પામી પરમપદ-મોક્ષને પામશે. માતાપિતાનો અંગસંસ્કાર કર્યા બાદ કેટલાક દિવસ વીતી ગયા પછી શોકમગ્ન નંદિવર્ધન મોટાભાઈ પ્રત્યે પ્રભુ બોલ્યા, ‘હે બંધુ! જીવને મૃત્યુ હંમેશાં પાસે જ રહેલું છે આ જીવિત નાશવંત છે, તેથી મૃત્યુ પામનાર પાછળ શોક કરવો ઉચિત નથી. તેથી હે ભાઈ ! ધૈર્યનું અવલંબન કરી ધર્મનું આચરણ કરવું તે જ યોગ્ય છે’. નંદીવર્ધને સ્વસ્થ થઈ પ્રભુનો રાજ્ય સ્વીકારવા આગ્રહ કરતાં સંસારથી ઉદ્વેગ પામેલા વર્ધમાનકુમારે જ્યારે પિતાનું રાજ્ય સ્વીકાર્યું નહીં ત્યારે મંત્રીઓએ મળીને આગ્રહથી નંદિવર્ધનનો રાજ્યાભિષેક કર્યો.

 

💢 વીરપ્રભુની દીક્ષા અને દીક્ષાનો વરઘોડો💢

મહાવીરના ગૃહજીવન ઉપર પડેલો આ અંધારપડદો છેક છેવટે ત્યારે જ ઊપડે છે, જ્યારે મહાવીર અઠ્ઠાવીસ વર્ષના થતાં તેમનાં માતાપિતા સ્વર્ગે સિધાવે છે, અને એ રીતે મહાવીર તેમને જીવનકાળ દરમ્યાન દીક્ષા ન લેવાની પ્રતિજ્ઞામાંથી મુક્ત થાય છે. તે વખતે તેમના મોટા ભાઈ નંદિવર્ધન તેમને હજુ બે વર્ષ વધારે ગૃહજીવનમાં રહેવા આગ્રહ કરે છે, જેથી તે દરમ્યાન માતપિતાના દેવલોકવાસથી આખા કુટુંબને થયેલો ઘા રુઝાઈ જાય, અને મહાવીરના ગૃહત્યાગથી પડનારો નવો જ કારમો ઘા વેઠવાની બધામાં શક્તિ આવે.

કોણ જાણે શાથી, મહાવીર મોટાભાઈના આ આગ્રહને ૫ણ વશ થાય છે, અને પોતાના ગૃહત્યાગનો સમય બીજા બે વર્ષ જેટલો લંબાવે છે. આયુષ્યને ક્ષણભંગુર માનનારો પુરુષ સગાંસંબંધીના હંમેશ ચાલુ રહેનારા આગ્રહને આટલું બધું માન વારંવાર આપ્યા કરે, એ વસ્તુ સૂચક છે, અને કદાચ મહાવીરના સ્વભાવની એક વિશિષ્ટ બાજુ પ્રગટ કરે છે.

વૈરાગ્યવૃત્તિની પ્રબળતા હોવા છતાં ૫ણ વડીલો પ્રત્યેના બહુમાનને લુપ્ત થવા ન દેવું, તેમ જ સમયને એાળખી, પોતાના નિશ્ચિત જીવનપથમાં ખલેલ આવવા દીધા વિના સમજૂતી કરી લેવાનું ઔદાર્ય દાખવવું, એ કેાઈ વિવેકી તેમ જ ભાવપૂર્ણ હૃદયનું જ કામ છે. કદાચ એ આંતરિક સાચા વૈરાગ્યનું દ્યોતક પણ છે.

જો કે, તે બે વર્ષનો ગાળો મહાવીર પોતાના આગામી કઠોર તપસ્યા-જીવનની તૈયારીમાં જ ગાળે છે. કેમકે, ત્યારથી માંડીને તે સર્વ પ્રકારની સદોષપ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક સજીવ પાણીનો ઉ૫યેાગ તજવાનું, સદોષ આહાર ત્યાગવાનું, બ્રહ્મચર્ય પાળવાનું અને સર્વ પ્રકારના સ્નાનવિલેપનાદિ શરીર-સંસ્કારો વર્જવાનું નક્કી કરે છે.

ધર્મજીવનની પૂર્વતૈયારીમાં એક વર્ષ વીત્યું-ન -વીત્યું તેવામાં તો તેમના અંતરની કામના વધુ ઉગ્ર બનવા લાગી, અને હવે વધુ સાધનાનો શકયતા માટે સંસારત્યાગ કરવો જ જોઈએ એવું તેમને સ્પષ્ટ દેખાવા લાગ્યું. કથાકાર પેાતાની રોચક શૈલીમાં એ બીના આ રીતે વર્ણવે છેઃ

બાર સ્વર્ગોમાંથી પાંચમા સ્વર્ગ બ્રહ્મલોકની ચારે બાજુની દિશાઓ-વિદિશાઓમાં લોકાંતિક નામના દેવો રહે છે.

જ્યારે કોઈ ભાવી તીર્થંકરને ગૃહત્યાગ કરવાનો સમય આવે છે, ત્યારે તેમની પાસે જઈ જાગો, જાગો!’ એવા શબ્દ દ્વારા તેમને પ્રતિબોધ કરવાનો તેમનો આચાર છે. એ નિયમ પ્રમાણે વર્ધમાન પાસે આવીને તેઓ તેમને ‘ બુજઝહ! બુજઝહ! ( ‘જાગો ‘! ‘જાગો’!) એમ કહી ચેતવવા લાગ્યા. એ પ્રમાણે દિવ્ય સૂચના મળતાં જ મહાવીરે પેાતાના ગૃહસ્થાશ્રમનું સર્વ ધન દાનમાં આપી દેવા માંડયું. એમ કરતાં કરતાં બીજું વર્ષ પણ વીતી ગયું. મોટાભાઈ પાસે કબૂલેલો અવધિ પણ હવે પૂરો થયો ; એટલે મહાવીર ગૃહત્યાગ કરવા તત્પર થયા.

વિજય નામના મુહૂર્તે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફની તથા બરાબર પુરુષ જેટલી લાંબી થઈ ત્યારે, તેમણે છેક છેલ્લું શીતળ જળથી સ્નાન કર્યું; અને ઉત્તમ સફેદ બારીક વસ્ત્ર તથા આભૂષણ પહેરી, પેાતાનાં કુટુંબીજનોએ તેમનો છેક છેલ્લો વિદાયસત્કાર કરવા ખાતર આણેલી ચંદ્રપ્રભા નામની વિશાળ શિબિકામાં પૂર્વદિશા તરફ મુખ રાખી નિર્મળ ચિત્તે તે બેઠા.

તેમણે એક જ વસ્ત્ર ધારણ કર્યું હતું, તથા છ ટંકનો ઉપવાસ કર્યો હતો. શિબિકામાં તેમની જમણી બાજુએ એક કુલવૃદ્ધ સ્ત્રી પવિત્ર થઈ, શુદ્ધ વસ્ત્રાલંકાર પહેરી, હંસ જેવું સફેદ વસ્ત્ર સાથે લઈને બેઠી. ડાબી બાજુએ મહાવીરની ધાવ-મા દીક્ષાની સાધનસામગ્રી લઈને બેઠી. પાછળ એક સ્ત્રી સોળ શૃંગાર પહેરી, મહાવીર ઉપર છત્ર કરીને બેઠી. ઈશાન ખૂણે એક સ્ત્રી મણિમય વીંજણો લઈને બેઠી; ત્યાર બાદ દીક્ષાનો વરઘોડો વાજતેગાજતે જ્ઞાતવંશી ક્ષત્રિયોના ઉદ્યાન તરફ ચાલ્યો. અન્ય નગરજનોએ મોટી સંખ્યામાં આ દીક્ષા મહોત્સવ માં ભાગ લીધો.

ધન્ય છે તે જમાનાને કે, યુદ્ધવીરોને સમરાંગણમાં વળાવતાં કુટુંબીઓની પેઠે લોકો જીવન-વીરોના અભીનિષ્ક્ર્મણનો એક ઉત્સવ મનાવે છે!

પ્રભુને લોકાંતિક દેવો વિનંતિ કરે છે કે – “હે નાથ ! સંસારના પ્રવાહમાં – તણાતા જીવોનો ઉદ્ધાર કરવા માટે આપ જ શક્તિશાળી છો. માટે આપ હવે ધર્મતીર્થ પ્રવર્તાવવા કૃપા કરો” ! આવી વિનંતિ આ દેવોનો ભક્તિભાવભર્યો એક આચારમાત્ર છે. પ્રભુ તો સ્વયંબુદ્ધ અને સ્વયં વિરાગી હતા જ. પોતાનો દીક્ષાસમય નજીક સમજી હવે પ્રભુ એક વર્ષ સુધી દાન આપે છે. તીર્થંકરના હાથના દાનનો માયા એવી છે કે, ૬૪ ઇન્દ્રોને દાનના પ્રભાવે અંદર અંદર ક્લેશ ઊપજે નહિ, દાનની ચીજ રાજાદિ ભંડારમાં મૂકે તો ૧૨ વર્ષ સુધી ભંડાર અખૂટ રહે, યશકીર્તિ વધે, રોગીઓનો દાનના પ્રભાવથી રોગ ચાલ્યો જાય.

💥ભગવાનના દાનના છ અતિશયો છે.💥

(૧) તીર્થંકર ભગવંત યદ્યપી અનંત બળના ધણી છે. તો પણ ભક્તિ હોવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે દાન આપતી વખતે સૌધર્મેદ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે.

(૨) ૬૪ ઈન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી પ્રાર્થના કરાવવા માટે ઈશાનેન્દ્ર સુવર્ણયષ્ટિ લઈ પ્રભુ પાસે ઊભા રહે છે.

(૩) પ્રભુના હાથમાં રહેલા સોનૈયામાં ચમરેન્દ્ર અને બલીન્દ્ર, લેનારની ઈચ્છાનુસાર ન્યૂનાધિકતા કરે છે.

(૪) ભરતખંડમાં દૂર દૂર ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજાં ભવનપતિઓ દાન લેવા માટે દૂર દૂરથી તેડી લાવે છે.

(૫) દાન લઈ પાછા વળનાર લોકોને વ્યંતર દેવો નિર્વિઘ્નપણે સ્વસ્થાને પહોંચાડે છે.

(૬) જ્યોતિષ્ક દેવો વિદ્યાધરો તથા મનુષ્યોને દાનનો સમય જણાવે છે.

પ્રભુ એક વર્ષ સુધી મહાદાન આપતા રહ્યા. રોજ સવારે “ઈચ્છિત માગો , ઈચ્છિત માગો’ એવી ઘોષણાપૂર્વક દાન દેવામાં આવ્યું. પ્રભુ એક વર્ષમાં ૩૮૦ ક્રોડ ૮૦ લાખ સુવર્ણમુદ્રાઓનું દાન કરે છે. પ્રભુ જે પરિમિત દાન આપે છે તે કૃપણતા નહિ, પણ લેનારને એટલો બધો સંતોષ થાય છે કે, તેને વધારે ગ્રહણ કરવાની ભાવના જ થતી નથી.

દાન લઈને કોઈક દરિદ્રને રાજપુરુષ જેવો બનીઠનીને ઘેર આવેલો જોઈને તેની પત્ની પણ ભ્રમમાં પડી જાય છે કે ‘આ કોણ અજાણ્યો માણસ ઘરમાં આવ્યો?’ પેલો માણસ પ્રતિજ્ઞાપૂર્વક કહે છે કે “તારા સોગન ! હું તારો પતિ જ છું, પ્રભુનું દાન લઈ હું ધનવાન થઈ ગયો છું.” લોકો દાનમાં હાથી, ઘોડા, કીમતી વસ્ત્રો અને ધનસ્વર્ણાદિ લઈ આનંદનો અનુભવ કરે છે. પૈસો કેવી વસ્તુ છે કે જે જીવને મોહમૂઢ બનાવી દાન, પરોપકાર અને પાત્રભક્તિથી વંચિત રાખે છે !

નંદિવર્ધન વગેરે રાજાઓએ શ્રી વીરપ્રભુનો દીક્ષા મહોત્સવ કરવા માટે આખા ક્ષત્રિયકુંડનગરને ધ્વજ, પતાકા તથા તોરણોથી શણગાર્યું અને દેવસભાની જેમ સુવર્ણની વેદિકા અને સુવર્ણના સ્તંભોવાળી, ૫૦ ધનુષ્ય લાંબી, ૩૬ ધનુષ્ય ઊંચી અને ૨૫ ધનુષ્ય પહોળી, વીરકુમારને બેસવાને લાયક ચંદ્રપ્રભા નામે એક શિબિકા તૈયાર કરી. પછી ઈન્દ્રે પણ તેવી જ શિબિકા કરાવી. બંને તુલ્ય શોભાવાળી હોવાથી જાણે જોડલે ઉત્પન્ન થઈ હોય તેવી શોભવા લાગી. પછી દેવશક્તિથી નદીમાં નદીની જેમ બીજી શિબિકા પહેલી શિબિકામાં અંતર્હિત થઈ ગઈ. શિબિકામાં સિંહાસને બેઠેલા પ્રભુ કલ્પવૃક્ષની જેમ શોભવા લાગ્યા.

ત્યારે ઈંદ્રોએ અને દેવતાઓએ પોતપોતાની યોગ્યતા પ્રમાણે શિબિકાને વહન કરી.

વરઘોડામાં આગળ રત્નમય અષ્ટ મંગળ ચાલે છે, જેમનાં નામો આ પ્રમાણે છે : સ્વસ્તિક, શ્રી વત્સ, નંદાવર્ત, વર્ધમાન, ભદ્રાસન, કલશ, મત્સ્યયુગલ અને દર્પણ. અષ્ટમંગલ પછી પૂર્ણકલશ, ચામર, મોટો ધ્વજ, છત્ર, મણિ અને સ્વર્ણમય પાદપીઠ સહિત સિંહાસન ચાલે છે. પછી સવાર સાથે એકસો આઠ હાથી, એટલા જ ઘોડાઓ, એટલાં જ ઊંટ, શસ્ત્રથી સુસજ્જિત રથ વગેરે, તથા ચતુરંગી સેના, પછી ઊંચો મહેન્દ્રધ્વજ, ગીત-ગાન-નૃત્ય કરતા વિદૂષક, ભાટ, ચારણ આદિ ચાલે છે. એના પછી અનેક ઉગ્રકુલ,ભોગકુલ, રાજન્યકુલ અને ક્ષત્રિયકુલના રાજાઓ, માંડલિક, કૌટુંબિક, શેઠિયા લોકો, સાર્થવાહ, દેવો તથા દેવીઓ ચાલે છે, તે પછી શંખ વગાડનાર, ચક્રધારી, હલધારી, બિરૂદાવલી બોલનાર અને ઘંટ લઈને ચાલનાર રાવળિયાઓ ચાલે છે. આ બધાથી ઘેરાયેલા પ્રભુજીને કુલની વૃદ્ધ નારીઓ ઈષ્ટ વિશેષણો યુક્ત વચનોથી અભિનંદન આપતી બોલે છે : “જય જય નંદા, જય જય ભદ્દા, ભદં તે” : તેના પછી દિવ્ય સુસજ્જિત શિબિકામાં બિરાજમાન, પોતાના અલૌકિક કાન્તિ રૂપ અને ગુણોથી લોકસમૂહને આકર્ષિત કરતા, અને સમસ્ત છત્રાદિ રાજચિહ્નો તથા ઋદ્ધિસમૃદ્ધિથી યુક્ત, શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, વિવિધ વાજિંત્રોના મધુર ધ્વનિ અને સમસ્ત હર્ષિત પ્રજાજનોના જયનાદ સાથે જતા દેખાય છે. પ્રભુજી પાછળ મનોહર છત્રચામરાદિથી સુશોભિત નંદિવર્ધન રાજા પરિવાર સાથે ચાલે છે.

તે સમયે અત્યંત ઉતાવળા જતા અને આવતા અનેક દેવતાઓથી તે સ્થાન સાયંકાળે પક્ષીઓથી આકાશની જેમ સાંકડું થઈ ગયું. દેવતાઓએ વહન કરેલી તે શિબિકાવડે અનુક્રમે પ્રભુ જ્ઞાતખંડ નામના ઉત્તમ ઉપવન સમીપે પધાર્યા.

જ્ઞાતવંશીઓના ઉદ્યાનમાં પહોંચ્યા બાદ મહાવીર શિબિકામાંથી ઉતર્યા, અને ત્યાં પોતાનાં આભૂષણ શરીર પરથી ઉતારી નાખ્યા. તે બધા પેલી કુલવૃદ્ધાએ ‘હંસલક્ષણ’ રેશમી વસ્ત્રમાં ઝીલી લીધાં.ત્યાર બાદ ત્રીજે પહોરે, માગસર માસની વદ દશમે, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ હતો ત્યારે તે વખતે ઈંદ્ર પ્રભુના સ્કંધ ઉપર એક દેવદૂષ્ય વસ્ત્ર મૂક્યું. પ્રભુએ પંચમુષ્ટિ વડે સર્વ કેશનો લોચ કર્યો.

તે કેશ પણ ઉત્તમ વસ્ત્ર માં ઝીલી લેવામાં આવ્યા. અને ક્ષીરસાગરમાં પધરાવવામાં આવ્યા.

ત્યાર પછી સ્વયંબુદ્ધ પ્રભુએ પોતે, ‘સિદ્ધોને નમસ્કાર થાઓ’ એમ ત્રણ વાર કહી, હું સામાયિક આદરું છું અને સાવદ્ય યોગને ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું તેમ જ ચારિત્ર અંગીકાર કરું છું.’ એમ સામાયિક ઉચ્ચાર્યું. આ વખતે સૌ કોઈએ જય જયારવ કર્યો. જન્મથી ૩૦ વર્ષ નિર્ગમન થતાં માગસર વદિ દશમીએ હસ્તોત્તરા નક્ષત્રમાં ચંદ્ર આવતાં દિવસના છેલ્લા પહોરે જેમણે છઠ્ઠ તપ કર્યો હતો. એવા પ્રભુને, ચારિત્ર ગ્રહણ કરતાંની સાથે જ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.

અન્ય કુટુંબીજનોએ ઉભરાતા હૃદયે અને ખચકાતી વાણીએ મહાવીરને આશીર્વાદ આપ્યા કે, ‘લીધેલા વ્રતમાં અડગ રહેજો, સંકટ અને મુશ્કેલીઓથી ગભરાશો નહિં, તથા એવો પુરુષાર્થ દાખવજો કે જેથી શિઘ્ર તમારું લક્ષ સિદ્ધ થાય.’ત્યાર બાદ ભગવાનને પ્રણામ કરી, તેમને એકલા પોતાને માર્ગે જવા માટે છૂટા મૂકી, સૌ સમુદાય પોતપોતાને સ્થાને પાછો ફર્યો.

 

💢 વીરપ્રભુનું દેવદૂષ્ય વસ્ત્ર💢

દીક્ષા લીધા પછી પ્રભુનો પહેલા છ વર્ષનો વિહાર…

ગૃહસ્થાવાસમાં રાજકુમારયોગ્ય વૈભવમાં ઊછરેલ વર્ધમાન કુમારે ‘મહાવીર’ ને ઉચિત ઉચ્ચ કોટીની ની દુષ્કર જીવનચર્યાં શરૂ કરી. રાજસંપત્તિ, રાજકુટુંબ વગેરેને તૃણ સમાન સમજી, તેનો ત્યાગ- કરીને વીરકુમારે શ્રમણપણાને સ્વીકાર કર્યો.

ચાર જ્ઞાન વડે વિભૂષિત શ્રમણ ભગવાન મહાવીરપ્રભુ જયારે ચારિત્રરૂપી રથમાં આરૂઢ થઈ વિહાર કરવાને ચાલ્યા, ત્યારે પ્રેમવશ બંધુવર્ગ પણ જયાં સુધી પ્રભુ દૃષ્ટિગોચર રહ્યા ત્યાં સુધી પ્રભુ સામે એકીટશે જોઈ રહ્યો, અને પ્રભુના વિયોગથી ચિત્તમાં વિષાદ પામી ત્યાં જ ઊભો રહીને ગદ્ ગદ્ કંઠે બોલવા લાગ્યો. ‘હૈ વીર! તમારા વિના શૂન્ય અરણ્ય સમાન એવા ગૃહે અમે કેવી રીતે જઈશું? હૈ બંધુ ! તમારા વિના વાર્તાલાપનો આનંદ કોની સાથે કરીશું ? કોની સાથે બેસીને ભોજન કરીશું ?’ ‘હે આર્ય ! ‘વીર વીર’ કહી તમોને બોલાવીને તમારું દર્શન થતાં અતિશય પ્રેમથી અમે હર્ષ પામતા, પણ હવે તમારા વિયોગથી નિરાશ્રિત બનેલા અમે કોને આશ્રયે જઈશું ?’

મિત્ર, જ્ઞાતિ, સ્વજન અને સંબંધી વર્ગને વિદાય કરી, મહાવીરે ત્યાં જ એવો નિયમ લીધો કે હવેથી બાર વર્ષ સુધી હું કાયાની સારસંભાળ કે મમતા રાખ્યા વિના, જે કોઈ વિઘ્નો અને સંકટો આવશે, તે બધા અડગપણે સહન કરીશ. અને તે તે વિઘ્નો નાખનાર પ્રત્યે સમભાવ રાખીશ. આવો નિયમ લઈ તે ત્યાંથી નીકળ્યા, અને મુહૂર્ત જેટલો દિવસ બાકી રહ્યો ત્યારે કુમ્માર ગામે આવી પહોંચ્યા.

આ જગાએ એક પ્રશ્ન થાય છે કે ઉત્તરાધ્યયન સૂત્ર અ.૨૩, શ્લો.૯-૧૩માં મહાવીરના આચારવિધીને પાર્શ્વના આચારવિધિ થઈ અલગ પાડી અચેલક – વસ્ત્રરહિત રહેવાનો વિધિ કહ્યો છે. તો પછી મહાવીરે ગૃહત્યાગ કર્યા બાદ વસ્ત્ર ધારણ કરેલ છે કે તે નગ્ન સ્થિતિમાં જ ચાલી નીકળેલા? મહાવીરે વસ્ત્રનો સદંતર ત્યાગ જ કરેલો. કારણ કે કથાકાર જણાવે છે કે તેમણે પોતે તો વસ્ત્ર ધારણ કર્યું નહોતું પરંતુ ઇન્દ્રે પોતાની મેળે તેમનાં ખભા પર એક દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું હતું.

એવામાં સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર એક વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં આવ્યો, ત્યારે ભમરાઓથી જેમનો દેહ આચ્છાદિત છે એવા પ્રભુને તેણે કાયોત્સર્ગમાં જોયા. પ્રભુને નમીને તે બોલ્યો : ‘હે સ્વામી ! આપે પોતાની અને પારકાની અપેક્ષા વગર સાંવત્સરિક દાન આપ્યું, બધું જગત દારિત્ર્ય વગરનું થઈ ગયું, પણ તે સમયે હું ધનની આશાથી ગામેગામ ભટક્તો હતો. મને તમારા વાર્ષિકદાનની ખબર પડી નહીં અને તમારું દાન મારે નિષ્ફળ થયું. માટે હે પ્રભુ ! હવે પણ મારા પર કૃપા કરીને મને દાન આપો, કેમ કે મારી પત્નીએ તિરસ્કાર કરીને મને તમારી પાસે મોકલ્યો છે.’

પ્રભુ કરુણાથી બોલ્યા : ‘હે વિપ્ર ! હવે તો હું નિઃસંગ થયો છું. તથાપિ મારા ખભા ઉપર આ દેવદૂષ્ય છે તેનો અર્ધભાગ તુ લઈ લે’ તે વિપ્ર અર્ધવસ્ત્ર લઈ હર્ષ પામતો પોતાને ઘેર આવ્યો. આવીને છેડા બંધાવવાને તુણનાર વણકરને તે બતાવ્યું. તે વસ્ત્ર જોઈ વણકરે પૂછ્યું : ‘આ વસ્ત્ર તને ક્યાંથી મળ્યું ?’ બ્રાહ્મણે કહ્યું: ‘શ્રી મહાવીર પ્રભુની પાસેથી મળ્યું છે.’ ત્યારે વણકર બોલ્યો : ‘હે વિપ્ર! તું પાછો જા અને આનો બીજો અર્ધભાગ તે મુનિની પાસેથી લઈ આવવા માટે તેમની પાછળ ફર. તે મુનિને અટન કરતાં કરતાં કોઈ ઠેકાણે કાંટા વગેરેમાં ભરાઈને તે અર્ધ વસ્ત્ર પડી જશે, પછી તે નિસ્પૃહ મુનિ તેને ગ્રહણ કરશે નહીં. એટલે તું તે લઈને અહીં આવતો રહેજે. તે સાંધીને એવું વસ્ત્ર કરી આપીશ કે જે વસ્ત્રના એક લાખ દીનાર ઊપજશે. એથી આપણે બંનેને અર્ધોઅર્ધ દ્રવ્ય મળશે.’ ‘બહુ સારું’ એમ કહીને તે બ્રાહ્મણ પાછો પ્રભુ પાસે આવ્યો.

બ્રાહ્મણ મહાવીર પ્રભુની પાછળ પાછળ ફરવા લાગ્યો.તેર માસે તે અર્ધવસ્ત્ર એક નદીકિનારે કાંટા સાથે ભરાઈ ગયું.મહાવીર તો તેની તરફ એકમાત્ર નજર કરી આગળ ચાલ્યા ગયા.પેલો બ્રાહ્મણ તે વસ્ત્ર લઈને પાછો આવ્યો.

 

💢 ઇન્દ્રે અટકાવેલો ગોવાળનો ઉપસર્ગ અને બહુલ બ્રાહ્મણને ત્યાં પારણું💢

પ્રભુને દીક્ષામહોત્સવ વખતે ઈન્દ્રાદિ દેવોએ જે ગોશીર્ષચંદનાદિ સુગંધમય ઉત્તમ પદાર્થોથી તથા પુષ્પોથી પૂજ્યા હતા, તે પદાર્થોની અલૌકિક સુગંધ ચાર મહિનાથી અધિક કાળ સુધી રહી. સુગંધને લીધે દૂર દૂરથી ખેંચાઈને આવેલા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધને લીધે જુવાનિયાઓ પ્રભુની પાસે તે સુગંધની યુક્તિ માંગવા લાગ્યા અને યૌવનવતી સ્ત્રીઓ કામજ્વરના ઔષધરૂપ અદ્ભુત સૌંદર્યવાળા અને સુગંધમય શરીરવાળા પ્રભુના અંગના સંગ ને યાચવા લાગી. ત્યારે પ્રભુ કમલપત્ર ની જેમ નિર્લેપ અને પવનની જેમ અપ્રતિબંધપણે વિહાર કરવા લાગ્યા.

ઈર્યાસમિતિપૂર્વક ચાલતા પ્રભુ કૂર્માર ગામે આવી કાયોત્સર્ગે ઊભા રહ્યા. સંધ્યા સમયે એક ગોવાળ આખો દિવસ બળદોને હાંકી ગામની સીમ પાસે જ્યાં પ્રભુ ઊભા હતા ત્યાં આવ્યો. તેણે વિચાર્યું કે ‘આ મારા બળદો અહીં ગામના સીમાડા ૫૨ ભલે ચરે, હું ગામમાં જઈ ગાયોને દોહીને પાછો આવીશ.’ આવું ચિંતવી બળદોને મૂકી તે ગામમાં ગયો.

બળદો તો ચરતા ચરતા જંગલમાં ચાલ્યા ગયા. તે ગોવાળિયો ગાયોને દોહી પાછો આવ્યો અને પ્રભુને પૂછ્યું કે ‘મારા બળદો ક્યાં છે?’ કાયોત્સર્ગમાં રહેલા પ્રભુ કાંઈ પણ બોલ્યા નહીં. એટલે ગોવાળે વિચાર્યું કે ‘આ કાંઈ જાણતા નથી’. પછી તે પોતાના બળદોને શોધવા આખી રાત જંગલમાં ભટક્યો, છતાં બળદોનો પત્તો લાગ્યો નહિ. તે બળદો ફરતા ફરતા પાછા પ્રભુ હતા ત્યાં આવ્યા અને સ્વસ્થ ચિત્તે વાગોળતા પ્રભુ પાસે બેઠા. પેલો ગોવાળિયો પણ ભટકી ભટકીને પાછો ત્યાં આવ્યો.

બળદોને ત્યાં બેઠેલા જોઈ તેણે વિચાર્યું કે ‘આ મુનિએ સવારે મારા બળદોને લઈ જવાની ઈચ્છાથી તે વખતે સંતાડી રાખ્યા હશે.’ આવો વિચાર કરીને તે કોપથી બળદની રાશ (દોરડું) ઉપાડીને પ્રભુને મારવા દોડ્યો. આ સમયે શક્રેન્દ્રને વિચાર આવ્યો : ‘પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં’. અવધિજ્ઞાન વડે જોતાં ઇન્દ્રે પ્રભુને માર મા૨વા તૈયાર થયેલા ગોવાળિયાને જોયો. ત્યાં જ શક્રેન્દ્રે તેને થંભાવી દીધો અને તિરસ્કારપૂર્વક તેને કહ્યું, ‘અરે પાપી ! આ સિદ્ધાર્થ રાજાના પુત્રને તું શું નથી જાણતો ?’ પછી ઈંદ્રે ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી પ્રભુને વિનંતી કરી : ‘હે પ્રભુ! આપને ૧૨ વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે. માટે તેના નિવારણ માટે હું તમારી સાથે રહેનાર સેવક થવા ઈચ્છું છું.’ પ્રભુએ કાયોત્સર્ગ પારીને ઈન્દ્રને કહ્યું : ‘તીર્થંકરો ક્યારે પણ બીજાની સહાયની અપેક્ષા રાખતા નથી. વળી તીર્થંકરો બીજાની સહાયથી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને થશે પણ નહીં. તીર્થંકરો કેવળ પોતાના વીર્યથી જ કેવળજ્ઞાન પામે છે અને પોતાના વીર્યથી જ મોક્ષે જાય છે.’ આમ કહી પ્રભુ કાયોત્સર્ગમાં રહ્યા.

પ્રભુનાં આવાં વચન સાંભળી ઇન્દ્રે,બાલતપસ્યાથી વ્યંતર દેવમાં ઉત્પન્ન થયેલા પ્રભુની માસીના પુત્ર સિદ્ધાર્થને આજ્ઞા કરી કે ‘તારે પ્રભુ પાસે રહેવું અને જે પ્રભુને મારવાનો ઉપસર્ગ કરે, તેને તારે અટકાવવો. આ પ્રમાણે કહી. ઈંદ્ર સ્વસ્થાને ગયો.

બીજે દિવસે કુમાર ગામ થી વિહાર કરી વીર પ્રભુ છઠ્ઠનું પારણું કરવાને માટે કોલાક ગામમાં ગયા. ત્યાં બહુલ નામના બ્રાહ્મણને ઘેર પ્રભુએ સાકર વગેરેથી મિશ્રિત પરમાન્ન (ખીર)થી પારણું કર્યું. તે બ્રાહ્મણને ઘેર દેવતાઓએ (૧) વસ્ત્રની વૃષ્ટિ (૨) સુગંધી જલ અને પુષ્પોની વૃષ્ટિ (૩) દેવદૂંદુભિઓના નાદ (૪) ‘અહો દાનમ અહો દાનમ્’ એ પ્રમાણે આકાશમાં ઉદ્ઘોષણા અને (૫) વસુધારા એટલે સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ એ પાંચ દિવ્યો પ્રગટ કર્યાં. આવું આશ્ચર્ય જોતાં ગામના અન્ય લોકો પણ વિસ્મય પામી તરત જ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ ચર્મ-ચક્ષુને અગોચર આહાર-વિધિ આચરીને અન્યત્ર વિહાર કર્યો.

ત્યાંથી નીકળી, તે થોડે દૂર મોરાકમાં આવેલા પોતાનાં પિતા સિદ્ધાર્થના મિત્ર એક તાપસ કુલપતિના આશ્રમે આવ્યા. તે તાપસો ‘દુઈજજંત’ કહેવાતા હતાં. પેલો તાપસ કુલપતિ મહાવીરને જોઈ તેમણે ઓળખી તેમની સામે આવ્યો.રોજના અભ્યાસથી મહાવીરે તેને મળવા માટે હાથ પસાર્યો. તેની ઈચ્છાથી મહાવીર એક રાત તેના આશ્રમે જ રહ્યા.પછી બીજે દિવસે ત્યાંથી ચાલવા લાગ્યા. ત્યારે તે કુલપતિએ તેમને ચોમાસાના ચાર મહિના એ આશ્રમમાં જ ગાળવા આવવાની વિનંતી કરી. કારણકે એ સ્થળ એકાંતમાં હોવાથી ધ્યાનાદિ માટે બધી રીતે યોગ્ય હતું. તેના આગ્રહથી તેનું વચન સ્વીકારી, મહાવીર ત્યાંથી શંખની જેમ નિરંજનપણે ચાલી નીકળ્યા.

 

💢 તાપસના આશ્રમમાં💢


પ્રભુ મોરાક સન્નીવેશમાં ..તાપસના આશ્રમમાં…

કમળપત્રની પેઠે નિલેં૫ રહી, સર્વત્ર વિચર્યા કરતા મહાવીરે ગ્રીષ્મકાળ વ્યતીત કરી નાખ્યો. મહાવીર ચાતુર્માસ કરવા, પોતે પિતાના મિત્ર પેલા તાપસોના કુલપતિને આપેલું વચન યાદ કરી, મોરાક ગામે પાછા પધાર્યા. કુલપતિએ ઘાસની એક કૂટી તેમને રહેવા માટે આપી.

વરસાદ પડવો શરૂ થઈ ગયો હતો. પરંતુ નવું ઘાસ હજુ બરાબર ઊગ્યું ન હતું. ગ્રીષ્મકાળમાં તૃણ નાશ પામ્યાં હોવાથી ગાયો ઘાસની આ કુટીઓનું ઘાસ ખાવા વારંવાર પડાપડી કરતી. તે વખતે તે તાપસોંને સાવધાન રહી, તે ગાયો હાંક્યા કરવી પડતી. પરંતુ મહાવીર એવુ કશું ધ્યાન રાખતા નથી, એટલે તેમની ઝૂંપડી તરફ ગાયો વારંવાર દોડી આવતી.આથી મહાવીરના અન્ય પાડોશી તાપસો મહાવીર પર ચિડાયા. તેમને લાગ્યું કે આ માણસ તો ભારે ઉદાસી અને આળસુ છે.

તાપસોં એ કુલપતિને આ બાબત ફરિયાદ કરી. ત્યાર કુલપતિએ મહાવીરને મૃદુપણે પોતાની ઝૂંપડી બાબત સાવધાન રહેવાની સૂચના કરી. એ વાત મહાવીરને ગળે ઊતરી. પરંતુ તે પેાતે પેાતાની સાધનામાં એવા ગરક રહેતા હતા કે, આવી ઊઠવેઠ કરવી તેમને પાલવે તેમ નહેતી. આથી તે રાજીખુશીથી એ આશ્રમ છોડી, વર્ષાઋતુનો અર્ધમાસ વ્યતીત થયેા હોવા છતાં ચાલી નીકળ્યા. સાથે સાથે તેમણે મનમાં એક ગાંઠ વાળી લીધી અને અભિગ્રહ ધારણ કર્યાં કે..

(૧) જ્યાં અપ્રિતી થાય તેવું હોય તે સ્થાને કદાપિ રહેવું નહીં.

(૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમગ્ન જ રહેવું, કાઉસગ્ગ ધ્યાનમાં રહેવું અને તેથી જગા પણ તેને અનુકૂળ જ શોધવી.

(૩) ત્યાં પણ પ્રાય: મૌનાવસ્થામાં જ રહેવું.

(૪) હાથરૂપી પાત્ર (કરપાત્ર)વડે જ ભોજન કરવું.

(૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં.

ઉપર પ્રમાણેની પાંચ પ્રતિજ્ઞા લઈ પ્રભુ ચાતુર્માસની અધ વચમાં ત્યાંથી વિહાર કરી અસ્થિક ગામની ભાગોળે આવ્યા.

પ્રભુએ ત્યાં વસવાને માટે ગામ લોકોને વિજ્ઞપ્તિ કરી એટલે ગામના લોકો બોલ્યા કે અહીં એક યક્ષ છે, તે કેાઈને વસવા દેતા નથી. તે યક્ષની મેાટી કથા છે તે સાંભળેા…

 

💢 શૂલપાણિ યક્ષ💢

શૂલપાણિયક્ષના પૂર્વ ભવનું વૃતાન્ત….

અહી પૂર્વે વર્ધમાન નામે શહેર હતું. અહીં બન્ને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી છે. એક વખત ધનદેવ નામે કોઈ વણિક કરિયાણાના પાંચસેા ગાડા ભરીને અહીં આવ્યેા હતેા.

તેની પાસે એક મોટો વૃષભ હતા. તે મોટા વૃષભને આગળ કરીને તેણે બધા ગાડાઓ એ વિષમ નદી ઊતારી દીધા. અતિ ભાર ખેંચવાથી એ વૃષભ મુખમાંથી રૂધિરની ઉલટીઓ કરતા પૃથ્વી પર પડી ગયેા. પછી તે વણિકે ગામના બધા લેાકેાને એકઠા કરી તે બળદની સાક્ષીએ કહ્યું કે, ‘હું મારા જીવિત જેવા બળદને અહી થાપણની જેમ મૂકી જાઉં છું. તેનું તમે સારી રીતે પાલણપેાષણ કરજો. ’’

આ પ્રમાણે કહીને તેણે તે વૃષભના ઘાસચારા માટે તે ગામના લેાકેાને ઘણું ધન આપ્યું. તે પાપી ગામ લોકોએ ઘાસચારા માટે દ્રવ્ય લીધું, પણ કુવૈદ્ય જેમ દ્રવ્ય લીધાં છતાં રોગીની સંભાળ ન લે તેમ તેઓએ તે વૃષભના ઘાસચારા વગેરેની સંભાળ જ લીધી નહી’.

ક્ષુધા તૃષાથી પીડિત થયેલા તે વૃષભના અંગમાં માત્ર અસ્થિ અને ચર્મજ રહ્યા.. તેણે વિચાયું, અહો ! આ ગામજ બધું નિર્દય, પાપીષ્ટ, ચંડાલ જેવું અને ઠગારૂ છે. તેઓએ કરૂણા લાવીને મારુ પાલન કરવું તો દૂર રહ્યું, પણ મારા શેઠે મારા ઘાસચારા માટે ધન આપ્યુ હતુ, તે પણ આ ગામના લેાકો ખાઈ ગયા. ’’

આ પ્રમાણે આ ગામના લેાકેા પર ક્રોધવાળો વૃષભ અકાળ નિર્જરા કરી મૃત્યુ પામ્યો અને શૂલપાણિ નામે વ્યંતર થયેા. તેણે વિભગ જ્ઞાનથી પેાતાના પૂર્વજન્મની કથા જાણી અને પેાતાનુ વૃષભરૂપ શરીર પણ દીઠું, તેથી તેને આ ગામના લોકો પર ઘણો ક્રોધ ચડયો. એટલે તેણે આ ગામમાં મહામારીનો રોગ વિકુર્વ્યું.તેથી મૃત્યુ પામતા ગામલેાકોને લીધે અહીં અસ્થિના ઢગલા થઈ ગયા.

ગામના લેાકેાએ મહામારીની શાન્તિ માટે અનેક ઉપાયેા કર્યાં, પણ જરા પણ શાન્તિ થઈ નહિ એટલે આ ગામના લેાકેા આ ગામ તજીને બીજા ગામમાં ચાલ્યા ગયા. પણ શૂલપાણિયક્ષ તેમને ત્યાં પણ મારવા લાગ્યા. પછી સર્વ ગામ લેાકેાએ વિચાયુ” કે આપણે કેાઈ દેવ, દૈત્ય, યક્ષ કે ક્ષેત્રપાલને કોપવ્યો છે માટે પાછા તેજ ગામમાં જઇએ. અને તેને પ્રસન્ન કરવાના ઉપાયો લઈએ. આ પ્રમાણે વિચારી તેઓ એકઠા થઈ પાછા આવ્યા. પછી તેઓ સ્નાન કરી, શ્વેત વસ્ત્ર પહેરી, ઉત્તરાસન ધરી, છૂટા કેશ મૂકી ત્રિક વગેરેમાં, ઉદ્યાનમાં, ભૂતગૃહેામાં તેમજ બીજે સ્થાનકે બળિ ઉડાડતા, અંજલિ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યા, “ હે દેવતાઓ, અસુરો, યક્ષો, રાક્ષસેા અને કિન્નરો ! અમેાએ પ્રમાદથી જે કાંઈ તમારો અપરાધ કર્યો હોય તે ક્ષમા કરજો.માટે જે કોઈ અમારાથી નારાજ થયા હોયતે પ્રસન્ન થાઓ, “ આવી ગામલેાકેાની દીનવાણી સાંભળી તે વ્યંતર આકાશમાં રહી બોલ્યો, હે દુષ્ટ ગ્રામજનો ! તમે હવે મારી માફી માગવા આવ્યા છે, પણ તે વખતે પેલા ક્ષુધા તૃષાથી પીડિત વૃષભ માટે વણિકે ઘાસચારાનુ ધન આપ્યું હતું, તે વડે પણ તમે તેને ઘાસ કે પાણી કઈ આપ્યું ન હતું.

તે વૃષભ મૃત્યુ પામીને હું આ શૂલપાણિ નામે યક્ષ થયો છું. વૈરથી હું તમને સર્વને મારી નાખવાનો છું. ” આવા વચન સાંભળી તે પુન : ધૂપાદિક કરી, પૃથ્વી પર આળોટી આ પ્રમાણે કહેવા લાગ્યા, “ હે દેવ, અમે તમારો અપરાધ કર્યો છે, તથાપિ હવે ક્ષમા કરો. અમે તમારા શરણે આવ્યા છીએ. તેમના આવાં વચન સાંભળી શૂલપાણિ જરા શાન્ત થયેા અને બોલ્યો, “આજે મનુષ્યના અસ્થિઓ પડયાં છે. તેનો સંચય કરેા અને તેની ઉપર એક મારું ઊંચું દેવાલય કરાવો. તેમાં વૃષભ રૂપે મારી મૂર્તિ સ્થાપો. યક્ષના વચન પ્રમાણે ગામલેાકો એ ભેગા થઈને એક મંદિર બંધાવ્યું અને યક્ષની પૂજા માટે એક ઈન્દ્રશર્મા નામના એક પૂજારી નીમ્યા. અહીં અસ્થિના સંચય છે તેથી આ ગામનું નામ વર્ધમાન છે છતાં અસ્થિક ગ્રામ તરીકે ઓળખાય છે, જે કેાઈ આ સ્થાનમાં રાતવાસો રહે છે તેને આ શૂલપાણી યક્ષ મારી નાખે છે, તેથી તમારે પણ અહીં રહેવું યોગ્ય નથી.

💥 શૂલપાણિયક્ષે પ્રભુને કરેલા ઉપસર્ગ💥

આ પ્રમાણે કહીને તે ગામના લાકોએ વીરપ્રભુને બીજું સ્થાન બતાવ્યું પણ પ્રભુએ તે ન સ્વીકારતાં યક્ષના સ્થાનની જ માગણી કરી એટલે ગ્રામલેાકેાએ તે સ્વીકારી. પ્રભુ તે યક્ષના સ્થાનમાં એક ખૂણે પ્રતિમા ધરીને ઊભા રહ્યા. વ્યંતરે વિચાયું કે, “ આ કોઈ મરવાની ઈચ્છાએ જ મારા સ્થાનમાં આવ્યો જણાય છે. ગ્રામલેાકોએ અને મારા પૂજારીએ વારવાર વાર્યો છતાં આ ગરવિષ્ટ મુનિ અહીજ રાતવાસેા રહ્યો છે, તેા હવે હું તેના ગર્વને ઉતારું” સૂર્યાસ્ત પછી પૂજારી ગયેા એટલે યક્ષે તેના કુકૃત્યો શરૂ કર્યાં. પહેલાં અટ્ટહાસ્ય કર્યું. પછી હાથી, પિશાચ તથા સર્પનું રૂપ ધારણ કરી પ્રભુને અનેક ઉપસર્ગો કર્યા.

આ શૂલપાણિ યક્ષના વર્ણન પ્રસંગે જ કથાકાર તે યક્ષને મહાવીરના શિર, નેત્ર, મૂત્રાશય,નાસિકા, દાંત, પૃષ્ઠ અને નખ એવા સાત મર્મસ્થાને મારણાન્તિક વેદના કરતો વર્ણવે છે. તેમાંની એક એક વેદના પણ ગમે તેવા માણસને કંપાવી મૂકે, તો અહીં તો સાતે વેદનાઓ એકસાથે કરવામાં આવેલી સૂચવીને કથાકાર મહાવીરની શારીરિક સહનશક્તિ કે તિતિક્ષાની પરાકાષ્ટા સૂચવી દે છે. જેનામાં એવા માનસિક ભયો, અને શારીરિક વેદનાઓ સહન કરવાની શક્તિ ન હોય, તે નિર્જન એકાંતમાં રહી, એકાગ્ર ધ્યાન કરવાની કલ્પના પણ શી રીતે કરી શકે?

આ પ્રમાણે ઉપસર્ગ કરી જયારે તે થાકયા ત્યારે પ્રભુને નમસ્કાર કરી કહેવા લાગ્યા, “ હે દયાનિધિ ! તમારી- શક્તિને નહીં જાણતા એવા મેં દુરાત્માએ તમારા અત્યંત અપરાધેા કર્યાં છે તે ક્ષમા કરો.”પછી યક્ષ પ્રભુના ચરણની પૂજા કરી સ્તુતિ કરવા લાગ્યો.

લગભગ ચાર પહેાર સુધી યક્ષે પ્રભુને ઉપસર્ગ કર્યાં હતા. તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી તેમાં તેમણે નીચે પ્રમાણે દશ સ્વપ્ના જોયાં.

👉પ્રભુએ દીઠેલાં દશ સ્વપ્ના

૧. પોતાના હાથથી તાલ પિશાચને મારવા
૨. પોતાની સેવા કરતું એક શ્વેત પક્ષી
૩. પેાતાની સેવામાં તલ્લીન બનેલ એક કોકિલ પક્ષી
૪. બે સુગંધિત શ્વેત માળાઓ
૫. સેવા કરવા ઉદ્યત થયેળો ગૌવર્ગ
૬. ખીલેલા કમળોવાળું પદ્ય સરેાવર
૭.બે ભુજાથી સમુદ્ર તરી જવો
૮. ઊગતા સૂર્યના કિરણેાનુ ફેલાવું
૯. પેાતાના આંતરડાથી માનુષોત્તર ગિરિનું લપેટાવું
૧૦. મેરૂ પર્વત પર ચઢવુ,

સૂર્યોદય થયો એટલે ગ્રામજનો, પૂજારી અને ઉત્પલ નિમિત્તિઓ ત્યાં આવ્યા. પ્રભુને અક્ષત અંગવાળા અને પૂજેલા જોઈ સહુ હર્ષ પામ્યા. પછી પુષ્પાદિક વડે પ્રભુને પૂજી રણમાં જીત પામેલા વીરોની જેમ તેમણે મોટો સિંહનાદ કર્યો.

પ્રભુની અતુલ- શક્તિથી આનંદિત બનેલ લેાકેા કહેવા લાગ્યા, હે દેવાર્ય ! આપના દિવ્ય આત્મબળથી આપે ક્રૂર યક્ષને પણ શાન્ત કરી દીધો.તે આપનો આ ગામ પર મોટો ઉપકાર થયેા છે.”

ઉત્પલ નિમિત્તિઓ પ્રભુને ઓળખીને વંદન કરી અને લઘુ શિષ્યની જેમ તે પ્રભુના ચરણકમળ પાસે બેઠો. ભગવંતે કાઉસગ પાળ્યા પછી ઉત્પલ પ્રભુને ફરી નમ્યો અને પેાતાના જ્ઞાનના સામર્થ્યથી પ્રભુને આવેલાં દશ સ્વપ્નો જાણીને તે બોલ્યો કે, હે :સ્વામી! તમેાએ રાત્રિને અન્તે જે દશ સ્વપ્ના જોયા છે તેનુ ફળ તો તમે પોતે જાણેા છો, તથાપિ હું ભકિતવશ થઈને કહું છું:-

👉 સ્વપ્નના ફ્લાદેશ.

૧. આપ મોહનીય કર્મનેા જલદીથી નાશ કરી શકશો.
ર. શુકલ ધ્યાન આપનો સાથ નહિ છોડે.
૩, વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ સૂત્રની આપ પ્રરૂપણા કરશેા.
૪. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે.
૫. ચાર પ્રકારનો દેવ સમુદાય આપની સેવામાં હાજર રહેશે.
૬. આપ સંસાર સમુદ્ર તરી જશેા.
૭. આપને કેવળજ્ઞાન થશે.
૮. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ સુધી આપનેા નિર્મળ યશ ફેલાશે.
૯. સમવસરણમાં સિંહાસન પર બેસીને આપ દેવ અને મનુષ્યની સભામાં ધર્મ પ્રરૂપણા કરશો.

આ પ્રમાણે નવ સ્વપ્નોનું ફળ તેા હું જાણું છું. પણ ચોથા સ્વપ્નમાં બે માળાઓ જોઈ તેનું ફળ જાણતો નથી.

પ્રભુએ શાન્તિથી જણાવ્યું કે, “હે ઉત્પલ ! મારા ચોથા સ્વપ્નનું ફળ એ થશે કે, સર્વવિરતિ અને દેશવિરતિરૂપ દ્વિવિધ ધર્મનો હું ઉપદેશ આપીશ. ’’

આ પ્રમાણે ફલાદેશ સાંભળી સર્વેને સંતોષ થયો. પ્રભુએ શૂલપાણી યક્ષના મંદિરમાં તેમજ ગ્રામજનતાએ આપેલ આવાસ- સ્થાનમાં રહી, પ્રથમ ચાતુર્માસ ગાળ્યું. યક્ષ પ્રતિબોધ પામ્યો અને તે સંપૂર્ણ ધર્માનુરાગી ને સમતાધારી બન્યા. ગ્રામલેાકો ને પણ પ્રભુના દર્શન-ભક્તિનેા લાભ મળ્યો.

આ ચાતુર્માસમાં પ્રભુએ અર્ધ અર્ધ માસની આઠ તપશ્ચર્યઓ પૂર્ણ કરી. ચોમાસુ પૂરુ થયે પ્રભુએ વાચાલ સન્નિવેષ તરફ વિહાર કર્યો.

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi